સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/ગાંધીજી અને સરદારની ગિરફ્તારી: સરકારનું દમનચક્ર
← બારડોલી તપાસ અને સંધિભંગ | સરદાર વલ્લભભાઈ ભાગ બીજો ગાંધીજી અને સરદારની ગિરફ્તારી: સરકારનું દમનચક્ર નરહરિ પરીખ |
યરવડા જેલમાં ગાંધીજીની સાથે → |
૮
ગાંધીજી અને સરદારની ગિરફતારી : સરકારનું દમનચક્ર
લંડનની ગોળમેજીમાંથી ખાલી હાથે પાછા આવેલા પોતાના માનીતા નેતાને પ્રજાએ અપૂર્વ માન આપ્યું. મુંબઈનાં આબાલવૃદ્ધ સૌ નરનારીઓએ અસાધારણ પ્રેમ અને ઉત્સાહથી રસ્તે રસ્તે, ગલીએ ગલીએ અને અટારીએ અટારીએથી ગાંધીજીનું અનુપમ સ્વાગત કર્યું. તે જ દિવસે સાંજે લગભગ દોઢ લાખની માનવ મેદની આગળ પોતાના ભાષણમાં તેમણે પ્રજાને મૃત્યુનો ડર કાઢી નાખી તેને મિત્રની જેમ ભેટવાનો મંત્ર આપ્યો. તેમણે કહ્યું: “સત્યનો, પ્રામાણિકતાનો અને મારવાનો નહીં પણ મૃત્યુને ભેટવાનો મંત્ર ગોખી રાખજો.”
સરદાર અને કૉંગ્રેસની કારોબારી ગાંધીજીને મળવાને માટે આતુર બનીને મુંબઈમાં બેઠી હતી. સરકારનો વિચાર બધા નેતાઓને ગાંધીજી સાથે મેળાપ થવા દેવાનો નહોતો. એટલે સરહદના ખાન બંધુઓને તથા યુક્ત પ્રાંતના જવાહરલાલજી વગેરેને પકડી લીધા હતા એ આપણે જોઈ ગયા. ભારે પજવણી છતાં સરદારે ગુજરાત પાસે એવી ખામોશ રખાવી હતી અને પોતે પણ સરકારની ચાલમાં ન ફસાવાની એવી તકેદારી રાખી હતી કે તેમને પકડવાનું કશું બહાનું સરકાર શોધી શકી નહીં. સરકાર ગમે તેટલા અત્યાચારો કરે પણ કૉંગ્રેસને માથે સંધિભંગનો આરોપ ન આવે એ સાચવવા માટે અને લોકોને શાંત રાખવા માટે ગાંધીજીની ગેરહાજરીમાં સરદારે લોહીનું પાણી કરી નાખ્યું હતું. પણ ગાંધીજી હિંદુસ્તાનને કિનારે ઊતર્યા ત્યારે સરકાર તરફથી તો લડતનાં ડંકાનિશાન વાગી રહ્યાં હતાં. કારોબારીના સભ્યો પાસેથી બધી હકીકત જાણી લીધા પછી તા. ર૯મીએ ગાંધીજીએ વાઈસરૉયને નીચે પ્રમાણે તાર કર્યો :
- “બંગાળના ઑર્ડિનન્સનો ભેટો મારે કરવાનો જ હતો. પણ તે ઉપરાંત હિંદને કિનારે ઊતરતાં જ સરહદ પ્રાંત અને યુક્ત પ્રાંત વિષેના ઑર્ડિનન્સો વિષે, સરહદ પ્રાંતમાં થયેલા ગોળીબાર વિષે તથા બંને પ્રાંતમાં મારા કીમતી સાથીઓની ગિરફતારી વિષે સાંભળવા હું તૈયાર નહોતો. આ બધું આપણી વચ્ચેના મૈત્રીસંબંધના અંતનું સૂચક છે એમ માનવું કે કેમ, એ હું જાણતો નથી. હજી હું આપને મળું અને કૉંગ્રેસને મારે શી સલાહ આપવી એ બાબતમાં આપની પાસેથી કાંઈ માર્ગદર્શન મેળવું એવું આપ ઇચ્છો છો કે કેમ, તે પણ હું જાણતો નથી. આ૫ તારથી જવાબ આપશો તો આભારી થઈશ.”
વાઈસરૉયે તા. ૩૧મીએ તારથી આનો જવાબ આપ્યો. તેમાં ત્રણે પ્રાંતના ઑડિનન્સો વિષે ખુલાસા આપી જણાવ્યું કે,
- “આપ પોતે ગોળમેજી પરિષદમાં ગયેલા હોઈ હિંદુસ્તાનમાં નહોતા, અને આપ જે વલણ અખત્યાર કરો છો તે જોતાં યુક્ત પ્રાંતોમાં તથા સરહદ પ્રાંતમાં ચાલી રહેલી કૉંગ્રેસની પ્રવૃત્તિ માટે આપ જવાબદાર છો અથવા તો તે પ્રવૃત્તિને આપની પસંદગી છે એવું માનવા નામદાર વાઈસરૉય રાજી નથી. જો હકીકત એ જ પ્રમાણે હોય તો વાઈસરૉય સાહેબ આપને મળવા રાજી છે અને ગોળમેજી પરિષદની કાર્યવાહીમાં જે સહકારની વૃત્તિ દર્શાવવામાં આવેલી છે તે ટકાવી રાખવા માટે આપ આપની લાગવગનો ઉપયોગ વધુમાં વધુ કેવી રીતે કરી શકો, તે બાબતમાં પોતાના વિચારો પણ તે આપને જણાવશે. પરંતુ નામદાર વાઈસરૉય એ વસ્તુ તો ભાર દઈ ને કહેવા ઇચ્છે છે કે બંગાળ, યુક્ત પ્રાંતો તથા સરહદ પ્રાંતમાં નામદાર શહેનશાહની સરકારની સંપૂર્ણ મજૂરીથી હિંદી સરકારને જે ઇલાજો લેવા પડ્યા છે એ બાબત તેઓ આપની સાથે ચર્ચા કરવા તૈયાર નથી. સુરાજ્યને માટે કાયદા અને શાંતિનું સંરક્ષણ આવશ્યક છે. અને તે હેતુથી જ આ ઇલાજો લેવામાં આવ્યા છે, અને એ હેતુ સધાય ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં તે અમલમાં રહેશે.”
તે જ દિવસે રાત્રે ગાંધીજીએ વાઈસરૉયના તારનો વિગતવાર જવાબ આપતો લાંબો તાર કર્યો. તેમાં જણાવ્યું કે,
- “મારી વિનંતીની કદર કરવાને બદલે મારા મોંઘા સાથીઓનો મારે ઇનકાર કરવો એવી માગણી કરીને વાઈસરૉય સાહેબે તેને અસ્વીકાર કર્યો છે. આવા હીન આચરણનો અપરાધી બનીને હું મુલાકાત લેવા આવું તો પણ મને કહેવામાં આવે છે કે રાષ્ટ્રને માટે જીવનમરણ જેવી મહત્ત્વની આ બધી બાબતો ઉપર હું ચર્ચા પણ ન કરી શકું ! ઑર્ડિનન્સો અને તેની રૂએ થયેલાં કૃત્યોનો જબરો વિરોધ ન કરવામાં આવે તો પ્રજા તદ્દન નિર્માલ્ય થઈ જાય. મારે મન તો ઑર્ડિનન્સો અને જુલમો આગળ રાજ્યબંધારણના સુધારાનો પ્રશ્ન કશી વિસાતમાં રહેતો નથી. સુધારાના લોભમાં પડીને કોઈ પણ સ્વમાનવાળો હિંદી આવી રીતે પ્રજાનો જુસ્સો મારી નાખવાનું જોખમ નહીં ખેડે એવી મારી આશા છે.”
દરમ્યાન કાર્યવાહક સમિતિ તો દરરોજ મળતી જ હતી. તેણે તા. ૩૧મી ડિસેમ્બરના રોજ લાંબો ઠરાવ કરીને, જો સરકાર પાસેથી દાદ ન જ મળે અને સવિનયભંગ ફરી ચલાવવો જ પડે તો, તેની લડતનો બધો કાર્યક્રમ પણ પ્રજા આગળ મૂકવા માટે નક્કી કરી રાખ્યો હતો. એટલે ઉપરના પોતાના તારમાં જ ગાંધીજીએ જણાવ્યું હતું કે,
- “સરકાર સાથે સહકાર કરવાની મારી ઇચ્છા અને ખુશી છે. પણ તેની સાથે મારી મર્યાદાઓ પણ વાઈસરૉય સાહેબને મારે જણાવી દેવી જોઈએ. અહિંસા એ મારો પરમ સિદ્ધાંત છે. સવિનય ભંગને હું લોકોનો જન્મસિદ્ધ હક્ક માનું છું. ખાસ કરીને જ્યારે પોતાના દેશના રાજ્યતંત્રમાં અસર પાડે એવો પોતાનો અવાજ ન હોય ત્યારે તેની અસરકારક અવેજી તરીકે પણ હું તેને ગણું છું. એટલે હું મારા સિદ્ધાંતનો કદી ઇન્કાર કરવાનો નથી. એ સિદ્ધાંતને અનુસરીને
- તથા લોકોને દોરવાની બીજી તક હવે મને નથી મળવાની એવા ખબર, જેનો ઇન્કાર નથી કરવામાં આવ્યો અને જેને હિંદી સરકારની તાજેતરની પ્રવૃત્તિઓથી ટેકો મળે છે, તે ઉપર આધાર રાખીને કાર્યવાહક સમિતિએ મારી સલાહ સ્વીકારી છે અને જરૂર પડ્યે અમલ કરવા માટે ઠરાવ ઘડી રાખ્યો છે અને તેમાં સવિનયભંગની રૂપરેખા આંકી રાખી છે. એ ઠરાવની નકલ આ સાથે મોકલું છું. જો મને મળવામાં સાર છે એમ વાઈસરૉય સાહેબ માને તો ચર્ચા ચાલુ હશે તે દરમ્યાન ઠરાવનો અમલ મુલતવી રહેશે, એવી આશાએ કે ચર્ચાને પરિણામે ઠરાવને છેવટને માટે પડતો મૂકવાનો વખત આવે. હું સ્વીકારું છું કે નામદાર વાઈસરૉય અને મારી વચ્ચેના સંદેશા એટલા બધા મહત્ત્વના છે કે તે પ્રસિદ્ધ કરવામાં વિલંબ થાય એ યોગ્ય નથી. એટલે મારો તાર, તેનો જવાબ, તેનો વળતો જવાબ તેમ જ કાર્યવાહક સમિતિનો ઠરાવ પ્રસિદ્ધિ માટે હું મોકલી દઉં છું.”
‘હિંદ કલ્યાણ ચિંતક’ નામના એક મંડળના માણસો જેમાં કેટલાક અંગ્રેજો પણ હતા તેઓ ગાંધીજીને મળવા આવ્યા અને આગ્રહ કરવા લાગ્યા કે તમે સરકાર સાથે સહકાર કરો. ગાંધીજીએ તેમને જે જવાબ આપ્યો અને ત્યાર પછી તેમની સાથે જે વાતચીત થઈ તે આખી પરિસ્થિતિ ઉપર બહુ સુંદર પ્રકાશ પાડે છે. અને ગાંધીજીનું તેમ જ કૉંગ્રેસી નેતાઓનું માનસ સમજવામાં પણ આપણને મદદ કરે છે. ગાંધીજીએ તેમને કહ્યું :
- “હું તદ્દન માનશૂન્ય બનું, દાંતે તરણું ચાવતો જાઉં તો તો સહકારને માર્ગ ખુલે છે. બાકી આ સંજોગોમાં માનભેર રહીને સહકારનો માર્ગ મને નથી દેખાતો. સરકારને તો એ ચીડ છે કે કૉંગ્રેસની લાગવગ પ્રજામાં વધે છે અને કૉંગ્રેસ બળવાન બને છે. કૉંગ્રેસ પોતાની શાળાઓ કાઢે, ઇસ્પિતાલ કાઢે, લવાદી અદાલતો કાઢે એ શું કૉંગ્રેસનો દોષ ગણાય? અને આખરે તો આ સરકારે ખસી જઈને કૉંગ્રેસને સત્તા સાંપવાની છે એમાં તમને કશી શંકા છે ? કૉંગ્રેસ આજે એ સ્થાન લેવાને તૈયાર છે એમ સિદ્ધ કરવા માગે છે. એ સ્થિતિમાં કૉંગ્રેસે શું કરવું એ તમે મને કહેશો ? તમે તો હિંદુસ્તાનના કલ્યાણનું અઠવાડિયાના એક નવરાશના કલાકમાં ચિંતન કરો છો. અમે ચાવીસે કલાક કરીએ છીએ. અમારે જીવનમાં બીજું કામ નથી.”
- એક અંગ્રેજ મિત્રે ઊભા થઈને પૂછ્યું : “આ ઑર્ડિનન્સો રદ થાય તો તમે સહકાર કરશો ?”
- ગાંધીજીએ કહ્યું : “સહકારનો વિચાર કરવામાં પણ આ ઑર્ડિનન્સો અંતરાયરૂપ છે. એ અંતરાય ખસેડવામાં આવે અને અનુકૂળ વાતાવરણ મળે તો સહકારનો વિચાર કરું.”
- પ્રશ્ન : “તમે ઑર્ડિનન્સને નિંદી કાઢો છો પણ તે પહેલાં એ પ્રાંતમાં જઈને પરિસ્થિતિ જોઈ આવો અને પછી તમારો અભિપ્રાય આપો તો ? ”
- ગાંધીજી : “તમને ખબર નહીં હોય કે ત્રણ ત્રણ વેળા સરહદ પ્રાંતમાં જવાની મેં પરવાનગી માગી પણ હું તે મેળવી નથી શક્યો. એક વાર અર્વિન સાહેબની માગેલી અને બે વાર વિલિંગ્ડન સાહેબની માગેલી. હજી હું તો પ્રયત્ન
- કરીશ. તમારામાંથી કોઈ સરકારના કાને પહોંચી શકતા હો તો મને રજા મેળવી આપો. મારે ઊંધી રીતે સત્યાગ્રહ કરીને બેવકૂફ નથી બનવું. મારે સીધી રીતે સત્યાગ્રહ કરીને સરકારને બેવકૂફ બનાવવી છે. આવા ઑર્ડિનન્સના દાવાનળમાં તમે નવા રાજબંધારણનું ઘડતર ઘડાવવા માગો છો ! ઑર્ડિનન્સરાજ અમે કબૂલ કરીએ એ અમારી શરમ છે. ઇંગ્લંડ ઑર્ડિનન્સથી રાજ ચલાવે એ એની શરમ છે.”
- પ્રશ્ન : “પણ તમે હિંસક પ્રવૃત્તિ દૂર કરવાનો જ ધંધો શા માટે નથી લઈ બેસતા ?”
- ગાંધીજી: “એ જ ધંધો લઈ બેઠો છું. પણ તમારે રસ્તે નહીં, મારે રસ્તે. સત્યાગ્રહથી હિંસક પ્રવૃત્તિ છેક નાબૂદ નહીં તો ઘણી ઓછી થઈ છે એવો મારો દાવો છે.”
- પ્રશ્ન : “પણ આકરા રોગના આકરા ઇલાજ ન હોય ?”
- ગાંધીજી: “હા હોય. પણ લાલ ખમીસવાળાને દબાવવાને માટે ગોળી ચલાવવાના ઉપાય ન હોય. તમે રોગનિવારણની વાત નથી કરતા. રોગીનો પ્રાણ લઈને રોગનો નાશ કરવાની વાત કરી છે. હું સહકારને માટે તો તલપી રહ્યો છું. પણ સહકારનાં કિરણ ક્યાં છે ? હે ખ્રિસ્તી અંગ્રેજો, આ નાતાલના દિવસોમાં તમારા હૃદય તપાસો, અમારી પ્રવૃત્તિનો અભ્યાસ કરો. અમારા લોકોને મળો, અને જુઓ કે તમારી આસપાસ શું ચાલી રહ્યું છે.”
ગાંધીજીએ વાઈસરૉય ઉપરના તારની સાથે, સંતોષકારક જવાબ ન મળે તો દેશને સવિનય ભંગની લડત ઉપાડવાની સલાહ આપતો અને લડતનો કાર્યક્રમ જણાવતો કારોબારી સમિતિનો ઠરાવ મોકલી આપ્યો હતો. તેના જવાબમાં તા. ૨–૧–’૩રના રોજ વાઈસરૉયે તાર કર્યો. તેમાં જણાવ્યું કે,
- “એક તરફથી તમે અને કૉંગ્રેસની કારોબારી સમિતિ સવિનયભંગ ફરી ચાલુ કરવાની ધમકી આપો છો અને બીજી તરફથી વાઈસરૉય સાથે મુલાકાતની આશા સેવો છો. પણ નામદાર વાઈસરૉય અને તેમની સરકારના સમજવામાં નથી આવતું કે આવી સ્થિતિમાં કશો લાભ થવાની આશા રાખીને એ શી રીતે મુલાકાતનું આમંત્રણ આપી શકે ? કૉંગ્રેસે જે પગલું લેવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો છે તે પગલાંનાં જે કંઈ પરિણામો આવશે તે માટે તમને અને કૉંગ્રેસને સરકાર જવાબદાર ગણશે. અને એ પગલાંને પહોંચી વળવાને સરકારને જે આવશ્યક પગલાં લેવાં પડે તે એ ભરશે.”
ગાંધીજીએ તા. ૩જીએ તાર કરીને આનો જવાબ આપ્યો. તેમાં જણાવ્યું કે,
- “કૉંગ્રેસે પોતાનો પ્રામાણિક અભિપ્રાય બતાવ્યો છે તેને તમે ધમકી ગણો છો એ બરોબર નથી. લંડનમાં જતાં પહેલાં ગયા ઓગસ્ટમાં સરકાર સાથે જે સમજૂતી થઈ તેમાં પણ મેં જણાવ્યું જ હતું કે, અમુક સંજોગોમાં કૉંગ્રેસને સવિનયભંગનો આશરો લેવો પડે, ત્યારે તમે સમજૂતી ભાંગી પાડી નહોતી. સરકારને એ વાત નહોતી ગમતી તો મને લંડન મોકલવો જોઈતો નહોતો. ઊલટું નામદાર
- વાઈસરૉયે પોતાના આશીર્વાદ આપીને મને લંડન મોકલ્યો. મારો દાવો એવો છે કે મારા તારનો સરકારે બીજો કશો અર્થ કાઢવો જોઈએ નહીં. કોની સ્થિતિ સાચી છે એ તો વખત બતાવી આપશે. દરમ્યાન હું સરકારને ખાતરી આપવા માગું છું કે લડત દ્વેષભાવ વિના અને પૂર્ણ અહિંસક રીતે ચલાવવામાં કૉંગ્રેસ તરફથી તમામ પ્રયત્નો કરવામાં આવશે. કૉંગ્રેસને અને તેના પ્રતિનિધિ તરીકે મને ભાગ્યે જ એ યાદ દેવડાવવાની જરૂર હતી કે અમારાં કૃત્યોનાં તમામ પરિણામ માટે અમે જવાબદાર ગણાઈશું.”
સરકાર તરફથી લડાઈની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. તા. ૪–૧–’૩રના રોજ પરોઢિયે ગાંધીજીને અને સરદારને મુંબઈમાંથી પકડી લેવામાં આવ્યા, અને તે દિવસે સવારે આખા હિંદુસ્તાનને લાગુ પડતા નવા ઑડિનન્સો બહાર પાડવામાં આવ્યા. જે નેતાઓ મુંબઈમાં એકઠા થયા હતા તેઓને પોતપોતાના પ્રાંતમાં પહોંચતાં જ સ્ટેશન ઉપરથી પકડી લેવામાં આવ્યા. આ બે ત્રણ દિવસમાં દેશના એકેએક સ્થળમાંથી આગેવાન કાર્યકર્તાઓને પણ પકડી લેવામાં આવ્યા. બીજા કોઈ સભાઓ ભરે કે સરઘસ કાઢે તેમના ઉપર લાઠીના હુમલા કરવાનું, ઘોડેસવાર દોડાવવાનું તથા ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું. તમામ કૉંગ્રેસ ઑફિસો, આશ્રમ અને છાવણીઓ જપ્ત કરવામાં આવી. એમ કહેવાય છે કે દેશમાં બધે છ અઠવાડિયાની અંદર પોતે શાંતિ સ્થાપી દેશે અને કૉંગ્રેસનું નામનિશાન રહેવા દેશે નહીં એવી આશા લૉર્ડ વિલિંંગ્ડને તો સેવેલી. લોકોએ સામેથી સખત લડત આપીને તેમની આશા ફળીભૂત ન થવા દીધી.
૫ં. માલવીજીએ તા. ૨૮–૨–’૩૨ના રોજ એક લાંબા તાર લંડનનાં વર્તમાનપત્રોને તેમની માગણીથી મોકલવાનો પ્રયત્ન કરેલ. જોકે એક યા બીજે બહાને અહીંથી તાર જવા દેવામાં ન આવ્યો. પણ એ ઉપરથી તે વખતની દેશની સ્થિતિનું તાદૃશ ચિત્ર આપણને મળે છે. આ રહ્યો એ તાર :
- “હિંદુસ્તાનની રાજકીય પરિસ્થિતિ વિષે તા. ૧૫મી ફેબ્રુઆરીના રોજ પાર્લમેન્ટમાં સર સેમ્યુઅલ હોરના જવાબની નકલ ફેરવવામાં આવી છે, જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે પરિસ્થિતિમાં સરકારની દૃષ્ટિએ ઘણી બાબતોમાં સુધારો થવા પામ્યો છે. મારે કહેવું જોઈએ કે એ વસ્તુ ખોટી અને ગેરરસ્તે દોરનારી છે. સર સેમ્યુઅલ હોરે પોતાના જવાબમાં કબૂલ કર્યું છે કે અત્યારે બૉયકૉટ એ કૉંગ્રેસની મુખ્ય પ્રવૃત્તિ છે. આ વખત સવિનયભંગની ચળવળ શરૂ કરવામાં આવી ત્યારથી જ બૉયકૉટ એ કૉંગ્રેસની મુખ્ય પ્રવૃત્તિ રહેલી છે અને તે ઢીલી પડવાનાં કશાં ચિહ્નો દેખાયાં નથી. ઊલટું એ પ્રવૃત્તિનાં મૂળ ઊંડાં ગયાં છે. દેશના ખૂણે ખૂણે એ ફેલાઈ છે, અને આખા દેશમાં બધે વ્યાપી વળી છે. શહેરોમાં સામાન્ય રીતે સંખ્યાબંધ વેપારીઓ પરદેશી કાપડને તથા બ્રિટિશ માલનો ઑર્ડર આપતા નથી. કેટલીય જગ્યાએ તેમણે પોતાનો આવો માલ
- જુદો કાઢીને તેના ઉપર સીલ માર્યાં છે. કેટલીક જગ્યાએ શાંત પિકેટિંગની મદદથી અને ઘેરઘેર જઈને સમજાવટથી આ કામ ચાલી રહ્યું છે. જેટલા જોશથી એ કામ ચાલે છે તે ઉપરથી એટલું કહી શકાય કે લોકોની મનોવૃત્તિમાં ગાંધી–અર્વિન કરારથી જે ફેરફાર કરી શકાયો હતો તેવો ફેરફાર કરવામાં ન આવે તો, સરકારના ગમે તેટલા ઑર્ડિનન્સો નીકળે અને સરકાર દમનનાં ગમે તેટલાં પગલાં લે તોપણ બ્રિટિશ કાપડ અને બીજા માલનું વેચાણ ઘટતું જ જવાનું છે. આ ચળવળમાં સ્ત્રીઓ બહુ મહત્ત્વનો ભાગ ભજવવા લાગી છે.
- “બીજી રીતે પણ આ ચળવળ મજબૂત થતી જાય છે. સરકારના અન્યાયી અને જુલમી હુકમોની સામે વિરોધનો જુસ્સો વધારે તીવ્ર અને વ્યાપક થતો જાય છે. ખરી રીતે તો દમનથી જુસ્સાના અગ્નિને પોષણ મળ્યું છે. પોલીસના અને લશ્કરના સંયુક્ત જુલમથી ચળવળના દેખાવો બહુ થતા નથી. પણ પહેલાં કરતાં તેનું ખરું બળ ઘણું વધ્યું છે. જ્યાં જ્યાં પોલીસે વિરોધ કર્યો ત્યાં ત્યાં બિનસત્તાવાર રીતે મીઠું બનાવવાનું ફરી શરૂ થયું છે. આખા દેશમાં મૅજિસ્ટ્રેટોના અને પોલીસના હુકમોનો લોકો છડેચોક ભંગ કરી રહ્યા છે. મૅજિસ્ટ્રેટોના મનાઈ હુકમ છતાં અને લાઠીના હુમલા તથા ગોળીબાર છતાં સભાઓ ભરવાના અને સરઘસ કાઢવાના પ્રયત્નો ચાલુ છે. સરકારી અમલદારોને ખૂબ કામ મળી ગયું છે. ફતવાઓના સારી પેઠે અંકુશોવાળાં વર્તમાનપત્રના રિપોર્ટો પ્રમાણે પણ આજ સુધીમાં જેલમાં પુરાયેલાની સંખ્યા ૪૬,૫૩૧ છે. દેશની અંદરનાં દૂરનાં ગામડાંમાં ઘણાં માણસોની ધરપકડ થઈ છે, તેમની સંખ્યા આમાં આવી જતી નથી. અત્યાર સુધીમાં થયેલી ધરપકડનો કૉંગ્રેસનો અંદાજ ૬૦,૦૦૦ નો છે. સર સેમ્યુઅલ હોરે પોતે કબૂલ કર્યું છે કે કૉંગ્રેસ તરફથી હિંસા થયાના જવલ્લે જ કોઈ દાખલા બન્યા છે. તેમ છતાં સામાન્ય રીતે શાંત હોય એવાં ટોળાં ઉપર છેલ્લા ત્રીસ દિવસમાં પહેલાં કરતાં ઘણા વધારે ગોળીબારો થયા છે. લાઠીના હુમલાનો તો કંઈ હિસાબ નથી. લોકોનો જુસ્સો દાબી દેવામાં તે નિષ્ફળ નીવડ્યા છે, એમ સમજી લઈને સરકારે હવે લાઠી વાપરવાનું ઓછું કરી નાખ્યું છે. હવે તો લાઠીના હુમલા અને જેલની સજાને બદલે લોકોને બહુ હલકી અને ઘાતકી રીતે ત્રાસ આપવાનું અને અપમાનિત કરવાનું ચાલે છે. ભયંકર મારઝૂડ કરીને લોકોનો જુસ્સો દાબી દેવાનો પ્રયત્ન સરકારે શરૂ કર્યો છે. તેના થોડા દાખલા નીચે આપ્યા છે:
- “ગુજરાતમાં બે સ્થળે ગ્રામવાસીઓને દિશાએ જતાં પાણી લઈ જતાં અટકાવવામાં આવ્યા હતા. પોલીસોએ તેમનાં કપડાં ફાડી નાખ્યાં અને તેમને નાગા કર્યા. મુંબઈ અને કાનપુરમાં માત્ર એટલા વહેમ ઉ૫રથી જ, કે તેઓ કૉંગ્રેસ સાથે સહાનુભૂતિ રાખે છે — ઘણા આબરૂદાર વેપારીઓ ઉપર એવા અપમાનજનક હુકમો કાઢવામાં આવ્યા કે તેમણે ઘરની અંદર જ રહેવું અથવા અમુક હદથી બહાર જવું નહીં. આ હુકમો માનવાનો તેમણે ઇનકાર કર્યો. એટલે તેમને બહુ લાંબી સજાઓ તથા ભારે દંડ કરવામાં આવ્યા. જેલમાં પણ સામાન્ય ગુનેગારના જેવું જ વર્તન તેમની સાથે રાખવામાં આવે છે. બિહારમાં કેટલાક સ્વયંસેવકોને નાગા કરવામાં આવ્યા અને એક માણસની તો મૂછો
- ખેંચી કાઢવામાં આવી. કેટલીયે મ્યુનિસિપાલિટીનાં મકાનો પરથી રાષ્ટ્રીય વાવટા ઉતારી લેવામાં આવ્યા છે. એક પિતાએ પોતાના છોકરાનો દંડ ભરવાની ના પાડી તે માટે તેને છ મહિનાની સજા કરવામાં આવી છે. કૉંગ્રેસ સાથે સંબંધ નહીં ધરાવતી એવી સંસ્થાઓને પણ ગેરકાયદે ઠરાવવામાં આવી છે. કેવળ વહેમ ઉપરથી પકડાપકડી કરવાનું કામ તો ચાલુ જ છે. દુકાનદારો અને હોટેલવાળાઓની ધરપકડ કરીને તેમને ચેતવણી આપવામાં આવે છે કે કૉંગ્રેસવાળાઓને ખોરાક અથવા આશ્રય ન આપવો. કાલિકટમાં એક સ્ત્રીને જેલની સજા કર્યા પછી મૅજિસ્ટ્રેટના હુકમથી તેનું મંગળસૂત્ર કાઢી લેવામાં આવ્યું. હિંદુઓમાં સૌભાગ્યવતી સ્ત્રી પતિની હયાતીમાં કદી મંગળસૂત્ર કાઢતી નથી. મદ્રાસમાં બીમારને માટેની મોટ૨ (ઍબ્યુલન્સ કાર) ના એક હાંકનારને, પોલીસના મારથી બેભાન થઈ ગયેલા સ્વયંસેવકોને ઉપાડીને લઈ જવાનો પ્રયત્ન કરતાં ફટકા મારવામાં આવ્યા. આખા દેશમાં વર્તમાનપત્રોના સમાચારો ઉપર જાપતો મૂકી દેવામાં આવ્યો છે, અને સરહદ પ્રાંતના તો કશા જ સમાચાર બહાર આવવા દેવામાં આવતા નથી. છાપાંઓને મોઢે ડૂચા મારવામાં આવ્યા છે અને તંત્રીઓને તાકીદ આપવામાં આવી છે કે ચળવળની સાથે જોડાયેલા કોઈ પણ માણસની છબી કે નામઠામ છાપવાં નહીં. સરહદ પ્રાંતના ખુદાઈ ખિદમતગારો ઉપર અમાનુષી અત્યાચારો કરવામાં આવ્યા છે. મને એમ ખબર મળી છે કે પેશાવરના કેટલાક સ્વયંસેવકો ઉપર એટલા ઘાતકી અને જુગુપ્સા ઊપજે એવા અત્યાચારો કરવામાં આવ્યા કે એ સહન ન થઈ શકવાથી, અને ગમે તેટલી ઉશ્કેરણી થાય તોપણ અહિંસાની પ્રતિજ્ઞા પાળવાનો તેમનો નિશ્ચય હોવાથી, તેમાંના ઘણા પેશાવર છોડીને બીજે કામ કરવા ચાલ્યા ગયા.
- “આ બધાં પરિસ્થિતિમાં સુધારો થયાનાં લક્ષણ નથી. આ હેવાલો ઉપરથી અને સરહદ પ્રાંતમાં ગોળીબારથી ઘણા માણસો માર્યા ગયા છે એ સમાચાર ઉપરથી એમ ચોક્કસ જણાય છે કે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે તે વિષે સ્વતંત્ર તપાસ થવાની જરૂર છે. સર સેમ્યુઅલ હોર કહે છે કે યુક્ત પ્રાંતમાં નાકરની લડત લગભગ બંધ થઈ ગઈ છે. જો ખરેખર એમ હોય તો ત્યાં જુલમ કેમ બંધ થતો નથી ? અલ્લાહાબાદ જિલ્લામાં અમલદારોએ પોલીસની મદદથી કેટલાંયે ગામો ઉપર ધાડ પાડી છે અને જુલમ ગુજાર્યા છે. કેટલીયે જગ્યાએ થોડા આનાના ગણોતની વસૂલાત માટે સેંકડો રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે અને એમ કરીને કિસાનોને તદ્દન નિરાધાર કરી નાખવામાં આવ્યા છે. ગામડાના લોકોને નિર્દય રીતે માર મારવામાં આવ્યો છે. આટઆટલું છતાં વિરોધ તો વધુ ને વધુ પ્રબળ થતો જાચ છે. સંખ્યાબંધ માણસો પોતાનાં ઘરબાર છોડીને ઝાડ નીચે પડ્યાં રહે છે, અને સરઘસો કાઢવાનું અને સભાઓ ભરવાનું કામ કર્યા કરે છે. આવા સ્વયંસેવકોના દંડ માટે પોલીસ તેમનાં સગાંઓની મિલકત જપ્ત કરે છે. સ્ત્રીઓને લૉરીઓમાં ભરીને કેટલાયે માઈલ દૂર નિર્જન જગ્યાએ લઈ જઈ ત્યાં છોડી મૂકવામાં આવે છે. સ્વયંસેવકોને મારી મારીને અધમૂઆ કરી નાખી તેમનાં કપડાં કાઢી લઈ રસ્તા ઉપર ફેંકી દેવામાં આવે છે. બે માણસોને તો એક ઘોડાગાડીની પાછળ બાંધીને કેટલેય દૂર સુધી
- નિર્દય રીતે ઘસડવામાં આવ્યા અને પછી તેમણે પીવાનું પાણી માગ્યું ત્યારે તેમને ફટકા મારવામાં આવ્યા. માણસો બેભાન થઈ જાય ત્યાર પછી પણ તેમને મારવામાં આવે છે. આવા અત્યાચારનો ભાગ થઈ પડેલા માણસોને સારવાર માટે દાખલ કરતી ઇસ્પિતાલો બંધ કરવામાં આવે છે અને તેમાંના દરદીઓને હાંકી કાઢવામાં આવે છે. કેટલીયે કેળવણીની સંસ્થાઓ ગેરકાયદે જાહેર કરવામાં આવી છે. નાના છોકરાઓને પણ ફટકા મારવામાં આવ્યા છે. કેટલાક માણસોને તો તેમના પોતાના ઘરમાં જ પૂરી રાખવામાં આવે છે. એક એંશી વર્ષની વૃદ્ધ બાઈને જેલની સજા કરવામાં આવી છે. અલ્લાહાબાદની સ્વદેશી લીગની મિલકત જબરજસ્તીથી લઈ જવામાં આવી. ગાંધીજી અને સરદાર પટેલને બતાવતી ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચરખા સંઘનાં ઘણાં કાર્યાલયો અને ખાદી ભંડારો ઉપર જપ્તી મૂકવામાં આવી છે. એક ખાદી ભંડારનો વ્યવસ્થાપક રાષ્ટ્રીય વાવટા વેચતો હતો તેટલા માટે તેને પકડવામાં આવ્યો. એક બાર વર્ષના છોકરા પાસે જામીન માગવામાં આવ્યા, અને તે ન આપવામાં આવ્યા એટલે એક વર્ષની સજા કરવામાં આવી. એક મજૂર મહાજનના પ્રમુખને એના ઘરમાં જઈને લાઠીઓ મારી. કૉંગ્રેસ હડતાલમાં ભાગ લેવા માટે એક વિદ્યાર્થીને કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો. તેના તરફ સહાનુભૂતિ બતાવવા માટે કલકત્તાની બેથ્યુન કૉલેજની સાઠ વિદ્યાર્થિનીઓ એક દિવસ કૉલેજમાં ગેરહાજર રહી, તે માટે તેમને પણ કૉલેજમાંથી બરતરફ કરવામાં આવી. અલ્લાહાબાદમાં નિશાળોના હેડમાસ્તર ઉપર ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે એવા હુકમ કાઢ્યા છે કે છોકરાઓને કૉંગ્રેસની સભાઓ તથા સરઘસમાં ભાગ લેતા રોકવા માટે તેમના ઉપર જાસૂસી કરવી. આ બધું છતાં ચળવળમાં જોડાનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જ જાય છે. થોડા વખત પછી શાળાઓ અને કૉલેજોમાં લાંબી રજા પડશે ત્યારે એ લોકો મોટી સંખ્યામાં ચળવળમાં જોડાશે. કાનપુર, અલાહાબાદ અને કલકત્તામાં ત્યાંના વેપારીઓ ઉપર મૅજિસ્ટ્રેટે એવા હુકમ કાઢ્યા છે કે કૉંગ્રેસની હડતાલના દિવસોએ તેમણે પોતાની દુકાનો બંધ રાખવી નહીં. આ હુકમોની અવજ્ઞા થઈ અને પહેલાં કરતાં હડતાલ ઊલટી વધારે સખત થઈ. બધા જ દુકાનદારોએ સંપ કરીને સંયુક્ત પગલું લીધું તેની સામે મૅજિસ્ટ્રેટો પણ લાચાર બન્યા. એવા સમાચાર બહાર આવ્યા છે કે જેલમાં કૉંગ્રેસવાળાઓ પ્રત્યે ગુનેગાર કેદીઓના જેવું વર્તન ચલાવવામાં આવે છે. માણસની ખાનગી મિલકત તેમ જ જાહેર સંસ્થાઓની મિલકત જપ્ત કર્યાના કેટલાય દાખલા બન્યા છે. કૉંગ્રેસના કામ માટે તેનો ઉપયોગ થતો હોવાનો કેવળ વહેમ હોવાથી એ મિલકતનો કશો જ ઉપયોગ ન કરવાના હુકમો કાઢવામાં આવ્યા છે.
- “અત્યારે ચાલી રહેલા જુલમોનો પૂરો ખ્યાલ આપો અશક્ય છે. પણ જેલ જનારાઓની સંખ્યા વધતી જ જાય છે. જે રાષ્ટ્રીય કાર્ચકર્તાઓથી ઊભરાઈ જવા માંડી છે. ચળવળના જે થોડા સમાચારો છાપાંમાં આવે છે તે ઉપરથી પણ જણાય છે કે લોકો દબાઈ જવાને બદલે, તેમના ઉપર જેમ જેમ વધારે સખતાઈ અને વધારે જુલમ કરવામાં આવે છે તેમ તેમ તે વધારે અક્કડ થતા જાય છે. તેમના વિરોધનો જુસ્સો એટલો વધે છે કે તેઓ વધારે ને વધારે
- સંખ્યામાં ચળવળમાં જોડાતા જાય છે. આખો દેશ તીવ્ર અસંતોષથી ખળભળી ઊઠ્યો છે. જેઓ કૉંગ્રેસમાં નથી એવા પણ અને જેઓએ કોઈ દિવસ પણ રાજકારણ સાથે કશી નિસ્બત રાખી નથી એવા પણ આ ચળવળ સાથે સહાનુભૂતિ ધરાવતા અને બની શકે ત્યાં એને મદદ કરતા થઈ ગયા છે. વેપારધંધો તો પાયમાલ થઈ ગયો છે. સરકારની આબરૂ કશી રહી જ નથી. તેની નાણાં સંબંધી સ્થિતિ દેવાળિયા જેવી થઈ ગઈ છે. સરકારની વર્તમાન નીતિના આ પ્રયોગ ઉપરથી સાબિત થઈ ગયું છે કે પોતાના દેશને આઝાદ બનાવવાની લોકોની તમન્નાને દાબી દેવામાં એ તદ્દન નિષ્ફળ નીવડી છે. માત્ર માનવતા અને ન્યાયની ખાતર જ નહીં, પણ ઇગ્લંડ અને હિંદુસ્તાન વચ્ચે સારા વેપારી સંબંધ જળવાઈ રહે તેમાં રહેલા સ્વાર્થની ખાતર પણ પાર્લમેન્ટે આગ્રહ કરવો જોઈએ કે આ નીતિનો તત્કાળ ત્યાગ કરવામાં આવે અને આ નીતિથી હિંદુસ્તાનને જે નુકસાન થયું છે તે શક્ય તેટલું દૂર કરવા પ્રયત્ન કરવામાં આવે. સરકારે હવે હિંદુસ્તાનના શ્રદ્ધેય પ્રતિનિધિઓ સાથે વહેલામાં વહેલી તકે પૂર્ણ સ્વરાજ્ય અને સાચી સમાનતાના ધોરણે સમાધાન અને સહકારની નીતિ અખત્યાર કરવી જોઈએ.”