સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૬. મરકી—૨

વિકિસ્રોતમાંથી
← ૧૫. મરકી—૧ સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૧૬. મરકી—૨
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૭. લોકેશનની હોળી →


૧૬. મરકી—૨

પ્રમાણે મકાનનો ને માંદાઓનો કબજો લીધાને સારુ ટાઉનક્લાર્કે મારો ઉપકાર માન્યો ને પ્રમાણિક પણે કબૂલ કર્યું : ' અમારી પાસે આવી સ્થિતિને અમારી મેળે એકાએક પહોંચી વળવાનું સાધન નથી. તમને જે મદદ જોઈશે તે માગજો ને બની શકશે તે ટાઉન કાઉન્સીલ આપશે.' પણ ઘટત્તા ઈલાજો લેવામાં સાવધાન થયેલી આ મુઇનિસિપાલિટીએ સ્થિતિને પહોંચી વળવા વિલંબ ન કર્યો.

બીજે દિવસે એક ખાલી પડેલ ગોદામનો કબજો અમને આપ્યો, ને ત્યાં દરદીઓને લઈ જવા સૂચવ્યું. તે સાફ કરવાનો બોકો મ્યુનિસિપાલિટીએ ન ઉપાડ્યો. મકાન મેલું ને ગોજું હતું. અમે જાતે જ તેને સાફ કર્યું. ખાટલા વગેરે સખી દિલના હિંદીઓની મદદથી એકઠા કર્યા ને તાત્કાલિક કામચલાઉ ઈસ્પિતાલ ઊભી કરી. મ્યુનિસિપાલિટીએ એક નર્સ મોકલી ને તેની સાથે બ્રૅન્ડીની બાટલી ને બીજી દરદીઓને જોઈતી વસ્તુઓ મોકલી. દાક્તર ગૉડફ્રેનો ચાર્જ કાયમ રહ્યો.

નર્સને અમે ભાગ્યે જ દર્દીઓને અડકવા દેતા હતા. નર્સ પોતે અડકવાને તૈયર હતી. સ્વભાવે ભલી બાઈ હતી, પણ તેને જોખમમાં ન આવવા દેવાનો અમારો પ્રયત્ન હતો.

દર્દીઓને વખતોવખત બ્રૅન્ડી આપવાની સૂચના હતી. અમને પણ ચેપમાંથી બચવાને સારુ નર્સ થોડી બ્રૅન્ડી લેવા સૂચવતી ને પોતે પણ લેતી. અમારામાંથી કોઈ બ્રૅન્ડી લે તેમ નહોતું. મને તો દર્દીઓને પણ બ્રૅન્ડી આપવામાં શ્રદ્ધા નહોતી. દાકતર ગૉડફ્રેની પરવાનગીથી ત્રણ દર્દીઓ જે બ્રૅન્ડી વિના અલાવવા તૈયાર્ અહતા ને માટેના પ્રયોગો કરવા દેવાને તૈયાર હતા તેમને માથે ને છાતીએ જ્યાં દુઃખ થતું ત્યાં મેં માટી મૂકવાનો પ્રયોગ કર્યો. આ ત્રણ દર્દીમાંથી બે બચ્યા. બાકીના બધા દર્દીઓનો દેહાંત થયો.વીસ દર્દીઓ તો આ ગોદામમાંથી જ ચાલ્યા ગયા. મ્યુનિસિપાલિટીની બીજી તૈયરીઓ ચાલી રહી હતી. જોહનિસબર્ગથી સાત માઈલ એક લેઝેરેટો એટલે ચેપી દર્દેઓને ઈસ્પિતાલ હતી ત્યાં તંબૂ ખડા કરી આત્રણ દર્દીઓને લઈ ગયા. બીજા મરકીના કેસ થાય તો તેને પણ ત્યાં લઈ જવાની ગોઠવણ કરી. અમે આ કામમાંથી મુક્ત થયા. થોડા જ દિવસમાં અમરા જાણવામાં આવ્યું કે પેલી ભલી નર્સને મરકી થઈ આવી હતી ને તેનો દેહાંત થયો. પેલા દર્દીનું બચવું ને અમારું મુક્ત રહેવું શા કારણથી થયું તે કોઈ નહીં કહી શકે. પણ માટીના ઉપચાર ઉપરની મારી શ્રદ્ધા અને દવા તરીકે પણ દારૂના ઉપયોગ વિષે મારીઅશ્રદ્ધા વધ્યા.હું જાણું છું કે આ શ્રદ્ધા અને અશ્રદ્ધા બંને પાયા વિનાનાં ગણાય. પણ મરા ઉપર તે વેળાએ પડેલી અને હજી સુધી ચાલતી આવતી છાપને હું ધોઈ શકતો નથી, ને તેથી તેની આ પ્રસંગે નોંધ આવશ્યક ગણું છું.

આ મરકી ફાટી નીકળી કે તુરત મેં છાપામાં, મ્યુનિસિપાલિટીની લોકેશન પોતાને હાથે આવ્યા પછી વધેલી બેદરકારીને સારુ ને મરકીને સારુ જવાબદરી મ્યુનિસિપાલિટીની છે એવો સખત કગળ લખ્યો હતો. તે કાગલે મને મિ. હેનરી પોલાક મેળવી આપ્યા ને તે કાગળ મરહૂમ જોસેફ ડોકની મુલાકાતનું એક કારણ થઈ પડ્યો હતો.

આગળ પ્રકરણોમાં હું સૂચવી ગયો છું કે હું જમવા એક નિરામિષ ભોજન ગૃહમાં જતો. ત્યં મને મિ. અલબર્ટ વેસ્ટની ઓળખાણ થયેલી. અમે હંમેશા સાંજે આ ગૃહમાં ભેળા થતા ને ખાઈને સાથે ફરવા જતા. વેસ્ટ એક નાના છાપખાનામાં ભાગીદાર હતા. તેમણે છાપામાં મરકીને વિષે મારો કગળ જોયો ને મને જમવા વખતે વીશીમાં ન જોયો તેથી તે ગભરાયા.

મેં ને મારા સાથી સેવકોએ મરકી દરમ્યાન ખોરાક ઓછો કર્યો હતો. ઘણો વખત થયાં મારો પોતાનો નિયમ હતો કે, મરકીના વાયરા હોઇય ત્યારે પેટમાં જેમ ઓછોભાર તેમ સારું. એટલે મેં સાંજે ખાવાનું બંધ કર્યું હતું. અને બપોરે બીજા જમનારાઓને જોઈ પણ જાતના ભયથી દૂર રાખવા ખાતર કોઈ ન આવ્યા હોય ત્વે વખતે જઈ જમી આવતો. ભોજન ગ્રહના માલિકની સાથે તો મને ગાઢ પરિચય હતો. તેને મેં એક વાત અક્રી મૂકી હતી કે, હું મરકીન દરદેઓની સેવા કરતો હોવાથી બીજાઓનો સ્પર્શ ઓછામાં ઓછો રાખવા માગું છું.

આમ મને વીશીમાં ન ભાળવાથી બીજે કે ત્રીજે દિવસે સવારન પહોરમાં, હજુ હું બહાર નીકળવાની તૈયારી કરતો હતોત્યાં, વેસ્ટે મારી કોટડીનું બારણું ખખડાવ્યું. બારણું ઉઘાડ્યું તેવા જ વેસ્ટા બોલ્યા:

'તમને વીશીમાં ન જોયા તેથી હું ગભરાયો કે રખેને કંઈ તમને તો નહીં જ થયું હોય? એટલે અત્યારે તો તમે મળશો જ એમ સમજી આવ્યો છું. મારાથી કંઈ મદદ થઈ શકે એમ હોય તો કહેજો. હું દર્દીઓની સરવારને સારુ પણ તૈયાર છું. તમે જાણો છો કે મારી ઉપર મારું પોતાનું પેટ ભરવા ઉપરાંત કશી જવાબદારી નથી.

મેં વેસ્ટનો આભાર માન્યો. એક મિનિટ પણ વિચાર કરવા લીધી હોય એવું મને યાદ નથી. હું બોલ્યો:

'તમને નર્સ તરીકે તો હું ન જ લઉં. જો બીજા દર્દીઓ નહીં નીકળે તો અમારું કામ એકબે દિવસમાં જ પૂરું થશે. પણ એક કામ છેખરું.'

'એ શું?'

'તમે ડરબન જઈ 'ઈંડિયન ઓપીનિયન' પ્રેસનો વહીવટ હાથ ધરશો? મદનજિત તો હાલ અહીં કામમાં રોકાયા છે. ત્યાં કોઈને જવાની તો જરૂર છે જ. તમે જાઓ તો મારી તે તરફની ચિંતા તદ્દન હળવી થઈ જાય.'

વેસ્ટે જવાબ દીધો:

'મારી પાસે છાપખાનું છે તે તો તમે જાણો છો. ઘણે ભાગે તો હું જવા તૈયર થઈશ. છેવટાનો જવાબ આજે સાંજે આપું તો બસ થશે ના? ફરવા નીકળી શકો ત્યાઅરે વાત કરીએ.'

હું રાજી થયો. તે જ દિવસે સાંજે થોડે વાતચીત કરી. વેસ્ટને દર માસે દસ પાઉંડનો પગાર ને છાપખાનામાં કંઈ નફો રહે તો તેમાંથી અમુક ભગ આપવાનું ઠરાવ્યું. વેસ્ટ પગારને ખાતર જવાના નહોતા, એટલે તેનો સવાલ તેમની આગળ નહોતો. બીજે જ દિવસે રાતની મેલમાં વેસ્ટ પોતાની ઉઘરાણી મને સોંપી ડરબન જવા રવાન થયા. ત્યારથી તે મેં દક્ષિણ આફ્રિકા છોડ્યું ત્યાં લગી તે મારા સુખદુઃખના સાથી રહ્યાં. વિલાયતના એક પ્રગણાના ગામ લાઉથના એક ખેડૂત કુટુંબના, નિશાળની સામાન્ય કેળવણી પામેલ, જાત મહેનતથી અનુભવની નિશાળમાં શીખેલ ને ઘડાયેલ , શુદ્ધ, સંયમી, ઈશ્વરથી ડરનાર, હિંમતવાન પરોપકારી અંગ્રેજ તરીકે મિ. વેસ્ટને હંમેશા ઓળખેલ છે. તેમનો અને તેમના કુટુંબનો પરિચય આપણને આ પ્રકરણોમાં હજુ વધારે થવાનો બાકી રહે છે.