વેરાનમાં/એ સલ્તનને ઉખેડનાર
← હીનતાની તલવાર નીચે | વેરાનમાં એ સલ્તનને ઉખેડનાર [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] ૧૯૪૩ |
વીણાને નહિ વેચું → |
“રાટ્રનાં ગીતો મને રચવા દો, તો પછી પરવા નથી મને, કે રાષ્ટ્રના કાયદાઓ કોણ રચે છે.”
એક સ્કોટીન કવિ-સૈનિકનો આ બોલ જગતસાહિત્યમાં અમર બન્યો છે.
એ શું સાચું છે ?
બાનુ હલીદે હાનુમે એનો ઉત્તર તુર્કસ્તાનની તવારીખમાંથી ઉઠાવ્યો છે: વર્તમાન તુર્ક સાહિત્ય પરના એના વ્યાખ્યાનમાં પદભ્રષ્ટ અને હદપાર જાલીમ ખલીફ-સુલતાન અબ્દુલ હામીદના તખ્તને ડોલાવવામાં, આ તુર્ક રમણી કહે છે કે, કવિઓની અક્કેક કવિતાનો હાથ હતો
અબ્દુલ હામીદની જુલ્મજહાંગીરીના એ દિવસોમાં 'મુક્તિ’ અને 'દેશભક્તિ” શબ્દોનો ઉચ્ચાર માત્ર ફોજદારી અપરાધ લેખાતો. એ પ્રતિબંધોએ લેખકોને ધર્મના તથા ભૂતકાળના કટ્ટર દુશ્મનો બનાવ્યા. તે સહુનો મોવડી, ને એ સંપ્રદાયનો સમર્થ પ્રતિનિધિ હતો તૌફીક ફીક્રત.
‘ધુમ્મસ’ નામનું એનું સુપ્રસિદ્ધ કાવ્ય છે. એ કાવ્યની ટેક-પંક્તિનો મર્મ આ છે.
“ઓઢી લે, ઓ મારી નગરી ! ઓ કરુણ પાયમાલી ! ધુમ્મસનું આ શ્યામ કફન ઓઢી લે ! અને સદાની નીંદમાં પોઢી જા !"
તુર્ક વિદુષી સાક્ષી પૂરે છે કે અબદલ હામીદના પતનમાં આ કાવ્યનો જબરો હિસ્સો છે.
એવું જ જોરાવર એક લાંબુ કાવ્ય તૌફીક ફીક્રતે સુલેહ અને બંધુપ્રેમનો સંદેશ આપવા માટે રચ્યું: જગતમાં પૂજાતી આવતી પ્રચલિત વીરતાને એણે ધિક્કાર દીધો.
“વીરતા ! –નર્યા રક્તપાત ને નરી બર્બરતા."
“વિજય–એક ઘાતકી સંહારલીલા."
“જેમાં પગ મૂકવા જેટલી જગ્યા નથી: શબો અને યાતનાઓ જ્યાં ખદબદી રહ્યાં છે: લીલાં ધાન્ય સફા થયાં છે: ઘાસનાં તરણાં, અરે લીલા શેવાળ પણ ચીમળાયાં છે."
“કુટુંબોનાં કુટુંબો ઉખડી ગયાં છે: ઘરો ને શેરીઓ સુનકાર બનેલ છે : હર એક આાંગણું કબ્ર બનેલ છે, ને હરએક ખોરડું અનાથ બાલકોનાં સિર પર કડડભુસ તૂટી પડી ઢગલો બને છે.”
"એનું નામ–વિજય. એનું નામ વીરતા.”
જાલીમીના પાયા ખોદનાર એ બીજું કાવ્ય. ત્રીજા કાવ્યમાં તૌફીક ફીક્રતે આશાના સૂરો ઝંકાર્યા.
“માનવી, મને શ્રદ્ધા છે કે માનવી જગતમાં સ્વર્ગ ઉતારશે."
“પણ એના હૃદયમાં રોષ કે બળવો નહિ હોય."
“રકતપાતમાંથી હિંસા ને હિંસામાંથી રકતપાત જન્મે છે."
“વૈર અને ધિક્કારની જ્વાલા રુધિર રેડ્યે નહિ ઓલવાય.”
“માનવી માનવીનો બાંધવ છે. ભલે તમે એને સ્વપ્ન ભાખો, પણ મુજ સરીખાં હજારો જ્યાં એ સ્વપ્નમાં શામિલ છે."
“જાલીમીને જો તોપો દારૂગોળા અને દુર્ગો છે, તો નેકીને એક એવું આયુધ છે, કે જે કદી નહિ હારે; એક એવી છાતી છે, કે જે સદાય સન્મુખ રહેશે."
ફીક્રતથી ઉલટી જ વિચારધારા વહાવી મહમદ અકીફે. એણે ધર્મભાવનાને ઊર્ધ્વગામી ગણી, ને એણે પ્રબોધ્યું કે ભૂતકાળને અવગણનાર કોઈ પ્રજાને માટે ઉજ્જવલ ભાવી નથી ઊગવાનું. પણ એનો અર્થ એ નથી કે અકીફને પૂર્વ કશી વિચારભ્રમણ હતી.
“પૂર્વ ઉપરના એના લાંબા કાવ્યમાં અકીફ પૂર્વનું કેવું ચિત્ર દોરે છે:
"પૂર્વના ઓ પ્રવાસી ! તેં ત્યાં શું દીઠું?"
"મેં દીઠાં, એક છેડેથી બીજા છેડા લગી ખંડિયેરો, નેતા વિનાની પ્રજાઓ, માંદલાં કરચલીયાળાં અગણિત મોઢાં, વળી ગયેલી કમ્મરો, ભેજા વગરનાં મસ્તકો, નઠોર નઘરોળ હૈયાં, કાટેલી નિર્ણયબુદ્ધિ, જુલ્માટ, ગુલામી ને યાતનઓ, અનુયાયીઓ વગરના આચાર્યો અને ભાઈને હણતા ભાઈઓ, ઉદ્દેશહીન દિવસો ને ભવિષ્યહીન રાત્રીઓ."
મદામ હાનુમે તુર્ક ક્રાંતિનો ત્રીજો જ્યોતિર્ધર નઝીમ હીકમતને ગણાવ્યો. નઝીમ હીકમતે રશિયાના સામ્યવાદમાંથી પ્રેરણા પીધી છે: પૂર્વ વિશેના એના ખયાલો પણ લાક્ષણિક છે. એ ગાય છે કે –
“પૂર્વ એટલે શું માયાવાદ,:સંતોષ અને કિસ્મત: રૂપાના થાળ પર નૃત્ય કરતી રાજ કુમારી, મહારાજાઓ ને પાદશાહો : પગને અંગુઠે વણાટ કરતી પોપટીઆ નાકવાળી રમણીઓ, ને હવાઈ મિનારતો પરથી બાંગો લલકારનારા – કલપદાર દાઢીવાળા ઇમામો......! “ના રે ના, પૂર્વ આવું કલ્પનારંગી કદાપિ નહોતું, નથી, ને નહિ બને."
“પૂર્વ એટલે તો મજૂરી ખેંચતા ને તૂટી મરતા ગુલામોની ભૂમિ. પૂર્વ એટલે પૂર્વવાસીઓ સિવાયના સર્વ કોઈનો મુલક !”
આ ગીતોએ તુર્કીની સૈકાપુરાણી સલ્તનતનાં સિંહાસનો પછાડ્યાં, નૂતન તૂર્કને જન્મ દીધો.