લખાણ પર જાઓ

સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/સંધિનો અમલ

વિકિસ્રોતમાંથી
← કરાંચી કૉંગ્રેસના પ્રમુખ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
સંધિનો અમલ
નરહરિ પરીખ
બારડોલી તપાસ અને સંધિભંગ →



સંધિનો અમલ

સંધિ થઈ ગયા પછી તરત પત્રકારોને મુલાકાત આપતાં ગાંધીજીએ જણાવેલું કે, “વાઈસરૉયની અખૂટ ધીરજ અને એટલી જ અખૂટ મહેનત તથા બિનચૂક વિનયને આ સંધિ આભારી છે. આ નાજુક વાટાઘાટો ચાલતી હતી તે દરમિયાન તેઓ હંમેશાં નિખાલસ રહ્યા છે અને બને ત્યાં સુધી સમાધાની ઉપર આવવાનો તેમણે પોતાનો નિશ્ચય દેખાડ્યો છે.” એવી જ રીતે વાઈસરૉયે પણ આ સમાધાની શક્ય બનાવવા માટે ગાંધીજીની પ્રશંસા કરી. ગાંધીજીની પ્રામાણિકતા, સચ્ચાઈ અને ઊંચી દેશભક્તિનાં તેમણે ભારોભાર વખાણ કર્યાં અને કહ્યું કે, “ગાંધીની સાથે કામ કરવું એ એક ભારે લહાવો છે. તેમાં આનંદના ઘૂંટડા આવે છે.” આમ આ સંધિ કરનાર બે વ્યક્તિઓ જ્યારે એકબીજા પ્રત્યે સુજનતા અને ભાવથી ઊભરાતી હતી ત્યારે બ્રિટિશ અમલદારોને, વાઈસરૉય ગાંધીજી સાથે સમાધાનની વાત કરે અને સરકાર અને કૉંગ્રેસ વચ્ચે આવી સંધિ થાય એટલે કે કૉંગ્રેસ એ લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થા છે એ વસ્તુનો સરકાર તરફથી સ્વીકાર થાય એ જરાયે પસંદ નહોતું. અને સંધિનો અમલ કરવાનો તો તેમના હાથમાં હતો. એટલે તેમણે ચોરીમાંથી જ દાંત કચડવા માંડ્યા. વળી સંધિ કર્યા પછી થોડા જ વખતમાં લૉર્ડ અર્વિનની મુદત પૂરી થતી હતી એટલે તેમને જવાનું થયું. તેમની જગ્યાએ લૉર્ડ વિલિંગ્ડન તા. ૧૮–૪–’૩૧ના રોજ વાઈસરૉય પદે આવ્યા. તેઓ હિંદુસ્તાનના સારી પેઠે ભોમિયા હતા. મુંબઈ અને મદ્રાસમાં ગવર્નર થઈ ચૂકેલા હતા અને સિવિલ સર્વિસ સાથે તેમની સારી ગાંઠ બંધાઈ ગયેલી હતી. હિંદુસ્તાનમાંના બ્રિટિશ અમલદારોનું માનસ તેઓ બરાબર જાણતા હતા એટલું જ નહીં પણ એ માનસ સાથે તેમનો સમભાવ હતો, બલ્કે એ માનસ તેમણે પોતે પણ કેળવ્યું હતું. આ સંધિ પ્રત્યે અને સંધિના પ્રણેતા ગાંધીજી અને લૉર્ડ અર્વિન પ્રત્યે તેઓ કેવું વલણ ધરાવતા, તે ખાનગીમાં તેમણે કાઢેલા પણ બહુ જાણીતા થઈ ગયેલા તેમના આ ઉદ્‌ગારોમાં વ્યક્ત થાય છે : “એ તો અર્વિન ભલો માણસ તે આ નટખટ વાણિયાની જાળમાં ફસાયો. હું તો એને કોઠું જ ન આપું.” બીજે એક પ્રસંગે કહેલું : “વાનર યુક્તિઓવાળો એ લુચ્ચો (ગાંધીજી) મને ખોટો દેખાડવામાં હમેશાં ફાવી જાય છે.” જેનું આવું માનસ હોય તેની પાસેથી કેવી આશા રખાય ? અને અમલદારોને તે સંધિ અશક્ય બનાવવી જ હતી. વિલિંંગ્ડન સાહેબના રાજ્યમાં તેમને છૂટો દોર મળ્યો. વળી સંધિ થઈ ત્યારે ઇંગ્લંડમાં મજૂર પ્રધાનમંડળ સત્તા ઉપર હતું પણ સંધિ પછી થોડા જ વખતમાં તેણે રાજીનામું આપ્યું અને મુખ્ય પ્રધાન મિ. મૅકડોનલ્ડ જે મજૂર પક્ષનો નેતા હતો તેણે મિશ્ર પ્રધાનમંડળ રચ્યું. નવા પ્રધાનમંડળમાં કૉન્ઝર્વેટિવ પક્ષનું જોર વધારે હતું. આ ફેરફારને લીધે પણ પરિસ્થિતિમાં મોટો ફરક પડી ગયો.

લોકોએ જમીનમહેસૂલ ન ભરવાની લડત ઉપાડી તેથી અમલદારોનો પિત્તો સારી પેઠે ઊકળેલો તો હતો જ. એટલે સંધિ પછી જમીન મહેસૂલની બાકી વસૂલ કરવા માટે તેમણે ઠીક ઠીક આકરાં પગલાં લેવા માંડ્યાં. સંધિમાં ખાલસા કે જપ્ત થયેલી સ્થાવર તથા જંગમ મિલકત બાબતમાં તથા મહેસૂલની વસૂલાતની બાબતમાં નીચે પ્રમાણે શરતો થયેલી હતી :

“જમીનમહેસૂલ કે બીજી કોઈ દેવાની વસૂલાતને માટે ખાલસા કે જપ્ત થયેલી જમીન અને બીજી સ્થાવર કે જંગમ મિલકત જે સરકારના કબજામાં હશે તે પાછી આપવામાં આવશે, સિવાય કે જિલ્લાના કલેક્ટરને એમ માનવાને કારણ હોય કે કર ન આપનાર માણસ તેની પાસેથી લેવાનું લહેણું યોગ્ય મુદતમાં આપવાની આડાઈ કરીને જ ના પાડે છે. યોગ્ય મુદત કેટલી તે નક્કી કરવામાં, કર ન ભરનારા જે લોકોને પૈસા ભરવાની મરજી હોવા છતાં તે માટે ખરેખર મુદતની જરૂર હરશે, તેવાઓને વિષે ખાસ વિચાર કરવામાં આવશે, અને જરૂર હશે તો જમીન મહેસૂલના વહીવટના સામાન્ય ધારાધોરણ પ્રમાણે મહેસૂલ મુલતવી રાખવામાં આવશે.
“નુકસાનને માટે વળતર આપવામાં નહી આવે. જ્યાં જંગમ મિલકતને સરકારે વેચી દીધી હશે કે બીજી રીતે તેનો છેવટનો નિકાલ કર્યો હશે ત્યાં પણ
વળતર આપવામાં નહી આવે, તેમ જ વેચાણની ઊપજ પાછી આપવામાં નહીંં આવે. સિવાય કે જે કાયદેસર લહેણાને માટે તે મિલકત વેચવામાં આવી હોય તેના કરતાં ઊપજેલી રકમ વધારે હોય.
“જ્યાં સ્થાવર મિલકત ત્રીજા પક્ષને વેચી દેવામાં આવી છે ત્યાં સરકારને સંબંધ છે ત્યાં સુધી સોદો છેવટનો ગણાવો જોઈએ.
“મિલકતની જપ્તી કાયદેસર નથી એ મુદ્દાસર કોઈ પણ માણસને કાયદેસર ઇલાજ લેવો હોય તો તે લેવાની છૂટ રહેશે.
“સરકાર માને છે કે બહુ જ જૂજ કિસ્સા એવા હશે જ્યાં લેણાની વસૂલાત કાયદાની કલમો પ્રમાણે ન થઈ હોય. એવા કિસ્સા હોય તો તેને પહોંચી વળવા સારુ સ્થાનિક સરકારી જિલ્લા અમલદારોને આ જાતની ફરિયાદોની તાકીદે તપાસ કરવાની અને જ્યાં ગેરકાયદેપણું સાબિત થાય ત્યાં વિના વિલંબે ન્યાય આપવાની સૂચનાઓ મોકલશે.”

યુક્ત પ્રાંતમાં ઘણા કિસાનો ચાલુ સાલે મહેસૂલ નહીં ભરી શકેલા. તેમણે સવિનય ભંગની લડતના કારણે જ તેમ કર્યું નહોતું પણ ખેતીની ઊપજના ભાવ એટલા ઊતરી ગયેલા હતા અને આર્થિક મંદી એટલી બધી આવી હતી કે કિસાનો પાસે જમીનદારોને ગણોત ભરવાના પૈસા જ નહોતા. સંધિ થયા પછી કૉંગ્રેસ કાર્યકર્તાઓએ કિસાનોની ગણોત ભરવાની અશક્તિને કારણે રાહતની માગણી કરવા માંડી અને રાહતની બાબતમાં કશો નિકાલ ન થાય ત્યાં સુધી ગણોત ન આપવાની કિસાનોને સલાહ પણ આપવા માંડી. રાહતની બાબતમાં તપાસ કરી લોકોને ન્યાય આપવાને બદલે હિંદ સરકારના હોમ સેક્રેટરી મિ. ઇમર્સને ગાંધીજીને તા. ૨૧–૩–’૩૧ના રોજ કાગળ લખીને જણાવ્યું કે,

“સ્થાનિક કૉંગ્રેસ આ જાતનું વલણ રાખે તો નાકરની લડત બીજા રૂપમાં ચાલુ જ રહે છે અને સંધિના મૂળ હેતુનું પાલન થતું નથી.”

ગાંધીજીએ તા. ર૩–૩–’૩૧ના રોજ જવાબમાં જણાવ્યું કે,

“મારા કહેવાથી આ પ્રશ્ન ઉપર પંડિત જવાહરલાલ નેહરુએ એક નોંધ તૈયાર કરી છે તે આ સાથે મોકલું છું. એ નોંધમાં જણાવ્યા મુજબ સ્થાનિક કૉંગ્રેસ સમિતિઓનું વલણ મને વાંધાભરેલું લાગતું નથી. મારો અભિપ્રાય એવો છે કે કૉંગ્રેસ સમિતિઓની મદદને સ્થાનિક અમલદારો પાછી નહીં ઠેલે અને તેમની પ્રવૃત્તિ ઉ૫ર વહેમની નજરથી નહીં જુએ તો બધું કુશળ જ છે.”

પણ અમલદારો તો કૉંગ્રેસને લોકોની પ્રતિનિધિ તરીકે સ્વીકારવા જ તૈયાર નહોતા. એટલે મિ. ઇમર્સને તા. ૩૧–૩–’૩૧ના રોજ જવાબ આપ્યો કે,

“આર્થિક હાડમારીઓના પ્રશ્નનો વિચાર કરવાનું કામ મહેસુલખાતાનું છે. એ બાબતમાં કૉંગ્રેસ પોતાના તંત્રનો ઉપયોગ કરે એવું સૂચન સંધિમાં અથવા વાઈસરૉય સાથેની આપની વાતમાં હતું નહીં.”

આ સ્થિતિ ગાંધીજી, જવાહરલાલજી કે સરદાર શી રીતે સ્વીકારે ? સૌએ મળીને મસલત કરી લીધા પછી તા. ૮–૪–’૩૧ના રોજ ગાંધીજીએ મિ. ઈમર્સનને સાફ સાફ જણાવ્યું કે,

“કિસાનોના પ્રતિનિધિ તરીકે તેમના તરફથી બોલવું એ કૉંગ્રેસનું પ્રથમ કાર્ય છે. ખેડૂતોના પ્રતિનિધિ તરીકે કૉંગ્રેસ તરફની મદદને સ્થાનિક અમલદારો માન્ય ન રાખે અને તેમની મદદની દરખાસ્તોને સહાનુભૂતિપૂર્વક ન વિચારે તો ભય છે કે કૉંગ્રેસને માટે સમાધાનીની શરતોનું પાલન કરવું અશક્ય થાય. એમ કરીને સંધિના ભંગના દોષનો ટોપલો કૉંગ્રેસને માથે નાખવો તે ખોટું છે. છેવટે તો શરતોનું પાલન લોકો દ્વારા જ થવાનું છે, અને જો કૉંગ્રેસના માણસો લોકોની માગણીઓ અને લોકોનાં દુઃખો અમલદારો આગળ રજૂ ન કરી શકે તો સંધિનું પાલન કરવામાં કૉંગ્રેસ અસમર્થ જ નીવડે.”

બારડોલી અને બોરસદ તાલુકામાં તથા ગુજરાતના બીજા ભાગોમાં પણ સ્થાનિક અમલદારોએ આવી મુશ્કેલીઓ ઊભી કરવા માંડી હતી. માતર તાલુકાના મામલતદારે એક નોટિસ કાઢી હતી. તેમાં જણાવ્યું હતું કે, “રખાનું ખર્ચ અને જપ્તીનું ખર્ચ સરકારને થયેલું હોવાથી તે માફ થઈ શકશે નહીં.” નવજીવન કાર્યાલયે લડત દરમ્યાન મહેસૂલ નહીં ભરેલું. સંધિ પછી તરત તે આપવા ગયા ત્યારે તેમની પાસે ‘નોટિસ ફી’ માગી અને ‘નોટિસ ફી’ વગર મહેસૂલ લેવાની ના પાડી. વળી ખેડૂતો પાસેથી પાછલી સાલની બાકીઓ પણ તેઓ માગવા માંડ્યા હતા. સ્થાનિક કાર્યકર્તાઓ સાથે વિચાર કરીને ગાંધીજી તથા સરદાર એવા નિર્ણચ ઉપર આવ્યા હતા કે,

૧. રાસ ગામને એટલી ભારે નુકસાની ખમવી પડી છે કે તે ભાગ્યે જ કાંઈ પણ ભરી શકે.
૨. બાકીનાં ગામો પોતાથી શક્ય તેટલું બધું કરીને ચાલુ વર્ષનું મહેસૂલ ભરવાનો પ્રયત્ન કરશે.
૩. તગાવી તથા પહેલાંની બાકી સરકારે મુલતવી રાખવી જોઈએ. સરકાર એવું માને છે કે લોકો ઉપર આવી પડેલી આફત તેમને પોતાને જ વાંકે ઊભી થયેલી છે, પણ સંધિ થયા પછી આ કારણ રજૂ કરવું અપ્રસ્તુત છે.
૪. રખાનું, જપ્તીનું તથા નોટિસ ફીનું ખર્ચ નહી લેવું એવો સંધિનો ચોખ્ખો અર્થ છે. તેથી એ ખર્ચોની રકમની માગણી કરવામાં ન આવે.

ગાંધીજીએ તા. ૨૦–૪–’૩૧ના રોજ ઉત્તર વિભાગના કમિશનર મિ. ગૅરેટને કાગળ લખીને આ વસ્તુ જણાવી. તેના જવાબમાં મિ. ગૅરેટે ૨૧–૪–’૩૧ના રોજ કાગળ લખીને જણાવ્યું કે,

“આપ કૉંગ્રેસને સરકાર અને લોકો વચ્ચે મધ્યસ્થ તરીકે વર્ણવો છો. સંધિને અંગે સ્વીકારાયેલી વસ્તુઓમાંની આ નથી, અને તમે સૂચવેલો અર્થ
સ્વીકારવા હું અસમર્થ છું. લોકો પોતાને લગતી બાબતમાં સરકારી અમલદારો પાસે પહોંચી જવાને સ્વતંત્ર અને શક્તિમાન છે.”

ગાંધીજીએ મુંબઈ સરકારને પત્ર લખી જણાવ્યું કે :

હિંદની સરકારે તથા બ્રિટિશ સરકારે એ વસ્તુનો સ્વીકાર કર્યો કે કૉંગ્રેસ જ લોકોની સાચી પ્રતિનિધિ છે ત્યારે જ તેની અને સરકારની વચ્ચે સંધિ થઈ છે. સરકાર અને લોકો વચ્ચે મધ્યસ્થી તરીકે કૉંગ્રેસનો ઇન્કાર કરવો એટલે સંધિનો ઇન્કાર કરવો એ અર્થ થાય છે.”

આના જવાબમાં મુંબઈ સરકારે અને મિ. ગૅરેટે સહેજ ફેરવી તોળ્યું અને તત્કાળ પૂરતું તો કામ આગળ ચાલ્યું. પણ એમના દિલમાંથી આંટી ગઈ નહોતી. એટલે મુશ્કેલીઓ તો ઊભી જ રહી.

યુક્ત પ્રાંતમાં અને ગુજરાતમાં મહેસૂલ વસૂલ કરવાની બાબતમાં અમલદારોએ સખતાઈ અને જોર જુલમ ચાલુ રાખ્યા. કર્ણાટકમાં સીરસી અને સિદ્દાપુર તાલુકા આર્થિક સંકટોને લીધે મહેસૂલ ભરી શક્યા નહોતા. ત્યાં પણ અમલદારોએ જુલમ કરવા માંડ્યા. કૉંગ્રેસના કાર્યકર્તાઓને બાજુએ રાખી સરકારે બારોબાર દમનનાં પગલાં લેવાનું શરૂ કર્યું.

કાયદાની મર્યાદામાં રહીને દારૂના પીઠાં ઉપર પિકેટિંગ કરવાની છૂટ સંધિના કરારમાં અપાયેલી હતી, પણ તેમાં દારૂતાડીની દુકાનોની હરાજી ઉપર પિકેટિંગ કરવાની છૂટ ક્યાં હતી ? એટલે એના ઉપર પિકેટિંગ કરનારાને ૧૪૪મી કલમ લાગુ પાડવા માંડી. વળી પીઠાં ઉપરના પિંકેટિંગનું નિયમન કરવાને બહાને સ્થાનિક અમલદારોએ એવા હુકમ બહાર પાડવા માંડ્યા કે પિકેટિંગ અશક્ય થઈ જાય. એવા હુકમોથી ચોકી કરનારાની સંખ્યા એટલી નાની નક્કી કરવામાં આવી કે દુકાનને બે અથવા વધારે બારણાં હોય તો એના ઉપર ચોકી રાખી શકાય જ નહીં. કેટલીક જગ્યાએ તો પીઠાંથી સો સો વાર દૂર ઊભા રહીને ચોકી કરવાના હુકમો કાઢવામાં આવ્યા. જેથી પિકેટિંગ કરનારા દુકાનો જોઈ પણ શકે નહીં અને પિકેટિંગ નિષ્ફળ બને. આ ઉપરાંત અમદાવાદ, રત્નાગિરિ તથા ભરૂચ જિલ્લામાં પોલીસ પરવાનામાં જણાવેલા સ્થળ અને સમયની બહાર દારૂનું વેચાણ કરવાની પીઠાંવાળાને અમલદારોએ રજા આપી. વળી પીઠાંવાળા ચોકી કરનારા ઉપર હુમલા કરતા તે પ્રત્યે પોલીસ આંખમીંચામણાં કરતી, અને ચોકી કરનારાઓની દાદ ફરિયાદ સાંભળતી નહીં. દારૂતાડી ઉપરના પિકેટિંગને નિષ્ફળ બનાવવાને એક પણ ઉપાય લેવાનો અમલદારોએ બાકી રાખ્યો નહી.

જ્યાં મીઠું કુદરતી રીતે પાકતું હોય ત્યાં પોતાના ઘરઉપયોગ માટે એ લેવાની અને આસપાસના પ્રદેશમાં માથે મૂકીને વેચવાની સંધિના કરારની રૂએ છૂટ આપવામાં આવી હતી. મદ્રાસ ઇલાકાના માછીઓએ સંધિ પછી વડી સરકારને આ છૂટ મળવા માટે આભારનો તાર કર્યો. સરકાર તરફથી એ લોકોને જવાબ મળ્યો કે તમને આ શરતો લાગુ નથી પડતી, સમાધાનીની શરતોમાં ઘરના વાપરને સારુ મીઠું ભેગું કરવાની કે પકવવાની છૂટ રહેશે એવા શબ્દો હતા અને મદ્રાસ ઇલાકાના માછીઓ માછલી સાચવવાના ઉપયોગને સારુ મીઠું લેવા ઈચ્છતા હતા, એમ કહીને સરકારે તેમને ના પાડેલી. બહુ લાંબી વાટાઘાટો પછી સરકારે મે મહિનાની આખરમાં કબૂલ કર્યું કે “સમાધાનીની કલમનો ઉદ્દેશ ગરીબોને લાભ આપવાનો હોઈ, 'ઘરગથ્થુ વાપર' એ શબ્દોમાં ખાતર માટેના, ઢોર ને ખવડાવવાના અથવા માછલી સાચવવાના ઉપયાગનો સમાવેશ થશે.”

વલસાડ તાલુકાનાં પાંચ ગામોએ પોતાની જમીન ઉપર ધરાસણાના મીઠાના અગર ઉપર હુમલો કરનારા સ્વયંસેવકોની છાવણીઓ કરવા દીધેલી તે બદલ તેમનો દંડ કરવામાં આવેલો અને જમીનો જપ્ત કરવામાં આવેલી. હવે સમાધાનીની શરતોમાં “ જે દંડ વસૂલ થયા નથી તે માફ કરવામાં આવશે અને જપ્ત થયે જમીનો વેચી નાખવામાં નહી આવી હોય તો પાછી આપવામાં આવશે” એવી કલમ હતી. એટલે સમાધાની પછી એ ખેડૂતો પૂરેપૂરૂ મહેસૂલ ભરીને જમીનનો કબજો પાછો માગવા ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તમારી ખેતીની જમીનને તમે બિનખેતીના કામ માટે ઉપયોગ કર્યો તેનો દંડ નહી ભરો ત્યાં સુધી જમીન પાછી આપવામાં નહી આવે.

જે પટેલો અને તલાટીઓએ લડત દરમ્યાન રાજીનામાં આપેલાં તેમને પાછા નોકરીએ લેવાની બાબતમાં પણ સ્થાનિક અમલદારોએ જાતજાતના વાંધા ઊભા કર્યા. તેમની બાબતમાં બોરસદના મામલતદારે તા. ૧૧-૩-'૩૧ના રોજ નોટિસ કાઢી કે,

“ તમે ફરી નોકરીએ ચડવા ખુશી હો તો તમારી નિમણુક બાર મહિનાને માટે સરકાર તરફથી થશે. અને ત્યાર બાદ તમારી વર્તણૂક સંતોષકારક જણાયેથી તમારું મતું તમને પાછું આપવા વિચાર થશે. વળી તમારા વાર્ષિક મહેનતાણાનો ચોથો ભાગ દંડ તરીકે આપવો પડશે” વગેરે.

આ જાતની નોટિસ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો ત્યારે તે પાછી ખેંચી લેવામાં આવી. પણ પટેલ તલાટીઓને પાછા લેવાની બાબતમાં ગચ્ચાં નાખવાનું તો ચાલુ જ રહ્યું. સમાધાનીમાં એક શરત એવી હતી કે રાજીનામાંથી ખાલી પડેલી જગ્યાઓ જ્યાં કાયમની પુરાઈ ગઈ હશે ત્યાં સરકાર પહેલાંના હોદ્દેદારોને ફરી તે જગ્યાએ લઈ શકશે નહીં. આ કલમનો લાભ લેવા માટે સ્થાનિક અમલદારોએ એવું કહેવા માંડયું કે ‘વધુ હુકમ થતાં સુધી'” નિમાયેલા પટેલો અને મુખીઓને કાયમ નીમવામાં આવ્યા છે. આમાંના ઘણા તો નોકરીને માટે નાલાયક હતા એમ પણ સિદ્ધ કરવામાં આવ્યું હતું. દા. ત. રાસ ગામમાં બારૈયા કોમના જે માણસને નવો મુખી નીમવામાં આવ્યો હતો તેને પહેલાં ચોરીના ગુના માટે સજા થયેલી હતી. વળી સમાધાન પછી તેના મુખીપણા દરમ્યાન કેટલાક બિનબારૈયાઓનાં ઝૂંપડાં બાળી નાખવામાં આવ્યાં હતાં અને સંખ્યાબંધ ઝાડ અને વાડાને નુકસાન કરવામાં આવ્યું હતું. બારડોલી તાલુકાના વરાડ ગામે એક જહાંગીર પટેલ નામના પારસીને લડત દરમ્યાન મુખી નીમવામાં આવેલો. તેની સામે લાંચ લેવાના, પૈસા ઉચાપત કરવાના, ધમકીઓ આપીને પૈસા કઢાવવાના અને ગુંડાશાહી કરવાના આરોપો હતા. વળી જપ્ત થયેલી જમીન સરદાર ગારડા નામના પારસીએ ખરીદેલી તેમાં પણ તેનો ભાગ હોવાનો આરોપ હતો, છતાં આવા માણસોને તેમની નિમણૂક કાયમી કરવામાં આવી છે એમ કહી સ્થાનિક અમલદારોએ ખસેડવાની ના પાડી.

શ્રી દુર્લભજીભાઈ અને શ્રી મોરારજીભાઈએ લડત દરમિયાન પોતાના ડેપ્યુટી કલેક્ટરના હોદ્દાનાં રાજીનામાં આપેલાં. તેમને વિષે લોડ અર્વિન અને ગાંધીજી વચ્ચે એવી મોઢાની સમજૂતી થયેલી કે તેમને નોકરી ઉપર પાછા ન ચડાવતાં પેન્શન આપવામાં આવશે. બંનેએ ગાંધીજીના કહેવાથી પેન્શન માટે અરજીઓ કરી. પણ અર્વિન પછી આવેલા વિલિંગ્ડન સાહેબે પેલી મોઢાની સમજૂતીનો ઈનકાર કર્યો.

ઘણા પ્રાંતોમાં લડતમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને માફી માગ્યા વિના કે સત્યાગ્રહની લડતમાં ફરી કદી ભાગ ન લઈએ એવી કબૂલાત આપ્યા વિના હાઈસ્કૂલોમાં અને કોલેજોમાં દાખલ કરવાની ના પાડવામાં આવી.

સંધિને અંગે આવા પાર વિનાના ઝધડા સ્થાનિક અમલદારોએ ઊભા કરવા માંડ્યા. તે માટે જિલ્લાના અમલદારો સાથે, પ્રાંતિક સરકારો સાથે અને હિંદ સરકાર સાથે ગાંધીજીને લાંબો પત્રવ્યવહાર ચલાવવો પડ્યો અને વારંવાર દિલ્હી સીમલાના ધક્કા ખાવા પડ્યા.

ગુજરાતમાં મુખ્યત્વે બારડોલી અને બોરસદ એ બે તાલુકાઓમાં નાકરની લડત ચાલેલી, અને બંને તાલુકાઓમાં સમાધાની પછી ખેડૂતો પોતાની શક્તિ પ્રમાણે મહેસૂલ ભરી દે એ માટે સરદારે અને ગાંધીજીએ તનતોડ પ્રયત્ન કરેલ. સરદાર આ વર્ષે કૉંગ્રેસના પ્રમુખ હતા એટલે તેમને ઘણાં કામમાં ધ્યાન આપવાનું રહેતું અને ગાંધીજી પાસે પણ પાર વિનાનું કામ પડેલું હતું. છતાં બંનેએ સંધિની શરતોનું લોકો તરફથી પાલન થાય એને જ પોતાનું મુખ્ય કામ માન્યું, અને સરદારે બારડોલીને તથા ગાંધીજીએ બોરસદને પોતાના રહેઠાણુનું મુખ્ય મથક બનાવ્યું. બંનેને કલેકટરો જેવા જિલ્લા અમલદારોની વારંવાર મુલાકાત લેવી પડતી; એમ કહીએ તોપણ ચાલે કે તેમની દાઢીમાં હાથ ઘાલવા પડતા, તેઓ અને કૉંગ્રેસી કાર્યકર્તાઓ મહેસૂલ ઉઘરાવી આપનારા વેઠિયા જ બન્યા હતા એમ કહીએ તો ચાલે. લોકો પાસે પરાણે પરાણે તેમણે મહેસૂલ ભરાવ્યું. પણ અમલદારોને તો લોકોને કનડવા જ હતા એટલે પાક્કી જૂની બાકીઓ માટે પણ તકાદા કરવા માંડ્યા અને સખતાઈનાં પગલાં લેવા માંડ્યાં. આથી સરદાર કેવા અકળાતા તે ગાંધીજી સાથે થયેલો નીચેનો સંવાદ તે વખતની મહાદેવભાઈની ડાયરીમાં છે. તે ઉપરથી જણાઈ આવે છે :

સરદારને ચિડાયેલા જોઈ બાપુએ પૂછ્યું: 'આના ઉપર તોડવું હોય તો તોડી શકીએ છીએ.'
સરદાર : ‘તોડીને શું ? અર્ધાએ તો ભરી દીધું. આ લોકો તકાદાની નોટિસ કાઢ્યે જાય છે. બીજા પણ ભરી દેશે. આપણે લોકોને કશી સ્પષ્ટ દોરવણી આપી શકતા નથી.'
બાપુ : 'કેમ નહીં ?'
સરદાર : 'જેનાથી ભરાય તે ભરે એ સ્પષ્ટ દોરવણી ના કહેવાય. હું તો તમને કહેતો જ હતો કે આ લોકો ચોર છે. એમની મુનસફી ઉપર વાત જ્યાં સુધી રાખશો ત્યાં સુધી આપણે મરી જવાના છીએ. પણ તમે તો કહ્યું કે ખરેખર મુલતવી આપશે, બે વર્ષની પણ આપશે. પણ એવું કશું આ લોકો આપતા નથી. બે વરસનું ભરવાનું લોકોને શી રીતે કહી શકાય ?'
બાપુ : ‘પણ જે ભરી શકે એવા હોય તેને પણ ન કહેવાય ?'
સરદાર : 'પણ ભરી શકે એવા નથી એ આપણે જાણીએ છીએ. ગભરાઈને તો બધાય ભરે.'
તે જ દિવસે બીજી એક વાતમાં પણ સરદારે બાપુનો વિરોધ કર્યો એટલે બાપુએ સરદારને કડકાઈથી પૂછયું: ‘ત્યારે મેં સમાધાન કર્યું તે તમારી ઉપરવટ થઈને કર્યું એમ જ તમે કહેવા માગો છો ના ? '
સરદારે વળી બીજી વાત સંભળાવીને કહ્યું : 'મેં તોડવાનું ન કહ્યું એ મારો ગુનો ?'
બાપુ: 'હું તો મારો ગુના વિચારી રહ્યો છું.'
ઘેર આવીને સરદાર સમજ્યા જણાયા. મને કહ્યું: 'બાપુને બહુ દુ:ખ થયું લાગે છે. પણ શું થાય ? આ તો એવો ગૂંચવાડો થયો છે કે મને તો કશી સૂઝ નથી પડતી.'
બીજે દિવસે સવારે બાપુના ઉદ્ગારો: ‘આપણાથી ગાંધીની શરતે ન લડી શકાચ, સરદારની રીતે જ લડાય’ એમ જે કહેવામાં આવે છે તેનું રહસ્ય હવે હું સમજું છું. . . . સરદારની બધી દલીલનો મદાર એ વાત ઉપર છે કે ખેડૂતોને હું (ગાંધીજી) જાણું છું તેના કરતાં એ (સરદાર) વધારે જાણે છે. આપણે એ લોકોને એમ ન કહી શકીએ કે જેનાથી ભરી શકાય તે ભરી દે.

કારણ એ લોકોમાં ઘેટાંબળ છે, સિંંહબળ નથી. એટલે એક જ વરસનું આપવાની વાત કરવી જોઈએ. એકબે માણસ ભરી શકે તેવા હોય છતાં તે પણ ન ભરે. કારણ ભરે તો ઘેટાંબળ રહી ન શકે.'

છેવટે તા. ૧૪-૬ –’૩૧ના રોજ ગાંધીજીએ હિંદ સરકારના હોમ સેક્રેટરી મિ. ઇમર્સનને કાગળ લખીને સૂચવ્યું કે સંધિ વિષે મને લાગે છે તે પ્રમાણે કદાચ એ સમય આવી લાગ્યો છે કે જ્યારે સંધિની કલમોના અર્થનો નિર્ણય કરવા માટે તથા એક યા બીજો પક્ષ સંધિની શરતોનું પૂરેપૂરું પાલન કરે છે કે કેમ તે નક્કી કરવા માટે કાયમી લવાદી પંચ નીમવામાં આવે.

પિકેટિંગની બાબતમાં તો સરકારી અમલદારો સાથે થતા ઝધડાનો પાર નહોતો. એટલે એ વિષે ગાંધીજીએ સૂચવ્યું કે બંને પક્ષ તરફના પ્રતિનિધિઓવાળી તપાસસમિતિઓ નીમવામાં આવે. જે ફરિયાદો આવે તેની આ સમિતિઓ ત્વરિત તપાસ ચલાવે. જ્યાં એમ માલૂમ પડે કે શાંત પિકેટિંગના નિયમનો ભંગ થયો છે ત્યાં પિકેટિંગ તદ્દન મુલતવી રાખવામાં આવે. જ્યાં પિકેટિંગ શાંત હોવા છતાં કેસ કરવામાં આવ્યા છે એમ માલૂમ પડે ત્યાં એવા કેસો ખેંચી લેવામાં આવે.

પણ સરકારને આ સૂચનાનો સ્વીકાર કરવામાં પોતાની સત્તાનો ત્યાગ કરવા જેવું લાગ્યું, એટલું જ નહીં પણ કૉંગ્રેસને સત્તા સોંપવા જેવું લાગ્યું. એટલે હોમ સેક્રેટરીએ લાંબો જવાબ આપીને જણાવ્યું કે જ્યારે સંધિ કરવામાં આવી ત્યારે આવી સ્થિતિ વિચારવામાં નહોતી આવી. સરકારનાં મૂળભૂત કર્તવ્યોના પાલનની સાથે આ સૂચના સુસંગત નથી.

જિલ્લા અમલદારો તરફથી લગભગ દરેક બાબતમાં સંધિની પાછળ રહેલા ભાવનું પાલન નહોતું થતું, એટલું જ નહીં પણ સંધિનો છડેચોક ભંગ થતો હતો, અને કૉંગ્રેસી કાર્યકર્તાઓની તથા લડતમાં જેમણે ભાગ લીધો હતો એવી જનતાની પજવણી થતી હતી. તો પણ ગાંધીજીનો આગ્રહ એ હતો કે કૉંગ્રેસે અને પ્રજાએ સંધિનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ. એટલે તેઓ વાઈસરૉયને મળવા સીમલા ગયા. વાઈસરૉયને સમજાવવાનો તેમણે ખૂબ પ્રયત્ન કર્યો. પણ એને સમજવું હોય તો ના ?

આ પ્રકરણ ચાલતું હતું તેવામાં જ બ્રિટિશ વડા પ્રધાનની વતી ગોળમેજી પરિષદના સભ્ય થવાનું આમંત્રણ વાઈસરૉયે તા. ર૦મી જુલાઈના કાગળથી ગાંધીજીને આપ્યું. ગાંધીજીએ જણાવ્યું કે, "મારી પાસે દેશમાં ઠેકઠેકાણેથી એવા રિપોર્ટો ચાલ્યા આવે છે કે કૉંગ્રેસીઓને કશા વાજબી કારણ વિના સતાવવામાં આવે છે. કહેવાય છે કે કેટલીક જગ્યાએ તો સવિનય ભંગની લડતમાં થતી હતી તે કરતાં પણ ઘણી

વધારે સતામણી અત્યારે ચાલી રહી છે. મને લાગે છે કે હિંદુસ્તાનમાં આ ઘડીએ જે સ્થિતિ પ્રવર્તી રહી છે તે સુધરે નહીં તો મારે હિંદુસ્તાન છોડવું અશક્ય છે.”

આ વખતે સરહદ પ્રાંતમાં ખુદાઈ ખિદમતગાર ઉપર માર મારવાના તથા બીજા અમાનુષી ત્રાસ ગુજારવાના સમાચાર ગાંધીજી પાસે આવી રહ્યા હતા. અહીં એક દાખલો આપીશું. એક ગામમાં જે સ્વયંસેવકોએ મહેસૂલ નહોતું ભર્યું તેમને એકઠા કરી એમાંના છ જણને ભમરીઓવાળા એક ઓરડામાં પૂર્યા અને પછી ભમરીઓ ઉડાડી તેમને કરડાવી. જ્યારે કમકમાટી ઊપજે એવા સૂજેલા મોઢા સાથે તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે ફોજદારે તેમને કહ્યું, “ ચાલ્યા જાઓ, તમારી ઓરતોને વેચી મહેસૂલ ભરી જજો." એક જગ્યાએ બે ખુદાઈ ખિદમતગારોને પકડી કોંગ્રેસનું કામ છોડી દેવાનું ફરમાવ્યું. પણ પેલાઓએ એમ કરવાની ના પાડી કે તરત જ તેમને નાગા કરી ખૂબ ઠોક્યા અને એ બેમાંના એકને મજબૂત દોરડાથી બાંધી જમીન પર તડકામાં સુવાડ્યો. એટલેથી પણ સંતોષ ન માનતાં તેની ગુદામાં લાકડાના કટકા ખોસવામાં આવ્યા. પઠાણ આ જાતનાં અપમાનને મોત કરતાં પણ ભૂંડું માને છે, છતાં આ ખુદાઈ ખિદમતગારો પોતાને અહિંસાની પ્રતિજ્ઞાથી બંધાયેલા ગણી આવાં અપમાનો તથા કષ્ટો મૂંગે મોઢે સહન કરી લેતા. આવા રિપાર્ટો વાંચી ગાંધીજીને પાર વગરની અસ્વસ્થતા થતી. છેવટે શ્રી દેવદાસ ગાંધીને તેમણે આ બાબતની તપાસ કરવા સરહદ પ્રાંતમાં મોકલ્યા. તેમના રિપોર્ટમાં તેમણે આ બધા કિસ્સાઓ ખરા હોવાનું જણાવ્યું.

જુલાઈ માસમાં ગાંધીજી સીમલા હતા ત્યારે જ બારડોલીમાં મહેસૂલ ઉઘરાવવા માટે ત્યાંના રેવન્યુ અમલદારો તથા પોલીસોએ ભારે ત્રાસ ગુજાર્યો. સંધિ પછી શક્ય તેટલું મહેસૂલ ભરાવી દેવા માટે સરદાર બારડોલી રહેલા અને ગાંધીજી બોરસદ રહેલા તે ઉપર કહેવાઈ ગયું છે. સંધિ થઈ તે વખતે બારડોલી તાલુકાનું ચાલુ સાલનું લગભગ વીસ લાખ રૂપિયાનું મહેસુલ બાકી હતું. તેમાંથી સરદારના પ્રયત્નથી ઓગણીસ લાખ રૂપિયા તો ભરાઈ ચૂક્યા હતા. બાકીના ભરવામાં વિલંબ થતો તે પણ લોકોની આડાઈને લીધે નહોતો થતો, પણ લડત દરમ્યાન લોકો હિજરતે ગયેલા. તેમની જમીન જપ્ત થયેલી. પાક લૂંટાઈ ગયેલા, ભેંસો જપ્તીમાં ગયેલી અને હરાજ થઈ ગયેલી, વગેરે પારાવાર નુકસાન થયેલું તેથી આવેલી આર્થિક અશક્તિને લીધે જ તેઓ ભરી શકતા નહોતા. કલેકટરે બાકીવાળાઓ ઉપર ટપાટપ નોટિસો કાઢવા માંડી. સરદારે કલેકટરને કહ્યું કે ખાતેદારો ઉપર સીધી નોટિસો કાઢવાને બદલે મને એમનાં નામ આપો અને જેઓ ભરી શકે એવા હોય તેમની પાસે હું પૈસા ભરાવી આપીશ. કલેક્ટરે નામ આપ્યાં અને સરદારે થોડાક પૈસા ભરાવી પણ આપ્યા. સરદારે શ્રી મોહનલાલ પંડ્યાને કલેકટર પાસે મોકલ્યા કે હજી બીજાં નામ હોય તેની યાદી આપો. કલેક્ટરે જણાવ્યું કે હવે તો હું યાદી નહીં આપી શકું કારણ કે એવી રીતે તમને ચાદી ન પૂરી પાડવી એવા મારા ઉપર હુકમ છે. આ પ્રમાણે જણાવ્યા પછી તરત જ કલેક્ટરે બારડોલી જઈ જે ગામોમાં જે જે ખેડૂતોને મહેસુલ બાકી હતું તેમની પાસેથી જબરદસ્તીથી મહેસૂલ વસૂલ કરવાની યોજના કરી. સવારના પહોરમાં મામલતદાર તથા એક બે પોલીસ અમલદારો પોલીસના ધાડા સાથે ગામે જઈ ચડે અને ગામને ઘેરો ઘાલે. જે લોકો ખેતરમાં કામ કરવા અથવા દિશાએ જવા બહાર ગયા હોય તેમને ગામમાં પેસવા ન દે, અને ગામમાંથી કોઈને બહાર નીકળવા ન દે. ગામમાંથી કોઈ ઢોરને પણ બહાર જવા ન દે. જે આસામીનું મહેસૂલ બાકી હોય તે આસામીને ઘેર પોલીસનો પહેરો બેસી જાય અને ઘરમાંથી કોઈ માણસને કે ઢોરને બહાર નીકળવા ન દે અને બહારથી કોઈને અંદર પેસવા ન દે. પોલીસ અમલદાર મારઝૂડ કરવાની તથા ઘરનું બધું લૂંટી લેવાની ધમકી આપે અને ઘરનાં બધાંને ગભરાવી મૂકે. આ ઉપરાંત ગાળોનો વરસાદ વરસાવે તે તો જુદો જ. તમારી પાસે પૈસા ન હોય તો કાળા ચોરના લઈ આવો. પણ જ્યાં સુધી મહેસૂલ ભરી નહીં દો ત્યાં સુધી આ ઘેરો ઊઠશે નહીંં. આમ લોકોને ગભરાવીને જુલાઈના બીજા અને ત્રીજા અઠવાડિયાના લગભગ દસ દિવસમાં સોળ ગામ ઉપર ચડાઈ કરી મહેસૂલ વસૂલ કર્યું. સરદાર તે વખતે બારડોલીમાં જ હતા. રેવન્યુ અને પોલીસ અમલદારોની આ ગુંડાગીરીના રિપોર્ટો તેમની પાસે તે તે ગામથી આવતા, અને તેમની અકળામણનો પાર રહેતો નહીં. સ્થાનિક અમલદારો ગમે તે કરે તો પણ આપણું ચાલે ત્યાં સુધી આપણે તો સંધિની શરતોનું પૂરેપૂરું પાલન કરવું જ છે, એવી ગાંધીજીની સૂચના હતી. એટલે સરદારની સ્થિતિ એ સૂચના રૂપી બંધનના પાંજરામાં પુરાયેલા સિંહ જેવી હતી. તેમણે ગાંધીજીને સીમલા કરેલા નીચેના તાર ઉપરથી તેમની મનઃસ્થિતિનો ખ્યાલ આવશે.

"બારડોલી,
૧૭-૭-'૩૧
 


“સુરતની મુલાકાત પછી વસુલાતનું દબાણ વધ્યું છે. કદાચ કમિશનરને પૂછીને તેમ કર્યું હશે. કલેક્ટર ગઈ કાલે સાંજે અહીં આવ્યા હતા. રેવન્યુ અમલદારો, ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મિ. ઇરમાઈલ દેસાઈ તથા પંદર પોલીસ કોન્સ્ટેબલોએ ગયા વર્ષની બાકી વસૂલ કરવા માટે રાયમ ગામ ઉપર ધાડ પાડી. ડાહ્યા કાળા નામના ખેડૂત જેણે ચાલુ સાલનું મહેસૂલ તે ભરી દીધું છે તેનાં ખાટલા ગોદડાં અને રાંધવાનાં વાસણ જપ્તીમાં લીધાં. જપ્ત થયેલી મિલકત ખસેડવામાં આવી. ખેડૂતો અત્યારે ખેતીના ખરા કામમાં લાગેલા છે. તેમની દશા સૂડી વચ્ચે સોપારી જેવી છે. એક યા બીજી રીતે આનું નિરાકરણ લાવ્યે જ છૂટકો છે. – વલ્લભભાઈ ”

“ બારડોલી,
૨૦-૭-૩૧
 


મારા ગયા તાર પછી ગામો ઉપરની ધાડો ચાલુ છે. આજે ઘણાં ગામ ઉપર પોલીસોએ ધાડ પાડી છે. આવવાની તારીખ તારથી જણાવો.-વલ્લભભાઈ ”

“ બારડોલી,
૨૧-૭-'૩૧
 


"બારડોલીના એક મુસલમાનના ઘરનું પાછલું બારણું પોલીસે તોડી નાખ્યું. બે બાળકોને ઈજા થઈ છે. હિમના વર્ષની બાકીના વીસ રૂપિયા માટે ઘરમાંથી બધી મિલકત બહાર કાઢી. છેલ્લાં બે વર્ષનું તમામ મહેસૂલ આ માણસે ભરી દીધેલું છે. પાછલાં વર્ષોની બાકી માટે આ જાતની જપ્તીઓ ચાલુ છે.

- વૂલ્લભભાઈ"
 
"બારડોલી,
૨૬–૭–૩૧
 


"પોલીસનો જુલમ અસહ્ય થતો ચાલ્યો છે. ખેડૂતોનાં ટોળેટોળાં ફરિચાદ કરતાં આશ્રમમાં ઊભરાય છે. ગઈ કાલે સાંકળીનાં કેટલાંક કુટુંબોને બહાર પોલીસનો પહેરો મૂકી આખો દિવસ ઘરમાં પૂરી રાખ્યાં. ટીમ્બરવાના ખેડૂતોને પોલીસોએ ખેતરમાં કામે જવા દીધા નહીં. છેવટે પોલીસના પહેરા સાથે તેઓ બીજે ગામ જઈ ભારે વ્યાજે નાણાં લઈ આવ્યા. રાજપુરાના ખેડૂતોને આજે પોલીસ ટીમ્બરવા ઘસડી લઈ ગઈ. ખેાજ અને પારડી ગામેથી સમાચાર આવે છે કે વહેલી પરોઢથી પોલીસોએ ગામને ઘેરો ઘાલ્યો છે. ખેડૂતો તથા ઢોરોને પણ બહાર જવા દેતા નથી. જેમની પાસે મહેસૂલ બાકી છે એવાં કુટુંબને તો ઘરમાં જ ગોંધી રાખ્યાં છે. બારડોલીમાં નાકે નાકે પોલીસ લગાવી દીધી છે, અને સ્ત્રીઓ તથા પુરુષો પજવણીની તેમ જ ન સંભળાય એવી ગાળોની ફરિયાદ કરે છે. આ ત્રાસનો ઉપાય ન જ થઈ શકે એમ હોય તો ભગવાનને ખાતર હવે તો લડાઈ શરૂ કરવા દો.-વલ્લભભાઈ ”

તા. ૨૪મી જુલાઈ એ ગાંધીજી બારડોલી આવી પહોંચ્યા. તેમણે આ બધી ફરિયાદોનો કાગળ સુરતના કલેક્ટરને લખીને છેવટે જણાવ્યું કે,

"અહીં બતાવેલી બાબતોમાં સંતોષ આપવામાં આવે અથવા આમાં કરેલી ફરિયાદોની ખુલ્લી તપાસ કરવા નિષ્પક્ષ પંચ સરકાર નીમે અને એટલો વખત દરમ્યાન બધાં જાપ્તાનાં પગલા બંધ રાખો તો ઠીક. નહીં તો સરકારે સંધિને ભંગ કર્યો છે અને આપેલા વિશ્વાસનો ઘાત કર્યો છે એમ હું માનીશ. અને જે

પ્રજાની કૉંગ્રેસ પ્રતિનિધિ છે તે પ્રજાના હિતની રક્ષા કરવા આવશ્યક જણાય તેવાં પગલાં લેવાને હું છૂટો છું એમ માનીશ. આવતા રવિવારે બપોર સુધીમાં આનો જવાબ મને પહોંચાડવા કૃપા કરશો.
“આ કાગળની નકલ ઉત્તર વિભાગના કમિશનર મિ. ગૅરેટ તથા મુંબઈ સરકારને મોકલું છું. અને તેનો સારાંશ નામદાર વાઈસરૉયને તારથી જણાવું છું.”

મુંબઈ સરકારના હોમ મેમ્બર મિ. મેક્સવેલે ગાંધીજીના કાગળનો જવાબ બહુ મોડો તા. ૧૦મી ઑગસ્ટે આપ્યો. તેમાં જણાવ્યું કે,

“મળેલા સમાચાર ઉપરથી નામદાર ગવર્નરને ખાતરી થઈ છે કે બારડોલીમાં મહેસૂલ ઉઘરાવવા સારુ લેવાયેલાં પગલાંમાં સંધિભંગ નથી. અમુક વીણી કાઢેલા આસામીઓ સામે જ કલેક્ટરે પગલાં લીધાં છે. ખાતેદારોએ તરત ભરણું કર્યું અને જપ્તી ક્વચિત જ કરવી પડી તે ઉપરથી જણાઈ ગયું છે કે ભરી શકે એવા ઘણાએ મહેસૂલ નહોતું ભર્યુંં. લોકોએ સંધિ પાળી નહીં એટલે જ જપ્તીનાં પગલાં લેવાં પડ્યાં.”

એ જ કાગળમાં આગળ જણાવ્યું કે,

“જમીન મહેસૂલના ઉઘરાણાનો આધાર કૉંગ્રેસની સલાહ ઉપર રહે એ સ્થિતિ સરકારે કે કલેક્ટરે કદાપિ સ્વીકારી નથી. નામદાર ગવર્નરને કાંઈ શંકા નથી કે, આપ પોતે પણ સમજશો કે અમુક ખાતેદાર મહેસૂલ ભરી શકે એમ છે કે નહીં એનો નિર્ણય કલેક્ટરને હસ્તક જ રહેવો જોઈએ. એટલે નામદાર ગવર્નર માને છે કે લેવાયેલાં પગલાંમાં વિશ્વાસઘાત કે સંધિભંગ થયેલ નથી.”

બારડોલીમાં આ જુલમ ચાલી રહ્યો હતો તે વખતે યુક્ત પ્રાંતોમાં પણ એ જ દશા હતી. ગાંધીજીએ તા. પ-૮-’૩૧ના રોજ યુક્ત પ્રાંતના ગવર્નરને તાર કરીને જણાવ્યું કે,

“સરકારના મુખ્ય મંત્રી સાથે પોતાને થયેલી વાતચીત પંડિત માલવીયજી તથા પંડિત જવાહરલાલે વર્ણવી, તે ઉપરથી જણાય છે કે કિસાનો વિષેની સરકારની નીતિ અનિશ્ચિત છે, જાપ્તાંનાં પગલાં ચાલુ છે, અને કાઢી મૂકેલા કિસાનોની અદ્ધર સ્થિતિ છે. એટલે મને બહુ ચિંતા થાય છે. આ મહત્ત્વના પ્રશ્નો વિષે સરકારની નીતિ મને કૃપા કરીને સ્પષ્ટ જણાવશે.”

યુ. પી.ના ગવર્નરે ગાંધીજીને તા. ૬-૮-’૩૧ના રોજ તાર કરી જણાવ્યું કે,

“અમને એમ માનવાનું કારણ નથી કે આ વર્ષે વધારે પડતા કિસાનોને જમીન છોડવી પડી છે. એક બે પ્રદેશ એવા છે જ્યાં સાધારણ વર્ષ કરતાં વધારે કિસાનોને જમીન છોડવી પડી છે. કાઢી મૂકેલા કિસાનોને ફરી રાખવા જમીનદારોને સમજાવવામાં જિલ્લા અમલદારો સામાન્ય રીતે પોતાની લાગવગ વાપરે છે. … વ્યવહારમાં તથા સિદ્ધાંતની દૃષ્ટિએ સરકારની નીતિ એવી છે કે જમીનદાર તથા કિસાન વચ્ચે સરખો ન્યાય તોળવો, છતાં હાલની આર્થિક મંદીમાં કિસાન અયોગ્ય રીતે દુઃખી ન થાય એવી બધી ગોઠવણ કરવી.”

અસહ્ય જુલમ અને ત્રાસની ફરિયાદો આવે તેના આવા ઉડાઉ જવાબો મળ્યાં કરે એટલે ગાંધીજી અકળાયા, અને તા. ૧૧-૮-’૩૧ના રોજ વાઈસરૉયને તાર કરીને જણાવ્યું કે,

“હમણાં જ મળેલા મુંબઈ સરકારના કાગળથી મારું લંડન જવાનું અશક્ય બને છે, એ કાગળમાં હકીકતના તેમ જ કાયદાના બહુ જ મહત્ત્વના સવાલ ઉઠાવ્યા છે ને લખ્યું છે કે એ બેય વિષે સરકાર છેવટનો ન્યાય તોળે. ચોખ્ખા શબ્દોમાં આનો અર્થ એ થાય છે કે સરકાર અને ફરિયાદી વચ્ચે થયેલા કરારમાંથી ઉપસ્થિત થતા ઝઘડામાં સરકાર આરોપી અથવા ફરિયાદી અને ન્યાયાધીશ બંને બને. આ સ્થિતિ કૉંગ્રેસને અસ્વીકાર્ય છે. મુંબઈ સરકારનો કાગળ મારી પૂછપરછના જવાબમાં આવેલો. યુક્ત પ્રાંતના ગવર્નરનો તાર અને યુક્ત પ્રાંતમાં, સરહદ પ્રાંતમાં તથા બીજા પ્રાંતોમાં ચાલુ રહેલા જુલમના હેવાલ એ બધા સાથે વાંચતાં મને સ્પષ્ટ ભાસે છે કે મારે લંડન ન જવું. છેવટનો નિર્ણય કરતાં પહેલાં તમને જણાવવાનું મેં વચન આપ્યું હતું એટલે ઉપલી હકીકત તમારા ધ્યાન ઉપર આણી છે, નિર્ણય જાહેર કરતાં પહેલાં તમારા જવાબની રાહ જોઈશ.”

તા. ૧૩-૮-’૩૧ના રોજ નામદાર વાઈસરૉયે ગાંધીજીને તાર કર્યો. તેમાં મુંબઈ સરકારે તથા યુક્ત પ્રાંતની સરકારે આપેલા જવાબોનો બચાવ કર્યો અને જણાવ્યું કે,

“હું આશા રાખતો હતો કે ભવિષ્યના બંધારણની મહત્ત્વની ચર્ચા જેનાથી તમારા કે મારા આયુષ્યથી ક્યાંય દૂર લગી દેશનું ભવિષ્ય ઘડાવાનું છે, તેમાં ભાગ લઈને દેશની સેવા કરવામાં આવી ઝીણી વિગતોના ઝઘડાને તમે અંતરાયરૂપ નહીં બનવા દો. પણ જો તમારો તાર છેવટનો શબ્દ જ હોય તો પરિષદમાં જવાની તમારી અશક્તિ હું તરત જ વડા પ્રધાનને જણાવી દઈશ.”

ગાંધીજીએ તે જ દિવસે વાઇસરૉયને તાર કરી દીધો કે,

“આ બનાવોમાં સંધિથી અસંગત તમે કંઈ ન જોતા હો તો એમ જણાય છે કે સંધિ વિષે મારે અને આપને મૂળમાં દૃષ્ટિભેદ છે. લંડન જવાને મેં મારાથી બનતું કર્યું પણ મારો પ્રયત્ન અફળ ગયો. કૃપા કરીને વડા પ્રધાનને આમ જણાવજો. હું માનું છું કે સરકાર સાથે થયેલો પત્રવ્યવહાર તથા તારો પ્રગટ કરવા સામે આપને વાંધો નહીં હોય.”

વાઈસરૉયે તા. ૧૪મી ઑગસ્ટે તાર કરીને પત્રવ્યવહાર તથા તારો પ્રગટ કરવામાં પોતાની સંમતિ જણાવી.

આટઆટલા કડવા ઘૂંટડા પીધા છતાં ગાંધીજીને તો પોતાની અહિંસાને આકરી કસોટીએ ચડાવવી હતી. સરકારી અમલદારોનું માનસ જરાયે ઢાંક્યું રહ્યું નહોતું. છતાં પ્રજા પાસે હજી વધારે કષ્ટ સહન કરાવીને એ અમલદારોનો હૃદયપલટો કરવાની આશા ગાંધીજી છોડવા નહોતા ઈચ્છતા. એટલે કૉંગ્રેસની કારોબારી પાસે તા. ૧૪-૮-’૩૧ના રોજ ઠરાવ કરાવ્યો કે જોકે ગાળમેજી પરિષદમાં ભાગ ન લેવો એવો કૉંગ્રેસ ઠરાવ કરે છે છતાં તેથી દિલ્હીની સંધિનો અંત આવે છે એવો અર્થ કરવાની જરૂર નથી. તે જ તારીખે વાઈસરૉયને લાંબો કાગળ લખીને પૂછાવ્યું કે,

“તમે સંધિને હવે સમાપ્ત થઈ ગણો છો કે કૉંગ્રેસ ગોળમેજી પરિષદમાં ભાગ ન લે તે છતાં સંધિ હજી ચાલુ રાખવાની છે ? જો સંધિ ટકવાની હોય તો હું કહેવાની ધૃષ્ટતા કરું છું કે પ્રથમ રજૂ કરેલી ફરિયાદો વિષે તરત દાદ મળવી જરૂરી છે. મેં પ્રથમ કહ્યું તેમ બીજી ફરિયાદો આવતી જ જાય છે અને સાથીઓ આગ્રહ કરે છે કે જો સવેળા દાદ ન મળે તો તેમને કાંઈ નહીં તો બચાવના ઉપાય લેવાની છુટ્ટી મળવી જોઈએ.”

આનો જવાબ વાઈસરૉયે તા. ૧૯-૮-’૩૧ના કાગળથી આપ્યો. તેમાં જણાવ્યું :

“ગોળમેજી પરિષદમાં પોતાના પ્રતિનિધિને મોકલવાની કૉંગ્રેસ ના પાડે છે તેથી ઊભી થતી પરિસ્થિતિની બાબતમાં હું કહીશ, અને તમે પણ એ જોઈ શકશો કે જે હેતુઓ સાધવાને માટે સંધિ હતી તેમાં એક મુખ્ય હેતુ કૉંગ્રેસના આ નન્નાથી માર્યો જાય છે.

“સંધિની રૂએ જે કાર્યો કરવાનું સરકારને પ્રાપ્ત થતું હશે પણ જેનો અમલ હજી કરવાનો બાકી રહી ગયો હશે, એવા કેસમાં સ્થાનિક સરકારો સાથે મસલત કરીને હિંદી સરકાર સંધિનું પાલન કરાવશે.
“સંધિની વીસમી કલમ મીઠાને લગતી છૂટો બાબતની છે. તે છૂટો રદ કરવાનો સરકારનો ઇરાદો નથી. બાકીની બાબતોમાં સામાન્ય કાયદાનો અમલ બંધ કરવામાં આવે અથવા મુલતવી રાખવામાં આવે એવું સંધિની શરતોમાંથી ફલિત નથી જ થતું, અને ખાસ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવાનો સંપૂર્ણ અધિકાર હિંદી સરકારને તથા સ્થાનિક સરકારોને રહે જ છે. કાયદાનો આવો અમલ કૉંગ્રેસની પ્રવૃત્તિઓ અંગે કરવાનો હશે ત્યારે પણ એ અમલ કયા સ્વરૂપનો હશે અને કેટલી હદ સુધીનો હશે તેનો મુખ્ય આધાર એ પ્રવૃત્તિઓ કેવા સ્વરૂપની છે તેની ઉપર રહશે. આ બાબતમાં તેના પોતાના અથવા તો સ્થાનિક સરકારોના અધિકાર ઉપર બંધન મૂકવા હિંંદી સરકાર અશક્ત છે.”

આટઆટલું થયા છતાં સર તેજબહાદુર સપ્રુ તથા શ્રી જયકર વગેરે મધ્યમમાર્ગી નેતાઓ ગાંધીજીને આગ્રહ કરતા જ રહ્યા કે હજી તમે વાઈસરૉયની મુલાકાત માગો અને તમારી માગણીઓ એની આગળ સ્પષ્ટ રીતે રજૂ કરો. એ લોકો તો ગાંધીજીને આ સલાહ આપીને ગોળમેજીમાં ભાગ લેવા વિલાયત ઊપડી ગયા. પણ માલવીયજી અને સર પ્રભાશંકર પટણી જેઓ પણ મુલાકાત માગવાના મતના હતા તેમણે ગાળમેજી માટે ઊપડી જવાનું મુલતવી રાખ્યું અને ગાંધીજી જો સીમલા જવાનું કબૂલ કરે તો તેમની સાથે સીમલા જઈ વાઈસરૉયને સમજાવવા પટણીજી તૈયાર થયા. ગાંધીજીએ વળી અહિંસાનો એક વધુ પ્રયોગ કર્યો. વાઈસરૉયને કાગળ લખ્યો અને જણાવ્યું કે, “આપને ચર્ચા આવશ્યક લાગતી હોય તો સીમલા આવવા તૈયાર છું.” વાઈસરૉયે જણાવ્યું કે, “તમને એમ લાગતું હોય કે વધુ ચર્ચા તમારી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદરૂપ થશે તો ભલે આવો.” ગાંધીજીને તો પ્રયત્ન કરવામાં મણા રાખવી જ નહોતી. એટલે વાઈસરૉયે આવવું હોય તો આવો એમ કહ્યું છતાં સીમલા જવાના નિર્ણયનો બોજો પોતાની ઉપર લઈને જવા તૈયાર થયા. વાઈસરૉયને એટલું જણાવ્યું કે, “હું સીમલા રોકાઉં ત્યાં સુધી પંડિત જવાહરલાલજી, ખાનસાહેબ અબદુલ ગફાર ખાન તથા સરદાર વલ્લભભાઈને મારી સાથે સીમલામાં રહેવાનું મેં આમંત્રણ આપ્યું છે.” સીમલાની વાટાઘાટોમાં સરકારે બારડોલીમાં થયેલી સખતાઈ બાબત તપાસ કરવાનું અને તેમાં સરકાર તથા કૉંગ્રેસ બંને પુરાવા આપી શકે એવું કબૂલ કર્યું. સરકારે આ એક જ બાબતમાં પણ નમતું મૂક્યું એટલે ગાંધીજીએ ગોળમેજીમાં જવાનું કબૂલ કર્યું. માત્ર એક વસ્તુની કાગળ લખીને ચોખવટ કરી કે,

“કોઈ ફરિયાદ એટલી બધી અસહ્ય થઈ પડે કે, તપાસને અભાવે તેને દૂર કરવા સારુ રક્ષણાત્મક લડતનો કોઈ ઉપાય શોધવાનો કૉંગ્રેસનો ધર્મ થઈ પડે તો સવિનય ભંગ મુલતવી રાખેલો હોવા છતાં પણ એવો ઉપાય લેવાને કૉંગ્રેસ સ્વતંત્ર રહેશે.”

આ બધું સીમલામાં તા. ર૭મી ઑગસ્ટે પતી ગયું. મુંબઈથી તા. ૨૯મી ઑગસ્ટે જે સ્ટીમર ઉપડતી હતી તે જો ગાંધીજી પકડે તો જ ગોળમેજીમાં વખતસર પહોંચી શકે એમ હતું, એટલે વાઈસરૉયે સીમલાથી સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરી આપી. ભારે દોડધામ કરી, ગાંધીજીના શબ્દોમાં ‘મરણિયો ધસારો’ કરી દિલ્હીથી મુંબઈનો મેલ પકડ્યો અને સ્ટીમર પણ વખતસર પકડી.