સત્યની શોધમાં/મહેફિલ

વિકિસ્રોતમાંથી
← પહેલો અગ્નિસ્પર્શ સત્યની શોધમાં
મહેફિલ
ઝવેરચંદ મેઘાણી
ખૂનનો આરોપ →


10
મહેફિલ

વિનોદિનીનાં ફરી દર્શન વગર એ અઠવાડિયું ચાલ્યું ગયું. મેંદીમાંથી ખુરશીઓના, મોરલાના વગેરે અવનવા આકારો નીકળતા નિહાળતો શામળ એ છેલ્લા મેળાપના રજેરજ સ્મરણને માળાના પારાની માફક રટતો હતો. અનેક કારમી આફતો અને મુસીબતોમાંથી પોતે એને પોતાની વીરતા વડે ઉગારી લેતો હોય એવાં સોનેરી સ્વપ્નાં સેવતો હતો. એવી ભવ્ય કલ્પનાઓનું એક સુંદર જગત એ પોતાના અંતરમાં સર્જી રહ્યો હતો. તે દિવસ એને પહેલી જ વાર પોતાના ધંધા પર કંટાળો જન્મ્યો. હાય ! રોજિંદી એકધારી ક્રિયામાં અદ્ભુત સાહસને સ્થાન જ ક્યાં હતું ! હું શી રીતે બતાવું કે મારા હૈયામાં શું શું ઊછળી રહ્યું છે ? અરે, હું એની મોટરનો શૉફર હોત ને ! અથવા એને પહાડો-જંગલોમાં પંથ દેખાડનાર ભોમિયો હોત ! અથવા એની પેલી છૂરી-આકારની નાજુક નૌકાનો નાવિક હોત ! આ એ-નાએ રોજિંદા ઘસડબોળામાં મારા જીવનની અદ્ભુતતા દટાઈ જશે તો ? મારા મનોરથોનો મહાસાગર શાંત પડી, થીજી જશે તો ?

એવા ઉચાટ અને ફડફડાટ વચ્ચે એના ભાગ્યપરિવર્તનનો એક દિવસ આવી પહોંચ્યો. નવીનાબાદ ગયેલા દિત્તુભાઈ એક સાંજે ઓચિંતા ઘેર આવી પહોંચ્યા. શામળને હંમેશાં એવી વરધી હતી કે નાના શેઠ ઘેર હોય ત્યારે એના ખંડમાં મૂકવા સારુ ફૂલોની ડાલી તૈયાર કરી મોટા માળીને આપવી. આજ મોટો માળી ઘેર નથી. શામળ મોકો દેખી પોતે જ ફૂલો વેડી અંદર બંગલા-અધિકારીને આપવા ગયો, ત્યાં એ દિત્તુભાઈ સાથે ભટકાઈ ગયો. નાના નોકર તરીકે પોતાનો દરજ્જો સાચવી એણે તુરત ચાલ્યા જવું જોઈતું હતું. પણ દરજ્જો ન સમજનાર શામળ ઊભો રહ્યો. દિત્તુભાઈએ પૂછપરછ કરી : “કેમ શામળ ! કેમ છો ? ફાવે છે કે ?” વગેરે વગેરે.

ત્યાં તો ‘હૉર્ન’ વાગ્યું, ને બગીચામાં એક જબ્બર લાલ મોટર દાખલ થઈ. મોટરમાં બેઠેલાંઓ ‘હલ્લો દિત્તુભાઈ!’ કહી હાથ ઉછાળતાં ચસકા પાડવા લાગ્યાં. નાના શેઠનાં એ અતિ નજીકનાં આપ્તજનો લાગ્યાં. મોટરમાંથી હરણાંની માફક ટપોટપ ઊતરી પડીને એ મહેમાનો દોડ્યાં આવ્યાં. દિત્તુભાઈને ઘેરી લીધો. “અરે, તમે અત્યારે અહીં ક્યાંથી ?” કહી દિત્તુએ આશ્ચર્ય દેખાડ્યું.

 શામળે એક નાચીજ નોકર તરીકે ત્યાંથી ચાલી નીકળવું જોઈએ, પણ એ ભાન ગુમાવીને ઊભો રહ્યો. એણે શું દીઠું ? બે જુવાનો અને ત્રણ છોકરીઓ; ઊંચેરી દુનિયાના વાસીઓ; ઝીણાં ઝીણાં વસ્ત્રોના પાલવ ફરફરે છે; રંગબેરંગી રિબનો, પિનો, ફૂલવેણીઓ ને કલગીઓ એ તમામના દેહ ઉપર પતંગિયાં સમ નૃત્ય ખેલી રહેલ છે. ઓહોહો ! રંગની ભભકે રમવા જાણે વસંતઋતુ નીસરી છે. પગની મોજડીઓનાં પગલાં કેવી કુમાશથી ધરતી પર પડે છે ! એ સપાટો પહેરનાર પગની આંગળીઓ, કાંડાં ને વારે વારે દેખાતી પિંડીઓમાંથી પણ ગુલાબી રંગનો અર્ક નીતરે છે જાણે ! સ્વર્ગની પરીઓ પૃથ્વી પર સરી પડી છે જાણે ! કાનમાં હીંચતાં ઝળહળ એરિંગો, હાથની હીરાજડિત વીંટીઓ ને ગળામાં ઝૂલતી એક એક સેરની મુક્તામાળાઓ : બધાં જાણે કોઈ અપ્સરાઓને હીંચકવાના ઝૂલા છે ! દેહના, જવાહિરના ને પોશાકના – ત્રણેયના રંગો વચ્ચેની મિલાવટમાંથી કોઈ મૂક સંગીતના ઝંકાર ઊઠે છે.

હસાહસ, ઠઠ્ઠામશ્કરી, ખિખિયાટા અને દેહની પ્રત્યેક કળાના લહેકા વડે વાતાવરણ કંપી ઊઠ્યું. જાણે કુંજમાં પંખીઓનો કલરવ જામ્યો. એમાં શામળે એક દીઠી – બીજાં સહુ કરતાં જરી વધુ ગંભીર, ગરવી ને પાછળ રહેતી. ગૌર ને ગુલાબી રંગોના તાણાવાણામાંથી ગૂંથેલું એનું કલેવર હતું. આવું લાવણ્ય તો શામળ વિનોદબહેનમાંયે નહોતું દીઠું. અઢાર વર્ષના દિત્તુભાઈને કંઠે આ અઢાર વરસની કન્યાએ ભુજાઓ પહેરાવી દીધી. “ઓ દિત્તુભાઈ ! દિત્તુભાઈ ! તમારી ગુનેગાર છું, હોં કે ! હું જ આ તમામને અહીં ઘસડી લાવી છું. તમને મળવા હું જ અધીરી બની હતી.”

“તમને અમે કેવા ચમકાવ્યા, દિત્તુભાઈ !” કહેતાં કહેતાં બીજીએ ધબ્બો લગાવ્યો.

“ભારી ચમકાવ્યો મને !” દિત્તુએ આ સુંદરીઓની સ્તુતિ કરી.

એવા પરિહાસ ચાલુ થયા.

“જોયું, દિત્તુભાઈ આપણને એમના બંગલામાં આવવાનુંય કહેતા નથી ! અલી ચાલો, એનું ઘર ઝટઝટ જોઈ લઈએ. ગુપ્ત રાખવા જેવું કંઈક હશે અંદર !”

સહુ અંદર ગયાં. એ સહુ કોણ હતાં ? એક યુવક અને એક કન્યા રાજાબહાદુર કિસનકૃપાલનાં પુત્રપુત્રી હતાં (રાજાબહાદુર કે જેણે પંદર વર્ષ સુધી ઇલાકાનું પ્રધાનવટું કરેલું); બીજો યુવક નૌરંગાબાદ રાજ્યનો ફટાયો કુંવર હતો. એક સાસુન કુટુંબની યહૂદી કન્યા હતી. અને પેલી ગૌર-ગુલાબી સુંદરી હતી સર પિનાકીપ્રસાદ નામના બૅરોનેટની વિધવાની એકની એક પુત્રી મૃણાલિની; જેણે કુલીન સમાજમાંથી ‘એમેચ્યોર’ તરીકે સિનેમામાં ઊતરવાની પ્રથમ પહેલી હિંમત બતાવી હતી – ને એ કારણે જેનો માતાએ ત્યાગ કર્યો હતો.

સંધ્યા ઢોળાતી આવે છે. આઠ જણાંના વાળુની વરધી અપાઈ. ઉપલે માળે રંગરાગ અને ગીતના હિલ્લોલ ચાલ્યા; નીચલી ભોંયે રસોઈ સારુ ધમાચકડી જામી. શામળ પણ ભોજનના કામકાજમાં શામિલ થયો. ચીજવસ્તુ સારુ એક ખંડમાંથી બીજા ખંડમાં આંટા મારતાં રાત્રિની વીજળી-રોશનીમાં શામળ જુએ છે, કે એક છૂપી, નાની, ઊંડી, ભોંયતળિયાની ઓરડીમાંથી કેટલાક શીશા મેડી ઉપર જઈ રહેલ છે. થોડી વાર પછી સોડમ પણ એના નાકે આવી.

આ શું ? મદિરા ? આ લોકો શું પીતાં હશે ? પિવાય ? સમર્થોને પીવાનો હક હશે ? નશો નહીં ચડતો હોય ? કે શું કોઈ અન્નપાચનના આસવો જ હશે ?

ઉપરથી અરધીપરધી એંઠી પ્યાલીઓ નીચે આવવા લાગી તેમાંથી નોકરચાકરો પીવા લાગ્યાં. તેઓના ઉપર છાકટાઈની અસરો દેખાઈ. આ શું એ જ આસવ !

ત્યાં તો ઉપરથી વાળુના ગાનતાન સંભળાયાં. બંગલો કાંપે એવાં ખડખડાટ હાસ્યો; ચકચૂર કંઠો ગાતા હોય તેવાં એલફેલ ગાન, ‘બાંકે સાંવરિયા… આ – આ ! વાહવા જી ! હોને દો ઉસ્તાદ !’ ‘મધુવનમાં ઝૂરે તારી બાલાજોગન !’ એવી એવી ગીતલહરીઓ; મહેલ જાણે રેલી રહ્યો છે.

અર્ધી રાત થઈ ગઈ. નોકરચાકરો ઢળી પડ્યા નિદ્રાના ઘેનમાં. સર્વ શોર શમી ગયા. ગાજે છે કેવળ મહેમાનોની જ મહેફિલ. જ્યોતો પણ ફક્ત ત્યાંની જ ઝગારા કરતી જલે છે.

શામળ જાગ્રત હતો. એ લપાઈને ઉપર ચડ્યો; એક બારણાની આડશેથી તમાશો સાંભળવા લાગ્યો.

સાંભળી સાંભળીને એના કલેજામાં કટારો ભોંકાઈ ગઈ. એણે એક સ્ત્રીની વેધક ચીસો સાંભળી : “નહીં જાઉં – નહીં જાઉં !!”

“જા કહું છું, દૂર થા અહીંથી !” એ સામો પુરુષ-સ્વર સંભળાયો. એ તો દિત્તુભાઈનો જ કંઠ.

બીજાઓને હસતાં સાંભળ્યાં.

કશોક કજિયો સળગ્યો છે. ન સાંભળ્યાં જાય તેવાં વચનો નીકળે છે. શામળ સ્તબ્ધ બની જાય છે.

જોરથી એ ભોજન-ગૃહનું પાછલું દ્વાર ઊઘડ્યું, “જા, ચાલી જા, રંડા !” એ અવાજ સાથે જાણે શામળના શેઠે કોઈ સ્ત્રીને બહાર ધકેલી. છાતી ફાટ આક્રંદ કરતી, પાછી અંદર જવા તરફડિયાં મારતી, શેઠની લાતો ને ગાળો ખાતી એ કોણ બહાર પટકાઈ ?

શામળે ઓળખી : ગૌર-ગુલાબી વર્ણગૂંથણીવાળી, દિત્તુભાઈના કંઠમાં ભુજાઓ રોપનારી રૂપરૂપનો અવતાર પેલી મૃણાલિની. એના કેશ પીંખાયેલા હતા. એના મોં પર મીટ ન માંડી જાય તેવી મુદ્રા હતી. એ બહાર ધકેલાઈ. અંદરથી દ્વાર બંધ થયું. એણે કમાડ પર મરણિયા આઘાતો કર્યા. એનો વિલાપ છાતી ફાટે તેવો હતો.

અંદર દિત્તુભાઈ નવી પ્રેયસીના સંગમાં ગુલતાન કરે છે.

થોડી વાર ઊઘડેલા એ બારણામાં શામળે ઠીક ઠીક દેખ્યું.