વેળા વેળાની છાંયડી/કરો કંકુના

વિકિસ્રોતમાંથી
← નણંદ અને ભોજાઈ વેળા વેળાની છાંયડી
કરો કંકુના
ચુનીલાલ મડિયા
પંછી બન બોલે →





કરો કંકુના
 


આખરે, રંગમાં ભંગ પડ્યો જ. ઓતમચંદે ઉદ્વેગ અનુભવ્યો. લાડકોર, થઈ ગયેલી ભૂલના પશ્ચાત્તાપમાં ડૂબી ગઈ. એકમાત્ર મુનીમ મનમાં હરખાયો.

મકનજીનો આ હરખ એના મનમાં મર્યાદિત નહોતો રહ્યો. ‘હરિનિવાસ’માં હાજર રહેલા સહુ મહેમાનોને એણે સીધી યા આડકતરી રીતે દકુભાઈનાં રૂસણાંના સમાચાર કહી સંભળાવ્યા ત્યારે એના જીવને શાંતિ વળી.

ઓતમચંદે વાસ્તુવિધિ આટોપ્યો, પણ જરાય ઉત્સાહ વિના.

ઉત્સવને અંતે સંતોકબાએ કપૂ૨શેઠને એક ખૂણામાં બોલાવીને વાત કરી:

‘ઓતમચંદ શેઠનો નાનો ભાઈ તમને કેમ લાગ્યો ?’

‘તને કેમ લાગ્યો એ કહેની !’ કપૂરશેઠે સામો એ જ પ્રશ્ન કર્યો.

‘મારી તો નજરમાં વસી ગયો છે.’

‘મને પણ છોકરો તો પાણીવાળો લાગે છે. એની હુશિયારી અછતી નથી રહેતી.’

‘ને આપણી નાનકડી જસી મને કે’તી’તી કે ચંપાને પણ નરોત્તમ બહુ ગમી ગયો છે…’ સંતોકબાએ પાકટ ઉંમરે પણ આ ગમી જવાની વાત કરતાં જરા લજ્જા અનુભવી.

‘ચંપાને ગમ્યું તો ભગવાનને ગમ્યું એમ ગણવું,’ કપૂ૨શેઠે પુત્રીની પસંદગી ૫૨ ભગવાનને નામે પોતાની મહોર મારી દીધી.

‘તો ઓતમચંદ શેઠને કાને વાત નાખો.’

‘પણ શેઠ માનશે ખરા ?’

‘શું કામે ન માને ? મારી ચંપામાં કંઈ કહેવાપણું છે ? આવી દીકરી તો જેના ઘ૨માં જાય એનો ભવ સુધરી જાય.’

‘પણ સાંભળ્યું છે કે નરોત્તમ સારુ તો મોટી મોટી આસામીનાં ઘરનાં કહેણ આવ્યા કરે છે—’

‘આપણે ભલે નાની આસામી ગણાઈએ. પણ દાણો તો દાબી જુઓ !’ સંતોકબાએ વહેવારની વાત કહી. ને પછી એવી જ વહેવા૨ની એક કહેવત ઉમેરી: ‘ઉક૨ડી દેખે ત્યાં સહુ કચરો નાખવા જાય—’

બરોબર એ જ વખતે બાજુના ઓરડામાં લાડકોર ઓતમચંદને કહી રહી હતી:

‘કપૂરશેઠની ચંપાને તમે જોઈ ?’

‘કેમ ભલા ?’

‘આપણા નરોત્તમભાઈનું ચંપા હારે ગોઠવાય તો જુગતે જોડી જામે એમ છે.’

‘પણ નરોત્તમ તો હજી ના ના કીધા કરે છે એનું શું ? ઓતમચંદે પોતાનો અનુભવ કહી સંભળાવ્યો.

‘હવે આ ચંપાને જોઈને ના નહીં કહે.’

‘તેં કેમ કરીને જાણ્યું ભલા, કે ના નહીં કહે ?’

‘આવી વાતમાં તમને ભાયડાઓને શું ખબર પડે ?’ લાડકોરે ગર્વભેર કહ્યું: ‘બાયડીઓની વાત બાયડીઓ જ જાણે !’

‘એટલે ?’

‘એટલે એમ કે નરોત્તમભાઈ ને ચંપાના જીવ હળીમળી ગયા છે.’

‘ઓહોહો ! આ બે-ત્રણ દિવસમાં તો જીવ પણ હળીમળી ગયા ?’

‘બે-ત્રણ દિવસમાં શું, બેત્રણ ઘડીમાં પણ જીવ તો મળી જાય,’ લાડકોરે એક અનુભવવચન ઉચ્ચાર્યું, અને પછી, ઘણાં વરસે પોતાની મુગ્ધાવસ્થાનો એક પ્રસંગ યાદ કરીને, શરમાતાં શરમાતાં પૂછ્યું: ‘ભૂલી ગયા આપણી પોતાની વાત ?’

પત્નીએ આપેલી ભૂતકાળની એક યાદથી ખુદ ઓતમચંદ પણ મધુર લજ્જા અનુભવી રહ્યો. પછી એણે હસતાં હસતાં પૂછ્યું:

‘તે હવે તને ઝટપટ દેરાણી લાવવાની ઉતાવળ આવી છે, એમ કે ?’

‘હા, મારે દેરાણી લાવવાની ઉતાવળ છે,' લાડકોરે કબૂલ કર્યું. ‘ને એ પણ ચંપા સિવાય બીજી કોઈ દેરાણી મારે ન જોઈએ —’

‘ચંપામાં તારું મન એટલું બધું મોહ્યું છે ?’

‘મારું નહીં, તમારા નાનકડા ભાઈનું.’

‘નાનકડો ભાઈ પરણશે તો પછી દેરાણી-જેઠાણી વચ્ચે રોજ કજિયા નહીં થાય ?’

‘ભલે થાય, પણ મને હવે આવડા મોટા ઘ૨માં દેરાણી વગરગમતું નથી.’

‘તને કે નરોત્તમને ?’

‘અમને બેયને.’

બીજે દિવસે સાંજ સુધીમાં ઘણાખરા મહેમાનો વાઘણિયામાંથી વિદાય થઈ ગયા. માત્ર કપૂ૨શેઠનાં કુટુંબને ઓતમચંદે આગ્રહ કરીને રોક્યું — કહો કે કપૂરશેઠ પોતે જ ઇચ્છાપૂર્વક રોકાઈ ગયા.

ઓતમચંદ પેઢીમાં એક મોટા તકિયાને અઢેલીને બેઠો હતો. ઘ૨આંગણે મોટો પ્રસંગ ઊકલી ગયો એ બદલ એ નિરાંત અનુભવતો હતો. માત્ર, ખરે ટાણે દકુભાઈએ રૂસણાં લઈને રંગ બગાડી નાખ્યો એનો થોડો વસવસો થતો હતો.

ત્રણ-ત્રણ દિવસ સુધી ઉત્સવને કારણે બંધ રહેલી દુકાન આજે પહેલી જ વાર ઊઘડી હતી એ કારણે ધમાલ જરા વધારે દેખાતી હતી. હેલકારો જે ટપાલ આપી ગયો એમાં પણ પત્રોની સંખ્યા રોજના કરતાં ઘણી વધારે હતી. જોકે, એમાંય ઘણા કાગળ તો ઓતમચંદે લખેલી વાસ્તુપૂજનની કંકોત્રીઓના ઔપચારિક ઉત્તરોના જ હતા: ‘અમારે ખાતે લખીને પાંચ રૂપિયાનું વધાવું સ્વીકારશો.’ એવા વાણિયાશાઈ વહેવારની વાતો જ એ પત્રોમાં લખી હતી. આ ખાતા-જમાની ૨કમ કોઈ પક્ષે કદી વસૂલ ક૨વાની હોય જ નહીં, એ વાત ઓતમચંદ સારી પેઠે જાણતો હોવાથી આવા પત્રો વાંચતો જતો હતો અને મનમાં મલકાતો જતો હતો.

રાબેતા મુજબ આજની ટપાલમાંથી પણ સંખ્યાબંધ હૂંડીપત્રીઓ નીકળી. મોસમટાણું હોવાથી નાણાંનો હાથબદલો મોટા પ્રમાણમાં થતો ને પરિણામે હૂંડીની હેરફેર પણ ઘણી વધી પડી હતી.

હૂંડીના પત્રો બધા ભેગા કરીને ઓતમચંદે મકનજી મુનીમને દીધા. મકનજીએ એની નોંધ કરીને ખતવણી શરૂ કરી દીધી.

એક તરફ નામુંઠામું ચાલતું હતું. બીજી તરફ વછિયાતી વેપારીઓ બેઠા બેઠા માલની લે-વેચની ચર્ચા કરી રહ્યા હતા. આજે ઓતમચંદની દુકાને વધુમાં વધુ વછિયાતી વેપારીઓનું આગમન થયેલું. વખારના ડેલામાં વધુમાં વધુ સંખ્યામાં ઘોડાં બંધાયાં હતાં. ડેલા બહાર પંદ૨-વીસ જેટલાં ગાડાં છૂટ્યાં હતાં. વખારમાંથી માલની હે૨ફેર ઝડપભેર ચાલી રહી હતી.

આ બધામાં દકુભાઈની ગેરહાજરી જણાઈ આવતી હતી. કેટલાક વેપારીઓએ તો મુનીમને સામેથી પૂછ્યું પણ ખરું કે દકુભાઈ કેમ જણાતા નથી. એ સહુ પૃચ્છકોને ઉસ્તાદ મુનીમે અષ્ટમપષ્ટમ ભણાવી દીધું.

આજે તો ઓતમચંદ પત્રો વાંચી વાંચીને કંટાળી ગયો. જે યુગમાં સંદેશાવ્યવહાર માટે ખેપિયા અને મૌખિક કહેણનો જ બહુધા ઉપયોગ થતો એ યુગમાં માણસ લેખિત સંદેશાઓ વાંચીને કંટાળો અનુભવે એ સ્વાભાવિક હતું.

આજની ટપાલમાં નરોત્તમ માટે પોતાની પુત્રીનું માગું નાખનાર માબાપોના પત્રોની સંખ્યા પણ મોટી હતી ! એ જોઈને ઓતમચંદ ઘડીભર વિચારી રહ્યો: ‘આનો હવે શો ઉપાય કરવો ?’ તુરત જ એને યાદ આવ્યું કે આનો ઉપાય તો લાડકોરે સૂચવ્યો જ હતો. અને એ અનુસાર તો કપૂરશેઠને આગ્રહભેર રોકી દેવામાં આવ્યા હતા.

આમ તો નરોત્તમ ઉપ૨ નાનપણથી જ અનેક પુત્રીપિતાઓ નજર ટાંપીને બેઠા હતા. એમાં અલબત્ત, આબરૂદાર ઘરની સુખસાહ્યબી ઉપરાંત ઓતમચંદની અંગત સુવાસ પણ કારણભૂત હતી જ. અને કહેવું જોઈએ કે ઓતમચંદ કરતાં પણ અદકી સુવાસ તો ગરવી ગૃહિણી લાડકોરની ફેલાયેલી હતી. નરોત્તમનાં માબાપ તો છોકરાને છ-સાત વ૨સનો મૂકીને જ ગુજરી ગયેલાં. આ ભાઈભોજાઈએ એ બાળકને ઉછેરેલો અને આજે એને સગા દીકરાથીય સવાયો ગણીને સાચવતાં હતાં એ હકીકત આખા પંથકમાં જાણીતી હતી. પરિણામે, આવા ખાનદાન ખોરડા સાથે સહુ પુત્રીપિતાઓ સંબંધ બાંધવા પ્રેરાય એમાં શી નવાઈ ! અને કપૂરશેઠની પુત્રીની પસંદગી તો ખુદ લાડકોરે જ કરી હતી. ઓતમચંદને હવે યાદ આવ્યું કે મેંગણીમાં લાડકોરનાં દૂર દૂરનાં મોસાળિયાં સગાં રહેતાં અને એક વેળા મેંગણી જવાનું બનેલું ત્યારે કપૂરશેઠને ઘેર વેપારને નાતે જમવાનું નોતરું મળેલું એ વેળા લાડકોરે ચંપાને જોયેલી; માત્ર જોયેલી એટલું જ નહીં, એ બાલિકાની હોશિયારી, સુશીલતા અને સદ્‌ગુણોની પરીક્ષા પણ કરી જોયેલી — પોતાના દિયરનું સગપણ કરવાની દૃષ્ટિએ. તેથી જ, વાસ્તુપૂજન પ્રસંગે કપૂરશેઠનું કુટુંબ વાઘણિયે આવ્યું ત્યારે એમને અમરગઢ સ્ટેશને ઉતારવા જવા માટે લાડકોરે બીજા કોઈને નહીં ને નરોત્તમને જ આગ્રહપૂર્વક મોકલેલો… દીર્ઘદૃષ્ટિ ધરાવના૨ ૫ત્નીએ આટલો ઊંડો વ્યૂહ ગોઠવી રાખેલો એ સમજાતાં ઓતમચંદ મનમાં ને મનમાં મલકી ઊઠ્યો. અને તેથી જ, પત્નીની આજ્ઞા કદી ન ઉથાપના૨ ઓતમચંદે આજનું સૂચન પણ સત્વર સ્વીકારી લીધું. કુલયોગિની લાડકોર કાંઈ સૂચવે એ કુટુંબ માટે શ્રેયસ્ક૨ જ હોય એવી ઓતમચંદને શ્રદ્ધા હતી. તેથી જ એણે મકનજીને આદેશ આપ્યો:

‘શંભુ ગોરને જરા સાદ કરતા આવો ને !’

મકનજી સમજી ગયો. નરોત્તમના વેવિશાળ અંગે છાને ખૂણે વેતરણ ચાલતી હતી એની ગંધ આ મુનીમને આવી જ ગઈ હતી. મૂંગો મૂંગો એ શંભુ ગોરના ઘ૨ ત૨ફ જવા નીકળ્યો.

મકનજીએ શંભુ ગોરને સાદ કરીને પછી દકુભાઈના ઘર તરફ પગલાં વાળ્યાં.

ઘરમાં લમણે હાથ દઈને બેઠેલો દકુભાઈ રિસાણો લાગતો હતો. સમરથનો વૈરાગ્નિ હજી ધૂંધવાતો હતો. બાલુને મહેમાનો સમક્ષ પોતાના કિન્નરકંઠનો પરચો આપવાની તક ન મળી તેથી એ પણ ભગ્નાશ થયેલા કલાકારની જેમ એક તરફ ઉદાસ બેઠો હતો.

આવા સ્ફોટક વાતાવરણમાં મકનજીએ પ્રવેશ કર્યો ને ઉંબરામાં પગ મૂકતાં જ ગર્જના કરી: ‘ગઈ !’

એક જ શબ્દની આ ઉદ્‌ઘોષણા કોઈને સમજાઈ હોય એમ લાગ્યું નહીં તેથી મકનજીએ એનું પુનરુચ્ચારણ કર્યું:

‘ગઈ ! ગઈ !’

‘કોણ પણ ?’ દકુભાઈએ પૂછ્યું.

‘કપૂરશેઠની છોડી, બીજું કોણ ?’

‘ક્યાં ગઈ ?’

‘નરોત્તમ વેરે,’ મકનજીએ સ્ફોટ કર્યો. ‘કપૂરિયો પણ લાભ જોઈને લપટાઈ ગયો છે.’

‘એ જ લાગનો છે, સમરથે વચ્ચે પોતાનો અભિપ્રાય આપ્યો. અને પછી પોતાની ફરિયાદ પણ રજૂ કરી: ‘નાણાંવાળાના છોકરા ઘૂઘરે ૨મે એ તો દુનિયામાં આદિકાળથી ચાલતું આવ્યું છે… મારા કલૈયાકુંવર જેવા બાલુની સામે કોઈ નજરેય નથી કરતું.’

‘બાલુ સારુ તો હું પદમણી જેવી કન્યા ગોતી કાઢીશ. તમે જોજો તો ખરા !’ મકનજીએ સધિયારો આપ્યો. અને પછી ઘૂડપંખની જેમ બેઠેલા દકુભાઈ તરફ ફરીને પૂછ્યું:

‘તમે કેમ આમ સાવ નિમાણા થઈ ગયા છો ?’

‘આપણે તો હવે આપણા ગામભેગા થઈ જવું છે ઝટ. પેઢીમાંથી હિસાબ ચોખ્ખો થાય એટલે હું મારે રસ્તે પડીશ,’ દકુભાઈએ કહ્યું. ‘આ વાઘણિયામાંથી આપણાં અંજળપાણી પૂરાં થઈ ગયાં છે. હવે તો ભલું મારું ઈશ્વરિયું ને ભલો હું.’

‘વાઘણિયાની ધરતી હારે અમારી લેણાદેણી પૂરી થઈ ગઈ,’ સમ૨થે પણ સૂર પુરાવ્યો.

‘એમ અમને મેલીને ઈશ્વરિયે ભાગી જવાતું હશે ?’ મકનજીએ લાડ કરતાં કહ્યું. ‘દકુભાઈ વિના આ મકનજીને રોટલો કેમ કરીને ભાવશે ?’

‘કહેતા નથી કે વિપત પડે તંયે બાપદાદાનું ગામ સાંભરે ?’ સમરથે કહ્યું, ‘આજ અમારા ઉપર વિપત પડી છે તો ઈશ્વરિયું અમને સંઘ૨શે.’

‘પણ મને આંહીં વાઘણિયામાં દકુભાઈ વિના સોરવશે નહીં’, મકનજીએ ફરી ચાગલે અવાજે સિફારસ કરી. ‘હું અને દકુભાઈ તો એકબીજાની અરધી એંઠી બીડી પીનારા ભાઈબંધ. તમે એકલાં એકલાં ઈશ્વરિયે હાલ્યા જાશો તો વાંસે આ ભાઈબંધને ચેન નહીં પડે… ને આ ગરીબ મુનીમને તમારે ભેગો લઈ જાવો પડશે, દકુભાઈ’

‘તમારે તો ઓતમચંદ શેઠના રાજમાં બકડિયાં છે, બકડિયાં,’ દકુભાઈએ કહ્યું. ‘તમને ઈશ્વરિયે લઈ જાવાનું મારું ગજું નહીં, તમ જેવા મુનીમનો હાથી તો ઓતમચંદ શેઠ જ બાંધી શકે.’

‘ધારો તો તમેય બાંધી શકો.’ મકનજી બોલ્યો, ‘ધારો તો તમે ઓતમચંદનેય ઈશ્વરિયામાં વાણોતરું કરાવી શકો એમ છો.’

સાંભળીને સમરથના પેટમાં ટાઢો શેરડો પડ્યો.

દકુભાઈ આ મુનીમની અર્થસૂચક વાણી મૂંગો મૂંગો સાંભળી રહ્યો.

‘તમારામાં આવડત હોય તો ઓતમચંદ શેઠ જેવા સાત શેઠિયાને ઈશ્વરિયાની પેઢીમાં સંજવારી કઢાવી શકો એમ છો,’ મકનજીએ ફરી ચોંકાવનારું નિવેદન કર્યું. અને પછી આખો નચાવતાં નચાવતાં ઉમેર્યું: ‘આવડત જોઈએ, આવડત. બીજું કાંઈ નહીં. આવડત જ.’

દકુભાઈ તો ફાટી આંખે ને અધખુલ્લે મોઢે મુનીમની સામે તાકી રહ્યો. આ આવડત એટલે શું એનો અર્થ સમજવા ઉત્કંઠ થઈ રહ્યો.

‘આમ ઓરા આવો, ઓરા,’ મકનજીએ દકુભાઈનું બાવડું ઝાલીને ઊભો કર્યો. અને પછી ખાનગી સંતલસ કરવા અંદરના ઓરડા તરફ દોર્યો. રસ્તામાં પણ એણે બોલવાનું તો ચાલુ જ રાખ્યું હતું: ‘આવડત હોય તો અટાણે ઠીકાઠીકનો મોકો આવ્યો છે… ઘા ભેગો ઘસ૨કો થઈ જાય એમ છે… બૂમ ભેગો ચિચિયો, મારા ભાઈ ! દકુભાઈની ત્રણ પેઢી તરી જાય… સંધુયં સમુંસૂતર ઊતરે તો રાજા થઈ જાવ, રાજા…’

દકુભાઈ અને મુનીમ આ રીતે સંતલસ કરી રહ્યા હતા ત્યારે પેઢી પર શંભુ ગોર ટીપણા સાથે જઈ પહોંચ્યો હતો.

‘કયું ચોઘડિયું સારું છે, ગોર ?’ ઓતમચંદે પૂછ્યું.

‘કઈ જાતનું શુભ કાર્ય ક૨વાનું છે એ કહો.’

‘સગપણબગપણ કરીએ કોઈનું—’

‘કોનું ? બટુકભાઈનું ?’ શંભુ ગોરે પૂછ્યું.

‘ના રે ના, બટુક તો હજી ઢીંગલે રમે એવડો છે. આ તો આપણો નરોત્તમભાઈ મોટો થયો છે તો હવે ક્યાંક સારે ઠેકાણે—’

‘બવ રાજી થાવા જેવું, બવ રાજી થાવા જેવું,’ શંભુ ગોર પોકારી ઊઠ્યો.

પેઢીમાં જ્યારે સગપણ માટેનું શુભ ચોઘડિયું જોવાઈ રહ્યું હતું ત્યારે ઘ૨આંગણે લાડકોર લાપસી માટે ઘઉં ભરડાવવાની વેતરણ કરી રહી હતી.

અને એ જ વખતે ‘હરિનિવાસ’ને ઉપલે મજલે નરોત્તમ અને ચંપા ગોષ્ઠી કરી રહ્યાં હતાં અને નટખટ જસી આ બંનેની મીઠી મશ્કરીઓ કરી રહી હતી.

અને દકુભાઈને ઘે૨ મકનજી ખાનગીમાં એક ભયંકર પ્રસ્તાવ મૂકી રહ્યો હતો.