સમરાંગણ/પરદેશીને તેડું
← મસલત | સમરાંગણ પરદેશીને તેડું ઝવેરચંદ મેઘાણી |
લોહીનું ટીપું પાડ્યા વિના → |
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો. |
ઘોડો જે રાતે નહનૂને ઉપાડીને સૌરાષ્ટ્ર તરફ પાંખો કરી ગયો તે રાતથી ઇતમાદખાન પણ હાથ ઘસતો બની પલાયન થયો હતો. એની પાસે સુલતાન-પંખીડું છે એ માન્યતાથી એનો પીછો અન્ય ઉમરાવોએ લીધો હતો. ગુજરાતમાં એને ઊભવાની જગ્યા રહી નહોતી. એ જીવ લઈને પહાડોમાં શરણ શોધતો રહ્યો. પાલના પહાડો પર એક દિવસ ઇતમાદે સમાચાર જાણ્યા કે અમદાવાદનું તખ્ત તો એક ગુલામના છોકરાએ રોકી લીધું છે. આ સાંભળીને એણે દાઢી પસવારી. એને સંદેશો મળ્યો કે તખ્ત પર બેસનાર ગુલામ-પુત્ર ચંગીઝે પ્રજામાં નવો છાકો બેસારી દીધો છે. ફોજના એક મુગલ સિપાહીને, એ સિપાહી કોઈ ગરીબની બેટીને ઉપાડી લાવેલ તે અપરાધ બદલ, છડેચોક ફાંસીને લાકડે લટકાવ્યો છે : અને વસ્તીનાં લચી રહેલાં ભરપૂર ખેતરોમાંથી જુવારના એકાદ રાડાને પણ ન અડકવાની એની કરડી આજ્ઞા લશ્કર પર ફરી વળી છે. એ ન્યાય આપે છે, અરજો સાંભળે છે, તાબડતોબ રાહત આપે છે, દંડ દે છે, રક્ષણ કરે છે. સાંભળીને ઇતમાદ ઠરી ગયો.
એમાં એક દિવસ કાસદ એક સંદેશો લઈને અમદાવાદથી આવ્યો. સંદેશો અમદાવાદના નવા તખ્તધારી ચંગીઝખાન તરફથી હતો કે ‘ખાનજી, પાછા વળો. આપને માટે આપનો દરજ્જો, માન ને મરતબો, પોશાક અને પદવી તૈયાર છે.’
સંદેશો લાવનાર અમીરને ઇતમાદે આંખો ઝીણી કરીને પૂછ્યું : "હંમ ! મને પાછો તેડાવવામાં શો ઇરાદો છે ચંગીઝખાનનો ?”
“ઇરાદો આ છે : હવે ગુજરાતને સાચા કે ખોટા, લંપટ કે સદાચારી, કોઈ કરતાં કોઈ સુલતાન-બુંદના તખધારીને હાથ સોંપીને અમીરોમાં એકબીજા સામેની ખટપટો ને ઈર્ષાઓ જલાવવા દેવી નથી. હવે દારૂ અને દુરાચારમાં ડુબાવેલા સુલતાનોની જમાત ખતમ થઈ ગઈ. આવો, ઇતમાદખાન, આવો, સમસ્ત અમીરો, આપણે અમીર મંડળ જ રૈયતની રાય પૂછતા પૂછતા અદલ ઇન્સાફવાળો વહીવટ કરીએ. આપણામાં ન કોઈ મોટો, ન કોઈ નાનો, આપણે સર્વ સમાન, પણ એક સમર્થને આપણા અગ્રપદે સ્થાપીએ, ગુજરાતના ગુલશનને ફરી એકવાર ગુલોથી ભરપૂર, મહેકતું, સુખી સંતોષી બનાવી દઈએ.”
સર્વ વાત સાંભળી લઈને ઇતમાદે દાઢી પર હાથ નાખ્યો. સંદેશો લાવનારને કહ્યું : “હા, ઠીક વાત છે. હું વિચાર કરું છું.”
બીજી તરફથી બીજો એક સંદેશો આવ્યો : “હું આ મુલકમાં આપને મદદ કરવા આવ્યો છું. ચાલો, આપણે એકત્ર બની આ પ્રજાપ્રેમના, ડોળઘાલુ ગુલામ બેટા ચંગીઝખાનને ચોળી નાખીએ. આપને આપના અસલ સ્થાન પર નીમી દઈને અમે તો અમારે દેશ સિધાવીશું.”
પહેલો અવાજ સ્વદેશીનો, સમોવડિયાનો, સજ્જનનો હતો. બીજો અવાજ એક પરદેશીનો, બુરહાનપુરના પાદશાહ-બેટા મીરાન મહમદશાહનો હતો.
સ્વદેશી અને પરદેશી, બન્ને અવાજોને ઇતમાદે ઉત્તર આપ્યો કે “હાં, હું તમારી સાથે છું, હા, હું તમારે જ પક્ષે ચાલ્યો આવું છું.”
ચંગીઝખાનના સંદેશાને સામે રાખીને ઇતમાદ એકલો એકલો હસી પડ્યો : ‘ગુજરાત, ગુજરાતનું પ્રજાસુખ, ગુજરાતની ગુલશન સમી ખૂબસૂરતી ! હટ ! એક સુલતાન-સર્જકને એવી પોચી ભાવનાઓની શી પડી હતી ! મારી તો ગણતરી છે, પાછા ગુજરાતની ગાદીના કુલ માલિક બની જવાની.
પણ એણે મોડું કર્યું, અતિ મોડું કર્યું. એને તો બેસવું હતું, જીતનારના ગાડે. એણે રાહ જોઈ, બીજાઓનો ઘડોલાડવો થઈ જવાની. પરદેશી બુરહાનપુરી પરાજય પામીને ભૂંડે મોંએ પાછો વળ્યો, કેમ કે સ્વદેશપ્રેમી ગુલામ ચંગીઝના કલેજામાં ગુજરાતને ગુલશન બનાવવાની જે તમન્ના હતી તે તમન્નાએ પરદેશી બુરહાનપુરી મહમદશાહને ક્યાં મરણિયો કરી મૂક્યો હતો ? સ્વદેશપ્રેમી ચંગીઝે સાંભળી લીધું કે એ પરદેશી લૂંટારાના પીઠબળ તરીકેનું કામ પાલ પ્રદેશમાં બેઠે બેઠે ઇતમાદે જ કર્યું હતું.
બુરહાનપુરીને માર મારી પાછો કાઢ્યા બાદ ફરી વાર ચંગીઝે કાસદ મોકલ્યો.
“ઓ ઇતમાદ ! હજુ આવો, પાછા આવો, પાલનું તમને પાણી લાગશે. રાજ-બુંદની જીદ છોડી દો, આવો, ગુજરાતને ગુલશન બનાવીએ.” પણ ઇતમાદે તો નિશ્ચય કર્યો : ‘ન જાઉં, ગુજરાત ગુલશન બને તેમાં મારી કઈ મુરાદ ફળે ? હું ત્રણ-ત્રણ સુલતાનોને માથે હાથ મૂકીને ગુજરાતનું તખ્ત સોંપનારો, ન લઉં એ ગુલામ-પુત્રની મહેરબાનીનો ટુકડો.’
ઇતમાદ એકલો પડી ગયો. એક પછી એક તમામ અમીરોએ ચંગીઝખાનની તાબેદારી સ્વીકારી.
પણ ચંગીઝખાન સ્વપ્નદ્રષ્ટા હતો. ગુજરાતના અમીરો ધરતીનાં માનવી હતાં. સ્વપ્નદ્રષ્ટાની એક જ ભૂલ થઈ ગઈ. પોતાની માતાના જનાનખાનામાં એક ગુલામ હતો. મુસલમાન રાણીવાસના ગુલામો એટલે કાં તો કુદરતી જ નામર્દી, અથવા બનાવી લેવામાં આવેલા નામર્દો. આ નામર્દનું નામ બીજલખાન. ચંગીઝખાનના બાપે એ ગુલામને ભણાવેલો ને ચંગીઝખાને એને અમીરની પદવી આપી, ખંભાત ગામ એનાયત કર્યું. પણ એ ભૂલ થઈ હતી. ચંગીઝખાને ફરીથી વિચાર કર્યો. ખંભાત ફરીથી પોતાની માને અર્પણ કર્યું. ચંગીઝ સ્વપ્નદ્રષ્ટા મટીને વ્યવહારદક્ષ બન્યો. ચંગીઝે ગુલામ અને મા વચ્ચે કિંમતનો તફાવત મૂક્યો. એ વ્યવહારદક્ષતાએ ચંગીઝના માથાનું મૂલ લીધું. ખસ્સી પ્રાણી વધુ નરમ બને છે, પણ ખસ્સી માનવી બને છે ભયાનક, નપુંસક બીજલખાને અન્ય બે અમીરોને ઉશ્કેરી ચંગીઝનો શિરચ્છેદ કરાવ્યો.
‘ઈન્શાલ્લાહ !’ પાલના ડુંગરોમાં લપાઈ બેઠેલ ઇતમાદખાંએ ફરી એક વાર દાઢી પસવારી અને એણે યુક્તિ વિચારી. મુઝફ્ફર ભલે મારા હાથમાં નથી, છતાં અમદાવાદ પહોંચીને દાવ અજમાવું.
‘હું સુલતાન મુઝફ્ફરને લઈને આવું છું’ એવો સંદેશો એણે અગાઉથી પહોંચાડ્યો, અને પછી પોતે એક દિવસ અમદાવાદ જઈને ઊભો રહ્યો. અને અમદાવાદ નગરનો જેણે કબજો લીધો હતો તે શેરખાન ફોલાદીએ ખાંસાહેબનું સ્વાગત કર્યું. પૂછ્યું : “સુલતાન ક્યાં બિરાજે છે ?”
“સલામત છે – મારા નક્કી કરેલા સ્થાનમાં.”
“સાથે પધારવાના હતા ને ?”
“હા, પણ અહીંનો બંદોબસ્ત જોયા પછી જ એમને આંહીં લાવું એવો વિચાર કર્યો – એમની સલામતી માટે વિચારવાની ખરી ને ?”
“સાચું છે, જનાબ !” શેરખાનના મોં પર વિનોદ તરવર્યો ; “આપે જ એમને સાચવ્યા, નહિતર આજ એનું કોણ હતું ? સાંભળ્યું હતું કે સુલતાન સૌરાષ્ટ્રમાં ગયા હતા.”
“હા, પણ કાઠીઓએ એમને મહેમાનીનો કડવો સ્વાદ ચખાડ્યો, તોબાહ પુકારીને પોતે મારી પાસે આવતા રહ્યા.”,
વાતો કરતાં કરતાં શેરખાન અને ઇતમાદખાને ભદ્રમાં પ્રવેશ કર્યો. શેરખાને કહ્યું : “અહીં જરા પધારો, સૌ આપની જ રાહ જુએ છે.”
“ભલે, ચાલો.”
અમદાવાદની આખી બજારને અને ભદ્રને ધજા-પતાકાએ શણગારેલાં દેખીને ઇતમાદખાને ગર્વ અનુભવ્યો. એને આ સ્વાગત પોતાનું જ લાગ્યું. મલપતે પગલે ચાલતાં ચાલતાં ખાંસાહેબ સુલતાન-કચેરી તરફ ચાલ્યા, તો ચોઘડિયાં વાગતાં હતાં, ડંકા-નિશાન ગાજતાં હતાં, છડીઓ પુકારાતી હતી. ‘વાહ ! વાહ !’ એવું ડોલતું દિલ લઈને પોતે કચેરીમાં પગ મૂક્યો; પગ મૂકતાંની વાર એણે જે દીઠું તેનાથી પોતે ચમકીને ઊભો રહી ગયો. પઠાણ શેરખાન આ કોનો રાજદંડ પકડીને ઊભો છે ? આ તખ્ત પર કોણ છે ? એક જુવાન છે. એની રક્ષા કરતા પચાસ પટાધર કાઠીઓ સફેદ કપડાં સજીને કચેરીમાં ઊભા છે. તખ્ત પર બેઠેલો એ જોબનજોધ મુઝફ્ફર નહનૂ જ છે. શેરખાન અને અન્ય અમીરો આજે ફરી એક વાર એની કુરનીશ બજાવી રહ્યા છે.
“ધ્રૂજો ના, ઇતમાદખાન !” શેરખાન ફોલાદીએ સંભળાવ્યું : “તમારે માટે હજુ પણ આશા છે. અમે તો તમને હાથીને પગે છૂંદાવવાના હતા, પણ સુલતાનની દયા અમારી આડે આવી છે. તમારી જૈફી તમારું જીવતદાન દેવરાવનાર બની છે. બોલો, શાંતિથી તસ્બી ફેરવવી છે ?”
ડબ ડબ ડબ, ઇતમાદખાનનાં નેત્રો વહેવા લાગ્યાં. એણે કહ્યું : “મુઝફ્ફરશાહ ! મારા સુલતાન ! મારા બચ્ચા ! મને ખત્મ જ કરો. હું જીવવા માગતો નથી.”
“ઇતમાદખાન !” સુલતાન મુઝફ્ફરે કહ્યું : “તમને ખત્મ કરવાની મારી હિંમત નથી. તમે મને ઉછેર્યો છે. જાવ, અમદાવાદ જેમ મારું તેમ તમારું પણ ઘર છે. બંદગી કરો. કોઈ તમારું નામ નહિ લે. ને હું તો આ જિંદગી પાસેથી એક જ વાત શીખ્યો છું : ઇતબાર કરવાની વાત. જાઓ.”
ધીરેધીરે ડગલે ઇતમાદખાન પાછો વળ્યો. ઘેર ચાલ્યો ગયો.
“કાઠીભાઈઓ !" નવેસર સુલતાન બનેલો મુઝફફર હવે બાળપણાની બેવકૂફ બોલીને વટાવી જઈ ડહાપણનાં વિદાય-વચનો બોલતો હતો : “કાઠીભાઈઓ! સલામો કહેજો લોમા ખુમાણને, પણ અસીમ પ્યારથી ભરેલી મારી અદબ તો દેજો કાઠિયાણી બહેનનાં કદમોમાં. એનો બનાવ્યો જ હું આજે સુલતાન બનું છું. ને કહેજો એને, કે સલ્તનતના સિંહાસન પરથી ગબડી પડીશ તે દિવસ પાછો હું કાઠિયાણી બહેનનાં જ કદમોમાં દડતો દડતો આવી પહોંચીશ.”
“આવજે ભણેં બા ! જરૂર આવજે ! તુંથી વષેક શું છે, ભણેં બાપ !” કાઠી સરદારે સરળ જવાબ દીધો.
કાઠિયાણી બહેનને માટે અઢળક પહેરામણી લઈને લોમા ખુમાણના અંગરક્ષકો સૌરાષ્ટ્ર સિધાવ્યા. અને અમદાવાદ શહેરમાં પોતાના ઘરને ઉપલે માળે ઇતમાદે એકલવાસ સ્વીકાર્યો. અમીરો ને સેનાપતિઓ મુલાકાતે આવ્યા. નીચેથી જ ઈતમાદે જવાબ મોકલ્યો : “હમો દુનિયાદારીથી વાનપ્રસ્થ થયા છીએ. હમારા ઘરના ખૂણામાં એકાંતે રહીએ છીએ. તમે જાણો ને દેશ જાણે. સુલતાન જાણે ને ગુજરાત જાણે. આ ખૂણામાં રહેવા દેશો તો ઠીક છે, ન રહેવા દેવા હોય તો હમો જ્યાંથી આવ્યા છીએ ત્યાં ચાલ્યા જશું.”
પણ એ એકાંતવાસી વાનપ્રસ્થ પુરુષ કયા ઈશ્વરને ભજી રહ્યો હતો ? કિનાને : સર્વસત્તાધીશીને : ગુજરાતના ગુલશનને નહિ, પણ ગુજરાતના કબજા-ભોગવટાને. એ કોઈક છૂપો કાગળ લખાવતો હતો.
એકાએક એની મેડી પર એ કોણ ચડી આવ્યું ? સૈયદ મુબારકના પુત્ર સૈયદ મીરાનને જોઈ ઇતમાદને ધ્રાસકો પડ્યો. એણે લખેલો કાગળ ગોઠણ નીચે દબાવી દીધો. હાંફળાફાંફળા બનીને એણે સત્કારના સખુનો કહ્યા : “આઈયે હઝરત, આઈયે ! સુબાનલ્લાહ ! આપ ક્યાંથી ?”
“એક જ વાત કરી લેવા આવ્યો છું, ખાંસા’બ ! ફુરસદ હોય તો કહું.”
“બેલાશક બોલો.”
“યાદદાસ્ત કેવીક છે ?”
“ખુદાની રહમથી સારી છે.”
“સુલતાન મહમૂદ ત્રીજાના વખતમાં વિદેશી શાહ ચડી આવેલો ત્યારે તમારી ને મારા પિતા વગેરે અમીરોની મસલતોમાં શું થયું હતું તે યાદ છે ?”
“બેશક, મેં કહ્યું કે આપની ફોજ છોટી છે, પરદેશની ફોજ બુલંદ છે, ચાલો આપણે દિલ્હીના પાદશાહને આંહીં તેડાવીએ.”
“ત્યારે મારા પિતાએ શું કર્યું હતું, ખબર છે ?”
“શત્રુ સામે જંગમાં ઊતરીને ખપી ગયા હતા.”
“ત્યારે એને કોની સલાહ મળી હતી જાણો છો?”
“નહિ."
“તો સાંભળો. એક પરદેશીથી બચવા માટે બીજા પરદેશીને નોતરી આવવાની તમારી સલાહ સાંભળ્યા પછી મારા પિતા ચુપચાપ જેની પાસે ગયા હતા તે હતી પોતાની પુત્રવધૂ : આપની સામે આજે બેઠેલા મીરાનની જ એ પરણેતર યુવાન ઓરત.”
“ઓરત !”
“હા ખાંસાહેબ, એક બુઝર્ગ વયના રાજનીતિજ્ઞ સૈયદે તે દિવસ અન્ય શાણાની નહિ પણ પોતાની પુત્રવધૂની સલાહ પૂછેલી કે “બીબી બેટા, અમીરો મને આમ કહે છે; મારે શું કરવું, મને માર્ગ બતાવ, બચ્ચા !”
“ને તમારાં બીબીએ શું કહ્યું હતું ?”
"કહ્યું હતું કે હું તો બીજી શી સલાહ આપી શકું ? હૃદયમાં સ્ફૂરે છે તે કહી નાખું છું. બાબાજાન, આપની ઉંમર કેટલી થઈ ? મારા પિતાએ કહ્યું, અઠ્ઠાવન વર્ષની : તો બીબીએ કહ્યું કે હઝરત પયગમ્બરના વંશજો 60થી 70 વર્ષ જ ઘણુંખરું જીવે છે. તો પછી બાકી રહેલી કેટલી જિંદગીને ખાતર આપ અત્યાર લગીની આબરૂ પવનને સોંપીને દિલ્હીના પાદશાહની પાસ સિધાવો છો ? શું એ કહેશે નહિ કે તમે એક બકાલથી ડરી આંહીં નાસી આવ્યા ! માટે સૌથી સરસ રસ્તો તો મરવાનો નિશ્ચય કરી છેલ્લી લડાઈ લડી લેવાનો છે. આ હતી એક ઓરતની સલાહ. સલાહ જ આપીને એ ઓરત નહોતી બેઠી રહી. એણે સસરાની સાથોસાથ પોતાના બાર વર્ષના દીકરાને પણ જંગમાં મોકલેલો. ખાંસાહેબ, આજે હું પણ એ જ સૈયદ ઓરતનો સંદેશો આપને આપવા આવ્યો છું.”
“મને... મને... મને...”
“હા હા, ખામોશ રાખો ખાંસાહેબ આપને,”
“પણ મેં... મેં... મેં...”
“આપે મુગલોને ગુજરાત ખૂંદવા આવવાનું ઇજન આપ્યું છે. આપે. એમનાં કદમે કદમે અશરફીઓની સડક બાંધી છે. કારણ...”
“કારણ ?” ઈતમાદમાં પોતાનાં ચશ્માં સોંસરા દૃષ્ટિ તાકી રહ્યા.
“કારણ, બસ, ફક્ત આટલું જ, કે આજે નહનૂ મઝફ્ફર આપની પહેરેગીરીમાં નથી, તો બીજા કોઈ ખાંસાહેબની ચોકીદારીમાં છે.”
“નહિ નહિ – હૈં-હેં-હેં હઝરત !” બુઢ્ઢો ઇતમાદખાં હસી કાઢતો હતો.
“ને આ બધું પાછું આપ વાનપ્રસ્થાશ્રમના નામે કરી રહ્યા છો.” સૈયદ મીરાનની વાણીમાંથી યોદ્ધા અને ધર્મવીર, બેઉનું મિશ્ર ગળું ગુંજતું હતું.
“આપને કોઈકે ભંભેર્યો લાગે છે, હઝરત !”
“ખુદાને ભંભેરણીની રીત પસંદ નથી. બીબીને કહેનારો એ એક જ છે. ખુદાને બદનામી ન આપો, ખાંસાહેબ !”
“ને ગુજરાતની બદનામી આ અફઘાનો કરી રહ્યા છે તે તો અટકાવો, હઝરત !”
“એ અટકાવવાની કોશિશો માટે જ હું જીવું છું. પણ એની અટકાયતનો ઈલાજ પરદેશી મિરઝાઓ નથી, બહારવાળાઓ નથી, દિલ્લીનો શહેનશાહ નથી...”
“કોણે કહ્યું પણ ?”
“નહિ, હું તો સહજ કહું છું. મારો મનોરથ તો આપણી ને આપણી ભૂમિ આ ગુજરાતની અંદરથી જ સુલેહની અને રાષ્ટ્રની પાક ખિદમતની શક્તિઓ ઉત્પન્ન કરવાનો છે. એટલા માટે જ હું ગુજરાતની અમીરાત વચ્ચે એકસંપી શોધું છું. બિચારો શેરખાન ગુર્જર અમીરોના સંગઠન પછી કેટલા રોજ ? ચંદ રોજ ! પણ ગુજરાતમાંથી એક શેરખાનને હાંકી કાઢવા હું બીજા પરદેશીને તો નહિ જ બોલાવું. એ કરતાં તો હું શેરખાનને ગુજરાતી બનાવી લેવા માટે એને પક્ષે ઊભી પ્રાણ આપીશ.” બોલતાં બોલતાં સૈયદ મીરાનની આંખોમાં રોશની ઊઠતી હતી.
“આપને તો મારે મારી યોજના કહેવી હતી, હઝરત ! આપ ઊલટા જ માર્ગે ચડી ગયા છો.”
“એક પાક ઓરતે બતાવેલો એ માર્ગ છે. બસ, વધુ કાંઈ કહેવું નથી, રજા લઈશ.”
“આદાબ, હઝરત !”
સૈયદ મીરાન ગયા, એટલે અધૂરો લખેલો કાગળ વાનપ્રસ્થ ઇતમાદખાંએ પૂરો કરવા લીધો. એ કાગળ દિલ્હીપત અકબરશાહને સંબોધાયેલો હતો. એની છેલ્લી પંક્તિઓ આ હતી : “જો પાદશાહ જલદીથી આવશે તો ગુજરાત પાદશાહને મળશે, નહિતર અફઘાનોને હંફાવવા અમદાવાદ શહેર અમે મિરઝાઓને આપીશું.”
સહી, સિક્કો ને સીલ કરીને ઈતમાદે એ કાગળ ડીસા રવાના કર્યો. મુગલ સુલતાન અકબરશાહનો મુકામ ત્યારે ગુજરાતની સરહદ પર જ હતો.
કાગળ મોકલીને પોતે પથારી પર ગયો. જઈને બોલ્યો : “મારું પણ બેવડે દોરે કામ છે ! કાં તો મિરઝાઓ આવી પહોંચે છે, ને કાં અકબરશાહ પહોંચે છે.”
“મિરઝાઓને કહેશું, કે મારો અકબરશાહને : અકબરને બિરદાવશું કે માર મિરઝાઓને.”
થોડી વાર એ થોભ્યો. સૈયદ મીરાનની વાણીનો એક બોલ એના મનમાં ગોખાઈ રહ્યો હતો : “ગુજરાતી ! આપણે ગુજરાતી ! આપણે મુસ્લિમો કે ગુજરાતી ? ગુજરાતી જેને થવું હોય તે થાય. હું તો થઈશ મુગલ, તારતાર, મંગોલ, પઠાણ – ગુજરાતને કબજે રાખવા જે થવું પડે તે !” એમ કહીને એણે સામે પડેલા આયનામાં પોતાનું મોં બગાડ્યું : “ગુ-જ-રા-તી !!!”