સંગત તેને શું કરે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સંગત તેને શું કરે
પ્રીતમ


સંગત તેને શું કરે, જઈને કુબુદ્ધિમાં ધરે કાન. ટેક

મરી કપૂર બેઉ ભેગાં રહેતા રે, નિરંતર કરી એક વાસ;
તોય તીખાશ એની ન ટળી રે, એની કુબુદ્ધિમાં નાવ્યો બરાસ. ૧

ચંદન ભેળો વીંટીને રે'તો રે, રાત દિવસ ભોયંગ;
તોય કંઠેથી વિષ ન ગયું રે, એને ન આવી શીતળતા અંગ. ૨

રાણી ને દાસી ભેગા રહેતાં રે, જમતાં નિત્ય કરી પ્રીત;
તોય શાણી સમજી નહિ રે, એને ન આવી રાજકુળની રીત. ૩

મોટો ખર એક બાંધિયો રે, રાજતણી ઘોડશાળ;
બોલી ઠોલી તો બદલી નહિ રે, ચંદી ખાતો'તો હારોહાર. ૪

દાદુર રહેતો તળાવમાં રે, નિત્ય કમળ સુપાસ;
કલબલ કરતો કીચમાં રે, એને ન આવી કમળની સુવાસ. ૫

પથ્થર રહેતો પાણીમાં રે, ઊંડો કરીને નિવાસ;
પ્રીતમ કહે ટાંકણે તણખા ઝરે રે, એને ન લાગ્યો પાણીનો પાસ. ૬