વેળા વેળાની છાંયડી/મનોમન
← પાણી પરખાઈ ગયું | વેળા વેળાની છાંયડી મનોમન ચુનીલાલ મડિયા |
ઉષાની રંગોળી → |
૨૪
'હેં મામા, ઓલ્યો મજૂર કોણ હતો ?’
‘એણે આટલા રૂપિયા ભરેલું પાકીટ પાછું સોંપી દીધું, એ કાંઈ જેવી તેવી વાત છે ? માણસ ભલે મજૂરી કરે, પણ લાગે છે સાચક—’
‘હેં મામા, તમે એને રૂપિયો બે રૂપિયા આપીને રાજીય ન કર્યો ?’
‘મામા, એને બિચારાને મનમાં કેવું લાગ્યું હશે ! એને થાતું હશે આ શેઠ તો સાવ મૂજી નીકળ્યા ! અકબંધ પાકીટ પાછું સોંપ્યું, પણ બદલામાં પાવલુંય પરખાવ્યું નહીં…’
ચંપા વારે વારે મનસુખભાઈને આવા પ્રશ્નો પૂછ્યા કરતી હતી. અને મનસુખભાઈ વારે વારે આવા અણગમતા પ્રશ્નો અંગે કંટાળો વ્યક્ત કર્યા કરતા હતા.
‘ઓહોહો ! તું તો મજૂર મજૂર કરીને અમારો જીવ ખાઈ ગઈ, બાઈ !’
‘તું તો વાતનું વતેસર ક૨ી પડી !’
મામા કંટાળો વ્યક્ત કરતા હતા, પણ ભાણેજને જરાય કંટાળો આવતો નહોતો. બલકે, એ તો બમણા ઉત્સાહ ને કુતૂહલથી પૂછાપૂછ ચાલુ રાખતી હતી.
‘પણ મામા, તમે એને મજૂર મજૂર કૂટ્યા કરો છો પણ એના દીદાર મજૂર જેવા લાગતા નો’તા હો !’
‘અરે ભાઈ, મજૂર નહીં તો મૂલી કહું, લે ! ને મૂલી નામ ન ગમતું હોય તો ઉપડામણિયો કહું, લે ! આ તો, ઓલી ડોસીના ત્રણ દીકરાવાળી વાત થઈ—ત્રણેય દીકરાનાં નામ નોખાં નોખાં: એકનું નામ ધારો, બીજાનું નામ પરવત ને ત્રીજાનું નામ ડુંગર. પણ અંતે તો ત્રણેય પાણા—’
‘મામા, એ મજૂરનેય ભલે તમે ઠેકડીમાં મૂલી કહો કે ઉપડામણિયો કહો, પણ એનુંય સાચું નામ તો કાંઈક હશે જ ને ?’
‘હશે; તે શું થઈ ગયું ?’ મનસુખભાઈએ જરા ઉગ્ર અવાજે પૂછ્યું.
ચંપાએ બીતાં બીતાં બોલી નાખ્યું: ‘એનું નામ તમારે જાણવું જોઈએ—’
‘એવા હાલીમવાલીનાં નામ જાણીને મારે શું કરવું છે ? એને માટે આંગણે ઉભાડીને પોંખવો છે ?’
ચંપાની આંખ ચમકી ઊઠી.
‘પોંખવો છે ?’ શબ્દો સાંભળીને ચંપાના હોઠ ઉપર ‘હા’ ઉત્તર આવી ગયો, પણ પ્રયત્નપૂર્વક એણે એ શબ્દ પાછો હૃદયમાં ઉતારી દીધો.
‘પણ મામા, એને બિચારાને સાવ ખાલી હાથે કાઢ્યો એમાં આપણા ઘરની આબરૂ નહીં જાય ?’
‘મજૂર માણસ પાસે વળી આબરૂની વાત ? એની પાસે આપણી આબરૂ ૨હી તોય શું ને ગઈ તોય શું ?’
ચંપા ઘડીભર મૂંગી થઈ ગઈ. હવે પોતાના મનગમતા વિષયની વાત શી રીતે આગળ વધારવી એ અંગે વિમાસી રહી. આખરે, હૈયામાં ઘોળાઈ રહેલી વાત ફરી હોઠે આવી ગઈ:
‘પણ મામા, તમે એને મજૂર મજૂર ફૂટ્યા કરો છો, પણ એ મજૂર જ નહોતો—’
‘ના, ના, મજૂર નહીં, મોટો માંધાતા હતો !’ મનસુખભાઈએ મરડમાં જવાબ આપ્યો. ‘તું તો હજી કહે ને કે મોટો લખપતિ હતો, શાવકારનો દીકરો હતો, નવાબજાદો હતો, અરે, નવલશા હીરજી હતો !’
ચંપાને લાગ્યું કે મારે જે શબ્દો બોલવા છે—અને બોલી શકતી નથી—એને મારા મામાને મોઢેથી વાચા મળી રહી છે. મરડમાં ઉચ્ચારાતી આ દાઢાવાણી અક્ષરશઃ સાચી છે એ હું શી રીતે સમજાવું ? સ્ટેશન પરથી માથે સામાન ઉપાડી ખડકી સુધી મૂકી ગયેલો એ માણસ ખરેખર નવલશા હીરજી જેવા ખાનદાનનું ફરજંદ છે એ હકીકતની ખાતરી શી રીતે કરાવું ?
‘પણ મામા, એના દેખાવ ઉપરથી લાગતું’તું જ કે એણે સુખના દિવસો જોયા હશે—’
‘ને આ તો અમથો શોખથી મજૂરી કરવા આવ્યો’તો એમ ને ?’
‘શોખથી તો નહીં પણ માથે વેળા પડી હશે એટલે નછૂટકે આવું નીચાજોણું કામ કરતો હશે—’ કહીને ચંપાએ ફરી ફરીને એ જ વાત ઉચ્ચારી: ‘એનું મોઢું જ કહી દેતું’તું કે એ માણસે કોઈ દી મજૂરી કરી નથી… ને કરતાં આવડતીય નથી.’
‘નહીં આવડતી હોય તો હવે આવડશે.’ મનસુખભાઈએ ઠંડે કલેજે જવાબ આપ્યો, ‘કામ કામને શીખવે.’
સાંભળીને ચંપા પણ ઠંડીગાર થઈ ગઈ. હવે મામાને આ મજૂરમાં કઈ રીતે રસ લેતા કરવા એ અંગે વિચારી રહી. એક વાર તો એને મનમાં થઈ આવ્યું કે મામાને સીધું સંભળાવી જ દઉં, કે એ મજૂર બીજો કોઈ નહીં પણ વાઘણિયાવાળા ઓતમચંદ શેઠનો નાનો ભાઈ છે અને અને એનું નામ નરોત્તમ છે… પણ બીજી જ ક્ષણે એ વિચાર માંડી વાળ્યો. ‘ના, ના. આમ સીધી રીતે કહી દઈશ તો તો. એ માણસ તરફ મામાને વધારે અણગમો થશે.’
તો પછી એ મજૂરની ભાળ શી રીતે મેળવવી ?… ચંપાની આંખ સામે પોતાના પ્રિયપાત્રની છબી તરવરી રહી. એની એકની એક મુખમુદ્રા જુદાં જુદાં સ્થળમાં ને જુદા જુદા સ્વાંગમાં પણ દેખાતી હતી. પહેલવહેલાં, વાઘણિયે જતી વેળા અમરગઢ સ્ટેશન ઉપર મહેમાનોને ઉતારવા આવેલ એક મૂર્તિ… રસ્તામાં ઘોડાગાડીમાં બેઠે બેઠે તારામૈત્રક રચનાર બીજી મૂર્તિ… નવી મેડીના માઢમાં ગુપ્તપણે ગોષ્ઠી કરનાર ત્રીજી મૂર્તિ… ફરી પાછાં મેંગણી જતી વેળા ઘોડાગાડીમાં વળાવવા આવેલ, ઊઘડતા પરોઢે જ હૃદયમાં પ્રેમપંખીનો મૂંગો કલશોર મચાવી મૂકનાર ચોથી મૂર્તિ… મેંગણી પહોંચ્યા પછી પહેલી જ રાતે મીઠા અજંપામાં સાચાં સપનાંનો અનુભવ કરાવનાર અને પછી તો રોજ રોજ જાગ્રતાવસ્થામાં પણ સપનાંનો સુરમો આંજી જનાર પાંચમી મૂર્તિ… અને છેલ્લે, અહીં ૨ાજકોટ સ્ટેશનેથી ઘર સુધી સાથે સામાન ઉપાડીને મજૂરનો સ્વાંગ સજનાર –અને તેથીસ્તો વધારે અસ્વસ્થ કરી જનાર—છઠ્ઠી મૂર્તિ…’
આમાનાં પહેલા અને છેલ્લા ચિત્ર વચ્ચે બહુ ઝાઝું છેટું પડી ગયેલું. એક મોટા જીવનપલટા જેટલું અંતર દેખાતું. પહેલી વાર જોયેલી અને છેલ્લી વાર અનાયાસે જોવા મળેલી વ્યક્તિ વચ્ચે વિસંવાદ જેવું લાગતું હતું. પણ ચંપા જાણતી હતી કે પેલાં પાંચ ચિત્રો સાચાં, સ્વાભાવિક હતાં, જ્યારે આ છેલ્લું ચિત્ર અસ્વાભાવિક હતું; એ ચિત્રમાં ‘સ્વભાવ’ નહીં પણ સ્વાંગ હતો.
શા માટે એણે આવો સ્વાંગ સજ્યો ? એના ઉપર વિપત પડી છે એ વાત સાચી. પણ સાચોસાચ પેટ ભરવા સારુ જ આવું મજૂરનું કામ કરવું પડ્યું હોય, તોપણ એણે સ્ટેશન ઉ૫૨થી બીજા કોઈનો નહીં ને મામાનો જ સામાન શું કામ ઉપાડ્યો ?… જાણી જોઈને ઉપાડ્યો હશે ? મામા હારે તો એને આંખની ઓળખાણેય નથી. બેય જણા કોઈ દી હરુભરુ મળ્યા જ નથી. આંખને અણસારેય કોઈ એકબીજાને ઓળખતા નહોતા. તો પછી, ગાડી ઊભતાંવેંત મામાના હાથમાંથી ભાર લઈને ભૂલથી જ પોતાના માથા ઉપર એણે મેલી દીધો હશે…?
આ પ્રસંગ ઉપર વધારે વિચાર કરતાં ચંપાને તુરત એક ત્રીજી વ્યક્તિ યાદ આવી ગઈ… હા, બરોબર, સામેથી કોઈક માણસે મામાને હાંક મારીને કીધું કે ગામતરેથી આવી ગ્યાને મનસુખભાઈ !… આપણો માણસ છે, સામાન ઉપાડીને ખડકી લગી મેલી જાશે…
હં. બરોબર ! હવે યાદ આવ્યું. મામાનો સરસામાન એણે અમથો નહોતો ઉપાડી લીધો. કોઈકે એને ચીંધ્યું’તું ખરું !… પણ કોણ હશે — એ માણસ ? કોણ હશે એને આવું મૂલી-મજૂરીનું કામ ચીંધનારો ? એનો કોઈ સગો થાતો હશે ? કે એનો વળી શેઠ હશે ? એ, પારકા માણસને આમ ન કરવાનું કામ કેમ ચીંધતો હશે ? ચીંધી શકતો હશે ?
‘હા, હવે યાદ આવ્યું, બરોબર યાદ આવ્યું ! ગાડી ઊભી રહી ત્યારે એક માણસ રમકડાંની રેંકડી ફેરવતો હતો ખરો. એ એક હાથે ઘૂઘરા વગાડતો હતો ને બીજે હાથે રેંકડી ઠેલતો હતો, ને મોઢેથી ‘લ્યો આ મહુવાનાં રંગીન રમકડાં !’ એમ રાડ પાડતો હતો.
સ્મૃતિપટ પર એક પછી એક તાણાવાણા ગોઠવાતા જતા હતા અને એમાંથી આખું અકબંધ દૃશ્ય નજર સામે આવી ઊભતું હતું.
હા, હવે યાદ આવ્યું ! મામાની પાછળ પાછળ હું ધીમે ધીમે સ્ટેશનના દરવાજા બહાર નીકળતી હતી ત્યારે એ રમકડાંવાળો મારી સામે ટગર ટગર જોઈ રહ્યો હતો ખરો !… શું કામે જોતો હશે ? મામાનો ઓળખીતો હતો એટલે ?–મામાને ઘેર આ કોણ નવાં મહેમાન આવ્યાં એ જાણવા સારુ એ આમ જોયા કરતો હશે ?… કોણ જાણે બાઈ, પણ હું તો એની બાઘડા જેવી આંખ જોઈને જ બી મરી’તી !…
પ્રસંગની સાંકળમાં ખૂટતી કડીઓ જેમ જેમ ભિડાતી જતી હતી તેમ તેમ ચંપાને આખી સમસ્યા સ્ફુટ થવાને બદલે વધારે રહસ્યમય લાગતી જતી હતી… કોણ હશે એ રમકડાં વેચનારો ? મામાનો સરસામાન ઉપાડી લેવાનું એણે શું કામે ચીંધ્યું ? ને મારી સામે આટલી ઝીણવટથી શું કામે જોઈ રહ્યો હશે ?… હું મનસુખભાઈની ભાણેજ થાઉં છું, એ વાત એ જાણતો હતો ?— જાણી ગયો હશે ? મામા મને શું કામે રાજકોટમાં લઈ આવ્યા છે એ વાતની અને ખબર પડી ગઈ હશે ?…
કોણ હશે એ રેંકડીવાળો ? ઓતમચંદ શેઠનો ઓળખીતો હશે ? એના કુટુંબ હારે એને કાંઈ સગા-સંગપણ હશે ? આ બધું ની એણે હાથે કરીને ગોઠવ્યું હશે ? કે એની મેળે જ ગોઠવાઈ ગયું હશે ?
ચંપાનું વિચારસંક્રમણ ફરી ફરીને મૂળ વાત ઉપર આવતું કે ના, ના, આમાં જરૂર કાંઈક ભેદ છે. આવો જોગાનુજોગ કાંઈ આ ન ગોઠવાઈ જાય… એણે મારું પારખું કરી જોવા સારુ તો આ રમત નહીં ગોઠવી હોય ને ?
અને તુરત આના અનુસંધાનમાં બીજો વિચાર ઝબકી ગયો: મારું પારખું કરવા જ આ રમત ગોઠવી હોય તો તો કેવું સારું ! પારખામાં તો હું બરોબર પાર ઊતરી છું. રસ્તામાં મેં વાત કરી છે. મેં ક્યાંય કરતાં ક્યાંય ભૂલ નથી ખાધી. મેં તો ચોખ્ખું કહી દીધું કે આ તમને શોભતું નથી, ને તમારે માથે ભાર જોઈને હું લાજી મરું છું… બસ, મારાં આટલાં વેણ ઉપરથી એ મારા મનની વાત નહીં સમજી ગયા હોય ? આમ તો કેવા ચતુર ને હોશિયાર છે !—અરધું વેણ બોલીએ તોય આખું સમજી જાય એવા ! આવી વાત તો માણસ સાનમાં સમજી જાય. મેં વળી તોડીફોડીને કીધું છે કે હું લાજી મરું છું… બસ છે, તેજીને તો આટલો ટકોરો જ બસ. સંધીય વાત સમજી જ ગયા હશે… ભલે મોઢેથી બોલતા નહોતા, પણ આંખમાંથી નેહ વરસતો’તો એ રહી શકે એમ હતો ?… છેલ્લી ઘડીએ મેં ડેલીનાં બારણાંમાં પગ મેલતાં મેલતાં પાછું વાળીને જોયું ત્યારે એની આંખ મારા પર ખોડાયેલી હતી ને !–બસ છે આટલું તો… અમે બેય જણાં મૂગાં મૂંગાં મનોમન સંંધુંય સમજી ગયાં ! ને બેયનાં મનોમન સાક્ષી… હવે અંજળપાણી લખ્યાં હશે તો, જેવાં મનોમન મળ્યાં એવાં જ હરૂભરુ ભેગાં થઈ જઈશું.
અને આ સંભવિત મિલનની મનોમન અનુભૂતિ એવી તો ઉત્કટ બની રહી કે ચંપાએ ઉત્સાહભેર મનસુખભાઈને કહ્યું:
‘મામા, ઓલ્યા મજૂરની ગોત-ભાળ તો કરો !’
હવે મનસુખભાઈનો મિજાજ હાથથી ગયો. એમણે રોષભરી ત્રાડ પાડી:
‘અહોહો ! તેં તો મજૂર મજૂર કરીને લોહી પીધાં અમારાં !’
બસ આટલી ગર્જના કરીને મનસુખભાઈ રોષભેર બીજા ઓરડામાં ચાલ્યા ગયા.
તેઓ ત્રાડ પાડીને ચાલ્યા ગયા એ એક રીતે સારું જ થયું. કેમ કે, હાજર રહ્યા હોત તો ચંપાની આંખમાં તગતગી ગયેલાં આંસુ જોઇને એમને અકળામણ થઈ પડી હોત.
‘શું છે ? શું છે ? આ શેના હાકોટા સંભળાય છે ?’ કરતાંકને રસોડામાંથી ધીરજમામી દોડી આવ્યાં.
ઓરડામાં આવીને જોયું તો ચંપાની બંને અણીવાળી આંખોની પાંપણને છેડે પાણીદાર મોતી સમું એકેક આંસુ તબકતું હતું.
‘અરે ! મારી ચંપાબેન ! આ શું ?’ ધીરજમામી વિસ્ફારિત આંખે પુછવા લાગ્યા :
‘મામાં વઢ્યા ?’
‘કોઈએ કાંઈ આકરાં વેણ કીધાં ?’
‘તમને કંઈ ઓછું આવ્યું ?’
આટલા ઉપરાઉપરી પ્રશ્નો પૂછવા છતાં ચંપા તો મૂંગી જ રહી. તેથી ધીરજમામીની અકળામણ વધી. એમણે વધુ પૃચ્છા કરી:
‘આંહીં અમારા ઘરમાં ગમતું નથી ?’
‘મેંગણી યાદ આવી ગયું ?’
‘માબાપ યાદ આવી ગયાં ?’
બિચારાં ધીરજમામીને કોણ સમજાવે કે આ યુવતીને અત્યારે મેંગણી કે માબાપ નહીં પણ એક મજૂરની યાદ સતાવે છે !
સ્ત્રીસહજ નિકટતાના ભાવથી એમણે ચંપાને ગોદમાં લીધી અને પોતાના સાડલાના છેડા વતી એની આંખને ખૂણે તગતગતું આંસુ લૂછવા માંડ્યું.
‘શું કામ ઓછું આવી ગયું, બેન ? મારા સમ છે, ના બોલો તો !’
આંખમાંથી એકેક આંસુ લુછાયું કે તરત, અંદર ક્યારના રુંધાઇ રહેલાં બીજાં આંસુ મોતીની લાંબી સેરની જેમ દડદડ સરી પડ્યાં.
‘અરર ! મારી બેન, આ શું ?’ ગુલપાંખડી જેવા ગાલ ઉપર પથરાયેલાં ઝાકળબિંદુ સમાં આંસુ વહાલપૂર્વક લૂછતાં લૂછતાં મામી બોલી રહ્યાં:
‘આજે આમ રોવા બેસાય, મારી બાઈ ? આજ તો મુનસફનો દીકરો તમને જોવા આવવાનો છે… અરરર ! આંખ તો જો, રાતીચોળ થઈ ગઈ આટલી વારમાં ! તમારા મામાનો સ્વભાવ તો મૂળથી તીખો છે. મનેય વાત વાતમાં રોવરાવે છે. અબઘડીએ જ એને ઠપકો આપું છું, છાની રહી જા, બેન !’
આટલું સાંત્વન આપીને ધીરજમામી પાણીઆરેથી પાણી લાવ્યાને હીબકતી ચંપાને પરાણે બેચાર ઘૂંટડા પાયા. અશ્રુપ્રવાહ અટક્યા પછી મામીએ સૂચના આપી:
‘માથું-મોઢું કરીને તૈયાર થઈ જા, બેન ! અબઘડીએ મૂનસફનો છોકરો આવી પૂગશે.’