લખાણ પર જાઓ

સમરાંગણ/મંત્રણા

વિકિસ્રોતમાંથી
← પહેલું ટીખળ સમરાંગણ
મંત્રણા
ઝવેરચંદ મેઘાણી
‘રહીમ ! રહીમ !’ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


28
મંત્રણા

ખેરડીના કાઠી-ગઢમાં આજે ફરીવાર એક મસલત ચાલે છે. બેઠેલા બે જણાની વચ્ચે બે ચીજો પડી છે : એક છે માળા ને બીજું છે કુરાન. એક લોમા ખુમાણ છે, બીજો મુસ્તફાબાદ (જૂનાગઢ)નો દૌલતખાન ગોરી છે. ખુમાણની ભરાવદાર દાઢી પોણા ભાગની સફેદ થઈ ગઈ છે. એના બેઉ બાજુના કાતરા ઊડઊડ થાય છે. જુવાન દૌલતખાનની દાઢી હજુ તો પાણી પીતીપીતી જથ્થો બાંધતી આવે છે. લોમો ખુમાણ બોલ્યો : “આ વખતે આવશે તે તો પાદશાહનો કાળ-ઝપાટો હશે, સૂબેદાર સાહેબ.”

“હું સમજું છું. ને આપણે જામની સખાતે નહિ જાયેં તો ય પાદશાહ છોડવાનો નથી.” દૌલતખાને નિશ્વાસ નાખ્યો : “ને મુઝફ્ફરે આશરો લીધા પછી જામ કાંઈ હવે આશ્રિતને છોડવાના નથી.”

“જામ જીતે તો જામ આપણને સુખે રાજ કરવા દે, એ પણ આશા નથી.”

“જામ જીતે એવું લાગે છે ?”

“જેસા વજીર ને અજો જામ જીવતા છે ત્યાં સુધી જામની ફોજ અણખૂટ સમજવી. એ બેનું નામ પડતાં મડદાં બેઠાં થાય છે.”

“ત્યારે આપણે તો સૂડી વચ્ચે સોપારી.”

“અક્કલ ચલાવીએ તો સોપારી સેરવી પણ લેવાય, ને સૂડી ય બૂઠી બની જાય.” લોમા ખુમાણે આશા આપી. “એવી રીતે રમવા જેવી રમત છે કે જામ હાર પણ ખાય, ને પાદશાહી સૂબો આપણો ઓશિંગણ બની રહે.”

“આપણે જામની સખાતે જાયેં જ નહિ ને પાદશાહનો અમલ સ્વીકારી લઈએ તો ?”

“પાદશાહ ઇતબાર રાખે નહિ. આ તો ત્રીજી વારનો મામલો છે. અગાઉ બે વખત આપણે બોલ્યું પળ્યા નથી.”

“ત્યારે ?'

“હું એ જ કહું છું. જામની સખાતે જવું, ને સૂબાને સંદેશો દઈ મેલવો, કે જુદ્ધમાં તમે જીતી રિયા. જામની શક્તિ અનગળ છે. કહો તો અમે તમને જિતાડીએ – જીતવું હોય તો અમે જ જિતાડી શકશું. બાકી તો માર ખાઈખાઈને પાછા ગયા કરશો.”

“આપણે કેવી રીતે જિતાડી દઈએ ?”

“ખરો મામલો જામે એટલે આપણે આપણી ફોજને બહાર કાઢી લેવી. આપણે રહેશું ફોજની હરોળ સાચવવા. હરોળના પગ ખસ્યે પછી જામની ફોજનાં કાળજાં ભાંગી જવાનાં.”

“દગો કરવો પડશે ?”

“જામે સોરઠમાં ક્યાં નેકીથી પગ મૂક્યો છે ? પગલેપગલે દગલબાજી કરી છે. અને તમે જૂનાગઢમાં ના પડાવી મોકલી તોય જેસા વજીરે તમારો ઘાણ બગાડીને પાદશાહની ને તમારી વચ્ચે કાયમી વેર વાવી દીધું. મેં કેટલી ના પાડી, કેટલા વાર્યા, પણ એને તો સોરઠ એકહથ્થુ કરવા સિવાય બીજી વાત ક્યાં છે ? મારા માથે એણે કેવો કાળો કેર ગુજાર્યો, જાણો છો ? લૂંટનો 'શેરજહ’ હાથી ધરાર મારું અપમાન કરીને પોતાને હાથીખાને બાંધી દીધો. એ ખટક મારા હૈયામાં રુઝાણી નથી,  હું કાઠી છું.”

‘હું કાઠી છું’ એ શબ્દો બોલનારના થોભિયાના બેય અણીદાર કાતરા દૌલતખાનને જીવતા લાગ્યા. લોમા ખુમાણની દલીલો આગળ વધી : “એટલે આપણે તો બે વાત જોવાની છે, કે જામ પાદશાહ સાથે મેળ ન કરી બેસે. મેળ થયો કે તરત આખી કાઠિયાવાડની સૂબેદારીનો પટો એને મળ્યો માનજો. તેમ જ જામને જીતવા દીધો તો તો એ આપણી ધરતી ગડપ કરી ગિયો જ જાણજો.”

“સબબ ?”

“સબબ એટલો જ કે જામને આપણે ખતમ કરવો. દગલબાજી કરનારને દગાથી જ પહોંચી વળવું.”

“મારે કબૂલ છે.”

“તો ઉપાડીએ બેય જણા પોતપોતાના ઈષ્ટદેવની નિશાની.”

“હું કુરાન ઉપાડું છું.”

“હું સૂરજનું દેવસૂં લઉં છું.”

“હવે ઝટ બેય જણાએ જામનગર પહોંચવું જોવે. નીકર ક્યાંક સુલેહનું કહેણ મોકલી દેશે તો પછી બાજી હાથ નહિ રિયે.”

“આજ જ ઊપડીએ.”

“ને આ વખતે ય મુઝફ્ફરની સોનામોરુંના સાંઢિયા નગર માથે વહેતા થઈ ગયા છે, તેમાંથી પણ ભાગ લેતા આવીએ. ફોજ કાંઈ મફત ભેળી થાય છે ?”

બન્ને ભાઈબંધોએ જ્યારે નવાનગરમાં પ્રવેશ કર્યો ત્યારે બીજા પણ બે મહેમાનો આવ્યા સાંભળ્યા. કચ્છના રા’ ભારાજી અને જગતના (ઓખા મંડળના બેટ-દ્વારકાના) રાજ સંગ્રામ વાઘેર સાથે જામ સતાજી અને એના વજીરો સરદારો મસલતની બેઠકમાં હતા, એમાં સૌથી વધુ બુલંદ સૂર રાવ ભારાજીનો જ નીકળતો હતો. “પાદશા શું, પાદશાનો બાપ આવે ને, તોપણ જુદ્ધ તો કરવું, કરવું ને કરવું જ. હું ભેરે છું.”

“પણ મુઝફ્ફરશાને કાંઈ થાય તો ?”  “તો હું સંઘરવા તૈયાર છું. મારા કચ્છી પહાડોમાં એક કરતાં એકસો મુઝફ્ફરને હું ગપત રાખી શકીશ. ગભરાવ છો શા માટે ?”

“બોલો, સંગ્રામ વાઘેર ! તમારી સખાયતનો કેટલો વિશ્વાસ રાખી શકીએ ?”

“હવે ઈ બચાડા માછીમારને શીદ અકળાવો છો ? એનું શું ગજું ?” રાવ ભારાજીએ તરત જ સંગ્રામ વાઘેરના નામ પર ચોકડી મારી દીધી.

“રાવજી સાચું કહે છે. મારું કોઈ જબ્બર ગજું નથી. છતાં તમે ફરમાવો.” સંગ્રામ વાઘેરે નરમાશથી કહ્યું.

“મુઝફ્ફરશા માથે દબાણ થાય તો તમે સંઘરી શકશો ?”

“મારી તાકાત મુજબ સંઘરીશ.”

“તમારી તાકાત કેટલી, દરબાર ?” રાવ ભારાજીએ પૂછ્યું : “આ તો દિલ્હીના પાદશાહનો બહારવટિયો છે. વહેમ પડશે તો આખેઆખો સળગાવી દેશે, જાણો છો, દરબાર ?”

“સાચી વાત કહો છો, રાવબાપુ.” સંગ્રામે વિશેષ નમ્રતાથી કહ્યું.

“આ તો માથાં સાટેનો મામલો છે, વાઘેર દરબાર ! આ કાંઈ વહાણ લૂંટવાની ચાંચિયાવાળી નથી.” રાવ ભારાજીએ ઉપરાછાપરી દમ ભીડવા માંડ્યો.

“હું વધુ તો શું કહું ?” સંગ્રામ વાઘેર જરા માથું ઊંચું કરીને બેઠકનાં તમામ મોઢાં તરફ આંખો પસારી મક્કમ અવાજે બોલ્યો : “હું મુઝફ્ફરશાનાં બાળબચ્ચાંને ઠેકાણાસર રવાના કર્યા પહેલાં મારા છ મહિનાથી માંડી પચીસ વરસના છૈયાને ય વહાણમાં નહિ ચડાવી દઉં. મારે આંગણે જગતનો દેવતા છે. એ ઠાકરની સાખે આથી વિશેષ શું કહી શકું ?”

એમ બોલીને કાબા કુળનો એ સીસમ સરીખો કાળો વારસદાર પોતાના કેડિયાની અંદર હાથ નાખી ગળાની માળા થોડીક બહાર કાઢીને સૌની સામે જોઈ રહ્યો.

“ઘણું બાપ, ઘણું એટલું તો.” રાવ ભારાએ રમૂજ કરી : “એક  વાર મારે કિનારે પોગાડી દેજે ને, પછી તો બહારવટિયો માના પેટમાં જ સમજવો.”

“બસ બસ, રાવજી !” સતાજીએ હર્ષ બતાવ્યો : “હવે મારે બીજા કોઈની સખાતનું કામ નથી.”

“સોરઠને રજવાડે રજવાડે ઘૂમવા જાઉં. ગોહિલો, ઝાલાઓ અને જેઠવાઓને સખાતે લાવું.” જેસા વજીરે નમેલી છાતી ટટ્ટાર કરી.

“ઝાલાઓ ? ઝાલાનું તો નામ જ લેશો મા.” સતા જામે ઘસીભૂંસીને ના કહી : “હજી ત્રીસ જ સાલનું તાજું વેર કેમ વિસારી બેસો છો, વજીર ? જસાજી કાકાનો રાયસંગજીએ જાન લીધો.”

“ને મારા સાહેબજીનું લોહી છંટાણું.” રા’ ભારો બોલ્યા.

“એ રાયસંગ તો પાછો બાદશાહનો ચાકર. ને એનું સનાન-સૂતક કર્યા પછી, એના નામની ચૂડિયું ફોડી નાખ્યા પછી, એ પાછો જીવતો આવતે એની પરમાર રાણીએ એનો ઘરસંસાર માંડ્યો ! કેટલું કલંકિત કુળ ! છોડો વાત. જાડેજો જ એકે હજારાં છે, જેસા વજીર ! કાલ સવારે સોરઠનો છત્રપતિ જાડેજો જાણજો.”

“હવે બાકી રિયા બે જણા : એક લોમો ખુમાણ ને બીજા દૌલતખાન ગોરી. એનું શું કરવું છે ?” જેસા વજીરે પૂછ્યું.

કોઈકે જાણ કરી, કે એ બેઉ ક્યારના આવેલ છે અને તેડાની જ વાટ જોતા બેઠા છે.

“જોયું, વજીર ?” સતા જામે કહ્યું : “તમને વિશ્વાસ નો’તો, પણ આવ્યા વિના રિયા ? જીવવું તો સૌને હોય ને ?”

વજીરે ઊંચે ન જોયું. ભારાજી એટલું બોલ્યા : “જીત મેળવ્યા પછીની સ્થિતિ એ બેયની સાથે અત્યારથી જ નક્કી કરજો, હોં જામ રાજા ! કારણ કે પાછળથી કજિયો નહિ સારો.”

“અરે, એ બચાડા તો આપણે જિવાડીએ તેમ જ જીવનારા છે.”

લોમા ખુમાણ અને દૌલતખાન આવીને સૌને મળ્યા. બેઉએ સતાજીને પગે હાથ નાખ્યા. લોમા ખુમાણે વાત ચાલુ કરી : “અમારા  બેયના તો શ્વાસ જ ઊડી ગયેલા. બદલાવકા ઘોડા દોડાવતા ટાણાસર પોગ્યા છીએ, મા આશાપરાને પ્રતાપે.”

“કેમ શ્વાસ ઊડી ગયા’તા ?”

“સાંભળીને, કે જામ રાજા નમી પડવાના મનસૂબા ઘડે છે. સાંભળ્યું ત્યારથી કોળિયો ગળા હેઠ નથી ઊતર્યો. દૌલતખાન જમાદાર રાતોરાત ઉજાગરા ખેંચતા ખેરડી આવ્યા. ધા નાખી કે જો જામ નમે તો જગતમાં હાલી ન શકાય, જામ નમે તો અકબરશા સોરઠની તસુ ધરતી ય ન રે’વા દિયે. જામ નમ્યા એટલે પાદશાની તરવાર હેઠ આખી નવસોરઠની ગર્દન નમી જાણવી. જામ જો વિચાર ન ફેરવે તો હું તો ઘેરે કહીને નીકળ્યો છું કે હવે વાટ જોશો મા. આશાપુરા માને મંદિરે જઈને તરવાર પેટ નાખવી’તી. આજ રાજસ્થાનમાં જેવો રાણો પ્રતાપ, તેવો નવસોરઠમાં મારો નગરિયો જામ. હિન્દુવટના રાખણહાર જામ જે દી નમશે ને, તે દી નવસોરઠમાં એકેય ઠાકર-મંદર ઊભું નહિ રિયે. તે દી આપણી તો ઠીક, પણ સોરઠિયાણીયુંની શી દશા થાશે, કલ્પો તો ખરા, રાજ ! આજ જો લેખે નહિ લાગી જાયે તો પછી ક્યારે ?”

લોમા ખુમાણની ચેષ્ટાઓ, બોલવાની છટા અને હાથ-મોંના હાવભાવ સૌનાં દિલને હલાવનારાં હતાં.

“વચમાં વિચાર મોળો પડેલો એ ખરી વાત, લોમા ખુમાણ.”

સતાજીએ પોતાની મહત્તાને છાજે તેવી મુરબ્બી ઢબે જવાબ દીધો : “એનું કારણ, કાંઈક તો તમે રિસાણા’તા એ ય ખરું. કાઠીઓની સખાત વગરનો જામ તો પીંછડાં વગરનો મોર વદે.”

“હું રિસાયેલ ? એવી ધૂળ જેવી વાતમાં ? પૂછોપૂછો આપના વજીરને. અધરાતે હું શું કહીને નીકળ્યો’તો, પૂછો.”

“ને જનાબ દૌલતખાનજીના પણ હમણાં તો કાંઈ ખરખબર નો’તા, એમને અમે પાદશા સાથે વગર ફોગટની અદાવત કરાવવા નો’તા માગતા.”

“અમારું પારખું તો, બાપ, આજ આટલે વર્ષેય પડ્યું નહિ, એ  અમારા કરમની કઠણાઈ, બીજા કોને દોષ દેવો ? હવે તો અમારી ચામડી ઊતરડીને મોજડિયું સિવડાવો એટલે અમારી સદ્‌ગતિ તો થાય !”

લોમા ખુમાણની આંખમાં આ કહેતાં આંસુની ધારા નીકળી પડી.

રાવ ભારાએ વચ્ચે ઝુકાવ્યું : “એક વાત તો આ હતી, લોમાભાઈ, કે જીત થયા બાદ સૌ સંપીજંપીને રહીએ તેવો કાંઈ તોડ ?”

“તોડ વળી શેનો મહારાવ !" લોમાએ કહ્યું : “લાવો દોત કલમ ને કાગળ, કોરે પાને સહી કરી દઈએ, કે જામ અમારો મુગટમણિ, અમે એનાં ચરણુંમાં.”

રાવ ભારાએ સતા જામ પ્રત્યે ફરીને કહ્યું : “ઉગ્રભાગી છે, બાપા ! આવા મનમેળવાળી હાલાર : અને સોરઠસૂબા દૌલતખાન સાબની પણ આવી સલૂકાઈ. સોરઠ બીજી મેવાડ શા માટે ન બને?”

“અરે, બાપા !” લોમાએ આગળ પડીને કહ્યું : “ગુજરાત બાપડી સોરઠને આંગણે દૂઝણી ગાવડી બનીને બંધાય એટલી હામ ભરી છે મારી બુઢ્‌ઢી છાતીમાં. પણ હું ભણું કેને ? મારી ઉમેદું તો મનમાં ને મનમાં સમાઈ જઈને સસડે છે. જો મારો જામ માની જાય ને !”

“આપણે આડી વાતે ઊતરી ગયા.” જેસા વજીરથી હવે ન રહેવાયું : “મુદ્દાની વાત એક જ છે. મુઝફ્ફરશા અને એનાં બાળબચ્ચાં આપણાં આશરાવાસી છે. એને પાદશાહ આપણો આશરો ન છોડાવે, તેટલા પૂરતી જ આપણી લડત છે. ગુજરાતને જીતવાની વાત ન કરીએ, પાદશા મર ગુજરાતમાં સુખે રે’તો, આપણે આંહીં સુખે રહીએ. મઝફ્ફરનો હક્ક ગુજરાતને માટે મરી છૂટવાનો છે, એની વચ્ચે આપણે ન આવીએ, ને મુઝફ્ફર આપણે ઘેર રોટલો ખાય, એનાં બાળબચ્ચાંની સાથે રહી જાય એની પાદશા ના ન પાડે : બસ, આટલી જ વાત ચોખ્ખી રાખીએ.”

“વજીરની નજર ગોટવાઈ ગઈ છે.” સતાજી જામે જાહેર કર્યું : “હું હવે લપછપ કરીને કંટાળ્યો છું. જામ જુદ્ધે ચડશે, તે એક જ સંકલ્પ રાખીને : નવસોરઠને એક જ છત્રની આણ હેઠળ લાવવી. સખીઆત “રાજવીઓ, તમારો ચોખ્ખો મત કહી દિયો. પેટમાં પાપ રાખશો નહિ.”

“જામનો મત એ જ મારો મત.” લોમા ખુમાણે કહ્યું.

“હું જામનો ચાકર છું.” દૌલતખાને જાહેર કર્યું.

“કચ્છ-ભુજ તો જામની જનેતા છે. જામ અમારા ઉંડળમાં [ખોળામાં].”

“તમે પણ બોલો, સંગ્રામ વાઘેર.” રાવ ભારાએ આંખો મીંચીને હાથમાં માળા ઝાલી બેઠેલા દ્વારકારાજને હડબડાવ્યા.

“મેં કહ્યું ને, કે હું બીજું કાંઈ સમજતો નથી; મુઝફ્ફરશાનાં બાળબચ્ચાંને હું ઓખાના ચાર સીમાડા વચ્ચે ઊનો વા નહિ વાવા દઉં.”

“ઊઠીએ ત્યારે. ઝટ સાબદાઈમાં રહીએ.”

દાયરો ઊભો થયો, ને સૌની પાછળ જેસા વજીર એકલા ખસિયાણે ચહેરે ચાલ્યા ગયા.