વેવિશાળ/૧૦. જુવાન પુત્રીની આફતમાંથી

વિકિસ્રોતમાંથી
← ૯. બિછાનાની સમસ્યા વેવિશાળ
૧૦. જુવાન પુત્રીની આફતમાંથી
ઝવેરચંદ મેઘાણી
૧૧. ખાલી પડેલું બિછાનું  →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


10

જુવાન પુત્રીની આફતમાંથી


એ આખો દિવસ 'વેવાઈ' જમવા કે ચા પીવા ન આવ્યા. રાત્રીએ ચાદર, દાતણ વગેરે ચીજો આપીને પાછા વળેલા શૉફરને સવારે સુશીલાએ ભાભુની સમક્ષ ઉપર બોલાવ્યો હતો. સુશીલાએ જાણે કે ભાભુની વતી જ પ્રશ્ન કર્યો : "કાંઈ બોલ્યા હતા મહેમાન?"

શૉફર અહમદે મરક મરક કરતે કહ્યું : "દૂસરા કૂછ નહીં, બસ ઇતના જ : અરે દીકરી ! વાહ રે, મારી દીકરી ! એસા કહ કર ક્યા ખુશ હોતા થા કિ બહુત રંજ કરતા થા કુછ માલૂમ નહીં પડા."

"તબિયત કેમ હતી?"

'ઠીક. વો સુખલાલ બાબુ સોતે થે, ઔર એક નર્સ વહાં ખડી થી. વો મહેમાન કો બિછાના બિછા દેતી થી, ઔર 'ફાધર ! ફાધર ! બાપા ! બાપા ! યું કરો, ઐસા કરો, બચ્ચા કો અફસોસ હોવે ઐસા કોઈ હાલ મત સુનાઓ' - ઐસી ઐસી બાતોં અલગ લે જાકર કહતી થી. ઔર મહેમાન બાબુ તો નર્સકા કહેના, બસ, હાથ જોડ કર સુન રહે થે. - બેચારેકો બોલને આતા નહીં, તૂટીફૂટી બાત બોલતે થે કિ, મડમ સા'બ, બાપુ, પ્રેભુ તેરા ભલા કરેગા, તેંને મેરા લડકાકો બચા લિયા વગેરે."

"રાતે નર્સો બદલાતી નહીં હોય?" સુશીલાથી એકાએક બોલાઈ ગયું.

"હાં, બદલી હોતી હૈ," શૉફરે વધુ ખબર દીધા, " વો થી દિનકી નર્સ : ડ્યૂટી ખતમ કરકે જા રહી થી, ઔર કહ રહી થી કિ, 'કલસે મેરી નાઈટ ડ્યૂટી હો જાયગી. તબ બાપા, બાપા, તુમકો કુછ તકલીફ નહીં પડેગી.' ઔર સુખલાલ બાબુકો બોલતી થી કિ, 'ઇસ્માટી ! ઇસ્માટી ! મૈં આજ સિનેમા દેખને જાતી હું. તો ગુડ નાઇટ કરનેકો ફિર નહીં આઉંગી.' બસ. પીછે, 'ફાધર ગુડ નાઇટ, બાપા સલામ, ઇસ્માટી સલામ !' કરતી કરતી મુજકો ભી ગુડ નાઇટ કહેતી ચલી ગઈ. ઔર મૈં ક્યા કહું ! મહેમાન બાપા તો બિચારા વો નર્સકી સામને પૂતલાકી તરહ મું ફાડ કર કહાં તક દેખ હી રહે થે ! સબ દરદી લોક, ઔર વહાં કે સબ દરવાન-ફરવાન હસહસકે બેજાર હો ગયે."

પછી શૉફરને એકાએક યાદ આવ્યું કે મહેમાને એક કાગળ સુશીલાબહેનને આપવા દીધેલો છે. એ કાગળ શૉફરે સુશીલા તરફ ધર્યો. સુશીલાએ લઈને ભાભુને આપ્યો. થોડું થોડું ભણેલાં ભાભુએ કાગળની ગડીઓ ઉખેળીને જોયું તો પોતાને ગમી જાય તેવા હસ્તાક્ષરો નીકળ્યા. એ અક્ષરોમાં અણઘડ ગામડિયો મરોડ હતો ખરો ને, એટલે ભાભુને સુપરિચિત થતાં વાર ન લાગી. એ એક ગ્રામ્ય છોકરીના અક્ષરો હતા. અક્ષરો જાણે આપોઆપ બોલી ઉઠ્યા કે, અમે તો માંડ માંડ જડી આવેલી એક દેશી પેનસિલના નાના બૂઠા ટુકડાના ફરજંદો છીએ. કાગળમાં લખ્યું હતું કે-

"ઈશવર સદા સુખી રાખે મારાં માયાળુ ભાભી સુશીલા. બા તમને બઉ સંભારે છે. અમે તમને બઉ સંભારી છીં. મળવાનું મન બઉ છે. બા કેવરાવે છે કે મરતાં પેલાં એક વાર મોં જોઉં તો અવગત નૈં થાય. પણ છેટાંની વાટ, મળાય ક્યાંથી. બાએ ન મળીએ તો આશિષ કેવારેલ છે. તમારે માટે ચોખ્ખા માવાના દૂધપેંડા મોકલેલ છે. તમારા ભાભુની ને માતુશરીની સેવા કરજો ને ડાયાં થૈ રેજો. ન મળાય તો અપરાધ માફ કરજો. ધરમ નીમ કરજો. બા ન મળે તો બાની પાછળ છ મૈનાની સમાક્યું [૧]નું પુન દેજો. વધુ શું લખવું. તમારા દેરનું અને નણંદનું કાંડુ તમને ભળાવું છું. તમારા સરસરાએ જેવી મારી ચાકરી કરી છે તેવીજ ચાકરી એ તમારે હાથે પામજો. ભાભી, બા એ આટલું લખાવેલ છે. બાને તાવ ભરાઈ ગયો છે. ભાભી, મારા માટે એક બે ચોપડિયું મોકલજો. તમારી જૂની હોય તે મોકલજો. હું બગાડીશ નૈ. તમે આવશો ત્યાં સુધી સાચવી રાખીશ. ભાભી, અમે તો તમને જોયાં જ નથી. કેવાં હશો. રોજ મને તમારું સપનું આવે છે. પણ સવારે પાછું મોઢું યાદ રેતું નથી. ભાભી, તમે ચણિયા ઉપર ચોરસ પહેરો છો કે સાડી પહેરો છો તે ચોક્કસ લખજો હો. હું તો ચોરસો પેરું છું. એક નવો ચોરસો બાપા લઈ આવેલા તેના ઉપર એક છાપ હતી. તેમાં એક રૂપાળી બાયડી હતી. હું એને સુશીલા ભાભી કહું છું, ને મારી પેટીમાં રાખું છું. લીખીતંગ તમારી નાની નણંદ સૂરજ"

ભાભુ પોતે અક્ષરો બેસાડતાં બેસાડતાં ધીરે અવાજે વાંચતાં ગયાં તે સુશીલા સાંભળતી ગઈ. કાગળ પૂરો કરીને ભાભુએ કહ્યું : "લે વાંચ જોઉં, કેવો રૂપાળો કાગળ લખાવ્યો છે બચાડા જીવે ! એને કાંઈ ઊંડી વાતની ખબર છે? અજાણ્યું ને આંધળું બેય બરોબર ! શી થાવી ને શી થાશે ? અરેરે, બાઈ ! લેણદેણની વાત મોટી છે. અંજળ લખ્યાં હશે ત્યાં જ જવાશે. હું તો મૂઈ જૂના વિચારની જ રહી ગઈ."

સુશીલા એ કાગળ ફરી ફરીને વાંચતી રહી. દરમ્યાન આજુબાજુમાંથી આવી ચડેલી સુશીલાની બાએ બધા વાત જાણીને ઝટ કહી નાંખ્યું : "ગામડાનાં ભોથાં ! હજી તો અટાણથી 'ભાભી ભાભી' કહેવાનું શરૂ કરી દીધું. ભાભી કહેવી એમ રેઢી પડી હશે !"

  1. સામયિક નામની જૈનોની ધર્મક્રિયા