વેળા વેળાની છાંયડી/‘મલકનો ચોરટો’

વિકિસ્રોતમાંથી
← મારો માનો જણ્યો ! વેળા વેળાની છાંયડી
‘મલકનો ચોરટો’
ચુનીલાલ મડિયા
ઉજળિયાત વરણનો માણસ →





૧૫

‘મલકનો ચોરટો’
 


'હવે હાંઉં કરો, હાંઉં—’

‘અરે, એમ તે હાંઉં કરાતાં હશે ! એક પ્યાલો રેડવા દિયો.’

‘પણ બહુ થઈ ગયું—’

‘આમાં શું બહુ થઈ ગયું ?… ના પાડે એને સહુથી વહાલા સગાના સમ !’

દકુભાઈએ પોતાના ઘરના જે ઓ૨ડાને ‘દીવાનખાના’ જેવું ભારેખમ નામ આપેલું એમાં અત્યારે કેસરિયા દૂધના કટોરાની જ્યાફત ઊડી રહી હતી.

મેંગણીથી કપૂરશેઠ પોતાની નાની પુત્રી જસીનું બાલુ જોડે વેવિશાળ કરવા આવ્યા હતા—અથવા કહો કે મકનજી મુનીમ કપૂરશેઠને આગ્રહ કરીને અહીં તેડી લાવ્યો હતો અને કેસરિયા દૂધના કટોરા ૫૨ કટોરા રેડીને એમને શીશામાં ઉતારી રહ્યો હતો.

કપૂરશેઠની સાથે આ વખતે રાજકોટવાળા મનસુખલાલ આવેલા. ચંપાના વેવિશાળમાં એના મામાની પૂર્વસંમતિ કે સલાહ નહોતી લીધી એને પરિણામે મનસુખલાલને જે માઠું લાગી ગયેલું એનું પ્રાયશ્ચિત્ત કરવા કપૂરશેઠે જસીના વેવિશાળમાં પોતાના સાળાને મોખરે કર્યા હતા.

દકુભાઈની નૂતન સમૃદ્ધિથી કપૂરશેઠ તો ક્યા૨ના અંજાઈ ગયા હતા—બલકે, એ સમૃદ્ધિનાં પ્રત્યક્ષ દર્શન કર્યા પહેલાં જ, મકનજીને મોઢેથી વાતો સાંભળીને પીગળી ગયા હતા અને બાલુ વેરે જસીને વરાવવા માટે તલપાપડ થઈ રહ્યા હતા. પણ રાજકોટ જેવા શહેરમાં વસનાર મનસુખલાલભાઈની વાત જુદી હતી. આ શહેરી માણસને પોતાની શેઠાઈની શેહમાં તાણવા માટે દકુભાઈને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

દીવાનખાનાની સજાવટમાં દકુભાઈએ જરા પણ કચાશ રાખી નહોતી. બર્મી જીવનનું નાનું સ૨ખું પ્રદર્શન જ આ ઓરડામાં ગોઠવાઈ ગયું હતું. ભીંત ૫૨નાં ચિત્રોમાં બર્મી નિસર્ગદૃશ્યો ને બર્મી રૂપસુંદરીઓ, ભોંયે બિછાવેલ જાજમ-ગાલીચા બર્મી બનાવટનાં; પાનસોપારીની તાસક અને ડબ્બાનું નકશીકામ પણ બર્માનું; કાચના કબાટમાં દેખાતાં કાષ્ઠ-કોતરકામનાં રમકડાંયે બર્મી. આવો જાજરમાન ઝળહળાટ જોઈને કપૂરશેઠ તો અહોભાવથી ડઘાઈ જ ગયા હતા. શહેરમાં વસનાર મનસુખલાલને પણ આ ઝળહળાટથી પ્રભાવિત થતાં વાર ન લાગી.

દકુભાઈ પોતાની વાતચીતમાં પોતે જોયેલાં મોટાં મોટાં શહેરો–રંગૂન, અક્યાબ, પ્રોમ ને હેન્ઝાડા—નાં વર્ણનો કરતા હતા અને દર ત્રીજે વાક્યે ‘અમા૨ા મોલમિન’નો ઉલ્લેખ કરતા હતા. ‘અમારે મોલિમનમાં તો…’ એ એમનો જપતાલ હતો.

મનસુખભાઈ જેવા શહેરી માણસને પણ લાગ્યું કે જસી માટે આવું સુખી ઘર કદાચ કાઠિયાવાડમાં મળવું મુશ્કેલ છે.

અત્યારે શુભ ચોઘડિયું ચાલતું હોવાથી વેવિશાળનો વિધિ ઝટપટ પતાવી નાખવાનું નક્કી થયું હતું અને એની પ્રાથમિક તૈયા૨ીઓ માટે બાલુને બજારમાં મોકલ્યો હતો. મકનજીનો વ્યૂહ એવો હતો કે મહાજનની હાજરીમાં વેવિશાળનો ગોળ ખવાઈ જાય ત્યાં સુધી બાલુને એક યા બીજા બહાના તળે ઘરની બહાર જ રાખવો, જેથી એ ઓટીવાળ છોકરાની અક્કલનું પ્રદર્શન મહેમાનો સમક્ષ થવાનો અવકાશ ન રહે. આ યોજના અનુસાર દકુભાઈએ બાલુને શાકભાજી લાવવાનું તથા લહાણાં-બીડાં માટે સોની નોટના રોકડા રૂપિયા કરાવી લાવવાનું વગેરે કામ સોંપીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો.

કાચની સંસ્કૃતિનું આવું પ્રદર્શન જોઈ કપૂરશેઠ તો એવા અંજાઈ ગયેલા કે કુતૂહલથી અનેક પ્રકારના બાલિશ પ્રશ્નો પૂછવા લાગેલા. કાચનાં કપરકાબીમાં બદામ-પિસ્તાં ને ચારોળી મિશ્રિત દૂધ આવ્યું ત્યારે ભોળા ભાવે પૂછી નાખેલું:

‘દકુભાઈશેઠ, આ ઠામ વળી કઈ ધાતુનાં ?’

‘ધાતુ નથી, કાચ છે કાચ !’ દકુભાઈએ ગર્વભેર જવાબ આપ્યો. ‘ફણફણતાં દૂધ રેડો તોય હાથ ન દાઝે.’

કાઠિયાવાડમાં એકાદબે રેલવે જંક્શનોના અંગ્રેજી ઢબના રિફ્રેશમેન્ટ રૂમ સિવાય બીજે ક્યાંય કાચનાં વાસણોનો વિસ્તા૨ હજી નહોતો વધ્યો ત્યારની આ વાત. કપૂરશેઠે સ્વાભાવિક જિજ્ઞાસાથી જ પૂછી નાખ્યું:

‘આ ઠામ મોઢે માંડવામાં ધરમનો કાંઈ બાધ નહીં ને ?’

દકુભાઈએ ખડખડાટ હસી પડીને આખા દીવાનખાનાને ગજવી મૂક્યું. બોલ્યા:

‘અરે મારા શેઠ, આવાં કપરકાબી તો આગલે ભવે જેણે પાંચે આંગળીએ પુણ્ય કર્યાં હોય એને જ જડે. અમારે મોલમિનમાં તો કાચની જ થાળી ને કાચનાં જ કચોળાં… અમારે મોલિમનમાં તો કુલહોલ યુરોપિયન સ્ટાઇલથી જ રહેવાનું… અમારે મોલમિનમાં તો—’ વાક્ય અધૂરું રહી ગયું. દીવાનખાનાના બારણામાં ઓતમચંદ આવી ઊભા.

ઓતમચંદનો દીદાર અત્યારે એવો હતો કે પહેલી નજરે તો એને ઓળખવો મુશ્કેલ પડે. પગપાળા કાપેલા લાંબા પંથે એના ઉઘાડા પગની ઘૂંટી સુધી ખેતરાઉ ધૂળના થથેરા લગાવી દીધા હતા. પેટમાં પડેલા વેંતએકના ખાડાના કારણે એની આંખો વધારે ઊંડી ઊતરી લાગતી હતી. વધેલી દાઢી ધૂળિયા મારગે રજોટાતાં આખો દીદાર વિચિત્ર લાગતો હતો.

દકુભાઈને મોઢેથી આવકારનાં ઉપચાર-વાક્યોની રાહ જોતો ઓતમચંદ ઉંબરામાં જ ઓડાની જેમ ઊભો રહ્યો.

ભાવિ વેવાઈઓ સમક્ષ પોતાની સમૃદ્ધિ અને શાહુકારીનું વર્ણન ચાલી રહ્યું હતું એ જ ઘડીએ, દેવાળું કાઢીને દરિદ્ર બનેલા બનેવીએ બારણામાં દેખાવ દીધો તેથી દકુભાઈને એવી તો દાઝ ચડી કે મૂંગી ચીડમાં એમની આંખો ચાર થઈ ગઈ. કૂતરું વડછકું ભરે એમ દકુભાઈ તાડૂકી ઊઠ્યો:

‘ટાણુંકટાણું કાંઈ જુવો છો કે પછી હાલી જ નીકળ્યા છો ભાતું બાંધીને ?’

કઢેલ દૂધકટોરા ને નાસ્તાની જ્યાફત જોઈને જ ઓતમચંદ ડઘાઈ ગયો હતો. એમાં દકુભાઈને મોંએથી આવો અણધાર્યો ટોણો સાંભળતાં એ ગમ ખાઈ ગયા. એની થાકેલી આંખ સામે લાલ, પીળો ને વાદળી ત્રણેય મૂળ રંગોની મેળવણી થવા લાગી.

દકુભાઈથી આ ટોણો મારતાં તો મરાઈ ગયો, પણ પછી એમને ભાન થયું કે ભાવિ વેવાઈઓ સમક્ષ આવું ઉદ્દંડ વર્તન ખાનદાનીના દેવાળામાં ખપશે. બનેવીએ તો આર્થિક દેવાળું કાઢ્યું જ છે, પણ હું સજ્જનતાનો દેવાળિયો પુરવાર થઈશ, એમ સમજીને તુરત એમણે બગડી બાજી સુધારી લેવાના ઇરાદાથી ઓતમચંદને કહ્યું:

‘ઓસરીમાં વિસામો ખાવ જરાક.’

ઓતમચંદ દીવાનખાનાને ઉંબરેથી પાછો ફરીને થાક્યોપાક્યો ઓસરીમાં બેસતાં મનોમન ગણગણ્યો: ‘વગર પૈસે ખાવા જડે એવી ચીજ તો એક વિસામો જ છે ને !’

ઓતમચંદ પોતાના વેવાઈ કપૂરશેઠને બરોબર ઓળખી શક્યો નહોતો, દીવાનખાનાને ઉંબરે જરીક વાર ડોકાતી વેળા ડઘાઈ ગયેલો પણ કપૂરશેઠે તો ઓતમચંદને પહેલી નજરે જ ઓળખી કાઢેલો. તુરત એમણે મનસુખભાઈના કાનમાં ધીમો ગણગણાટ કર્યો: ‘આ… આ આપણી ચંપાના જેઠ થાય… નરોત્તમના મોટા ભાઈ —’

આ સાંભળીને ચિબાવલા મનસુખલાલે મોઢું મચકોડ્યું.

આથી, અસ્વસ્થ દકુભાઈ વધારે અસ્વસ્થ થઈ ગયા. તેમણે પૃચ્છક નજરે કપૂરશેઠ સામે જોયું.

'વાણિયો બિચારો ભારે હાથભીડમાં આવી ગયો.’

‘હાથે કરીને હાથભીડમાં આવે એમાં કોઈ શું કરે ? દકુભાઈના ગુનાહિત માનસમાં જે સૂઝ્યું તે એમણે વ્યક્ત કરી દીધું. પછી ઉમેર્યું: ‘ગજું માપ્યા વિના મોટા વેપલા કરવા જાય પછી તો આમ જ થાય ને ! આજે તો સહુને લખપતિ થઈ જાવું છે, પણ રૂપિયા એમ ક્યાં રેઢા પડ્યા છે ? આ તમારી નજર સામે અમે પોતે લીલાં માથાં લઈને મોલમિન ખેડ્યું તંયે આ આવતો દી જોવા પામ્યા છીએ.’

દકુભાઈના આવા આત્મશ્લાધાના ઉદ્‌ગારો સાંભળીને મનસુખલાલ એમના પ્રત્યે જોઈ રહ્યા.

ઓસરીમાં બેઠેલા ઓતમચંદે પોતે અનુભવેલા નિર્ઘૃણ અપમાન બદલ સાળાને નહીં પણ પત્નીને દોષ દઈ રહ્યો હતો. દકુભાઈ ૫ર નહીં પણ લાડકોર પર મનમાં રોષ ઠાલવી રહ્યો હતો.

આજે બાલુના વેવિશાળની ખુશાલીમાં લાપસી-ભજિયાંનું મિષ્ટાન્ન રંધાઈ રહ્યું હતું. રસોડામાંથી સમ૨થ ચૂલે તવો મૂકીને ભજિયાં તળવાનું તેલ ઓસરીના ખાણિયામાંથી કાઢવા માટે હાથમાં ખાલી બરણી લઈને બહાર આવી. ઓસરીમાં ઘૂડપંખની જેમ ઉદાસીન ચહેરે બેઠેલા ઓતમચંદને ઓળખી કાઢતાં સમ૨થવહુ પહેલાં તો ચોંકી ઊઠી. તુરત જૂની આદતને જોરે એણે નણદોઈની હાજરીમાં હાથએકનો ઘૂમટો તાણી લીધો અને સંકોચાતી-શ૨માતી તેલના ખાણિયા તરફ ગઈ.

સમરથવહુએ ખાણિયા ૫રની પથ્થરની ભારેસલ્લ ચાકી ખેસવી અને કેડસમાણી એ ભૂગર્ભ કોઠીમાંથી તેલની બરણી ભરી લીધી. એક વેળાના હાકેમ જેવા નણદોઈના સાનિધ્યમાં સમ૨થવહુએ અત્યારે એટલો તો ક્ષોભ અનુભવ્યો કે ખુલ્લા ખાણિયા પર ફરી પાછું ઢાંકણ વાસવા પણ એ ન રોકાઈ અને ફરી શરમાતી-સંકોચાતી રસોડામાં દોડી ગઈ. એણે મનમાં વિચારેલું: ‘એંઠવાડ કાઢ્યા પછી નવરી થઈશ એટલે નિરાંતે ખાણિયો ઢાંકી દઈશ.’

ઓતમચંદ ઓસરીમાં એકલો બેઠો બેઠો પોતાના જીવનરંગ પર વિચાર કરી રહ્યો હતો, ત્યાં બજારમાંથી બાલુ આવી પહોંચ્યો.

બાલુના બંને હાથમાં એકેકી ફાંટ હતી. એક ફાંટ એણે સીધી રસોડાના ઉંબરા ૫૨ ઠાલવી. એમાંથી કેળાં, રીંગણાં, તૂરિયાં વગેરે શાકભાજીનો ઢગલો થયો. બીજા હાથમાંની કોથળી જરા ભારે વજનવાળી હતી એમ બાલુના મોંની તંગ રેખાઓ કહી આપતી હતી.

૨સોડામાંથી તેમજ દીવાનખાનામાંથી બાલુને ઉદ્દેશીને ઉચ્ચારાયેલા સમરથવહુના તથા દકુભાઈના અવાજો ઓતમચંદે સાંભળ્યા.

સમરથવહુએ પુત્રને અનુલક્ષીને છણકો કર્યો: ‘મારા તવાનું તેલ બળી ગયું ત્યારે તું શાકપાંદડાં લાવ્યો તે હું ક્યારે એનાં પતીકાં કરીશ ને ક્યારે એનાં ભજિયાં ઉતારીશ !’

દકુભાઈએ બાલુને ઉદ્દેશીને બૂમ મારી: ‘તુળજા ગોરને બરકી આવ્યો ?

‘આવું છું, એમ કીધું.’ બાલુએ જવાબ આપ્યો.

‘એમ આવું છું કીધે નહીં ચાલે મારે ઘેર, કહી દે એને ચોખ્ખું,’ દકુભાઈએ આદેશ આપ્યો, ‘કહી દે તુળજાને કે આવવું હોય ને દખણાની ગરજ હોય તો અબઘડીએ જ કંકાવટી લઈને હાજર થઈ જાય… …આ કાંઈ નાતનાં લાહાં ખોરડાં માંઈલું ખોરડું નથી… જા ઝટ, ઊભાઊભ પાછો જા, ને તુળજા ગોરને તારા ભેગો જ તેડતો આવ !’

દકુભાઈના શંકાશીલ માનસમાં શંકા પેઠી હતી કે થનાર વેવાઈઓ સમક્ષ બનેવીની દરિદ્રતાનું તેમજ પોતાની ઉદ્દંડતાનું જે કમનસીબ પ્રદર્શન થઈ ગયું છે, એ જોઈને વેવાઈઓ કદાચ બાલુ જોડે સગપણ કરવાનો પોતાનો નિર્ણય ફેરવી નાખશે ! ‘સારાં કામ આડે સો વિઘ્ન’ એમ વિચારી, બનેવીએ ઊભા કરેલા આ અણધાર્યા વિઘ્ન બદલ એના પ્રત્યે મૂંગે મોઢે દાંત કચકચાવતાં દકુભાઈએ આ શુભ કાર્ય ઝટપટ આટોપી લેવાનું નક્કી કર્યું.

બાલુ પણ યૌવનસહજ ઉત્સુકતાથી કપાળ કંકુઆળું માટે એવો તો થનગની રહ્યો હતો કે પોતાના હાથમાંની બીજી થેલી પટારામાં મૂકવા રોકાયા વિના, ખાણિયાની પાળ પર જ મૂકીને, ઝડપે આવ્યો હતો એથીય વધારે ઝડપે તુળજા ગોરને તેડવા દોડ્યો.

દીવાનખાનામાં કપૂરશેઠ ક્યારના ઓતમચંદના ક્ષેમકુશળ પૂછવા માટે ઓસરીમાં આવવા ઊંચાનીચા થઈ રહ્યા હતા. ઝીણી નજરવાળો મકનજી આ ઉત્સુકતા પારખી જતાં એ કોઈ પણ હિસાબે મહેમાનને એમના આસન ઉપર જ બેસાડી રાખવા મથતો હતો. પોતે તો મુનીમ તરીકે આચરેલી બેવફાઈ બદલ મનમાં એટલી ભોંઠપ અનુભવી રહ્યો હતો કે ઓરડાની બહાર નીકળીને જૂના શેઠને મોઢું બતાવવાની પણ એનામાં હિંમત નહોતી. પણ કપૂરશેઠ પણ રખે ને બહાર નીકળે ને ઓતમચંદ એમના કાન ભંભેરે, તો અત્યાર સુધીનું કર્યું-કારવ્યું ધૂળમાં મળે એવા ભયથી મકનજી નાસ્તાની રકાબીઓ ફરી ફરીને ભરતો હતો અને મહેમાનોનાં કાંડાં મરડી મરડીને મીઠાં સમસાગરાં દઈ દઈને એમને આસન પર જ બેસાડી રાખતો હતો.

દકુભાઈની અકળામણ ક્ષણે ક્ષણે વધતી જતી હતી. ઘરણ ટાણાના સાપની જેમ વણનોતર્યા આવી ઊભેલા બનેવીને શી રીતે માનભેર પતાવવા એની યોજના તેઓ ચિંતવી રહ્યા હતા, પણ કોઈ ઉકેલ સૂઝતો નહોતો.

સમ૨થે ૨સોડામાં ઓસામણનો વઘા૨ કર્યો હતો અને ભજિયાં તળવા માટે તેલનો છમકારો કર્યો હતો. આવી આબોહવાએ ભૂખ્યાડાંસ ઓતમચંદને ઓસરીમાં જાણે કે સો-સો કીડીઓના ચટકા ભરાવ્યા. તેજોવધ અનુભવી ચૂકેલા એ માણસને આવા હીણપતભર્યા વાતાવ૨ણમાં એક ઘડી પણ હાજર રહેવાનું અસહ્ય લાગ્યું. ઘવાયેલા સ્વમાનનો ઘા હૃદયમાં જ સંઘરીને મૂંગો મૂંગો એ ઊભો થઈ ગયો.

ઘરમાં કોઈને પણ કશી જાણ કર્યા વિના એ ડેલી બહાર નીકળી ગયો.

ઈશ્વરિયા ગામમાં રખે ને કોઈ પોતાને ઓળખી જાય એ ભયે ઓતમચંદ લપાતોછુપાતો ઝડપભેર ઝાંપા બહાર નીકળી ગયો.

ઝાંપામાં જ ખાટલો ઢાળીને બેઠેલા બે પસાયતાઓ આ લઘરવઘર વેશધારી આદમીને કોઈ ડફેર સમજીને એની પાછળ શંકાશીલ નજરે તાકી રહ્યા.

ઈશ્વરિયાની સીમ છાંડી ત્યારે ‘હાશ, છૂટ્યો !’ એવી નિરાંત અનુભવતો ઓતમચંદ વાઘણિયાનો પંથ કાપવા લાગ્યો.

દકુભાઈ દીવાનખાનામાં બેઠા બેઠા તુળજાશંકર ગોરના આગમનની રાહ જોતા હતા ત્યાં જ બહારથી આવી ચડેલાં બે બિલાડાંઓ ઓસરીમાં ‘વવ !વવ !’ ક૨ીને ઝઘડવા લાગ્યાં અને એવી તો ધમાચકડી મચાવી મૂકી કે કશુંક પછડાવાનો ભફાક કરતોકને અવાજ થયો. મહેમાનો માટે બર્મી તાસકમાં સોપારી વાંતરતાં વાંતરતાં દકુભાઈ આ અવાજથી ચોંકી ઊઠ્યા અને રાડ નાખીને પત્નીને પૂછ્યું:

‘એ આ શું પછડાયું ?’

‘મૂવાં મીંદડેમીંદડાં વઢે છે,’ ભજિયાં તળવામાં મશગૂલ બની ગયેલ સમરથે રસોડામાંથી જ જવાબ આપીને પતાવી દીધું.

‘જજમાનની જે કલ્યાણ !' પોતાને જ મુખેથી પોતાના જ નેકી-પોકાર સાથે તુળજાશંક૨ ગોરે છેક ખડકીમાંથી પોતાનું આગમન જાહેર કર્યું.

ગોરદેવતા અંતે આવ્યા ખરા, એમ સમજીને દકુભાઈએ નિરાંત અનુભવી.

તુળજા ગોરે આવીને કહ્યું: ‘ફ૨માવો, શેઠજી !’

રોંઢો નમતાં સુધીમાં તો ઓતમચંદે વાઘણિયાનો અરધો પંથ કાપી નાખ્યો.

આખે મારગે એના મનમાં એક જ પ્રશ્ન વારે વારે ઊઠી રહ્યો હતો: ‘હું અહીં આવ્યો જ શા માટે ? મને આવા નૂગરા માણસને ઘેરે મોકલવાની અવળમતિ લાડકોરને સૂઝી જ શી રીતે ?’

ઓતમચંદના નાકમાંથી કઢેલા દૂધની સોડમ દૂર થતાં લાડકોરે પ્રેમપૂર્વક સાથે બંધાવેલો સાથવો એને યાદ આવ્યો.

નદીનું ખળખળિયું આવતાં ઝાડનો છાયો શોધીને ઓતમચંદે સાથવો છોડ્યો. દકુભાઈના દીવાનખાનાના દૃશ્ય પ્રત્યે ફિલસૂફની અદાથી હસતાં હસતાં એ ખળખળિયામાંથી પાણીનો કળશો ભરી આવ્યો ને એમાં ગોળનો ગાંગડો પલાળવા નાખ્યો.

નદીનું આ ખળખળિયું ત્રણ ગામને ત્રિભેટે વહેતું હતું. અહીંથી એક મારગ મેંગણી જતો હતો. ઓતરાદો કેડો ઈશ્વરિયાનો હતો ને દખણાદો વાઘણિયાનો. અત્યારે ચારે દિશાઓ નિર્જન લાગતી હતી. થોડેક દૂરની એક વાડીમાં થોડાંક ઢોર ચરતાં હતાં. મેંગણીના મારગ તરફ નજર જતાં ઓતમચંદને પોતાના વેવાઈઓ યાદ આવી ગયા, નરોત્તમ યાદ આવી ગયો, પોતાને ત્યાં ગૃહલક્ષ્મી બનનારી ચંપા પણ યાદ આવી યાદ ગઈ. પણ પોતાની હાલની મુફલિસ હાલતમાં ચંપા પોતાનું ઘરઆંગણું અજવાળશે ખરી ? આવો એક વિચિત્ર પ્રશ્ન ઓતમચંદે પોતાને મનોમન પૂછ્યો. પણ એના હૃદયમાંથી સંતોષકારક હોંકારો ન સંભળાયો.

કળશામાં ગોળનો ગાંગડો ઓગળી રહ્યો. ઓતમચંદે સાથવાના શેકેલા લોટના ભૂકામાં એ ગળ્યું પાણી રેડ્યું. ઘેઘૂર આંબલીને છાંયડે બેસીને કોળિયો ચોળ્યો.

પણ પહેલો જ કોળિયો હજી તો મોંમાં મૂકવા જાય છે ત્યાં તો પાછળથી કોઈએ આવી એની બોચી પકડી.

જોયું તો પાછળ ઈશ્વરિયાના ઝાંપામાં જોયેલા એ બે દરબારી પસાયતા ઘોડા લઈને આવી પહોંચ્યા હતા. ઓતમચંદ આ બધું સમજવાનો પ્રયત્ન કરે એ પહેલાં તો એક પસાયતાએ એને અડબોથ મારી દીધી હતી.

‘સાલ્લા ચોરટા મલકના !’ પસાયતો કહેતો હતો, ‘પારકા ગામમાં આવીને આવા ગોરખધંધા કરે છે ?’

‘પણ છે શું ભાઈસા’બ ?’ ઓતમચંદે પૂછ્યું, ‘મારો કાંઈ વાંકગનો ?’

‘વાંકગનાની પૂંછડી ! તારી વાણિયાગત અમારી આગળ નહીં હાલે.’ પસાયતાએ દમદાટી દીધી. ‘સીધો થઈને રૂપિયા સંધાય ગણી દે.’

‘શેના રૂપિયા ? કોના રૂપિયા ?’

‘શાવકા૨ની પૂંછડી થા મા, સાલા ડફેર ?’ એક પસાયતાએ ઓતમચંદના પડખામાં ઠોંસો લગાવતાં કહ્યું, ‘દકુભાઈની ઓસરીમાંથી કોથળીસોતા રૂપિયા લઈને—’

‘નહીં ભાઈસા’બ ! તમે માણસ ભૂલ્યા—’

‘હવે મૂંગો રે મૂંગો, માળા ભામટા અમને ઊઠાં ભણાવવા નીકળ્યો છો ! અમારા ગુરુ થવા બેઠો છો ?’ હવે બીજા પસાયતાએ પ્રહારો સાથે ગાલિપ્રદાન શરૂ કર્યું.

‘પણ આમાં કાંઈ સમજફેર થાતી લાગે છે,’ ઓતમચંદે બચાવ કર્યો, ‘કોકનું આળ મારા ઉપર—’

‘સમજફે૨ શેની થાય ?’ પસાયતાએ કહ્યું, ‘દકુભાઈ શેઠે દીધાં ઈ સંધાંય એંધાણ આ રિયાં… આ ચોમાહાની ધરો જેટલી વધેલી દાઢી… આ કોરી ગજીનું કડિયું ને આ બગહરાની પછેડી… ઝાંપામાંથી તું નીકળ્યો તંયે જ અમને તો વેમ ગયો’તો કે કોકના ઘરમાં ધામો મારીને નીકળ્યો છે. ત્યાં તો દકુશેઠે જ દોડતા આવીને વાત કરી કે ધોળે દીએ રૂપિયાની કોથળી ઉપાડીને એક વાણિયો ભાગ્યો છે.’

‘પણ એ હું નહીં, બીજો કોક હશે.’

‘તમારું ડાહી માના દીકરાનું ડહાપણ આ ડંગોરા પાસે નહીં હાલે હો !’ પસાયતાએ ચૌદમું રતન બતાવતાં કહ્યું, ‘સીધો થઈને કોથળી સોંપી દઈશ તો સારો માણસ ગણીને પોલીસ-કેસ થવા નહીં દઈએ.’

‘પણ કઈ કોથળી ?’

‘મારો બેટો હજી સતનું પૂતળું થાવા જાય છે !’ કહીને એક પસાયતાએ ઓતમચંદના વાંસામાં સબોસબ લાકડી ફટકારવા માંડી. બીજા પસાયતાએ ગડદાપાટું શરૂ કર્યાં. એક જોરદાર ગડદો આવ્યો ને પેડુ ઉપર પાટુ પડતાં જ ભૂખ્યા ને થાકેલા ઓતમચંદના મોંમાંથી ઓયકારો નીકળી ગયો.

‘ઓલ્યો બાલુભાઈ તને સાજાની માણસ ગણીને ખાણિયાની પાળે કોથળી મેલી ગયો ને તેં એને બાપાનો માલ ગણીને બગલમાં મારી !’

‘હું અડ્યો હોઉં તો મારા સગા દીક૨ાના સમ !’ ઓતમચંદ ધ્રૂજતાં ધ્રૂજતાં તૂટક તૂટક અવાજે કહ્યું. અને તુરત એને સાત ખોટનો બટુક યાદ આવી ગયો. અને મનમાં ને મનમાં એણે પુત્રના ક્ષેમકુશળ માટે પ્રાર્થના કરી.

‘સગા દીકરાના સમ ખાવાવાળી ! અમને આવું વાણિયાસાસ્તર ભણાવવા બેઠો છો ?’ પસાયતાએ ગુસ્સે થઈને સીસાની કડીઆળી ડાંગ ઓતમચંદને ફટકારી.

આ વખતે તો ઓયકારો કરવાની પણ ઓતમચંદને સૂધસાન ન રહી. એ ડોળા તારવી ગયો.

પસાયતાઓ તો હજી પણ ગાળભેળ ને પ્રહારો સાથે પ્રશ્નો પૂછતા જતા હતા:

‘નદીમાં કયે ઠેકાણે કોથળી દાટી છે ? બોલ, નીકર ચીરીને મીઠું ભરી દઈશું.’

આરોપી આંખ મીંચી જઈને ઢોંગ કરે છે એમ સમજીને પસાયતાઓએ વધારે પ્રહારો સાથે પૂછવા માંડ્યું:

‘મુદ્દામાલની ભાળ દઈ દે, નીક૨ જીવતો ભોંયમાં ભંડારી દઈશું.’ સમજાવટ માટે સામ, દામ, ભેદ, દંડ સર્વ પ્રકારો અજમાવાતા હતા.

‘રૂપિયા ક્યાં દાટ્યા છે એનું એંધાણ આપી દે તો અમે અમારી મેળે ગોતી લઈશું.’

‘તને હેમખેમ જાવા દઈશું.’

‘તારી આબરૂય સચવાઈ જાશે.’

‘ક્યાં દાટ્યા છે, બોલ જોઈએ !’

પ્રશ્નોનો એક અક્ષર સુધ્ધાં સાંભળવાને ઓતમચંદ શક્તિમાન નહોતો. એ તો આંબલીના થડ નજીક ઢગલો થઈને ઢળી પડ્યો હતો.

લાઠીપ્રહારોને અંતે જ્યારે પસાયતાઓને જ સમજાયું કે આમાં તો કાંઈક આંધળે બહેરું કુટાયું છે, ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું. ઓતમચંદ જરાય સળવળતો ન હતો.

ગુનેગારને આવો ઢોરમાર મારવા બદલ આપણે પોતે જ કદાચ ગુનેગાર ગણાઈશું, એવો ખ્યાલ આવતાં પસાયતાઓ ઘોડે ચડીને ગુપચુપ ગામભણી વિદાય થઈ ગયા.