વેરાનમાં/રંગમાં ભંગ
← મારા પુત્રની ઇજ્જત | વેરાનમાં રંગમાં ભંગ [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] ૧૯૪૩ |
ચોપડીઓનો ચોર → |
આજે ગ્રાન્ડ રીહર્સલ હતી : નાટકશાળા સન્માનિત મિત્રોથી શોભતી હતી.
“ઈન્દ્રનો અભિશાપ ” નામનો નવો ખેલ આવતી કાલે તો નગરને ઘેલું કરશે.
ગઝબ 'સેટીંગ' કર્યું હતું ડાયરેકટરે. ગાંધર્વ-કુમારી પોતાની સખીઓ સંગાથે ‘આંધળો પાડો' રમી રહી છે.
અમરાપુરીની અટારીઓ, સ્થંભો, દીપમાલા, લતામંડપ, ફૂલવાડી, ઝલમલ, ઝલમલ, ચોમેર ઝલમલ: ને એની વચ્ચે ગાંધર્વ–કુમારીને રમાડતી પંદર દેવકન્યાઓ. અંગે અંગે આભરણ. અંબોડે ફૂલવેણીઓ, ગળામાં ઝુલતા ડોલર–હાર, કાને મંજરીઓ લહેરાય છે – ને દેવગાયકોનું સંગીત ચાલે છે.
શી રસ-જમાવટ ! કવિએ તો કમાલ કરી હતી. દોસ્તોના ધન્યવાદોના ધબ્બા કવિની પીઠ પર ગાજી રહ્યા. અચાનક રંગમાં ભંગ પડ્યો, ચાર વરસને એક કંગાલ છોકરો દોઢ વર્ષની – જાણે ગટરમાંથી ઉપાડી આણી હોય તેવી એક છોકરીને તેડીને સ્ટેજ પર આવ્યો ને એણે ખૂમ પાડીઃ
“મા, એ મા, ભેંણ ભૂખી હુઈ હૈ. મા, ધવરાવગી ? મા...મા...મા...”
“હટ, હટ, હોટ એય બેવકૂફ !” એ હાકલ કોની હતી ? કવિની પોતાની જ: "કોણ છો તું ગમાર?”
છોકરાની કમર પર છોકરી ડઘાઈ ગઈ. છોકરાએ કહ્યું: “ મેરી મા – મેરી મા કાં હે ? મેરી ભેંણ ભૂખી-”
“અત્યારે તારી મા ! અત્યારે તારી બહેનને ધવરાવવા તારી મા નવરી છે ? જોતો નથી ? ઉતર ઝટ નીચો.”
એટલું કહીને કવિએ મિત્રો તરફ જોયું: “છે ને ડફોળ ! બરાબર અત્યારે ધવ—” કવિ હસ્યા. મિત્રો હસ્યા, નટનટીઓ હસ્યાં.
છોકરાની વાંકી વળેલી કેડે છોકરી રડવા લાગી. રમતી દેવકન્યાઓ તરફ લાંબા હાથ કરવા લાગી. એક દેવકન્યા જુદી પડી, નજીક આવી. છોકરીની સામે તાકી રહી.
“કેમ મરિયમ ! શું છે ?” ડાયરેક્ટરે બૂમ પાડી.
"મેરી લડકી હે – ભૂખી હે一” “ભૂખી છે તો જા મરને ! ઝટ પતાવને ભૈ !” કવિએ ત્રાસ અનુભવ્યો.
દેવકન્યાના ઝળાં ઝળાં પોશાકમાં મરિયમે 'મેરી લડકી'ને તેડી લઈ સ્ટેજની વીંગ પછવાડેના એક ખૂણામાં ઊભે ઊભે જ છોકરીને છાતીએ લીધી.
બધા ખૂબ ખૂબ હસ્યા.