સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૮. કાળો કાંઠલો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૭. રહ્યો સત્યના પ્રયોગો અથવા આત્મકથા
કાળો કાંઠલો
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૯. નાતાલ ઇંડિયન કૉંગ્રેસ  →


૧૮. કાળો કાંઠલો

અદાલતોનું ચિહ્ન ત્રાજવું છે. તેને ઝાલનાર એક નિષ્પક્ષપાતી, આંધળી પણ ડાહી ડોસી છે. તેને વિધિએ આંધળી ઘડી છે, જેથી તે મોં જોઈને ટીલું ન કરે, પણ જે ગુણે યોગ્ય હોય તેને જ ટીલું કરે. આથી ઊલટું, નાતાલની અદાલત પાસે તો મોં જોઈને ટીલું કરાવવા ત્યાંની વકીલ-સભા નીકળી પડી હતી. અદાલતે આ પ્રસંગે પોતાના ચિહ્નને શોભાવ્યું.

મારે વકીલાતની સનદ લેવાની હતી. મારી પાસે મુંબઈની વડી અદાલતનું પ્રમાણપત્ર હતું. વિલાયતનું મુંબઈની અદાલતે દફતરે હતું. દાખલ થવાની અરજીની સાથે સારા વર્તનનાં બે પ્રમાણપત્રોની જરૂર ગણાતી. મેં ધાર્યું કે આ પ્રમાણપત્ર ગોરાઓનાં હશે તો ઠીક ગણાશે, તેથી અબદુલ્લા શેઠની મારફતે મારા સંબંધમાં આવેલા બે પ્રસિદ્ધ ગોરા વેપારીનાં પ્રમાણપત્રો લીધાં હતાં. અરજી કોઈ વકીલ મારફત થવી જોઈએ, ને સામાન્ય નિયમ એ હતો કે આવી અરજી એટર્ની-જનરલ વગર ફીએ કરે. મિ.એસ્કંબ એટર્ની-જનરલ હતા. અબ્દુલ્લા શેઠના તે વકીલ હતા એ તો આપણે જાણીએ છીએ. તેમને હું મળ્યો ને તેમણે ખુશીથી મારી અરજી રજૂ કરવાનું સ્વીકાર્યું.

એવામાં ઓચિંતી વકીલસભા તરફથી મને નોટિસ મળી. નોટિસમાં મારા દાખલ થવા સામે વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો. એમાં એક કારણ એ બતાવ્યું હતું કે મેં વકીલાત સારુ કરેલી અરજી સાથે અસલ પ્રમાણપત્ર જોડ્યું નહોતું. પણ વિરોધનો મુખ્ય મુદ્દો એ હતો કે, અદાલતમાં વકીલોને દાખલ કરવાના ધારા ઘડાયા ત્યારે કોઈ પણ કાળો કે પીળો માણસ અરજી કરે એવો સંભવ પણ માનવામાં ન આવેલો હોવો જોઈએ; નાતાલ ગોરાઓના સાહસથી બનેલું હતું ને તેથી તેમાં ગોરાઓને જ પ્રધાનપદ હોવું જોઈએ. જો કાળા વકીલ દાખલ થાય તો ધીમે ધીમે ગોરાઓનું પ્રધાનપદ જાય ને તેમની રક્ષાની વાડ ભાંગી પડે.

આ વિરોધની હિમાયત કરવા વકીલસભાએ એક પ્રખ્યાત વકીલને રોક્યા હતા. આ વકીલને પણ દાદા અબદુલ્લા સાથે સંબંધ હતો. તેમની મારફતે તેમણે મને બોલાવ્યો. તેમણે મારી સાથે નિખાલસપણે વાત કરી. તેમણે મારો ઇતિહાસ પૂછ્યો. મેં તે આપ્યો. પછી તે બોલ્યા:

'મારે તો તમારી સામે કાંઈ કહેવાનું નથી. મને ભય એ હતો કે રખેને તમે અહીં જન્મેલા કોઈ ધૂર્ત હો! વળી તમારી પાસે અસલ પ્રમાણપત્ર નથી. તેથી મારા શકને ટેકો મળ્યો. એવા પણ માણસ પડ્યા છે જે પારકાં પ્રમાણપત્રોનો ઉપયોગ અ કરે છે. તમે ગોરાઓનાં પ્રમાણપત્ર રજૂ કર્યાં છે તેની મારા ઉપર અસર નથી થઈ. તેઓ તમને શું જાણે? તમારી સાથે તેઓની ઓળખાણ કેટલી?'

'પણ અહીં તો મને બધા જ નવા છે. અબદુલ્લા શેઠે પણ મને તો અહીં જ ઓળખ્યો.' હું વચ્ચે બોલ્યો.

'હા; પણ તમે તો કહો છો કે એ તમારા ગામના છે. અને તમારા બાપ ત્યાંના દીવાન હતા તેથી તે તમારા કુટુંબને તો ઓળખે જ ના? તેમનું સોગનનામું તમે રજૂ કરો તો મારે તો કંઈ કહેવાપણું નહીં રહે. હું વકીલસભાને લખી મોકલીશ કે મારાથી તમારો વિરોધ નહીં કરી શકાય.'

મને ક્રોધ આવ્યો, તે મેં રોક્યો. મને થયું, 'જો મેં અબદુલ્લા શેઠનું જ પ્રમાણપત્ર રજૂ કર્યું હોત તો તેની અવગણના થાત ને ગોરાની ઓળખાણ માગત. વળી મારા જન્મની સાથે મારી વકીલાતની લાયકાતને શો સંબંધ હોય ? હું દુષ્ટ કે કંગાળ માબાપનો દીકરો હોઉં તો મારી લાયકાત તપાસવામાં તે મારી સામે શા સારુ વપરાય?' પણ આ બધા વિચારોને રોકી મેં જવાબ આપ્યો:

'જોકે આવી હકીકત માગવાને વકીલસભાને અધિકાર છે એમ હું કબૂલ નથી કરતો, છતાં તમે ઈચ્છો છો તેવું સોગંદનામું મેળવવા હું તૈયાર છું.'

અબદુલ્લા શેઠનું સોગનનામું ઘડ્યું ને તે વકીલને આપ્યું. તેણે સંતોષ જાહેર કર્યો. પણ વકીલસભાને સંતોષ ન થયો. તેણે તો મારા દાખલ થવા સામેનો વિરોધ અદાલત આગળ રજૂ કર્યો. અદાલતે મિ.એસ્કંબનો જવાબ પણ સાંભળ્યા વિના સભાનો વિરોધ રદ કર્યો. વડા ન્યાયાધીશે કહ્યું:

'અરજદારે અસલ પ્રમાણપત્ર રજૂ નથી કર્યું એ દલીલમાં વજૂદ નથી. જો તેણે જૂઠા સોગંદ ખાધા હશે તો તેના ઉપર જૂઠા સોગનની ફોજદારી ચાલી શકશે ને તેનું નામ વકીલોમાંથી બાતલ થશે. અદાલતના ધારાઓમાં કાળાધોળાનો ભેદ નથી. અમને મિ.ગાંધીને વકીલાત કરતાં રોકવાનો અધિકાર નથી. અરજી મંજૂર કરવામાં આવે છે. મિ.ગાંધી, તમે સોગન લઈ શકો છો.'

હું ઉઠ્યો. રજિસ્ટ્રાર આગળ સોગન લીધા. લીધા કે તરત વડા જડજે કહ્યું, 'હવે તમારે તમારી પાઘડી ઉતારવી જોઈએ. વકીલ તરીકે વકીલોને લગતો પોશાક વિષેનો અદાલતી નિયમ તમારે પણ પાળવો રહ્યો છે!'

હું મારી મર્યાદા સમજ્યો. ડરબનના મેજિસ્ટ્રેટની કચેરીમાં જે પાઘડી પહેરી રાખવાનો મેં આગ્રહ રાખ્યો હતો તે મેં અહીં ઉતારી. ઉતારવાની સામે દલીલ તો હતી જ. પણ મારે તો મોટી લડતો લડવી હતી. પાઘડી પહેરી રાખવાની હઠ કરવામાં મારી લડવાની કળાની સમાપ્તિ નહોતી. કદાચ તેને ઝાંખપ લાગત.

અબદુલ્લા શેઠ અને બીજા મિત્રોને મારી નરમાશ (કે નબળાઈ?) ન ગમી. મારે વકીલ તરીકે પણ પાઘડી પહેરી રાખવાનો આગ્રહ રાખવો જોઈતો હતો એમ તેમને લાગ્યું. મેં તેમને સમજાવવા પ્રયત્ન કર્યો. 'દેશ તેવો વેશ' એ કહેવતનું રહસ્ય સમજાવ્યું. હિંદુસ્તાનમાં પાઘડી ઉતારવાની ફરજ ગોરા અમલદાર કે જડજ પાડે તો તેની સામે થવાય. નાતાલ જેવા દેશમાં અને તે અદાલતના એક હોદ્દેદાર તરીકે મને અદાલતના રિવાજનો એવો વિરોધ કરવો શોભે નહીં.

આ અને આવી દલીલોથી મિત્રોને કંઈક શાંત તો કર્યા, પણ હું નથી માનતો કે એક જ વસ્તુને જુદા સંજોગોમાં જુદી રીતે જોવાની યોગ્યતા, આ પ્રસંગે, હું તેઓને સંતોષ વળે તેમ ઠસાવી શક્યો. પણ મારા જીવનમાં આગ્રહ અને અનાગ્રહ હંમેશાં સાથે સાથે જ ચાલતા આવ્યા છે. સત્યાગ્રહમાં આ અનિવાર્ય છે એમ મેં પાછળથી અનેક વેળા અનુભવ્યું છે. આ સમાધાનવૃત્તિને સારુ મારે જીવનું જોખમ અને મિત્રોનો અસંતોષ ઘણી વેળા ખેડવાં પડ્યાં છે. પણ સત્ય વજ્ર જેવું કઠણ છે ને કમળ જેવું કોમળ છે.

વકીલસભાના વિરોધે દક્ષિણ આફ્રિકામાં મારી બીજી જાહેરખબરની ગરજ સારી. ઘણાંખરાં છાપાંઓએ મારી સામેના વિરોધને વખોડ્યો ને વકીલો ઉપર ઈર્ષાનો આરોપ મૂક્યો. આ જાહેરાતથી મારું કામ કેટલેક અંશે સરળ થયું.