લખાણ પર જાઓ

વેળા વેળાની છાંયડી/વગડા વચ્ચે

વિકિસ્રોતમાંથી
← ઘોડાગાડીના ઘૂઘરા વેળા વેળાની છાંયડી
વગડા વચ્ચે
ચુનીલાલ મડિયા
ત્રણ જુવાન હૈયાં →





વગડા વચ્ચે
 


અમરગઢ સ્ટેશનને હજી પ્લૅટફૉર્મ નહોતું સાંપડી શક્યું. ખુલ્લા ખેતરમાં રેલવેનો એક જ પાટો પસાર થતો હતો અને બાજુમાં એકઢાળિયા ખોરડા જેવું છાપરું ઊભું કરી દેવાયેલું એને જ સ્ટેશન ગણીને લોકો સંતોષ માનતાં હતાં. આ પંથકમાં દાનવી૨ ગણાતા ઓતમચંદ શેઠે ઉતારુઓની સગવડ સાચવવા ‘બ્રાહ્મણિયા પાણી’ની પરબ બંધાવેલી. એની છાપરીમાં એક મોટીબધી નાંદ ને ત્રણચાર માટલાં પડ્યાં રહેતાં.

માથે મુંડો કરાવેલી એક બ્રાહ્મણ ડોસી ટ્રેનના અવરજવરને સમયે ઉતારુઓને પાણી પાતી.

અમરગઢની આજુબાજુમાં ઉપરવાડિયાં ગામ ઘણાં હોવાથી અને રાતવરતની ગાડીનાં છડિયાંઓને રાતવાસાની બહુ અગવડ પડતી હોવાથી સ્ટેશનથી એકાદ ખેતરવા આઘે પડતર ખરાબામાં ઓતમચંદ શેઠે કૂવો ખોદાવીને પાઘડીપને લાંબી ઓસરી ને થોડાક ઓ૨ડા ઉતારેલા. અલારખા નામના એક મકરાણી પગીને આ ‘ધરમશાળા’ની દેખભાળ સોંપવામાં આવેલી. આ સાર્વજનિક સ્થળે ગરીબગુરબાં, બાવાસાધુ અને અપંગ-અભ્યાગતો તો કાયમના અડિંગા નાખીને પડ્યાં જ રહેતાં અને એવા ખુદાબક્ષોને ખાતર ઓતમચંદ શેઠે તાજેતરમાં રોજની એક ટંક ખીચડીનું સદાવ્રત પણ શરૂ કરેલું.

ઘોડાગાડી હજી તો સ્ટેશનથી આવી હતી ત્યાં જ ઘૂઘરા સાંભળીને સહુના કાન ચમકી ઊઠ્યા. ‘ઓતમચંદ શેઠ આવતા લાગે છે !’

સ્ટેશનનાં પગથિયાં પાસે વશરામે ગાડી થોભાવી કે તરત જ એને ચારે બાજુથી લોકો ઘેરી વળ્યાં. એ ટોળામાં ખુદ સ્ટેશન માસ્તર હતા, પરબ પર બેસના૨ કંકુડોસી હતી, અલારખો પગી હતો, કેટલાંક નવરાં કુતૂહલપ્રિય માણસો હતાં. મોટા શેઠ પાસેથી કશીક ખેરાત મળશે એવી આશાએ એકાદબે ફકી૨ફકરા પણ આવી પહોંચ્યા હતા.

પણ ઘોડાગાડીમાં ઓતમચંદ શેઠને બદલે નાનાશેઠ અને બટુકને જોઈને આ સહુ નિરાશ થયાં. જોકે એક લંગડા માણસે તો નરોત્તમને પણ આશીર્વાદ આપીને બદલામાં એક કાવડિયું આપશો, બાપા ?’ કહીને યાચના કરી જોઈ, પણ સામેથી ભખભખ ક૨તી ગાડીનું એન્જિન સિગ્નલ સુધી આવી પહોંચ્યું હોવાથી નરોત્તમ ઝડપભેર બટુકને લઈને પાટા નજીક પહોંચી ગયો.

જૂના મૉડેલનું, બે હાથ ઊંચા ભૂંગળાવાળું એંજિન છકછક છાકોટા નાખતું નજીક આવ્યું કે તરત જ નીચે ઊભેલાં ગામડિયાં ઉતારુઓ થડકી ઊઠ્યાં ને થોડાં ડગલાં પાછાં હઠી ગયાં. ગાડીમાંથી મેંગણીવાળા કપૂ૨શેઠ ઊતર્યા. સાથે એમનાં પત્ની સંતોકબા, મોટી પુત્રી ચંપા અને નાનકડી પુત્રી જસી પણ ઊતર્યાં.

બીજા થોડાક ખેડૂતો અને એકાદબે ટિકિટ વિના જ પ્રવાસ ક૨ના૨ ખુદાબક્ષ બાવાસાધુને બાદ કરતાં આજે ટ્રેનમાંથી ઊત૨ના૨ મુખ્ય ઉતારુઓમાં કપૂરશેઠનું કુટુંબ જ ગણી શકાય. જાણે કોઈ રાજામહારાજાનું આગમન થયું હોય એવી અદબ અને અહોભાવથી લોકો આ આગંતુકોને જોઈ રહ્યાં. ખુદ સ્ટેશન માસ્તર પણ દરવાજે ઊભીને બીજાં છડિયાંની ટિકિટો ઉઘરાવવાને બદલે ઓતમચંદ શેઠના આ મહેમાનોની તહેનાતમાં આવી ઊભા. સાંધાવાળો ‘લાઇન-ક્લીઅ૨’નો કાગળિયો એંજિન-ડ્રાઇવરને આપી આવીને આ શેઠિયાઓનો સ૨સામાન ઊંચકવા આવી પહોંચ્યો. ૫૨બ ૫૨ બેઠેલાં કંકુમાએ ઝટપટ જમીન પરથી ધૂળ લઈને કળશા પર હાથ ફેરવી, વીછળી નાખ્યો અને ટાઢા ગોળામાંથી પાણી ભરી, હાથમાં બેત્રણ પ્યાલા લઈને શેઠિયા મહેમાનને પાણી પાવા આવી ઊભાં.

અમરગઢના ભૂખડીબારસ જેવા સ્ટેશન પર ભાગ્યે જ જોવા મળતાં આવાં ઉજળિયાત ઉતારુઓથી લોકો એવાં તો અંજાઈ ગયાં હતાં કે જોતજોતામાં તો મહેમાનોની આસપાસ ખાસ્સું ટોળું જામી ગયું. આજુબાજુ રખડતાં નાગાંપૂગાં છોકરાં પણ આ આગુંતકોને ઘેરી વળ્યાં. સાંધાવાળાના ઘરનાં બૈરાંઓ પણ લાજના ઘૂમટા આડેથી આ મોટા ઘરનાં માણસોને નીરખવાનું કુતૂહલ રોકી ન શક્યાં.

મહેમાનોનો સરસામાન ઉપાડીને ઘોડાગાડીમાં મેલવા માટે સંખ્યાબંધ ‘સ્વયંસેવકો’ તૈયાર થઈ ગયા. ઘણાખરા માણસો તો સીધી યા આડકતરી રીતે ઓતમશેઠના આશરાગતિયા જેવા હોવાથી પોતાના એ આશ્રયદાતાને સારું લગાડવા થનગની રહ્યા હતા. ખુદ સ્ટેશન માસ્તરે મહેમાનોની ભાતાની પેટી ઉપાડવાનો વિવેક કરી જોયો પણ સમજુ નરોત્તમે એમને અટકાવ્યા.

આ પ્રદેશમાં ચાનું પીણું હજી તાજું જ દાખલ થયેલું અને લોકોને મન આ નવા પીણાનો મહિમા બહુ મોટો હતો તેથી એક લોહાણો ડોસો ‘ભ્રામણિયા ચા’ની કીટલી અહીં ફેરવતો એ પણ અત્યારે શેઠિયા માણસની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરવાની લાલચે કીટલી લઈને આવી પહોંચ્યો અને પિત્તળનાં કપ-રકાબીમાં ફરફરતી ચા રેડવા જતો હતો, પણ ધર્મચુસ્ત કપૂરશેઠે એને બે હાથ જોડીને સંભાળવી દીધું: ‘અમારે ચા પીવાની અગડ છે.’ અને પછી આવશ્યકતા નહોતી છતાં અગડનું કારણ ઉમેર્યું: ‘કિયે છે કે ચાના બગીચામાં ભૂકી ઉપર લોહીનો પટ દિયે છે એટલે ઉકાળાનો રંગ રાતોચોળ થાય છે.’

ખુલાસો સાંભળીને આજુબાજુમાં કેટલાક માણસો મૂછમાં હસ્યા ને બીજા કેટલાકને મહેમાનની આવી ધર્મપરાયણતા પ્રત્યે આદર ઊપજ્યો.

આખરે વશરામે જ મહેમાનનો સરસામાન ઉપાડી લીધો અને ઘેરામાંથી જગ્યા કરતો નરોત્તમ આગળ વધ્યો.

‘અરે બટુક ક્યાં ગયો, બટુક ?’ નરોત્તમ બોલી ઊઠ્યો: ‘હજી હમણાં તો મારી આંગળીએ હતો ને !’

થોડી વાર તો સહુ ઘાંઘાં થઈ ગયાં અને બટુકની ગોતાગોત કરવા લાગ્યાં. પણ ત્યાં તો સામાન લઈને ઘોડાગાડી સુધી પહોંચી ગયેલ વશરામની બૂમ સંભળાઈ:

‘એ… ફક૨ કરો મા, બટુકભાઈ તો આંયાંકણે આવી ગયા છે !’

જોયું તો ગાડીમાં વશરામની બેઠક ઉપ૨ બટુક હાથમાં લગામ ઝાલીને છટાપૂર્વક બેઠો હતો અને ઘોડાને દોડાવવા વશરામની નકલ ક૨ીને મોઢેથી બચકારા બોલાવતો હતો, પણ બટુક કરતાં વધારે સમજુ ઘોડો જરાય ચસતો નહોતો.

‘એલા, તું તો મોટો થાતાં સાઈસ થાઈશ, સાઈસ,’ નરોત્તમે ભત્રીજાને હસતાં હસતાં સંભળાવી અને સહુ ગાડીમાં ગોઠવાયાં.

ટોળું ફરી વાર ગાડીને ઘેરી વળ્યું. હવે તો ધી૨ગંભી૨ નરોત્તમને પણ આ ગુંદરિયા લોકો પ્રત્યે જરા અણગમો ઊપજ્યો. અણગમો ઊપજવાનું એક કારણ એ પણ હતું કે આ ટોળાબંધીને કારણે નરોત્તમ મહેમાનો સાથે હજી સુધી મોકળે મને વાત સુધ્ધાં કરી શક્યો નહોતો. વશરામે બટુકભાઈને ખોળામાં લઈને ધીમેથી ગાડી આગળ ચલાવી છતાં થોડાક આશરાગતિયા લોકો તો ગાડીનો કઠેરો ઝાલીને આગળ આગળ ચાલવા લાગ્યા. કોઈએ કહ્યું કે હું સવારનો ભૂખ્યો છું. બીજાએ કહ્યું કે પહેરવાનું સાજું લૂગડું નથી. ત્રીજાએ કહ્યું કે બાયડી માંદી છે ને મને આંખે ઝાંખ આવે છે. આ રગરગતા ભિક્ષુકોની ઉ૫૨ ઉદારદિલ નરોત્તમને પણ અત્યારે દાઝ ચડી. એમને ટાળવા માટે એણે પત્રમ્ પુષ્પમ્ વડે પતાવ્યા.

‘મલકમાં માગણ બહુ વધી ગયાં,’ કપૂરશેઠે ટાહ્યલા જેવું વાક્ય ઉચ્ચાર્યું અને પછી અંતકડીની જેમ ‘માગણ’ શબ્દના અનુસંધાનમાં પોતાને એક કહેવત યાદ આવી ગઈ એ પણ ઓચરી નાખી : ‘માગણ થવામાં ત્રણ ગુણ: નહીં વેરો, નહીં વેઠ, માગણ માગણ સહુ કરે ને સખે ભરે પેટ.

ઓછાબોલા નરોત્તમે આવા અસંબદ્ધ વાર્તાલાપમાં કશો ભાગ ન લીધો તેથી કપૂરશેઠ જરા છોભીલા પડી ગયા અને બોલવા ખાતર જ બોલી નાખ્યું:

‘અમારે મેંગરીમાં આટલા બધા માગણ નહીં… આંઈ તો આટલા બધા—

‘અરે, હજી તો ઓછા છે, શેઠ !’ વચમાં વશરામ બોલ્યો: ‘હજી તો વાઘણિયે પૂગશું તંયે ખબર પડશે માગણની તો. વાસ્તુનું નામ સાંભળીને ગામેગામથી માગણની નાત્યું ઊમટી પડી છે – જમણવા૨ની એંઠ્ય આરોગવા—’

‘મારી ચંપાને વાઘણિયું જોવાનું બવ મન હતું. કેદુની કૂદી રઈ’તી,’ કપૂરશેઠનાં ધર્મપત્ની સૌ. સંતોકબા ઓચર્યાં.

ચંપા ક્યારની ચોરીછૂપીથી નરોત્તમ સામે જ તાકી રહી હતી. એ આ ટકોર સાંભળીને શ૨મથી પાંપણ ઢાળી ગઈ.

હવે એ ઢાળેલી પાંપણવાળા પુષ્ટ ફૂલગુલાબી પોપચાં ભણી તાકી રહેવાનો વારો નરોત્તમનો હતો.

‘મેં તો કીધું કે હમણાં મોસમ ટાણે મારાથી દુકાન રેઢી મેલાય નહીં. પણ ઓતમચંદ શેઠે ભારે તાણ્ય કરીને તેડાવ્યાં, લખ્યું કે તમારા આવ્યા વિના વાસ્તુનું મુરત નહીં થાય એટલે અમારે નીકળવું પડ્યું,’ કપૂરશેઠ આવાં વિવેકવાક્યો ઉચ્ચારી રહ્યા હતા પણ નરોત્તમ ભાગ્યે જ એમાંથી એકાદો શબ્દ સમજ્યો હશે અથવા સમજવાનો પ્રયત્ન કર્યો હશે. માત્ર મહેમાનના માન ખાતર એ ‘હં… હં…’ કરીને યંત્રવત્ હોંકારો ભણ્યે જતો હતો.

એનું ચિત્ત તો અત્યારે ચંપાના ચંપકવરણા દેહ ઉપ૨ ચોંટ્યું હતું.

ફરી પાછી વાઘણિયાની સીમ ઘૂઘરાના ઘેરા નાદથી ગુંજી ઊઠી.

ફરી વશરામે ગેલમાં આવી જઈને ગીત ઉપાડ્યું.

ફરી બટુક ખેતરમાં દેખાતાં પશુપક્ષી ભણી આંગળી ચીંધીને નરોત્તમને પૂછવા લાગ્યો: ‘કાકા, કાકા, ઓલ્યું ઊડે છે એને શું કે’વાય ?’

પણ અત્યારે બટુકના આવા બાલિશ પ્રશ્નોના ઉત્તર આપવાનો નરોત્તમને અવકાશ જ ક્યાં હતો ? ખેતરમાં ઊડતાં સ્થૂલ પક્ષીઓની અત્યારે એને ખેવના નહોતી. એના હૃદયમાં જ કુહુ કુહુ ૨વે એક પક્ષીએ કલરવ કરી મૂક્યો હતો.

‘કાકા, ઓલ્યા ઝાડ ઉપર બેઠું છે એને શું કે’વાય ?’ જિદ્દી છોકરો હજી કાકાનો કેડો મેલતો નહોતો.

કપૂરશેઠ અને સંતોકબાને પણ બટુકની બાલિશતા કંટાળો પ્રેરતી હતી.

પણ બટુકની ધી૨જ ખૂટે એમ નહોતી. એણે તો મોંપાટ ચાલુ જ રાખી:

‘કાકા, કિયોની, ઓલ્યું શું કે’વાય?’

અચાનક જ જાણે કે રૂપેરી ઘંટડી રણકી ઊઠી હોય એવો મંજુલ અવાજ સંભળાયો: ‘કોયલ.’

બટુકના કુતૂહલનું સાંત્વન કરવા નરોત્તમને બદલે ચંપાએ એ જવાબ આપી દીધો હતો.

નરોત્તમે ઊંચે જોયું. ‘કોયલ’ શબ્દોચ્ચાર ભૂલી જઈને, જે કંઠમાંથી એ ઉચ્ચાર થયો હતો એ કોકિલા સામે એ જોઈ રહ્યો.

ગાડીની સામી બેઠકમાં બેઠેલી ચંપાએ પણ નરોત્તમની આ કુતૂહલભરી નજ૨નું અનુસંધાન કર્યું અને આ વગડા વચ્ચે ઘોડાગાડીમાં ઘડીભર તારામૈત્રક રચાઈ રહ્યું.

કપૂરશેઠ તો આવતી મોસમમાં કપાસનો ભાવ શું બોલાશે એની ઊંડી ચિંતામાં ચડી ગયા હતા; પણ ચકો૨ સંતોકબાની નજર ચંપા અને નરોત્તમના આ તારામૈત્રક ત૨ફ ગઈ. એકાદ ક્ષણ તો એમને આ દૃશ્ય ગમ્યું. પોતે મેંગણીથી નીકળતી વેળા ઉંમરલાયક પુત્રીને ઠેકાણે પાડવાની જે લાંબા ગાળાની યોજના પતિ સાથે મળીને વિચારી રાખેલી એ યોજનાના અમલનો જ મંગલ આરંભ થતો જણાયો. પણ તુરત એમના રૂઢિગ્રસ્ત માનસમાં ઊંડે ઊંડે પડેલા વાણી, વહેવા૨ અને વર્તન અંગેના પરંપરાગત ખ્યાલો સળવળી ઊઠ્યા.

સંતોકબાને અત્યારે ઉધ૨સ નહોતી આવતી છતાં એમણે પરાણે—પ્રયત્નપૂર્વક–કૃત્રિમ ખોંખારો ખાધો અને નરોત્તમની આંખમાં આંખ પરોવીને બેઠેલી પુત્રીને જાગ્રત કરી.

શરમાળ ચંપાએ તુરત નરોત્તમની સામેથી દૃષ્ટિ વાળી લીધી અને તારામૈત્રક ત્યાં જ તૂટી ગયું.

ચંપાએ શરમાતાં શરમાતાં સંતોકબા સામે જોયું તો માતાની કૃત્રિમ ક્રોધમિશ્રિત નજ૨માં ઠપકો ભર્યો હતો કે સંમતિ હતી એ આ બાળીભોળી યુવતીને બરાબર સમજાયું નહીં.

ચંપા કરતાં ઉંમરમાં નાની પણ લુચ્ચાઈમાં બહુ આગળ નીકળી ગયેલી નટખટ જસી ક્યા૨ની ઝીણી નજરે મૂંગી મૂંગી મોટી બહેનનું વર્તન અવલોકી રહી હતી.

તારામૈત્રક તૂટ્યા પછી ચંપાએ નાની બહેન સામે જોયું ત્યારે આવી બાબતોમાં વધારે પડતી જાણકારી ધરાવના૨ જસી આંખો નચાવતી નચાવતી ચંપા સામે તાકી જ રહી. એની ચંચળ આખો ચંપા પર મૂંગું તહોમત મૂકી રહી હતી. જાણે કે કહેતી ન હોય: ‘મેં તમને પકડી પાડ્યાં છે ! મારાથી કાંઈ અજાણ્યું નથી હો !’ અને તુરત જસીએ મોટી બહેનને જાણે કે એના ગુનાની સજા ફટકારતી હોય એમ છૂપી રીતે ચંપાના સાથળમાં હળવેકથી ચૂંટી ખણી.

નરોત્તમ સિવાય કોઈને એ ખબર ન પડી.

સહુની હાજરીમાં ચંપા ચીસ તો પાડી શકે એમ નહોતી પણ મૂંગી ફિલમના દૃશ્યની જેમ એણે ઓઠ ઉઘાડીને અવાજ ન થાય એ રીતે સિસકારો તો કર્યો જ.

નરોત્તમે એ જોયું ને મૂછમાં હસી પડ્યો.

‘આ મોસમે કપાસ કેવોક ઊતરે એમ લાગે છે ?’ મોસમ અંગે ક્યારના મૂંગા મૂંગા ચિન્તન કરી રહેલા કપૂરશેઠે આવા ખુશનુમા વાતાવરણમાં આવો નિરસ પ્રશ્ન પૂછ્યો તેથી નરોત્તમ નારાજ થઈ ગયો. એણે પણ એટલી જ નિરસતાથી ઉત્તર આપી દીધો:

‘સારો ઊતરશે.’

ફરી ગાડીમાં શાંતિ પથરાઈ ગઈ. બટુક પણ કોઈક પક્ષી અંગેની ચિંતામાં ડૂબી ગયો લાગતો હતો. એકમાત્ર વશરામને મોઢેથી જૂની રંગભૂમિનાં લોકપ્રિય ગીતો અવિરત ચાલુ રહ્યાં હતાં. પણ એ તો આ ઉતારુઓ તરફ પીઠ ફેરવીને બેઠો હોવાથી કોઈની ગણતરીમાં જ નહોતો.

સંતોકબાના કૃત્રિમ ખોંખારા પછી ચંપા તારામૈત્રક રચવાની હિંમત નહોતી કરી શકતી. પણ એને નરોત્તમ સાથે દૃષ્ટિનો દોર પરોવવાની જરૂર જ ક્યાં હતી ? બંને જુવાન હૈયાંની આંખને બદલે હૃદયના તાર જ આખે રસ્તે મૂંગી ગોઠડી કરી રહ્યા હતા.

અને નટખટ નાની બહેન જસી ઘડીક ચંપા તરફ તો ઘડીક નરોત્તમ તરફ જોઈને અજબ કુતૂહલથી આ અજ્ઞેય ‘લીલા’ અવલોકી રહી હતી.

‘કાકા, મારે કોયલ જોઈએ !’ લાંબું મૌન જાળવ્યા પછી આખરે બટુકે પોતાની માગણી ૨જૂ કરી.

‘હવે ઘેર જઈને બધી વાત,’ નરોત્તમે કહ્યું, ‘જો, ઘર આવી ગયું.’

વાઘણિયાનું પાદર આવતાં વશરામે ગાડી ધીમી પાડી દીધી અને ઝાંપા નજીક કબૂતરની પરબડી પાસે તો ગાડી થોભાવી જ દીધી. ઓતમચંદ શેઠ, એમના સાળા દકુભાઈ, મુનીમ મકનજી વગેરે સહુ મહેમાનોનો સત્કાર કરવા છેક પાદર સુધી સામા આવ્યા હતા.