વેળા વેળાની છાંયડી/જ્યોત ઝગે

વિકિસ્રોતમાંથી
← પાંખ વિનાની પારેવડી વેળા વેળાની છાંયડી
જ્યોત ઝગે
ચુનીલાલ મડિયા
કોથળીનો ચોર કોણ ? →





૩૫

જ્યોત ઝગે
 

‘સાંભળ્યું, બટુકની બા? નરોત્તમ લખે છે, કે…’

રાતે વાળુપાણીથી પરવારીને, ઓતમચંદ પિત્તળની દીવી પેટવીને ઘરમાં નામુંઠામું ઉતારવા બેઠો હતો. એ જ વખતે લાડકોર, પટારો ઉઘાડીને દરદાગીના તથા કપડાંલત્તાં ફેંદી રહી હતી. દકુભાઈના બાલુનાં લગન આવતાં હોવાથી લાડકોર થોડા દિવસથી એની તૈયા૨ીઓમાં જ ગળાબૂડ રહેતી. અત્યારે પણ તે બાલુ માટેના દાગીનાના ઘાટ યોજવામાં એવી તો મશગૂલ હતી કે પતિએ નરોત્તમનો પત્ર આવ્યો હોવાની જે વાત કહી, એ એના કાન સુધી પહોંચવાને બદલે જાણે કે હવામાં જ ઊડી ગઈ.

‘સાંભળ્યું? નરોત્તમની મુંબઈથી ટપાલ છે…’ પત્ની બેધ્યાન છે, એમ સમજીને ઓતમચંદે ફરી વાર કહ્યું.

‘હં… હં… હા…’ કહીને લાડકોર ફરી કપડાં-દાગીના ફેંદવા લાગી.

ભોળુડી પત્ની પ્રત્યે પતિ સહાનુભૂતિયુક્ત સ્મિત વેરી રહ્યો.

ઓતમચંદે ફરી થોડી વાર નામું લખ્યા કર્યું અને પત્ની માનસિક રીતે આ પત્રની વાત સાંભળવા જેટલી સ્વસ્થતા દાખવે એની રાહ જોયા કરી. પછી સૂચક ટમકો મૂક્યો:

‘સાંભળ્યું ? આ નરોત્તમ તમને પગેલાગણ લખાવે છે—’

પણ પોતાના ભાઈને ઘેર લગનમાં જવાના અતિઉત્સાહમાં આ ત્રીજી વારનું કહેણ પણ લાડકોરે સાંભળ્યું-ન સાંભળ્યું કરી નાખ્યું અને સામેથી પૂછ્યું: ‘બાલુની વહુ સારુ બંગડી ઘડાવશું કે બાવડા-સાંકળી?’

‘બંગડી ને બાવડા-સાંકળી બેય વાનાં ઘડાવો!’ ઓતમચંદે ગંભીર મુખમુદ્રા ધારણ કરીને કહ્યું, ‘દકુભાઈનો દીકરો પરણતો હોય ને આપણે ઓછાં ઘરેણાં કરાવીએ તો આબરૂ જાય ને!’

અને ફરી ઓતમચંદ મૂછમાં હસતો હસતો કામે વળગ્યો.

હરખઘેલી લાડકોર બાલુના લગ્નપ્રસંગની આગોતરી યોજનાઓમાં વધારે ગુલતાન થઈ ગઈ. આ ઉદારચરિત ભગિની પોતાના ભાઈનો આખો ભૂતકાળ જાણે કે ભૂલી ગઈ હતી. વઢકણી ભોજાઈએ, મકાનમાં વાસ્તુમુહૂર્તને પ્રસંગે નણંદ ઉ૫૨ જે વીતક વિતાવેલાં, એની પણ લાડકોરને જાણે કે વિસ્મૃતિ થઈ ગઈ હતી. દુણાયેલા દકુભાઈએ પત્નીની ભંભેરણીથી અને મુનીમની ચડામણીથી જે અવળચંડાઈ આચરેલી, રંગમાં ભંગ પાડેલો અને આખરે જે ખુટામણે ઓતમચંદની પેઢીને પાયમાલીમાં મૂકી દીધેલી એ બધી જ ઘટનાઓ આ વહાલસોઈ બહેન અત્યારે વીસરી ગઈ હતી. ભાઈભોજાઈ પ્રત્યે લાડકોરના હૃદયમાં નરદમ સ્નેહ ભર્યો હતો. અને એમાં વળી એક ઘટનાએ સ્નેહભાવમાં ઉમેરો કર્યો હતો. હાથભીડના દિવસોમાં એક નાજુક ક્ષણે લાડકોરે પતિને ઈશ્વરિયે મોકલેલો અને દકુભાઈ પાસેથી પાંચ પૈસાની મદદની યાચના કરાવેલી. ઈશ્વરિયાની એ યાદગાર ખેપનો જે બનાવટી અહેવાલ ઓતમચંદે કહી સંભળાવેલો-દકુભાઈએ કરેલી ખાતરબ૨દાસ્ત અને ખાનદાનીની જે વાતો કરેલી, ઉદાર હાથે કરેલી મદદની, અને પછી વાઘણિયે પાછા ફરતા મારગમાં આડોડિયાઓએ સંધુંય લૂંટી લીધાની જે કપોળકલ્પિત કથની રચીત કરેલી - એ બધાંને પરિણામે તો ‘મારા દકુભાઈ’ પ્રત્યેની બહેનની મમતા દ્વિગુણિત થઈ ગઈ હતી.

એ દ્વિગુણિત મમતાથી પ્રેરાઈને જ તો અત્યારે એ ઈશ્વરિયે જવાના અને ભત્રીજાનાં લગનમાં ફઈબા તરીકે મહાલવાના મોટા મોટા મનો૨થ ઘડી રહી હતી ને!

ઓતમચંદ માટે આ પરિસ્થિતિ રમૂજ પ્રેરનારી હતી. ઈશ્વરિયેથી દકુભાઈના મારાઓના હાથનો મૂઢ માર ખાઈને પોતે દેવકૃપાએ જીવતો પાછો આવી શક્યો, એ વાતની લાડકોરને ગંધ સુધ્ધાં ન જાય એની ઓતમચંદે તકેદારી રાખી હતી. ઊલટાનું એણે તો વાઘણિયે આવ્યા પછી દકુભાઈની માયામમતાનાં મોંફાટ વખાણ કરીને પત્નીના મનોરાજ્યમાં માજણ્યા ભાઈ માટેનું અત્યંત મધુર ચિત્ર ઊભું કર્યું હતું. ઓતમચંદ જાણતો હતો કે એ ચિત્ર ભ્રામક છે, ઝાંઝવાં જેવું છે. પણ બળબળતે બપોરે, ધગધગતી વેળુમાં વટેમાર્ગુને ઝાંઝવાં પણ જોવાં ગમે છે; મૃગજળની પણ એક મોહિની હોય છે. ઝાંઝવાનાં જળ માણસના તરસ્યા કંઠની તરસ ભલે ન છિપાવે, પણ આંખને તો અવશ્ય ઠારે છે, વાત્સલ્યભૂખી લાડકોર પણ અત્યારે દૂર દૂર ઈશ્વરિયાની સીમમાં દકુભાઈને આંગણે ભ્રામક છતાં નયનમનોહર મૃગજળ જોઈ રહી હતી, તો ભલે ને જોતી! ઓતમચંદ વિચારતો હતો: એ જીવનજળ ભ્રામક છે, એમ કહીને કોઈને ભગ્નાશ કરવાનું પાપ વહોરવું ન ઘટે.

લાડકોરના મનોરાજ્યમાં બાલુના લગ્નોત્સવનો આખો નકશો અંકાઈ ગયો હતો. વ૨૨ાજાનાં ફઈબા તરીકેની પોતાની ફરજબજવણીમાં કેટલા દાગીના, કેવાં કપડાં અને કેટલા રૂપિયા આપવા પડશે, એની વિગતો મનોમન નક્કી કરી લીધી. વળતે વ્યવહારે ભાઈભોજાઈ તરફથી પોતાને કેવાં મોટાં માનપાન અને પહેરામણી મળશે એની કલ્પના કરી લીધી. મામાને ઘેર લાડકા ભાણેજ તરીકે બટુક કેવો મહાલશે એનાં દૃશ્યો પણ એણે આંખમાં સમાવી લીધાં.

‘બટુકની બા, આ દીવીમાં જરાક દિવેલ રેડશો?’

ચોપડા ચીતરતા ઓતમચંદે દીવીમાં એક વધારે વાટ પેટાવતાં કહ્યું.

‘તમારે તે હજી કેટલુંક દિવેલ બાળવું છે?’ લાડકોરે ઊભાં થતાં થતાં કૃત્રિમ રોષથી ટકોર કરી.

‘આખી મોસમનો હિસાબ ચોખ્ખો કરવાનો છે ને!… આવતી અમાસે તો બધા ચોપડા લઈને મારે મંચેરશાની પેઢીએ પહોંચી જાવાનું છે—!’

હવે જ લાડકોરને યાદ આવ્યું કે થોડી વાર પહેલાં પતિએ નરોત્તમનો કાગળ આવ્યો હોવાની વાત કહેલી, પણ પોતે એમાં કશો રસ નહોતો લીધો.

‘નરોત્તમભાઈનો કાગળ આવ્યો છે?’ લાડકોરે જાણે કે ગુનાહિત સ્વરે પૂછ્યું.

ઓતમચંદ ઇરાદાપૂર્વક મૂંગો રહ્યો.

‘શું લખે છે કાગળમાં?’ પત્નીએ ફરી વાર પૂછ્યું.

પતિએ હજી મૌન જ જાળવ્યું. ત્યારે લાડકોરે સંચિત અવાજે કહ્યું: ‘બોલતા કાં નથી?’

‘ત્રણ-ચાર વાર તો બોલી જોયું, પણ તમને સાંભળવાની નવરાશ જ ક્યાં છે?’ ઓતમચંદે કહ્યું, ‘તમારા ભાઈના વિચારમાંથી છૂટા થાવ, તો મારા ભાઈની વાત સાંભળો ને!’

‘અરેરે! હું તો સાવ ભુલકણી, તે ભુલકણી જ રહી!’ પ્રેમાળ હૃદયની પારદર્શકતા દાખવનારું પ્રફુલ્લ હાસ્ય વેરતાં લાડકોરે કહ્યું: ‘દકુભાઈ મને વહાલો છે, ને નરોત્તમભાઈ શું મને દવલો છે! દકુભાઈ માનો જાયો છે, તો નરોત્તમભાઈ પેટના જણ્યા બટુક કરતાંય સવાયો છે… કાગળમાં શું લખે છે, વાંચો જોઈએ!’

‘એક વાર મેં વાંચી સંભળાવ્યું કે નરોત્તમે તમને પગેલાગણ લખાવ્યાં છે, પણ તમે કાંઈ કાનસરો દીધો નહીં એટલે મેં કાગળના જવાબમાં લખી નાખ્યું કે તમારાં ભાભી પગેલાગણ સ્વીકારવા નીના પાડે છે—’

‘હાય! હાય! એવું તે કાંઈ લખાતું હશે? ફાડી નાખો એ જવાબ ને ફરી દાણ મારા આશિષ લખો!’ કહીને લાડકોરે આદેશ આપ્યો: ‘આખો કાગળ સરખાઈથી વાંચી સંભળાવો! મુંબઈથી શું સમાચાર લખે છે?’

‘તમે ઈશ્વરિયેથી આવેલા દકુભાઈના કાગળમાં જ ગૂંચવાઈ ગયાં’તાં એટલે મુંબઈનો કાગળ સાંભળવાની નવરાશ જ ક્યાં હતી?’ પતિએ ફરીથી ટોણો માર્યો.

‘મારો તો શભાવ જ વીઘાભૂલો, એમાં હું શું કરું?’ કહીને લાડકોરે દીન વદને વિનંતી કરી: ‘હવે ભલા થઈને કાગળ વાંચો. નરોત્તમભાઈના સમાચાર જાણ્યા વિના મને ઊંઘ નહીં આવે—’

ઓતમચંદને લાગ્યું કે સરલહૃદય પત્નીને હવે વધારે પજવવી યોગ્ય નથી, તેથી એણે કહ્યું: ‘સમાચાર તો સંધાય વેપા૨ના છે.’

‘કેવાંક છે, વેપારપાણી?’

‘સારાં, ઘણાં જ સારાં, ઓતમચંદે કહ્યું, ‘આપણી ધારણા કરતાંય વધારે સારાં—’

‘તમારા મોઢામાં સાકર!’ પત્નીએ પરમ સંતોષથી કહ્યું, ‘નરોત્તમભાઈ અહીંથી શહેરમાં ગયા ત્યારે બરોબર શકન પકવીને જ ગ્યા’તા—’

‘શકન તો કોણ જાણે, પણ જાવા ટાણે મેં એને ગળ્યું મોઢું કરાવ્યું’તું ને−’

‘ને દુખણાં લઈને આઠેઆઠ આંગળાંના ટાચકા ફોડ્યા’તા.’

‘બસ એ જ મોટામાં મોટા શકન,’ પતિએ સઘળો જશ પત્નીને આપતાં કહ્યું, ‘તમારી આશિષ વિના આટલા વેપારવણજ થાત જ નહીં.’

‘કેવોક વેપાર થયો છે? સરખી માંડીને વાત તો કરો!’

‘આમાં લખે છે, કે આપણે આખા પંથકનો કપાસ જોખ્યો’તો ને મંચેરશાએ વિલાયત ચડાવ્યો’તો એના તો સોના કરતાંય મોંઘા ભાવ ઊપજ્યા છે—’

‘શું વાત કરો છો! કાલાં-કપાસિયાના તે કાંઈ સોના જેટલા ભાવ ઊપજતા હશે?’ લાડકોરે શંકા વ્યક્ત કરી. ‘રૂ તો ધોળકા-ધંધૂકામાં ઢેઢે પિટાય છે—’

‘ધોળકા-ધંધૂકામાં ઢેઢે પિટાતું હશે. પણ વિલાયતમાં એનાં માણેક મોતી જેટલાં મૂલ ઊપજ્યાં છે,’ ઓતમચંદે કહ્યું, ‘મંચેરશાનાં ભેગાં આપણાંય નસીબ ઊઘડી ગયાં—’

‘કેવી રીતે પણ? સરખી વાત કરો!’

‘વાત જાણે એમ છે, કે અમેરિકામાં લડાઈ ફાટી નીકળી એટલે વિલાયતની કાપડ-મિલને રૂ નથી જડતું એટલે હવે આપણા રૂની બોલબાલા છે—’

‘હા, સમજાણું!–’

‘મુંબઈ તો આખું તેજીના વેપારમાં હાલકડોલક થઈ ગયું છે.’ ઓતમચંદે વધારે વિગતો આપી: ‘ચારે કોરથી ‘રૂ લાવો! રૂ લાવો’નો દેકારો બોલ્યો છે. જુવો ને, આ કાગળમાં લખ્યું કે નવું રૂ બધુંય આગબોટમાં ચડી ગયું, ને હજીય માંગ તો ઊભી જ છે, એટલે હવે જૂના રૂના ભાવ પણ વધી ગયા છે, માણસ ગાદલાંગોદડાં ઓશીકાં સોત ઉખેડાવી નાખીને મોંઘે ભાવે વેચી નાખે છે.’

લાડકોર ક્યારની ગંભીર વદને આ વૃત્તાંત સાંભળી રહી હતી તે આ છેલ્લી વિગત સાંભળીને ખડખડાટ હસી પડી.

‘જાવ જાવ! ગોદડાંના ગાભાના તે બે દોકડાય ઊપજતા હશે?’

‘વાઘણિયામાં ન ઊપજે પણ વિલાયતમાં ઊપજે. આપણું રૂ ન જડે તો વિલાયતની મોટી મોટી વણાટ-મિલને તાળાં દેવાઈ જાય.’

‘આ પણ મોટું કૌતક કેવાય!—’

‘કૌતક તો એવું થયું છે, કે રૂના વેપા૨ીને આટલી બધી કમાણી નાખવી ક્યાં, એની ફિકર થઈ પડી છે—’ ઓતમચંદે નરોત્તમના કાગળમાંથી વધારે વિગતો રજૂ કરી: જે માણસે જિંદગીભરમાં એક રૂપિયાની નોટ નહોતી ભાળી, એની પાસે આજે લાખ લાખ રૂપિયાનો કસ થઈ ગયો ને મંચેરશા જેવા મુંબઈવાળા શેઠિયા જે મૂળથી જ લખપતિ જેવા હતા, એ આજે કરોડપતિમાં ગણાઈ ગયા છે—’

‘એ તો ભરતામાં ભરાય—’ લાડકોરે ટાપશી પૂરી.

‘પણ ભરતામાં એટલું બધું નાણું ભરાઈ ગયું છે, કે હવે એની નિકાસ કરવાની મૂંઝવણ ઊભી થઈ છે. પતિએ પત્રમાંથી વધારે માહિતી આપી: નરોત્તમ લખે છે કે મુંબઈના સહુ વેપારી હવે જમીન ને મકાન ખરીદવા મંડ્યા છે. રૂના મોટા વેપારીઓએ છ-છ, સાત-સાત માળના જૂના માળા ખરીદી લીધા ને નવા નવા બંધાવવા માંડ્યા છે. પણ માંગ એટલી બધી જબરી છે, કે જમીનનો હાથ એકનો કટકોય ક્યાંય ગોત્યો જડતો નથી—’

‘આ તો ભારે અચરજની વાત! જમીનની તે ક્યાંય ખેંચ પડતી હશે?’ લાડકોરે પૂછ્યું.

‘મુંબઈમાં ચારે કોર દરિયો રહ્યો ને એટલે ખેંચ પડે,’ ઓતમચંદે સમજાવ્યું. ‘વધારે જમીન જડતી નથી, એટલે હવે મુંબઈનો દરિયો પુરાય છે−!

‘જાવ જાવ! દરિયો તે કોઈ દી પુરાતો હશે?’

‘પણ આ કાગળમાં ખોટું લખ્યું હશે? પતિએ ફરી લેખિત પત્રનો હવાલો આપ્યો. ‘મુંબઈમાં દરિયો પૂરવા સારુ એક કંપની ઊભી થઈ. એના શેરના પણ ત્રણસો ટકા જેટલા ભાવ વધી ગયા. મંચેરશા અને નરોત્તમે ભાગીદારીમાં આ કંપનીના શેર લીધા’તા. એમાં તેજીનો મોટો તડાકો થઈ ગયો—’

‘ભાગ્યશાળીને ઘેર ભૂત રળે, એના જેવી વાત થઈ!!

‘નરોત્તમ લખે છે કે મંચેરશા તો મુંબઈમાં સાત ભોંયવાળો માળો બંધાવે છે—’

‘મંચેરશા સાત ભોંયવાળી મહેલાત ચણાવશે, તો એનો ભાગીદાર કેટલી ભોંયવાળી મેડી બાંધશે?’ સમજુ ગૃહિણીએ સૂચક પ્રશ્ન પૂછ્યો.

‘આપણે કાંઈ મંચેરશા જેટલા માલદાર થોડા છીએ? પેઢીમાં નરોત્તમનો ભાગ તો રૂપિયે ચાર આની જ છે—’

‘તો ચોથા ભાગ જેટલી ઊંચી મેડી ચણાવે… ભલે બે જ માળવાળી બંધાવે,’ લાડકોરે કહ્યું, ‘પણ આવડા મોટા દેશાવરના વેપાર ખેડનારને હવે આપણા આ કૂબા જેવા ઝૂંપડામાં થોડા ઉતારાશે?’

‘મંચે૨શામાં ને આપણામાં આટલો જ ફે૨! ઓતમચંદે કહ્યું. ‘એ રહ્યા પારસી, ને આપણે વાણિયા, સમજ્યાં ને? વાણિયાનો દીકરો નાણાંનો એંકાર ન કરે કે કમાણીનો દેખાવ ન કરે. આપણી રહેણીકરણી તો ચીંથરે વીંટ્યા રતન જેવી કે’વાય—’

‘તમારો શભાવ તો હજીય એવો ને એવો જ રિયો!’ લાડકોરે મીઠો છણકો કર્યો, ‘નાના ભાઈએ ફાંટ ભરીને રૂપિયા ઠાલવ્યા, તોય તમે તો નરમ ઘેંશ જેવા રિયા!’

‘નાણું થાય એમ એમ તો માણસમાં વધારે નરમાઈ આવવી જોઈએ,’ ઓતમચંદે પોતાની ફિલસૂફી સમજાવી. ‘બાવળમાં આંબામાં આટલો જ ફેર: બાવળમાં કાંટા વધે એમ એ ઊંચો ઊંચો વધતો જાય. આંબે મોર બેસે ને લેલૂંબ ફાલ આવે એમ એમ નીચો ને નીચો નમતો જાય…’ આટલું કહ્યા પછી આ ધર્મપરાયણ પાપભીરુ માણસના મોઢામાંથી એના સમસ્ત જીવનના નિચોડ સમું સુવાક્ય સાવ સાહજિકતાથી સરી પડ્યું: ‘નમ્યો માણસ ભગવાનને ગમ્યો.’

‘નમતાં રહેવાની હું ક્યાં ના પાડું છું?’ લાડકોરે કહ્યું, ‘૫ણ રહેવાની નિંજરી તો સારી જોઈએ ને?’

‘આપણે આ રહીએ છીએ એ શું ખોટી છે? ભગવાન રાખે એમ રહેવું જોઈએ—’

પતિની શિખામણ સાંભળીને લાડકોર મૂંગી થઈ ગઈ. પણ એના મનમાં એક સૂચન તો ઘોળાતું જ રહ્યું. આખરે, બીતાં બીતાં પણ એણે અંતરની વાતને વાચા આપી: ‘આપણી જૂની મેડી શેખાણી શેઠ પાસેથી પાછી લઈ લઈએ તો કેમ?’

ઓતમચંદે આવા જ સૂચનની અપેક્ષા રાખી હતી. એ જાણતો હતો, કે અનેક આશાઓ સાથે બાંધેલી નવીનકોર વાસ્તુ-પૂજેલ મેડી મેમણ શેઠિયાને વેચી નાખવી પડેલી એ ઘટનાએ લાડકોરના હૃદય ઉપર કારી ઘા કરેલો. આ પહેલાં ઘણી વાર પત્નીએ એ બાબતનો રંજ વ્યક્ત કરેલો અને આજે હવે નાનેરા ભાઈના પુરુષાર્થ વડે નસીબ આડેનું પાંદડું ઊડી ગયું હોવાથી એ જૂનું રહેણાક ફ૨ી પાછું મેળવી લેવાના લાડકોરને ઓરતા થાય એમાં કશી નવાઈ નહોતી.

‘સાંભળ્યું છે, કે શેખાણી શેઠને આપણું ઘર ઓછે-અધકે પાછું કાઢી નાખવું છે, સાચી વાત?’ લાડકોરે ફરીથી એ જ વાત છેડી.

‘હા, શેઠ પોતે બેત્રણ વાર મને કાનમાં ફૂંક મારી ગયા છે, કે કોઈ ઘરાક હોય તો કહેજો—’

‘તો પછી પારકું ઘરાક ચીંધવા કરતાં આપણે પોતે જ શું કામે ઘરાક ન થાવું?’ લાડકોર કહેતી હતી, ‘એ મેડીમાં રહેવા ગયા વિના મારા જીવને શાંતિ નહીં વળે.’

‘એ તો હું જાણું છું,’ ઓતમચંદે કહ્યું, ‘પણ એક વાર એ ઇમારત આપણા નસીબમાંથી ખડી, એમાં ફરી પાછું ક્યાં રહેવા જવું?’

‘એ તો આપણા દિવસ એવા નબળા આવી ગયા એટલે મેડી કાઢી નાખવી પડી. પણ હવે હાથ પહોંચતો થયો છે, ને મકાન પાછું જડે એમ છે, તો શું કામે લઈ ન લેવું?’

‘ભલે, હું દાણો દાબી જોઈશ—’

‘ને ભેગાભેગી આપણી ઘોડાગાડીનુંય થાતું હોય તો સાટું કરી લેજો—’ લાડકોરે બીજું સૂચન કર્યું.

‘ગાડી તો આમેય વેપારધંધાને કામેય લેવી પડે એમ છે તો હવે નવીનકોર જ ન લઈએ?’

‘ના, આ જૂની છે, એ જ સોના જેવી છે,’ લાડકોરે સમજાવ્યું ‘એ જ ગાડી ને એ જ વશરામ ગાડીવાન પાછા આવે તો બટુક રાજી થાય.’

જૂની ગાડી માટેના પત્નીના આગ્રહ પાછળ જે માનસિક લાગણી કામ કરી રહી હતી એ સમજતાં ઓતમચંદને વાર ન લાગી. નવી મેડી અને જૂની ગાડી… બંને જડ વસ્તુઓ સાથે એક પ્રકારનો જીવંત નાતો બંધાઈ ચૂક્યો હતો. એ એક પ્રેમસગાઈ હતી. સંજોગોવશાત્‌ એ પ્રેમસગાઈ ખંડિત થઈ હતી, પણ આજે હવે એ પુનઃ સંધાઈ જવાની શક્યતા ઊભી થઈ હતી.

‘નરોત્તમ પોતે જ મેડી ને ગાડી બેય ખંડી લેવાનું આ કાગળમાં લખે જ છે,’ ઓતમચંદે કહ્યું.

‘તો તમે બોલ્યા કેમ નહીં?'

‘જાણી જોઈને કાગળનો એટલો ભાગ મેં નહોતો સંભળાવ્યો. મારે તમારું મન જાણી લેવું’તું—’

‘તે હવે જાણી લીધું ને?’

‘હા. બરોબર—’

આ દંપતી નવપ્રાપ્ત સુખની વાતોમાં એવાં તો રમમાણ થઈ ગયાં કે રાતના કેટલા પ્રહર વીતી ગયા છે એનો એમને પણ ખ્યાલ ન રહ્યો. દીવીની ઝંખવાતી વાટમાં લાડકોરે બીજી વાર દિવેલ પૂર્યું અને ફરી બંને વાતોએ વળગ્યાં. આવી જ એક ઉજાગરાભરી રાત થોડા સમય અગાઉ પણ વીતી હતી… જ્યારે બટુક ભૂખ્ય પેટે ઊંઘી ગયેલો, ને લાડકોરે પતિને ઈશ્વરિયે જવાનું અને દકુભાઈ સમક્ષ યાચના કરવાનું સમજાવવામાં આખી રાત ગાળી હતી. પણ એ ઉજાગરો ઉદ્વેગભર્યો હતો, આજનો ઉજાગરો ઉલ્લાસભર્યો હતો. આજે એમને નૂતન જીવનનાં સ્વપ્નો સાકાર થતાં લાગતાં હતાં. તેથી જ તો આજના અજંપાનાં માધુર્યની ઉત્તેજનામાં એમણે મળસકા સુધી અતીત જીવનની અને આવતી કાલના જીવનની સુખદુઃખની વાતો કર્યા કરી.

આખરે ત્રીજી વાર પણ દીવીની વાટ ઝંખવાવા માંડી. પણ હવે ત્રીજી વાર એમાં દિવેલ પૂરવાની આવશ્યકતા નહોતી, કેમ કે એમના જીવનની જેમ આ આવાસમાં પણ નવપરોઢનો ઉજાશ પથરાવા માંડ્યો હતો.