સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૯. નાતાલ ઇંડિયન કૉંગ્રેસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૮. કાળો કાંઠલો સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૧૯. નાતાલ ઇંડિયન કૉંગ્રેસ
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૦. બાલાસુંદરમ →


૧૯. નાતાલ ઇંડિયન કૉંગ્રેસ

વકીલનો ધંધો કરવો એ મારે સારુ ગૌણ વસ્તુ હતી ને હમેશાં ગૌણ જ રહી. મારું નાતાલમાં રહેવું સાર્થક કરવા સારુ તો મારે જાહેર કામમાં તન્મય થવું જોઈએ. હિંદી મતાધિકાર પ્રતિબંધના કાયદાની સામે માત્ર અરજી કરીને તો ન જ બેસી રહેવાય. તે વિશે પ્રવૃત્તિ ચાલુ રહે તો જ સંસ્થાનોના પ્રધાન પર અસર પડે. આને સારુ એક સંસ્થાની સ્થાપના કરવાની આવશ્યકતા જણાઈ. તેથી અબદુલ્લા શેઠ સાથે મસલત કરી. બીજા સાથીઓને મળ્યો ને એક જાહેર સંસ્થા બનાવવાનો અમે નિશ્ચય કર્યો.

તેનું નામ પાડવામાં કંઈ ધર્મસંકટ હતું. આ સંસ્થાને કોઈ પક્ષનો પક્ષપાત નહોતો કરવો. મહાસભા (કૉંગ્રેસ)નું નામ કૉન્ઝરવેટિવ (પ્રાચીન) પક્ષમાં અળખામણું હતું, એ હું જાણતો હતો. પણ મહાસભા હિંદનો પ્રાણ હતી. તેની શક્તિ વધવી જ જોઈએ. તે નામ છુપાવવામાં અથવા ધારણ કરતાં સંકોચ રાખવામાં નામર્દીની ગંધ આવતી હતી. તેથી મારી દલીલો રજુ કરીને સંસ્થાને 'કૉંગ્રેસ' નામ જ આપવા સૂચવ્યું, ને ૧૮૯૪ના મે માસની ૨૨મી તારીખે 'નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ'નો જન્મ થયો.

દાદા અબદુલ્લાનો મેડો ભરાઇ ગયો હતો. લોકોએ આ સંસ્થાને ઉત્સાહપૂર્વક વધાવી લીધી. બંધારણ સાદું રાખ્યું હતું. લવાજમ આકરું હતું. દર માસે ઓછામાં ઓછા પાંચ શિલિંગ આપે તે જ સભ્ય થઈ શકે. વધારેમાં વધારે જેટલું ધનિક વેપારી પાસેથી તેમને રીઝવીને લઈ શકાય તે લેવું. અબદુલ્લા શેઠની પાસે દર માસે બે પાઉન્ડ લખાવ્યા. બીજા પણ બે ગૃહસ્થોના તેટલા લખાવ્યા. મેં પોતે વિચાર્યું કે મારાથી સંકોચ કરાય જ નહીં. તેથી મેં દર માસનો એક પાઉન્ડ લખાવ્યો. આ જરા મારે વીમો કરવા જેવું હતું. પણ મેં વિચાર્યું કે જો મારું ખર્ચ ચાલવાનું જ હશે તો મને દર માસે એક પાઉન્ડ વધારે નહીં પડે. ઈશ્વરે મારું ગાડું રોડવ્યું. એક પાઉન્ડવાળાની સંખ્યા ઠીક થઈ. દશ શિલિંગવાળા તેથી વધારે. આ ઉપરાંત સભ્ય થયા વિના ભેટ તરીકે તો હરકોઈ ઈચ્છા પ્રમાણે આપે તે લેવાનું હતું.

અનુભવે જોયું તો કોઈ ઉઘરાણી કર્યા વિના લવાજમ ભરે તેમ ન હતું. ડરબન બહારનાને ત્યાં વખતોવખત જવું અસંભવિત હતું. 'આરંભે શૂરા'નો દોષ તુરત પ્રગટ થયો. ડરબનમાં પણ ઘણા ફેરા ખવાય ત્યારે પૈસા મળે. હું મંત્રી હતો. પૈસા ઉઘરાવી લેવાનો બોજો મારે માથે હતો. મારે મારા મહેતાને લગભગ આખો દહાડો ઉઘરાણાના કામમાં જ રોકવાનો પ્રસંગ આવી પડ્યો. મહેતો પણ કાયર થયો. મને લાગ્યું કે માસિક નહીં પણ વાર્ષિક લવાજમ હોવું જોઈએ ને તે સહુએ અગાઉથી જ આપવું જોઈએ. સભાબોલાવી. સહુએ સૂચના વધાવી લીધી ને ઓછામાં ઓછા ત્રણ પાઉન્ડ વાર્ષિક લવાજમ લેવાનું કર્યું ને તે ઉઘરાણાનું કામ સરળ થયું.

આરંભમાં જ મેં શીખી લીધું હતું કે જાહેર કામ કદી કરજ કરીને કરવું નહીં. લોકોનો બીજાં કામો વિશે ભલે વિશ્વાસ કરાય, પણ પૈસાના વાયદાનો વિશ્વાસ ન કરાય. ભરાવેલી રકમ આપવાનો ધર્મ લોકો ક્યાંયે નિયમિત રીતે પાળતા નથી એમ મેં જોઈ લીધું હતું. નાતાલના હિંદીઓ અપવાદરૂપે નહોતા. તેથી 'નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસે' કદી કરજ કરી કામ કર્યું જ નથી.

સભ્યો બનાવવામાં સાથીઓએ અસીમ ઉત્સાહ બતાવ્યો હતો. તેમાં તેમને રસ આવતો હતો. તેમાં અમૂલ્ય અનુભવ મળતો હતો. ઘણા લોકો રાજી થઈ નામ નોંધાવતા અને તુરત પૈસા આપી દેતા. દૂર દૂરનાં ગામોમાં જરા મુશ્કેલી આવતી. જાહેર કામ શું તે લોકો નહોતા સમજતા. ઘણી જગ્યાએ તો લોકો પોતાને ત્યાં આવવાનાં આમંત્રણ મોકલે, અગ્રેસર વેપારીને ત્યાં ઉતારો ગોઠવે. પણ આ મુસાફરીઓમાં એક જગ્યાએ આરંભમાં જ અમને મુશ્કેલી આવી. ત્યાં છ પાઉન્ડ મળવા જોઈતા હતા, પણ તે વેપારી ત્રણથી આગળ ન જ વધે. જો તેટલા લેવાય તો બીજાઓ પાસેથી વધુ ન મળે. ઉતારો તેમને ત્યાં જ હતો. અમે બધા ભુખ્યા હતા પણ લવાજમ ન મળે ત્યાં લગી ખવાય કેમ ? આ ભાઈને ખૂબ વીનવ્યા. એકના બે થાય નહીં. ગામના બીજા વેપારીઓએ પણ તેમને સમજાવ્યા.આખી રાત રકઝકમાં ગઈ. ક્રોધ તો ઘણા સાથીઓને ચડ્યો. પણ કોઈએ વિનય ન છોડ્યો. છેક સવારે આ ભાઈ પીગળ્યા ને છ પાઉન્ડ આપ્યા. અમને જમાડ્યા. આ બનાવ ટોંગાટમાં બનેલો. આની અસર ઉત્તર કિનારા પર છેક સ્ટેંગર સુધી ને અંદર છેક ચાર્લ્સટાઉન સુધી પડી. ઉઘરાણાનું અમારું કામ સરળ થઈ પડ્યું.

પણ પૈસા એકઠા કરવા એ મતલબ તો ન જ હતી. જોઈએ તે કરતાં વધારે પૈસા ન રાખવા એ તત્ત્વ પણ હું સમજી ગયો હતો.

સભા દર અઠવાડિયે કે દર માસે જરૂર પ્રમાણે થાય. તેમાં આગલી સભાનો હેવાલ વંચાય ને અનેક પ્રકારની ચર્ચા થાય. ચર્ચા કરવાની અને ટૂંકું ને મુદ્દાસર બોલવાની ટેવ તો લોકોને ન જ હતી. લોકો ઊભા થઈને બોલતાં સંકોચાય. સભાના નિયમો સમજાવ્યા ને લોકોએ તેને માન આપ્યું. તેમને થતો ફાયદો તેઓ જોઈ શક્યા ને જેઓને કદી જાહેરમાં બોલવાની ટેવ નહોતી તે જાહેર કામો વિશે બોલતા ને વિચાર કરતા થયા.

જાહેર કામ ચલાવતાં ઝીણો ખર્ચ ઘણા પૈસા લઈ જાય છે એ પણ હું જાણતો હતો. આરંભમાં તો રસીદ બુક સુધ્ધાં ન છપાવવાનો નિશ્ચય મેં રાખ્યો હતો. મારી ઓફિસમાં સાઇક્લોસ્ટાઇલ રાખ્યું હતું. તેમાં પહોંચો છપાવી. રિપોર્ટ પણ તેવી જરીતે છપાવતો. જ્યારે તિજોરીમાં પૈસો ઠીક આવ્યો, સભ્યો વધ્યા, કામ વધ્યું ત્યારે જ પહોંચ ઇત્યાદિ છપાવવાનું રાખ્યું. આવી કરકસર દરેક સંસ્થામાં આવશ્યક છે, છતાં એ હમેશાં નથી જળવાતી એમ હું જાણું છું. તેથી આ નાનકડી ઊગતી સંસ્થાના ઉછેરકાળની વિગતમાં ઊતરવું મેં દુરસ્ત ધાર્યું છે. લોકો પહોંચની દરકાર ન રાખતા, છતાં તેમને આગ્રહપૂર્વક પહોંચ અપાતી. આથી હિસાબ પ્રથમથી જ પાઈએ પાઈનો ચોખ્ખો રહ્યો, ને હું માનું છું કે, આજે પણ નાતાલ કૉંગ્રેસના દફતરમાં ૧૮૯૪ના સંપૂર્ણ વિગતવાળા ચોપડા મળી આવવા જોઈએ. હરકોઈ સંસ્થાનો ઝીણવટથી રખાયેલો હિસાબ તેનું નાક છે. તેના વિના તે સંસ્થા છેવટે ગંદી ને પ્રતિષ્ઠારહિત થઈ જાય છે. શુદ્ધ હિસાબ વિના શુદ્ધ સત્યની રખેવાળી અસંભવિત છે.

કૉંગ્રેસનું બીજું અંગ સંસ્થાનમાં જન્મેલ ભણેલા હિંદીઓની સેવા કરવાનું હતું. તેને અંગે 'કૉલોનિયલ બોર્ન ઇન્ડિયન એજ્યુકેશનલ ઍસોસિયેશન'ની સ્થાપના કરી. તેમાં આ નવયુવકો જ મુખ્યત્વે સભ્ય હતા. તેમણે આપવાનું લવાજમ જૂજ હતું. આ સભ્ય વાટે તેઓની હાજતો જણાય ને તેઓની વિચારશક્તિ વહ્દે, તેઓનો વેપારીઓ સાથે સંબંધ બંધાય ને તેઓને પોતાને પણ સેવાનું સ્થાન મળે. આ સંસ્થા ચર્ચાસમાજ જેવી હતી. તેની નિયમસર સભા થાય, તેમાં તેઓ જુદા જુદા વિષય ઉપર ભાષણ કરે, નિબંધો વાંચે, તેને અંગે નાનું પુસ્તકાલય પણ સ્થપાયું.

કૉંગ્રેસનું ત્રીજું અંગ બાહ્ય પ્રવૃત્તિ. આમાં દક્ષિણ આફ્રિકાના અંગ્રેજોમાં તેમ જ બહાર ઇંગ્લંડમાં ને હિંદુસ્તાનમાં ખરી સ્થિતિ પ્રગટ કરવાનું કામ હતું. એ હેતુથી મેં બે ચોપાનિયાં લખ્યાં. પ્રથમ ચોપાનિયું 'દક્ષિણ આફ્રિકામાં રહેતા દરેક અંગ્રેજને વિનંતી' એ નામનું હતું. તેમાં નાતાલવાસી હિંદીઓની સામાન્ય સ્થિતિનું દિગ્દર્શન પુરાવાઓ સહિત હતું. બીજું 'હિંદી મતાધિકાર-એક વિનંતી' એ નામનું ચોપાનિયું જેમાં હિંદી મતાધિકારનો ઇતિહાસ આંકડાઓ અને પુરાવા સહિત આપવામાં આવ્યો હતો. આ બંને ચોપાનિયાંની પાછળ ખૂબ મહેનત અને અભ્યાસ હતાં. તેનું ફળ પણ તેવું જ આવ્યું. તેનો બહોળો પ્રચાર કરવામાં આવ્યો. આ પ્રવૃત્તિને અંગે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના મિત્રો ઉત્પન્ન થયા. ઇંગ્લંડમાં અને હિંદુસ્તાનમાં બધા પક્ષ તરફથી મદદ મળી, અને કાર્ય લેવાનો માર્ગ મળ્યો અને અંકાયો.