શું કરવા તું સુખને માટે

વિકિસ્રોતમાંથી
શું કરવા તું સુખને માટે
દેવાનંદ સ્વામી



શું કરવા તું સુખને માટે

શું કરવા તું સુખને માટે, દે છે દોટાદોટ જોને;
તારાં સુખ તો તુજને શોધે, સુઈ રહે તાણી સોડ જોને... ૧

માગ્યા વિના મળે મેવલા, માગ્યા મળે તો માગ જોને;
મોત સરીખુંયે માગ્યું ન મળે, જીવલડા તું જાગ જોને... ૨

અવસર વિના ફળ ન આવે, સો મણ પાણી સીંચી જોને;
પુત્ર વિના પારણિયું ખાલી, સો મણ સાકર વહેંચી જોને... ૩

ભાગ્ય વિનાનું સુખ ન મળે, સંકટ આવે શાથી જોને;
પારણિયામાં સર્વે ઝુલાવત, હેમ ભરેલા હાથી જોને... ૪

જગમાં સર્વે હેમ ઝુલાવત, વાંઝણી ન રહેત વનિતા જોને;
લાલચ રાખે લાભ મળે તો કોઈ ન દાખત દીનતા જોને... ૫

ભાગ્ય વિના ભોગવવાનું સુખ, શીદને થાયે અળગું જોને;
કોટિ ઉપાયે કેડ ન મેલે, વજ્ર થઈને વળગ્યું જોને... ૬

હિંમત રાખીને હરિને ભજી લ્યો, બીજી આશા ઠાલી જોને;
દેવાનંદ કહે સુખદુઃખ રચના, ભાવે કરીને ભાળી જોને... ૭