વેવિશાળ/૨૩. પહેલી ચકાસણી
← ૨૨. સાણસામાં સપડાયા | વેવિશાળ ૨૩. પહેલી ચકાસણી ઝવેરચંદ મેઘાણી |
૨૪. સસરાનું ઘર → |
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો. |
23
પહેલી ચકાસણી
'બચાડા જીવ' એવો અંતરોદ્ગાર અનુભવતી પત્નીએ ભાંગતી રાત્રિના એ ત્રણેક વાગ્યે પતિના કંઈક વર્ષો પછીના ખેંચાણમાં માથું નમતું મૂક્યું. કપાળ કપાળને અડક્યું, ત્યાં તો પોતે દાઝી ઊઠી. સ્વામીનું લલાટ અનેક પ્રકારના ઉશ્કેરાટના ચૂલા પર ખદબદતી તેલ-કડા સમું હતું. એ આલિંગનમાં સાત્વિક શાંતિની શીતળતા કયાં હતી ! પ્રસન્ન પ્રેમની મધુરી હૂંફૂ પણ નહોતી.
"સુશીલા કયાંક જાગશે...." એમ બોલી એણે માથું હળવેક રહીને સેરવી લીધું.
"ઉપડી શકશો સવારની ગાડીમાં ?"
"શા સાટુ નહી ! તમે કહેતા હો તો -!
"હું અત્યારે કહું છું તેનું કારણ બદલી ગયું છે મને હવે આંહીં સુશીલાને રાખવામાં આપણી આબરૂની રક્ષા નથી લાગતી. તમે બેવ જણાં થોડા દિવસ થોરવાડ જઈ આવો. હું તેજપુર આપણી દુકાન પર તાર કરી દઉં છું. મહેતો આજ ને આજ થોરવાડનાં મકાન સાફસૂફ કરાવી આવશે."
"ભલે."
"તો અત્યારથી જ તૈયારી કરો."
"બધું જ તૈયાર છે. લૂગડાલંત્તાં સિવાય તો કાંઇ લઈ જવાનું નથી."
થોરવાડમાં ત્રણ જ વર્ષ પર ચણાવેલા નવા મકાનમાં તવેથાથી માંડી થર્મોમિટર સુધીની તમામ ચીજો ચંપક શેઠે વસાવી મૂકી હતી, એટલે મુંબઈ થી બીજું કશું લઈ જવાની જ ખરેખર જરૂર નહોતી.
"ભાઇને ને વહૂને વાત કરી છે ?"
"એ તો સવારે કહી દેશું. ભાઇતો સમી સાંજનો ઘોંટી ગયો છે. એને બાપડાને કયા ખબર છે કે આ દિવસ છે કે રાત ?"
"તમારું શરીર સાચશો ને?"
"એ તો સચવાશે."
"એક વાત કહેવા દ્યો તો કહું."
"ના. એ વાત તારે કહેવાની નથી ને મારે સાંભળવાની નથી. મારા મનમાં નીગંઠ ગાંઠ પડી ગઈ છે. એ રોંચાના ખંડેર જેવા ઘરમાં મારે દીકરી દેવી નથી એ તું વજ્રલેપ જાણજે. આજ રાત્રે એ છોકરો જે બોલી ગયો છે તે મારા કાનમાં કડકડતું તેલ થઈને રેડાણું છે. તને કહી રાખું છું કે દેશમાં રાજકોટ, જૂનાગઢ વગેરેમાં ઠેકાણાં ઘણાં છે, તપાસ રાખજે - હું યે આંહી બેઠો બેઠો તજવીજ કરીશ."
પત્નીના હાથ તે વખતે પતિના પગનાં તળિયાં ઉપર ફરી રહ્યા હતા. એણે માથું નમાવીને ધીરે ધીરે એ પતિ-ચરણો પર અડકાડી દીધું. પણ જેનું કપાળ બેહદ સંતપ્ત હતું તેના પગનાં તળિયાં શીતળ હોઈ ન શકે. એ પગની રજ લલાટે લીધી ન લીધી થઈ. પતિના હૃદયમાં એકેય કૂંપળ ફૂટી નહીં. ગર્વની ઘાયલ થયેલી ફ્ણા ફરી પાછી ટટ્ટાર થઈ ગઈ હતી. વાદળિયા દીવાના સૌમ્ય શીતળ પ્રકાશને પણ ઉકાળી ખદખદાવી નાખે તેવી, પતિની અભિમાન-વેદના ને ઓલવવા માટે મનમાં ને મનમાં ધર્મના શાંતિપાઠ રટતી પત્ની આખરે નિરાશા લઈને પોતાની પથારીએ ચાલી ગઈ, ત્યારે એનું મન કહેતું હતું કે 'આ મેળાપ શું છેલ્લી વારનો છે? ફરી વાર શું આ ઘરમાં આવવાનું નથી ?'
સવારે જાગેલી સુશીલાએ કાઠિયાવાડ જવાનું ભાભુ સાથેનું પરિયાણ સાંભળ્યું ત્યારે તેનું અંતર પોતાની સાતેક વર્ષની બાલ્યાવસ્થાના નદીતીરે જાણે પાછું વળ્યું , પોતાનાં કપડાં એણે અર્ધા કલાકમાં ભરી લીધાં; પોતે જાણે કોઈ અજગર-મુખમાંથી બહાર નીકળવાની હતી. પોતે શા માટે જતી હતી, ક્યાં જતી હતી, કેટલા દિવસને માટે-એનું જ્ઞાન પામવાની જરૂર નહોતી. એક કેદખાનેથી બીજા કેદખાને જતો કેદી પણ જે મીઠી રાહત અનુભવે છે, તે શું ઓછી હોય છે?
સવારે સાડા સાત વાગ્યે મોટરે ઘર છોડ્યું. મોટા બાપુજી પણ સ્ટેશન સુધી વળાવવા સાથે ચાલ્યા. પુત્રીનો સગો પિતા મોટાભાઇની કરડી હાજરીમાં દીકરીને 'આવજે બહેન , સાચવીને રે'જે,'એટલું લાડવચન પણ ન કહી શક્યો. જતાં જતાં પુત્રીના નયન પિતાની દશા દેખી સજળ બન્યાં. પિતાના જેવો કોઇ એકલવાયો દુ:ખી આ ઘરમાં નથી, તેનું ભાન સુશીલાને પહેલી જ વાર થયું. બાપ-દિકરી એકેય દિવસ ભેળાં બેસીને વાતો નહોતાં કરી શક્યાં. ઝાડ ઉપરથી ઝાડની છાલ જુદી પડે છે ત્યારે છાલને ઉતરડાવું પડે છે. સુશીલા એ જ રીતે પિતાના જીવન પરથી ઉતરડાઇને ચાલી.
સ્ટેશન પર ગાડી ઉપડવાને ત્રણ જ મિનિટની વાર હતી ત્યારે સુશીલાએ સેકન્ડ ક્લાસ દરવાજામાં પ્લેટફોર્મ-પાસ દેખાડીને દાખલ થતો જુવાન દીઠો.
એ આવનાર વિજયચંદ્ર હોઈ શકે જ કેમ ? એ મકકમ ચાલ નહોતી. એ કોટ પર કરચલીઓ પડી હતી. એ ટોપીમાંથી વાળની લટો બાહર ડોકાઇને મસ્તકની અસ્થિરતાની ચાડી ખાતી હતી. મોં પરનો પસીનો ચૂસતો એ રેશમી રૂમાલ કોઇ કબાટની લૂળ લૂછતા મસોતાનો કુટુંબી ભાસતો હતો.
છતાં એને સુશીલાની આંખોએ પારખ્યો. દેખતાં જ એણે હેબત ખાધી, મોં ફેરવી લીધું, માથે સાડી સરખી કરી.
આવનાર વિજયચંદ્ર હતો. દસ વાગ્યે આવવાનો હતો, પણ અધીરો બની સવારે જ શેઠને ઘેર પહોંચેલો. રાતમાં બનેલી બીનાથી અજાણ રહેલા સુશીલાના પિતાએ એને સમાચાર આપ્યા કે તરત એ ટેક્સી દોડાવીને સ્ટેશને આવી પહોંચ્યો.
"વાહ રે વાહ !" એણે શ્વાસભેર કહ્યું, "મને ખબર પણ ન આપ્યા?"
"તમને કોણે કહ્યું ?" ભોંઠા પટેલા ચપંક શેઠે પૂછી જોયું.
"નાના શેઠે."
પોતાના બેવકૂફ નાના ભાઈ પર ચપંક શેઠને તે વખતે એટલી ચારી થઈ કે ઘેર પહોંચી તમાચો ચોડવાનું મન થયું.
"કેમ એકાએક ?" વિજયચંદ્રે પૂછ્યું,
"શરીરે ઠીક નથી રહેતું એટલે હવાફેર કરવા."
"પણ આંહીં કયાં ડોકટરોનો દુકાળ છે? નાહક દેશની પાંચ શેર ધૂળ ખાશે, મને પૂછવું તો હતું? આ તો ઠીક નથી થતું . હજુય કહું છું કે દાદર સ્ટેશને ઉતારી લઈએ."
એક શ્વાસે એણે ધોધમાર ઉદ્ગારો કાઢ્યા. પ્રત્યેક ઉદ્ગાર સુશીલાને વીંછીંના ડંખ સમ વાગ્યો. રાતે ટેલિફોન પર પાંચ વાર ઉચ્ચારેલા 'નફ્ફ્ટ' શબ્દને છઠ્ઠી વાર ઉચ્ચારીને પરખાવવા મન થયું કે 'હજુય મારી માલિકી થઈ ચૂકી માને છે, નફ્ફ્ટ !'
"અને અમારા દેવનાં દશેરાનાં નિવેદ પણ કરવાં છે."ચંપક શેઠે બચાવ વધાર્યો.
એ એક મિનિટમાં તો ડબાની બારી પાસે વિજયચંદ્ર બેત્રણ રીતે ડોકાયો, પણ સુશીલાના મુખની એક રેખા પણ જોયા વગર રહી ગયો.
પોતાને હિંમતવાન માનનાર ચંપક શેઠના મોંમાંથી આ જુવાનની ધૃષ્ટતાને ડારતો એક બોલ સરખોય બહાર ન નીકળી શક્યો.
ગાડીની સીટી વાગી અને એન્જિનનો આંચકો લાગ્યો કે તરત વિજયચંદ્રે "લ્યો ત્યારે, મારેય દાદર કામ છે તે..." એમ બોલી ડબાનું બારણું ખોલી પ્રવેશ કર્યો. ચપંક શેઠ વીલે મોંએ થોડી વાર પ્લેટફોર્મ પર ઊભા રહી પાછા વળ્યા.
વિજયચંદ્રે પોતાની ગુમ થયેલી સ્વસ્થતાને પાછી ધારણ કરવા તાત્કાલિક પ્રયત્નો માંડી દીધા. એણે ભાભુ-સુશીલાવાળા ખાનામાં જ બેસવા બેઠક ગોતી. બંને સામસામી પાટલી પર બેઉ સ્ત્રીઓનાં બિછાનાં લાંબાં થયાં હતાં. ન સુશીલાએ એની સામે જોયું , ન ભાભુએ નજર કરી. છતાં જ્યારે એણે બિછાનાને એક છેડે બેઠક લેવા શરીર નમાવ્યું . ત્યારે ભાભુએ એને કહ્યું : "ભાઈ , તમે બાજુના ખાનામાં બેસો તો સારું."
ભાભુએ ધારણ કરેલી આ કઠોરતામાં સુશીલાને જાણે કે સંગ્રામમાં ઊતરવાની પરવાનગી આપતો ને ચાનક ચડાવતો ભેદી નાદ હતો.
બાજુના ખાનામાં જઈને પણ વિજયચંદ્રે ભાભુની ને પોતાના વચ્ચે ફક્ત ઓડિંગણનું પાટિયું જ રહેવા દીધું. ભાભુએ શરીર સંકોડીને અંતર વધાર્યું અને સમોવડ બે'નપણીની માફક સુશીલાને વાતોએ ચડાવી. આડીઅવળી, નકામી-નલામી, જે કાંઈ બાબત હાથ ચડી તેના ઊપર મોટે અવાજે અને મોકળા મને વાર્તાલાપ માંડનાર ભાભુનો દુત્તો ઈરાદો સુશીલા પણ વરતી ગઈ, વિજયચંદ્રને એ વાતોની સંજવારીમાં એક તણખલાની જેમ વાળીઝાડી નાખી દાદર સ્ટેશન સુધી અળગો ને અળગો રાખવાનો એ આશય હતો. ભાભુમાં આટલી કાબેલિયત ભરી છે તે જ્ઞાન સુશિલાને પણ પહેલવહેલું જ થયું, ને એ છોકરી ગજબ તાનમાં આવી ગઈ. ભોળાપણું , ભદ્રિકતા, ગાંભીર્ય, ગરવાઈ વગેરે ભાભુના ગુણો નીરોગી તેમ જ સ્વયંસ્ફુરિત હતા એટલે જ એની પાંદડીઓના સંપુટમાં આ વિનોદનો પરિમલ સચવાયો હતો.
દાદર સ્ટેશને ભાભુ-સુશીલાવાળા ખાનાને દરવાજેથી ઊતરવાની હામ હારી બેઠેલો વિજયચંદ્ર બીજે બારણેથી ઊતરી ગયો, ત્યારે બંનેએ ફરી શાંતિ ધારણ કરી.
આખી મુસાફરીમાં સુશીલા એક કૌતુક અનુભવી રહી હતી. ભાભુની દૃષ્ટિ જાણે કે સુશીલાની એકેએક ક્રિયાને, પ્રત્યેક ચેષ્ટાને બારીકીથી માપી રહી હતી. દિવસની ગાડી હોઈ સ્ટેશને સ્ટેશને ભાતભાતનાં ઉતારુ ચડતાં-ઊતરતાં, બેસવા દરમિયાન સુખદુખની વાતો ચલાવતાં, ગંદકી કરતાં, બાળકોને રમાડતાં-રોવરાવતાં, ગાંઠિયા દેતાં ને ઢીંકો મારતાં. સુશીલા તેમનાથી બિસ્તર કે સાડી સંકોડતી નહોતી; તેમનાં છોકરાંની કોઈ રીતે સારવાર કરતી. કોઈને ઉપલા પાટિયા પર ઘોડિયાનું ખોયું બંધાવવા મદદ કરતી, ને પાસે બેઠેલી માતાઓના ખોળામાં બાળકો દેખી પૂછાપૂછ કર્યા કરતી: કેટલાં વર્ષનું થયું ? શું ખવરાવો છો? એના બાપ કયાં છે? તમે કેમ એના બાપથી નોખાં રહો છો? ગામડે શાની મજૂરી કરો? દવાદારૂનું શું થાય? વગેરે.
મુંબઈની છોકરીઓ જે વાતોમાં દેશી લોકા જોડે કદી જ રસ ન લઈ શકે, તે બધી વાતોમાં દિલને પરોવતી ભત્રીજી ભાભુને તદ્ન 'દેશી' લાગી. ઘેર માસ્તર રાખીને પાંચ ચોપડી અંગ્રેજી ભણી છે એવું કશુંય આત્મભાન આ છોકરીને નહોતું. રસ્તામાં વાંચવા સુશીલા એકેય ચોપડી -વાર્તાની કે કવિતાની- નથી લાવી તે પણ ભાભુને મન એક મર્મ ભરી વાત હતી.
"ત્યારે રસ્તો કેમ કરીને ખુટાડીશ, બાઈ ?"એ પ્રશ્ર્નના જવાબમાં સુશીલા કહેતી હતી કે "આટલાં બધાં માણસો જગતમાં ભર્યાં છે એની જાણે કે મને ખબર જ કેમ નહોતી, એવું એવું થાય છે ભાભુ ! એવું કેમ થતું હશે, હેં ભાભુ?"
"ડાહી બહુ ! મુંબઈમાં તો માણસગંધીલી થઈને ઘરમાં ભરાઈ રહેતી !"
"કોણ જાણે કેમ, ભાભુ, પણ આંહીં ગાડીમાં મને માણસોની ગંધ ગમે છે. આ ધાવણભર્યાં મોંવાળાં છોકરાંની સોડમ મીઠી લાગે છે."
સ્ટેશને સ્ટેશને ઊતરતી સ્ત્રીઓને સુશીલા કહેતી હોય કે,"તમે પહેલાં ઊતરી જાવ, બે'ન ! પછી હું તમારો છોકરો તમારા હાથમાં આપું છું, ઊતરો, ડોશીમા, પછી તમારું પોટકું હું તમને ઉતરાવવા લાગું."
આખે માર્ગે આ એનો શોખ હતો. એમાં દયા નહીં પણ પ્રસન્નતા હતી. કોઈ ઉતારુને વિશે 'અરેરે બિચારાં' જેવો ઉદ્ગાર એણે કાઢ્યો નહીં. આટલાં બધાં લોકોને જોવાનો-મળવાનો કેમ જાણે એ રાંકધરવ ન કરી રહી હોય !
રાતના નવેક વાગ્યે ગાડી સાબરમતી પાર કરીને કાઠિયાવાડમાં પ્રવેશતી હતી ત્યારે સૂતેલી સુશીલા એકાએક આંખ ઉઘાડી બેઠી થઈ ચારે બાજુ જોવા લાગી : "ભાભુ !" એટલું બોલ્યા પછી વધુ ઉચ્ચાર ન કાઢી શકી.
"શું કહેતી'તી, ગગી ?"
"કાંઇ નહીં."
"પણ હજીયે તું મારાથી આટલી કાં ચોરી રાખ? કહી નાખ ને, બાઈ ! પેટમાં સંઘરીને સૂતી રહીશ તો નીંદર કયાંથી આવશે ? આટલા નાનપણમાં જ મનને લોચ લોચ કરતાં ન શીખવીએ, બે'ન !"
"ભાભુ, મને મારા મોટા બાપુજી યાદ આવ્યા. અત્યારે ઘેર શું થતું હશે? "
"કેમ શું થતું હશે?"
"ઓ બે જણા આવેલા હશે ખરાને ?" આ વાકય એણે એટલે ધીરેથી કહ્યું કે જાણે શબ્દો ઘૂંઘટમાંથી સર્યા.
ચમકવાનો કે ગભરાટ બતાવવાનો તો ભાભુનો સ્વભાવ નહોતો. પણ ઓચિંતી કોઈ ફાળ ઊઠતી ત્યારે એના ચહેરામાં સહેજ શ્યામરંગી એક તત્વ જાણે કે ઘૂંટાઈ રહેતું.
બેઉ જ્ણી સામસામી મીટ માંડ બેસી રહી, બેઉના મનોભાવ તદાકાર બન્યા: ટ્રેન પાછી વળે તો કેવું સારું!'
ભાભુના મોં પર ઘૂંટાતું વાદળું તે પછી તરત પસાર થઈ ગયું , એના મુખ પર લાલ લાલ રુધિરાક્ષિરે પ્રાણ જાણે કે અક્ષરો પાડતો હતો : તે દિને પરોઢના ત્રણ વાગ્યા ટાણાના અક્ષરો પાડતો હતો : તે દિને પરોઢના ત્રણ વાગ્યા ટાણાના અક્ષરો : સ્વામી-ચરણની ધૂળ લલાટે સ્પર્શી રહી હતી તે ઘડીએ અંતરે પુકારેલ અક્ષરો: "આ ઘરમાં ફરી આવવાનું નથી ! આ મેળાપ છેલ્લી વારનો છે !"
"સૂઈ જા તું તારે. બીવા જેવું શું છે?" એટલું કહયા પછી મોંને જરાક હસતું કરીને ભાભુ બોલ્યાં : "ઓળખછ તારા મોટા બાપુજીને ? એ બેય જણા આવીને જો કાંઇ તીનપાંચ કરશે ને, તો એને રાંઢવે બાંધીને પકડી જનારા પોલીસ તારા બાપુજીએ ઘરમાં ગોઠવી જ રાખ્યા હશે - જાણછ તું ?"
સુશીલાએ થોડી વાર આંખો બીડી દીધી. ભાભુએ આપેલી કલ્પના એને ગૂંગળાવવા લાગી. એને ભાભુની આંખો જાણે પૂછતી હતી કે 'છોકરી, તું ભારી પક્કી છે. તારે નામ લેવું છે બાપુજીની ચિંતાનું , ને તને અંદરથી દાઝે તો છે પેલા બે દુશ્મનોનું.'
ફરી એણે આંખો ખોલી ત્યારે ભાભુએ મક્કમ અવાજે કહ્યું : "ને તારી બા જોયાં છે! તારા મોટા બાપુજી ઉપર એ બે જણા જો હાથ ઉપાડે ને, તો તારી બા તેજાબનો સીસો લઈને જ દોડ્યાં આવે. તેજાબની છાલક છાંટે તો શું થાય ખબર છે? એ સુખલાલના મોં ઉપર તો કાયમનું ચિતરામણ જ કરી દ્યે. બળબળતા ફોલ્લા જ ઊપડી આવે. ને આંખમાં પડે તો તે..."
સુશીલાએ ઊઠીને ભાભુના મોં ઉપર હથેલી દાબી કહ્યું : "આમ શું બોલ્યે જાવ છો, ભાભુ ?"
"કાં ?"
"કેવું બીક લગાડે એવું બોલો છો!"
"બીક લગાડે તેવું કેમ ? હું તો તારા મોટા બાપુજીનું ક્ષેમકલ્યાણ વાંછું છું. તારા મોટા બાપુજીનું એક રૂંવાડું તો હલાવી જુવે કોઈ, ખબર છે? આખો મહોલ્લો ગજાવી મૂકીને એ બેય જણાને માથે ખૂન કરવા આવ્યાનું જ આળ મૂકે.ભલેને પચાસ હજાર ખરચવા પડે ! એક વાર ઇ સુખલાલને તો બેચાર વરસની જેલ ટિપાવી દ્યે ખબર છે? બીશ મા."
મોંમાં સોપારીનો ઝીણો ચૂરો ચાવતાં ચાવતાં, એ ચાવણનો ટીપું ટીપું રસ ઉતારતાં ઉતારતાં ઘણાં વર્ષો પરના રંગાવેલા દાંતની રાતી ઝાંય દીવાને અજવાળે ઝલકાવતાં ઝલકાવતાં ભાભુ સુખલાલના શરીર પરનાં તેજાબ છાંટણાંની ને સુખલાલના બેપાંચ વર્ષના કેદી-જીવનની કલ્પના-મૂર્તિ એવી તો લિજ્જતથી દોરતાં હતાં કે સુશીલાને સદાય ગમતાં ભાભુ પર ઘડીક અણગમો આવ્યો. એને મોઢે લોહી ચડી આવ્યું. એ ભાભુની સામેની બાજુએ નજર ખેંચી લઈને ખિજાયેલ મોંએ બેઠી. ભાભુએ પૂછ્યું :
"હજીયે તારા મોટા બાપુજીની ફિકર કરી રહી છો ને ? "
સુશીલાએ સામે ન જોયું એટલે ભાભુએ એને વધુ ચીડવનાર ચેષ્ટા ચાલુ રાખી કહ્યું : "મને તો લાગે છે કે તારા મોટા બાપુજી અગમચેતી રાખીને વેળાસર જ પોલીસખાતામાં જઈ કહી આવ્યા હશે કે, આજ રાતે અમુક ટાઇમે અમારે ઘેર બેચાર મવાલી આવનાર છે, માટે છૂપી પોલીસ મારે ઘેર બેસાડો. અને અત્યારે તો એ રઢિયાળો સુખલો જેલના સળિયા ઝાલીને 'માફ કરો,માફ કરો' કહેતો ઊભો જ નહીં હોય?"
મોં ફેરવી ગયેલી સુશીલાના કાન ઊલટા ભાભુની નજીક થયા. ભાભુએ અવાજ પણ વધાર્યો. ભાભુ પોતાના ચિત્રમાં વધુ રંગો પૂરતાં ગયાં :
"ને તું જોજે ને, તારા મોટા બાપુજી પગમાં માથું મૂકીને એ આંસુડે પગ ધોતો ધોતો માફી માગશે. તારા મોટા બાપુજીના જેવી ફારગતી લખાવશે એવી એ લખી દેશે. એમ તો તારા બાપુજીના હાથ લાંબા છે; એમ કાંઇ તારા મોટા બાપુજી કોઇથી ગાંજ્યા જાયા તેવા નથી ! એ સુખલાલની તો બધી ઉફાંદ બેસારી દઈને મુંબઈનો કેડો જ છોડાવી દેશે."
બોલતાં બોલતાં ભાભુના મોંમાંથી સોપારી ખૂટી ગઈ હતી. જામનગરી સૂડી લઈને ભાભુ નવો ચૂરો કરી મોંમાં ઓરતાં હતાં. પાસે બેઠેલ માણસના સોપારી ખાતી વેળાના બચકારા ઘણી વાર આપણને બરછી જેવા લાગે છે. સુશીલાના કાનમાં એ બચકારાની તેમ જ બોલાતા શબ્દોની બેવડી બરછી ચાલતી હતી. ભાભુ સામે કદી ન બોલાયેલું એવું કાંઇક અત્યારે બોલાઈ જશે, એ બીંકે સુશીલા બહાર ભાદરવા માસનો બફારો તેમ જ અંદર ખિજાયેલા હૃદયનો ઉકળાટ છતાં ઓઢીને સૂઈ ગઈ. ભાભુને તો આથી પોતાની વક્ર વાણીને વહેતી રાખવાની વધુ અનુકૂળતા મળી; વધુ પાનો પણ ચડ્યો. એણે પોતાનું મોં છેક સુશીલાના મોં સુધી નીચું લઈ જઈને ચાલુ કર્યું : "એ તો સારું થયું કે એ સુખલાલે બહાર લિફ્ટ આગળ તારી કાંઇ છેડતી ન કરી - એ આવેલ તો ઘણોય તને ભરમાવીને નીચે લઈ જવા. ને પછી ફોસલાવી-પટાવી મોટરમાં ઉપાડી જઇ લગન કરી લેવા, બાપુ ! એ તો મુંબઈમાં જેવા મવાલી વિજયચંદ્ર તેવા જ રઢિયાળા સુખલાલ : બધા એક જ વિદ્યા ભણેલા ! પારકી છોકરીને લાગ ગોતીને ફસાવી દેવી- પણ આ તો તારા મોટા બાપુજી રહ્યા પોંચતા માણસ, એટલે..."
ઓઢેલી ચાદર ફગાવી દઈને સુશીલા બેઠી થઈ ગઈ, એટલું જ બોલી : "મને સંતાપવાથી તમારા હાથમાં શું આવે છે ? " ત્યાં તો એની ડોળા ઘુમાવતી આંખોમાંથી ડળક ડળક આંસુનાં જાણે દડબાં પડ્યાં.
"તને સંતાપું છું હું ?" ભાભુએ અચંબાનો દેખાવ ચાલુ રાખ્યો :
"અરે બે'ન, હું તો ઊલટાની તારી ચિંતાનું ટાળણ કરું છું, તને હિંમત આપું છું."
"આવ્યાં મોટાં...!" સુશીલા જળભરેલા ડોળા ઘુમાવતી એટલું જ બોલી શકી.
"પણ હું શું મોટી આવી ? તારા મોટા બાપુજી..."
"મારે નથી સાંભળવી..."
"તો કાંઈ નહીં -ચિંતા તો તું જ કરતી'તી !"
"કરતી'તી ! મોટાં ! સમજે નહીં ને !..."
"તો હું તારા પેટની વાત શું સમજું , બાઈ , કે તું નામ લેતી હઈશ તારા મોટા બાપુજીની ચિંતાનું, ને ચિંતા કરતી હઈશ કોઈક બીજાની ?"
હજુય બોલતાં ભાભુના મોંમાંથી સોપારીના ચૂરાના બચકારા નહોતા ખૂટ્યા. હજુય એમની આંખો ને એમના હોઠ ઉપર એક અર્ધસ્ફુટ, અગમ મલકાટ તોળાઈ રહયો હતો. એ બધુંય જોઇ-સાંભળી સુશીલા ગૂંચવાઇ ગઇ. એનો કંઠ પ્રથમ રૂંધાયો ને પછી ભેદાયો. એણે પોતાનો અવાજ દબાવી લેવા માટે ભાભુના ખોળામાં માથું દાટી દીધું. ભાભુએ એની પીઠ પંપાળતાં પંપાળતાં કહ્યું : "કાઠિયાવાડની હવા અડી ન અડી ત્યાં તો છોકરાંય કેવાં દુત્તાં બની જાય છે ? હેં, બોલ તો ખરી, તારા મોટા બાપુજીને હેમખેમ વાંછીશ કે બીજા કોઇને ? હેં ? સાચું કહી દે."
"તમે-તમે તો ભારી ધરમી છો ! કોક બીજાને તેજાબ છાંટવાની ને પોલીસમાં સોંપવાની વાતો બહુ શોભે છે મોટામાં !" એટલું કહીને સુશીલાએ ફરી મોં ભાભુના ખોળામાં દાટી દીધું .
"તો પછી તને સુખલાલની દયા આવી હતી એમ તારે ચોખ્ખું કહેવુ'તું ને , બાઈ ! મને તારા પેટની શી ગતાગમ પડે, બે'ન ?"
"હવે મને કયાં સુધી બાળશો ?"
"તું પેટછૂટી વાત નહીં કર ત્યાં સુધી."
થોડી વાર ક્શો જવાબ સુશીલાના મોંમાંથી નીકળ્યો નહીં, ભાભુએ પૂછ્યું :
"તને હું કેમ લઈ જાઉં છું કાઠિયાવાડમાં , જાણછ !"
"કેમ ?"
"તારા વેવિશાળનું કોઈ સારું ઠેકાણું નક્કી કરવા."
"કરો તો ખરાં-જોઈ લઈશ !"
"શું કરીશ ?"
"તે વખતે જે સૂઝશે તે."
"તારા મોટા બાપૂજી તને કોણ જાણે કેવાય સુખમાં પાડવા માગે છે !"
"માગે છે- પોતાની આબરૂને વધારવા. "
"આબરૂદાર તો આબરૂદારને ગોતે જ ને ?"
"ભાભુ, હું કહી રાખું છું : મારે માટે કયાંયે જોશો નહીં , કોઈને જોવા બોલાવશોયે નહીં,"
"ને બોલાવશું તો ?"
"તો હું બોબડી, બે'રી ને લૂલી હોવાને ઢોંગ કરીશ; હું બૂમબરાડા પાડીશ - આવનારા ભાગી જ જવાના."
"તો પછી તેં શું ધાર્યું ?"
"કેમ જાણે પોતાને ખબર ન હોય !"
"સુખલાલ –?" સુશીલા બોલી નહીં, મૌનભર્યા કલેજાને સંઘરતો બરાબર છાતીનો જ દેહભાગ ભાભુના હાથ નીચે હતો. પોતાના શરીરને સ્પર્શમુક્ત રાખતાં આવેલાં ભાભુ સુશીલાનો કાળજ-થડકાર બરાબર પારખી શક્યાં. સુશીલા સાડીનો છેડો ચાવતી બોલી :
"બીજાંનાં પેટનું પાપ તાગો છો, પણ પોતાના પેટમાં શું પડયું છે, તે કેમ કોઈ દિવસ કહેતાં નથી ?"
"મારું કહ્યું શા કામનું ? તેં નક્કી કર્યું હશે તેમાં મારે કહ્યે શું કરવાનું ?"
"એમ હોય તો હું આજ સુધી શા સારુ ખમતી હોત ?"
"ત્યારે શું તું મારા બોલવાની વાટ જોવે છે ?"
"મારે વાટ કયાં જોવાની જ છે ? હું તો તમારી સાથે જ જડાયેલી છું."
"એટલે ?"
"એટલે , તમે ના પાડશો તો કાયમને માટે તમારા ચરણોમાં જ બેસી રહીશ."
"ઠીક ત્યારે, ચાર દિવસની વાટ જોજે. જેવું હશે તેવું તને આજથી બરોબર ચોથે દિવસે કહીશ."
"મને એક જ બીક છે."
"હોય તે કહી દે."
"તમે મારા મોટા બાપુજીની એટલી બધી ભક્તિ કરો છો ને, કે..."
"કે હું તને એના હાથમાં સોંપી દઇશ, એમ ને ?"
જવાબમાં છોકરીનું આખું શરીર ભાભુની હથેલીને મૂંગી ધડક ધડક કંપારીનો સ્પર્શ કરાવી રહ્યું.
"તો તો આટલા દિવસ હું શા માટે જવા દેત ? તો તો એમના પગનું..." ચંપલના મારની તાજી કથા હોઠે આવીને દોટાદોટ પાછી વળી હૈયામાં ઊતરી ગઈ.
"ને તું શાંતિથી સૂઈ જા. મુંબઈ આપણે ઘેર કાંઈ નહીં થયું હોય. તારા મોટા બાપુજી બપોરની ગાડીમાં જ નાસિક ચાલ્યા જવાના હતા. કોઈ વાણિયાનો દીકરો વઢવેડ કરવા બેસી ન રહે, બે'ન !"