શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ
Appearance
શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ દેવાનંદ સ્વામી |
પદ ૫ રાગ એજ.
શીલવંતા સાધુ, સાંભળજો કરી પ્રીતિ;
આઠ પ્રકારે અબળા તજવી, મન ઇંદ્રીને જીતી રે... શીલ꠶ ૧
નારીકથા શ્રવણ ન ધરવી, તે વિખવેલી કા’વે;
તેની કીરતી તે નવ કરવી, ભૂલે મન ભરમાવે રે... શીલ꠶ ૨
વનિતા હાસ વિનોદ કરીને, રાત દિવસ જ્યાં રે’વે;
તે ઠેકાણે સાચા મુનિવર, જાણી પાવ ન દેવે રે... શીલ꠶ ૩
અબળા અંગે કાળી ગોરી, નેત્ર ભરી નહિ દેખે;
બાળ વરધ નવ જોબનવાળી, તે માદક સમ લેખે રે... શીલ꠶ ૪
છેટે રહીને છાની વાતું, કામનિયુંને કા’વે;
દેવાનંદ કહે તે પોતાનું, હાથે નાક વઢાવે રે... શીલ꠶ ૫