વેરાનમાં/નીતિને નામે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← "મૃત્યુ મરી ગયું રે લોલ" વેરાનમાં
નીતિને નામે
[[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]]
૧૯૪૩
હીનતાની તલવાર નીચે →


નીતિને નામે
 


(૧)

'એનું સ્વાગત કરીએ. એ વિરાટ સાહિત્યકાર પોતાના સ્વદેશની મુક્તિ માટે અહીં આપણું કુમક માગવા આવે છે.

'આપણે સ્વાધીનતાનાં સંતાનો છીએ. માનવીના મુક્તિયુદ્ધમાં આપણો સહકાર જ શોભે. એ મહાપુરુષને શોભીતું સ્વાગત આપીએ.'

રશીયાને ઉગારવા માટે એક ભિક્ષા-ઝોળી લઈને મેક્સીમ ગોર્કી જે દિવસ અમેરિકાને કિનારે ઊતર્યો, તે દિવસે અમેરિકાના માલેતુજારોએ મહેમાનના રાજસન્માનની તૈયારી કરી.

(૨)

'મહેમાનનું સ્વાગત રદ કરો. એણે આપણા દેશની સંસ્કૃતિને અપમાન દીધું છે. આપણા ગૌરવની એણે અવહેલના કીધી છે. એણે આપણી લગ્નસંસ્થાની પવિત્રતા પર મલિન ઓછાયો નાખ્યો છે: એને જે સ્ત્રી છે, તે ધર્મક્રિયા મુજબ પરણેલી નથી, એટલે કે રખાત છે. આટલા સારૂ ગોર્કીને તિરસ્કારો, નીચું જોવરાવો. ગોર્કીએ અધર્માચરણ કર્યું છે. એવાનાં સ્વાગત ન હોય.'

“અરે ભાઈઓ !” ગોર્કી કહે છે: “એ મારી રખાત નથી. મારી પત્ની છે. બેશક મેં ધાર્મિક વિધિથી લગ્ન કર્યું નથી, કારણ કે હું ક્રાંતિવાદી મંડળનો જુવાન છું. ધર્મોચ્ચાર હો વા ન હો અમને તેની પરવા નથી. અમારું પરણેતર પુરોહિતે ભાખ્યું જૂઠ લગ્ન નથી. દિલદિલનું મુક્ત લગ્ન છે. એ લગ્નને ન અપમાનો."

પ્રજાનો કહેવાતો શિષ્ટાચાર જાગી ઊઠ્યો. પરદેશી પરોણા સામે બહિષ્કાર ફૂંકાયો; સભાગૃહોમાં ને અખબારોની અંદર ગોરકીના નામે સામે કાદવ ફેંકાયો.

સામાન્ય પ્રજાજનનું તે ઠીક – પણ સાચું દેવાળું ફૂક્યું અમેરિકાના વિદ્વાનોએ, સાહિત્યકારોએ. તેઓએ ગોર્કીથી પોતાનાં મોં સંતાડ્યાં. ધનિકોના એ આશ્રિતો નાઠા. ગોર્કી પ્રત્યે એમણે પીઠ ફેરવી. ભલભલા સાહિત્ય–ધુરંધરોની મૂછનાં પાણી તે દહાડે ઊતરી ગયાં.

“શું કરીએ ભાઈ ! જીવવું તો રહ્યું જ ને ?” સાહિત્યકોએ માથાં ખંજવાળ્યાં.

નીતિને નામે એ વિદેશી યુગલની પાછળ અખબારોએ આક્રોશ અને અટ્ટહાસનાં શ્વાને હુડકારી મુક્યાં. એક હોટેલમાંથી બીજીમાં હડધૂત થતો ગોર્કી આથડ્યો. એનું કાર્ય ધૂળમાં રગદોળાયું. એ પાછો ગયો.

( ૩ )

આ 'નીતિહીનતા’ના દેશવ્યાપી પોકારની પછવાડે શું ઊભું હતું ? સાચી વાત એ હતી કે રશિયાઈ સાહિત્યસ્વામી ગોર્કીનો ગુન્હો સામાજિક નહિ, રાજદ્વારી હતો; કોલસાખાણોના માલેકોને એ છેંછેડી બેઠો હતો. ખાણ-માલેકો અને ખાણીઆ મજૂરોની વચ્ચે એક વિગ્રહ થયેલો. તેને અંગે તેમાં ખાણીઆના બે આગેવાનો સામે જીવસટોસટનો મુકદમો ચાલી રહ્યો હતો. એ બે ગરીબોની ઉપર ગોર્કીએ સહાનુભૂતિનો એક તાર કરેલો હતો. ગોર્કીનો એ અક્ષમ્ય ગુનો હતો.

લગ્નનીતિને તો એ ધનિકોએ ફક્ત પોતાનું હથિયાર બનાવ્યું. કેમકે ગોર્કીને બીજી કોઈ રીતે ખતમ કરી શકાય તેમ નહોતું.