લખાણ પર જાઓ

સત્યવીર શ્રદ્ધાનંદ/ભક્તવીર ક્ષત્રિયકુળ

વિકિસ્રોતમાંથી
બે દેશ દીપક
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧


ભક્તવીર ક્ષત્રિકુળ

લંધર જીલ્લાના ઇશાન ખૂણામાં, મૈયા સતલજ નદીને કિનારે તલવન નામનું એક નાનું નગર છે, તે મારી જન્મભૂમિ. લોકો કહે છે કે આ જ પ્રદેશ ઉપર પુરાણ કાળમાં જાલંધર નામના દૈત્યની આણ વર્તતી હતી. મહાદેવનું વરદાન પામીને અમર થયેલા એ જાલંધરને ઘેર જોગમાયા શી પતિવ્રતા પત્ની હતી. એ પત્નીના શિયળને પ્રતાપે તે જાલંધરના દેહમાંથી જ્યાં એક પણ લોહીનું ટીપું ટપકતું, ત્યાં એ ટીપે ટીપે એક્કેક જાલંધર ખડો થતો. એટલે જ રણસંગ્રામમાં જાલંધરનો સદા વિજય વરતો. એને વરદાન હતું કે જે દિવસે તારી સ્ત્રીનું સતીત્વ ભ્રષ્ટ થશે તે દિવસે જ તું મરીશ. આખરે વિષ્ણુ ભગવાને છલથી જાલંધરનું રૂપ ધરી, એ મહાસતીને શિયળભ્રષ્ટ કરી કેવી રીતે દૈત્યને નાશ કરાવ્યો, તે કલંક-કથા જાણીતી છે.

મારો જન્મ એક ક્ષત્રિ-કુળમાં થયો છે. મારા પૂર્વજો ફક્ત જન્મે નહિ, ગુણે કર્મ પણ ખરા ક્ષત્રિયો હતા. સાથોસાથ ભક્તિનો સંસ્કાર પણ મારા વંશમાં ઉત્તરોત્તર વહેતો આવેલો છે, આજ મને મારા મોટા દાદા સુખાનંદ સાંભરે છે. સાચેસાચ એ આનંદની મૂર્તિ હતા.. પિતાજી પાસેથી સાંભળ્યું છે કે મોટા દાદાનું મુખ નિરંતર પ્રસન્નતાની કાન્તિથી ઝલકતું હતું. ક્રોધ તો એ કદી કોઈ પર કરતા નહિ. કોઈનાં દુરાચરણ દેખી દુભાતા ત્યારે પણ એના મોંમાંથી ફકત આટલા જ શબ્દો નીકળતા કે “અરે ભાઈ ! તું ડાહ્યો થઈને ધર્મ પરથી ગબડી પડ્યો !” એની મોટામાં મોટી ગાળ કઈ ? 'ડાહ્યો !'

દાદાજીનું નામ લાલા ગુલાબરાય. એ પણ હરિભક્તિમાં તલ્લીન રહેતા. રોજ પ્રભાતે બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠે, સ્નાન કરે, સુખમણિ તથા ભગવતગીતાના શ્લોકો લલકારે, ને પછી કબીર ઇત્યાદિ ભક્તનાં ભજનો ગાયા કરે, ભક્તિની એ મસ્તીમાં પણ ક્ષત્રિવટની કેવી ખુમારી ભરી હતી તેનો દાખલો દઉં : ક્પૂર્થલામાં પોતાના રાણીશ્રી હીરાદેવીના એજન્ટ હતા. મહારાજા નૈનિહાલસિંહ ગાદીનશીન થયા ત્યારે રાણીજી પોતાના બન્ને કુંવરને લઈ જલંધર આવી વસ્યાં, એટલે દાદાજી પણ મહારાજા નૈનિહાલસિંહની લાલચોની પરવા ન કરતાં પોતાનાં અન્નદાતા રાણીજીની જ સાથે ચાલ્યા આવ્યા. રાણીજીના પરિવારની સાથે જ પોતે રહેતા હતા. બન્યું એવું કે રોજ પ્રાતઃકાળે ચાર વાગે દાદાજીના પંચમ સૂરમાં ગાજતા ભજન-લલકારથી રાણીજીના કુંવર વિક્રમસિંહની નિદ્રા ઊડી જતી. રોષે ભરાઇને એક દિવસ કુંવરે દાદાજીને કહ્યું: 'લાલાજી ! પરમેશ્વરનું રટણ શું આપ મનમાં મનમાં નથી કરી શકતા ?'

દાદાજીએ પરખાવ્યું, 'મારા મનમાં તો નિરંતર પરમાત્મા વસી રહ્યા છે. પરંતુ ભજન તો ગાઉં છું એ નાદાનોને માટે, કે જેઓ પ્રભુ-સ્તવનની અમૃત-ઘડીએ પણ પથારીમાં ઘોરતા પડ્યા હોય છે ! સમજ્યા કુંવર ?'

આવા નિર્ભય પ્રભુભક્તને ઘેરે મારા પિતા નાનકચંદ્રનો જન્મ થયો હતો. એને પણ બચપણમાં દાદાજીનો જ પાસ લાગેલો. રોજ બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠવું ને પૂજામાં બેસવું, એ નિયમ ચૈાદ વર્ષની વયથી શરૂ થયો અને છપ્પન વર્ષ સુધી – એટલે કે મૃત્યુની ઘડી પર્યંત ચાલુ રહ્યો હતો. પિતાની ખુમારી પણ વારસામાં જ મળી હતી. કપૂર્થલામાં થાણદાર હતા ત્યાં વજીરસાહેબની સાથે ટપાટપી બોલાવી અને થાણદારીને ઠોકર લગાવી. સિયાલકોટમાં ખજાનચી નીમાયા. ત્યાં પણ અંગ્રેજ અધિકારીને રોકડું પરખાવી નોકરી છોડી દીધી. અમૃતસરની તહસીલમાં નોકર રહ્યા. તહસીલદાર પર રૂશવતનો મુકદમો મંડાયો. આખી તહસીલ પર ગુનો સાબિત થયો. તમામ બરતરફ થયા, પરંતુ મારા પિતા સામે એક પણ પુરાવો. ન મળ્યો. એ નિર્દોષ ઠર્યા, છતાં ઉદાસ બનીને રાજીનામું દીધું. થોડા વખત પછી લાહોરની પોલીસમાં બક્ષી નિમાયા; દાદાજીની પાસેથી એક પણ પૈસો લીધા વિના કુટુંબથી નોખા થઈ, એક નાની ઓરડી ભાડે રાખી, તેમાં મારાં માતાજીને બાળબચ્ચાં સાથે મૂકી, પોતે એકલાએ લાહોરનો રસ્તો લીધો.

મારી બહેનના વિવાહ કરવા હતા. પણ લાહોરમાં પિતાજીનો પગાર બહુ ટૂંકો હતો. વિવાહમાં પૈસાની તંગીને લીધે નાક કપાવાનો ડર હતો. તેવામાં ૧૮૫૭નો બળવો ફાટે છે. એક કાણીઆ ટટ્ટુ પર પલાણ નાખી, પ્રભુનું નામ લઈ પિતાજી દિલ્હીનો રસ્તો પકડે છે, બળવાની માર માર કરતી ચાલી રહેલી કતલમાંથી પોતાનો માર્ગ કરી બહાદુર પિતા પોતાની સરદારી નીચેના છવ્વીસ સિપાહીઓને લઈ બળવાખોરોએ ઘેરેલા હિસારનગરમાં દાખલ થાય છે. એક સીખ સરદાર પણ પોતાના બસો સવારો લઈ, જે અંગ્રેજ સરકારે પોતાની માતૃભૂમિ પંજાબને બે વર્ષ પૂર્વથી જ દાસી બનાવી લીધેલી, તે જ અંગ્રેજ સરકારની મેખો ભારતવર્ષ પર મજબૂત કરવા માટે આવી પહોંચ્યા છે. પોતાના બસો ઘોડેસ્વારોને ગામ ફરતા ત્રણ આંટા ખવરાવી, હુમલો કરી, બળવાખોરને વિદારી, સરદાર સાહેબ આ રણમાં વિજય પ્રાપ્ત કરી, લૂંટફાટ રૂપી ઇનામ લેવા દિલ્હી ચાલ્યા ગયા, એટલે પાછળથી મારા પિતાજી બળવાખોર કોટવાળની કિરીચ કબજે કરી બળવાખોરને ફાંસી દેવરાવવાના શુભ કામમાં લાગી ગયા ! ત્યાંથી મળેલી રૂશ્વતમાંથી દીકરીના વિવાહને માટે પૂરતું દ્રવ્ય એમણે ઘેર મોકલ્યું, એટલું જ નહિ પણ ઘોડા ખરીદ કરીને પોતાના ર૬ કુટુંબીઓને રસાલાના અમલદાર બનાવ્યા. ૭૫ જાટ લોકોને ઘોડેસ્વારો તરીકે સાથે લઈ મીરઠ પહોંચ્યા, રીસાલદાર નીમાયા, મંગલાચરણમાં જ પહેલું પૂણ્યકાર્ય એ કર્યું કે આખા સહરાનપુર જીલ્લાનાં હથિયાર ઝૂંટવી લઈને એ જીલ્લાના ગળામાં ગુલામીની સાંકળ પહેરાવી, પછી નેપાલ તરફ મેલાઘાટની લડાઇનો છાપો માર્યો. એ લડાઈના મેદાન પર પણ એમની પૂજા નહોતી અટકી. નદીને કિનારે છાવણી હતી, સામે કિનારેથી શત્રુઓની ગોળીઓ ચાલતી હતી, તે છતાં રિસાલદાર સાહેબનાં પૂજાસ્નાન માટે તો પાણીનો એક ઘડો નિયમિત આવતો જ રહેતો !

મેલાઘાટના વિજય પછી લડાયક ટુકડીઓને વિખેરી નાખવામાં આવી અને પિતાજીને સિવિલ પોલિસમાં નોકરી મળી. બળવામાં બતાવેલા વીરત્વ બદલ પિતાજીને કહેવામાં આવ્યું કે કાં તે બારસો વીઘા જમીન સ્વીકારો અથવા પોલીસ ઇન્સ્પેક્ટરનું પદ સ્વીકારો. આપણા દેશની ઉક્તિ મુજબ ખેતી ઉત્તમ ને નોકરી કનિષ્ટ છે. પરંતુ એ સમયે તો આપણા કમભાગ્યે નોકરી સિવાય અન્ય કોઈ કામ પ્રતિષ્ઠિત નહોતું ગણાતું, એટલે પિતાજી જમીન કેમ સ્વીકારે? બન્યા પોલિસ ઇન્સપેકટર સાહેબ !