વેળા વેળાની છાંયડી/ભાભીનો દિયર
← હું તો વાત કહું સાચી | વેળા વેળાની છાંયડી ભાભીનો દિયર ચુનીલાલ મડિયા |
કીલો કાંગસીવાળો → |
૧૨
‘બાપુ ! ઘોડાગાડી જાય !’
વાઘણિયાની શેરીમાંથી ટનનન… ટનનન કરતી શેખાણી શેઠની ઘોડાગાડી પસાર થતી કે તુરત એનો અવાજ સાંભળીને બટુકના કાન ચમકી ઊઠતા. ગાડી જોવા માટે એ બારીએ આવી ઊભતો અને પિતાને પણ ત્યાં આવવા કહેતો: ‘બાપુ, અહીં આવોની, ઘોડાગાડી જોવી હોય તો !’
ઓતમચંદ અણસમજુ પુત્રની આ આજ્ઞાનું પાલન કરતો અને બારીએ આવી ઊભતો.
‘જુવો આપણી ગાડી જાય !… જુવો આપણો ઘોડો જાય !… જુવો, આપણો વશરામ જાય !’ બટુક બારીમાંથી જોવાલાયક જે વસ્તુઓ બતાવતો એ ઓતમચંદે જોવી પડતી. મોં ઉ૫૨ જિજ્ઞાસુ કિશોર જેટલો જ પરિતોષ લાવીને એ કહેતો: ‘હા બેટા ! ગાડી જોઈ; ઘોડો જોયો; વશરામને પણ જોયો !’
પલટાયેલા જીવનરંગમાં છ-છ મહિનાથી ઓતમચંદ આ રીતે જીવી રહ્યો હતો. આ છ મહિના દરમિયાન એને ઘણું ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એમાંનું એક જ્ઞાન તો એ હતું કે પેઢીનું અણધાર્યું પતન દકુભાઈનું જ કારસ્તાન કામ કરી ગયું હતું. એ કારસ્તાનના પાકા પુરાવા પણ હવે તો સાંપડી રહ્યા હતા. દગાખોર દકુભાઈ સામે કાયદેસર પગલાં લેવાનું કેટલાક હિતૈષીઓ ઓતમચંદને સમજાવી રહ્યા હતા. સઘળી સાધનસંપત્તિ ગુમાવીને અકિંચન બની બેઠેલો ઓતમચંદ પોતાના સગા સાળા સામે અદાલતે ચડવાનું વિચારે તોપણ હવે તો એ શક્ય નહોતું, કેમ કે, દકુભાઈ દૂરંદેશી વાપરીને એકાએક બર્મા ભણી ઊપડી ગયા હતા.
બાયડી-છોકરાને મકનજીની દેખભાળ તળે ઈશ્વરિયામાં મૂકીને દકુભાઈ મોલમિનમાં એક ઓળખીતા વેપારીની ચાવલ મિલમાં રહી ગયા હતા. મોલમિન જતાં પહેલાં તેઓ એવી હવા ફેલાવતા ગયેલા કે બનેવીએ મને બાવો કરીને કાઢી મેલ્યો, તેથી રોટલો રળવા મોલમિન જેટલો આઘો પરદેશનો પલ્લો કરવો પડે છે… રફતે રફતે ઓતમચંદને સાચી વાત સમજાયેલી, પણ એ એણે મનમાં જ રાખેલી. દકુભાઈનાં કારસ્તાનોની લાડકોરને ગંધ સરખી ન જાય એની એણે તકેદારી રાખેલી. પોતાનો માનો જણ્યો ભાઈ ઊઠીને બહેનના ઘરમાં ધામો મારી ગયો છે એવી જાણ થતાં લાડકોરના વ્યથિત હૃદયને વધારે વ્યથા થશે, એમ લાગતાં ઓતમચંદ આ બાબતમાં સાવ મૂંગો જ રહેલો. તેથી જ તો, ભાઈભાભીની અવળચંડાઈ પ્રત્યેનો લાડકોરનો રોષ થોડા દિવસમાં જ શમી ગયેલો ને ? અને એ ક્ષણિક રોષ ઓસરી ગયા પછી લાડકોર પોતાનાં ભાઈભોજાઈ પ્રત્યે ફરી પાછી હેતાળ બની ગયેલી. વસુંધરા સમા એના વિશાળ અને વત્સલ હૃદયમાં નાનેરા ભાઈ પ્રત્યે પહેલાંના જેવું જ પ્રેમઝરણ વહેવા લાગેલું. તેથી જ તો દકુભાઈ પોતાની સલામતી ખાતર બ્રહ્મદેશ ભાગી ગયો ત્યારે લાડકોરે દુખિયા ભાઈની દયા ખાધેલી:
‘પરદેશ ન જાય તો બીજું શું કરે બિચારો ? ગમે ત્યાંથી શેર બાજરો તો પેદા કરવો જ પડે ને ? અમારી પેઢીમાં પડ્યો રહ્યો હોત તો આજે મૂળાને પાંદડે મઝા કરતો હોત. પણ અંજળપાણી એને અહીંથી ઈશ્વરિયે ઉપાડી ગયાં. બિચારો બચરવાળ માણસ… બાયડીછોકરાનાં પેટ તો ભરવાં પડે ને ? ચપટીમૂઠી કમાવા સારુ જનમભોમકા છોડીને કાળે પાણીએ ઠેઠ મોલમિન જાવું પડ્યું… ભગવાન એને સાજો નરવો રાખે !’
દકુભાઈને અંગે ઓતમચંદને ઇષ્ટ હતું એવું જ ઉદાર વલણ લાડકોરે ધીમે ધીમે અખત્યાર કર્યું તેથી ઓતમચંદને આનંદ થયો. વઢકણી ભોજાઈ સમરથ પ્રત્યે પણ લાડકોર ધીમે ધીમે સમભાવ કેળવતી હતી એ જોઈને ઓતમચંદને અદકો સંતોષ થયો. આ સાગરપેટા શાણા ગૃહસ્થની એકમાત્ર એષણા એ હતી કે દુનિયાદારીની દૃષ્ટિએ અકિંચન બનેલા આ ઘરમાંથી ખાનદાનીનો લોપ ન થાય. આર્થિક સંપત્તિ તો સંજોગવશાત્ આ ઘરનો ત્યાગ કરી ગઈ હતી; પણ હવે સ્નેહની સંપદા આ રાંક ઘરનું આંગણું છાંડી ન જાય એની ઓતમચંદ તકેદારી રાખતો હતો. કુલયોગિની લાડકોરના હૃદયનું સ્નેહઝરણું અસ્ખલિત રહી શક્યું એ જોઈને પતિએ પરમ તૃપ્તિ અનુભવી.
નાના ભાઈ નરોત્તમ ઉપર વરસતી આ દંપતીની અણખૂટ વાત્સલ્યધારા લગીરે વિચલિત ન બને એ માટે તેઓ સતત જાગ્રત રહ્યાં કરતાં… નરોત્તમ અંગે ઓતમચંદના હૃદયમાં એક ડંખ રહી ગયો હતો. ઘર તેમજ પેઢી હજી સુધી બંને ભાઈઓનાં મજિયારાં હતાં. નરોત્તમની સહિયારી મિલકત પોતે વેપારમાં ગુમાવી દીધી એ વાતનું દુઃખ ઓતમચંદને રહ્યા કરતું હતું. નાનાભાઈનો હિસ્સો આ રીતે હોમી દેવાનો મને શો અધિકાર હતો ? મારે કા૨ણે જ નિર્દોષ નરોત્તમ પણ આપત્તિમાં આવી પડ્યો, એવી કલ્પના મોટા ભાઈના હૃદયને કોરી ખાતી હતી.
નરોત્તમનું પોતાનું વલણ વળી જુદી જ જાતનું હતું. એને મનમાં થયા કરતું હતું કે મોટા ભાઈની પડતી દશામાં હું એમના પર ભારરૂપ થઈ રહ્યો છું. પેઢીનો સંકેલો કર્યા પછી ઓતમચંદે લાજની લગીરેય દરકાર કર્યા વિના વાઘણિયાની બજાર વચ્ચે જ નાનીસરખી હાટડી નાખી હતી. એ કહેતો, ‘વાણિયાનો દીકરો’ તો આદિકાળથી તેલ-પળી કરતો જ આવ્યો છે, એમાં વળી શરમ શેની ?’ પણ નરોત્તમને લાગ્યા કરતું હતું કે આ નાનકડી હાટડીમાંથી ભાગ્યે જ બે ભાઈઓનો રોટલો નીકળી શકશે. તેથી, મોટા ભાઈ ઉપરથી પોતાનો બોજો દૂર કરવા એ શહેરમાં જઈને સ્વતંત્ર રીતે કમાવા માગતો હતો, અને એ રીતે એ ઓતમચંદને ટેકારૂપ થવા ઇચ્છતો હતો.
પણ નરોત્તમ જ્યારે જ્યારે પરગામ જવાનો પ્રસ્તાવ મૂકતો ત્યારે ત્યારે ઓતમચંદ એક જ જવાબ આપતો:
‘ના રે ભાઈ, આપણે ઘરની છોડીને આઘે ક્યાંય જાવું નથી. ભલું આપણું બાપદાદાનું ગામ ને ભલી આપણી ખોબા જેવડી હાટડી… આ હાટડીમાંથી ભગવાન એક રોટલો આપશે તોય આપણે બે ભાઈ અરધો અરધો મીઠો કરીને ખાઈશું. પણ તને પારકા પરદેશમાં મોકલતાં મારું મન નથી માનતું.’
લાડકોર પણ નાના દિયરને બહારગામ જતો રોકતી:
‘ના… રે… બાપુ, મારી આંખ આગળથી આઘા થાવ એ મને ન ગમે. આંહીં તમને કોઈ વાતનું દુઃખ છે ? આજે આપણો સમો નબળો આવ્યો છે એથી શું થઈ ગયું ? ઘરના માણસને બહાર કાઢી મુકાતા હશે ! નથી જોઈતી અમારે તમારી શહેરની કમાણી… પૈસો આપણે ક્યાં નથી જોયો ? ને નસીબમાં હશે તો વળી કાલ સવારે ફરી જોવા પામશું. પણ તમે ઘર છોડીને જાવ તો ગામ શું વાત કરે એ ખબર છે ? કોઈ કહેશે કે ભાઈભોજાઈને એક દિયે૨નું ભાણું ભારે પડ્યું. ના… રે… બાઈ, મારે તમને બહા૨ગામ નથી જાવા દેવા. મારી આંખનાં બે રતન: એક બટુક ને બીજા તમે. તમને મેં કોઈ દિવસ દિયર નથી ગણ્યા, સગા દીકરા જ ગણીને ઉછેર્યા છે. ને હવે તમે મારી નજ૨થી આઘા થાવ તો મને કેવું લાગે?… ને ગામમાં માણસ પણ કેવું માને ? કહેશે કે મોટે ખોરડે ભૂખ આવી ને ભોજાઈને એક દિય૨ના રોટલા ભારે પડ્યા એટલે એને ઘ૨ બહાર કાઢ્યો. ના…રે… બાઈ, આવાં મહેણાં મારે નથી સાંભળવાં… હું તમને વાઘણિયાની સીમ નહીં વળોટવા દઉં.’
નરોત્તમ બહાર જવા માટે જેમ જેમ વધારે આગ્રહ કરતો હતો તેમ ભાઈભાભીનો એ સામે વિરોધ પણ વધતો જતો હતો. એ જાણતો હતો કે આ વિરોધ પાછળ ભાઈભાભીનો મારા પ્રત્યેનો અનન્ય પ્રેમ જ કામ કરી રહ્યો છે. પણ નરોત્તમની વિચક્ષણ આંખો રોજ ઊઠીને ઘ૨માં જે સૂચક દૃશ્યો જોયા કરતી હતી એને પરિણામે એ અકળામણ અનુભવી રહ્યો હતો.
ઓતમચંદ જે ભાડાના ઘરમાં રહેવા ગયેલો એ શેરીમાં થઈને શેખાણી શેઠની ઘોડાગાડી રોજ સવારસાંજ પસાર થતી. ટનનન ટનનન અવાજ થાય કે તરત બટુક બારીએ જઈ ઊભતો અને પછી ગાડીમાં બેસવાનું અને ઘોડા પર સવારી કરવાનું વેન લેતો. આવે પ્રસંગે ઓતમચંદ તેમજ લાડકોરનાં હૃદય બહુ કોચવાતાં. તેઓ ઘણુંય ઇચ્છતા કે એક વેળાની આપણી માલિકીની ગાડી હવે આપણે આંગણે થઈને પસાર ન થાય તો સારું. પણ શેખાણી શેઠને ફરવા જવા માટે આ શેરીમાંથી નીકળ્યા વિના છૂટકો જ નહોતો.
આવી રીતે એક દિવસ ઘોડાગાડીના ઘૂઘરા સંભળાયા અને બટુકના કાન ચમક્યા. તુરત એ આદત મુજબ બારીએ જઈ ઊભો ને બૂમો પાડવા લાગ્યો: ‘વશરામ ! વશરામ !’
વશરામે બટુકનો પરિચિત અવાજ સાંભળ્યો ને સામેથી અવાજ કર્યો: ‘કેમ છો, બટુકભાઈ ?’
બટુકે વળતી માગણી કરી: ‘મને ઘોડા ઉપર બેસાડ !’
પણ ત્યાં તો ઝડપભેર જતી ગાડી શેરીમાંથી પસાર થઈ ગઈ હતી.
અને બટુકની રડા૨ડ શરૂ થઈ ગઈ હતી: ‘મને ઘોડા ઉ૫૨ બેસાડો ! બાપુ, મને ઘોડા ઉપર બેસાડો !’
ઓતમચંદ જોઈ રહ્યો. લાડકોર જોઈ રહી, નરોત્તમ પણ લાચાર બનીને જોઈ રહ્યો.
બટુકનું બુમરાણ વધતું ગયું. પણ આવા નાજુક પ્રશ્ન અંગે એને શી રીતે સમજાવવો એ કોઈને સૂઝતું નહોતું. સૌ પોતપોતાની રીતે મનમાં આ પ્રશ્નની સૂચક ગંભીરતા વિચારી રહ્યાં હતાં, પણ જીભ ૫૨ એક પણ હરફ આવી શકતો નહોતો, સૌ સમજતાં હતાં કે બટુકનો આ કજિયો બાલિશ છે, પણ એમ બોલવાની કોઈનામાં હિંમત નહોતી.
અને ગાડીના વેન ઉ૫૨ બટુક કજિયે ચડ્યો અને માબાપના જીવ દુભાવા લાગ્યા. પુત્રને કયા શબ્દોમાં સાંત્વન આપવું એ એમને સમજાતું નહોતું. ‘હમણાં વશરામને બોલાવીને તેને ઘોડા ઉપર બેસાડશં’ એમ કહેવું ? ના, ના, એ તો હીણપતભર્યું હતું. ‘આપણે પોતે જ નવી ઘોડાગાડી વસાવશે.’ એવો સધિયારો આપવો ? ના, ના, એ પણ એક આત્મછલના જ ગણાય.
બટુકની આંખમાંથી દડદડ આંસુ વહેતાં હતાં અને માબાપ દીન વદને એ જોઈ રહ્યાં. નરોત્તમ્ અકળામણ્ અનુભવી રહ્યો હતો.
આખરે ઓતમચંદને આમાંથી રસ્તો સૂઝ્યો. એ ગંભીર ચહેરે ઊભો થયો, બટુક ચાબુક તરીકે જે ટચૂકડી સોટી વાપરતો એ શોધી કાઢીને એણે પુત્રના હાથમાં પકડાવી.
ઓતમચંદ શું ક૨વા માગે છે એ કોઈને સમજાયું નહીં. લાડકો૨ અને નરોત્તમ તો કુતૂહલભરી નજરે મૂંગા મૂંગાં જોઈ રહ્યાં.
ઓતમચંદ તો અજબ આસાનીથી નીચો નમીને ચા૨ ૫ગે ઘોડો થઈ ગયો અને પોશ પોશ આંસુએ રડતા બટુકને પોતાની પીઠ ૫૨ બેસાડી દીધો.
લાડકોર અને નરોત્તમ ફાટી આંખે આ જોઈ રહ્યાં.
‘ચાલો હવે આપણે ઘોડો ઘોડો રમીએ,’ કહીને ઓતમચંદે તો ઓરડામાં રીતસર ચાર પગે આમથી તેમ ફરવા માંડ્યું.
સાચા ઘોડા પર નહીં તોય પિતાની પીઠ પર સવારી કરવાનું મળ્યું તેથી રડતો બટુક શાંત થઈ ગયો.
હજી પણ નરોત્તમ અને લાડકોર તો આ વિચિત્ર દૃશ્ય મૂંગાં મૂંગાં અવલોકી જ રહ્યાં હતાં.
પણ પોતાનું ઘોડેસવારીનું વેન ભાંગતાં બટુક એવો તો ગેલમાં આવી ગયો હતો કે એ ઘડીભર તો ભૂલી ગયો કે પોતે ચોપગા ઘોડા ઉપર નહીં પણ પિતાની પીઠ પર ભારરૂપ થઈ રહ્યો છે. એણે તો સવા૨ીની ઝડપ વધારવા ઓતમચંદની પીઠ પર સોટી પણ સબોડી દીધી.
આ જોઈને નરોત્તમ અકળાઈ ઊઠ્યો પણ કશું બોલી શક્યો નહીં. પણ લાડકોરથી તો હવે ન જ રહેવાયું. એણે ઠપકાભર્યા અવાજે પતિને કહ્યું:
‘આ તે તમે કેવી રમત માંડી છે ! છોકરાને અત્યારથી આવાં ખોટાં લખણ શીખવાતાં હશે ? ને દીકરો ઊઠીને બાપને સોટી મારે એ શોભતું હશે ?’
‘પણ આમાં ક્યાં સાચે જ સોટી મા૨વાનું છે ?’ હજી પણ નીચી મુંડીએ ચોપગાની જેમ આમથી તેમ ફરી રહેલા ઓતમચંદે ઊંચે જોઈને પત્નીને જવાબ આપ્યો: ‘આ તો અમે બેય જણા ઘોડો ઘોડોની રમત રમીએ છીએ.’
‘આવી રમત તે કાંઈ ૨માતી હશે ?’ લાડકોરે વધારે ઉગ્ર અવાજે પૂછ્યું.
‘રોતા છોકરાને છાનો રાખવો હોય તો રમવી પડે.’ ઓતમચંદે કહ્યું.
‘અણસમજુ છોકરું તે રૂવેય ખરું, પણ એમાં ક્યાં સાચાં મોતીનાં આંસુ ખરી જતાં હતાં ?’ લાડકોરે કહ્યું, ‘આજથી છોકરાને આવાં લાડચાગ કરાવો છો તો મોટા થાતાં આકરાં પડશે. દીકરો ઊઠીને બાપને સોટી મારે એવાં લાડ તો મલકમાં ક્યાંય જોયાં નથી.’
‘ઠીક લ્યો !’ કહીને ઓતમચંદે પત્નીને શાંત પાડવા ખાતર પુત્રને કહ્યું, ‘બેટા, હવે ધીમે ધીમે સોટી મા૨જે હો ! આ ઘોડાને બહુ ચમચમે છે—’
અને ફરી એ ઝડપભેર ઓ૨ડા આખામાં ચાર પગે ઘૂમવા લાગ્યો.
ઓતમચંદની આંખમાંથી જે વાત્સલ્ય નીતરતું હતું એ જોઈને લાડકોરની જીભ સિવાઈ ગઈ. હવે એ કશી ટીકા કરી શકે એમ નહોતી. આવું વિચિત્ર દશ્ય જોઈને એનું હૃદય દ્રવી ઊઠ્યું. આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એ આંસુમાં રહેલી અનુકંપા વહાલસોયા પુત્ર પ્રત્યેની હતી કે પુત્રથીય અદકા સરલહૃદય એવા પતિ પ્રત્યેની હતી એ કહેવું મુશ્કેલ હતું.
આવું હૃદયસ્પર્શી દૃશ્ય જોઈને નરોત્તમ એટલો તો લાગણીવશ થઈ ગયો કે એ બહાર ઓશરીમાં ચાલ્યો ગયો. ઘણા દિવસથી મનમાં ઘોળાતી મૂંઝવણ એને ગૂંગળાવી રહી ગઈ. કાલની અનેકાનેક ચિંતાઓ જાણે કે એકસામટી ધસી આવી.
નરોત્તમની આંખ સામે સોનચંપાના ફૂલ સમી વાગ્દત્તા ચંપા ચમકી ગઈ… એ વાગ્દાન તૂટવાની તૈયારીમાં છે એવા ગામગપાટા કાનમાં ઘણના ઘા મારી ગયા… અસહાય છતાં અસીમ ઔદાર્યની મૂર્તિ સમા મોટા ભાઈ આવી ઊભા… અણસમજુ બટુક અને ગૃહલક્ષ્મી લાડકોરની મૂર્તિ આંખ સામે ખડી થઈ… અને પ્રેમ, જવાબદારી, ફરજ વગેરેનાં વિવિધ બળો વચ્ચે નરોત્તમ ખેંચાવા લાગ્યો. ભવિષ્ય જાણે કે સાવ અંધકારમય લાગ્યું. પ્રકાશકિરણ શોધવા એણે બહુ બહુ પ્રયત્નો કર્યા. અનેક મથામણો કરી… અને સમજાયું કે આવી ક્રૂર વાસ્તવિકતાઓ પ્રત્યે આંમિચામણાં કરીને બેસી રહેવાનું ન પાલવે, આમાંથી કોઈક માર્ગ કાઢ્ય જ છૂટકો છે… તીરે ઊભીને તમાશો જોયા ક૨વાથી તો હું મોટા ભાઈ પ્રત્યેની મારી ફરજ બજવણીમાં બેવફા બની રહ્યો છું…
અને આખરે નરોત્તમને અંધકાર વચ્ચે એક પ્રકાશકિરણ લાધ્યું. રાજકોટમાં એક દૂરના સગા રહેતા હતા. બે પૈસે સુખી પણ હતા. એમની લાગવગ પણ સારી હતી. રાજકોટ જેવું તખત શહેર છે, તો હું સ્વતંત્ર રીતે કાંઈક કમાતો થાઉં, ને મોટા ભાઈને મદદરૂપ થાઉં… અહીંના જીવનસંગ્રામમાં મૂંગા સાક્ષી તરીકે જીવવામાં તો હું ગુનેગાર બની રહ્યો છું, મારે અહીંથી જવું જોઈએ, જવું જ જોઈએ…
❋
નરોત્તમના આ નિર્ધારને વધારે મક્કમ બનાવે એવો એક સૂચક બનાવ પણ એ જ અરસામાં બની ગયો.
આમ તો ઘ૨માં એવો શિરસ્તો હતો કે સાંજે વાળુ કરવા માટે દુકાનેથી પહેલવહેલો નરોત્તમ આવે. નરોત્તમ જમીને પાછો દુકાને જાય પછી ઓતમચંદ આવે. પતિ પણ જમી રહે પછી જ લાડકોર જમવા બેસતી. પણ એક દિવસ આ ક્રમ જ ઊલટાઈ ગયો. નરોત્તમ બીજા કોઈક કામમાં રોકાયો હશે તેથી એણે કહ્યું કે, 'મોટા ભાઈ, તમે પહેલાં વાળુ કરી આવો, હું પછી જઈશ.’ એ અનુસાર ઓતમચંદ આવીને જમી ગયા. એ પછી મોડે મોડે કામમાંથી પ૨વા૨ીને નરોત્તમ જમવા આવ્યો ત્યારે અંધારું થઈ ચૂક્યું હતું. રસોડામાં લાડકોર ફાનસને અજવાળે દિયરના આગમનની રાહ જોતી બેઠી હતી.
‘ભાભી, મેં તમને કેટલી વાર કીધું કે મારે મોડું થાય તો તમારે જમી લેવું, ને મારે સારુ થાળી ઢાંકી મૂકવી ?’ પાણિયારે હાથમોં ધોતાં ધોતાં નરોત્તમ બોલ્યો.
‘થાળી ઢાંકી રાખીએ એમાં સ્વાદ શું રહે, ભાઈ ?’ લાડકોરે મીઠાશભર્યો ટહુકો કર્યો. ‘પણ મારે લીધે તમારે અધરાત લગી ભૂખ્યાં ચોડવાઈ રહેવું પડે છે ને !’
‘એ તો કોઈ દિવસ વહેલમોડું થાય, એમાં શું ? અમારે બાયડી માણસે વહેલાં જમીને વળી ક્યાં હુંડી વટાવવા જવી છે ? પાટિયામાંથી કડછી વડે કાંસાની થાળીમાં ખીચડી કાઢતાં લાડકોરે કહ્યું.
હંમેશ મુજબ આજે પણ લાડકોરે દિયરને આગ્રહ કરી કરીને જમાડ્યો. નરોત્તમ ના કહેતો જાય તેમ તેમ લાડકોર તાણ કરી કરીને ભાણામાં પીરસતી જ જાય.
‘બસ કરો, ભાભી ! હવે વધારે નહીં ખવાય.’
‘અરે, આટલું ખાધું એમાં શું પેટ ભરાઈ ગયું ?’ તમારા કરતાં તો બટુક બે કોળિયા વધારે ખાય છે,’ એમ કહી કહીને લાડકોર દિયરના ભાણામાં ખીચડી ને રોટલો મૂકતી જ જતી હતી.
ભોજ્યેષુ માતા સમી ભોજાઈની આ રીતરસમથી નરોત્તમ અજાણ હતો. પણ આજે કોણ જાણે કેમ, એને લાગતું હતું કે ભાભી પોતાના ભાગનું ભોજન પણ મને પીરસી આપે છે. લાડકોરને લાગ્યું પાટિયામાં ખીચડી ખૂટવા આવી હોવાનો નરોત્તમને વહેમ ગયો છે તેથી એણે વળી બમણો આગ્રહ કરીને પીરસવાનું ચાલુ રાખ્યું.
આખરે ભાભીના આ ભોજનભાવમાં નરોત્તમ ગૂંગળાઈ ગયો. એણે હવે થાળી ઉપર પોતાના બંને હાથ ઢાંકી દઈને વધારે વસ્તુ પીરસાતી અટકાવવા કરી જોયું. પણ લાડકોરે તો પ્રેમપૂર્વક એ હાથ આઘા કરીને પરાણે પીરસી જ દીધું.
હવે નરોત્તમની જબાન બંધ થઈ ગઈ.
‘આ તમને તાણ કરવા રોકાણી એમાં પાણીનો કળશો ભરીને ભાણા ઉપર મૂકવાનું તો ભૂલી ગઈ !’ મસોતા વડે હાથ લૂછીને લાડકોર ઊભી થઈ અને બહાર પાણિયારા તરફ ગઈ.
હવે નરોત્તમનું કુતૂહલ હાથ ન રહ્યું. હળવેકથી એણે ચૂલા નજીક જઈને હાંડલા ઉપરથી ઢાંકણી ઉઘાડી જોઈ તો પાટિયામાં ખીચડીને બદલે સાવ ખાલીખમ્મ જણાયું. લાડકોરે લૂઈ-પીને બધું જ પીરસી દીધું હતું.
નરોત્તમ મૂંગો મૂંગો જમવા લાગ્યો, પણ હવે ભોજનમાંથી સ્વાદ ઊડી ગયો હોય એમ લાગ્યું.
થાળીની બાજુમાં પાણીનો કળશ મૂકીને લાડકોર ફરી પાછા ચૂલા નજીક જઈ બેઠી. દિયરને સાવ ધીમે ધીમે કોળિયા ભરતો જોઈને એને મશ્કરી સૂઝી:
‘હવે તમને મારા હાથનું રાંધણું બહુ ભાવતું લાગતું નથી.’
છતાં નરોત્તમ મૂંગો જ રહ્યો તેથી લાડકોરે મશ્કરી આગળ વધારી:
‘હવે મારા હાથનું કાચુંપાકું રાંધણું ક્યાંથી ભાવે ? હવે તો કાલ સવારે મારી દેરાણી આવશે… પછી તમને બત્રી ભાતનાં ભોજન છત્રી ભાતનાં શાક વઘારીને જમાડશે… પછી તો હુંય આ ચૂલાનું ભઠિયારું નહીં કરું, સંધુય ચંપાને જ સોંપી દઈશ.’
ચંપાને જ સોંપી દઈશ !
‘દેરાણી’ અને ‘ચંપા’ એવા બબ્બે શબ્દો ઉચ્ચારાઈ ગયા છતાં નરોત્તમના મોં ઉપર જરાય મસ્કરાહટ ન આવી. તેથી લાડકોરને બહુ નવાઈ લાગી. પણ એને ક્યાં ખબર હતી કે આજે દિયરને હસવાના હોશ નહોતા રહ્યા !
જમવાનું જેમતેમ પતાવી, ચળુ કરીને નરોત્તમ મંગો મૂંગો જ દુકાને ચાલ્યો ગયો.
રાતે પણ એને ઊંઘ ન આવી. જમતી વેળા જે જોવા મળ્યું એથી નરોત્તમનું મગજ ભમી ગયું હતું. કેટકેટલા દિવસથી મારે કારણે ભૂખ્યાં રહેતાં હશે ! ખુદ મોટા ભાઈને પણ ભલા જીવને આ વાતની જાણ નથી લાગતી… ભાભી તો પેટે પાટા બાંધીને અમારાં પેટ ભરે છે ! ના, ના, હવે હું એમના પર બોજારૂપ નહીં જ થાઉં… હું ચાલ્યો જઈશ, ગમે ત્યાં ચાલ્યો જઈશ… મારે અહીંથી જવું જોઈએ… જવું જ જોઈએ…
❋
રાત આખી નરોત્તમે ઉદ્વિગ્ન ચિત્તે જે વાક્યનું રટણ કર્યું હતું એ સવાર પડતાં જ એણે ઓતમચંદ સમક્ષ ઉચ્ચારી નાખ્યું:
‘મોટા ભાઈ, મારે જવું જ જોઈએ.’
‘પણ તું અજાણ્યા ગામમાં ક્યાં જઈશ ?’
‘ચોખૂટ ધરતી પડી છે. ગમે ત્યાંથી પાટુ મારીને પૈસો પેદા કરીશ.’
‘પણ તેં કોઈ દિવસ ઉંબરા બહાર પગ મૂક્યો નથી. અજાણ્યો ક્યાં જઈને ઊભો રહીશ ?’
‘રાજકોટમાં આપણા આઘેરા સગા રહે છે ને — દામોદરમાસા —? એને કહીશ તો ક્યાંક નોકરીબોકરી અપાવશે.’
‘ભાઈ, મામામાસા કહેવાના, ને હોય ત્યાં લગી ખાવાના.’ ઓતમચંદે વહેવારની વાણી ઉચ્ચારી. ‘માસા સાથે સગપણ હતું તે દી સોના જેવું હતું. પણ હવે આપણો માઠો દી આવ્યો છે એટલે કદાચ એને સગપણ યાદ પણ ન રહ્યું હોય—’
ઓતમચંદની સાથે લાડકોર પણ નરોત્તમને જતો અટકાવી રહી. પણ આ વખતે વખતે નરોત્તમનો નિર્ધાર મક્કમ હતો. પૂરા ત્રણ-ત્રણ દિવસની લમણાઝીંકને અંતે નરોત્તમ પોતાનું દૃષ્ટિબિંદુ સમજાવી શક્યો.
‘ભાઇભાભીને અત્યંત અનિચ્છાએ પણ હા ભણવી પડી. પણ ત્યાં તો બટુકે વાંધો લીધો:
‘કાકાને નહીં જાવા દઉં.’
પણ બટુકને રીઝવવાનું સહેલું હતું. નરોત્તમે એને ઘોડાગાડીની લાલચ આપી: ‘જો, રાજકોટ જઈને તને ટચૂકડી ઘોડાગાડી મોકલીશ, હો !’
ભત્રીજો રાજી રાજી થઈ ગયો.
વિદાયને દિવસે લાડકોરે ઘરમાં ગમે તેમ ગોઠવણ કરીને પણ કંસાર રાંધ્યો. દિયરને ભાવપૂર્વક જમાડ્યો અને જતી વખતે એ હાથમાં ચાંદીનો રૂપિયો તથા શ્રીફળ મૂકીને પસ ભરાવ્યો. પછી એને હાથ વડે દિયરનાં દુખણાં લઈને દસેય આંગળાંના ટાચકા ફોડતાં હૃદયપૂર્વક આશિષ આપી:
‘સાજાનરવા રહેજો ને વહેલા વહેલા પાછા ઘેરે આવજો !’
પોતાની પાંપણ ભીની થાય એ પહેલાં જ નરોત્તમે પગલું ઉપાડ્યું.