સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૩. ધમકી એટલે ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨. ગોખલેની સાથે પૂનામાં સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૩. ધમકી એટલે ?
મોહનદાસ કરમચંદ ગાંધી
૪. શાંતિનિકેતન →


૩. ધમકી એટલે ?

મુંબઈથી મારા વડીલ ભાઈની વિધવાને અને બીજા કુટુંબીઓને મળવા સારુ રાજકોટ તથા પોરબંદર જવાનું હતું તેથી ત્યાં ગયો. દક્ષિણાઅફ્રિકામાંસત્યાગ્રહની લડતને અંગે મેં મારો પહેરવેશ ગિરમીટિયા મજૂરને લગતો જેટલો કરી શકાય તેટલો કરી નાખ્યો હતો. વિલાયતમાં પણ ઘરમાં એ જ પોશાક પહેરતો. દેશમાં આવીને મારે કાઠિયાવાડનો પહેરવેશ રાખવો હતો. તે દક્ષિણ આફ્રિકામાં મારી સાથે રાખ્યો હતો. તેથી મુંબઈ હું એ પહેરવેશ થી ઊતરી શક્યો હતો, એટલે કે પહેરણ, અંગરખું, ધોતિયું ને ધોળો ફેંટો.આ બધાં દેશી મિલના જકપડાં બનેલા હતાં. મુંબઈથી કાઠિયાવાડ ત્રીજા વર્ગમાં જ જવાનું હતું. તેમાં ફેંટો ને અંગરખું મને જંજાળરૂપ લાગ્યાં. તેથી માત્ર પહેરણ , ધોતિયું ને આઠ દશ આનાની કાશ્મીરી ટોપી રાખ્યાં. આવો પોશાક પહેરનાર તરીબમાં જ ખપે. આ વેળા વીરમગામ કે વઢવાણમાં મરકીને લીધે ત્રીજા વર્ગમાં ઉતારુઓની તપાસ થતી હતી. મને થોડો તાવ હતો. તપાસ કરનાર અમલદારે, હાથ જોતાં તેને તે ગરમ લાગ્યો તેથી, મને રાજકોટમાં દાક્તરને મળવાનો હુકમ કર્યો ને નામ નોંધ્યું.

મુંબઈથી કોઈએ તાર મોકલ્યો હશે, તેથી વઢવાણ સ્ટેશને ત્યાંના પ્રજાસેવક તરીકે પંકાયેલા દરજી મોતીલાલ મળવા આવ્યા હતા, તેમણે મારી પાસે વીરમગામની જકાત તપાસણી અને તેને અંગે થતી વિટંબણાઓની વાત કરી. હું તાવથી પીડાતો હતો તેથી વાતો કરવાની ઈછાતો થોડી જ હતી. મેં તેમને ટૂંકમાં જ જવાબ દીધો:

'તમે જેલ જવા તૈયાર છો?'

વગર વિચાર્યે ઉત્સાહમાં જવાબ દેનારા ઘણા જુવાનો જેવા જ મેં મોતીલાલને માન્યા હતા. પણ તેમણે બહુ દ્રઢતા પૂર્વક જવાબ દીધો:

'અમે જરૂર જેલમાં જશું પણ તમારે મને દોરવા જોઈશે. કાઠિયાવાડી તરીકે તમાઅરી ઉપર અમારો પહેલો હક છે. અત્યારે તો અમે તમને ન રોકી શકીએ, પણ વળતાં તમારે વઢવાણ ઊતરવું પડશે. અહીંના જુવાનીયાઓનું કામ ને તેમનો ઉત્સાહ જોઈ તમે ખુશ થશો. અમને તમારી સેનામાં જ્યારે માગશો ત્યારે ભરતી લઈ શકશો.'

મોતીલાલની ઉપર મારી આંખ ઠરી. તેમના બીજા સાથીએ તેમની સ્તુતિ કરતા કહ્યું:

'આઅ ભાઈ છે તો દરજી. પોતાના ધધામાં કુશળ છે તેથી રોજ એક કલાક કામ કરી દર માસે લગભગ રૂ. ૧૫ પોતાના ખરચ જોગ કમાય છે ને બાકી બધો વખત સાર્વજનિક સેવામાં ગાળે છે. અને અમને બધા ભણેલાને દોરે છે ને શરમાવે છે.'

પાછળથી હું ભાઈ મોતીલાલના પ્રસંગમં સારી પેઠે આવ્યો હતો, અને મેં જોયું કે તેમની ઉપરની સ્તુતિમાં મુદ્દલ અતિશયોક્તિ નહોતીએ. સત્યાગ્રહાશ્રમ સ્થપાયો ત્યારે તે દર માસે થોડ દહાડા તો ભરી જ જાય.બાળકોને સીવવાનું શીખવે ને આશ્રમનું સીવવાનું કામ પણ કરી જાય. વીરમગામની વાત તો મને રોજ સંભળાવે. મુસાફરોની ઉપર પડાતી હાડમારી તેમને સારુ અસહ્ય હતી. આ મોતીલાલને ભરજુવાનીમાં બીમારી ઉપાડી ગઈ, ને વઢવાણ તેમના વિના સૂનું થયું.

રાજકોટ પહોંચતાં બીજે દિવસે સવારે હું પેલા મળેલા હુકમ પ્રમાણે ઈસ્પિતાલે હાજર થયો. ત્યાંતો હું અજાણ્યો નહોતો.દાક્તર શરમાયા ને પેલા તપાસનાર અમલદારની ઉપર ગુસ્સો કરવા લાગ્યા. મને ગુસ્સાનું કારણ ન લાગ્યું. અમલદારે તો પોતાનો ધર્મ પાળ્યો હતો. તે મને ઓળાખતો નહોતો, ને ઓળખે તોય જે હુકમ કર્યો તે કરવામાં તેનો ધર્મ હતો. પણ હું જાણીતો તેથી રાજકોટમાં મારે તપાસ કરાવવાને બદલે તપાસ કરવા માણસ ઘેર આવવા લાગ્યા.

ત્રીજા વગૅ ના મુસાફરોની આવી બાબતોમાં તપાસ આવશ્યક છે. મોટા ગણતા માણસો પણ ત્રીજા વર્ગમાં ફરે તો તેમણે ગરીબોને લાગુ પડતા નિયમોને સ્વેચ્છાએ વશ વર્તવું જોઈએ, ને અમલદારોએ પક્ષપાત ન કરવો જોઈએ. પણ મારો અનુભવ એવો છે કે, અમ્લદારો ત્રીજા વર્ગના મુસાફરોને મનુષ્ય ગણવાને બદલે જાનવર જેવા ગણે છે. તુંકારા સિવાય તો તેમને બોલાવાય જ નહીં. ત્રીજા વર્ગના મુસાફરથી સામે જવાબ ન અપાય, દલીલ ન થાય. કેમકે જાણે તે અમલદારનો નોકર હોય નહીં એમ તેણે વર્તવું રહ્યું. તેને અમલદાર માર મારે, તેને લૂંટે, તેને ટ્રેન ચૂકાવે, તેને ટિકિટ દેતા રિબાવે. આ બધું મેં જાતે અનુભવ્યું છે. અને આ વસ્તુસ્થિતિમાં સુધારો તો જ થાય જો કેટલાક ભણેલા અને ધનિક ગરીબ જેવા બને અને ત્રીજા વર્ગમાં ફરી ગરીબ મુસાફરને ન મળતી હોય એવી એક પણ સગવડ ન ભોગવે અને અગવડો, અવિવેક, અન્યાય બીભત્સતા મૂંગે મોઢે સહન ન કરતાં તેમની સામે થાય ને દાદ મેળવે.

કાઠિયાવાડમાં હું જ્યાં જ્યાં ફર્યો ત્યાં ત્યાં વીરમગામની જકાતની તપાસને અંગે થતી હાડમારીની ફરિયાદો સાંભળી.

તેથી લૉર્ડ વિલિંગ્ડને આપેલા નિમંત્રણનો મેં તુરત ઉપયોગ કર્યો. અ બાબતનાં મળ્યાં એટલાં કાગળીયા વાંચ્યા. ફરિયાદમાં ઘણું તત્ય હતું એમ મેં જોયું. તે બાબત મેં મુંબઈની સરકાર સાથે પત્ર વ્યવહાર ચલાવ્યો. સેક્રેટરીને મળ્યો. લૉર્ડ વિલિંગ્ડનને પણ મળેલો. તેમણે દિલસોજી બતાવી, પણ દિલ્હીની ઢીલની રાવ ખાધી.

'જો અમારા જ હાથમાં હોત તો અમે ક્યારની એ જકાત કાઢી નાંખી હોત, તમે વડી સરકાર પાસે જાઓ.' આમ સેક્રેટરીએ કહ્યું.

મેં વડી સરકાર સાથે પત્ર વ્યહવાર ચલાવ્યો. પણ પહોંચ ઉપરાંત કશો જવાબ ન મળ્યો. જ્યારે મને લૉર્ડ ચેમ્સફર્ડને મળવાનો પ્રસંગ આવ્યો ત્યારે, એટલે લગભગ બે વર્ષના પત્રવ્યહવાર બાદ, દાદ મળી. લૉર્ડ ચેમ્સફર્ડને વાત કરી ત્યારે તેમણે આશ્વર્ય બતાવ્યું. તેમને વીરમગામને વિષે કંઈ જ ખબર નહોતી. મારી વાત ધ્યાન પૂર્વક સાંભળી, અને તે જ વખત્રે ટેલિફોન કરી વીરમગામન કાગળિયાં મંગાવ્યાં. જો મારી હકીકતની સામે અમલદારોને કંઈ કહેવાનું નહીં હોય તો જકાત રદ્દ કરવાનું વચન આપ્યું. આ મેળાપ પછી થોડા જ દિવસમાં જકાત રદ્દ થવાની નોટિસ મેં છાપામાં વાંચી.

મેં આ જીતને સ્ત્યાગ્રહના પાયારૂપે માની, કેમ કે વીરમગામ વિષે વાતો દરમ્યાન મુંબઈ સરકારના સેક્રેટરીએ મને મારા તે વિષે બગસરામાં કરેલા ભાષણની નકલ પોતાની પાસે હોવાનું કહ્યું હતું. તેમાં રહેલા સત્યાગ્રહના ઉલ્લેખ વિષે નાખુશી પણ બતાવી હતી. તેમણે પૂછેલું:

'તમે આને ધમકી નથી માનતા? અને આમ શક્તિમાન સરકાર ધમકીને ગાંઠે?'

મેં જવાબ આપ્યો:

' આ ધમકી નથી આ લોકકેળવણી છે. લોકોને લોતાનાં દુઃખ દૂર કરવાના બધા વાસ્તવિક બતાવવાનો મારા જેવાનો ધર્મ છે. જે પ્રજા સ્વતંત્રતા ઈચ્છે તેની પાસે પોતાની રક્ષાના અંતિમ ઈલાજ હોવા જોઈએ. સામાન્ય રીતે આવા ઈલાજો હિંસક હોય છે, સત્યાગ્રહ એ શુદ્ધ અહિંસક શસ્ત્ર છે. તેનો ઉપયોગ ને તેની મર્યાદા બતાવવાનો મારો ધર્મ માનું છું. અંગ્રેજ અરકાર શક્તિમાન છે એ વિષે મને શંકા નથી . પ્ણ સ્ત્યાગ્રહ સર્વોપરી શસ્ત્ર છે એ વિષે પણ મને શંકા નથી.'

શાણા સેક્રેટરી એ પોતાનું માથું ધુણાવ્યું ને બોલ્યા: 'આપણે જોઈશું'