લખાણ પર જાઓ

શિવાજીની સુરતની લૂટ/પ્યારની વૃદ્ધિ

વિકિસ્રોતમાંથી
← રાત માતાકા પેટ શિવાજીની સૂરતની લૂંટ
પ્યારની વૃદ્ધિ
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
દુમાલનું મેદાન →


પ્રકરણ ૧૧ મું
પ્યારની વૃદ્ધિ

“આફરીન! આફરીન ! હું તમને બંનેને જાણું છું. ચલો, આપણે સર્વે સાથે મળીને કંઈ નવું જૂનું કરીશું:” સુરલાલે કહ્યું.

“ધસીને એકદમ દોડ કરો. હમણાં અમે ત્યાં જઈ આવ્યાં છિયે; તેઓ નિરાંતે પડેલા છે. ત્યાં ભય પણ નથી ને કાર્યસિદ્ધ કરવાને ભુજબળ આપણી પાસે મજબૂત છે.”

“હમને સબકું પીછાના ! ખોદા અપના નિઘેબાન હે ! નવાબ બડા ચબરાક ઔર ચાલાક હૈ, ઔર ઉસકી બેગમ મહતાબસે બી કુચ દો ચંદા સરસ પાવરધી હૈ.” નવરોઝ મનમાં બડબડ્યો.

આ ગડબડમાં અડધો કલાક નીકળી ગયો, બારપર બે વાગ્યા હતા; ને જો હવે મોડું થાય તો સધળી હાથ આવેલી બાજી ધૂળ મળી જાય; એપર વિચાર કરી, કંઈ પણ તુર્તાતુર્ત ખુલાસો મેળવ્યા વગર આ બે સ્વારોને સાથે લઈને નવરોઝ અને તેના સાથી સુરલાલે એકદમ સૌને ચાલવાનો હુકમ કીધો.

હવે પ્રજાકીય સેનામાં બે અધિકારી ને એક સરદાર હતો. મણી આ કામને બીલકુલ નાલાયક હતી, પણ મોતીએ તેને સાથે રાખી હતી. નવરોઝની પછાડી સધળું લશ્કર ચાલતું હતું. જે જે મરાઠા સીપાહો એકલવાયા રસ્તે મળતા તેને કાપી નાખવામાં જરા પણ વિચાર કરતા નહોતા. થોડીક પળ સઘળું શાંત ચાલ્યું, નવરોઝ બેગમની ચતુરાઈ ને હિંમતપર આફરીન કરતો વિચારતો વિચારતો ચાલતો હતો, ને એવા વિચારમાં વધારે વખત ન રહેવા દેતાં, કંઈક ખુલાસો કરી, શિવાજીના સૈન્યના કયા ભાગપર પહેલો છાપો મારવો, તે સૂચવવા માટે મોતી નવરોઝ પાસે આવી.

“ઓ શૂરા પહેલવાન !”– આ છુપા સવારે કહ્યું - “મારા અકસ્માત મિલાપથી કંઈ એવો ખ્યાલ બાંધીશ નહિ કે એમાં કંઈ ભેદ છે ! હું કેમ કિલ્લો છોડીને નીકળી અને શું શું થયું છે તે વિસ્તારી કહેવાનો સમય નથી. આવવાનું કારણ તું જાણે જ છે. ટુંકામાં એટલું જ તારે જાણવાનું છે કે, અમે મરાઠાની છાવણીમાં જઈ આવી તેએાના મનસૂબા સારી પેઠે જાણી શક્યાં છિયે. પણ નવરોઝ ! તું જણાવશે કે, તાારી સ્વારી શી રીતે અકસ્માત આવી પહોંચી ? તું કિલ્લામાં હતો, તેમાંથી શી રીતે છૂટો થયો ?”

“મહાતાબ નૂરની બેગમ મોતી !” નવરોઝે નમન કરી, મોતીને માન આપતાં ખુલાસો કીધો. “કિલ્લામાંથી તમે બે જણ બહાર પડ્યા પછી મારા મનમાં, તેમ જ નવાબના મનમાં મોટી ચટ૫ટી થવા માંડી ને અમે અવશ્ય ધાર્યું કે, અકસ્માતથી તમે કોઈ પણ સ્થળે ઘેરાઈ જશો, આથી હું ને નવાબ બન્નો બીજી ગમના નદીપરના દરવાજામાંથી બહાર નીકળી પડ્યા અને સામે પાર થઈને ખાડીમાં આવી ઉતર્યા. અહીંથી એક છુપા જાસૂસે ડચ-વલંદા-લોકોની કોઠીમાં મળેલી સભામાં મને જવાની સૂચના આપી અને હું ત્યાં ગયો. પણ કર્મ સંજોગે નવાબ ને મારો સંબંધ તૂટી ગયો. તેઓ કોઈ બીજી બાજુએ ગયા છે, તે આપણને આવી મળવા જોઈયે.”

“શું નવાબ-મારો દિલોજાન બહાર મેદાન પડ્યો છે, નવરોઝ ? એ તો બહુ આશ્ચર્યની વાર્તા છે. જો એ મળી જાય ને આ કીર્તિના કામમાં સામેલ થાય તો કેવું સારું ? તેનું નામ ને અમર કીર્તિ હંમેશને માટે પ્રદીપ્ત રહેશે.”

“મને સંપૂર્ણ આશા તો છે કે, આ પ્રસંગમાં મોટો ભાગ લેવા માટે તે ઘણી જલદી આવી પહોંચવા જોઈએ;” આમ બોલતાં દમ બાંધીને કૂચ કરતાં બેગમપુરા વટાવીને, સ્વતંત્ર રાજ્યના યુદ્ધ માટે, ને શત્રુનો નાશ કરવા માટે, શૂરા યોદ્ધાઓ નવાબના મહેલની લગભગ આવી પહોંચ્યા.

અહીંઆ આવીને નવરોઝ અને સુરસાલે સૈન્યના બે વિભાગ પાડી, દરેકને પોતાની સરદારી નીચે લીધા. સઘળાને જોઈયે તેવા પ્રકારે ઉત્તેજનના શબ્દોથી ઉશ્કેર્યા ને છેલ્લે નવરોઝે કહ્યું: “આજનો દિવસ મરવાનો છે, જેમને ઘરબારના સુખની અભિલાષા હોય, જેમને પોતાનો પાપી પ્રાણ પ્યારો હોય તે આ પ્રતાપી કર્મથી દૂર જાઓ ! અમે પાંચ હઈશું તો બસ છે. દેશ રક્ષણ માટે મરવું એમાં શું છે ? પોતાનાં બાળકોને પીડામાંથી બચાવવાં એમાં મોટાઈ નથી કે ? પણ જે પાછા જવા તૈયાર થાય તેમણે યાદ રાખવું કે, જેઓ આજે સમરાંગણમાં જશે તેઓ કીર્તિ મેળવી મરશે, ને કાયરોને કાલે સવારના ઘરને ખૂણે શિવાજી રીબાવી રીબાવીને મારશે. જો આપણને જીત મળી તો - અને તમારે યાદ રાખવું કે આપણી બાજુએ હિંદુઓનો કાર્તિકસ્વામી ને મુસલમાનોને મહમદ બે વીર યોદ્ધાઓ છે, તે જય અપાવશે જ - લૂટાયલો ખજાનો પણ પાછો હાથ આવશે. ખૂણે રીબાઈને મરવું છે કે કીર્તિ મેળવી નામના કરી મરવું છે ?”

“કીર્તિ મેળવી નામના કરીને મરવું છે !” એક સ્વરે છસેં યોદ્ધાએ ગર્જના કીધી, અને આ ગર્જનાનો અવાજ મરાઠાની છાવણીમાં સંભળાયો, તેમ જ નવાબના મહેલમાંનો ખોજો પણ ઝબકી ઉઠ્યો.

મરાઠી સરદાર બહિરોજીએ ચેતી જઈને ડંકો કીધો અને નગારખાનાને ઘણા જોરથી ઠોક્યું- નવાબના મહેલમાંથી ત્રણસેં સ્વાર એકદમ મેદાન ભણી દોડી આવ્યા. તેમને મોતીની કહેલી ભવિષ્યવાણી સત્ય લાગવાનો ભાસ થયો કે મરાઠાઓ આવ્યા ને મસરૂર અગાડી આવી ઉભો.

“નગારખાનાનો અવાજ મરાઠાનો છે !” મસરૂરે પોતાના માણસોને કહ્યું: “પણ સાવધતા પકડી આપણે આપણું તપાસવું છે, એકદમ ખસતા નહિ, બીજા સાથીને બોલાવવા નગારું ઠોકો.” અને તુરત મુસલમાની ડંકો પીટાયો.

નવરોઝ આથી ઘણો ગભરાયો, પણ આગળ આવી બોલ્યો: “આ નગારાનો અવાજ તો મોગલાઈ છે. બેગમ સાહેબ, તમે આ સૌને સાચવો છો ? હું તપાસ કરી આવું ?” “બેલાશક, મારી શક્તિ પ્રમાણે તપાસ રાખીશ.” મોતીએ ઉત્તર દીધો. નવરોઝે ઘોડાને, રેન પકડી દોડાવ્યો ને મહેલ લગણ ગયો, મોતી ને સુરલાલ સર્વ રીતે ચાલાકી બતાવી સઘળા શહેરી લશ્કરને હરોલમાં મૂકી બે વખત આસપાસ ફરી વળ્યાં.

એક બે ક્ષણમાં નવરોઝ પાછો ફર્યો ને જેમના જીવ ઉંચે તાળવે લટક્યા હતા, તેમને ધીરજ આપી.

“તે આપણા મદદગાર છે !” શ્વાસ મૂક્યા વગર નવરોઝે કહ્યું, “ભય ન રાખો ! તે નવાબના સ્વાર આપણને મદદ કરવા તૈયાર છે, ચાલો આપણામાં સારી ભરતી થઈ.”

જેમ જેમ લશ્કર ચાલે, તેમ તેમ મોતીનું હૈયું તે ધપધ૫ ધબકાર લેવા લાગ્યું. તેનો પગ ઘોડાના પાવડામાંથી ખસી ખસી જવા માંડ્યો. રેન પણ ખેંચી શકાય નહિ ને આગળ વધવાની હિંમત પણ રહી નહિ. મણી વળી તેનાથી વિશેષ ભયથી ધ્રૂજવા માંડી, તે તો બે વખત ધેડાપરથી પડતાં પડતાં બચી ગઈ, ને એકવાર તો હાથમાંથી લગામ પણ છૂટી ગઈ.

મરાઠાની સામા થવાને બસો આરબ ચુનંદા સ્વાર નવાબના મહેલમાંથી ખોજા મસરૂરની સરદારી નીચે નીકળી આવ્યા; અને એક ક્ષણમાં દરવાજાની બહાર આવીને લશ્કરે મરાઠાઓને ચેતવણી આપવા “હર ! હર !” ને “અલ્લા અકબર”ની બૂમ મારી.

દક્ષિણ અને પૂર્વ બાજુએ મરાઠાનું લશ્કર પડ્યું હતું, રાત્રિના ટાઢ પડી હતી, તેમાં અડધા માણસો અકડાઈ ગયા હતા. મરાઠા સરદારે ભય નજીક જાણીને ડંકો પીટ્યો; મરાઠા સિપાહો કાવરા બાવરા ઉઠ્યા. બે દિવસ લૂટ કીધી હતી તેમાં તો સધળા થાકી ગયા હતા. તેમના મનમાં નિરાંત હતી કે નવાબ પાસે લશ્કર નથી, ને તેનામાં કંઈ દમ બળ્યો નથી, તો તે ક્યાંથી અગાડી પડી લઢવા આવવાનો હતો; તેથી જ્યારે મરાઠાનો ડંકો પીટાયો ત્યારે સૌ મરાઠા સિપાહોએ જાણ્યું કે, લૂટપર જવા માટે ઊઠવાની ચેતવણી હશે, પણ ધાડનો તો તેમને ખ્યાલ જ આવ્યો નહિ. સામાન્ય રીતે આ પ્રમાણે ઘણે ઠેકાણે ભૂલ થતી આવી છે, હિંદુ સિપાહો લડવામાં જેવા બહાદુર હોય છે, તેવી બીજી પ્રજા હજી સુધી થઈ નથી. ભય આવે તેને ધૂતકારી કાઢવામાં ને શત્રુ સામા ઉમંગથી જવામાં તેઓ મોટાઈ માને છે. યુદ્ધોમાં કદીપણ રજપૂત યોદ્ધો પીઠ બતાવતો નથી, મોતનો ખ્યાલ તેના મનમાં રહેતો નથી ને રણક્ષેત્રમાં મરવું એમાં જ ખરી મોટાઈ માને છે. રણમાં મરે તેને માટે ઈંદ્રની અપ્સરા વરમાળા પહેરાવવા તત્પર થઈ રહે છે એવો ધર્મનો બોધ છે. ગીતામાં કહ્યું છે કે स्वर्गद्वारमपावृतम् યુદ્ધ એ સ્વર્ગમાં જવા માટેનાં ઉઘાડાં દ્વાર છે.

ભરતખંડમાં જેટલાં યુદ્ધો થયાં છે તે સર્વમાં કોઈ કાળે કોઈએ પીઠ બતાવી હોય તેવા દાખલે નથી. કેસરિયાં કર્યા જવાં ને કીર્તિ મેળવવી એમાં જ પોતાનો ધર્મ આર્ય વીરો માને છે, એમાં જ સર્વનું કલ્યાણ છે, એમાં જ પ્રિયા પ્રિયનું પ્રેમદર્શન અચલિત રહે છે – એ આર્ય યોદ્ધાનાં સમરાંગણનાં વચનો છે. રણક્ષેત્રમાંથી પાછા ફરનારનું મોઢું તેની પ્રિયા પણ જુએ નહિ, તો બીજાની શી વાત ?

પણ સૌથી મોટી ખોડ એ છે કે, દરેક કામમાં આળસાઈ; તુચ્છ મોટાઈ ને વહેમીલાપણું ડગલે ડગલે હોય છે, શત્રુ ચઢીને શહેરના કોટ લગી આવ્યો હોય તો પણ આળસાઈ ને વહેમીલાપણામાંથી બહાર નીકળે નહિ. તે ઘડી શકુન જોવા બેસે ! માથાપર તરવાર ફરે ત્યારે જોસીડાંને પૂછે. અસાવધતા, રણક્ષેત્રમાં ઘણીવાર જોવામાં આવે છે. “ભેદ”ની યુક્તિ રમવામાં તે પછાત પડે છે તેથી ઘણું કરીને સઘળી વેળાએ રજપૂત કે મરાઠા કે શિખ સૌને માર ખાઈને પાછા હઠવું પડેલું કે મરવું પડેલું છે.

શિવાજીના યોદ્ધા ઘણા તીવ્ર શક્તિના હતા.પણ આજે નીરાંત રાખનારા થઈ પડ્યા હતા. તેમનાં હથિયારનું ઠેકાણું નહોતું, તેઓ લોથપોથ થઈને પડ્યા હતા. કોઈ ક્યાં ને કોઈ ક્યાં, એમ સધળું અવ્યવસ્થિત હતું, તે આળસુઓને ઉઠાડવાને માટે પાછો જોરમાં ડંકા ઠોકવામાં આવ્યો, ત્યારે થોડાકો આંખ ચોળતા બહાર નીકળ્યા, ને કેટલાક ઉઠેલા પાછા લેટી ગયા.

બહિરોજી, મોરોપંત, તાનાજી માલુસરે, હરપ્રસાદ, વિશ્વાસરાવ વગેરે સરદારો ઘણા ગભરાયા. જેટલા થોડા તૈયાર હતા, તેમને હથિયાર સજવાનો તાકીદે હુકમ કીધો. લશ્કરનો કેટલોક ભાગ જુદી જુદી દિશામાં વહેંચાઈ ગયો હતો.

હવે વખત હતો નહિ, નાગરિક સૈન્ય સામું આવી પહોંચ્યું હતું. તેણે એકદમ જોરમાં કીકીયારી પાડી, મરાઠી લશ્કરમાં ખળભળાટ કરી મૂકયો.

આ પ્રમાણે આપણી વાર્તાના યુદ્ધ સંગ્રામના મથકને દેખાવ છે. પણ એક ક્ષણમાં શું થનારું છે, તેને માટે કંઈ પણ કહી શકાતું નથી. આપણી નાયિકાના મનમાં નક્કી હતું કે, થોડીક ક્ષણમાં બંને સૈન્યોની સામસામી ભેટ થઈ જશે. આ કંઈ નિયમિત સંગ્રામ નહોતો. નહોતા મોરચા મારેલા, નહિ વ્યૂહ રચના, નહિ સરદાર, કે નહિ સારાં શસ્ત્ર; પણ કેળવાયલા લશ્કરને વિશેષ ભયનું કારણ હતું તે એ જ કે બીનકેળવાયલું લશકર ઉમંગી ને મરવાના રસ૫ર હતું; કવાયદી લૂટારા લશ્કર સાથે એક બીનકેળવાયલા લશ્કરની ભેટ હતી.અકસ્માતથી આવેલો, શિવાજીના લશ્કરને ભય હતો; સામાસૈન્યનું જોર ઘણું જણાતું હતું; હુમલાને પાછે હઠાવવાને હવે મજબૂત સમય હાથમાં નહોતો અને સામા લશ્કરની સંખ્યા માલમ નહોતી. વળી બુમો પડતી તેમાં “જય માતભવાની”ને “અલ્લા અકબર” બંને ધ્વનિ સાથે સંભળાતા, તેથી બે જાતનું લશ્કર છે, એમ મરાઠાએને સમજાયું. પણ તે બહારનું છે કે નવાબનું છે, તેનો નિશ્ચય થયો નહિ, તેમ કમનસીબથી થોડીક લૂટ મોકલાવી દઈને થોડાક માણસો પણ શિવાજીએ રવાના કીધા હતા ને ઘણા માણસો શહેરમાં વિખરાયેલા પડ્યા હતા. ટાઢ કહે કે મારું કામ, થાક પણ પુષ્કળ લાગેલો, આગલા દિવસની માંહેમાંહેની મારામારીમાં કેટલાક માણસ ઘવાયલા આમ તેમ પડેલા હતા, તેવામાં શિવાજીની “કેવલરી” તૈયાર થઈ, તે નિયમ વગરની ચાલથી એકેક સાથે અથડાઈ પડી. કેટલાક પોતપોતાના ભાલા નીચે કચડાઈ મુઆ, અને એવામાં ભૂલમાં શહેરમાં પડેલા લશ્કરને કેંદ્રમાં ભેગું કરવા માટે શિવાજીએ બે હવાઈ આકાશમાં ફેંકાવી; તેથી ઘોડાઓ ચમક્યા ને તે પાસેની ખાઈમાં એકેકના ઉ૫ર ૫ડી ગયા, અંધારામાં કોઈ કોઈના અવાજને ઓળખે નહિ; એક બીજા બૂમો પાડ્યા કરે, ખાઈના કાદવમાં કેટલાક તો ઠરી ગયા. આવી અવસ્થામાં મરાઠાઓ મુડદાલ જેવા થયેલા, મોતના મોંમાં જવા તૈયાર થતા હોય તેમ થોડા ઘણા ગભરાટમાં ઉભા થયા હતા.

આવી અવસ્થા દૂરની મશાલોની વચ્ચે દૂર્બીનમાંથી જોઈ, મોતીને ઘણી હિંમત આવી. તે એકદમ નવરોઝને ચેતાવી આગળ કૂદી પડવા તત્પર થઈ ! તેની પછાડી બસો આરબ સ્વાર તૈયાર હતા, પણ નવરોઝે અટકાવી તેમને સબૂરી પકડાવી. આકાશ કાળું ઘોર હતું, મરાઠા સ્વારામાંના એક બાજુએ બેઠેલા કેટલાક તો હજી વાતોના તડાકા મારતા હતા, હુક્કા ગગડાવતા હતા ને એમ નચિંત જીવે પોતાને ધંધો ચલાવ્યા જતા અને પતરાજી મારતા હતા. આવાઓ પણ હવે તો તૈયાર થવા લાગ્યા. એક જાસૂસ સઘળા લશ્કરમાં ફરી વળ્યો. અહીંથી ત્યાં ને ત્યાંથી બીજી ગમ દોડ કીધી; સૌને ઉશ્કેર્યા, ભાલાની અણી ઘોંચી સૂતેલાને ઉઠાડ્યા, ઉઠેલાને ચાલતા કીધા, ચાલતા હતા તેમને અગાડી કાઢયા, તથાપિ મરાઠાઓ ઘણા અવ્યવસ્થ હતા. કોઈ કેમ ચાલે તો કોઈ કેમ ચાલતું હતું. સામાં ભયંકર વાદળાં તપી રહેલાં જોયા છતાં પણ એક નિયમ નક્કી કીધા વગર જ્યાં ત્યાં ચાલ્યા. આ દેખાવ યુરોપિયન લશ્કરી સરદારની આંખમાં ઘણો ભય ભરેલો દેખાયા વગર રહે નહિ. યુરોપિયન સોલજરોએ જે મોટો જય મેળવ્યો છે, તેનાં કારણોમાં આ પણ મોટું એક કારણ છે કે તેમનું કવાયદી કે બીનકવાયદી લશ્કર, ગમે ત્યારે પણ નિયમિત ચાલ્યા વગર રહેતું નહિ.

પણ આ નીવેડો કેટલેક પ્રકારે હિંદી લશ્કર માટે ખોટો છે. જેને અમે "કવાયદી સૈન્ય” કહીએ છિયે, તેવા સરદારોનું લશ્કર ઘણીક રીતે, જેમણે પોતાની જિંદગી આખો વખત યુદ્ધ કૌશલ્યમાં કહાડી હોય, તેવા પ્રકારના સરદારવાળું સૈન્ય - અનુભવ મેળવેલા સરદારના હાથ નીચેનું લશ્કર, સઘળી “વલણ” (drill ) સારી રીતે જાણે છે; અને શક્તિમંત ને સારા 'કમાંડરો,' અર્જુન કે દ્રોણની વ્યૂહરચના જાણી તે પ્રમાણે અથવા નેપોલિયન અને વોશિંગ્ટનની યુદ્ધકળા પ્રમાણે વર્તે છે. પણ માત્ર તેમાંનો અંશ શોધી, સમયને વર્તી યુદ્ધરીતિએ કેમ વર્તવું, તે ઘણીક વેળા જાણતા નથી, અને કેવા પ્રકારે અવ્યવસ્થા સમયે વર્તવું, તેને નિયમ નક્કી ન કરવાથી, ઘણીવાર સંકડાસમાં આવી પડે છે. ખરી રીતે દરેક સિપાહે વાવટાના ધોરણપર પોતાને ચાલવાનું છે. તેની નજર તેના સામાજ રહેવી જોઈયે; તે તરફથી મટકું પણ ખસેડવાનું નથી, જ્યારે નગારાવાળા કે રણસિંગાવાળાઓ બહુ સાવચેત રહીને “વધવું” (advance), “હઠવું”, (retreat), “આશ્રય લેવો” (rally), “ભરાવું;” કે “હરોળ બદલવી” (charge), એ કમાન્ડરના હુકમ મુજબ બજાવી, વાવટાવાળાને એક સરખો સાવધ રાખવો પડે છે, ત્યારે જ સરદારનું ચાતુર્ય જણાય છે. વળી “પરા”ની રચના સ્થાપવી અથવા પાંચ પાંચ કે છ છ માણસની હાર બાંધવી, જેથી ડાબી જમણી, પૂંઠ કે સામી બાજુએ ફરવાને સહેલ પડે અથવા ખરી રીતે શત્રુ સામા કેવા પ્રકારે વર્તવું તેમાં સર્વ રીતે તરત ઉપયોગી થઈ પડે તેવા નિયમ સ્થાપવા.

આ નિયમો ઘણીક રીતે જાણવા જેવા હોય છે. લશકરને કેમ તૈયાર કરવું, દૂતોને કેમ જાગ્રત કરવા, કેવા પ્રકારનો ડંકો કરવો અને ક્યાં અને કેમ ઝંપલાવવું એ જાણવાની ખાસ જરૂર દરેક સરદારને છે. હિંદી લશ્કર તે જાણતું હોય છે, પણ તેની વ્યવસ્થા બરાબર હોતી નથી. આરટિલરી એક બાજુએ ગમે તેવા મારો ચલાવે, કેવલરી ગમે ત્યાં તૂટી પડે, “કમાન્ડર” હુકમ આપવામાં સાવધતા ન વાપરતાં ગમે તેવો હુકમ આપે ને છાવણીમાંથી ગમે તેમ બહાર પડે, તેથી ઘણો ઘોટાળો વળી જાય છે, ડંકો ગમે તેવો એક રાગી સ્વર કાઢ્યો જાય છે, ને તે ક્યાં જવાને બદલે ક્યાં લઈ જાય છે. લશ્કરી “કોલમ" ની રચના પણ ઓર પ્રકારની હોય છે; હમેશાં નિયમિત યુદ્ધ વખતે બહુ ગભરાટ થઈ પડે છે; તે આ થેાડી કવાયદવાળાને, લૂટવા આવેલા લશ્કરમાં ગભરાટ જણાય તેમાં નવાઈ નથી. શિવાજી જાતે મોટો સૈન્યાધિપતિ હતો, પણ તેનું લશ્કર “રીતસર” (રેગ્યુલર ટ્રૂ૫) ન હતું. સિપાહો ગભરાયલા, રણસ્થંભની યોજના નહિ, સરદારો પણ પાકા ને ઘડાયલા નહિ, “કોલમ” ગોઠવાયલા નહિ ત્યારે ગભરાટ, ભય, મુશ્કેલી કેમ ન જણાય ? તો પણ શત્રુને બળવાન ધારી, ઉશ્કેરણીથી મરાઠાઓ અગાડી વધ્યા; ને 'રામદાસ સ્વામીચા જય' એમ બૂમ મારતા બહાર નીકળ્યા.