સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૦. બાલાસુંદરમ
← ૧૯. નાતાલ ઇંડિયન કૉંગ્રેસ | સત્યના પ્રયોગો અથવા આત્મકથા બાલાસુંદરમ મોહનદાસ કરમચંદ ગાંધી |
૨૧. ત્રણ પાઉંડનો કર → |
૨૦. બાલાસુંદરમ
જેની જેવી ભાવના તેવું તેને થાય, એ નિયમ મારે વિષે લાગુ પડતો મેં અનેક વેળા જોયો છે. લોકની એટલે ગરીબની સેવાની મારી પ્રબળ ઈચ્છાએ ગરીબોની સાથે મારું અનુસંધાન સદાય અનાયાસે કરી આપ્યું છે.
'નાતાલ ઇંડિયન કોંગ્રેસ'માં જો કે સંસ્થાઓમાં જન્મ પામેલા હિંદીઓએ પ્રવેશ કર્યો હતો, મહેતાવર્ગ દાખલ થયો હતો, છતાં તેમાં છેક મજૂર, ગિરમીટિયાવર્ગે પ્રવેશ નહોતો કર્યો. કૉંગ્રેસ તેમની નહોતી થઈ. તેઓ તેમાં લવાજમ ભરી દાખલ થઈ તેને અપનાવી શકતા નહોતા. તેઓને કૉંગ્રેસ પ્રત્યે ભાવ પેદા ત્યારે જ થાય જ્યારે કૉંગ્રેસ તેમને સેવે. એવો પ્રસંગ એની મેળે આવ્યો, અને તે એવે વખતે કે જ્યારે હું પોતે અથવા તો કોંગ્રેસ ભાગ્યે જ તૈયાર હતાં. કેમ કે હજુ મને વકીલાત શરૂ કર્યાને બે ચાર માસ ભગ્યે જ થયા હતા. કૉંગ્રેસની પણ બાળવય હતી. તેટલામાં એક દિવસ એક ફાટેલાં કપડાં પહેરેલો, ધ્રૂજતો, મોઢેથી લોહી ઝેરતો, જેના આગલા બે દાંત પડી ગયા હતા એવો, મદ્રાસી હિંદી ફેંટો હાથમાં રાખીને રોતો રોતો મારી સમક્ષ આવી ઊભો. તેને તેના માલિકે સખત માર માર્યો હતો. મારો મહેતો જે તામિલ જાણતો હતો તેની મારફત મેં તેની સ્થિતિ જાણી. બાલાસુંદરમ્ એક પ્રતિષ્ઠત ગોરાને ત્યાં મજૂરી કરતો હતો. માલિકને કંઈ ગુસ્સો ચડ્યો હશે, તે ભાન ભૂલ્યો ને તેણે બાલાસુંદરમ્ ને સારી પેઠે માર માર્યો. પરિણામે બાલાસુંદરમના બે દાંત તૂટી ગયા.
મેં તેને દાક્તરને ત્યાં મોકલ્યો. તે કાળે ગોરા દાકતરો જ મળતા. ઈજા વિષેના પ્રમાણપત્રની મને ગરજ હતી. તે મેળવી હું બાલાસુંદરમને મેજિસ્ટ્રેટ પાસે લઈ ગયો. ત્યાં બાલાસુંદરમનું સોગનનામું રજૂ કર્યું. એ વાંચી મૅજિસ્ટ્રેટ માલિક ઉપર ગુસ્સે થયો. તેના ઉપર તેણે સમન કાઢવાનો હુકમ કર્યો.
મારી નેમ માલિકને સજા કરાવવાની નહોતી. મારે તો બાલાસુંદરમને તેની પાસેથી છોડાવવો હતો. હું ગિરમીટિયાને લગતો કાયદો તપાસી ગયો. સામાન્ય નોકર જો નોકરી છોડે તો શેઠ તેના ઉપર દીવાની દાવો માંડી શકે, તેને ફોજદારીમાં ન લઈ જઈ શકે. ગિરમિટ અને સામાન્ય નોકરીમાં ઘણો ભેદ હતો, પણ મુખ્ય ભેદ એ હતો કે ગિરમીટિયો શેઠને છોડે તો તે ફોજદારી ગુનો ગણાય ને તેને સારુ તેને કેદ ભોગવવી પડે. આથી જ સર વિલિયમ વિલ્સન હંટરે આ સ્થિતિને લગભગ ગુલામીના જેવી ગણી. ગુલામની જેમ ગિરમીટિયો શેઠની મિલકત ગણાય. બાલાસુંદરમને છોડાવવાના બે જ ઈલાજ હતા: કાં તો ગિરમીટિયાને અંગે નિમાયેલો અમલદાર, જે કાયદામાં તેમના રક્ષક તરીકે ઓળખાતો હતો, તે ગિરમીટ રદ કરે અથવા બીજાને નામે ચડાવી આપે, અથવા મલિક પોતે તેને છોડાવવા તૈયાર થાય. હું માલિકને મળ્યો. તેને કહ્યું, 'મારે તમને સજા નથી કરાવવી. આ માણસને સખત માર પડ્યો છે એ તો તમે જાણો જ છો. તમે તેનું ગિરમીટ બીજાને નામે ચડાવવામાં સંમત થાઓ તો મને સંતોષ છે.' માલિકને તો એ જ જોઈતું હતું. પછી હું રક્ષકને મળ્યો. તેણે પણ સંમત થવાનું કબૂલ કર્યું, પણ એ શરતે કે બાલાસુંદરમને સારુ નવો શેઠ મારે શોધી કાઢવો.
મારે નવો અંગ્રેજ માલિક શોધવાનો હતો. હિંદીઓને ગિરમીટિયા રાખવા નહોતા દેતા. હું હજુ થોડા જ અંગ્રેજોને ઓળખતો હતો. તેમાંન એકને મળ્યો. તેમણે મારા ઉપર મહેરબાની કરી બાલાસુંદરમને રાખવાનું સ્વીકાર્યું. મેં મહેરબાનીનો સ્વીકાર કર્યો. મૅજિસ્ટ્રેટે માલિકને ગુનેગાર ઠરાવી તેણે બાલસુંદરમની ગિરમીટ બીજાને નામે ચડાવી આપવા કબૂલ્યાની નોંધ કરી.
બાલાસુંદરમના કેસની વાત ગિરમીટિયામાં ચોમેર ફેલાઈ ને હું તેમનો બંધુ ઠર્યો. મને આ વાત ગમી. મારી ઑફિસે ગિરમીટિયાઓની સેર શરૂ થઈ ને તેમનાં સુખદુ:ખ જાણવાની મને ભારે સગવડ મળી.
બાલાસુંદરમના કેસના ભણકારા છેક મદ્રાસ ઈલાકા સુધી સંભળાયા. એ ઇલાકાના જે જે પ્રદેશોમાંથી લોકો નાતાલની ગિરમીટમાં જતા તેમને ગિરમીટિયાઓએ જ આ કેસની જાણ કરી. કેસમાં એવું મહત્ત્વ નહોતું, પણ લોકોને નવાઈ લાગી કે તેમને સારુ જાહેર રીતે કામ કરનાર કોઈ નીકળી પડયું છે. આ વાતની તેમને હૂંફ મળી.
હું ઉપર જણાવી ગયો કે બાલાસુંદરમ પોતાનો ફેંટો ઉતારી તે પોતાના હાથમાં રાખી દાખલ થયો હતો. આ વાતમાં બહુ કરુણ રસ ભર્યો છે; તેમાં આપણી નામોશી ભરેલી છે. મારી પાઘડી ઉતારવાનો કિસ્સો તો આપણે જોઇ ગયા. ગિરમીટિયા તેમ જ બીજા અજાણ્યા હિંદી કોઇ પણ ગોરાને ત્યાં દાખલ થાય ત્યારે તેના માનાર્થે પાઘડી ઉતારે- પછી તે ટોપી હો કે બાંધેલી પાઘડી હો કે વીંટાળેલો ફેંટો. બે હાથે સલામ ભરે તે બસ ન થાય. બાલાસુંદરમે વિચાર્યું કે મારી આગળ પણ તેમ જ અવાય. મારી સામે બાલાસુંદરમનું આ દ્રશ્ય એ પહેલો અનુભવ હતો, હું શરમાયો. મેં બાલાસુંદરમને ફેંટો બાંધવા કહ્યું. બહુ સંકોચથી તેણે ફેંટો બાંધ્યો. પણ તેથી તેને થયેલી ખુશાલી હું વરતી શક્યો. બીજાને નામોશ કરી મનુષ્યો પોતે કેમ માન માની શકતાં હશે એ કોયડો હજુ લગી હું ઉકેલી નથી શક્યો.