વેરાનમાં/નવને વળાવ્યા

વિકિસ્રોતમાંથી
← માનવપ્રેમી સાહિત્યકાર વેરાનમાં
નવને વળાવ્યા
[[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]]
૧૯૪૩
મોતની અંધાર-ગલીમાંથી →


નવને વળાવ્યા
 


જે એ બુઢ્ઢો બગીચાનો રખેવાળ બન્યો છે. બાબાગાડી લઈને આવનારી આયાઓ પ્રત્યે એ વિનય કરે છે: નાનાં બચ્ચાંઓને રમાડે છે. ભૂલાં પડેલાં કૂતરાં કુરકુરીઆને પંપાળી પાંઉનાં બટકાં નીરે છે. કોઈ કોઈવાર એના હોઠ ફફડી ઊઠે છે: ને બે દાયકા પૂર્વેની પોતાની કથા એ બાગમાં આવનારાઓ પાસે બોલી નાખે છે:

“સાત ને બે નવ વાર : નવ જણાને મેં એમનાં આખરી મુકામ સુધી સાથ દીધો છે. મોતની સાથે હું નવ પરોડીઆં ફરી આવ્યો છું. આ હાથે મેં નવ જુવાનોની આંખે ધોળા પાટા બાંધ્યા છે, નવ દુ અઢાર હાથનાં કાંડાંને રસી ઝકડી છે, ને નવ જુવાન છાતીઓને છેલ્લી ગોળીઓ ઝીલવા માટે ઉઘાડી કરી છે.

“એ નવે જણા મોતને કેવી કેવી રીતે ભેટેલા, તે બધું ય મને આજ તલેતલ યાદ આવે છે. એકેએક જણ મારી નજર સામે તરવરે છે. “સરકારના કાળા કિલ્લાની લશ્કરી જલ્લાદ ટુકડી માંહેનો હું સાર્જન્ટ હતો. મહાયુદ્ધનો એ મામલો હતો. પરદેશી જાસુસો પકડાતા એના ઉપર મુકર્દમો ચાલતો ને એને છેલ્લી સફર ખતમ કરાવવાનું કામ અમારું હતું. : મારે ભાગે નવ જાસુસો આવ્યા હતા."

“કેવો એ એક્કેકો જણ ! હજુ મારી આાંખો સામે રમે છે. એક જુવાને છેલ્લી પળે પોતાનાં માતાપિતાની છબીને ચૂમી ચોડી. બીજો છેલ્લાં કદમ ભરતો ભરતો 'આઘે આઘે મારા બાળપણનું ગામ’ નામે ગીત લલકારતો ગયો, ને બાપડો ત્રીજો એક તો તે દહાડે બે વાર મુઓ ! એક ખાનગી મોત, ને બીજું દફતરી મોત : પ્રથમ તો હું એના હાથ બાંધતો’તો ત્યારે જ એનું કલેજું ફાટી પડ્યું ને તે પછી થોડીક જ ઘડીએ આઠ રાઈફલોએ એના કલેજા ઉપર તડાતડી બોલાવી.

“સહુથી વધુ જીવતી યાદ મને એક વલંદા જાસુસની રહી ગઈ છે, ખરે, સજ્જન, ખરો જવાંમર્દ–વાહ શૂરવીર !"

“મૂળ હોલેન્ડ દેશની રૂશ્વત મેળવીને નીકળેલો. અમેરિકાનો પાસપોર્ટ કરીને અહીં ઉતર્યો. પકડાઈ ગયો. તપાસ થઈ તોહમત ચાલ્યું. ઠાર કરવાની સજા મળી."

“૧૯૧૫ ના ઓક્ટોબર માસની ૨૬ મી તારીખે અમે એને તુરંગમાં તેડવા ગયા. કોટડીમાં દાખલ થતાં જ એ ઊભો થયો. બેઠી દડીનું લઠ્ઠ બદન : તોપના ગોળા જેવું માથું : કાળી ભમ્મર ઝીણી દાઢી : મોટા વિદ્વાનનો આભાસ કરાવતાં ચશ્માંની આરપાર પડકાર દેતી બે ચોખ્ખી આાંખો; ને આખા જ ચહેરા ઉપર ચિંતન, ચોકસાઈ ચોખ્ખાઈનો માપબંધ દમામ.

“એને હાથકડી નાખીને અમે લઈ જવા લાગ્યા ત્યારે એણે પૂછ્યું. 'મારે કયાં જવાનું છે ?' "

“અમે કોઈ બોલ્યા નહિ.”

“ટેક્સીમાં બેઠો બેઠો એ દુનિયાને નિહાળતો હતો. એને ખબર નહોતી કે આ દ્રષ્ટિપાત આખરી હતો. ધીરે ધીરે કિલ્લો નજરે પડ્યો. મોં મલકાવીને એણે ઉચાર્યું : “ઓ–હો ! સમજ્યો ! આ તો ટુંકી કેડીની મજલ !”

“કિલ્લાની નાની કોટડીમાં એ જ પ્રભાતે એને એનું તોહમતનામું ને સજા વાંચી સંભળાવવામાં આવ્યાં : “કાલે સવારે તને ઠાર મારવામાં આવશે.”

“એક હરફ પણ બોલ્યા વગર એ નિયમસર શિર ઝુકાવીને વળી નીકળ્યો. એ છેલ્લા દિવસની છેલ્લી રાત એણે જે કોટડીમાં બેસીને વિતાવી તેની બારીને બંધ કરી લેવામાં આવી હતી. બહારથી સંત્રીની નજર પડી શકે તે ખાતર રાખવામાં આવેલ છ તસુના બાંકોરા સિવાય હવા ઉજાસને કોઈ રસ્તો નહોતો. ત્યાં એકાકી બેસીને એ આખો સમય પોતાનો સંપૂર્ણ એકરાર લખતો રહ્યો."

“પરોઢીએ એ નાની કોટડીમાં ધર્મગુરુએ પ્રવેશ કર્યો. પૂરી સાઠ મિનિટ સુધી એ બાંઠીઆ માનવીએ અદબ અને ચોકસાઈથી માલિકની જોડે પોતાનો હિસાબ ચોખ્ખો કર્યો. “થોડી વારે એણે લગાર બ્રેન્ડી પીધી, ચહાનો પ્યાલો પીધો ને થોડાં બીસ્કીટો ખાધાં. ત્યાં તો અમે જઈ પહોંચ્યા.

“તૈયાર છે તું ?” અમારા અફસરે એને હાક દીધી.

“બેશક બેશક.” કહીને એણે હંમેશની ચોકસાઈથી દાઢી મૂછના વાળ ઓળ્યા.

“કાળા કિલ્લાની રાંગના એ ગમગીન ઓછાયા નીચે એને ત્રણસો કદમો ભરવાનાં હતાં. માટીના કોથળાની થપ્પીઓ જોડે સાંકળેલી એક ખુરસી ઉપર એને બેસાડવામાં આવ્યો."

“બેસતા પહેલાં એણે એકાએક અમારી, ત્રણે વળાવીઆઓની તરફ ફરી પોતાનો પંજો લંબાવ્યો. અમારી ત્રણેની જોડે એણે કસકસતું હસ્ત-મિલન કર્યું. પછી વણથોથરાયલી શુદ્ધ જબાનમાં એણે અમને કહ્યું : “સલામ છે દોસ્તો ! મેં પણ મારી ફરજ જ અદા કરી હતી. તમે પણ સુખેથી તમારી ફરજ બજાવો.”

“ને હવે હું આા ગોળીઓ છોડનારાઓની જોડે હાથ મિલાવી લઉં ?”

“તેઓની જોડે પણ એણે હાથ મિલાવ્યા."

“પછી તો મેં ખુરશીની સાથે એનાં કાંડાં બાંધી લીધાં. એની આાંખે ધોળો પટ્ટો કસકસાવ્યો. ને એનાં કોલર નેકટાઈ ઉતારીને એના ડાબા કલેજાની બાજુનું પહેરણ ખેંસવી નાંખ્યું.

આઠ રાઈફલોમાંથી છુટેલી ગોળીઓએ એ બાંઠીઆ આદમીને નજીવી એક ચમક ખવરાવી. “ને આજ મને બરાબર યાદ છે, કે એક મિનિટ બાદ મેં જ્યારે એની આાંખનો પાટો છોડ્યો, ત્યારે એના મોં ઉપર મલકાટ હતો."

“એ દેખીને મને મનમાં થયેલું કે વાહ દોસ્ત ! ભલેને તું જાસુસ હોઈશ. પણ તે ખાનદાનીથી મરી જાણ્યું.”

“વીસ વર્ષો પરની એ યાદને ઉકેલતો બુઢ્ઢો બાગબાન આજે માયાળુ હાથે લંડનના એક બાગમાં આયાઓને, બાબાંઓને, ફૂલોને તથા ભૂલાં પડેલાં કૂતરાંને હેત કરે છે."