શનિશ્ચરવારે સહુને કહ્યું રાખો હરિ સંગ હેત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
શનિશ્ચરવારે સહુને કહ્યું રાખો હરિ સંગ હેત
દેવાનંદ સ્વામી


શનિશ્ચરવારે સહુને કહ્યું, રાખો હરિ સંગ હેત, જાતર જોવા ભેળું થયું;
કુટુંબ કૂડો સંકેત, ભાવે ભજી લ્યો ભગવાનને꠶ ૧

આરત રાખીને ઓળખો, ગિરધર ગોપીના શ્યામ;
સરવે દેવોના દેવ છે, અંતે એનું છે કામ... ભાવે꠶ ૨

સેવક થાને(થજે) ઘનશ્યામનો, ટળશે તનડાના તાપ;
જીવ મુક્તના જોગમાં, વધશે મોટેરું માપ... ભાવે꠶ ૩

બ્રહ્મવિદ્યાના ભોમિયા, સાચા સંત સુજાણ;
દેવાનંદ કહે હરિદાસમાં, પીવા અમૃત રસપાન... ભાવે꠶ ૪