વેવિશાળ/૯. બિછાનાની સમસ્યા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૮. શૂન્ય ઘરની બે સહિયરો : ભાભુ અને ભત્રીજી વેવિશાળ
૯. બિછાનાની સમસ્યા
ઝવેરચંદ મેઘાણી
૧૦. જુવાન પુત્રીની આફતમાંથી →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


9

બિછાનાની સમસ્યા

ભાભુ પણ પોતાની વાતને પકડી શકતાં નથી, એ જોઇ સુશીલા ચિડાતી હતી. ઓરડામાં અંધારું હતું: અજવાળામાં કદાચ સુશીલાએ કદાચ ભાભુ પર ખીજ કાઢવાની હિંમત ન બતાવી હોત.

વિસ્મયની વાત છે - અથવા જરાય વિસ્મય પામવા જેવું છે જ શું? - કે સુશીલા એક ઘા ને બે કટકા જેવું સહેલામાં સહેલું વાક્ય ન કહી શકી કે 'ભાભુ, મને આ વર અને આ ઘર સોએ સો ટકા ગમે છે. તમે મને બીજે પરણાવશો તો હું દુઃખી થઇ જઇશ. મને આનો બિલકુલ અસંતોષ નથી. બોલો, હવે તમે બધાં શીદને મારા મનની વાત સમજ્યા વગર મને સુધરેલાની સાથે પરણાવવા આફત આદરી છે?'

સુશીલા જેવી સમજણી અને મુંબઈનું ઠીક ઠીક હિંમતભર્યું વાતાવરણ પી ચૂકેલી છોકરી આટલી બધી ગેરસમજણનો આવો તડ ને ફડ ઉકેલ ન લાવી શકે? એ પ્રશ્ન, લાકડાનાં તોતિંગ બીમને પણ કરકોલી શકનારો ભમરો પોતાને રાત્રીભર બંદીવાન બનાવનારા સુરજમુખી પુષ્પની સુંવાળી પાંદડીઓને શા માટે ભેદી ન શકે? સુશીલાએ નવી યુગભાવનાવાળાં નાટકો-ચિત્રપટોમાં કોઇ કોઇ વાર 'હા હા, હું તો આને જ પરણીશ' અથવા 'ના, ના, મારે તો આની સાથે નથી પરણવું' એવી જાહેર ઘોષણાઓ કરતી બંડખોર છોકરીઓ જોઇ હતી. સુશીલાને એના મોટા બાપુ તાલીમ આપતા તો સુશીલા એ શબ્દો ઠેરવાયેલા સમયે, ઠેરવેલી વ્યક્તિ કે સમષ્ટિ સામે કડકડાટ બોલી જાત એમાં શંકા નથી. એ બોલવાને સારુ હિંમત અથવા અંતરની લાગણીનો વિકાસ બિલકુલ બીનજરૂરી બનત. એથી ઊલટું, અંતરની બળબળતી લાગણી તો એ ગોખાવેલ બોલોના પાંખામાં પાંખા પરદાની પાછળ જ પોતાના ભડકા ફૂંકતી ઊભી હોત.

પોતે શા માટે તડફડ નથી કરી નાખતી એ વાત, આ રાત્રીએ, સુશીલાએ પોતાની જાતને પણ પૂછી જોઈ. છેતરામણી લાગણીઓ એક્દમ તો જવાબ આપે જ શાની? ખૂણેખાંચરે પડેલી એકાદ લાગણીએ ફક્ત જરી જેટલી ચાડી ખાધી કે 'કિશોરી, આંહીં આટલામાં ક્યાંઇક પેલો વિજયચંદ્ર પણ લપાઇને સળવળી રહ્યો છે - આંહીં, એટલે કે અમ સર્વ લાગણીઓના નિવાસસ્થાન તારા અંતરને વિશે.

પોતાના જ અંતરમાં વસનારી એક ઉર્મિ બેશરમ બનીને અંતરની આવી જાસૂસી કરે, ચાડીચુગલી ચલાવે, છૂપી ચોરીને પકડી પાડે, એ સુશીલાના સુખની વાત નહોતી. વિજયચંદ્ર એને મોટરમાં બેસવા નહોતો લલચાવી શક્યો એ ખરું; પણ મુંબઇ શહેરની બે-એક નહીં પણ જોટો- યુવતીઓ હરકિશનદાસ ઇસ્પિતાલના દવાએ ગંધાતા રોગાલયમાં એમની જ મોટરમાં લઇ ને મારી પછવાડે કાંઈ વિના કારણે, વિના આકર્ષણે, વગર વિચારે નહીં જ ચાલી આવી હોય એટલું તો તારે, ઓ સુશીલા, મારા વિષયમાં વિચારવું જ પડશે - એ પ્રકારનો દાવો કરતો વિજયચંદ્ર જાણે કે એના અંતરના ઓટલા પર બૂટની એડીઓ પછાડતો હતો. ઇસ્પિતાલની 'લિફ્ટ' પણ વિજયચંદ્રના ખાસ અધિકારની વસ્તુ હતી. તે દિવસે જમવા અને પછી વારંવાર ભજિયાં ખાવા ઘરે આવેલો વિજયચંદ્ર પોતાને પગલે પગલે વિજયનાં પુષ્પો નહોતો પથરાવતો એમ કહી શકાય? પારકાનું હૃદય જીતવાની એનામાં કળા હતી. એ કળાની મૂઠ સુશીલા ઉપર નંખાઇ હતી. ને તે પછી સુશીલા સાવ નીડર તો નહોતી જ રહી. આવી છૂપી છૂપી બાતમી સુશીલાએ તે રાત્રીએ પોતાની એકાદ લાગણી પાસેથી મેળવી, ને એને લાગ્યું કે 'સુખલાલ મારો જ છે' એવો તડ ને ફડ ઘા કરતી પોતાને રોકવામાં વિજયચંદ્રનો પણ થોડોક હાથ છે.

આ લાગણીને સુશીલા એ જાણે કે ગળે ચીપ દઇને પાટુએ પાટુએ ગૂંદીને ચૂપ કરી. પોતે પણ મૂંગી રહી. ભાભુએ પહેલાં બગાસું ખાઇને કહ્યું: "સૂઇ જા, ભાઇ, ઝાઝો વિચાર શીદ કર્યા કરછ? અમારા સૌના સાટુ જીવ કાં બાળી રહી છો. ને અમારે તો સાત દીકરા ગણીયે તોય તું છો, દેખી દેખીને તને કૂવે કેમ નાખીએ? સમતા રાખ, બાઇ! નિરાંતની નીંદર કર."

એટલું કહીને ભાભુએ દેહ ગાદલામાં લંબાવ્યો. બાજુમાં જ સુશીલાની પથારી હતી. સુશીલા સૂવા માંડી ત્યારે ભાભુએ યાદ કરાવ્યું: "માળા ફેરવી?"

"ભૂલી ગઇ."

"ભૂલી ગઇ એનું કાંઇ નહીં. દેખીપેખીને ન ફેરવીએ તો જ દુઃખ. હવે ફેરવી લે. અમથા પારા પડતા મૂકીએ ને, બેન, તોય ઊંઘ આવી જાય. ભગવાવનું નામ લઇએ તો વળી નવું કાંઇ કષ્ટ વધે નહીં, ને ઊંઘ ચોખ્ખી આવે. માઠાં સપનામાં શેકાવું તે કરતાં માળા ફેરવીને સૂવું શું ભૂંડું, મારી બાઇ?"

પતિનો શયનખંડ છોડીને સુશીલા સાથે સૂવાનું શરૂ કર્યા ભાભુને આજે પાંચેક વર્ષ થઇ ગયાં હતાં. તે પૂર્વે પણ સુશીલા બે વર્ષની થઇ ત્યારથી જ ભાભુની પાસે રહેવા ટેવાયેલી. ત્રણથી લઇને સુશીલા દસેક વર્ષની થઇ ત્યાં સુધી પતિપત્નીએ એક જ ઓરડામાં રાતવાસો ચાલુ રાખ્યો હતો.

તે પછી સુશીલાની પથારી ઓરડા સામેની પરસાળમાં રખાતી અને ભાભુના શયનખંડનાં બારણાં ખુલ્લાં રખાતા. એક રાત્રીએ આ ગોઠવણ અણગમતી બની ગઇ. પતિએ રાતમાં બંધ કરેલાં બારણાં અણખોલ્યાં જ રહી ગયાં ને પતિપત્નીને ઊંઘ આવી ગઇ. સવારમાં ભાભુએ જાગીને બારણાં ખોલ્યાં ત્યારે વહેલી ઊઠેલી સુશીલા દાતણ કરતી હતી.

બંધ બારણે સૂતેલાં વડીલ-દંપતિઓ, એક માતા-પિતાનું ને બીજું ભાભુ-બાપુજીનું, અને તેની વચ્ચે એકાકી ઊભેલી બાર વર્ષની દીકરી! ભાભુએ આ દીઠું ત્યારથી આખો દિવસ એ ગમગીન રહ્યાં, ને સુશીલાથી શરમિંદા બનતાં બનતાં ઘરકામમાં મશગૂલ બન્યાં. બાર વર્ષની દીકરીને આખી રાત જે એકલતામાં મૂકી તે કેવી ભયાનક હશે! બંધ બારણાને અંદર શાંતિથી ઘસઘસાટ ઊંઘી રહેલ વડીલોને માટે પણ એણે શી કલ્પનાઓ કરી હશે! બંધ બારણાં શા માટે, એ પ્રશ્ન એના મનમાં પુછાયો હશે ત્યારે કોણ જાણે કેવોય કાળમુખો જવાબ જડ્યો હશે દીકરીને! આવી આવી વિચાર મૂંઝવણમાં વ્યથિત અને વ્યાકુલ બનેલી પત્નીનું અપરાધપણું જ્યારે પતિએ સાંજે ઘેર આવીને જાણ્યું ત્યારે એનાથી એની નિત્યની પ્રકૃતિમાં હસવું મોટે ભાગે ન હોવા છતાંય, હસી જવાયું હતું.

આ પત્નીને, આવી પદમણીને, આવી શાંતિ-પ્રતિભાને, આવી ગરવી અને ગરીબડીને પોતે શેર માટીનું સંતાન નથી આપી શક્યો તેને માટે પોતાને જ અપરાધી ગણનારો સ્વામી પત્નીના આવા ક્ષુલ્લક મન-સંતાપની પણ વધુ મશ્કરી તો નહોતો જ કરી શક્યો. ને તે રાતે એ સૂવા ગયો ત્યારે એણે જોઇ લીધું કે પોતાના ઓરડામાંની બીજી પથારી ઊપડી જઇને વચલા ખાલી ખંડમાં ચાલી ગઇ છે, ત્યારે પણ તેને ઓછું નહોતું આવ્યું. એને ઘસઘસાટ નીંદર આવી ગઇ હતી. મોટા શેઠનો આ એક જ ગુણ બીજા અવગુણો સામે મૂકવા જેવો હતો.

સુશીલાને સંગાથે લઇ સૂનાર ભાભુએ તો આ શયનવ્યવસ્થા બદલવામાં કાંઇ અસાધારણ ગણ્યું નહોતું. એણે સુશીલાની બાને ખુદને પણ આ વાત નહોતી કરી. સવારે જ્યારે સુશીલાની બાએ પહોળી પલાંઠીથી ભીડીને લોટ ઊટકવાના કૂચડા જેવાં ધીંગા દાતણનો કૂચો ઘસતાં ઘસતાં, બગાસું ખાતાં ખાતાં ને આળસ મરડતાં મરડતાં સુશીલાને પૂછ્યું કે "એટલી મોડી રાતે ભાભુને કેમ તારી પાસે આવવું પડ્યું?' ત્યારે સુશીલા એ સમજ પાડી કે "ભાભુ તો મારી પાસે જ સૂતાં હતાં."

"હેં ભાભીજી!" સુશીલાની બાએ ભાભુને એકાંતમાં લઇ જઇ કહ્યું, "આપણે ઓસરીએ તાળું મારીએ છીએ, પછી વળી શી બીક છે, કે તમારે છોકરીની પાસે સૂવું પડે?"

"બીકનું હું ક્યાં કહું છું?"

"તાળાની ચાવી તો હું મારી પાસે લઇને જ સૂઉં છું. તમે તમારે કોઇ વાતે ફફડતાં નહી, હું રાતના બે વાર તો સુશીલાને જોઇતપાસી પણ જાઉં છું." દેરાણીએ પોતાની ખબરદારી વર્ણવી.

ભાભુના મનમાં આ સાંભળીને હસવું આવતું હતું. એણે ટૂંકો જ જવાબ વાળ્યો: "તમેય બચ્ચાડા જીવ કેવા ઉતપાતિયાં છો? બીક વળી શેની હોય? આ તો તમારા જેઠને બહુ હવા જોવે, ને મારાથી ઉઘાડી બારીનો પવન સેંવાતો નથી - મારા સાંધા દુખે છે, એટલે જ વચલા ખંડમાં સૂવાનું રાખ્યુ છે. બીક તો વળી શેની? અરેરે, બચાડા જીવ તમેય તે..."

ચપળ સુશીલાના કાન કઇ વાતો ક્યારે એકાએક પકડી પાડતા, તે સમજવા માટે પુરુષો વધુ પડતા જડ હોય છે. તે તો સ્ત્રીઓ જ સમજી શકે. કેમ કે ઘણી ખરી સ્ત્રીઓ પોતાની કૌમાર્યવયની રાત્રીઓ પર આવાં તાળાં મરાતાં જોયાં હોય છે. તે રાત્રીએ એણે ઝટ દ ઇને આવીને પોતાની બાને કહ્યુ: "લ્યો બા, તાળું મારી લાવું ઓસરીને?"

બા જરીક ઝંખવાઇ ગઇ અને જવાબમાં બોલીઃ "ભાભુ કહે તો જ વાસજે તાળું, બે'ન!"

સુશીલાના પિતાએ આ નવો ફેરફાર બેચાર દિવસે જાણ્યો. ને જાણ્યો ત્યારે એટલો બધો શરમિંદો બન્યો કે એક અથવા બીજે બહાને એ તો બહારની ગેલેરીમાં મોડી રાત સુધી એકલો જ બેસી રહેલો. પત્નીએ એને બે-ત્રણ વાર અંદર ખેંચી જવા મહેનત કરી.

"હાલો ને, હવે! ભાભી મોટેરાં આંહીં બેઠાં છે, એટલે આપણને વળી શેની શરમ? હાલો ને, મને એકલાં ઊંઘ નથી આવતી. ભાભી તો વેરાગમાં ઊતરી ગયાં છે; મને કાંઇ વેરાગ નથી થયો. દીકરી કાંઇ એકલા આપણા ઘરમાં જ થોડી મોટી થઇ છે! ઘેર ઘેર થાતી આવે છે. હાલો, હાલો. ઠાલા સતની પૂંછડી શીદને થાવ છો?" એમ કહેતી સુશીલાનાં બા પતિનું ખમીસ ખેંચીને પરસાળમાંથી ઓરડામાં ઘસડી ગઇ હતી.

એ તો આજે ત્રણ વર્ષની જૂની વાત બની હતી. દેરદેરાણી વીશ વર્ષની દીકરીનાં માવતર હતાં, તો પણ ભાભુની દ્રષ્ટિમાં તો 'બચ્ચાડા જીવ' બનીને જ તેઓ રક્ષા પામ્યાં હતાં.