વેળા વેળાની છાંયડી/મારો દકુભાઈ !

વિકિસ્રોતમાંથી
← વિપદ પડે પણ વણસે નહીં વેળા વેળાની છાંયડી
મારો દકુભાઈ !
ચુનીલાલ મડિયા
કામદાર નહીં, કાંગસીવાળો →





૧૯

મારો દકુભાઈ !
 


‘બા, બાપુ આવ્યા !… બાપુ આવ્યા !’

ત્રણ-ત્રણ દિવસથી અમીટ આંખે પિતાની પ્રતીક્ષા કરી રહેલ બટુકે શેરીને નાકે પિતાને આવતા જોયા કે તરત જ એ સમાચાર, એટલી જ ઉત્કટ પ્રતીક્ષા કરી રહેલ માતાને પહોંચાડવા એ ઘરમાં દોડી ગયો.

‘ભલે આવ્યા, ભલે આવ્યા…’ લાડકોરે આ સમાચાર સાંભળીને આનંદાવેશ તો પુત્ર જેટલો જ, બલકે અદકો અનુભવ્યો. પણ પુત્રના જેવી બાલિશ રીતે એ પ્રદર્શિત કરવાનું એને ઉચિત ન લાગ્યું તેથી એ આનંદોર્મિ એણે મનમાં ને મનમાં જ રાખી.

સાંઢણી પર સવા૨ થઈને આવેલો કાસદ મહત્ત્વના સમાચાર પાઠવીને ચોંપભેર પાછો ફરે એવી અદાથી બટુક આ આગમનની જાહેરાત કરીને તુરત જ ઝડપભેર ફરી પાછો શેરીમાં દોડી ગયો ને હવે તો ડેલી નજીક આવી પહોંચેલા ઓતમચંદને વળગી પડ્યો.

‘લાવો મારાં રમકડાં !… ક્યાં છે મારાં રમકડાં ?’

ઘરમાં પગ મૂકતાં સુધીમાં તો બટુકે પિતાને આ પ્રશ્નો વડે પજવી જ નાખ્યા.

ઓતમચંદ આ અણસમજુ બાળકને ‘ધીરો ખમ, ધીરો થા જરાક,’ કહી કહીને સધિયારો આપ્યા કરતો હતો.

ઉંબરામાં લાડકોર સામી આવીને ઊભી હતી, તેથી ઓતમચંદ ડેલીમાં દાખલ થતાં જ ચાર આંખો મળી ગઈ.

લાડકોરે પોતાના હેતાળ હૃદયના પ્રતીક સમી આછેરી મુસ્કરાહટ વડે પતિનું સ્વાગત કર્યું અને ઓતમચંદે એવા જ મધુર હાસ્ય વડે એ ઝીલ્યું.

અમરગઢ સ્ટેશનથી વાઘણિયા સુધી પગપાળા આવેલા ઓતમચંદે ખભા પરથી ભાર હળવો કરવા પોટકું હેઠું ઉતાર્યું.

લાડકોર અર્થસૂચક નજરે એ પોટકા ભણી તાકી રહી. દકુભાઈને ઘેરથી આ પોટકામાં શું આવ્યું હશે એની કલ્પના કરી રહી.

‘માલીકો૨ ઘરમાં ઉતારો, ઘરમાં.’ લાડકોરે અર્થસૂચક અવાજે કહ્યું. દકુભાઈને ઘેરથી આવેલ જરજોખમ આમ ઓસરીમાં ઉતારવામાં લાડકોરને જોખમ જણાતું હતું.

પત્નીના આ સૂચનનો ધ્વન્યાર્થ સમજતાં ઓતમચંદને વાર ન લાગી. દુનિયાદારીનો આકંઠ અનુભવ કરી ચૂકેલા અને સંસારનાં સુખ-દુઃખને ઘોળીને પી ગયેલ કોઈ ફિલસૂફની અદાથી ઓતમચંદ મનમાં ને મનમાં હસી રહ્યો. પણ એ ભાવ એણે મોઢા પર વ્યક્ત થવા ન દીધો. રખે ને પોતાના આગમન સાથે જ પત્નીએ સેવેલાં સઘળાં સપનાં સરી જાય, એનું ભ્રમનિરસ ન થઈ જાય એ ભયથી શાણા પતિએ પોતાની અર્ધાંગનાની આજ્ઞા શિરસાવંદ્ય ગણીને આજ્ઞાંકિત સેવકની જેમ ઓસરીમાંથી પોટલું ઉપાડી લીધું ને અંદરના ઓરડામાં પટા૨ા પર મૂકી આવ્યો.

પત્નીએ પાણિયારેથી કળશો ભર્યો ને ઓતમચંદ ઓસરીની કોર ઉ૫૨ હાથમોઢું ધોવા બેઠો કે તુરત લાડકોર ચોંપભેર અંદરના ઓરડામાં ગઈ. કેડ ઉપરથી કૂંચીનો ઝૂમખો કાઢીને પટારો ઉઘાડ્યો અને ‘જરજોખમ તો સાચવીને રાખવાં સારાં,’ એમ મનમાં બોલતાં બોલતાં એણે ઝટપટ પેલું પોટલું પટારાના ઊંડાણમાં મેલી દીધું.

વાઘણિયાના જ એક પંકાયેલા લુહારે ઘડેલા આ તિજોરી જેવા સાબૂત પટારામાં નીચા નમીને પોટલું ઉતારતાં ઉતારતાં વળી લાડકોરના મનમાં એક પ્રશ્ન ઊઠ્યો: ‘આમાં ભા૨ તો બવ લાગતો નથી !—’ પણ પછી, એના અસીમ આશાવાદે મનમાં સમાધાન યોજ્યું: રોકડને બદલે નોટું આપી હશે – ને કાં તો પંડ્યે જ અંગરખા નીચે કે કાછડીયે જોખમ ચડાવ્યું હશે.’

‘લાવો મારાં રમકડાં !’ ઓતમચંદ હાથમોઢું ધોઈને પરવાર્યો અને વળગણીએથી ફાળિયું ઉતારીને મોં લૂછવા લાગ્યો ત્યાં સુધીમાં બટુકે તો ‘લાવો મારા રમકડાં’ની એકધારી મોં-પાટ જ ચાલુ રાખી હતી.

પુત્રની આવી બાલસહજ માગણીથી પિતાને એક જાતનો આનંદ થતો હતો અને રમકડાંની સોંપણીમાં એ ઇરાદાપૂર્વક વિલંબ કરીને પુત્રને વધારે પજવવામાં વળી એને અદકો આનંદ થતો હતો; પણ લાડકોરને પત્રની આવી બાલોચિત રીતભાત અત્યારે અકળાવનારી લાગતાં એણે ડારો દીધો :

‘થાક્યાપાક્યા આવ્યા છે એને જરાક વિસામો તો ખાવા દે ! રમકડાં, રમકડાં કરીને લોહી પી ગયો તું તો !’

‘અરે, અરે, આવાં આકરાં વેણ બોલો મા, બોલો મા.’ ઓતમચંદે પત્નીને વારી. ‘હું પણ બટુક જેવડો હતો ને, તંયે મોટા બાપુને આમ જ પજવતો, પણ એને લોહી પીધું એમ ન કહેવાય. બિચારાં બાળુડાં કોને કિયે !’

આટલું કહીને ઓતમચંદ અંદરના ઓરડા તરફ જતાં જતાં બોલ્યો:

‘લાવો, પોટકું છોડીને છોકરાનો કજિયો ભાંગું–’

‘પોટકું તો મેં સાચવીને મેલી દીધું–’ લાડકોર બોલી.

‘ક્યાં ?’

‘હળવે સાદે બોલો, હળવે સાદે,’ પતિને સૂચના આપીને પછી લાડકોરે પોતે અત્યંત હળવે અવાજે ઓતમચંદના કાનમાં ફૂંક મારી: ‘પટારામાં—’

જરાક જ જુદી પરિસ્થિતિ હોત તો ઓતમચંદ આ સાંભળીને ખડખડાટ હસી પડ્યો હોત. પણ આજના નાજુક સંજોગમાં પત્નીને એ આટલો વહેલો આઘાત આપવા નહોતો ઇચ્છતો તેથી એણે ગંભીર ભાવે લાડકોર પાસેથી પટારાની કૂંચી માંગી લીધી ને મૂંગે મૂંગે પેલા પોટકામાંથી ‘માલ’ બહાર કાઢી લીધો.

‘લે આ પી-પી !’ મેંગણીમાંથી બીજલે આપેલી વાંસળી બટુકના હાથમાં મૂકતાં ઓતમચંદે કહ્યું.

વાંસળીમાં ફૂંક મારતાં જ બટુક એનો અવાજ સાંભળીને નાચી ઊઠ્યો.

‘વાંસળી કોણે મોકલી બેટા ?–બોલ જોઈએ !’ લાડકોર પોતાને મહિયરથી આવેલી આ અણમોલ ભેટ પર પ્રેષકનું નામ પુત્રના મનમાં પાકું કરાવવા માગતી હતી.

પણ આ ઉત્સવપ્રિય છોકરો નવો નવો સાંપડેલો પાવો વગાડવામાં જ એવો તો ગુલતાન હતો કે આવી વહેવારડાહી વાતમાં એને રસ જ નહોતો.

‘પાવો કોણે મોકલ્યો, બેટા ? — બોલ જોઈએ !’ પુત્રને મોઢેથી જ પાકો ઉત્તર મેળવવા માતાએ ફરી દબાણ કર્યું.

છતાં જ્યારે બટુકે આ સોગાદ મોકલના૨ના ઋણસ્વીકારની પરવા ન કરી ત્યારે આખરે ઓતમચંદે જ એને સૂચવવું પડ્યું:

‘કહે બેટા, કે મામાના દીકરાએ પાવો મોકલ્યો… દકુભાઈએ મોકલ્યો—’

‘મામાના બાલુભાઈએ મોકલ્યો—’ પિતાએ પઢાવેલું પોપટવાક્ય પુત્રે જ્યારે યંત્રવત્ ઉચ્ચાર્યું ત્યારે માતાના હર્ષાવેશની અવધિ ન રહી.

અને છતાં, હરખઘેલી લાડકોરને આવા એક જ રસાનુભવથી સંતોષ થાય એમ નહોતો. પાવાના સૂરમાં ગળાબૂડ સેલારા લેતા પુત્રને મોઢેથી એણે ફરી ફરીને પરાણે આ વાક્ય બોલાવ્યા કર્યું:

‘મામાએ પાવો મોકલ્યો…’

‘મામાએ રમકડાં મોકલ્યાં’’

અને પુત્રના દરેક વાક્યને અંતે માતા ‘મારો દકુભાઈ !’ ‘મારો દકુભાઈ !’ કહીને પોતાના ભાઈની ઉદારદિલી અંગે ધન્યતા અનુભવતી રહી. અને એ દરિયાવદિલ ભાઈએ રમકડાં સાથે રોકડ તો કોણ જાણે કેટલી બધી બંધાવી હશે એની તો એ કલ્પના જ કરી રહી. પટારામાં મૂકી દીધેલું પોટલું તો રાતે શેરીમાં સોપો પડી ગયા પછી જ પોતે છોડશે. અત્યારે તો એની મધુર કલ્પનાથી જ એ આનંદ અનુભવી રહી.

રમકડાં-પ્રકરણ પત્યા પછી જ લાડકોરને પતિ સાથે વાત કરવાનો અવકાશ મળ્યો. બપોર ટાણે પતિ માટે રસોડામાં થાળી પીરસતાં પીરસતાં એણે કહ્યું:

‘તમે તો ઈશ્વરિયે બહુ રોકાઈ ગયા, કાંઈ !’

જવાબમાં ઓતમચંદે અજબ વ્યંગભર્યું મૂંગું હાસ્ય વેર્યું.

‘હું તો રોજ ઊઠીને દાળભાત ઓરતાં પહેલાં તમારી વાટ જોઉં. બટુક તો ઠેઠ ઝાંપે જઈને ઊભો રહે ને પછી થાકીને પાછો આવે.’

‘મનેય મનમાં તો થાતું કે ઘરે વાટ જોવાતી હશે,’ ઓતમચંદને હવે બોલવાની જરૂ૨ જણાઈ. ‘પણ તમારો દકુભાઈ મને એમ ઝટ નીકળવા દિયે ખરો ?’

‘મારો દકુભાઈ !’ લાડકોરે ગર્વભેર સંતોષ વ્યક્ત કર્યો.

‘રોજ સવા૨માં ઊઠીને વાઘણિયે આવવાનું પરિયાણ કરું ને દકુભાઈ સમસાગરા દઈને રોકી દિયે—’

‘મારો દકુભાઈ !’

‘કાલે સવારે તો હું સાચે જ ખભે ફાળિયું નાખીને નીકળતો’તો, પણ દકુભાઈ ઉંબરા આડે ઊભા રિયા ને કીધું કે જાય અને સહુથી વહાલા સગાના સમ !’

‘મારો દકુભાઈ !’

‘તાણ્ય કરીને કિયે કે આવ્યા છો તો હવે અઠવાડિયું રોકાઈ જાવ !’

‘મારો દકુભાઈ !’ પતિના વાક્યે વાક્યે પત્ની તરફથી આ પ્રશસ્તિ શબ્દો ઉચ્ચારાતા હતા.

‘આજે પણ સવારે નીકળતો’તો તંયે દકુભાઈએ આડે ઊભીને ઉંબરો બાંધ્યો–’

‘મારો દકુભાઈ વેન વિવેકમાં ઓછો ઊતરે એમ નથી !’

‘પણ મેં માથું મારીને કીધું કે આજ હવે નીકળ્યા વિના છૂટકો જ નથી. એટલે દકુભાઈ બચારો બવ કોચવાઈ ગયો… નછૂટકે મને શીખ આપી… ભેગું આ ગોળપાપડી ને તલસાંકળીનું ભાતું બંધાવ્યું—’ મેંગણીથી આહીરાણીએ બંધાવેલી ખાદ્ય ચીજો લાડકોરે થાળીમાં જ પીરસી દીધી હતી.

‘મારો દકુભાઈ !’ પતિના વાક્યે વાક્યે પત્નીનો અહોભાવ વધતો જતો હતો. ‘ભોજાઈ પારકી જણી એટલે ગમે એવી લોંડીલુચ્ચી હોય, પણ ભાઈ તો મારી માનો જણ્યો… બેન-ભાંડરડાંને કેમ કરીને ભૂલે—’

‘હવે હાંઉં કરો, હાંઉં !’ પતિનો અવાજ સાંભળીને લાડકોરના કાન ચમક્યા. શી બાબતમાં એ બસ કરવાનું કહે છે — દકુભાઈની પ્રશસ્તિમાં ?… એમ લાડકોર વિચારી રહી ત્યાં તો ઓતમચંદે જ સ્ફોટ કર્યો: ‘હવે વધારે રોટલી નહીં ખવાય…’

‘અરે આટલામાં પેટ ભરાઈ ગયું ?’ લાડકોરે સામું પૂછ્યું.

‘હવે વધારે હાલે એમ નથી.’

‘કેમ ભલા ? આજે તો લાંબો પંથ ખેડીને આવ્યા એટલે વધારે ભૂખ લાગવી જોઈએ, એને બદલે—’

‘આજે તો મુદ્દલ ભૂખ નહોતી લાગી, પણ બેસવા ખાતર પાટલે બેઠો—’

‘ભૂખ કેમ ન લાગે ભલા ?’ પ્રેમાળ સ્વરે પત્નીએ ઊલટતપાસ શરૂ કરી.

‘દકુભાઈએ રોજ ને રોજ ભાત ભાતનાં મિષ્ટાન્ન જમાડીને એવો તો ધરવી દીધો છે કે હવે એક મહિના લગી ભૂખ જ નહીં લાગે—’

ઓતમચંદે તો આ વાક્ય હસતાં હસતાં ઉચ્ચાર્યું, પણ ભોળી લાડકોરે એને ગંભી૨ ભાવે સાચું માન્યું. ફરી એ ભાઈની બહેને બિરદાવલિ ગાવા માંડી:

‘મારો દકુભાઈ ! આગતાસ્વાગતામાં જરાય ઓછો ઊતરે એમ નથી !’

‘ને આગતાસ્વાગતા પણ કેવી ! ભલભલા રાજ-રજવાડાંમાંય ન ભાળીએ એવી !’ ઓતમચંદે વિગતો રજૂ કરી: ‘એક ટંક પૂરણપોળી તો બીજે ટંક પકવાન… એક દી દૂધપાક તો બીજે દી બાસુંદી… એક વાર—’

‘મારો દકુભાઈ !—હું તમને નહોતી કે’તી કે ગમે તેવો તોય મારો માનો જણ્યો ! તમે ઠાલા ઈશ્વરિયે જતાં ઓઝપાતા’તા—’

‘ઈશ્વરિયામાં તો દકુભાઈએ ૨જવાડું ઊભું કરી દીધું છે રજવાડું. ભલભલા ભૂપતિ એની પાસે ઝાંખા લાગે એવું, ઓહો ને બાસ્તા જેવું ઘર વસાવ્યું છે…’

‘મારો દકુભાઈ !… મોલમિન ખેડ્યા પછી આવતો દી થયો તો કેવું સંધીય વાતનું સુખ થઈ ગયું !’

દકુભાઈનો દીબાચો સાંભળીને લાડકોર ચગી હતી. ઓતમચંદે એને હજી વધારે ચગાવી:

‘ને દકુભાઈના ઘરમાં કાંઈ રાચરચીલું, કાંઈ રાચરચીલું ! ભલભલા લાટસાહેબના બંગલામાંય ગોત્યું ન જડે એવું—’

‘સાચોસાચ ?’

‘હા. મોલમિનથી ગાડામોઢે માલ લઈ આવ્યા છે… કરાફાતની કારીગરી !… અકલ કામ ન કરે એવી !… એક જુઓ ને બીજી ભૂલો એવી !

‘મારો દકુભાઈ ! હવે એનો આવતો દી થયો એનાં આ એંધાણ… આપણે ઘેરે રિયો હોત તો જિંદગી આખી વાણોતરું ઢરડ્યા કરત બિચારો.’

‘હું તો આટલા દી ઈશ્વરિયાને બદલે જાણે કે પાંચમા દેવલોકમાં પૂગી ગયો હોઉં એવું જ લાગ્યા કરતું હતું,’ ઓતમચંદે દ્વિઅર્થી વાક્ય ઉચ્ચારીને પછી ઉમેર્યું: ‘દેવલોકમાંય દકુભાઈના ઘર જેવાં દોમદોમ સુખસાહ્યબી નહીં હોય.’

‘ક્યાંથી હોય ! દકુભાઈએ તો આટઆટલાં દુઃખ ભોગવ્યાં પછી સુખસાહ્યબી સાંપડ્યાં છે—’

‘પણ દકુભાઈમાં આવતા દીનો જરાય એંકાર નહીં હોં !’ ઓતમચંદે સ્વયંસ્ફુરણાથી જ વણમાગ્યું પ્રમાણપત્ર આપ્યું.

‘એનું નામ માણસ !’ લાડકોરે સમર્થન કર્યું, ‘આંબામાં ને બાવળમાં ફેર એટલો ફે૨. બાવળ હંમેશાં ઊંચો જ રહે. ને આંબાને ફળ આવતાં જાય એમ નીચો નમતો જાય—’

‘એટલે તો કહું છું કે દકુભાઈએ એવી તો સરસ સરભરા કરી કે હું તો બીજું સંધુંય ભૂલી ગયો.’

‘મને સોત ભૂલી ગયા’તા ? લાડકોરે કટાક્ષમાં પૂછ્યું.

આ સાંભળીને ઓતમચંદને પણ હસવું આવ્યું. પ્રૌઢ દંપતીની ચાર આંખો મૂંગી ગોઠડી કરી રહી અને બંનેની નજર પુત્ર ઉપર કેન્દ્રિત થઈ.

‘સંધુંય ભુલાઈ ગયું’તું પણ આ બટુક સાંભર્યો એટલે હું પાછો આવ્યો.’ ઓતમચંદે સમાપન કરતાં કહ્યું, ‘બાકી, દકુભાઈની પરોણાગતથી એવો તો ગળા લગી ધરાઈ રહ્યો છું કે છ મહિના લગી હવે ભૂખ જ નહીં લાગે.’

‘મારો દકુભાઈ !’ કહીને લાડકોરે છેલ્લો ઉદ્‌ગાર કાઢ્યો.

જમી કારવીને, એંઠવાડ કાઢ્યા પછી લાડકોર સાંજ પડવાની રાહ જોતી રહી. દકુભાઈને ત્યાંથી આવેલ નગદ નાણાંની જાણ રાતે જ થઈ શકે એમ હતી. ઓતમચંદ તો જમી પરવા૨ીને સીધો દુકાને જ ગયો હતો. હવે તો ક્યારે સાંજ પડે ને ક્યારે પતિ વાળુ કરવા આવે એની પ્રતીક્ષા થતી હતી.

લાડકોરને આજનો દિવસ લાંબામાં લાંબો લાગતો હતો — કેમેય કરી સાંજ પડતી જ નહોતી. ઘડીભર તો એને થયું કે પતિની રાહ જોયા વિના હું જ પટારામાંનું પોટલું છોડી નાખું અને જાણી લઉં કે એમાં કેટલીક મૂડી ભરી આવ્યા છે. પણ દામ્પત્યની કેટલીક અણલખી શિસ્તની અંતર્ગત સમજણે લાડકોરને એમ કરતાં રોકી, ‘કાંઈ નહીં, ઘડીક વારમાં શું ખાટુંમોળું થઈ જવાનું છે ?’ એમ વિચારીને એણે પતિની રાહ જોવાનું જ ગનીમત ગણ્યું.

આખરે રાત પડી !

પતિના પગ દાબતાં દાબતાં જ સુખદુઃખની વાતો કરવાની લાડકોરને આદત હતી. એ આદત મુજબ, આજે પણ વાત વાતમાં જ એણે ઓતમચંદની અનુમતિ માગી:

‘પટારો ઉઘાડું ?’

સાંભળીને ઓતમચંદ ધ્રૂજી ઊઠ્યો. બપોરથી અત્યાર સુધી ગુપ્ત રાખેલું રહસ્ય હમણાં છતું થઈ જશે ! બીજી બધી બાબતોમાં તો પત્નીને સુખદ ભ્રમમાં રાખવામાં પોતે આબાદ સફળ થયો હતો. પણ આ પોટકાની બાબતમાં હવે વધુ વાર ભ્રમજાળ જાળવવાનું મુશ્કેલ હતું.

‘પટારો ઉઘાડું ?’ના ઔપચારિક પ્રશ્નનો ઓતમચંદ કશો ઉત્તર આપી શક્યો નહીં. લાડકોર આ મૌનને જ અનુમતિ ગણીને ઊભી થઈ અને પટારો ઉઘાડ્યો.

લાડકોરે પટારામાં થોડી વાર આમથી તેમ હાથફેરો કરીને આખરે કહ્યું: ‘પોટકું તો કોઈએ છોડી નાખ્યું લાગે છે !’

‘મેં જ છોડ્યું છે —’ ઓતમચંદે કહ્યું.

‘હં… હવે સમજી !’ લાડકોર હસતી હસતી પાછી આવી. ‘મને છેતરવા સારુ તમે સંધુંય છોડી દીધું છે, કેમ ?’

ઓતમચંદે મનમાં વિચાર્યું: હા, છેતરવા સારુ તો આ બધીય લીલા કરવી પડે છે.

‘પોટકામાં શું શું હતું હવે કહી દિયો જોઈએ ઝટ !’

‘કાંઈ નહોતું.’ ઓતમચંદે પહેલી જ વાર સાચી વાત કરી.

‘કાંઈ નહોતું કેમ ભલા ? મેં મારે સગે હાથે પોટકું પટારામાં મેલ્યું’તું ને અટાણે તો ખાલી ફાળિયું જ પડ્યું છે.’

‘એમાં ફક્ત રમકડાં ને ગોળપાપડીનું ભાતું જ ભર્યું’તું.’

‘બીજું કાંઈ નો’તું ?’

‘ના, બીજું કાંઈ કરતાં કાંઈ નો’તું.’

થોડી વાર તો લાડકોર ગમ ખાઈ ગઈ. પણ એનો અસીમ આશાવાદ હજી આમ ઓસરી જાય એમ નહોતો. બોલી:

‘હં… સમજી, સમજી ! જોખમ સંધુંય અંગરખીના ખિસ્સામાં ભરી આવ્યાં હશો. સાચું કે નહીં ?’

‘ના, અંગરખીનાં ખિસ્સાં સંધાય ખાલી છે.’ ઓતમચંદે કહ્યું.

‘મારા દકુભાઈએ કાંઈ આપ્યું જ નથી ?’ લાડકોરે અધ્ધર શ્વાસે પૂછ્યું.

‘દકુભાઈએ તો ઘણુંય આપ્યું’તું બિચારે…’ ઓતમચંદે ફરી વાર અસત્યનો પ્રયોગ કર્યો.

‘આપ્યું’તું તો ગયું ક્યાં ?’ લાડકોરે પૂછ્યું.

‘આપણાં નસીબમાં ન સમાણું.’

‘એટલે ? શું થયું ? સરખી વાત કરો –’

‘વાત જાણે એમ થઈ કે ઈશ્વરિયેથી દકુભાઈએ તો આપણી ભવની ભાવટ ભાંગી જાય એટલું સારીપટ આપ્યું’તું… પણ…’

‘પણ શું થયું ? ઝટ બોલો, મારો જીવ ઊચક થઈ ગયો છે —’

‘પણ ગામમાં કાંટિયા વ૨ણની વસ્તી વધારે રહી ને, એટલે કોક જાણભેદુએ આ જ૨જોખમનો વે’મ રાખી લીધો હશે…’

‘હા… ઈશ્વરિયાના આય૨ તો મૂવા જમડા જેવા… ધોળે દીએ માથાં વાઢી નાખે એવા…’

‘તી એમાંથી કોક જાણભેદુને આ જરજોખમની ગંધ આવી ગઈ હશે… સમજી ને ?’ ઓતમચંદે પત્નીને બરોબર સમજાવી’તી, હું કોથળિયું લઈને વાઘણિયાને કેડે ચડ્યો… ને ખળખળિયે પહોંચીને જરાક પોરો ખાવા બેઠો કે તરત પછવાડેથી કોઈકે આવીને મને બોચીમાંથી ઝાલ્યો…’

‘અરર પીટડિયાવ…’

‘બોચી ઝાલીને બોલ્યા કે કાઢી દે સંધોય માલ—’

‘પછી ? પછી ?’

‘પછી તો એણે ધોલધપાટ શરૂ કરી… પણ હું શું આપણા બટુક જેવડો કીકલો થોડો હતો કે એમ બીકનો માર્યો માલ સોંપી દઉં ?’

‘એમ તી સોંપાતું હશે કાંઈ ?’

‘મેં તો સરાધાર ના જ ભણ્યે રાખી કે મારી પાસે કાંઈ છે જ નહીં… પણ જાણભેદુને પાકો વેમ હતો એટલે એણે તો હાથમાં પરોણી લઈને મને સબ સબ કરતી સબોડવા જ માંડી…’

‘મરે રે મૂવો રાખહ !’ લાડકોરે એ જાણભેદુને સ્વસ્તિવચન સંભળાવીને પછી પતિને પૂછ્યું: ‘સાચોસાચ તમને પરોણા સબોડ્યા ?’

‘વિશ્વાસ ન બેસતો હોય તો જોઈ લે, આ રહી વાંસામાં એની લીલીકાચ ભરોડ્યું…’ ઓતમચંદે પીઠ ફેરવીને લાઠીપ્રહારનાં નિશાનો બતાવ્યાં.

મીઠા તેલના મોઢિયાના આછા ઉજાશમાં પણ પતિના બરડા પર આડી ને અવળી ઊપસી આવેલી ભરોડો ને લોહીના ઉઝરડા જોઈને લાડકોરના મોઢામાંથી સિસકારો નીકળી ગયોઃ

‘અરરર… મૂવા જમડાએ માર મારવામાં જરાય પાછું વાળીને જોયું લાગતું નથી… વાંસો આખો ઉતરડી નાખ્યો છે વાલા મૂવાએ ?’

‘ઢોરમાર ખાઈ ખાઈને હું તો ઢળી પડ્યો. ને એ જોરૂકો આદમી સંધુંય ખંખેરીને, મને હાથેપગે સાવ હળવો કરીને હાલતો થઈ ગયો…’

સાંભળીને લાડકોર સ્તબ્ધ બની ગઈ. પછી પતિનું સર્વસ્વ લૂંટી લેના૨ એ શત્રુને ઉદ્દેશીને ધીમે ધીમે શાપવચનો ઉચ્ચારવા લાગી:

‘રોયાનાં રઝળે અંતરિયાળ !… રાખહને રૂંવે રૂંવે રગતપિત નીકળે !… આપણા મોંમાંથી રોટલો ઝૂંટી લેનારનું જાય રે જડાબીટ !’

‘બિચારાને હવે ગાળભેળ દઈને ઠાલાં શું કામને પાપકરમ બાંધવાં ?’

‘ગાળભેળ ન દઉં તો શું એને ગોપીચંદન ચડાવું મૂવા મતીરાને ?… ઈ શૂળકઢાની સાતેય પેઢીનું સત્યાનાશ નીકળશે !’

‘દાણેદાણા ઉપર ખાનારાંનાં નામ લખ્યાં હોય છે. દકુભાઈએ દીધેલું એ આપણા નસીબનું નહીં હોય ને ઓલ્યા જાણભેદુના નસીબમાં માંડ્યું હશે, એટલે લઈ ગયો એમ સમજવું.’ પતિએ લાડકોરને આશ્વાસન આપ્યું.

પણ લાડકોરનો પરિતાપ આવાં પોપટવાક્યોથી શમે એમ નહોતો. એ તો હજી વસવસો કરતી જ રહી:

‘અરેરે… આ તો તમારે ફોગટ ફેરા જેવું થયું… ઓલ્યા બ્રાહ્મણની જેમ આપણા હાથમાં તો ત્રણ પવાલાંનાં ત્રણ પવાલાં જ રહ્યાં…’

‘એટલે તો હું કહેતો’તો કે પારકી આશ સદાય નિરાશ, પારકાનું આપ્યું ને તાપ્યું કેટલી વાર ટકે !’ ઓતમચંદે પત્નીનો આઘાત ઓછો કરવા ફરી વાર ડહાપણનાં સૂત્રો ઉચ્ચારવા માંડ્યાં, ‘આ સંસારના સાગરમાં સહુએ પોતપોતાના તૂંબડે જ તરવું જોઈએ… સમજણ પડી ને ?’

પણ જેટલી આસાનીથી ઓતમચંદે દકુભાઈનો જાકારો જીરવી જાણ્યો હતો એટલી સહેલાઈથી લાડકોર આ કપોલકલ્પિત અહેવાલનો આઘાત સહન કરી શકે એમ નહોતી. છેક પરોઢ સુધી એનું વ્યથિત હૃદય આ વસમી વેદનાથી કણસતું રહ્યું. ખળખળિયાને કાંઠે ઢોરમાર પડ્યો હતો તો ઓતમચંદની પીઠ ઉપર, પણ એની વેદના લાડકોર અનુભવતી હતી.

એણે પતિને પૂછ્યું: ‘વાંસામાં શેકબેક કરી દઉં ?’

‘ના… રે, એવું બધું ક્યાં વાગ્યું છે કે શેક કરવો પડે !’ ઓતમચંદે વાત હસી નાખી.

‘તમે તે કેવા મીંઢા કે આવ્યા પછી અટાણ લગી આ વાત જ ન કરી !’

‘ઠાલાં તમે ફિકરમાં પડી જાવ ને જીવ બાળ્યા કરો…’

પણ પત્નીની જીવબળતરા તો વધતી જવાની જ હતી. લગભગ આખી રાત અજંપામાં વિતાવ્યા પછી બીજે દિવસે મેંગણીથી કપૂરશેઠનો જે કાગળ આવ્યો એની વિગતો અનેક રાતો સુધી અજંપો ઉત્પન્ન કરનારી તથા જીવબળતરા કરાવનારી હતી.

એ કાગળમાં કપૂરશેઠે નરોત્તમ સાથેનું ચંપાનું વેવિશાળ ફોક કર્યાના સત્તાવાર સમાચાર લખ્યા હતા.