વેરાનમાં/ત્રણ જીવતા ગડૂદિયા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ખંડેરો બોલે છે વેરાનમાં
ત્રણ જીવતા ગડૂદિયા
[[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]]
૧૯૪૩
વડવાંગડું →


ત્રણ જીવતા ગડૂદિયા
 


ત્રણ જ વર્ષો ઉપર જાપાનની પ્રજાસમસ્તે અને જાપાનની રાજસત્તાએ, બેઉએ એક મળી વીર-સ્મારક કર્યું. એક પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.

એ પ્રતિમા આવી છે: ઊંચો ઓટો: ઓટા ઉપર ત્રણ દોટ કાઢી રહેલા નવયુવક યોદ્ધા; ત્રણેના છ હાથમાં ઝાલેલી બાર ફૂટ લંબાઈની ને ચાર તસુ પહોળાઈની એક તોપ.

સ્મારકના આ સ્થંભ ઉપર લખ્યું છે : “ત્રણ જીવતા ગડૂદિયા."

આ ત્રણ હતા, ચીન દેશના શેંઘાઈ બંદર પર રોકવામાં આવેલી જાપાની પલટનના ત્રણ પેદલ સિપાહીઓ. ઈ. સ. ૧૯૩૩ ના ફેબ્રુઆરી મહિનાની ૨૨ મી તારીખને પરોઢિયે એ ત્રણે જણાએ પોતાનાં શરીરના ફુરચા ઉરાડી દઈને પણ ચીનાઈ સૈન્યના અભેદ્ય મોરચાની અંદર એક લાંબી નાળ્યનો ભયાનક ભડાકો કરી ત્રીશ ફુટ પહોળો માર્ગ ખુલ્લો કર્યો, ને એ માર્ગેથી ધસારો ચલાવી જાપાની લશ્કરે જંગી ચીનાઈ ફોજને સાફ કરી મૂકી.

ચીનના પ્રદેશોને ચાંપતું ચાંપતું જાપાની સૈન્ય કતલ ચલાવે જાય છે. એક ઠેકાણે ચીની મોરચા એ શત્રુઓની રૂકાવટ કરવા સફળ નીવડ્યા છે. જાપાનની યુદ્ધ કુશળતા ત્યાં લાચાર બને છે. એકેય કારી ફાવતી નથી.

કાંટાળા તારથી ગૂંથેલી બેવડી ત્રેવડી જાળી : જાળીની પાછળ ઠાંસોઠાંસ ગોઠવી દીધેલી રેતીની ગુણોની ઘાટી થપ્પીઓ. ને એવી બે ત્રણ થરી થપ્પીઓની ઓથે ધરતીમાં ખાઈઓ ખોદી એ ખાઈઓની આડશેથી મરણીઆ ચીનાઓ તોપો, બંદુકોનો સતત મારો ચલાવે છે.

તારની જાળીને તોડ્યા સિવાય, કોથળાની થપ્પીઓનો નાશ ઉડાવ્યા સિવાય, જાપાની ફોજની આગેકદમ અશક્ય છે. એ કિલ્લેબંદીને તોડવા જતા સૈનિકો અધવચ્ચેથી જ ચીનાઈ બંદુકોના ભોગ બને જાય છે.

ઓથ લેતા લેતા, લપાઈલપાઈ છેક નજીક પહોંચી જતા જાપાનીઓ પણ હજુ તો જ્યાં દારૂગોળાની નાળીઓને યોગ્ય સ્થાને મુકી જામગરી ચેતાવે ત્યાં તો સનનન...... ચીનાઈ ગોળી એનાં માથાં ઉડાવી ભોગ લે છે. ચીનાઈ મોરચાની નજીક પહોંચવાની કોઈની મગદૂર નથી રહી.

ફેબ્રુઆરીની રાત ઠંડીનું કરવત ચલાવી રહેલ છે. સેનાધિપતિનો આદેશ મળેલ છે કે કાલ પરોઢિયે અચૂક ધસારો કરવાનો છે, કાં તો ચીનાઈ કિલ્લેબંદીને ભેદવી છે, નહિ તો તે દિવાલ પર સેંકડોની આહૂતિ ચઢાવી નાખવી છે. પાછા નથી ફરવું.

ઝીણે દીવે જાપાની ખાઈમાં ત્રણ જુવાનો જાગે છે. મોં પરથી હજુ માતાનું દૂધ સુકાયું ય નથી. હોઠ ઉપર પત્નીઓનાં છેલ્લાં ચુંબનોએ મુકેલી લાલપ જાણે હજુ ભીની ભીની છે. ખાઈની દિવાલોના ઓળા એવાં ત્રણ મીઠાં મોંની ઉપર મૃત્યુની આંગળીઓ ફેરવે છે. ત્રણે જુવાનો વિચાર કરે છે.

શો વિચાર કરતા હશે ? અન્ય સહુથી સવાયું પોતાનું શૂરાતન જ બતાવવાનો વિચાર ?

દેશબાંધવોનું આખું દળ કટક નાશ પામી જાય તેના કરતાં આપણા ત્રણના ભોગે જ એ સહુને ઉગારી લઈએ એવો કોઈ વિચાર ?

કે એક રાષ્ટ્રની શોણિત-પ્યાસ, બીજા રાષ્ટ્રને ખાઈ જવા માટે પોતાના હોઠ ઉપર જે 'દેશપ્રેમ'ની મધુર લાલી લગાવે છે તેવા કોઈ દેશપ્રેમ ઉપર ખતમ થઈ જવાની પશુતા જ તે ત્રણેનાં હૃદયમાં જાગતી હતી ?

કોણ જાણે ! કોઈને નથી ખબર, કે એ ત્રણેના મધરાતના મનસુબા શા શા હશે.

પરોડ થયું. ત્રણે જુવાનો એ ખાઈનો મુકામ છોડ્યો. કોઈ ન જાણે તેવી ગુપ્ત રીતે દોડ્યા. હાથમાં સળંગ બાર ફુટ લાંબા અને ત્રણ તસુ પહોળા વાંસની લાંબી, વજનદાર નાળી હતી. નાળીમાં ઠાંસોઠાંસ દારૂગોળો ભર્યો હતો. અને-અને-એ નાળીની જામગરી સળગી ચૂકી હતી.

સળગતી જામગરી સમેત નાળી ઉઠાવીને ત્રણે જુવાન દોડ્યા, બિલ્લી-પગલે દોડ્યા. લપાતા લપાતા સામેથી ચાલી આવતી ગોળીઓની ઝડીઓને ચુકાવતા ગયા. અને છેક કિલ્લેબંદીને પહોંચી ગયા ત્યારે અહીં જામગરી પણ નાળીના છેક કાન સુધી પહોંચી ગઈ એક જ મિનિટ મોડું થયું હોત તે નાળીનું ફાટવું નિરર્થક જાત.

નાળી ફાટી, તોપ ફાટે તેટલો મોટો ભડાકો થયો, ચીનાઈ કિલ્લેબંદીના ફુરચા થયા. ત્રીસ ફુટનો માર્ગ મોકળો પડ્યો.

એ માર્ગેથી ચીનાઈ સૈન્ય ઉપર ધસતા જાપાની સૈનિકો ત્રણ માનવીઓનાં વેરણ છેરણ થઈ પડેલાં અંગો જોતા ગયા.

ત્રણેનું મૃત્યુ રાષ્ટ્રપ્રેમના બલિદાન રૂપે ઉજવાયું, ત્રણેનાં બાલબચ્ચાં માટે પ્રજાએ ગંજાવર ફાળા કર્યા. ત્રણેની માતાઓને શહેનશાહ મિકાડોએ વીરોની, દેશભક્તોની માતાઓ કહી ધન્યવાદ મોકલ્યા, ત્રણેની શહિદીનું સ્મારક જાપાની પ્રજાની ચિરવદનાનું સમાધિમંદિર બન્યું : “ત્રણ જીવતા ગડૂદિયા.”

ત્રણ જીવતા ગડૂદિયા ! ત્રણ વીરોનું આત્મસમર્પણ ! ત્રણ સિપાહીઓની રાષ્ટ્રભક્તિ !

કોને માટે? શાને માટે ? માતૃભૂમિના કયા ઉગારને માટે ?

નહિ-એક નિરપરાધી પાડોશી રાષ્ટ્રના સંહારને માટે : લશ્કરવાદ અને સામ્રાજ્યવાદ નામે જાણીતા થયેલા બે જાપાની દૈત્યોના સત્તાવિસ્તારને માટે.

મરેલા ત્રણેના આખરી મનોભાવ, કોણ જાણે, કયા હશે.

પણ આ સ્મારકો, સમાધિ-મંદિરો, કીર્તિસ્થંભો, ને ધન્યવાદોમાંથી કેવી એક કરૂણતા વિલાપ કરે છે.

મહત્ત્વાકાંક્ષા ! જમાને જમાને તને આવી ભક્તિ સાંપડી છે. નવીન એમાં શું છે ?