લખાણ પર જાઓ

વેરાનમાં/મોતની રાત

વિકિસ્રોતમાંથી
← આત્માની એરણ પર વેરાનમાં
મોતની રાત
[[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]]
૧૯૪૩


મોતની રાત
 


સંહારતો સંહારતો એ ગાય છે. ગત મહાયુદ્ધમાં એ લશ્કરી અમલદાર હતો. સરકારી વિમાનસૈન્યમાં એ એક વિમાનનો સારથી હતો. એનું કામ રાત પડતાં શત્રુ-પ્રદેશ ઉપર હવામાંથી બોમ્બો વરસાવવા જવાનું હતું. સ્વાનુભવને એણે કાવ્યમાં ગાયો.

સંધ્યા-કાલ
ફડફડીને મરી જાય છે.
આભની ઘેરાતી કાળાશમાં
ચંદા-પરી સળગે છે.
ફળફળતા શરાબ જેવા
જાંબલીરંગી તારલા
રાત્રીના ઝળાંઝળાં પછેડા પર
ઝબૂક ઝબૂક કરે છે


પ્રત્યેક રૂપેરી માર્ગ ઉપર
ધફડાં દેડકાં, પેટ ધસતાં
નીકળી પડ્યાં છે.
ચીબરી ને ધૂવડ બોલે છે.
વૃક્ષોની આસપાસ,
વેગીલાં ચામાચીડિયાં ચકર ફરે છે,
ખેતરોના ઉંદરડા દરમાંથી નીકળી રહેલ છે.


હું યે નિશાચર પંખી–
મારે યે હવે ચક્કર ચઢી
આકાશે ઊડવાનું :
ને એ અંધારા પ્રદેશ ઉપર
નિર્દય, છુટ્ટે હાથે, ભરી દાઝે,
ઝેરના ગોળા વેરવાના !


રાતનાં જીવડાં–
કંસારી ને વાંદા
ચક્કર ફરતી પાંખે
સંધ્યાના હૈયામાં

ઉદાસીના સ્વરો ભરે છે.
મારી યે રાત-ફેરીમાં
આ પાંખાળાં એન્જીનો રાત્રિને વીંધે છે
તેમ તેમ હુંયે એક જન્તુ શો
મારા વિલાપ–સ્વરોને હવામાં ભરૂં છું.


હું વરસાવું છું
મૃત્યુ, રૂદન, વેદના :
ઓહ ! મારાં સંહારેલાંઓ,
જીવતાં રે’જો–જીવતાં રે'જો !
તમને હું નથી ઓળખતો;
મેં તો આાંખો મીંચીને માર્યા છે;
અણજાણ્યાં હૃદયમાં અકલ વેદના ભરી દીધી છે.


આકાશમાંથી આવો સંહાર વેરવા
મને આદેશ દેનારા ઓ યુદ્ધ !
હજારો લ્યાનતો હોજો તને !
ઓ શાંતિ–તારલા !
પૂર્વમાં જલદી ઊગજે
કે મુજ જેવાના સંહારક હાથથી
માનવી પરિત્રાણ પામે.