લખાણ પર જાઓ

સમરાંગણ/‘રહીમ ! રહીમ !’

વિકિસ્રોતમાંથી
← મંત્રણા સમરાંગણ
‘રહીમ ! રહીમ !’
ઝવેરચંદ મેઘાણી
માતાના આશીર્વાદ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


29
‘રહીમ ! રહીમ !’

નાજના પોઠિયાની વણઝાર હાંકીને વજીર-ઘરના વાવડ પૂછતો એ આદમી છેક ડેલીમાં આવ્યો ત્યાં સુધી કુંવર અજાજીએ એને પિછાન્યો નહિ. હશે કોઈ સખીઆત રજવાડીમાંથી અનાજની મદદ લાવનાર.

માલને અજવાળે ભરતિયું આપવા એ વણઝારો નજીક આવ્યો અને એણે અજાજીની સામે સ્મિતભરી નજર નોંધી.

“ઓહો,” કુંવરે એને જોઈને કહ્યું : “આંહીં નહિ, અંદરના કોઠારમાં નખાવીએ અનાજ. થોભો હમણાં, કોઈ ઠાલવશો નહિ પોઠ્યું. ચાલો કોઠાર જોઈ લઈએ."

વણઝારાએ બુકાની છોડી ત્યારે એના જુવાન મોં પર બુઢાપાએ  ઓચિંતો હુમલો કરેલો દેખાયો. નાની-શી દાઢી અરધીપરધી તો સફેદ રંગ પકડી બેઠી છે. આંખોનાં પાણી-તળ ઊંડે ઊતર્યા છે. ગાલમાં કોતરો પડ્યાં છે.

અજા કુંવરે એકાંતે લઈ જઈને એ ધૂળભર્યા ભાઈબંધને બાથ ભરી લીધી ને પૂછ્યું : “આ શું થઈ ગયું ? છ જ મહિના પહેલાં ગોંડળને ગઢે તો બદન ભરેલું દેખેલું.”

“એહમદાવાદ હાથવેંતમાંથી ગયું. મારો સમય હવે પલટો ખાય છે, ભાઈ. એ બધી વાતો પછી કરશું. જલદી આ પોઠો ભરોસાનાં માણસોને ભળાવો. અંદર એકલા દાણા જ નથી. આ વખતે તકદીરે જોર નથી કર્યું, દોસ્ત ! પણ મારી છેલ્લામાં છેલ્લી તમામ દૌલત ઉઠાવી લાવ્યો છું.”

“હું બંદોબસ્ત કરું છું. આપ અંદર જનાનામાં પધારો.”

“એ બિચારી ચમકશે. ખડા રહો. હું કાંઈક નિશાની મોકલું.”

વજીર-મેડી પર સૂતેલા બાળકનું પારણું હીંચોળતી-હીંચોળતી કુરાન પઢતી એક જુવાન ઓરત બેઠી હતી. એને નિશાની પહોંચી, તે પછી થોડી જ વારે મેડી ઉપર એ વણઝારા વેશધારી મુઝફ્ફરશા પોતાના સૂતેલા બાળકને ગાલે ચૂમી ચોડતો હતો ને બીબી એના ગુસલની તૈયારી કરતી હતી. ગુસલ કરીને એ નીચે ઊતર્યો. પાછલી રાત્રે બેઉ દોસ્તોએ એકબીજાની હકીકતો ઠાલવી.

“વજીર સાહબ ક્યાં છે?” એણે પૂછ્યું : “મારા કિસ્મતમાં એમના દીદાર જ કેમ માંડ્યા નથી ?”

“ફોજ એકત્ર કરવા ગામેગામ ફરે છે.”

“આપના દફેદાર ?”

“હડિયાણે ફોજનો બંદોબસ્ત સાચવે છે.”

“હવે, ખુલ્લા દિલની એક વાત પૂછું ? હું એ માટે જ છેક આંહીં સુધી વણઝારાવેશે આવ્યો છું. મારી પાછળ ફોજ આવે છે એ પણ મુકરર છે; આંહીં શા હાલ છે ? હું હજુ ય બાકીની રાતમાં નગરના સીમાડા છોડી શકીશ.”

“એનો જવાબ, ચાલો, પ્રત્યક્ષ બતાવું.”

મુઝફ્ફરને લઈ અજોજી વહેલે ભળકડે આશાપુરાના મંદિર પર ગયા. ઝોકાર દીવા થાનકમાં જલે છે. માતાની મૂર્તિ પર ચકચક થતી દીવાની જ્યોત મૂર્તિની આંખોમાં લાલ પ્રતિબિમ્બ પાડી રહેલ છે. એની સામે એક પુરુષ હાથમાં માળા ધરીને એક પગે ઊભોઊભો ઉપાસના કરે છે : નીચે પાઘ અને તલવાર પગ સામે જ પડેલ છે. ઉપાસકના ગર્દન-ઢળકતા શિરકેશ સાવ શ્વેત છે. જેની પીઠ જોતાં પણ સારી પેઠે વાર લાગે, તેનો ચહેરો ને મોરો, તેની છાતી ને સીનો કેવાં હશે ?

“મારા પિતાજી.” અજા જામે ઉપાસકને ઓળખાવ્યા.

“અત્યારે ?”

“આખી રાત : છેલ્લા પંદર દિનથી રોજેરોજ.”

“શું કરે છે ?”

“ટેક અને ઈમાનદારીનું જતન માગે છે અમારી ઇષ્ટદેવી મા આશાપરા આગળ.”

“ત્યારે તો એમની નાખુશીની વાત ખોટી ?”

“આજે તો એના સરીખો કોઈ યુદ્ધઘેલડો અમારા નગરમાં નથી. એ શું જપે છે, જાણો છો ? રાવણનું શિવસ્તોત્ર અને ચંડીના છંદ : બેઉ શૌર્યપ્રેરક ગાથાઓ. એણે રાણીવાસમાં જવાનું છોડ્યું છે. પેટનાં ફરજંદોને પણ એ પાસે આવવા દઈ રમાડતા નથી. યુદ્ધ ! યુદ્ધ ! બસ યુદ્ધનો જ ઉન્માદ પી રહ્યા છે. કલેજું લોખંડનું કરવા મથે છે.”

“પણ આપની તાકાતનો સવાલ..”

“પતી ગયો છે. અમારી સખાતે અણગણ ફોજો ઠેકઠેકાણેથી વહેતી થઈ છે. આપ આંહીં સુખેથી રહો.”

“મારે ખાતર આટલું બધું ?”

“આપને ખાતર કરવાનું નથી રહ્યું. હવે તો મામલો વીફરી ગયો છે. અમારા ખુદના જ જીવસટોસટની વાત છે. ને વિજય હવે અફર અમારો છે.”

“એ વિજયની સિપાઈગીરી અદા કરીશ, કુંવર ! મારે રાજપાટની ભૂખ નથી. હું, બેટો અને બેટાની અમ્મા આપના મુલકના કોઈ એકાંત સ્થાનમાં કિતાબો પઢતાપઢતા ખુદાને યાદ કરીશું. એક વાર મારે ધરાઈધરાઈને જિંદગી જીવી લેવી છે. મને જીવવાની પ્યાસ રહી ગઈ છે. મેં જાણે કે હજુ જિંદગીનો કટોરો મોંયે પણ લગાડ્યો નથી. પણ મારે પીવો છે ઇજ્જતભર્યા જીવનનો કટોરો.”

“આંહીં આપ એ પી શકશો. આ વખતની થપ્પડ ખાઈને પડ્યા. પછી અકબરશા ઊભો નથી થઈ શકવાનો.”

બેઉ જણાની વાતોમાં પરોઢ પ્રગટતું હતું. મુઝફ્ફરશાહે મેડી પર જઈને નમાજમાં શરીર ઝુકાવ્યું. ખુદાને એણે ‘રહીમ ! રહીમ !’ કહી પુકાર્યો. બાળક પણ પોતાના બોલ મિલાવતું જાણે બંદગીમાં શામિલ બન્યું. બીબીએ સ્વામીનો ખલતો તપાસ્યો. અંદરથી ભૂંજેલા ચણાની ફોતરીઓ ખરી. મગફળીનાં થોડાં કાચાં બીજ નીકળ્યાં. ગુજરાતનો સુલતાન આ વખતે ચણા ને શીંગો વડે પેટ ભરતો ભરતો આવ્યો હશે ને ? વાહ રહીમ ! સિર્ફ પાણી પર શરીર ટકાવીને પણ જો તે આંહીં મારી ગોદમાં પહોંચતો કર્યો હોતને તો યે હું તારી રહેમ ગાત !

મનમાં બોલતી બીબી એ શીંગચણાનાં ફોતરાંને પણ આંખે અડકાડી રહી.