શિવાજીની સુરતની લૂટ/શહેરમાં ચાલેલી લૂટફાટ

વિકિસ્રોતમાંથી
← ઘેરો શિવાજીની સૂરતની લૂંટ
શહેરમાં ચાલેલી લૂટફાટ
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
કિલ્લાની મંડળી →


પ્રકરણ ૮ મું.
શહેરમાં ચાલેલી લૂટફાટ

ક્ષિતિજમાં ઝઘડો ચાલુ થયો હતો. સૂર્ય ને અંધકાર લડવાને તત્પર થયા હતા, તે પહેલાં શહેર બહાર શિવાજીનું ઘોડેસ્વાર લશ્કર પડેલું હતું ત્યાં છાવણીમાં શું શું થાય છે તે હવે જોવા જઈએ રાત્રિના બે વાગ્યા, પણ દિવાન કે વજીર કોઈની તરફથી કંઈ પણ સંદેશો આવ્યો નહિ, ત્યારે શિવાજીએ પોતાની મંડળી બોલાવી શા ઉપાય લેવા, તે વિષે વિચાર કરવા માંડ્યો.

“મોરો ! હવે કરવું શું ?” શિવાજીએ પૂછ્યું, “શહેરમાં પેસવાનો માર્ગ કંઈ સુગમ નથી; ને હજી સુધી કોઈપણ પ્રકારની સહાય મળે તેવાં ચિહન જણાતાં નથી. આપણી પાસે કોટ૫ર ચઢવાનો સામાન નથી કે હલ્લો કરીએ; તેમ વખત અનુકૂળ નથી કે લાંબો સમય ઘેરો ટકાવી રાખીએ. તાત્કાળ થાય તેવો કંઈ ઉપાય છે ?”

“બાવાજી ! તમે કઈ યુક્તિ બતાવશો કે ?” મોરો તીમલે તેમની ભણી મોં કરીને પૂછ્યું, “તમે નગરના વહીયા છો, તેથી બીજે માર્ગે જઈ શકાય તેવો કોઈ ઈલાજ બતાવો, તેમ નહિ થશે તો આપણો શ્રમ વ્યર્થ જશે.”

“ક્યા રસ્તા લેના ઓ હમેરા ધ્યાનમેં આતા નહિ !” બાવાજી ગણગણતા બબડ્યા, “લેકીન અબ દેખો, મેં કુછ માર્ગ દિખલાતા હું.” આમ કહી બાવાજી તો તંબુ બહાર નીકળ્યા.

“ના, ના, આ કામ મારે શિરે મૂકો, હું બજાવીશ.” એકદમ આગળ આવીને એક પઠ્ઠી યુવાન સુંદરી બોલી. આ શિવાજીની ગુલામડી હતી અને તેણીને અહમદનગરની પાસેના એક ગામમાંથી બળાત્કારે ઘસડી લાવ્યા હતા. શિવાજીનો વિચાર તેની ખૂબસૂરતી જોઈને રાખ તરીકે રાખવાનો હતા, પરંતુ આ સ્ત્રી કે જેનું નામ રમા હતું, તેણીએ એ વિચાર માટે શિવાજીને ધિક્કારી કહાડ્યો હતો, બહુ બહુ રીતે સમજાવ્યો હતો; અને શિવાજીને દહેશત આપી હતી કે, જો મારી પવિત્રતાને લાંછન લાગે એવાં કંઈ પણ કૃત્ય કરવા યત્ન કરીશ, તે તુને શાપિત કરીશ, જેથી તારી સઘળી ઇચ્છાઓનો નાશ થશે; ને તે જ ભયથી શિવાજી રમાના સંબંધથી વેગળો રહેતો હતો. રમાએ આ સમયે ધાર્યું કે, જો કોઈ તેવું મોટું પરાક્રમ કરી બતાવું તે તેના ઈનામના બદલામાં મારો છૂટકારો થશે. “જોજ્ સૌની ઈચ્છા હોય તે આ કોટપર ચઢી, અંદરના પહેરેગીરને મહા દુઃખી છું એમ સમજાવીને નીચે ઉતરી પડી સીપાઈઓને શરણ જાઉં ને કોઈ અકસ્માતથી દરવાજો ઉઘાડી નાંખું, એટલે સૌને દોડી આવવું ઘણું સહેલ થઈ પડશે, કદાચિત હું તેઓના હાથે પકડાઈને છૂટકારો ન પામી, તો મારી જીંદગી કંઈ વધારે કીંમતની નથી;” આટલું બોલી રમાબાઈ પ્રત્યુત્તર માટે શિવાજી સામું જોઈ રહી.

“મહારાજ રમાબાઈનું કહેવું મને ઠીક ભાસે છે,” મોરોપંત બોલ્યો.

“જો ભરોસો પડે તો, આ કાર્યથી ફલસિદ્ધિ થશે. રમા આ કામ ઈમાનદારીથી કરશે, તો આપણો જય છે:” નાથજી પલકરે પુષ્ટિ આપી.

“સ્ત્રીઓનાં ચરિત્ર અતિ મોટાં છે, ને રમાનું ચરિત્ર આજે જોવા જોગ છે. પણ એ કોટપર ચઢશે શી રીતે ?” બહિર નાયક બોલ્યો.

“કૌન કોટપર ચઢનેકી ઈચ્છા રખતા હૈ?” તંબુ માંહેથી એક અવાજ સંભળાયો, “મેં તૈયાર હું;” આમ બોલી પાસે આવીને એક પાટલા ઘો બાવાજીએ રજુ કીધી, “દેબોજી ! અબ કીસકાબી ઈરાદા હોવે તો ઉપાય અજમાઈયે. એ જાનવરકી ક્યા ખૂબી હૈ, એ સબકું માલમ હૈ ચાહે વાં તલક રખ્ખો, ઔર ચાહે વાં તલક ઉંચે ચઢ જાઓ, ફૂછબી હરકત ન હોનેકી.” “રમા ! તૈયાર થા અને તારી શક્તિ બતાવ !” દામોદર પાસબાન બોલ્યો.

“ઉતાવળ શી છે?” શિવાજીએ વિચારીને શબ્દ ક્‍હાડ્યો. રમાની જીંદગી મને અમૂલ્યની છે, તેથી એને માટે વિચારથી ઠરાવ થવો જોઈયે.”

“ઠરાવની શી જરૂર છે ? ચાલો, તમે સૌ તૈયાર થઈ દરવાજાની નજીક ઉભા રહો; દરવાજો હમણાં ખુલશે!” આમ બોલતી કે રમા પોતાની સાથે પાટલા ઘો લઈ તે કોટ તરફ ધસી ને તેણે ઉપર ફેંકી જે આબાદ કોટના મથાળાને જઇને વળગી. હરપ્રસાદે તેને ચઢવામાં મોટી મદદ કીધી; ને કોટપર ચઢી કે તરત – રમાએ બૂમ મારી “કોઈ રક્ષણ કરો, બચાવો, મરાઠાઓ મને મારી નાંખે છે;” આમ બરાડા નાંખતી તે ઉલટી બાજુએ કોટની અંદર ઉતરી પડી, બે સીપાહી દોડી આવ્યા. રમાને પકડીને દરવાન પાસે લઈ ગયા. માત્ર ત્રણ સીપાહી જાગતા પડેલા હતા. બે સીપાહી, જે રમાને પકડી લાવ્યા હતા, તેઓ તેની ખૂબસૂરતી જોઈ છક થઈ માંહેમાંહે વાતે વળગ્યા. આ તકનો લાભ લઈ એકદમ દરવાજાની ભુંગળ રમાએ ખસેડી, ને બારણાં ઉઘાડ્યાં કે, એકદમ મરાઠા સીપાઈઓ અંદર ધસી આવ્યા ને બૂમ મારી; “જય મહારાજ શિવાજી | મરાઠાનો જય ! મુસલમાનોને મારો ! રામદાસ સ્વામીનો જય !” અને એકદમ તે જ ક્ષણે દરવાજાનું રક્ષણ કરવાને રાજના સલાહકારોમાંનો અલીબખસખાન ત્યાં આવી પહોંચ્યો.

અલીબખસખાન એક સમર્થ લડવૈયો હતો. તેણે જોયું કે, હવે શહેરનો નાશ પૂરેપૂરો થયો કે તે તુરત દોડી દરવાજા નજીક ગયો; ને પોતાની સમશેરથી દરવાજામાં પેઠેલા ત્રણમાંના બે મરાઠા સ્વારને કાપી નાંખ્યા કે ત્રીજાએ પોતાને લાંબે ભાલો ઘેાંચી, તેને જમીનપર ચત્તોપાટ નાંખ્યો; ને બંને દરવાજા ખુલ્લા કીધા. પાંચસો ઘોડેસ્વાર સૈન્ય એક સપાટે દોડી આવ્યું. શહેરમાં ગભરાટનો પાર નહતો. લશ્કરની કશી પણ રીતિની તૈયારી નહોતી, એટલે સામા થવાને માટે કોઈ પણ આવ્યું નહિ. જૂથના જૂથ દેખીને, જે થોડુંક લશ્કર લડવાને વિચાર કરતું હતું તેની હીંમત ડગી ગઈ ને સૌ સીપાહી આધા પાછા થઈ ગયા.

સહરાના દરવાજામાંથી લશ્કર આવ્યું, તેનો પહેલો વિચાર નવાબના મહેલ પર હલ્લો કરવાનો હતો. પણ શિવાજીએ વિચારથી ઠરાવ્યું કે, પ્રથમ તે શહેરમાં જવું, કેમકે જો આ ઠેકાણે પ્રથમ જ માર ખાધો તો અગાડી વધવાનો તદ્દન અટકાવ થશે. એમ ઠરાવ કરી નવાબના મહેલના પાછલા ભાગમાંથી લશ્કર ચાલ્યું ને દિલ્લી દરવાજાને માર્ગે થઈ દાણાપીઠ તરફ ઘોડેસ્વાર સૈન્ય વળ્યું. એ અરસામાં લાલ ને માનના દરવાજા ખુલી ગયા હતા; અને શહેરમાં જોઈતું લશ્કર દાખલ પણ થઈ ચૂકયું હતું.

દિલ્લી દરવાજા આગળ લશ્કર એકઠું થયા પછી મોરોપંતે એ લશ્કરને થોભાવી, કયાં કેમ અને કેવા પ્રકારે લૂટ ચલાવવી, તેની સૂચના આપી. સઘળી મળીને ૧૧૨ ટૂકડી દશ દશ માણસની કરી અને તે સર્વને કોઈ પણ પ્રકારની સત્તા આપી. સૌ સ્વારો લૂટવાને તૈયાર થઈ રહ્યા હતા. જેમ એક ભસ્તામાં શબને ચુંથી નાંખવાને કાગડા ને ગીધ તૈયાર હોય, ને ટાંપ્યા જ કરતાં હોય કે ક્યારે સૌ ખસી જાય કે આપણે તૂટી પડિયે, તેમ સધળા મરાઠા સ્વારોને માત્ર હુકમની જ ખેાટી હતી.

શહેરમાં આ સમયના ભયનું પૂછવું જ શું ! હાય ને અફસોસના પોકાર જારી થયા, કેટલાક જબરા માણસો તો લડવાને તૈયાર થઈને મોહોલ્લાએાની ખડકીનાં નાકાં ઘેરીને બેઠા. એ વખતમાં શસ્ત્ર દરેક માણસના ઘરમાં રહેતાં ને તેની કસરત કરવામાં આવતી તેથી કણબી ક્ષત્રી અને શ્રાવકો બાથમ્ બાથની લડાઇમાં કાંઈ ગાંજ્યા જાય તેવા નહતા; અને જ્યારે પોતાના હાથમાં હથિયાર છે, ત્યારે તો તેઓ બીહીકને કારણે મૂકીને મરવું કે મારવું, એ જ નિશ્ચય કરીને તૈયાર થયા. શહેર કરતાં પરામાં વધારે મર્દ આદમીઓ હોય છે, તેથી ત્યાંના કામગરા લોકોને હઠાવવા મુશ્કેલ પડે એવું ધારી, અને નાણાવટ, ગોપીપુરામાં ઉજળી વસ્તી છે એમ વિચારીને, બહિરજીએ કહ્યું કે, “ચાલો, સૌ લૂટવાને નાણાવટ અને ગોપીપુરા.” અને સૌ સ્વાર મારતે ઘોડે ચાલ્યા, પ્રથમ જઈને નાણાવટમાં આત્મારામ ભૂખણની પેઢીપર હલ્લો કીધો. જયાંથી પુષ્કળ ધન હાથ આવ્યું અને તેની પછી બીજાં ઘણાં શરાફી ઘરોપર ગીધની માફક તૂટી પડ્યા, મોટા મોટા શરાફોના ધરોમાં પુષ્કળ પૈસા જોઈને જાણે સુપડે ને ટોપલે ઉસેડી જતા હોય તેમ જ ઉસેડવા મંડી પડ્યા. દરેક જણ ઘોડાપર માલ ભરીને શહેર બહાર શિવાજીની છાવણીમાં લઈ જતો હતો, મરાઠા ઝનુનીઓ જે ઘરમાં જતા ત્યાં વિક્રાળ દેખાવ કરતા હતા, ઘરનાં બારણાં ભાંગીને અથવા નીચી બારીઓ હોય તો તેપરથી ચઢીને અગાસીમાંથી એક છાપરા- પરથી બીજાપર જઈ કૂદીને દરેક ઘરમાં ઘુસી જતા ઘરમાં જતા સાથ એકદમ એકાદ નાના બાલકને પકડી તેનાં માબાપ આગળ ઘસડી લાવીને કહેતા કે, “જે હોય તે બતાવ, નહિ તો તારા બાલકને મારી નાંખીશું;" એટલું બોલતાં સાથ બાલકના ગળા આગળ તરવાર ધરતા; અને જો સહજ વિલંબ લાગે તે તુર્ત બાલકને કાપી નાંખવામાં વિલંબ લગાડતા નહતા; આ દેખાવ જોઈને ઘરનાં માણસો ત્રાહે ત્રાહે પોકારતાં, ને જે હોય તે બતાવી દેતાં હતાં. પુરુષોના કાનમાં કોકરવું હોય ને તે કહાડતાં વાર લાગી, અથવા સ્ત્રીના હાથના ચુડાને સુનાના પટા હોય ને ઉખેડી કહાડતાં મુશ્કેલી નડી, કે પગના તેડાના અઠ્ઠાસિયા સજડ બેસી ગયેલા જણાતા, તો કાન, હાથ કે પગને કાપી નાંખવો, એ તે એક ચાંચડ કે માંકડ મારવા જેવું મરાઠા રાક્ષસો ગણતા હતા. એક ઘર મૂકી બીજું ને બીજું મૂકીને ત્રીજું, એમ લૂટફાટ ચાલતી હતી. કોઈ ઘરવાળો સામે થતો ને મારામારીપર આવી જતો તો ત્યાં મરાઠા સીપાહીઓ મરણીઆ થઈને તૂટી પડતા, શ્રાવકોના મોહોલ્લામાંથી લૂટ કરવી એટલી તો મુશ્કેલ પડી કે, ત્યાં સો પચાસ શ્રાવકોનાં માથાં રખડતાં પડ્યાં હતાં; પરંતુ ઘણા આગળ થોડાનું જોર ઝાઝીવાર ટકે નહિ, તેથી મોટા મોટા ઝવેરીઓનાં જવાહીરો લૂટાયાં. મરાઠાઓ જ્યાં સુધી સોનું રૂપું મળે ત્યાં સુધી કદી પણ બીજી ચીજને હાથ અડકાડતા નહિ, પણ ઘરમાં પેસતાં જે ધાંધળ ને મારફાડ કરતા, તેથી સઘળી જ અવ્યવસ્થા થઈ જતી. ગોપીપુરા ને સગરામપુરામાંથી જે માલ મરાઠા સરદારોને હાથ ગયો, તેટલો બીજા મોહોલ્લામાંથી એ દિવસે ગયો નહતો. સુરતના લોકપર આવું અંધકારમય વાદળ અગાઉ કદી પણ આવ્યું નહતું અને તેની ગર્જના સાંભળીને લોકોમાં જે ભય વર્તાયો હતો, તે તો અતિશય શોકકારક જ હતો.

રાત પડી. આખા દિવસના થાકેલા મરાઠાએ બીજા દિવસની રાહ જોતા કિલ્લાનું મેદાન, સહરા, વરીઆવી, માન ને નવસારીના દરવાજા ઘેરીને સ્વસ્થ થવા પડ્યા. ઠામ ઠામ રૌન ફરતી તે મરાઠાની જ હતી. આખા શહેરમાં રાજ એ દિવસે મરાઠાનું હતું, કિલ્લામાં કેટલાક માણસો અગાડીથી ભરાઈ બેઠા હતા. તેમાં, દરવાજા ઉઘાડવાની ગડબડમાં નવાબ, તેની બેગમ અને બીજા સલાહકારો પણ ભરાઈ બેઠા હતા, મહેલમાં પુષ્કળ ખજાનો હતો, ત્યાં આરબ અને સિંધી સીપાહો પૂર્ણ વફાદારીથી જીવપર આવીને બેઠા હતા. કેટલાક પરદેશી ભૈયાઓ અંગ્રેજની કોઠી આગળ જીવ આપવા તત્પર હતા. તેમ અંગ્રેજોનું કેટલુંક માણસ પણ પોતાના બળપર પીસ્તોલ બંદુક સમશેર લઈ આખી રાત ચોકીપર હતું, બહારથી કોઈપણ પ્રકારની વહાર આવે તેને માટે રાત્રિના દરવાજા બહાર મરાઠી સૈન્ય તૈયાર હતું. શિવાજી એ દિવસની લૂટ જોઈને ઘણો ચકિત થયો નહિ, કેમકે તેના ધારવામાં તો એમ હતું કે, એક જ દિવસમાં અનરગળ દોલત હાથ આવશે. એ જેટલા આનંદમાં હોય તે કરતાં વિશેષ ચિન્તા અને શોકભયમાં હતો. એની બે પ્રિય રાખેલીઓ એની આસપાસ બેઠી હતી, અને તેઓ પાસે પડેલા ઢગલામાંના હીરા માણેકના હારો જોઈને તેપર તલ્પી રહી હતી, પણ શિવાજીએ તેમની સામા એક મટકું પણ માર્યું નહિ, તેનું કારણ શું? શિવાજી જેમ લડવૈયા તરીકે એક મોટો સરદાર હતો, તેમ જ પ્યાર કરવામાં પણ બડો એક્કો હતો. આખા દિવસમાં તો તેની વૃત્તિ લૂટ તરફ જ હતી, પણ હવે તેને પોતાની રમા સાંભરી આવી. રમા ક્યાં હતી ? દરવાજો ઉઘડ્યા પછી તે ક્યાં જતી રહી હતી !

થોડોક સમય વિચાર કર્યા પછી તેણે પોતાની આગળના કેટલાક ખાસ માણસોને રમાની તપાસ માટે મોકલ્યા. શિવાજીનો જીવ તો આ સમયે રમામાં ભરાયો હતો. જો તે ન મળે તો તેનો જીવ જાય એવો તે બેહોસ થઈને પડ્યો. તેણે “રમા, રમા” એમ બે ચાર બૂમ એકદમ મારી ને એકવાર તેની પ્રાણપ્રિય હતી એવી તાની આવીને ઉભી રહી.

“ક્યાં છે રમા ?” શિવાજીએ પૂછ્યું, “તાની ! આજે આખા દિવસ રમા દેખાઈ નથી. તેણે એક મહા અદ્ભુત કાર્ય કીધું છે, ને તે ઉપકારને બદલો વળે તે પહેલાં તે એ અલોપ થઈ ગઈ? અરે કોઈ રમાને લાવો, લાવો !”

એટલામાં તાણોજી મુલસરે આવી પહોંચ્યો. તેણે આવતાનેવાર ધીરજ આપી, ને કહ્યું કે “રમાબાઈ શહેરમાં છે અને તે લશ્કરથી છૂટાં પડ્યાં છે, તોપણ થોડા સમયમાં આવી મળશે.” આ સાંભળીને શિવાજીને કંઈક ધીરજ આવી; ને તે પછી બીજે દિવસે કેમ કરવું તે સંબંધી નક્કી કરી તાણોજી મુલસરે પોતાની ટુકડીમાં ગયો.

પ્રાતઃકાળ થયો. કાગડા કકળે તેટલામાં શિવાજીનું લશ્કર શહેરના બીજા ઘણા ભાગમાં ફરી વળ્યું. લૂટ, લૂટ, મારો, મારો ! શિવાય બીજો શબ્દ સંભળાતો નહિ, ફીરંગીની લાટીમાં લૂટારા પેઠા. પણ ત્યાં તેઓને ફાવવા દીધા નહિ. પણ તે માર્ગે સલામત પસાર થયા, તેથી બસરાના એક મોટા મુસલમાન વેપારીના ઘરપર તૂટી પડ્યા. તેના મહેલમાંથી અનરગળ દોલત મરાઠાઓને મળી આવી, જેટલી કોઈ પણ ઠેકાણેથી મળી નહોતી ને મળતે પણ નહિ. મરાઠાઓ આનંદમાં આવીને સઘળી નગદી ઘોડાપર ને ગાડામાં ભરીને મોકલાવવા લાગ્યા, ને કેટલાક મરાઠાઓ બંગલાના ચોગાનમાં બેસી હુક્કો ગગડાવવા લાગ્યા. લગભગ અર્ધોઅર્ધ દોલત મોકલી દીધી. પણ એટલામાં મોગલની એક સોળ વર્ષની છોકરી, ઉછળતા લોહીની નવોઢા આ પાપીએાની નજરે પડી. છ સાત મરાઠા તેને પકડી લાવવા દોડ્યા. જે છેકરીની પછાડી હજારો માણસ ખમાંખમા કહેનારા, તે બાળકી આજે દુશ્મનોના હાથમાં શિયળ સચવાય નહિ તેવી અવસ્થામાં ક્ષણવારમાં આવી પડી.

બે મરાઠાઓએ તેણીને ઉંચકી લીધી, ને તેનાં વસ્ત્ર કંઈપણ કારણ વગર અવ્યવસ્થિત કરી નાંખ્યાં. પણ તેટલામાં એક અકસ્માત્- સંજોગાસંજોગથી એવો બનાવ બન્યો કે, તે કુમારિકાનું રક્ષણ થયું.

જે લૂટારુ ટોળી આ ઠેકાણે લૂંટ કરતી હતી તેનો નાયક ત્યાં આવી પહોંચ્યો. આ નાયક લંપટ હતો - લજજા, નીતિ ને ઈશ્વરભય દૂર મુકી બેઠેલો હતો. તે આ સુકુમાર કોમલાંગીને જોઈને પોતાનું મન મારી શક્યો નહિ. તેણે હુકમ કીધો કે, 'એ સ્ત્રીને મારે તાબે કરવી.' બે મરાઠામાંના એકે ના કહી. નાયકનો ગુસ્સો હાથ ન રહ્યો. તેણે એકદમ સમશેર ખેંચી. સામો મરાઠો જબરદસ્ત હતો. નાયક સમશેર ઉગામે છે, તેટલામાં પોતે સામી ખેંચી. બંને જણ દ્વંદ્વયુદ્ધમાં ઉતર્યા. થોડીકવાર મારામારી થયા પછી બંને જણ ઘણા જખમાયા. જહાન, જે આ કોમલાંગીનું નામ હતું તેનો બચાવ અલાહથી થયો. બીજા મરાઠાઓ સધળું પડતું મૂકીને માંહેમાંહેની લડાઈ જોવા ઉભા રહ્યા હતા, તેટલામાં મોગલનો એક હબસી ગુલામ, પોતાના શેઠની દીકરીનું રક્ષણ માથે લઈ, આ તરુણીને લઈને નાઠો; તેને જો એક હિંદુએ પોતાના ઘરમાં આશ્રય ન આપ્યો હોત તો પાછળ પડેલા મરાઠાઓ આ સુકુમાર બાલકીની લજજા લુટી તેને જીંદગીથી રદ કરત.

બીજે સ્થળે પણ કંઈ કંઈ માંહોમાંહેની મારામારીથી એ દિવસની લુટ પુરી થઈ હતી. શિવાજીને આ ખબર પડતાં તે ઘણો ગભરાયો. તેણે હરપ્રસાદને મોકલી સંધ્યાકાળ ન થયો, તેટલામાં એ દિવસની લુટ બંધ કરાવી. તોપણ આજની લુટ જોઈને શિવાજી ધરાઈ ગયો હતો, ધાર્યું કે સૂર્યપુરના જેવું બીજું એકે નગર ધનવાન્ હશે નહિ.

રાત્રિના સર્વ સરદારોની મીજલસ કરી ને કિલ્લો કેમ હાથ થાય તેને માટે બે જાસૂસ મોકલવાનો ઠરાવ કીધો. સધળા સરદારોને શાંત રહેવાને અને પોતાનું કામ યથાર્થ કરવાને બહુ સમજુતી આપી, પણ એટલામાં હરપ્રસાદ ગુસ્સે થઈ બોલી ઉઠ્યો;

“મહારાજ, મને જે વચન આપ્યું છે, તે આમ પળાશે ?”

“ખિન્ન ન થા, તારે માટે હું તૈયાર છું;” બહિરજી બોલ્યો.

“તારી શી ઇચ્છા છે ?” શિવાજીએ પૂછ્યું.

“એકસો સ્વાર ને મારી મહેનત; નાગરોના મોહોલ્લામાં જઈશ, ત્રણ ઘર લુટી તેત્રીસ કુટુંબને રડાવીશ.”

“સવારના તારા હુકમનો બરાબર અમલ થશે.”

હરપ્રસાદ શાંત થયો. મહારાજે હુકમ આપ્યો કે, એના તાબામાં સો માણસ સોંપવાં, જેથી સ્વતંત્ર રીતે એ કામ કરે. લૂંટારુ મંડળ, બીજે દિવસે બાકી રહેલા ભાગમાં લુટ કરવાનું નક્કી કરી વેરાઈ ગયું; ને જલજંપ્યું થયું.