લખાણ પર જાઓ

સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/બારડોલી તપાસ અને સંધિભંગ

વિકિસ્રોતમાંથી
← સંધિનો અમલ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
બારડોલી તપાસ અને સંધિભંગ
નરહરિ પરીખ
ગાંધીજી અને સરદારની ગિરફ્તારી: સરકારનું દમનચક્ર →



બારડોલી તપાસ અને સંધિભંગ

વાઈસરૉયે બારડોલીમાં થયેલા જુલમો સંબંધમાં તપાસ આપી. જોકે તે તેના હૃદયપલટાનું ફળ નહોતું. ગાંધીજી વિલાયત જવા ઊપડ્યા ત્યાર પછીના સરકારના વર્તન ઉપરથી તેમ જ તે અરસામાં જ ગાંધીજીના તહોમતનામાના સરકારે જે ઉડાઉ જવાબો સરકારી ગૅઝેટમાં પ્રસિદ્ધ કર્યા તે ઉપરથી એ વસ્તુ જણાઈ આવે છે. પંડિત જવાહરલાલજી, ખાન અબદુલ ગફાર ખાન તથા સરદાર સીમલામાં ગાંધીજીની સાથે હતા જ. ત્રણેએ ગાંધીજીને આગ્રહપૂર્વક કહ્યું, તમે સુખેથી ગોળમેજીમાં જાઓ. અહીં અમે અમારું ફોડી લઈશું, કૉંગ્રેસ તરફથી સંધિનું પાલન બરાબર ન થયું એમ કહેવાવાને તેઓ એક પણ કારણ આપવા માગતા નહોતા. પણ બે હાથ વિના તાળી પડતી નથી. લોકોમાં કૉંગ્રેસની પ્રતિષ્ઠા જામે તે બ્રિટિશ અમલદારોથી ખમાતું નહોતું. વહેલામાં વહેલી તકે કૉંગ્રેસને પછાડવાની તેઓ પેરવી કરી રહ્યા હતા. તે માટે તેમણે કેવા પેંતરા ભરવા માંડ્યા તે જોઈએ.

પ્રથમ બારડોલીની તપાસ લઈએ. તપાસ કરવા માટે સરકારે નાસિક જિલ્લાના કલેક્ટર મિ. ગૉર્ડનની નિમણૂક કરી. નીચેના મુદ્દા ઉપર તપાસ કરીને તેમણે પોતાના રિપોર્ટ મોકલવાનો હતો :

૧. મહેસૂલ ઉઘરાવવામાં પોલીસ તરફથી જુલમ કરવામાં આવ્યો હતો કે કેમ ?
૨. પાંચમી માર્ચ પછી બારડોલી તાલુકાનાં બીજાં ગામોમાં પોલીસની મદદ વિના જે ધોરણે મહેસૂલ વસૂલ કરવામાં આવ્યું હતું તેના કરતાં ફરિયાદવાળાં ગામોમાં કડક ધોરણનો અમલ કરવાથી વધુ મહેસૂલ વસુલ આવ્યું હતું કે કેમ ? અને આવ્યું હોય તો એવી રીતે વસૂલ કરેલા મહેસૂલની રકમ કેટલી હતી ?

આ તપાસનું કામ તા. ૫મી ઑક્ટોબરથી બારડોલી મુકામે શરૂ થયું. કૉંગ્રેસ તથા ફરિયાદી ખાતેદારો તરફથી શ્રી ભૂલાભાઈ દેસાઈએ કેસ ચલાવ્યો. તેમની મદદમાં શ્રી ભોગીલાલ લાલા (લાલાકાકા) તથા હું હતા. પોતે કૉંગ્રેસના પ્રમુખ હોવાથી સરદારને બીજાં ઘણાં કામોમાં ધ્યાન આપવાનું હતું, છતાં વચમાં દિવાળીની રજાઓ આવી તે બાદ કરતાં તપાસ એક મહિના ઉપર ચાલી એ બધો વખત તેઓ બારડોલીમાં રહ્યા. કુલ અગિયાર ગામોની તપાસ કરવાની હતી. તપાસના મુદ્દાઓમાં મહેસૂલ વસૂલ કરવાના ધોરણનો ઉલ્લેખ હતો. એ ધોરણ કયું, તે વિષે શ્રી ભૂલાભાઈ એ ગાંધીજીને વિલાયત કાગળ લખીને પુછાવ્યું. તેના જવાબમાં તેમણે લખી મોકલ્યું કે,

“બારડોલી અને બોરસદમાં મહેસૂલ વસૂલાતની બાબતમાં આરંભથી જ એવી સ્પષ્ટ સમજૂતી હતી કે જે ખાતેદારોને સવિનય ભંગની લડતને લીધે વેઠવું પડ્યું છે તેઓ નાણાં વ્યાજે લાવ્યા વિના પોતાથી બની શકે તેટલું ભરશે. આ વસ્તુ ખેડાના કલેક્ટર મિ. પેરી તથા તેમના અનુગામી મિ. ભદ્રપુર તેમ જ સુરતના કલેક્ટર મિ. કોઠાવાળા સાથે વાતચીતોમાં વારંવાર સ્પષ્ટ કરવામાં આવી હતી. તેમની સાથે ચાલેલા પત્રવ્યવહારથી મારા આ કથનને સમર્થન મળે છે. તપાસ કરનાર અમલદારને જે મુદ્દા ઉપર તપાસ કરવાની છે તેમાં જે ધોરણનો ઉલ્લેખ આવે છે તે બાબતમાં હું સ્પષ્ટ સમજું છું કે ધોરણનો અર્થે નાણાં વ્યાજે લાવ્યા વિના ખાતેદારની ભરવાની શક્તિ એ થાય છે.”

તપાસ ચાલતી હતી તે દરમ્યાન આ ‘ધોરણ’ વિષે શ્રી ભૂલાભાઈ એ તા. ૨૨-૧૦-’૩૧ના રોજ તપાસ અમલદાર મિ. ગોર્ડનને લાંબો કાગળ લખ્યો. તેમાં જણાવ્યું કે,

“સંધિની શરતો પ્રમાણે ખાતેદાર મહેસૂલ ભરી દેવા રાજી હોય પણ તેને ખરેખર મુદતની જરૂર હોય તો એવાઓને માટે ખાસ વિચાર કરવામાં આવશે અને જરૂર હશે તો જમીનમહેસૂલના વહીવટના સામાન્ય ધારાધોરણ પ્રમાણે મહેસૂલ મુલતવી રાખવામાં આવશે. આનો અર્થ એમ થાય કે મહેસૂલ મુલતવીનો વિચાર ઉદારતાથી કરવામાં આવે અને ખાતેદારને લડતના સંજોગોને કારણે અથવા બીજાં કુદરતી કારણોએ જો નુકસાન વેઠવું પડ્યું હોય તે ધ્યાનમાં લેવામાં આવે. આ બાબતમાં હિંદી સરકારે તેમ જ પ્રાંતિક સરકારે સ્થાનિક અમલદારોને સૂચનાઓ આપી જ હોવી જોઈએ. એ સૂચનાઓ અમને અત્યાર સુધી ઉપલબ્ધ થઈ નથી, સિવાય કે સરકારી અમલદારો અને કૉંગ્રેસના પ્રતિનિધિઓ સાથે વાતચીતમાં તેનો જે કાંઈ સાર જાણવાનો મળ્યો હોય તે. એટલે સંધિ થઈ ત્યારથી તે તા. ર૭મી ઑગસ્ટ જે દિવસે વાઈસરૉય અને ગાંધીજી વચ્ચે ફરી સમજૂતી થઈ ત્યાં સુધીમાં આપવામાં આવેલી સૂચનાઓના બધા કાગળો આ કેસમાં રજૂ થવા જોઈએ. એના ઉપરથી પણ વસૂલાતનું તથા રાહતનું ‘ધોરણ’ નક્કી કરી શકાશે.”

કુલ અગિયાર ગામોમાંથી સાત ગામના તેસઠ ખાતેદારો અને તેમના એકોતેર સાક્ષીઓની જુબાની થઈ. આ સાતે ગામના ખાતેદારો પોતાને ગામે પોલીસોએ ધાડ પાડીને કેવો જુલમ કર્યો હતો તથા ભાતરોપણીની ખરી મોસમ ચાલતી હતી તે વખતે તેમના કામમાં કેવી અટકાયત કરવામાં આવી હતી તથા પોતાની પાસે નાણાં નહી હોવાથી કેવી રીતે વ્યાજે લાવીને તેમને મહેસૂલ ભરવું પડ્યું હતું તે હકીકત કહી ગયા. પછી સરકાર પક્ષના સાક્ષીઓની જુબાની લેવાનું શરૂ થયું. સરકારના પહેલા સાક્ષી તરીકે તાલુકાના મામલતદાર આવ્યા. ફરિયાદવાળા એક ગામ રાયમને વિષે તેમની જુબાની શરૂ થઈ. આ ગામમાં કુલ અગિયાર ખાતેદારોએ ફરિયાદ કરી હતી. સરકારે પોતાના લેખી જવાબમાં જણાવ્યું હતું કે ખાતેદારોની ફરિયાદ જૂઠી છે અને અગિયાર ફરિયાદીઓમાંથી ત્રણ ફરિયાદીઓ તો મામલતદાર ગામ છોડી ગયા પછી પોતાની રાજીખુશીથી તલાટીને પૈસા ભરી ગયા હતા. બાકીનાઓએ પણ મામલતદાર તરફથી માગણી થતાં મહેસૂલ ભરી દીધું હતું. કોઈ જાતનો જુલમ કરવો પડ્યો નહોતો. શ્રી ભૂલાભાઈએ મામલતદારની ઊલટતપાસ પાંચ દિવસ સુધી કરી અને તેમાં સરકારી કેસના ભૂકેભૂકા કરી નાખ્યા. આ ગામોએ પોલીસને કેવળ પોતાના રક્ષણાર્થે જ લઈ જવામાં આવી હતી એ બચાવ કેવો લૂલો હતો એ ઊલટતપાસમાં ઉઘાડું દેખાઈ આવ્યું. કારણ એ જ ગામમાં આ જ વખતે મામલતદાર પોલીસ વિના પણ ફરતા હતા એ તેમણે કબૂલ કર્યું. વળી જે ત્રણ ખાતેદારોએ મામલતદારના ગામ છોડી ગયા પછી મહેસૂલ ભરેલું કહેવામાં આવ્યું હતું, તેમની પાવતીઓના ક્રમાંક જોતાં તો તેમણે મામલતદારની રૂબરૂ પૈસા ભર્યા હતા એમ દેખાતું હતું. એટલે એ નક્કી કરવા માટે મામલતદારની કચેરીમાં રાખવામાં આવતાં પાવતીઓનાં અડધિયાં રજૂ કરવાની માગણી કરવામાં આવી. પણ મામલતદારે તે રજૂ કરવાની ના પાડી. વળી ફરિયાદવાળાં ગામોમાં મહેસૂલ ઉઘરાવવા જતાં મામલતદારને પોલીસનો રક્ષણની જરૂર જણાઈ હતી, જ્યારે તે જ અરસામાં બીજાં ગામોએ પોલીસ લીધા વિના તેઓ મહેસૂલ ઉઘરાવવાના કામ માટે ગયા હતા, તે સાબિત કરવા માટે તેમની ડાયરી માગવામાં આવી. તેની પણ ના પાડવામાં આવી. આ ઉપરાંત પોલીસ લઈ જવાની પરવાનગી આપ્યા બાબત કલેક્ટરે તેમને કાંઈ કાગળ લખ્યો હોય તો તે, મહેસૂલની ઉઘરાત સંબંધી મામલતદારે કલેક્ટરને જે રિપોર્ટો મોકલ્યા હોય તે તથા આ બાબતમાં મુંબઈ સરકાર તરફથી કાંઈ હુકમો કે સૂચનાઓ મળી હોય તો તે, વગેરે કાગળો માગવામાં આવ્યા. પણ એ રજૂ કરવાની ના પાડવામાં આવી. પોતાની ડાયરી તથા તલાટીઓના રિપોર્ટ રજૂ કરવાનું મામલતદારે પહેલે દિવસે કબૂલ કરેલું પણ બીજે દિવસે તે રજૂ કરવાની ના પાડી.

ન્યાય અને સત્યશોધની ખાતર તેમ જ કાયદાની રૂએ પણ આ બધાં કાગળિયાં રજૂ કરવાનું સરકાર બંધાયેલી હતી, એ વિષે શ્રી ભૂલાભાઈએ કાયદાના આધાર બતાવી સચોટ દલીલો કરી. તપાસણી અમલદાર મિ. ગૉર્ડનની દલીલ એ હતી કે પોતે એક રેવન્યુ અમલદાર છે અને પોતાના ઉપરી અધિકારીઓની પરવાનગી વિના સરકારી કાગળો રજૂ કરવાનો હુકમ તેઓ આપી શકે નહીં. શ્રી ભૂલાભાઈ એ તપાસણી અમલદાર તરીકે તેઓ રેવન્યુ અમલદાર નથી પણ એક ન્યાયાધીશ છે એ જાતની દલીલ કરી. એટલામાં દિવાળીની રજાઓ આવતી હતી એટલે રજાઓ ઊઘડતાં ૧રમી નવેમ્બરે તેમણે લેખી ચુકાદો આપ્યો કે આ તપાસમાં સરકારી કાગળિયાં જોવાની તથા રજૂ કરવાની કૉંગ્રેસ પક્ષની માગણી તેઓ સ્વીકારી શકતા નથી. તપાસણી અમલદારે આ મુદ્દા ઉપર જે ચુકાદો આપ્યો તેમાં વિશેષ આશ્ચર્ય પમાડે એવું તો એ હતું કે આખો પુરાવો પોતાની સમક્ષ આવી જાય ત્યાર પછી જે બાબતો ઉપર તેમણે નિર્ણય આપવો જોઈતો હતો તેવી બાબતો ઉપર પણ પોતાના અભિપ્રાયો તેમણે દર્શાવી દીધા. આ ચુકાદો આપતાં તપાસણી અમલદારે જે વલણ લીધું, તથા જે અભિપ્રાયો દર્શાવ્યા તે જોતાં આ તપાસમાં વધુ વખત સામેલ રહેવામાં કશો ન્યાય મળે એમ નથી એમ શ્રી ભૂલાભાઈને લાગ્યું, અને તેમણે કૉંગ્રેસ તથા ખાતેદારોને આ તપાસમાંથી નીકળી જવાની સલાહ આપી. એ સલાહને માન્ય રાખી સરદારે બારડોલીના ખાતેદાર જોગ એક સંદેશો બહાર પાડી તપાસમાંથી નીકળી જવાનું સૂચવ્યું. સંદેશામાં તેમણે જણાવ્યું કે,

“તપાસનું વલણ મને વિરોધી તથા એકપક્ષી લાગતું જ હતું. પણ જ્યાં સુધી આપણા બૅરિસ્ટરને એમ ન લાગે કે આગળ તપાસ ચલાવવી નિરર્થક છે ત્યાં સુધી હું તપાસમાં સામેલ રહેવા તૈયાર હતો. સરકારના કબજામાં જે કાગળો છે તે રજૂ કરવામાં ન આવે અને આપણને જોવા દેવામાં ન આવે એવો હુકમ તપાસણી અમલદારે કર્યો છે, તેથી સરકારી સાક્ષીઓની ઊલટતપાસ પર કશો અંકુશ રહેતો નથી. એટલે આવી ખાંડી તપાસ આગળ ચલાવવી એમાં કશો સાર નથી એવું મને લાગે છે. એટલે શ્રી ભૂલાભાઈ સાથે મસલત કરીને તપાસમાંથી આપણે નીકળી જવાનું મેં નક્કી કર્યું છે. હવે પછી તપાસણી અમલદાર અથવા બીજા કોઈ સરકારી અમલદાર તરફથી આ તપાસને અંગે તમને જે કંઈ સૂચના આપવામાં આવે તેનો અમલ કરવાની તમારે જરૂર રહેતી નથી. આપણે નીકળી ગયા છીએ એની ખબર મેં મહાત્મા ગાંધીને તારથી આપી દીધી છે.”

પણ ગુજરાતમાં આ એક જ મુશ્કેલી નહોતી. પિકેટિંગની બાબતમાં તો અમલદારો પારાવાર અડચણો ઊભી કરી રહ્યા હતા. બોરસદ તાલુકામાં રાસ ગામે અદ્ભુત શૌર્ય બતાવીને ખુવારી વહોરી લીધી હતી. સંધિ થયા પછી તેની કદર કરવાને બદલે તેને જરા પણ રાહત ન આપવી એ જાણે અમલદારોએ નિશ્ચય કર્યો હતો. મે મહિનામાં સીમલાથી પાછા ફરતાં ટ્રેનમાંથી તા. ૧૭–૫–’૩૧ના લખેલા એક કાગળમાં મહાદેવભાઈ સરદારને જણાવે છે કે,

“ઇમર્સનની સાથે ચાર દિવસ વાતો થઈ. ચાર દિવસને અંતે બાપુએ કહ્યું, ‘આ માણસ જગતનો ઉતાર છે. માત્ર મારી સાથે પ્રામાણિકપણે વર્તે છે એટલું એની તરફેણમાં છે.’ એ માણસ દરેક બાબતમાં પ્રાંતિક સરકારના કામમાં અમે કેમ દખલ કરી શકીએ એમ કહીને હાથ ધોઈ નાખે છે, જોકે ત્યાં
લખતો હોય એમ તો લાગે જ છે. ગૅરેટને અહીંથી કહ્યું લાગે છે કે સંખતીનાં પગલાંનો ઉપયોગ જેમ બને તેમ ન કરવો. પણ એનો અમલ કરવાનો એના હાથમાં રહ્યો ના ? પટેલોને વિષેની કાયમી નિમણૂકના અર્થની બાપુની દલીલ વિષે ગૅરેટ કહે છે કે ભલે ગાંધીનો અર્થ સાચો હોય પણ સમાધાનીના ભાવથી એ અર્થ વિરુદ્ધ છે !”

એક બીજા કાગળમાં મહાદેવભાઈ લખે છે :

“અહીં (સીમલામાં) બધા લોકો માને છે કે સમાધાનીનો ભંગ મુંબઈના અમલદારો — ખાસ કરીને ગૅરેટ — જેટલો કરી રહ્યા છે તેટલો ભાગ્યે જ બીજા કોઈ કરતા હશે. બાપુ કહે છે: ‘ગૅરેટને સીધો કરવો હોય તો ઘડીકમાં કરી શકાય. પણ એટલા ખાતર સંધિને તોડવી એ ઠીક ન કહેવાય. એટલે રાહ જોઈ રહ્યો છું.”

એ જ કાગળમાં વળી લખે છે :

“આ વાઈસરૉય અહીં આવ્યો તે પહેલાં અહીંના ધૂર્તોએ બધા પ્રાંતોમાં પરિપત્રો કાઢેલા કે સમાધાનીનો અર્થ એ નથી કે સરકારનું રાજ્ય બંધ થયું છે, સરકારે રાજ્ય કરવાનું ચાલુ રાખવું.”

જુલાઈ માસમાં ‘પાયોનિયર’નો દિલ્હીનો ખબરપત્રી, જેને મોટા સરકારી અમલદારો પાસેથી બાતમી મળતી હોવાનો સંભવ હતો, તે લખે છે :

“પં. જવાહરલાલની પ્રવૃત્તિઓથી અહીં કાંઈક ખળભળાટ થયો છે. એ અને શ્રી વલ્લભભાઈ પટેલ સળગાવનારાં ભાષણો કરી રહ્યા છે. ગાંધી–અર્વિન સમાધાની પહેલાં તેઓને એવાં ભાષણો માટે તુરતાતુરત જેલ મળી ગઈ હોત. અહીં વિશ્વાસપાત્ર સ્થળોએ એમ માનવામાં આવે છે કે તેમના ઉપર નોટિસો બજાવવામાં આવે એવો સંભવ છે. તેનો ભંગ કરતાં જ તેમને પકડવામાં આવશે. અહીં એવી પણ સખત અફવા છે કે સુલેહને જોખમમાં નાખે એવી તેમની આ પ્રવૃત્તિઓ વિશે તેમ જ ખાન અબદુલ ગફારખાનના વર્તન વિષે ગાંધીજીને ખબર આપવામાં આવી છે.”

આવા અહેવાલોનો ઉલ્લેખ કરીને મહાદેવભાઈ સરદારને લખે છે :

“એ લોકોની લડવાની તૈયારી ચાલી રહી છે. બાપુ પણ એ માને છે. ખેડામાં ૧૮ાા લાખ ઉઘરાવ્યા અને માત્ર ૭૮ હજાર બાકી છે. તેમાં આ લોકો આટલો ઉત્પાત કરી રહ્યા છે. સામાન્ય વર્ષોમાં પણ આટલી બાકી તો રહે.”

આ બધા ઉતારા એટલા માટે આપ્યા છે કે સમાધાની થઈ ત્યારથી જ અમલદારોનું વલણ કેવું હતું અને વખત જતાં તેણે કેવું ઉગ્ર રૂપ લેવા માંડ્યું તેનો ખ્યાલ આવે.

ગુજરાતમાંથી લડત દરમ્યાન ઘણા મુખીઓએ રાજીનામાં આપ્યાં હતાં. સંધિની શરતો પ્રમાણે જ્યાં બીજાની કાયમી નિમણૂક ન થઈ હોય ત્યાં તેમને પાછા નોકરી ઉપર ચડાવવા જોઈતા હતા. પણ ગયા પ્રકરણમાં આપણે જોયું કે તાલુકા તથા જિલ્લા અમલદારો તેમાં કાંઈ ને કાંઈ ગચ્ચાં નાખતા હતા. એ બધાના કેસોની વિગતમાં આપણે નહીં ઊતરીએ, પણ રાસના બારૈયા મુખીનો કેસ જોઈશું. જૂના પાટીદાર મુખીએ રાજીનામું આપેલું તેની જગ્યાએ ૧૯૩૦ના સપ્ટેમ્બરમાં એને નીમવામાં આવેલો. એને નીમનાર મામલતદારે કલેક્ટરને એવો રિપોર્ટ કરેલો કે એની નિમણૂક કાયમી કરવામાં નથી આવી તેમ એને કાયમી કરવાની ખાતરી પણ આપવામાં નથી આવી. પાછળથી કૉંગ્રેસ કાર્યકર્તાઓએ તો એવો દાખલો પણ શોધી કાઢ્યો કે ૧૯૨૯ની સાલમાં જ એક ફોજદારી ગુના માટે એને બે માસની સજા થયેલી. સંધિ પછી ખેડા જિલ્લાના કલેક્ટરે ગાંધીજીને કહેલું કે એ મુખીને રજા આપી એની જગ્યાએ જૂના પાટીદાર મુખીને લેવામાં આવશે. પણ થોડા જ વખતમાં એ કલેક્ટરની બદલી થઈ. નવા કલેક્ટરના ધ્યાન ઉપર આ વાત ઘણી વાર લાવવામાં આવી પણ કમિશનર મિ. ગૅરેટની દાનત પાટીદાર મુખીને નોકરીએ ચડાવવાની નહોતી, એટલે કાંઈ ને કાંઈ બહાનાં કાઢી બારૈયા મુખીને ચાલુ રાખ્યો. એના મુખીપણામાં ગામમાં ચોરીઓ વગેરે બહુ થવા માંડી અને પાટીદારોનો રંજાડ થવા માંડ્યો એટલે ગામના રક્ષણ માટે ખાસ પોલીસ મૂકી, પણ પેલા મુખીને બદલ્યો નહીં ! ગાંધીજી ગોળમેજીમાં ગયા પછી સરદારે કલેક્ટર અને કમિશનર સાથે આ બાબતમાં પત્રવ્યવહાર ચલાવવા માંડ્યો. તેમાં કાંઈ વળ્યું નહીં એટલે મુંબઈ સરકારના ગૃહમંત્રી મિ. મેક્સવૅલને લખ્યું. તેમાં જણાવ્યું કે,

“સરકારની સંધિપાલનની કેટલી શુદ્ધ દાનત છે તેની કસોટી તરીકે ગાંધીજી આ કેસને ગણતા હતા. તેથી બીજા ઘણા મુખીઓના કેસના ઝઘડા ચાલે છે પણ આ એક કેસ હું તમારા ધ્યાન ઉપર લાવું છું.”

સરકાર તરફથી આનો જે ઉડાઉ જવાબ આપવામાં આવ્યો તે ઉપરથી સરકાર આ બાબતમાં કેટલી નફ્ફટ થઈ હતી તે દેખાઈ આવે છે. સરકારી જવાબમાં જણાવવામાં આવ્યું કે,

“મુખીને નીમનાર મામલતદારે તેને કાયમી નોકરીનું વચન નહીં આપેલું એ વાત સાચી. પણ ત્યાર પછી જાન્યુઆરી, ૧૯૩૧માં નવા મામલતદારે આ મુખીને કાયમી નોકરીનું વચન આપેલું, જોકે એણે એ વાતનો તરત રિપોર્ટ નહીં કરેલો, એટલે કલેક્ટરે જૂના રિપોર્ટ પર આધાર રાખી ગાંધીજીને કહેલું કે પાટીદાર મુખીને તેઓ નોકરી પર ચડાવશે.”

ફોજદારી ગુનાને માટે થયેલી સજાની બાબતમાં જણાવ્યું કે,

“હવે તેની ચાલચલગત બહુ સારી છે એટલે કમિશનર સાહેબે સજા પામ્યાને કારણે એની ગેરલાયકાત દરગુજર કરવાનું યોગ્ય ધાર્યું છે ! સંખ્યાબંધ સજા પામેલા કેદીઓને સંધિની રૂએ સરકારે છોડી મૂક્યા છે અને તેમની ગેરલાયકાત દરગુજર કરી છે (રાજદ્વારી કેદીઓને મુક્તિ આપવામાં આવી તેની ભાઈસાહેબ વાત કરે છે) તો પછી આ બારૈયા પટેલની બાબતમાં ઓછી ઉદાર નીતિ રાખવાનું કોઈ કારણ નથી !”

ત્રીજી દલીલ એ પણ કરી કે,

“જો પાટીદાર મુખીને લેવામાં આવશે તો સરકારને એમ લાગે છે કે બારૈયા વસ્તીની બહુ કનડગત થશે !”

બારૈયાના મુખીપણામાં પાટીદારની કનડગત થતી હતી એ વાત જ જવાબમાં ખાઈ જવાઈ. સરદારે પોતાના જવાબમાં આના સચોટ રદિયા આપ્યા, કાયદાની કલમો ટાંકી બતાવી પણ સરકારને ન્યાય ક્યાં જોવો હતો ? લડતમાં જોડાયેલા પાટીદારોને ખામુખા પજવવાને માટે જ પોતે જે મુખીઓને પટલાઈ આપી હતી, તેને કાઢે તો પોતાની આબરૂ જાય અને એટલી કૉંગ્રેસની આબરૂ વધે. એ એને નહોતું કરવું.

આ વખતે યુક્ત પ્રાંતોના મથુરા જિલ્લામાં સરકારે કૉંગ્રેસના અસંખ્ય કાર્યકર્તાઓને કેદ પકડીને, ગામડાંઓ ઉપર પોલીસની ધાડ પાડીને તથા ગામડાંના લોકો ઉપર તેમ જ કૉંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર લાઠીઓ ચલાવીને સંધિની શરતોનો છડેચોક ભંગ કરવા માંડ્યો હતો. કૉંગ્રેસે આ વિષે ફરિયાદ કરી ત્યારે પ્રાંતિક સરકાર પોતાના અમલદારોના ગેરકાયદે અને જુલમી વર્તન વિષે નામુકર ગઈ. પણ એમાંથી થોડા કેસો હાઈકોર્ટમાં ગયા, તેમાં જે કૉંગ્રેસીઓને પહેલી કોર્ટે સજા કરેલી તે બધાને હાઈકોર્ટ તરફથી નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવ્યા. એક મુકદ્દમો સેશન્સ જજ આગળ ચાલ્યો તેમાં એણે એવો ચુકાદો આપ્યો કે, “પોલીસ સબ ઈન્સ્પેક્ટર અમીન અને જમીનદાર એ બધાએ આરોપીઓ ઉપર છૂપું કાવતરું રચ્યું હતું.” બીજા એક ચુકાદામાં ન્યાયાધીશે કહ્યું કે, “જ્યારે ફરિયાદી અને બીજા કૉંગ્રેસીઓએ સભા ભરી હતી, ત્યારે કેટલાક પોલીસવાળાઓએ ત્યાં જઈને પોલીસ સ્ટેશનના વડાની આંખ સામે જ એક માણસ ઉપર હુમલો કર્યો હતો એ વસ્તુ ખરેખર દિલગીર થવા જેવી છે.” કૉંગ્રેસવાળાઓએ બોલાવેલી એક સભાને પોલીસોએ જે જંગલી રીતે અટકાવી હતી તે વિષે એક ન્યાયાધીશ કહે છે :

“અધિકારીઓની એવી મરજી હતી તો તેમણે સભા ન ભરવાની મનાઇ હુકમ કાઢવો જોઈતો હતો. મનાઈ હોવા છતાં જો સભા ભરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોત તો તેને લાઠી ચલાવીને વિખેરી નાખી શકત. પરંતુ તેને આવી ગુંડાશાહી ચલાવીને અટકાવવાની જરાયે જરૂર નહોતી. પોલીસે પ્રથમ તો જેટલાને તે પકડવા માગતી હતી તે બધાને પકડી લીધા અને ત્યાર બાદ એવું કહેનારા સાક્ષીઓ ઊભા કર્યા કે તે બધાએ હુલ્લડમાં ભાગ લીધો હતો.”

મોટા આર્થિક સંકટના સમયમાં અને મહેસૂલ ઉઘરાવવાનો સમય લાંબા વખતથી પૂરો થઈ ગયો હોવા છતાં એટલે કે ભર ચોમાસામાં જબરદસ્તી, જપ્તીઓ અને જમીનોનો કબજો લઈ લેવાનું કામ ચાલુ હતું. છેક સપ્ટેમ્બર માસમાં મહેસૂલી અમલદારો પોલીસનાં મોટાં ધાડાં લઈ વસૂલાત માટે ગામડાં ઉપર જઈ હુમલા અને મારપીટ કરતા હતા. યુક્ત પ્રાંતના પોલીસો અને મહેસૂલી અમલદારોને, કિસાનોને ‘મુર્ગા’ બનાવવાનું એટલે કે કૂકડાની સ્થિતિમાં ઊભા રાખવાનું બહુ ગમી ગયું હતું. પોલીસોના મારમાંથી ઘરડા માણસો પણ બચી જવા પામતા નહીં, એક ગામમાં ત્યાંના બધા જ લોકો એટલે લગભગ પાંચસો માણસો, પોલીસો અને મહેસૂલ ખાતાના અમલદારોના ત્રાસથી નાસી જઈ ને પાસેનાં જંગલોમાં સંતાઈ ગયા હતા.

અલ્લાહાબાદ જિલ્લામાં પણ લગભગ આવી જ સ્થિતિ હતી. જુદા જુદા જિલ્લાના અધિકારીઓ અને કૉંગ્રેસના નેતાઓ વચ્ચે પત્રવ્યવહાર ચાલ્યા બાદ સરકારી અમલદારોએ અને કૉંગ્રેસી નેતાઓએ એક પરિષદમાં મળી મસલત કરવી એમ નક્કી થયું. પણ તા. ૧પમી નવેમ્બરે હપ્તો શરુ થતો હતો ત્યાં સુધી પરિષદ ભરી શકાઈ નહીં અને વાટાઘાટો ચાલુ હતી છતાં અમલદારોએ તાકીદ કરી હપ્તાની વસૂલાત કરવા માંડી. છેલ્લાં બે વરસો ખરાબ આવેલાં હોવાથી કિસાનો હેરાન હેરાન થઈ ગયેલા હતા. તેમની પાસે સરકારધારો ભરવાનાં કશાં સાધનો નહોતાં, એટલે તેમની ઘરવખરી વેચાઈ જવાની તથા જમીન ઉપરથી કાઢી મુકાવાની સ્થિતિમાં તેઓ આવી પડ્યા. તેઓ કૉંગ્રેસ કમિટીની સલાહ પૂછવા લાગ્યા. સરકાર સાથે રાહતને માટે ચાલી રહેલા સંદેશાઓ પૂરા ન થાય ત્યાં સુધી ભરણું ભરવાનું મુલતવી રાખવાની સલાહ આપવા સિવાય બીજો ઉપાય કૉંગ્રેસ પાસે ન હતો.

આ સલાહથી સરકાર તો એકદમ છેડાઈ પડી અને યુક્ત પ્રાંતની પ્રાંતિક સમિતિના પ્રમુખને જણાવી દીધું કે હપ્તો ન ભરવાની સલાહ જ્યાં સુધી પાછી ન ખેંચી લેવાય ત્યાં સુધી હવે કશી વાટાઘાટો થઈ શકે નહીંં. તા. ૨૫–૧૧–’૩૧ના રોજ પ્રાંતિક સમિતિના પ્રમુખે જવાબ આપ્યો કે તમે હપ્તો વસૂલ કરવાનું થોડા વખત માટે મુલતવી રાખો તો અમારી સલાહ અમે એકદમ પાછી ખેંચી લઈએ. પણ એક તરફથી આપણી વચ્ચે વાટાઘાટો ચાલે અને બીજી તરફથી હપ્તાની વસૂલાતનો તમારો કોરડો તો વીંઝાતો જ હોય ત્યાં અમે કિસાનોને કશી સલાહ ન આપીએ એ કેમ બને?

તા. ૨૮–૧૧–’૩૧ના રોજ સરદારે કૉંગ્રેસના પ્રમુખ તરીકે હિંદ સરકારના ગૃહમંત્રી મિ. ઈમર્સનને લખ્યું :

“બંને પક્ષ વચ્ચે સમજૂતીથી એટલું તો સહેજે ગોઠવી શકાય કે સરકાર તરફથી વસૂલાતનું કામ થોડા વખત માટે મુલતવી રહે અને કૉંગ્રેસ સમિતિનો ગણોત નહીં ભરવાની સલાહ આપતો ઠરાવ પણ મોકૂફ રહે. તેથી સરકારને અથવા જમીનદારને કશી હરકત આવે એમ નથી. યુક્ત પ્રાંતોમાં સુલેહ જળવાઈ રહે તે માટે કૉંગ્રેસ બહુ આતુર છે. હું આપને ભારપૂર્વક વિનંતી કરું છું કે મારી સૂચનાનો સરકાર સ્વીકાર કરે. હજી પણ રસ્તો કાઢવાની ચર્ચાને માટે અવકાશ છે.”

પણ સરકાર તો બીજી કશી વાત સાંભળવા તૈયાર નહોતી. એણે પૂંછડું પકડી રાખ્યું.

પ્રાંતિક સમિતિ ગણોત ન ભરવાનો ઠરાવ કરે તોપણ તેનો અમલ કૉંગ્રેસ પ્રમુખની સંમતિ મેળવીને જ કરે એવો કૉંગ્રેસ કારોબારીનો ઠરાવ હતો. એટલે એણે સરદારની પરવાનગી માગી. સરકારે પ્રાંતિક સમિતિને લખ્યું કે,

“જેમને લાગતુંવળગતું છે એવા બધા કિસાનો અને કાર્યકર્તાઓને જે દુઃખો તેમને સહેવાં પડશે તથા જે ભોગો તેમને આપવા પડશે તે વિષે તથા લડત દરમ્યાન ગમે તેટલી ઉશ્કેરણી કે સંકટ હોવા છતાં, સંપૂર્ણ અહિંસક વાતાવરણ રાખવાની જરૂર વિષે બધાને માહિતગાર કરો, અને અહિંસા જાળવવાની પૂરી ખબરદારી રાખી ભલે પગલું ભરો.”

આના જવાબમાં યુક્ત પ્રાંતની સરકારે ડિસેમ્બરની પંદરમી તારીખે લાંબો ઑર્ડિનન્સ બહાર પાડીને કૉંગ્રેસ અને પ્રજા ઉપર હુમલો કર્યો.

એ ઑર્ડિનન્સનો સાર એ હતો કે,

“લોકોને સાંથ ભરવાનું મોકૂફ રાખવાનું કહેવું એ સખત મજૂરીની શિક્ષાવાળો ગુનો છે. કોઈ પણ વિભાગના રહેવાસીઓ સરકારી મહેસૂલને નુકસાન થાય એવાં કામ કરી રહ્યા છે, અથવા તો એવાં કામ કરનારા લોકોને આશરો આપી રહ્યા છે, એવું સરકારને લાગે તો તે બધાને સામટો દંડ કરી શકે. અને તે દંડ પણ કાયદેસર પૂર્વતપાસ કર્યા વિના કે પછીથી અદાલતમાં ફરિયાદ કરવા દીધા સિવાય માત્ર જાહેરાત કરીને વસૂલ કરવામાં આવે. સ્થાનિક સરકાર તેમ જ જિલ્લાના અમલદારો કોઈ પણ માણસને અમુક હદમાં પુરાઈ રહેવાના કે અમુક હદની બહાર રહેવાના કે બીજી કોઈ પણ રીતે તેની હિલચાલ ઉપર અંકુશ મૂકવાના કોઈ પણ હુકમ કાઢી શકે, અને તે સામે કાંઈ પણ ફરિયાદ થઈ ન શકે. કોઈ પણ મકાન અને તેમાંને ખાધાખોરાકી સાથેનો સામાન કબજે લઈ પોલીસ કે લશ્કરી સત્તાવાળાઓના તાબામાં રાખી શકાય. જિલ્લાના અમલદારો કોઈ પણ માણસને ખાનગી કે જાહેર વાહનોનો ઉપયોગ કરવાની બંધી કરી શકે. કોઈ પણ સ્થળ પર ધાડ લઈ જઈ તેની ઝડતી લેવામાં આવે અને ઑર્ડિનન્સ હેઠળ ગુનો કરવા એટલે કે લોકોને સાંથ ન ભરવાનું સમજાવવા ત્યાં તૈયારી કરવામાં આવી છે એવું જણાવીને ત્યાંનો સરસામાન જપ્ત કરવામાં પણ આવે.”

રાજાજી જે તે વખતે ગાંધીજીની ગેરહાજરીમાં ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન કરતા હતા, તેમણે ઑર્ડિનન્સ ઉપર ટીકા કરતાં લખ્યું :

“સંકટ માટે રાહતની બૂમ ઉઠાવી રહેલી એક આખી પ્રજા સામે આવું હથિયાર ઉગામવું એ રાજનીતિનું દેવાળું છે અને જુલમ છે. સત્યાગ્રહના દૃષ્ટિબિંદુથી તો આ ઑર્ડિનન્સે લડતને હતી તેનાથી વધુ સહેલી કરી મૂકી છે. ખેડૂતોનાં સંકટો અને બલિદાનોમાં ભાગ લેવાનો રસ્તો બધા વર્ગો માટે ખુલ્લો કરી મૂક્યો છે.”

સરહદ પ્રાંતમાં પણ જમીનમહેસૂલ વસૂલ કરવા તથા ખુદાઈ ખિદમતગારોને ત્રાસ આપવા અમાનુષી અત્યાચારો થઈ રહ્યા હતા. તે યુક્ત પ્રાંતોના અત્યાચારોનું ઉપર જે વર્ણન આપ્યું છે તે કરતાં પણ ભયંકર હતા. એ અત્યાચારોથી સરકાર ત્યાંના લોકોને દબાવી કે ડરાવી ન શકી એટલે ત્યાં પણ યુક્ત પ્રાંતના જેવો જ ઑડિનન્સ તા. ૨૪મી ડિસેમ્બરના રોજ સરકારે બહાર પાડ્યો. સરહદ પ્રાંતના ચીફ કમિશનરે તા. રરમી ડિસેમ્બરના રોજ બોલાવેલા દરબારમાં જવાનો ખાન અબદુલ ગફારખાને ઇન્કાર કર્યો અને ઉતમનઝાઈમાં મળેલી પ્રાંતિક સમિતિની બેઠકમાં ભાષણ કર્યું કે પૂર્ણ સ્વરાજ્યથી જરા પણ ઓછું આપણને કબૂલ નથી. એને તેમના મોટા ગુના ગણી એ ઑર્ડિનનસની રૂએ એમને અને તેમના ભાઈ ડૉ. ખાનસાહેબને ગિરફતાર કરવામાં આવ્યા. સરકારને મન એમનો મોટો ગુનો તો એ હતો કે એમણે પોતાના હાથ તળે કામ કરતી સરહદ પ્રાંતની બધી સંસ્થાઓને કૉંગ્રેસના છત્ર તળે મૂકી દીધી હતી, પછી સરકારી હુકમનો અનાદર કરી એકઠા થયેલા લાલ ખમીસવાળા ખુદાઈ ખિદમતગારો ઉપર ઘાતકી ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં સરકારી રિપોર્ટ પ્રમાણે ૧૪ મરી ગયા અને ૨૮ ઘાયલ થયા. ફાધર એલ્વિન જેમણે સ્થળ ઉપર જઈ જાતે તપાસ કરી હતી તેમણે કહ્યું કે મરાયેલાની સંખ્યા ઓછામાં ઓછી ૫૦ હોવી જોઈએ.

બંગાળમાં આ વખતે અમલદારો ઉપર છૂટાછવાચા ખૂની હુમલાના કેસો બનતા હતા. સરકારે એને બહુ મોટું રૂપ આપ્યું, અને લોકો તરફની આવી છુટીછવાઈ ખુનામરકીને ક્યાંય ચડી જાય એવી વ્યવસ્થિત ખુનામરકી આદરી. ચટગાંવમાં કેટલાક બિનસરકારી યુરોપિયનોએ અને ગુંડાઓએ એક છાપખાનું જે સરકારી ગુંડાગીરીની વિરુદ્ધ લખવાની ધૃષ્ટતા કરતું હતું, તેના ઉપર રાત્રે હુમલો કરી છાપખાનાની તમામ મશીનરી તોડી નાખી અને એના માણસોને માર્યા. આવા હુમલા સામે આત્મરક્ષણ સારુ લોકોએ જે થોડા કંઈ ઉપાયો લીધા તેને મોટા હુલ્લડનું રૂપ આપવામાં આવ્યું અને ઑગસ્ટની ૩૧મી તથા ત્યાર પછીના ત્રણ દિવસ સુધી ગોરા તેમ જ કાળા ગુંડાઓએ આખા ચટગાંવમાં માતેલા આખલાઓની જેમ ઘૂમી ત્રાસ વર્તાવ્યો. તેમાં સ્થાનિક પોલીસ અને મૅજિસ્ટ્રેટો પણ ભળ્યા. કૉંગ્રેસ તરફથી આ તોફાનો બાબત તપાસ કરવામાં આવી. એ તપાસ સમિતિના નિવેદન ઉપર કૉંગ્રેસની કારોબારી સમિતિએ વિચાર કરી ઠરાવ કર્યો કે,

“સ્થાનિક પોલીસ અને મૅજિસ્ટ્રેટોએ કેટલાક ગોરા અને કાળા ગુંડાઓની મદદથી કેર વર્તાવવાની નીતિને અનુસરીને પ્રજાનું જે ભયંકર નુકસાન અને
અપમાન કર્યું છે તેને આ કારોબારી સમિતિ સખત રીતે વખોડી કાઢે છે. ચટગાંવમાં ગુંડાઓને રોકીને તેમનાં તોફાનને કોમી રંગ આપી, કોમી રમખાણ જગવવાનો ઇરાદાપૂર્વક પ્રયત્ન થવા છતાં, ખરેખર કોમી તોફાન જરાયે ન થયું તેની કારોબારી સમિતિ સંતોષપૂર્વક નોંધ લે છે.”

બંગાળમાં આ વખતે સંખ્યાબંધ માણસોને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. બહારના માણસો ઉપર જેમ ત્રાસ વર્તાવવામાં આવતો હતો તેમ જેલની અંદરના અટકાયતી કેદીઓ પણ ત્રાસમાંથી મુક્ત રહેવા પામતા નહોતા. ૧૬ મી સપ્ટેમ્બરના રોજ કોઈ નજીવું બહાનું કાઢી હિજલી ખાતેના અટકાયતી કેદીઓ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં સરકારી રિપોર્ટ પ્રમાણે બે કેદીઓ માર્યા ગયા અને વીસને ગંભીર ઈજા થઈ. જેલમાં રાખેલા કેદીઓ ઉપર ગોળીબાર કરવો એ ભારે ઘાતકી અને હિચકારું કૃત્ય ગણાય. એટલે આ વાત બહાર આવતાં આખા દેશમાં મોટો હાહાકાર થઈ ગયો. કવિવર રવીન્દ્રનાથ ઠાકુર જેઓ રાજકારણમાં ભાગ લેતા નહોતા તેમણે પણ જાહેર સભામાં આ કૃત્યને વખોડી કાઢતું ભાષણ કર્યું. એટલે સરકારને આ ગોળીબાર માટે તપાસ કરવા એક કમિટી નીમવી પડી. એ કમિટીએ પોતાના રિપોર્ટમાં છાવણીના ગોરા અમલદારોને ગાળીબારમાં સામેલગીરીના આરોપમાંથી મુકત ગણ્યા, છતાં એટલું તો ઠરાવ્યું કે, “ગોળીબાર અને લાઠીઓ તથા સંગીન વડે કરવામાં આવેલા હુમલા માટે કોઈ પણ વાજબી કારણ નહોતું.” આમ તેઓએ સામાન્ય સિપાઈઓને માથે બધો દોષ ઢોળ્યો અને ગોરા અમલદારોને આ કરપીણ હત્યાકાંડની જવાબદારીમાંથી મુક્ત ગણ્યા. પણ સરકારી રિપોર્ટની ભાષામાં ‘કોઈ પણ કારણ વિના જ’ નજરકેદીઓ પ્રત્યે પોલીસો પશુતાથી વર્ત્યા તેનું કારણ શું હોવું જોઈએ ? પોતાના ઉપરી અમલદારો ખુશ થશે એવું લાગવાથી જ તેઓ એ તેમ કર્યું હતું એમ માન્યા સિવાય ચાલતું નથી.

બંગાળના આ અત્યાચારોના સમાચાર ગાંધીજીને લંડનમાં મળતા જ હતા. એટલે એમણે સરદારને તાર કર્યો :

“બંગાળમાં ચાલતા દમનથી અને બીજી બાબતોથી હું પરેશાન છે. અહીં પણ કાંઈ વળે તેમ નથી. છતાં હાજરી આવશ્યક છે એમ જોઉં છું. યુરોપમાં પણ થોડુંક ફરવું આવશ્યક લાગે છે. આનો અર્થ એ થાય કે હું જાન્યુઆરીના મધ્યમાં દેશ આવી શકું. બધું વિચારીને અભિપ્રાય આપો.”

સરદારે વર્કિંગ કમિટીની મીટિંગ બોલાવી, બધાની સાથે મસલત કરી તા. ૮–૧૧–’૩૧ના રોજ તારથી નીચે પ્રમાણે જવાબ આપ્યો :

“આપના તાર ઉપર વર્કિંગ કમિટીએ વિચાર કર્યો. અહીં જે સમાચાર મળે છે તે ઉપરથી લાગે છે કે આ૫તું ત્યાં વધુ રોકાવું વ્યર્થ છે. તેનો અનર્થ પણ
થાય. પણ આપનો ચોક્કસ અભિપ્રાય છે કે હાજરી આવશ્યક છે, એટલે સંજોગો આય વધુ જાણો. તેથી કમિટી છેવટનો નિર્ણય કરવાનું આપના ઉપર છોડે છે. અહીં તો સ્થિતિ વધુ ને વધુ બારીક થતી જાય છે. સરકારનું વલણ સામાન્ય રીતે ઘણું વધારે બગડ્યું છે. બંગાળની સ્થિતિ વધુ બગડતી જાય છે. સરહદમાં જુલમ વધતો જાય છે. કેટલીક જગ્યાએ તો કશી પ્રવૃત્તિ કરવા દેવામાં આવતી નથી. યુક્ત પ્રાંતોમાં નાકરની લડત વહેલી ઉપાડવાનું અનિવાર્ય જણાય છે. બારડોલીની તપાસમાં કામ સંતોષ થાય એવી રીતે નથી ચાલતું તેથી અને બીજાં કારણોસર પણ એમાંથી નીકળી જવું પડશે એમ લાગે છે. વહેલા આવો એ ઇચ્છવા જેવું છે. યુરોપમાં વધુ દિવસ ગાળસો તેથી અહીંનું કામ ચુંથાશે.”

સરકારનો ત્રાસ અને જુલમ તો ચાલુ જ હતો. એટલે તા. ૨૩–૧૧–’૩૧ના રોજ સરદારે ગાંધીજીને બીજો તાર કર્યો :

“હિજલી અને ચટગાંવની બાબતમાં હજી કાંઈ થયું નથી. કશા કારણ વિના ધરપકડો ચાલુ છે. અટકાયતીઓની સંખ્યા એક હજાર પર પહોંચી છે. દરરોજ કોડીબંધ માણસને પકડવામાં આવે છે. તેમાં કૉંગ્રેસના કાર્યકતાઓ પણ હોય છે. હિજલી અને ચટગાંવના અત્યાચારો સામે વિરોધ કરનારાઓ ઉપર રાજદ્રોહના મુકદ્દમા ચલાવવામાં આવે છે. તાજેતરમાં ઢાકામાં ચટગાંવનું નાનું પુનરાવર્તન થયું છે. ત્યાં નિર્દોષ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો ઉપર પોલીસે બેશરમ ત્રાસ વર્તાવ્યો છે. બંગાળના યુરોપિયનો વધુ દમનની આગ્રહપૂર્વક માગણી કર્યાં કરે છે. સરકાર તેમનું માને છે. લોકોમાં તીવ્ર રોષ વ્યાપ્યો છે. યુવાન વર્ગમાં નિરાશાનું મરણિયાપણું આવ્યું છે. યુક્ત પ્રાંતનું તો તમે જાણો છે. આંધ્રમાં કૃષ્ણા અને ગોદાવરી જિલ્લામાં સરકારે પોતે નીમેલી કમિટીનો એકમતે જુદો અભિપ્રાય હોવા છતાં તથા ધારાસભાનો પણ વિરોધ હોવા છતાં સરકારે મહેસૂલમાં વધારો કર્યો છે. તેની સામે જાગેલા વિરોધને અટકાવવા જામીન લેવાની અને રાજદ્રોહની કલમોનો ઉપયોગ થઈ રહ્યો છે, એટલે ત્યાંની પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. આશ્રમમાં ઇમામ સાહેબને રોજ તાવ આવે છે. પણ હવે થૂંકમાં લોહી પડતું નથી. તાત્કાલિક કાંઈ ચિંતા જેવું નથી. —વલ્લભભાઈ ”

છેવટે ૩૦મી નવેમ્બરે આખા બંગાળ ઉપર ઑર્ડિનન્સ જાહેર કરીને સરકારે કાયદાને અને કાયદાની અદાલતોને ઊંચી મૂકી. ઑર્ડિનન્સની ભાષા એવી હતી કે આખા પ્રાંતમાં જાણે મોટો બળવો ફાટી નીકળ્યો હોય અને તેથી ભયભીત થઈને સરકાર પોતાના આત્મરક્ષણ માટે આ ઉપાયો લેતી હોય ! પરંતુ આ ઑર્ડિનન્સથી પણ જે છુટ્ટાછવાયા ખુનામરકીના કેસો બનતા હતા તે સરકાર દબાવી શકી નહીં.

આ બધાં કરતૂતોને માથે કળશ ચડાવવા, જે મીઠા માટે આટઆટલાં માથાં ફૂટ્યાં હતાં, તે મીઠાના કરમાં વધારો કરવાની દરખાસ્ત સરકારે આણી. આમાં તો ચોખ્ખો સંધિભંગ અને વિશ્વાસઘાત હતો. વળી આ વખતે ઇંગ્લંડે પોતાની પાસે સોનાની તંગી હોવાને લીધે સોનાચલણ છોડી દીધું એટલે તેના પાઉન્ડની કિંમત દુનિયાના બજારમાં ઘટી ગઈ. પ્રશ્ન એ હતો કે આવા ગગડી ગયેલા પાઉન્ડ સાથે હિંદુસ્તાનના રૂપિયાને જોડેલો રાખવો કે કેમ ? જોડેલો રાખવામાં હિંદને ભારે નુકસાન હતું. પણ હિંદુસ્તાનની સરકારને હિંદનું હિત ક્યાં જોવાનું હતું ? તે તો ઇંગ્લંડના હિતને પ્રાધાન્ય આપતી હતી. એટલે આપણો રૂપિયો પાઉન્ડ સાથે જોડાયેલો રહ્યો. આ બંને સામે કૉંગ્રેસની કારોબારીએ વિરોધ દર્શાવતા ઠરાવો કર્યા.

આમ સંધિને નેવે મૂકીને સરકાર જ્યારે હિંદુસ્તાનમાં ખુલ્લી દમનનીતિ ચલાવી રહી હતી ત્યારે ગાંધીજી પોતાનાં ગોળમેજીનાં ભાષણો દ્વારા દુનિયાની પ્રજા સમક્ષ હિંદુસ્તાનનો કેસ રજૂ કરતા હતા. પણ બ્રિટિશ મુત્સદ્દીઓ આગળ તો એમનાં ભાષણો અરણ્યરુદન જેવાં નીવડ્યાં હતાં. ગાંધી–અર્વિન કરાર પછી થોડા જ વખતમાં ઇંગ્લંડમાં કન્ઝર્વેટિવ પક્ષ સત્તા ઉપર આવ્યો હતો તે કૉંગ્રેસને કચડી નાખવાને કૃતનિશ્ચય થઈને બેઠો હતો. મહાદેવભાઇના સરદાર ઉપરના તા. ૨૮–૧૧–’૩૧ના રોજ લંડનથી લખેલા કાગળમાં ત્યાંની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે :

“આ ટાઈપ થઈ ગયા પછી બાપુની પાસેથી જાણ્યું કે તેઓ તો તદ્દન લડીને આવ્યા છે અને આવતા શુક્રવારે તો માત્ર સરકારની છેવટની ચેતવણી સાંભળવા જવાના છે. ચેતવણી હજી વધારે શી આપવાની હશે ? કાલે જ સર સેમ્યુઅલ હોર સાથે વાત થઈ તેમાં એણે બાપુને કહેલું: “અમારે કૉંગ્રેસને છુંદી નાખવી પડશે માટે તૈયાર રહેજો. અમે કૉંગ્રેસને રહેવા ન દઈ શકીએ. કારણ કૉંગ્રેસ એટલે ક્રાંતિ એમ તમારી વાત પરથી અમે સમજ્યા છીએ. માટે તો તમે (સરદાર) પણ તૈયારી રાખજો. કદાચ મળવા પણ ન પામીએ. જે વ્યવસ્થા કરવી ઘટે તે કરી દેજો. ત્યાં આવ્યા પછી ભાગ્યે જ વધારે દિવસ છૂટા રહેવાય.”

આ તરફથી હિંદ સરકારે તો બરાબર તૈયારીઓ કરી જ હતી. ત્રણ ઑર્ડિનન્સો તો કાઢી દીધા હતા અને બીજા તૈયાર રાખ્યા હતા. તેની એક નેમ તો એ હશે કે ખાન અબદુલ ગફારખાન તથા પંડિત જવાહરલાલ ગાંધીજીને મળવા ન પામે. એટલે ખાન અબદુલ ગફારખાનને તા. ર૬ મી ડિસેમ્બરે પકડ્યા હતા અને પંડિત જવાહરલાલ ગાંધીજીને મળવા મુંબઈ જતા હતા ત્યાં રસ્તામાં જ તેમને યુક્ત પ્રાંતોની પ્રાંતિક સમિતિના પ્રમુખ જ. શેરવાણીને અને બાબુ પુરુષોત્તમદાસ ટંડનને પકડી લીધા. સરદારને કેમ છૂટા રાખ્યા હશે ? તેમને પકડવાનું બહાનું શોધવું મુશ્કેલ પડ્યું હશે ?

આવી સ્થિતિમાં તા. ર૮મી ડિસેમ્બરે ગાંધીજી મુંબઈ ઊતર્યા.