શ્યામ રંગ સમીપે ન જાવું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
શોભા સલૂણા શ્યામની
દયારામ
(ઢાળ : પ્રેમની પીડા તે કોને કહિયે રે ? હો મધુકર ! પ્રેમની પીડા તે કોને કહિયે રે ?)


<poem>

શ્યામ રંગ સમીપે ન જાવું, મ્હારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.

જેમાં કાળાશ તે સહુ એક સરખું, સર્વમાં કપટ હશે આવું ? મ્હારે આજ૦

કસ્તુરીની બિંદી તો કરૂં નહીં, કાજળ ન આંખમાં અંજાવું. મ્હારે આજ૦

કોકિલાનો શબ્દ સૂણું નહીં, કાગવાણી શકુનમાં ન લાવું. મ્હારે આજ૦

નીલાંબર કાળી કંચુકી ન પહેરૂં, જમુનાનાં નીરમાં ન ન્હાવું. મ્હારે આજ૦

મરકતમણિ ને મેઘ દૃષ્ટે ન જોવાં, જાંબુ વંત્યાક ન ખાવું. મ્હારે આજ૦

'દયા'ના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે પલક ના નિભાવું. મ્હારે આજ૦