લખાણ પર જાઓ

સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/કરાંચી કૉંગ્રેસના પ્રમુખ

વિકિસ્રોતમાંથી
← ગાંધી-અર્વિન કરાર — લડતની તહકૂબી સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
કરાંચી કૉંગ્રેસના પ્રમુખ
નરહરિ પરીખ
સંધિનો અમલ →



કરાંચી કૉંગ્રેસના પ્રમુખ

જે વખતે વાઈસરોય સાથે વાટાઘાટો ચાલતી હતી તે વખતે જ કારોબારીના સભ્યો આવતી કૉંગ્રેસ ક્યાં અને કયારે ભરવી તેનો વિચાર કરી રહ્યા હતા. લાહોરની કૉંગ્રેસમાં ઠરાવ્યું હતું કે દર વરસે નાતાલના દિવસોમાં કૉંગ્રેસ ભરાય છે તે દિવસોમાં ટાઢ બહુ હોય છે, તેથી માર્ચ માસમાં ઋતુ સમધારણ હોય તે વખતે કૉંગ્રેસ ભરવી. આ વર્ષે લડત ચાલતી હતી એટલે દરેક પ્રાંતની કૉંગ્રેસ સમિતિઓ પ્રમુખની તેમ જ પ્રતિનિધિઓની ચૂંટણી રીતસર કરી શકે તેમ નહોતું. એટલે કારોબારીએ ઠરાવ્યું કે જો સમાધાની થઈ જાય તો કરાંચીમાં કૉંગ્રેસ ભરવી અને તેનું પ્રમુખપદ સરદારને આપવું. પ્રતિનિધિઓની બાબતમાં ઠરાવ્યું કે દરેક પ્રાંતની પ્રાંતિક સમિતિ પોતાને માટે ઠરેલી સંખ્યામાંથી અડધા પોતાના સભ્યોમાંથી ચુંટવા અને અડધા પોતાના પ્રાંતમાંથી જેલ ગયેલાઓમાંથી ચૂંટે.

સમાધાની પાંચમી માર્ચે થઈ, અને માર્ચના છેલ્લા અઠવાડિયામાં કૉંગ્રેસ ભરવાનું નક્કી કર્યું; એટલે કરાંચીના લોકોને તૈયારી કરવાને માટે બહુ થોડા દિવસ હતા. પણ ત્યાંની મ્યુનિસિપાલિટીના પ્રમુખ શ્રી જમશેદ મહેતાના સહકારને લીધે અને સ્વાગત પ્રમુખ ડૉ. ચોઈથરામ તથા સિંધના નિરાભિમાની અને નિષ્ઠાવાન કાર્યકર્તા શ્રી જયરામદાસજીની વ્યવસ્થાશક્તિને લીધે કરાંચી કૉંગ્રેસની વ્યવસ્થા બહુ સુંદર થઈ શકી. કરાંચીમાં વસતા ગુજરાતીઓએ પણ તેમાં ભારે ફાળો આપ્યો. તૈયારી માટે પૂરો એક મહિનો પણ નહોતો મળ્યો છતાં હજાર માણસોને રહેવાની, નાહવાધોવાની, ખાવાપીવાની તથા પાયખાનાપેશાબની લગભગ આદર્શ ગણાય એવી વ્યવસ્થા તેઓએ કરી. પહેલાંની કૉંગ્રેસો કરતાં આ કૉંગ્રેસથી એક નવો શિરસ્તો એ પડ્યો કે કૉંગ્રેસની મુખ્ય બેઠક માટે મંડપ બાંધવાને બદલે આકાશના છત્ર નીચે જ બેસવાનું ઠરાવ્યું. એ આકાશ-છત્રવાળા મંડપની રચના, તેની અંદરના ધ્વનિવર્ધકોની વ્યવસ્થા, બેસવાની ગોઠવણ અને ત્રિરંગી દીપમાળ એ બધું કળાપૂર્ણ હતું.

કરાંચીની આ કૉંગ્રેસ બહ ક્ષુબ્ધ વાતાવરણમાં ભરાઈ હતી. સરકાર સાથે કરવામાં આવેલી સમાધાનીથી નવજુવાન વર્ગને ભારે અસંતોષ હતો. સમાધાની પ્રમાણે જેઓ છૂટવા જોઈતા હતા તેવા બધા કેદીઓ અમલદારોની આડખીલીઓને લીધે હજી છૂટ્યા નહોતા. વળી બંગાળ તથા બીજા કેટલાક પ્રાંતોમાં મોટી સંખ્યામાં કેદીઓ અટકાયતમાં અથવા નજર કેદમાં હતા. તેઓ સત્યાગ્રહની લડતને કારણે પકડાયેલા નહોતા પણ રાજદ્વારી કેદીઓ તો હતા જ. આ સમાધાનીમાં તેમને છોડાવવાની કશી જોગવાઈ થઈ શકી નહોતી. આના કરતાં પણ નારાજનું મોટું કારણ તો એ હતું કે ભગતસિંગ અને તેના બે સાથીઓ સુખદેવ અને રાજગુરુ, એમને પંજાબના એક અમલદારનું ખૂન કરવા બદલ ૧૯૨૦ના લાહોર કાવતરા કેસમાં ફાંસીની સજા થઈ હતી તેમને ફાંસી ન દેવામાં આવે એવી બધા નવજુવાનોની માગણી હતી, વાઈસરૉય સાથેની ચર્ચા દરમ્યાન ગાંધીજીએ એમને ફાંસી ન દેવામાં આવે તે માટે વાઈસરૉયને સમજાવવામાં કશી બાકી રાખી નહોતી, પણ વાઈસરૉય ફાંસી અટકાવવા તૈયાર નહોતા અને વાટાઘાટો સત્યાગ્રહની લડત અંગેની જ હોઈ ગાંધીજી સંધિની શરતોમાં એ લાવી શકતા નહોતા. વળી ભગતસિંગ એવો બહાદુર જુવાન હતો કે તેણે વાઈસરૉયને દયાની અરજી કરવા સાફ ના પાડી હતી અને કહ્યું હતું કે મેં તો દેશની સ્વતંત્રતાની લડતને માટે એક શત્રુનું ખૂન કર્યું છે, માટે સરકાર પણ મને શત્રુ ગણી ભલે ગોળીએ દે, મને ફાંસીએ લટકાવે છે એ પણ મને તો હીણપત લાગે છે. ભગતસિંગના આવા હિંમતવાળા અને બહાદુર વર્તનથી સ્વાભાવિક રીતે જ નવજુવાનોનાં હૃદય તેણે જીતી લીધાં હતાં. વાઈસરૉયે ગાંધીજીને એટલું કહ્યું કે તમે ચાહતા હો તો કરાંચીની કૉંગ્રેસ પૂરી થઈ જાય ત્યાર પછી એને ફાંસી દેવાય એવી વ્યવસ્થા હું કરું. પણ ગાંધીજીએ વાઈસરૉયને વીનવ્યા કે તમે મારું માનતા નથી અને નવજુવાનોનાં દિલ પર સારી અસર કરવાની આ તક ગુમાવો છો, એટલે તમારે એને ફાંસી દેવી જ હોય તો કરાંચી કૉંગ્રેસ પહેલાં દો જેથી મારે અને સરદારને નવજુવાનોનો જે કાંઈ રોષ વહારવાનો હોય તો અમે ત્યાં જ વહોરીએ. એ રોષમાંથી છટકવાનો અમારે પ્રયત્ન કરવો જોઈએ નહી.

આવા કઠણ સંજોગોમાં સરદારને કૉંગેસની ધુરા વહન કરવાનું હતું. તેની કદર આપણા સાક્ષર શ્રી નરસિંહરાવે કેવી કરી હતી તે, જ્યારે ગાંધીજી અને સરદાર મુંબઈથી કરાંચી જતા હતા ત્યારે પોતાની અંજલિ તરીકે તેમના હાથમાં નીચેનો શ્લોક તેમણે મૂક્યો તે ઉપરથી જણાય છે.

यत्र योगेश्वरो गांधी वल्लभनश्च धूर्धरः।
तत्र श्रीविजयो भूर्तिर्धूवा नीतिर्मतिर्मम ॥

જહાં યોગેશ છે ગાંધી, અને ધૂર્ધર વલ્લભ;
ત્યાં શ્રી જય, ત્યાં ભૂતિ, નીતિ, નિશ્ચલ માનું હું.

સાંતાક્રૂઝ, ૧૮–૩–’૩૧
આશાવાદી અલ્પાત્મા
 

છેવટે કરાંચી કોંગ્રેસના થોડા દિવસ અગાઉ જ ભગતસિંગ અને તેના સાથીઓને ફાંસી દેવાઈ. નવજુવાનો ખૂબ ઉશ્કેરાયા. ગાંધીજી અને સરદાર કરાંચી સ્ટેશને પહોંચ્યા તે વખતે નવજુવાનો તેમની આગળ કાળા વાવટા અને કાળાં ફૂલો ધરી પોતાનો વિરોધ દર્શાવવા ઇચ્છતા હતા. ગાંધીજીએ કૉંગ્રેસના બધા સ્વયંસેવકોને સૂચના કરી કે એમને રોક્યા વિના મારી પાસે આવવા દે. પહેલાં મારે એમનું સ્વાગત સ્વીકારવું છે. તેઓ આવ્યા એટલે ગાંધીજીએ કહ્યું કે આ કાળાં ફૂલ મારી અને સરદારની ઉપર નાખવાં હોય તો તેમ કરો નહીં તો અમને હાથમાં આપો. તેમને એ પણ કહ્યું કે અમને કાળાં ફૂલથી વધાવવાનો તમને હક છે, તમને અમારા ઉપર રોષ કરવાનો પણ હક છે. યુવાનોએ ફૂલો માથા ઉપર વેરવાને બદલે હાથમાં આપ્યાં. ગાંધીજીએ કહ્યું તમારા આ વિનય માટે હું તમારો બહુ આભારી છું. ગાંધીજીનું આવું શાંત અને વાત્સલ્યપૂર્ણ વર્તન જોઈ યુવાનો શરમાયા. તેમના દિલમાં ગાંધીજી કે સરદાર પ્રત્યે અનાદર તો નહોતો જ, માત્ર પોતાની લાગણીનો ઊભરો તેમની આગળ તેઓ ઠાલવવા માગતા હતા.

સરદારનું પ્રમુખ તરીકેનું ભાષણ બહુ ટૂંકું હતું. પોતાને કૉંગ્રેસના પ્રમુખ નીમવામાં આવ્યા છે તે પોતાની નહીં, પણ ગુજરાતની કદર કરવા માટે છે એમ કહેતાં તેમણે જણાવ્યું :

“મારા જેવા સીધાસાદા ખેડૂતને તમે દેશના પ્રથમ સેવકના પદને માટે ચુંટ્યો તે મારી સ્વલ્પ સેવાની કદરના કરતાં ગુજરાતે ગયા વર્ષના યજ્ઞમાં જે અદ્‌ભુત બલિદાન આપ્યાં છે તેની કદર કરવાને અર્થે છે, એ હું સારી રીતે સમજી છું. ગુજરાત પ્રાંતને એ માનને માટે તમે પસંદ કર્યો એ તમારી ઉદારતા છે. બાકી સાચી વાત તો એ છે કે આ જમાનાની અપૂર્વ જાગૃતિના ગયા વર્ષમાં કોઈ પ્રાંતે બલિદાન આપવામાં કશી કચાશ રાખી નથી. દયાળુ પ્રભુનો પાડ છે કે એ જાગૃતિ એ સાચી આત્મશુદ્ધિની જાગૃતિ હતી.”

ભગતસિંગની ફાંસી વિષે બોલતાં કહ્યું :

“નવજુવાન ભગતસિંગ, સુખદેવ અને રાજગુરુને થોડા જ દિવસ ઉપર ફાંસી મળી છે તેથી દેશને પારાવાર ઉકળાટ થયો છે. એ યુવકોની કાર્ય પદ્ધતિની સાથે મારે નિસ્બત નથી. બીજા કોઈ પણ હેતુને માટે ખૂન કરવું તેના કરતાં દેશને માટે કરવું એ ઓછું નિંદ્ય છે એમ હું માનતો નથી. છતાં ભગતસિંગ અને તેના સાથીઓની દેશભક્તિ, હિંમત અને બલિદાન આગળ મારું શિર ઝૂકે છે. આ યુવાનોને થયેલી ફાંસીની સજા બદલીને દેશનિકાલની કરવામાં આવે એવી લગભગ આખા દેશની માગણી છતાં સરકારે એમને ફાંસી દઈ દીધી છે, એ હાલનું રાજતંત્ર કેટલું હૃદયશૂન્ય છે એ પ્રગટ કરે છે.”

સંધિ વિષે બોલતાં કહ્યું :

“આપણે આ સમાધાની ન સ્વીકારી હોત તો આપણો દોષ ગણાત અને ગયા વર્ષની તપશ્ચર્યા બધી ધોવાઈ જાત. આપણે તો સત્યાગ્રહી તરીકે હંમેશાં દાવો કરવો જોઈએ અને કર્યો છે કે આપણે હંમેશાં સુલેહ માટે તૈયાર છીએ એટલું જ નહીં પણ ઉત્સુક છીએ. એટલે જ્યારે સુલેહ માટે દ્વાર ખુલ્લું દેખાયું ત્યારે આપણે તેનો લાભ લીધો. ગોળમેજી પરિષદમાં ગયેલા આપણા દેશબંધુઓએ સંપૂર્ણ જવાબદારીવાળા તંત્રની માગણી કરી. બ્રિટિશ પક્ષોએ એ માગણી સ્વીકારી. અને તે પછી વડા પ્રધાને, વાઈસરૉયે અને આપણા કેટલાક પ્રસિદ્ધ નેતાઓએ કૉંગ્રેસના સહકારની માગણી કરી. તે ઉપરથી કૉંગ્રેસની કારોબારીને લાગ્યું કે જો માનભરી સુલેહ થઈ શકે તો અને કશીયે શરતો અને કાપકૂપ વિના પૂર્ણ સ્વરાજ માટે માગણી કરવાના કૉંગ્રેસનો હક સ્વીકારાતો હોય તો કૉંગ્રેસે ગોળમેજી પરિષદમાં જવાનું આમંત્રણ સ્વીકારવું અને બધા પક્ષ સ્વીકારી શકે એવું તંત્ર ઘડવાના પ્રયત્નમાં સહકાર દેવો. આ પ્રયત્નમાં આપણે નિષ્ફળ જઈશું અને તપશ્ચર્યાના માર્ગ સિવાય બીજો રસ્તો નહીં રહે તો તે લેવાને આપણને અટકાવનાર પૃથ્વી ઉપર એકે શક્તિ નથી.”

કૉંગ્રેસ આગળ મુખ્ય ઠરાવ ગાંધી-અર્વિન કરારથી થયેલી સંધિને બહાલી આપવાનો હતો. ઉપર કહેવાઈ ગયું છે કે આ સંધિ નવજુવાનોને પસંદ પડી નહોતી. તે વખતે કૉંગ્રેસમાં નવજુવાનોના મધ્યમમાર્ગી નેતા જવાહરલાલ નેહરુ હતા અને અંતિમમાર્ગી નેતા શ્રી સુભાષ બોઝ હતા, એમ કહેવાય. પંડિત જવાહરલાલને સંધિ પસંદ પડી નહોતી તે સંધિની શરતોને કારણે નહોતું, પણ એમના અભિપ્રાય પ્રમાણે સંધિમાં પૂર્ણ સ્વરાજના તત્ત્વનો એમને ત્યાગ થયેલો લાગતો હતો તે કારણે હતું. છતાં ગાંધીજી પ્રત્યેની ભક્તિને લીધે અને તેમની સમજાવટને કારણે સંધિની બાબતમાં એમણે પોતાના મનને મનાવી લીધું હતું. અને કૉંગ્રેસની બેઠકમાં સંધિના ઠરાવ એમણે જ રજૂ કર્યો. તે રજૂ કરતાં તેમણે પોતાની મનોવ્યથાના દરેક ક્રમનો ઈતિહાસ કહી સંભળાવ્યો. આટલી મનોવ્યથા પછી જ્યારે સંધિને બહાલી આપવાનો ઠરાવ રજૂ કરવાને પોતે ઊભા થાય છે ત્યારે એ ઠરાવમાં કંઈક રહસ્ય હશે, એમ તેમણે નવજુવાનોને સૂચન કર્યું. તેમની દર્દભરી વાણીએ શ્રોતાઓનાં હૃદય ઉપર ઊંડી અસર કરી અને ગાંધીજીનું તથા સરદારનું કામ અતિશય સહેલું કરી મૂક્યું. અંતિમમાર્ગી સુભાષબાબુએ પણ ઠરાવનો વિરોધ ન કરતાં તેને ટેકો આપ્યો. એટલે નવજુવાનો શાંત થયા, પછી ગાંધીજીએ યુવાનોને સમજાવતાં કહ્યું :

“આપણા નવજુવાન ભાઈઓ અને બહેનોને સંધિથી દુઃખ થયું છે. તેમને માટે મારા દિલમાં પ્રેમ સિવાય બીજું કશું નથી. એમનું દુઃખ હું સમજી શકું છું. એમને આ સંધિ વિશે શંકા ઉઠાવવાનો પૂરેપૂરો હક છે. મારા દિલમાં એમના વિરોધથી ચીડ નથી થતી, ગુસ્સો પણ નથી આવતો. આપણે ગોળમેજી પરિષદ
સામે ભારે વિરોધ દર્શાવેલો. એ પરિષદમાંથી કશું ન મળે એવું પણ કહેલું. ત્યારે એવું શું બની ગયું છે કે જેથી આપણને લાગે છે કે એ પરિષદમાં જવાથી કાંઈ લાભ થવાનો છે ? મારામાં કાંઈ જાદુ નથી, કે નથી કૉંગ્રેસમાં કાંઈ જાદુ, જેથી ગોળમેજી પરિષદની વૃત્તિ બદલાઈ જાય અને બધું મળી રહે. એટલે તમે મારી પાસેથી સારી રીતે સમજી લો કે હું એવું વચન નથી આપવા માગતો કે અમે ગોળમેજી પરિષદમાં જઈશું એટલે પૂર્ણ સ્વરાજ મળી જશે. મારા મનમાં એ વિષે પૂરેપૂરો શક છે. ઘણી વાર થાય છે કે આ પરિષદમાં જઈને આપણે શું કરશું ? આજે જે આપણે માગીએ છીએ તેની અને આજ સુધી ગોળમેજી પરિષદ આગળ ધરવામાં આવ્યું છે તેની વચ્ચે એવડો મોટો દરિયો છે કે ત્યાં જઈને શું કરશું, એ શંકા દિલમાંથી નીકળતી જ નથી.
“પણ જે વસ્તુ અમુક સંજોગોમાં ધર્મ થઈ પડે છે તે જો ન કરીએ તો પાપ થાય. સત્યાગ્રહનો કાયદો છે કે જેની સામે સત્યાગ્રહ કરી રહ્યા હોઈએ તેની સાથે મસલત કરવાનો વખત આવે ત્યારે મસલત કરવી. આપણી પ્રાર્થના એ હોય કે જેને આપણે દુશ્મન માનીએ તેની સાથે પ્રેમ કરીને તેને જીતી લઈએ. સત્યાગ્રહીની પ્રતિજ્ઞા તો દુશ્મનને પ્રેમથી જીતવાની છે. જો સત્યાગ્રહમાં પ્રેમ ન હોય પણ વેરઝેર હોય તો એ સત્યાગ્રહી નહીં પણ દુરાગ્રહી કહેવાય. પણ કૉંગ્રેસના ધ્યેયમાં તો દુરાગ્રહને સ્થાન નથી, એમાં તો માત્ર સત્ય અને અહિંસાને સ્થાન છે. એટલે આપણે માનીએ કે જેની સામે સત્યાગ્રહ કર્યો તેની સાથે સંધિ થઈ જ ન શકે તો એ મોટી ભૂલ છે. એ ભૂલ દૂર કરવી જોઈએ. એટલે જોકે મને આ વસ્તુમાંથી કશું નીપજવા વિષે શંકા છે તોપણ જ્યારે આપણને નિમંત્રણ દેવામાં આવ્યું છે, જ્યારે આપણને કહેવામાં આવે છે કે તમારે શું જોઈએ છે, તે અમને આવીને સંભળાવો અને સમજાવો, લડ્યા કરવાને બદલે અમને જાણવા દો કે તમારી શી માગણી છે, ત્યારે આપણે ત્યાં જવું જ જોઈએ. …
“આ સંધિમાં આપણને શરમ લાગે એવી એક પણ વાત નથી. આ સંધિમાં અમુક વસ્તુ કેમ નથી આવી, અમુક વસ્તુ કેમ રહી ગઈ છે એ અહીં સમજાવવા નથી માગતો પણ એ સંધિ કરવાનો કારોબારી સમિતિનો કેમ ધર્મ થઈ પડ્યો હતો તે તમને સમજાવ્યું. કારોબારી સમિતિને સરકારે જ્યારે છોડી ત્યારે તેણે કાં તો સવિનય ભંગ કરીને પાછા જેલમાં ચાલ્યા જવું, કાં તો કંઈક બીજું પગલું ભરવું, એ એનો ધર્મ થઈ પડ્યો. એ પગલું આપણે ન ભર્યું હોત અને સવિનય ભંગ કરીને જેલમાં જાત તો જગતમાં આપણી નામના નહોતી થવાની, પણ આપણી બદનામી થાત.
“આપણે આ સંધિ થાકીને નથી કરી. એક ભાઈએ કહ્યું, અમે તો એક વર્ષ વધારે લડાઈ ચલાવવાને માટે તૈયાર હતા. એ વાત હું પણ માનું છું. હું તો તેથી આગળ જઈને કહું છું કે એક નહીં પણ વીસ વર્ષ આપણે લડાઈ ચાલુ રાખી શકતા હતા. સત્યાગ્રહી તો બીજા બધા થાકીને કંટાળી જાય તો પણ એકલો લડ્યા કરે. એટલે આપણે થાક્યા તેથી કારોબારી સમિતિને સંધિ કરવી પડી એ વાત બરાબર નથી. એવી રીતે થાકીને જે સત્યાગ્રહ બંધ કરે છે તે ઈશ્વરને છેતરે છે, પ્રજાને છેતરે છે, દેશને છેતરે છે. પણ એવી રીતે આ સંધિ
થઈ જ નથી. આ સંધિ થઈ કારણ એ થવી જોઈતી હતી. આપણામાં લડવાની શક્તિ હોય માટે લડ્યા જ કરવું જોઈએ એમ તો ન જ કહેવાય અને આવતી સાલ સુધી લડત તોયે પાછી આવી આ જ વાત આવીને ઊભી રહેત. ત્યારે શું તમે પાછા એમ કહેત, ‘ના, અમે તો લડ્યાં જ કરવાના ?’ જે સિપાઈ એમ કહે કે હું તો લડ્યાં જ કરીશ તો તો એ મિથ્યાભિમાની કહેવાય. એ ઈશ્વરનો ગુનેગાર બને છે. એટલે જે સંધિ થઈ એ થવી જોઈતી જ હતી.”

નવજુવાનોની એક ખાસ સભા આગળ ગાંધીજીએ કહ્યું :

“ભાઈ, સંધિને સમજવાનો પ્રયત્ન કરો. મારો તો આખી જિંદગી સંધિ કરવાનો, લડવાનો, વળી પાછા સંધિ કરવાનો ધંધો રહ્યો છે. આપણે તો એ જોવાનું હતું કે આપણે સાચા રસ્તા ઉપર છીએ કે કેમ, જેથી આપણને જગતમાં કોઈ પણ ઉતાવળું અને અવળું પગલું લેવાને માટે નિંદી ન શકે. ચાળીસ વર્ષ થયાં જેણે આ જ પ્રકારનું કામ કર્યું છે અને કંઈક અંશે સફળતા મેળવી છે તેના અનુભવોનો તો જરા ખ્યાલ કરો. કરોડો લોકોમાં ચેતન આવી ગયું છે. કરોડો ખેડૂતો નિર્ભય થઈને બેઠા છે, તે શું કશા કાર્ય કે પ્રયત્ન વિના થયું ? એ મેં કર્યું એવો દાવો હું નથી કરતો. હું તો નિમિત્ત હતો. પણ જે વસ્તુ હિંદુસ્તાનની આગળ મૂકવાનો પ્રયત્ન આ પંદર વર્ષ થયાં હું કરી રહ્યો છું તે વસ્તુએ લોકોમાં ચેતન આપ્યું છે એ વિશે તો શંકા નથી જ. તમારી બહાદુરી, તમારો ત્યાગ, મને ગ્રાહ્ય છે. એ ત્યાગને અહિંસાની શક્તિ સાથે જોડો.”

બીજો ઠરાવ ભગતસિંંગને અને એના મિત્રોને અપાયેલી ફાંસી વિષે હતો. એ ઠરાવ પણ જવાહરલાલે રજૂ કર્યો. તેઓ બોલ્યા,

“આ ઠરાવ રજૂ કરવાને માટે મારે બદલે એ ઠરાવના ઘડનાર અહિંસાના પૂજારી હોત તો, જેણે હિંસાના મંત્રનું પાલન કરીને પોતાના જીવનનું બલિદાન આપ્યું છે તેની તારીફ કરનારો આ ઠરાવ ગાંધીજીએ રજૂ કર્યો હોત તો એ વૃધારે ઉચિત થાત.”

ભગતસિંગવાળો ઠરાવ નીચે આપ્યો છે :

“આ કૉંગ્રેસ કોઈ પણ રીતની અથવા કોઈ પણ રૂપની રાજદ્વારી હિંસા સાથે નિસ્બત રાખતી નથી. છતાં સરદાર ભગતસિંગ અને તેના સાથીઓ શ્રી સુખદેવ અને રાજગુરુની બહાદુરી, શૌર્ય અને બલિદાનની તારીફ કરે છે, અને મરનારનાં કુટુંબીઓ સાથે શોકમાં શામિલ થાય છે. આ ત્રણ ભાઈઓને ફાંસી દેવાનું કૃત્ય એ હડહડતા વેરથી પ્રેરાયેલું અને તેમની સજામાં ફેરફાર કરવાની રાષ્ટ્ર સમસ્તની માગણીનો ઇરાદાપૂર્વક ઠોકર મારનારું હતું એ આ કૉંગ્રેસનો અભિપ્રાય છે. આ કૉંગ્રેસ પોતાનો એ અભિપ્રાય પણ વ્યક્ત કરે છે કે બે રાષ્ટ્રો વચ્ચે સદ્‌ભાવ, જે આ ટાંકણે અતિશય આવશ્યક છે, એ પેદા કરવાની સુવર્ણ તક સરકારે પોતાના આ કૃત્યથી ગુમાવી છે. જે પક્ષ નિરાશાથી પ્રેરાઈને રાજદ્વારી હિંસાનો આશ્રય લે છે તે પક્ષને જીતી લઈ શાંતિને માર્ગે વાળવાની પણ આ સુવર્ણ તક હતી એ સરકારે ગુમાવી છે.”

કૉંગ્રેસની બેઠક દરમ્યાન જ કાનપુરમાં કોમી હુલ્લડ થયાના અને એ હુલ્લડમાં કેટલાંક મુસલમાન કુટુંબોને બચાવવા જતાં શ્રી ગણેશ શંકર વિદ્યાર્થી મરાયાના સમાચાર આવ્યા. તેથી ભારે ગમગીની ફેલાઈ. મુસલમાન કુટુંબને મારવા આવેલાં ઝનૂની ટોળાં આગળ સાચા સત્યાગ્રહી તરીકે ગણેશ શંકર વિદ્યાર્થી અડગ ઊભા રહ્યા હતા. તેઓ યુક્ત પ્રાંતની સમિતિના પ્રમુખ હતા. તેમના કુટુંબ પ્રત્યે દિલસોજી બતાવનારો જે ઠરાવ કૉંગ્રેસે પસાર કર્યો તેમાં જણાવ્યું કે,

“જેઓ ભયમાં આવી પડ્યા હતા તેમના પ્રાણ બચાવવાનો પ્રયત્ન કરતાં અને મારામારી અને ગાંડપણની વચ્ચે શાંતિ અને ડહાપણ સ્થાપવાનો પ્રયત્ન કરતાં, એક પ્રથમ દરજ્જાના આગેવાન કૉંગ્રેસી કાર્યકર્તાએ પોતાના પ્રાણની આહુતિ આપી છે તે માટે આ કૉંગ્રેસ ગર્વ લે છે.”

પણ આ કૉંગ્રેસ વિશેષ યાદગાર તો તેણે પસાર કરેલા ‘સ્વરાજના મૂળ હક્કો’ વિષેના મહત્ત્વના ઠરાવ માટે બની ગઈ છે. એ ઠરાવ કૉંગ્રેસનું કામ પૂરું થવા આવ્યું ત્યારે ઉતાવળમાં પસાર થયેલો હોઈ એમાં સુધારો કરવાની સત્તા કૉંગ્રેસે પોતાની મહાસમિતિને આપી હતી. તા. ૬, ૭, ૮ ઑગસ્ટ, ૧૯૩૧ના રોજ મહાસમિતિએ એ ઠરાવમાં કેટલાક સુધારા કરી તેને છેવટનું રૂપ આપ્યું. અત્યારે આપણું સ્વરાજ થઈ ગયું છે. છતાં એ ઠરાવમાં જણાવેલી ઘણી બાબતોનો અમલ હજી આપણે કરી શક્યા નથી એ ધ્યાનમાં રાખવા જેવું છે.

આટલા ઉપરથી જણાશે કે આ કૉંગ્રેસનું સુકાન ચલાવવું એ સહેલું નહોતું. છતાં સરદાર પોતાની વ્યવહારદક્ષતાથી જવાબદારીને પહોંચી વળી શક્યા. એક ખેડૂતને શોભે એવી રીતે તેમણે બધું કામ ચલાવ્યું. હિંદીમાં જ તમામ કામકાજ ચલાવવાનો આગ્રહ રાખ્યો. અને છેવટના ઉપસંહારના ભાષણમાં પોતાના હૃદયમાં રહેલું દર્દ તથા આંખમાં ભરેલા અંગારા તેમણે ઠાલવ્યા :

“ગાંધીજીને ૬૩ વર્ષ થવા આવ્યાં; મને પ૬ થવા આવ્યાં. સ્વરાજની ઉતાવળ તો અમને ઘરડાઓને હોય કે તમને જુવાનોને ? અમારે મરતાં પહેલાં હિંદુસ્તાનને આઝાદ જોવું છે, એટલે તમારા કરતાં અમને વધારે ઉતાવળ છે. તમે મજૂરો અને ખેડૂતોની વાત કરી છે. હું દાવો કરું છું કે ખેડૂતોની સેવા કરતાં હું બુઢ્ઢો થયો. છતાં તમારામાંના કોઈની પણ સાથે હરીફાઈમાં ઊતરવા તૈયાર છું. ખેડૂતો પાસે જે કુરબાની મેં કરાવી છે તેટલી ભાગ્યે જ તમારામાંથી કોઈએ કરાવી હશે. છ માસ પછી ફરી વખત આવશે તો બતાવીશ. નાહકના તમે શું કામ ફફડો છો ? છ માસમાં તમે બુઢ્ઢા નથી થઈ જવાના. એ વાત સાચી છે કે સરકારે રોષનાં કારણો ઘણાં આપ્યાં છે અને આપી રહી છે. પણ આપણે રોષ કર્યે પાલવે એમ નથી. આપણે અત્યારે તલવાર મ્યાન કરી છે. તેને કાટ ન ચડવા દેશો, તેને ઘસી ઘસીને ચળકતી રાખો. મદ્યનિષેધ, ખાદી, તથા આત્મશુદ્ધિના કાર્યક્રમ તો તમારી સામે પડેલા જ છે. તેમાંથી પ્રજાની
તાકાત પારાવાર વધે છે, એ તમે જોયું છે. આપણામાં તાકાત હશે તો ગોળમેજીમાં ધાર્યું મેળવીશું. આપણને એ નાપસંદ પડશે તો પાછા આવીશું અને લડીશું. માટે પ્રજાની શક્તિ વધે એવું કરો.”

જમીનદારો અને માલદારોને સંબોધીને કહ્યું :

“૫ં. જવાહરલાલજી કાર્યક્રમ મૂકે છે ત્યારે ઘણા ભડકી ઊઠે છે. જો તેમનામાં ગરીબો પ્રત્યે પ્રેમ છે, અને કોઈ પ્રત્યે દ્વેષ નથી તો તેમને (જવાહરલાલજીનો) ડર શા માટે ? જમીનદારોની જમીનો જશે એવું કહીને એમને શું કામ ભડકાવો છો ? બકરીનો તે શિકાર હોય ? જમીનદારો તો બિચારા પામર છે. સરકારનો એક સિપાઈ પણ તેમને ડરાવે છે. આપણે એવું કામ કરીએ કે તેમના દિલમાં પણ ઈશ્વરનો વાસ છે તે જાગ્રત થાય, અને પ્રજાનાં સુખદુઃખ જોડે તે એકરસ થાય. પોતાના ફરજંદ જેવી પ્રજા ભૂખે મરતી હોય ત્યારે જે મહેલમાં ગાનતાન કરે, નાચ નચાવે અને પૈસાનો ધુમાડો કરે એવા જમીનદાર ન જ ચાલે.”

આમ કૉંગ્રેસની બેઠકનું કામ ઠીક ઉકલી ગયું, પણ આગળ બહુ વિકટ કામ પડ્યું હતું.