સંતકૃપા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

સંત કૃપા છૂટે માયા, કાયા નિર્મળ થાય જો,
શ્વાસો શ્વાશ સમરણ કરતાં, પાંચે પાતક જાય જો ને. સંત૦

કેસરી કેરે નાદે નાસે કોટી કુંજર જૂથ જો ને,
હિંમત હોય તો પોતેપાને સધળી વાતે સૂથ જો ને. સંત૦

અગ્નિને ઉધેઈ ન લાગે, મહામણોઇને મેલ જો ને,
અપાર સિંધુ મહાજળ ઊંડા, મર્મીને મન સહેલ જો ને. સંત૦

બાજીગરની બાજી તે તો જંબૂરો સૌ જાણે જો ને,
હરિની માયા બહુ બળવંતી, સંત નજરમાં નાણે જો ને. સંત૦

સંત સેવતાં સુકૃત વાધે, સહેજે સીઝે કાજ જો ને,
પ્રીતમના સ્વામીને ભજતાં, પામે અખંડ રાજ જો ને. સંત૦