સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/ગાંધી-અર્વિન કરાર — લડતની તહકૂબી

વિકિસ્રોતમાંથી
← સબરસ સંગ્રામ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
ગાંધી-અર્વિન કરાર — લડતની તહકૂબી
નરહરિ પરીખ
કરાંચી કૉંગ્રેસના પ્રમુખ →




ગાંધી-અર્વિન કરાર — લડતની તહકૂબી

ગાંધીજી અને કારોબારીના સભ્યો બહાર આવ્યા, તે વખતે પંડિત મોતીલાલજી ગંભીર બીમાર હતા. એટલે ગાંધીજી તેમને મળવા માટે સીધા અલ્લાહાબાદ પહોંચ્યા. અલ્લાહાબાદ જઈને તેમણે કારોબારીના છૂટેલા તથા બહાર હતા તે બધા સભ્યોની સભા બોલાવી. બે કે ત્રણ દિવસમાં લગભગ ત્રીસેક સભ્યો ત્યાં પહોંચી ગયા અને હવે શું કરવું તેની મસલત શરૂ થઈ. ૫ં. મોતીલાલજી મસલતમાં ભાગ લઈ શકે એવી સ્થિતિમાં નહોતા. ગાંધીજીને તેમણે જણાવ્યું કે, “મહાત્માજી, હું તો હવે થોડી વારમાં ચાલ્યો. સ્વરાજ જોવાનું મારા નસીબમાં નથી. પરંતુ હું જાણું છું કે તમે તો તે જીતી ચૂક્યા છો, અને થોડા જ સમયમાં એ તમારા હાથમાં આવશે.” ફેબ્રુઆરીની છઠ્ઠીની સવારે ૫ં. મોતીલાલજીનો દેહાંત થયો. તે જ દિવસે ગોળમેજીમાં ગયેલા આપણા નેતાઓ મુંબઈને કિનારે ઊતર્યા. શ્રી શાસ્ત્રી તથા સપ્રુ મુંબઈથી સીધા અલ્લાહાબાદ પહોંચ્યા. તેઓએ લંડનમાં જે થયું હતું તેનો બધો હેવાલ કારોબારી સમિતિ આગળ કહી સંભળાવ્યો. કારોબારીના સભ્યોએ તેમની ઠીક ઠીક ઊલટતપાસ કરી. એને પરિણામે આમાંથી કશું નીપજવાનું નથી એવી કારોબારીના સભ્યોની ખાતરી થઈ, અને તા. ૨૧મી જાન્યુઆરીના રોજ કૉંગ્રેસની કારોબારીએ જે ઠરાવ કર્યો હતો તે જ ઠરાવ ઉપર બધા છૂટેલા સભ્યો પણ કાયમ રહ્યા. પેલા ભાઈઓએ ગાંધીજીને સૂચના કરી કે તમારે વાઈસરૉયને કાગળ લખી એક મુલાકાતની માગણી કરવી જોઈએ અને એમની સાથે ખુલ્લા દિલથી વાતચીત કરવી જોઈએ. કારોબારીના સભ્યો તથા ગાંધીજીને પણ આમાંથી કશું પરિણામ આવશે એવી આશા તો નહોતી, છતાં પોતાનું વલણ સામા પક્ષને સમજાવવાની એક પણ તક જતી ન કરવી જોઈએ એવી ગાંધીજીની કાર્યપદ્ધતિ અનુસાર તેમણે વાઈસરૉયને કાગળ લખ્યો. વાઈસરૉયનો જવાબ તાબડતોબ આવ્યો કે મળવા આવો. એટલે ગાંધીજી તા. ૧૬મી ફેબ્રુઆરીએ દિલ્હી ઊપડ્યા. કારોબારીને કહેતા ગયા કે સમાધાનની બાબતમાં વાઈસરૉય સાથે જરા પણ આશાપ્રદ વાતચીત થશે તો હું કારોબારીને દિલ્હી બોલાવી લઈશ. વાઈસરૉય સાથેની પહેલી મુલાકાતમાં જ ગાંધીજીને કાંઈક આશા બંધાઈ અને તેમણે કારોબારીને દિલ્હી બોલાવી. ત્યાર પછી ત્રણ અઠવાડિયાં સુધી વાઈસરૉય સાથેની વાટાઘાટો આશાનિરાશા વચ્ચે ઝોલાં ખાતી ચાલી. એ બધો વખત કારોબારી દિલ્હીમાં જ રહી. વાઈસરૉય પાસેથી આવીને ગાંધીજી થયેલી બધી વાતો કારોબારીને કહી સંભળાવતા અને તેમનો અભિપ્રાય જાણી લેતા. કોઈ કોઈ વાર તો વાઈસરૉય સાથેની મુલાકાત પૂરી કરીને ગાંધીજી મધરાતે પોતાના મુકામે પાછા ફરતા. તે વખતે પણ બધા સભ્યોને જગાડી વાઈસરૉય સાથે થયેલી બધી વાતચીત તેમને કહી સંભળાવતા.

આ બધો વખત દેશમાં લડત તો ચાલુ જ હતી. જોકે કાર્યકર્તાઓને એવી ખાનગી સૂચનાઓ આપવામાં આવી હતી કે જે પ્રવૃત્તિઓ ચાલુ હોય તે ન અટકાવવી, પણ લડતના કોઈ નવા કાર્યક્રમ ઉપાડવા નહીંં, છતાં પોલીસનો મિજાજ અને તેના જુલમો એવા હતા કે કૉંગ્રેસવાળા ન ઇચ્છતા હોય તો પણ તેમને લડત આપવી પડે. ખેડૂતોની કનડગત, જપ્તીઓ, ઊભા પાક સાથે જમીનોનાં વેચાણ, પાક ઉપર પોલીસના પહેરા, પાક લેવાનો પ્રયત્ન કરનારને મારઝૂડ, એ બધું પૂરજોશમાં ચાલુ હતું. દારૂના પીઠાં તથા પરદેશી કાપડની દુકાનો ઉપર ચોકી કરવાનું પોતાનું કામ બહેનો ખૂબ જ શાંતિપૂર્વક છતાં એટલા આગ્રહપૂર્વક કરતી કે પોલીસથી તે સહ્યું જતું નહોતું. એને અંગે બહેનો ઉપર પોલીસના ઘાતકી હુમલાનો એક બનાવ ગાંધીજીને અને કારોબારીને છોડવામાં આવી તેના થોડા જ દિવસ અગાઉ એટલે તા. ર૧મી જાન્યુઆરીએ બોરસદમાં બન્યો. ત્યાંની સ્થાનિક બહેનોની મદદમાં સાબરમતી આશ્રમની કેટલીક બહેનોએ બોરસદ પાસે ગાયકવાડી હદમાં છાવણી નાખી હતી. એક બહેન જે શાંતિથી પિકેટિંગ કરતી હતી. તેને પોલીસે પકડ્યા પછી તમાચા માર્યા. આની સામે બોરસદની બહેનોએ આશ્રમનાં શ્રી ગંગાબહેન વૈદની આગેવાની નીચે એક સરઘસ કાઢવાનું નક્કી કર્યું. આ સરઘસનો કાર્યક્રમ શાંતિથી પાર ઊતરે તો તો પોલીસની આબરૂ જાય, એટલે લાઠીધારી પોલીસની મોટી ટુકડી સરઘરસને રોકવા તૈયાર થઈ ને ઊભી. સરઘસ નીકળ્યું કે તરત પોલીસે તેને આગળ જતું અટકાવીને વિખેરાઈ જવાનો હુકમ કર્યો. બહેનો વિખેરાઈ ન જતાં ત્યાં જ બેસી ગઈ અને રાષ્ટ્રગીત ગાવા લાગી. પોલીસ વરુની માફક આ બહેનો ઉપર તૂટી પડી. તેમની ઉપર લાઠીઓનો વરસાદ વરસાવ્યો, અને લાઠીથી ઘાયલ થઈને પડેલી બહેનોને રસ્તા ઉપરથી ખેંચી ખેંચીને બાજુએ નાખવા માંડી. ગંગાબહેન સખત ઘાયલ થયાં અને લોહીથી રંગાઈ ગયાં. આ હકીકત જાહેર થતાં દેશમાં બહુ હાહાકાર થયો.

વાટાઘાટો દરમ્યાન પોલીસના આ અને બીજા ઘાતકી વર્તન સંબંધી તપાસ થવી જોઈએ એની વાત નીકળી. તપાસ થવી જ જોઈએ એવો કારોબારી સમિતિનો મક્કમ અભિપ્રાય હતો, જ્યારે લડત દરમ્યાન સરકારી અમલદારો તથા પોલીસોએ કરેલા કોઈ પણ કૃત્ય સંબંધી તપાસ કરવા વાઈસરૉય બિલકુલ તૈયાર નહોતા. એટલે આ મુદ્દા ઉપર વાટાઘાટો પડી ભાંગે એવી સ્થિતિ ઊભી થઈ. ગાંધીજીએ કારોબારીને કહ્યું કે તોડી નાખવાની હદ સુધી આ મુદ્દો પકડી રાખવાનું મને ઠીક લાગતું નથી, પણ કારોબારીનો એવો આગ્રહ હોય તો હું આનંદપૂર્વક કારોબારીના એજન્ટ તરીકે વર્તીશ અને સમાધાની તૂટી પડતી હોય તો તોડીને વાઈસરૉય પાસેથી પાછો આવીશ. ગાંધીજીનું આવું વલણ જોઈ કારેબારીએ પોતાનો આગ્રહ છોડી દીધો.

બીજો એવો જ મુશ્કેલ પ્રશ્ન ખેડૂતોની ખાલસા થયેલી જમીનો બાબતનો હતો. આ બાબતમાં સરદારને માન્ય ન હોય એવી કોઈ પણ સમાધાની ગાંધીજી સ્વીકારવા તૈયાર નહોતા, અને સરદારનો આગ્રહ હતો કે ખાલસા થયેલી જમીનો બધી પાછી મળવી જ જોઈએ. જે જમીન બીજા આસામીને વેચાઈ ગઈ ન હોય તે પાછી આપવા વાઈસરૉય તૈયાર હતા, પણ વેચાઈ ગયેલી જમીનોની બાબતમાં વાઈસરૉયને પોતાની મુશ્કેલી હતી, કારણ બારડોલીમાં અને બોરસદમાં નાકરની લડત જોશમાં ચાલતી હતી તે વખતે વાઈસરૉયે મુંબઈ સરકારને કાગળ લખીને ખાતરી આપી હતી કે કોઈ પણ સંજોગોમાં વેચાઈ ગયેલી જમીને ખેડૂતોને પાછી આપવાનું પોતે કહેશે નહીં. ગાંધીજીએ કહ્યું કે, “વેચેલી જમીનની બાબતમાં કશું ન બને તો મારે વાટાઘાટો તોડવી પડશે. આ બાબતમાં કૉંગ્રેસ કારોબારીનો હુકમ (મૅન્ડેટ) લઈને હું આવ્યો છું. વળી સરદાર વલ્લભભાઈના તેજે હું તો ગુજરાતમાં પ્રકાશું છું, એટલે આ પ્રશ્નમાં તો મારે સરદારથી જ દોરવાવું જોઈએ. જેમાં તેઓ સંમત ન થઈ શકે એવું સમાધાન મારાથી કબૂલ રાખી શકાય નહીં.” છેવટે આ પ્રશ્નનો તોડ એવી રીતે નીકળ્યો કે કોઈ ત્રાહિત માણસ વચ્ચે પડીને ખરીદનાર પાસેથી ખેડૂતોને જમીન પાછી અપાવે તો સરકાર વાંધો લેશે નહીં, એટલું જ નહીં પણ બને તેટલી અનુકૂળતા કરી આપશે.

ગાંધીજીનો ખાસ આગ્રહ તો એ હતો કે પરદેશી કાપડ ઉપર અને દારૂના પીઠાં ઉપર શાંત ચોકી કરવાનો આપણો હક સ્વીકારાવો જ જોઈએ. વળી જે પ્રદેશમાં મીઠું કુદરતી રીતે જ મળી આવતું હોય તે પ્રદેશના લોકોને એ મીઠું લેવાનો હક હોવો જોઈએ. એમનો બીજો આગ્રહ એ પણ હતો કે જે અમલદારો અને પટેલતલાટીઓએ લડતને અંગે પોતાની નોકરીનાં રાજીનામાં આપ્યાં હોય તેમને સરકારે નોકરી ઉપર પાછા લેવા જોઈએ. આ મુદ્દાઓ ઉપર તડજોડ કરવામાં મુશ્કેલી ન આવી.

સૌથી વધારે મહત્વનો પ્રશ્ન રાજ્યબંધારણને લગતો હતો. એ બાબતમાં લાંબી વાટાઘાટો પછી, અલબત્ત કારોબારીની મંજૂરીની અપેક્ષાએ, ગાંધીજીએ સ્વીકાર્યું કે, “હવે પછીની ચર્ચા ગોળમેજી પરિષદમાં ચર્ચાયેલી બંધારણની યોજનાનો વિચાર આગળ ચલાવવાના હેતુથી કરવામાં આવશે. જે યોજનાની રૂપરેખા ત્યાં આંકવામાં આવી છે તેનું ફેડરેશન (સમૂહ તંત્ર) એ એક અનિવાર્ય અંગ છે. તે જ પ્રમાણે કેટલીક બાબતો દા. ત. દેશનું રક્ષણ, પરદેશ સાથેના સંબંધો, લઘુમતી કોમોની સ્થિતિ, હિંદના દેવા લેણાની પતાવટ, વગેરેમાં હિંદુસ્તાનના હિત માટે સલામતીઓ તથા હિંદીઓની જવાબદારીઓ એ પણ એનાં અનિવાર્ય અંગો છે.” જેમ જમીનના પ્રશ્ન વિષે સરદારના મનનું સમાધાન નહોતું થતું તેમ આ રાજબંધારણી પ્રશ્ન વિષે જવાહરલાલજીને સંતોષ નહોતો થતો. કેદીઓના છુટકારાની બાબતમાં એકલા સત્યાગ્રહી કેદીઓને જ છોડવાના હતા. બીજાઓ જેમને અટકમાં લેવાયેલા હતા તેમના કે વ્યક્તિગત રીતે વિચારવાના હતા, તથા જે સોલ્જરો અને પોલીસો ઉપર ઉપરીના હુકમના ભંગને સારુ કેસો થયા હતા તેમને કશી રાહત આપવામાં આવી નહોતી. આવી બધી બાબતોમાં કારોબારીના સભ્યોને સંતોષ નહોતો. ગાંધીજીનું કહેવું એમ હતું કે આપણે જ્યારે સમાધાન કરવા જઈએ છીએ ત્યારે બધું આપણી મરજી પ્રમાણે થતું નથી. છતાં કોઈ એક મુદ્દા ઉપર અથવા તો બધા મુદ્દા ઉપર તમારે વાટાઘાટો તોડી નાખવી હોય તો હું તેમ કરવા તૈયાર છું. છેવટે બધા સભ્યોએ ગાંધીજીની સલાહ માની, અને જવાહરલાલજી જેઓને આ સમાધાની જરાયે ગમતી નહોતી તેઓ પણ ગાંધીજી ઉપર શ્રદ્ધા રાખી સમાધાન કબૂલ કરવા તૈયાર થયા.

બારડોલી અને બોરસદ તાલુકાના જે ખેડૂતોના ઊભા પાક લૂંટાઈ ગયા હતા, જપ્તીઓમાં જેમનો કીમતી માલ કોડીની કિંમતે વેચાઈ ગયો હતો તથા જેમની લાખો રૂપિયાની જમીન ખાલસા થઈને બીજાઓને વેચાઈ ગઈ હતી તેમને આ સંધિથી નિરાશા થાય એ સ્વાભાવિક હતું. તેમને સમાધાનીનું રહસ્ય સમજાવતાં ગાંધીજીએ કહ્યું :

“આ સંધિ એ લડતનો અંત નથી. લડતનો અંત તો સ્વરાજ મળ્યા પછી જ આવશે, અને કદાચ સ્વરાજ મળ્યા પછી પણ ન આવે. કારણ સ્વરાજ સરકાર સામે પણ સત્યાગ્રહ કરવાને પ્રસંગ આવે. આજે તો જે સંધિ થઈ છે તે સ્વરાજની મજલમાં એક આગળ પગલું છે. હવે જે લેવાનું રહ્યું છે તે વાતચીત, ચર્ચા, વાટાઘાટથી લેવાનું છે. તમને થયેલા નુકસાનનો બદલો તમને અપાવવાની મેં તમને વાત કરી હોય કે સરદારે કરી હોય એવું મને સ્મરણ 
નથી. કોઈ સ્વયંસેવકોએ તમને એવી આશા આપી હોય તો તે વગર વિચાર્યે હતી એમ મારે કહેવું જોઈએ. એને માટે તમે સમિતિને કે મને કે સરદારને જવાબદાર ન ગણતા. દાંડીની યાત્રા પછી હું એ વાત કહેતો આવ્યો છું કે આ તો શિરસાટાની લડાઈ છે. આ લડાઈમાં ફના થવું પડશે, અને જે ફના થવા માગે છે તે નુકસાનીનો બદલો શેનો માગે ? તમારાં ઘરબાર લુંટાશે, તમે બૈરાંછોકરાં સાથે ખુવાર થશો, એમ તમને ઢોલ વગાડીને કહ્યું છે. એ સહન કરવું હોય તો લડાઈમાં પડજો, નહીં તો ન પડતા એમ તમને સાફ જણાવ્યું હતું.

“આ સંધિ કરવી જોઈતી હતી કે નહીં એ જુદો સવાલ છે. પણ એમાં માથું નમાવવાપણું હતું ખરું ? હું કહું છું કે જરાયે નહોતું. તમે બદલો શેનો માગો ? જાનમાલ ખોયા હોય તોય બદલો તો છે જ, સ્વરાજને માટે આટલી નુકસાની ખમવાને તમે તૈયાર ન હો તો કહેવાશે કે બારડોલી, બોરસદના લોકો કંજૂસ હતા, લૂંટાવાને તૈયાર નહોતા. આપણે સ્વરાજ લઈને બેસશું ત્યારે આ નુકસાની આપવાની શક્તિ હશે તોપણ, તમે એ માગશો તો સ્વરાજના ઘાતક થવાના છો. હા, સરદારને અને મને એક વસ્તુ જરૂર માથાના ઘા જેવી લાગે. તમારી જે જમીન બીજાને અપાઈ ગઈ છે તે ખોવાની વસ્તુ નથી એ ચોક્કસ છે. નુકસાન થયું હોય તેનો બદલો ન મંગાય કારણ આપણે મરેલાની જિંદગી પાછી નથી માગતા કે કેદમાં જઈ આવેલાની કેદનો બદલો નથી માગતા, પણ આ જમીન તો મળવી જ જોઈએ. સરદારે તમને જમીનો પાછી અપાવવાની કબૂલાત કરી હતી ખરી, જોકે મેં નહોતી કરી. પણ એ જમીન તમને મળશે એને વિષે શંકા નથી. એ ક્યારે મળશે, કઈ રીતે મળશે, એ ન કહેવાય. પણ મળશે એ વાત સાચી છે. સરદારની અને મારી કસોટી કરવાને આટલી એક વાત બસ છે, તે એ કે ગયેલી જમીન પાછી મળવી જ જોઈએ. એ નથી મળી ત્યાં સુધી સ્વરાજ નથી મળ્યું. ત્યાં સુધી અમે તમારા સાચા સેવક નથી બન્યા એમ માનજો. એને માટે અમે ખાક થશું, અને તમને ખાક કરશું.”

સંધિ પછી તરત થોડા દિવસ ગાંધીજી અને સરદાર એકાદ અઠવાડિયું સાથે ફર્યા. ગામેગામ લોકોના કષ્ટસહનની સ્તુતિ કરતાં સરદાર કહેતા : “તમે સહન તો બહુ કર્યું. પણ તમે જેવડી ઈજ્જત કમાયા એવડી ઈજ્જત થોડા જ કમાઈ શકે એમ છે.” બારડોલીમાં ફરતા હતા ત્યારે ખેડા જિલ્લાના ઇસણાવ ગામમાં હિજરતીઓનાં અઢાર ઝૂંપડાં બળી ગયાના સમાચાર આવ્યા. તેમાં અનેક ઢોરો અને ચાર મનુષ્યો બળીને ખાક થઈ ગયાં હતાં. ગાંધીજીએ સરદારને કહ્યું. “એ લોકોને દરેક પ્રકારની મદદ કરવામાં આવશે એવું કહેણ તો મોકલો ?” પોતાના ખેડૂતોને માટે ભારે અભિમાન ધરાવનારા સરદાર કહે, “એ લોકો જરાય ગભરાયા નહીં હોય મદદ લેવાની ના પડશે. છતાં દરબારસાહેબ, છગનલાલ જોષી વગેરે ત્યાં છે તે કરવાનું કર્યા વિના નહીં રહે.”

ખેડૂતો પાસેથી કામ લેવાની સરદારની પદ્ધતિ ગાંધીજીના કરતાં કાંઈક જુદી પડતી હતી તેનો ધ્વનિ બારડોલીના હિજરતીઓ આગળ આ વખતે કાઢેલા સરદારના નીચેના ઉદ્‌ગારોમાં આપણને સંભળાય છે. એક સવારે ગાંધીજી સાથે હિજરતી ગામો જોવા ગયેલા ત્યાં સરદાર બોલ્યા :

“ગાંધીજી તો તકલી ચલાવી ભાષણ આપે. એમને હવે બોલવાનું કશું રહ્યું નથી. ખેડૂતો એ સમજે પણ શું ? માટે તમારે મારું કહ્યું માનવું. એમની પાસેથી શીખવાનું મેં શીખી લીધું છે. હવે તમારે મારી પાસેથી શીખવાનું છે.”

આપણે આગળ જોઈશું કે સંધિના અમલની બાબતમાં સરદારને ઘણી અકળામણ થતી અને ખેડૂતોનો સ્વભાવ તથા ખેડૂતોની મુશ્કેલીઓ ગાંધીજી નથી સમજી શકતા એમ એમને લાગતું. તેની આગાહી ઉપરના ઉદ્‌ગારોમાં છે.

પણ આ સંધિ પછી લોકો રાહત મેળવવાની આશા કરતા થઈ જાય એ ગાંધીજીને અને સરદારને બન્નેને જરાયે પસંદ નહોતું. બ્રિટિશ મુત્સદ્દીઓ સ્વરાજની વાટાઘાટ કરવા માટે હાથ લાંબો કરતા હતા તે સ્વીકારવા માટે આ સંધિ હતી, લડતમાં જેમણે ગુમાવ્યું હતું તેમને રાહત આપવા માટે કે અપાવવા માટે નહોતી. વળી સ્વરાજ માટે લોકોમાં કામ કરવાની કૉંગ્રેસને તક મળે તે હેતુ પણ હતો. પણ આપણે આગળના પ્રકરણમાં જોઈશું કે જે ઉદારતા અને સદ્‌ભાવથી પ્રેરાઈને ગાંધીજી અને વાઈસરૉય લૉર્ડ અર્વિન આ સંધિ કરવા પ્રેરાયા હતા તે ઉદારતા અને સદ્‌ભાવનો છાંટો પણ હિંદુસ્તાનમાંના બ્રિટિશ અમલદાર વર્ગમાં ઊતર્યો નહોતો. એટલે ગાંધીજીના, સરદારના અને બીજા કાર્યકર્તાઓના કાળજાતૂટ પ્રયત્નો છતાં સંધિમાંથી કાંઈ નીપજ્યું નહીં.