સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/યરવડા જેલમાં ગાંધીજીની સાથે

વિકિસ્રોતમાંથી
← ગાંધીજી અને સરદારની ગિરફ્તારી: સરકારનું દમનચક્ર સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
યરવડા જેલમાં ગાંધીજીની સાથે
નરહરિ પરીખ
ગાંધીજીના છૂટ્યા પછી યરવડા તથા નાશિક જેલમાં →


યરવડા જેલમાં ગાંધીજીની સાથે

સરદારને ગાંધીજી સાથે યરવડા જેલમાં રહેવાનું થયું એ એમના જીવનમાં એક ભારે મહત્વની ઘટના ગણાય. આમ તો તેઓ ગાંધીજીને વારંવાર મળતા, અને પોતાનાં તમામ કામો તેમની સલાહ સૂચના લઈને જ કરતા. પણ એવી રીતે મળતા રહેવું અને સલાહ સૂચનાઓ લેવી એ એક વાત છે, અને ચોવીસે કલાક સાથે રહેવું, ઊઠવું, બેસવું, જમવું, સૂવું એ જુદી વાત છે. તા. ૪–૧–’૩રથી ’૩૩ના મે સુધી એટલે પૂરા સોળ મહિના તેઓ ગાંધીજી સાથે યરવડા જેલમાં રહ્યા. ગાંધીજીના છૂટ્યા પછી ત્રણેક મહિના યરવડામાં રાખી તેમને નાશિક જેલમાં ખસેડવામાં આવ્યા. આ સોળ મહિનામાં તા. ૧૦–૩–’૩૨ના રોજ મહાદેવભાઈને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા ત્યાં સુધીના સવા બે મહિના તો ગાંધીજી અને સરદાર બે એકલા જ યરવડામાં હતા. ’૩૦માં સાબરમતી જેલના દરવાજામાં પેસતાં તેમણે બીડી કાયમની છોડી દીધી હતી. યરવડામાં ગાંધીજીની સાથે રહ્યા એટલો વખત તેમણે ચા છોડી દીધી. સરદારને બંને વેળા ભાત ખાવાની ટેવ હતી અને ચોખા ઊંચી જાતના હોય તે એમને બહુ ગમતું. જોકે બારડોલીમાં ત્યાં થતા કડા નામના જાડા ચોખાનો ભાત તો ઘણી વાર મોજથી ખાતા. પણ અહીં તો ખીલા ખાઈએ છીએ એમ એ ચોખાની મશ્કરી કર્યા વિના રહેતા નહીં. ગુવારસિંગનું શાક કર્યું હોય ત્યારે બળદને ગુવાર બાફીને ખવડાવે છે તે ઉપરથી, આ તો બળદનું ખાણું કર્યું છે એમ કહેતા. ગાંધીજીની સાથે શરૂઆતમાં ભાત ખાવાનું પણ છોડેલું.

એક વાર શ્રી શ્રીનિવાસ શાસ્ત્રીએ ગાંધીજીને લખેલું તમે જેલમાં એકલા એકલા રહ્યા છો એટલે ગમગીન બની ગયા છો. ત્યારે ગાંધીજીએ જવાબમાં લખેલું કે હું ગમે તેટલો એકલો રહું તોપણ ગમગીન બનું એવો નથી, અને અહીં તો એકલો ક્યાં છું ? મારી સાથે સરદાર વલ્લભભાઈ છે. એ એમની મશ્કરીઓના સપાટાથી દિવસમાં કેટલીયે વાર મને પેટ પકડીને હસાવે છે. મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં સરદારના ઘણા પ્રસંગો નોંધેલા છે. તેમાંથી તેમની વિનોદી વૃત્તિ ઉપરાંત તેમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ આપણને જોવા મળે છે. આથી તેમાંના કેટલાક પ્રસંગો અહી આપ્યા છે.

તા. ૧૧–૩–’૩ર : મહાદેવભાઈને ચા પીવાની ટેવ હતી એટલે એમણે તો બીજે દિવસે સવારે ચા પીવાની હા કહેલી. પણ સરદારને ચા પીતાં ન જોયા એટલે તેમણે પૂછ્યું: “કેમ તમે ચા પીવાની બંધ કરી છે ?” સરદારે જે જવાબ આપ્યો તે એમના સ્વભાવનો દ્યોતક છે. “અહીં બાપુની સાથે આવીને હવે શું ચા પીવી ? આપણે તો એ જે ખાય તે ખાવું એમ ઠરાવી દીધું છે. ચોખા છોડ્યા છે, શાક બાફેલું ખાવાનું રાખ્યું છે અને બે વખત દૂધ રોટી લઉં છું. બાપુ પણ રોટી ખાય છે.” સરદારનો આ નિશ્ચય સાંભળી મહાદેવભાઈએ પણ ચા લેવાનું બંધ કર્યું.
મહાદેવભાઈ લખે છે : “બાપુને માટે સોડા બનાવવો, ખજૂર સાફ કરવું, દાતણ કરવું એ બધું વલ્લભભાઈએ પોતે જ માથે લઈ લીધું છે. હસતાં હસતાં કહે, “મને ક્યાં ખબર હતી કે અહીં સાથે રાખવાના છે ? ખબર હોત તો કાકાને *[૧] પૂછી લેત કે બાપુનું શું શું કામ કરવાનું હોય છે. આ તો બાપુ કશું કહે નહીં એટલે ખબર ન પડે. કપડાં ધોવાનું તો બાપુએ રહેવા જ દીધું નથી. નાહવાની ઓરડીમાંથી ધોઈને જ નીકળે પછી કરવું શું ? ”
મહાદેવભાઈ લખે છે: “જે પ્રેમથી બાપુને માટે એ ફળ સમારે છે અને દાતણ કૂટવાનું ભૂલી ગયા હોય તો યાદ આવતાં દાતણ લેવા દોડે છે એ બધું એમની અપાર ભક્તિ સૂચવે છે અને એ ભક્તિ શીખવાને માટે પણ એમના પગ આગળ બેસવાને પ્રેરે છે.”
તા. ૧૩–૩–’૩૨ : જમી રહ્યા પછી વલ્લભભાઈ હંમેશની જેમ દાતણ કૂટીને તૈયાર કરવા બેઠા. પછી કહે: “ગણ્યાગાંઠયા દાંત રહ્યા છે. તોપણ બાપુ ઘસ ઘસ કરે છે. પોલું હોય તો ઠીક પણ સાંબેલું વગાડ વગાડ કરે છે.”
મેં વિનોદ ફેરવીને કહ્યું, “’૩૦માં આપણું સાંબેલું સાંબેલું પણ વગડ્યું સરસ.”

બાપુએ હકારદર્શી સ્મિત કર્યું. વલ્લભભાઈ કહે, “આ વખતે પણ એમ જ છે. પણ શું કરીએ ? (બ્રિટિશ સરકારનો) કારવાં આગળ ચાલ્યો જાય છે !”



બાપુ બધી વસ્તુમાં સોડા નાખવાનું કહે છે. એટલે વલ્લભભાઈને એ એક મોટા મજાકનો વિષય થઈ પડ્યો છે. કંઈક અડચણ આવે એટલે કહે, “સોડા નાખોને !”
તા. ૧૬–૩–’૩ર : મેં કહ્યું : “ભીડે શાસ્ત્રી ગીતાની સમતાનો એવો અર્થ કરે છે કે આપણે દુષ્ટને મારીએ અને સદાચારીને પૂજીએ એ સમત્વ છે, કારણ દુષ્ટને મારવામાં દયા અને ન્યાયબુદ્ધિ છે. આપણી વૃત્તિ કેવી છે એના ઉપર આધાર છે.”
બાપુ કહે : “સ્ટોક્સ પણ એમ માને છે એ તમે જાણો છો ને ? પણ હું કહું છું કે એવી રીતે દયાથી મારી જ ન શકાય.”
વલ્લભભાઈ હસતાં હસતાં કહે, “વાછડાને દયાથી મરાય તો દુષ્ટને કેમ નહીં?”
બાપુએ એ વાત તો હસી કાઢી. પણ વલ્લભભાઈએ જ્યારે સવાલ ઉઠાવ્યો કે, “કોઈની મરવાની ઇચ્છા તે હોતી હશે ?” ત્યારે બાપુએ કહ્યું, “જરૂર હોય. આપઘાત કરનારાઓ ઇચ્છા વિના આપઘાત કરતા હશે ?”



બ્રિટિશ મુત્સદ્દીઓની વાત નીકળી. વલ્લભભાઈ કહે, “સઘળા ચોરો છે. નહીં તો હોર આવી રીતે પાર્લમેન્ટમાં બોલી શકે ?”
બાપુ કહે, “ ચોર નથી. વિલાયતમાં મેં જોયું કે ચોર હોવાની જરૂર નથી. મરે જેવા અને લોવે ડિકિન્સન જેવા પ્રામાણિકપણે દલીલ કરતા હતા કે તમારાથી શું રાજ ચલાવાય ? એવી રીતે બીજા પણ પ્રામાણિકપણે માને. આપણી પાસે સત્તા હોય તો આપણે કેવી રીતે વર્તીએ ?”
વલ્લભભાઈ કહે, “આપણે પણ એમ વર્તીએ. પણ તેથી આપણે દુષ્ટ કહેવાતા મટીએ ?”
બાપુ કહે: “નહીં, પણ આપણને તે વેળા કઈ દુષ્ટ કહે તો આપણને તે ખરાબ લાગે એમાં તો કાંઈ શંકા નથી. એટલે આ લોકોને દુષ્ટ માનવાની જરૂર નથી.”
તા. ૨૪–૭–’૩૨: એક પુસ્તકની વિષયસૂચિ જોતાં બાપુ કહે, “બ્રિટિશ બાઇબલ એ શું હશે ?”
વલ્લભભાઈએ પૂછયું, “બ્રિટિશ બાઇબલ એટલે?”
બાપુ કહે: “એટલે બ્રિટિશ લોકોને મન બાઇબલ એ શું ?”
એટલે તરત જ વલ્લભભાઈએ જવાબ આપ્યો, “પાઉન્ડ, શિલિંગ અને પેન્સ.” પુસ્તકમાં ખરેખર પાઉન્ડ, શિલિંગ અને પેન્સ એ બ્રિટિશ બાઇબલ, એમ જ લખેલું હતું. વલ્લભભાઈ કહે, “જુઓ, આવું એવું મને આવડે છે ને ?”



અહીં છાપું વાંચવાનો વલ્લભભાઈનો ઈજારો. વાંચતાં એમના ઘણા ઉચ્ચારોમાં ભૂલો હોય. એની એમને જરાયે પરવા નહી. ખાસ કરીને મદ્રાસ તરફનાં નામોના
ઉચ્ચાર તો એમને કેમે કરીને મોંએ ચડે જ નહીં. આરોગ્યસ્વામી મુદ્દલિયારની અંગ્રેજી જોડણી પ્રમાણે તેઓ ‘આરાકિયા’ બોલે અને મને હસવું આવે. એટલે પછી ચિડાઈને કહે, “તને હસવું આવે છે પણ આમાં તો જે લખાણું તે વંચાણું.”
બાપુ કહે, “પણ વલ્લભભાઈ, તામિલમાં ‘ક’ અને ‘ગ’ વચ્ચે ફેર નથી.”
એટલે વલ્લભભાઈ કહે, “પણ અંગ્રેજીમાં તો ‘જી’ છે ને? તો શા સારુ નથી લખતા ?”
એક છાપામાં Gandhi's Constructive Vacuities (ગાંધીની રચનાત્મક ગફલતો) એવા શબ્દો આવતા હતા. મેં બાપુને પૂછ્યું, “રચનાત્મક ગફલત એ કેવી થતી હશે ?”
વલ્લભભાઈ કહે, “આજે તારી દાળ બળી ગઈ હતી ને, તેવી.”
બાપુ ખડખડાટ હસ્યા. નવો કૂકર આવેલો. વલભભાઈ સારી દાળ વિના ત્રણ મહિના થયાં રહેલા. એમની ભાષામાં ત્રણ મહિનાની ચરી ચાલતી હતી અને આજે સારી દાળની આશા રાખતા હતા. ત્યાં પહેલે જ દિવસે પાણી ઓછું અને દેવતા વધારે હોવાને લીધે દાળ બળી ગઈ હતી !
તા. ૬–૪–’૩ર : દિલ્હીમાં કૉંગ્રેસ ભરવા વિષે સરદાર સચિંત છે. સરદાર કહે છે : “નાહકના લોકોનાં મન ડહોળાવાનાં. એ થશે ત્યાં સુધી અનેક કરવાનાં કામ છોડી બેસવાના. ઢીલા માણસો તો કંઈક તર્કવિર્તક કરતા થઈ જવાના અને પ્રચાર કરવાના કે માલવીજી કોંગ્રેસ ભરે છે એટલે એમાં કંઈક હશે. કેટલાક નાહકના દિલ્હી જતાં સુધી બધી વાતો મુલતવી રાખવાના. આમાં હું લાભ નહીં પણ હાનિ જોઉં છું.”
બાપુ કહે : “હાનિ તો નથી જ. એ વિચાર સુંદર છે કે જે કૉંગ્રેસ ૪૭ વર્ષ થયાં અટકી જ નથી તેને ન અટકાવવા દેવી જોઈએ, અને ભરવી જોઈએ. એ કલ્પનામાં જ કંઈક છે. બાકી એમાં થવાનું કશું જ નથી. એ ભરતાં થોડા પકડાય, માલવીજી પકડાય તો સરસ વસ્તુ છે.”
વલ્લભભાઈ : “પણ માલવીજી છે. એ તો ૨૪મી એપ્રિલ ફેરવીને એક મહિનો આગળ પણ ધપાવે ! બાકી એથી પકડાય તો સારું ખરું.”
તા. ૧૮–૪–’૩ર : બાપુએ ડાબે હાથે કાંતવાનો પ્રયોગ શરૂ કર્યો હતો. તે જોઈ વલ્લભભાઈ કહે: “આમાં કોઈ ફાયદો ન થાય. પાકી કાઠીએ કાના ન ચડે. આપણું જૂનું ચાલતું હતું તેમ ચાલવા દોની !”
બાપુ કહે, “કાલના કરતાં આજે પ્રગતિ સારી થઈ છે એની કોઈ ના પાડી શકે એમ નથી.”
વલ્લભભાઈ કહે, “એ તો આશ્રમમાં કોઈ જાણશે તો ડાબા હાથે કાંતવાનું શરૂ કરી દેશે, અને એ પંથ ચાલશે.”

બાપુ કહે, “એ તો જાણવાના જ. આ વખતે લખીશ.”

વલ્લભભાઈ જરા ગંભીર થઈને, “આના કરતાં તો બાળકોને જ બંને હાથે રેંટિયો ચલાવવાનું શીખવ્યું હોય તો સારું.”
બાપુ કહે : “સાચી વાત. જાપાનમાં તો બાળકોને બંને હાથ વાપરવાનું શીખવવામાં આવે છે જ.”

તા. ૨૩–૪–’૩૨ : અમારે ત્યાં છાપાં વાંચવાનું કામ વલ્લભભાઈનું. હું પીંજીને કાંતવાને માટે વરંડામાં આવું ત્યાં વલ્લભભાઈ છાપાંનું બીજું વાચન કરતા હોય. હું પૂછું, “ટૂંકમાં સમાચાર.” તો એમની પાસે જવાબ તૈયાર હોય : “મુસ્લિમ પરિષદમાં ખેડાના કલેક્ટર, સેમ્યુઅલ હોર ટેનિસ રમે છે.” તો બીજે દિવસે ખબર હોય “મિ. એસ. પરણ્યા. સરોજિનીદેવી પકડાયાં. માલવીજી મોટરમાં દિલ્હી જવા નીકળી પડ્યા છે.”
તા. ર૯–૪–’૩૨ : આજે બાપુ તારીખ ભૂલી ગયા. હું પણ ભૂલી ગયો અને મેં કહ્યું: “આજે અઠ્ઠાવીસમી.”
વલ્લભભાઈ કહે : “તમારા ગ્રહ કાલથી બદલાયા તે પણ ભૂલી જાઓ છો ? આજે તો ઓગણત્રીસમી થઈ.”
એટલે બાપુ કહે : “હા, જૂઓની હુંય કેવો મૂરખ ! અને ગ્રહ બદલાયા છે તેનો પુરાવો આપવા જાણે આજે હોરનો કાગળ આવ્યો છે.”
“બધા નાગા છે” એ વલ્લભભાઈનો ચુકાદો. “ધીમે ધીમે માનશે. પેલા કલકત્તાવાળા બેન્થૉલને પણ તમે સારો જ માનતા હતા. પછી કેવો નીકળ્યો ?”
બાપુ: “મને મારા અભિપ્રાય ફેરવવાનું જરૂરી લાગ્યું નથી. બેન્થૉલ વિષે જે હકીકત મળી હતી તે ખાટી હતી. હોરને વિષે જે અભિપ્રાય મેં આપ્યો તે સાચો જ ૫ડતો જાય છે. સૅંકીને વિષે બધાની વિરુદ્ધ થઈને મેં જે અભિપ્રાય આપ્યો છે, તે પણ સાચો જ પડી રહ્યો છે.”
મેં કહ્યું, “હોરને વિષે વલભભાઈ પણ કબૂલ કરે છે કે આ માણસ જે વિનય બતાવી રહ્યો છે તે મૅકડોનલ્ડ તો ન જ બતાવી શકે. વિલિંગ્ડને તો નથી જ બતાવ્યો.” બાપુ કહે: “કદાચ અર્વિન પણ ન બતાવે.”
મેં કહ્યું : “અર્વિને મગનલાલભાઈ ગુજરી ગયા ને જે કાગળ લખેલો તે તો ન જ ભુલાય.”
વલ્લભભાઈ કહે, “મહાદેવ, લડાઈ છોડી દે ને, તો બધા એવા કાગળો લખતા થઈ જાય. કેશ રાખે તો શીખો નાનકની ગાદી ઉપર સ્થાપે એમ !”
તા. ૧–૫–’૩ર : લૉડ સૅંકીનો ‘ન્યૂસ લેટર’ છાપામાં લખાયેલો લેખ આખો આજે અહીંના છાપામાં જોયો. તેથી બાપુ બહુ દુઃખી થચા. એમાં પોતાને વિષેનો ભાગ વાંચીને બાપુ કહે, “અવળચંડો લેખ છે. એને કાગળ લખવો જોઈએ. મારો એને વિષેનો અભિપ્રાય સાચો પડે છે.”
કાગળ લખાવ્યો. વલ્લભભાઈ સાંભળતા હતા. પૂરો થયો એટલે કહે: “આટલું લખો છો એના કરતાં એને લખાને કે તું હાડોહાડ જૂઠો છે.”
બાપુ ખડખડાટ હસ્યા. તેમણે કહ્યું, “નહીં, એના કરતાં વધારે સખત મેં કહ્યું છે. હું તો કહું છું કે એનું વર્તન સજ્જનને ન છાજે એવું છે. તેથી આગળ વધીને કહું છું કે તું દ્રોહી છે. મિત્ર કે સાથીને તેં દગો દીધો. અંગ્રેજને આ વસ્તુ ભારે આકરી લાગે એવી છે. પણ એ મને લાગે છે એટલે મેં લખ્યું છે.”
તા. ૩–૫–’૩૨ : માલવીજી છૂટી ગયાના સમાચાર આવ્યા. વલ્લભભાઈએ કાલે અને આજે મળીને ચારપાંચ વખત મને અને બાપુને કહ્યું હશે, “ત્યારે
માલવીજી તો છૂટી ગયા.” આવી કઈ ખબર આવે છે ત્યારે તેની ઉપર વિચાર કરવાની વલ્લભભાઈની એ રીત છે. આજે આખો દિવસ એમણે આની ઉપર વિચાર ચલાવ્યા હશે. સૂતી વખતે પણ કહે, “ત્યારે માલવીજીને આઠ જ દિવસમાં છોડી દીધા.”
તા. ૬–૫–’૩ર : આજે બાપુએ મગન રેંટિયા ઉપર બેએક કલાક મહેનત કરી, અને આખરે ચોવીસ તાર કાઢ્યા ત્યારે એમને શાંતિ થઈ. વલ્લભભાઈ આખો દિવસ હસતા હતા અને કહેતા હતા, “જેટલું કાઢશો તેથી વધારે બગાડશો.”
બાપુ કહે, “એ તો મારા ડાબા હાથે કાંતવા વિષે હસનારા પણ તમે જ હતા ને? જુએ, આ તાર નીકળવા માંડ્યો. તમે આ તરફ નહીં જોશો ત્યાં સુધી તાર નીકળ્યાં જ કરશે.”
તા. ૮–૫–’૩ર : એક ચોપડીનાં પૂઠાં ઊખડી ગયેલાં હતાં. બાપુ વલ્લભભાઈને કહે: “ કેમ, આ તમને સોંપી દઉં ના ? તમે બુક બાઈન્ડરનું કામ કદી કર્યું છે ? ન કર્યું હોય તો હું શીખવીશ.” પછી આજે સવારે આંટા મારતાં કહે : “તમને વલ્લભભાઈ, નાનાં નાનાં કામો કરવાનો શોખ નાનપણથી કે અહીં કેળવ્યો ? એટલે કે તમે કારીગર હતા જ કે અહીં થયા ?”
વલ્લભભાઈ કહે : “એવું કાંઈ નહીં પણ જોઈએ એટલે સુઝે.”
બાપુ કહે, “એ વસ્તુ જ જન્મસહજ છે. દાસબાબુ સોયમાં દોરો પણ ન પરોવી શકે એવા હતા. મોતીલાલજી અનેક વસ્તુ કરી લે.”
મેં કહ્યું, “મોતીલાલજીએ પાણી જંતુરહિત કરવાનો સંચો પોતે જ ઘરમાં બનાવ્યો હતો. અને એ બધાં માંદાને જંતુરહિત પાણી જ પાતા.”
આજે વલ્લભભાઈએ ચોપડી સુંદર સીવી, અને એની પાછળ પટ્ટી પણ લગાડી. તે ઉપરાંત બદામ પીલવાનો સંચો આવ્યો હતો તેના ઉપર બદામ પીલી.
તા. ૧૦–૫–’૩ર : કાલે મગન ચરખો ચલાવતાં તેની ઉપર જમણો હાથ બેઠો એટલે બાપુ ઉત્સાહમાં આવ્યા. પણ આજે ચરખો કેમે ચાલે નહીં. વલ્લભભાઈને સવારનું કહી રાખ્યું હતું કે, “તમારા શાપ નહીં લાગે તો ચાલશે.” નવ-દસ વાગ્યા સુધી ચલાવ્યું પણ પૂણી બગડવા ઉપરાંત કશું પરિણામ ન આવ્યું. વલ્લભભાઈ કહે: “એક કોકડું ઉતારીને બીજું ભર્યું કે શું ?”
બપોરે પણ એ જ પ્રકાર, રેંટિયાનાં જોતર ટાઈટ કર્યાં, તેલ પૂર્યું, બધાં વાનાં કર્યાં, મેં પણ ઘડીક વાર માથું માર્યું પણ ચાલે જ નહીં. વલ્લભભાઈ ઊંઘીને ઊઠ્યા એટલે કહે: “ખૂબ કાંત્યું હવે બંધ કરો.”
બાપુ કહે: “કાંતીશું કાંતીશું. અમારો કારવાં અટકી પડવાનો નથી. આખરે સેમ્યુઅલ હોરની સાથે બેસનારે હું રહ્યો ના !”
વલ્લભભાઈ : “નીચે બહુ કાંતેલું પડ્યું દેખાય છે.”
સાંજે તો વલ્લભભાઈની પણ મશ્કરી ચલાવવાની વૃત્તિ નહોતી રહી. બાપુએ ડાબે હાથે શરૂ કર્યું. લગભગ પાંચ કલાક મહેનત કરી હશે. બાપુ સાંજે તદ્દન થાકેલા હતા. લોથપોથ થઈને આઠ વાગ્યા પહેલાં પગ ચોળાવતાં ઊંઘવા લાગ્યા અને ઊઠીને તરત સૂઈ ગયા. જતાં જતાં વલ્લભભાઈને કહે : “જો જો, કાલે રેંટિયો જરૂર ચાલવાનો છે, શ્રદ્ધા મોટી છે.”

વલ્લભભાઈ કહે: “આમાં પણ શ્રદ્ધા !”
બાપુ કહે : “હા હા, શ્રદ્ધા તો ખરી જ.”
તા. ૧૧–૫–’૩ર : બાપુ આજે રેંટિયા ઉપર વધારે સફળ થયા, ત્રણ કલાક કાંતીને ૧૩૧ તાર કાઢ્યા. વલ્લભભાઈને કહે : “જુઓ, આજે કેવું પરિણામ આવ્યું છે?”
વલ્લભભાઈ કહે : “હા, નીચે ઠીક સૂતરફેણી પડી છે.”
બાપુ : “પણ એ સૂતરફેણી બંધ થશે પછી તો કહેશો ને કે હવે થયું !”
તા. ૨૫–૫–’૩ર : વલ્લભભાઈને પાકીટો બનાવતા, અનેક વસ્તુઓ સંઘરતા અને બીજા અનેક કિસ્સાઓ કરતા જોઈને બાપુ કહે : “સ્વરાજમાં તમને શેનું દફતર આપીશું ?”
વલ્લભભાઈ કહે : “સ્વરાજમાં હું લઈશ ચીપિયો અને તૂમડી !”
બાપુ કહે : “દાસ અને મોતીલાલજી પોતાના હોદ્દા ગણતા, અને મહમદઅલી અને શૌકતઅલીએ પોતાને કેળવણી મંત્રી અને સરસેનાપતિ તરીકે ગણાવ્યા હતા. લાજમાં રહ્યા લાજમાં, કે સ્વરાજ્ય ન આવ્યું અને કશું ન થયું.”
તા. ૨૭–૫–’૩ર : કાલે બાપુને ઉર્દૂ કૉપી લખતા જોઈને સરદાર કહે : “એમાં જો જીવ રહી જશે તો ઉર્દૂ મુનશીનો અવતાર લેવો પડશે.” પછી કહે, “તમારું ચાલે તો પગે પણ કલમ ચલાવો.”
બાપુ કહે : “હાથ ખોટકી પડે તો તેવું કરવું પડે. તમને ખબર છે કે ઘૂમલી આગળ મૂળુ માણેક અને જોધો માણેક અંગ્રેજ સામે લડતાં લડતા પડ્યા ત્યારે તેમણે પગ વતી બંદુક ચલાવી હતી ? જો પગ વતી ગોળી ચાલી તો પગ વતી કલમ ન ચાલે ? અને રેંટિયો નહી ચાલી શકે ? હા, પગ વતી પૂણી ન ખેંચી શકાય એ દુઃખની વાત છે.”
તા. ર૯–૫–’૩ર : સરદારનું કેટલીક બાબતોનું અજ્ઞાન વિસ્મય પમાડે છે. મને પૂછે છે કે વિવેકાનંદ કોણ હતા ? અને ક્યાંના હતા ? એ બંગાળી હતા એમ જાણ્યું ત્યારે આજે જરા વિશેષ સ્પષ્ટીકરણ કર્યું કે, “રામકૃષ્ણ અને એ બંને બંગાળમાં જન્મેલા ?” ‘લીડર’ માં એક નોંધમાં સુભાષનો કાગળ આવ્યો હતો. તેમાં એણે પોતાના આદર્શ પુરુષ તરીકે વિવેકાનંદને વર્ણવ્યા હતા એટલે સરદારે આટલું કુતૂહલ જણાવ્યું હશે. હવે તો રોમે રોલાંના રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ બંને પુસ્તક વાંચી જવાના.
‘સંઘર્યો સાપ પણ કામનો’ એ કહેવત શી રીતે ઉત્પન્ન થઈ ? બાપુએ એક વાત કરી કે એક ડોસીને ત્યાં સાપ નીકળ્યો. તેને મારવામાં આવ્યો. તેને નાખી દેવાને બદલે છાપરે મૂક્યો. એક ઊડતી સમળી જે ક્યાંકથી માતીનો હાર લાવી હતી, તેણે તે જોયો, તેને હારના કરતાં સાપ કીમતી લાગ્યો. એટલે હાર છાપરા ઉપર નાખ્યો અને સાપ ઉપાડી ગઈ. ડોસીને સાપ સંઘરતાં હાર મળ્યો.
સરદારે કહેવતનું મૂળ આ પ્રમાણે બતાવ્યું : “એક વાણિયાને ત્યાં સાપ નીકળ્યો. તેને મારનાર કોઈ મળે નહી, અને પોતાની હિંમત ચાલે નહીં એટલે

તપેલા તળે ઢાંક્યો. રાત્રે આવ્યા ચોર. તેઓ કુતૂહલથી તપેલું ઉઘાડવા ગયા, ત્યાં સાપ કરડ્યો અને ચોરી કરવાને બદલે પંચત્વ પામ્યા.”

અમે ઠરાવ કર્યો કે નરસિંહરાવને પૂછવું જોઈએ. ખાસ કરીને આ વખતના ‘વસંત’માં ‘એક કાંકરે બે પક્ષી મારવાં’ એ કહેવત ઉપર આટલાં બધાં પાનાં ભરાયાં છે તેથી પ્રેરાઈને આ વિચાર આવ્યો.

તા. ૩૦–૫–’૩ર : એક અમેરિકન બાઈએ કાગળ લખીને બાપુને પુછાવેલું : કોઈ સર હેન્રી લૉરેન્સે ૧૯૨૨માં જેલમાં બાપુની મુલાકાત લીધેલી તેનું વર્ણન એવું કરેલું કે, “હું ગાંધીને પૂનામાં મળેલો. આગળ એકાંત બગીચાવાળી ઓરડીમાં એમને રાખવામાં આવેલા. ગીબનનું ‘રોમન સામ્રાજ્યનો અસ્ત અને વિનાશ’ એ પુસ્તક તેઓ વાંચતા, અને કાંતતા.” આ વાત કેટલી સાચી છે ? આ વિષે બાપુએ એક કાગળ લખાવ્યો.

મેં કહ્યું: “આની છાપ તો એવી પડે કે એ માણસની સત્યતા ઉપર આપ શંકા કરો છો.”

બાપુ કહેઃ “તો બદલો. કારણ આપણે એવી શંકા કરતા નથી.”

પછી વલ્લભભાઈ કહે : “એ માણસ ત્યાં પ્રચાર ચલાવી રહ્યો હશે. એ બાઈને લખો કે અહીં તો કાંઈ બગીચા નથી, કેદીઓ છે, વગેરે. અમુક સાલમાં હું અહીં હતો ત્યારે અમુક પુસ્તકો વાંચતો હતો અને કાંતતો હતો, અને સ્મૃતિ મંદ પડવાનો ડર તો સર હેન્રીને હોય. કારણ એની ઉંમર મારા કરતાં મોટી છે.”

મેં કહ્યું : “આવો જવાબ તો બર્નાર્ડ શૉ આપે.” એ જવાબમાં કુશળતાની છાપ ન પડવી જોઈએ એવો મારો હેતુ હતો. વલ્લભભાઈ તપી ગયા. બાપુએ બીજો કાગળ લખાવ્યો.

આજે ‘હિંદુ’માં રૉઈટરની વિમાની ટપાલમાંથી હતું, “એક અંગ્રેજ બાઈ લંડનના લોકોને સમજાવે છે કે ગાંધી હવે આથમતો સિતારો છે. લૉર્ડ વિલિંગ્ડનની નીતિ સાચી ઠરી છે. ગાંધીના અનુયાયીઓનો ભ્રમ ભાંગી ગયો છે. જેલોની મુલાકાત લીધી. બહારના દેશી લોકોના જીવનધોરણ કરતાં જેલમાંનું જીવનધોરણ બહુ ઊંચું છે, લેડી વિલિંગ્ડન અતિશય લોકપ્રિય છે, અને રાજાઓ પણ.” આ ખબર ‘ટાઇમ્સે’ નહોતા લીધા. બાપુ કહે: “‘ટાઈમ્સ’ ને છાપતાં શરમ આવી હશે.”

વલ્લભભાઈ : “શરમ તો શેની આવે ? એ આમાં ભળેલું હોય ને ?”

બાપુ કહે : “એ આમાં ભળેલું હોય છતાંયે આ એટલું ઉઘાડું છે કે અહીં એવું છાપતાં શરમ આવે. આ તો વિલિંગ્ડન સાહેબે ઊભી કરેલી કોઈ બાઈ છે.”

તા. ૩૧–૫–’૩૨ : આજની ટપાલમાં એક માણસે નાદાન અને બાલિશ પ્રશ્ન પૂછેલો: “આપણું ત્રણ મણનું શરીર લઈને આપણે ધરતી ઉપર ચાલીએ અને અનેક કીડીઓ ચગદાઈ જાય એ હિંસા શી રીતે અટકાવવી ?”

વલ્લભભાઈએ તરત કહ્યું : “એને લખોને કે પગ માથા ઉપર મૂકીને ચાલે.”

તા. પ-૬-’૩ર : બાપુને જોવા આવેલો ડૉક્ટર કહે : “લૉર્ડ રેડિંગનો અંદાજ છે કે આપણે રોજના સોળ લાખ રૂપિયા ભિખારીઓને ખવડાવવામાં અને દાન આપવામાં ખર્ચીએ છીએ. એનો બીજો ઉપયોગ ન થાય ?”

વલ્લભભાઈ : “હા, પણ એના કરતાંયે વધારે ડાકુઓ ઉપર ખર્ચીએ છીએ.”

ડૉક્ટર કહે : “હું સમજ્યો નહીં.”

વલ્લભભાઈ કહે : “અરે શું મારા સાહેબ, વિલાયતથી આ બધા ધાડપાડુઓ જ આવેલા છે ને ? એ કાંઈ ડાકુ કરતાં સારા કહેવાય ?”

તા. ૧૧-૬-’૩૨ : બાપુને હાથનો દુખાવો વધતો જતો હતો તોય કાંતવાનું છોડતા નહોતા. વલ્લભભાઈ : “આ અંગૂઠા ઉપરથી કોણી સુધી પહોંચ્યું. એ કોણી ઉપરથી કાંધે ચડશે. હવે રહેવા દો ને, બહુ કાત્ચું.”

બાપુ: “કોક દિવસ તો કોકની કાંધે ચડવું પડશે જ ના ?”

વલ્લભભાઈ : “ના રે, એમ ન થાય. દેશને અધવચ મૂકીને ન જવાય. એક વાર વહાણ કિનારે લાવો, પછી જ્યાં જવું હોય ત્યાં જજો. હું સાથે આવીશ.”

તા. ૧૪-૬-’૩ર : લીંબુ ઉનાળામાં મોંઘાં થયાં એટલે બાપુએ વલ્લભભાઈને સૂચવ્યું, “આપણે લીંબુને બદલે આમલી લઈએ. આમલીનાં ઝાડ તો જેલમાં ઘણાંય છે.”

વલ્લભભાઈએ એ વાતને હસી કાઢી : “આમલીના પાણીથી હાડકાં ભાગે, વા થાય.”

બાપુએ પૂછ્યું: “ ત્યારે જમનાલાલજી પીએ છે તે ?”

વલ્લભભાઈ : “જમનાલાલજીનાં હાડકાં સુધી આમલીને પેસવાનો માર્ગ નથી.”

બાપુ : “પણ એક વાર મેં ખૂબ આમલી ખાધી છે.”

વલ્લભભાઈ: “તે કાળે આપ પથ્થર પણ હજમ કરી શકતા. આજે એ શી રીતે બને ?”

વલ્લભભાઈ હવે પરબીડિયાં બનાવવામાં પ્રવીણ થતા જાય છે. દરરોજ કંઈક નવી યુક્તિ સુઝે છે, અને કાગળના ટુકડે ટુકડા ઉપર એમની નજર હોય છે. બાપુ કહે : “નકામા કાગળો ઉપર તમારું ચિત્ત એવું ચોંટેલું હોય છે, જેવું પેલી બિલાડીનું ઉંદર ઉપર ચોંટેલું હોય છે.”

તા. ૨૩-૬-’૩૨ : એક જાણીતી સ્ત્રી વિધવા હોઈ એક જાણીતા સજ્જનને પરણી હતી. મેં સહેજે પૂછયું: “એ સજ્જનના મરણ પછી એ પાછી પરણશે?”

વલ્લભભાઈ કહે: “હવે એ ઘોડો કોણ ઘેર બાંધે ? એને તે સૌ કોઈ ઓળખે છે. અને એની ઉંમર થઈ. હવે એ પરણવા ઇચ્છે પણ નહીંં.”

બાપુ: “એક ચોસઠ વર્ષની બાઈએ ફરીથી લગ્ન કરેલું મને યાદ છે. એ બાઈ કેવળ એક સાથી મેળવવાને ખાતર પરણેલી.”

મેં કહ્યું : “ગેટેએ ૭૩ વર્ષની ઉંમરે એક અઢાર વર્ષની છોકરી સાથે પરણવાની માગણી કરેલી. એનાં માબાપને આઘાત પહોંચ્યો અને ના પાડી.”

વલ્લભભાઈ : “ગેટે થયો એટલે આઘાત પહોંચ્યો. હું હોઉં તો એને ડામ દઉં, અને કહું કે તારી બુદ્ધિ નાઠી છે અને તે ડામ દીધે જ ઠેકાણે આવશે.”

તા. ૨૪-૬-’૩૨ : મેજરને બાપુએ પૂછ્યુ: “કેદીની તબિયતની ખબર ન લખી શકાય એવો કાયદો છે શું ?”

મેજર કહે : “હા, તમારા જેવાને વિષે લોકો ગમે તે માનીને ચિંતા કરવા માંડે. તમને ઝાડા થયા છે એ ખબર બહાર પડે તો અહીં ઢગલો માણસો તપાસ કરવા આવે.”

વલ્લભભાઈ : “ઑર્ડિનન્સ કઢાવો કે ગાંધીની કોઈએ ખબર કઢાવવી નહીં.”

બાપુ કહે : “ખરા ખબર આપવાથી તો ઊલટી ખોટી ખબર ફેલાતી અટકે.”

મેજર : “ખરી ખબર અમે આપીએ છીએ. અને કોઈ માણસ માંદો હોય તો તાર કરીએ છીએ.”

જેલર : “પેલો છોકરો મરી ગયો તેને વિષે ટેલિફોન કર્યો હતો.”

બાપુ : “એટલે ગંભીર માંદગી થાય ત્યાં સુધી તમે રોકાઓ.”

વલ્લભભાઈ : “એ તો મરી જશે એવો ભય પેદા થાય ત્યારે જ ખબર અપાય એવું હશે.” મેજર ચિડાયો.

તા. ૩૦-૬-’૩૨ : આજે અલ્લાહાબાદની હાઈકોર્ટમાં એક રામચરણ નામના બ્રાહ્મણ જમીનદારને એક ધોબણનું ખૂન કરવા માટે પાંચ વર્ષની સજા થઈ એમ વાંચવામાં આવ્યું. હકીકત એવી બનેલી કે એ જમીનદારે ધોબણને કપડાં લઈ જવા કહ્યું. તેણે સામે જવાબ વાળ્યો કે હું સાંજે કપડાં લેવા આવીશ. એટલે પેલાએ એને ગડદાપાટુ માર્યાં. બીજી બાઈ મદદે આવી તેને તમાચો માર્યો. તેનો વર આવ્યો તેના હાથમાંથી લાકડી લઈ તેને મારી. છેવટે ત્રીજી એક પચાસ વર્ષની બાઈ આવી તેને લાતો મારી. તેની તલ્લી તૂટી અને તે તત્ક્ષણ મરી ગઈ. એટલે ભાઈસાહેબ ભાગ્યા. આજકાલ એવા કેદીઓને છોડવામાં આવે છે, અને આપણા માણસોને સારી પેઠે સજા થાય છે. એ ધ્યાનમાં લઈને બાપુ કહે: “એને પાંચ વર્ષની સજા છે. પણ એ પાંચ માસ પણ નહીં રહે. કહેશે કે હું વફાદારી સભા કાઢીશ; કિસાનોની પાસે પૈસા ભરાવીશ; સવિનયભંગની લડતને દાબી દેવામાં મદદ કરીશ; એટલે એને છોડી દેશે.”

એટલે વલ્લભભાઈ કહે: “એણે બચાવમાં એ નહીંં કહ્યું કે, આ બાઈ સ્વરાજની લડતમાં ભળેલી હતી. ખાદી સિવાય બીજાં કપડાં ધોવાને ના પાડતી હતી, અને મારી સામે આ ખોટો આરોપ ઊભો કર્યો છે !”

તા. ૬-૭-’૩૨ : આજે ‘હિંદુ’માં રંગાચારીનું એક નિવેદન આપ્યું. તેમાં ગોળમેજીમાં ગયેલા વિનીતોની સામે આકરી ટીકા હતી. પૅટ્રોએ પણ લખ્યું હતું કે ગાંધીની સાથે સહકાર કર્યા વિના કોઈ પણ રીતે નવું બંધારણ ન થઈ શકે. મેં બાપુને પૂછ્યું: “આ રંગાચારી અને પૅટ્રો આજે કેમ એકાએક જાગ્યા?”

બાપુ કહે : “રંગાચારી તો એ જાતનો છે જ. બહાદુર માણસ તો છે જ. બાકી રંગાચારી અને પૅટ્રો બંનેને કાંઈક નિરાશા થયેલી હશે એટલે આટલું બોલી ઊઠ્યા છે.”

વલ્લભભાઈ : “ગમે તેમ હોય, મૅકડોનલ્ડ બધું ગળી જશે અને લવાદી ચુકાદો પણ આપણી વિરુદ્ધ જ આવવાનો છે.”

બાપુ: “હજી મને મૅકડોનલ્ડની આશા છે કે એ વિરોધ કરશે.”

વલ્લભભાઈ : “અરે, શેનો ? એ બધા સાવ નાગા માણસો છે.”

બાપુ: “તોયે આ માણસને પોતાના સિદ્ધાંતો છે.”

વલ્લભભાઈ : “સિદ્ધાંતો હોય તો આમ ટોરીઓને વેચાઈ જાય ? દેશની ઉપરથી કાબૂ છોડવો જ નથી.”

બાપુ: “એ તો નથી જ. પણ એમાં એનો સ્વાર્થ નથી. કાબૂ તો કોઈને નથી છોડવો, માત્ર લાસ્કી, હોરેબીન, બ્રોકવે જેવા થોડા માણસો સિવાય. બેન, લીઝ, સ્મિથ વગેરે બધા મૅકડોનલ્ડના જેવા જ. હું તો એટલું જ કહું છું કે પોતાના દેશનું હિત જોઈને આ માણસ ટોરીઓમાં ભળ્યો.”

તા. ૯-૭-’૩ર : વલ્લભભાઈ કહે: “ઇંગ્લંડમાં હિંદુસ્તાન સામે આખી પ્રજા જેવી રીતે એક થઈને ઊભી છે તેવું અગાઉ કોઈ વાર નહોતું.”

બાપુ : “ત્યાં હંમેશાં હિંદુસ્તાનની સામે ઐક્ય છે. કારણ હિંદુસ્તાન છોડવું એટલે ભિખારી થવા બરોબર છે. હિંદુસ્તાનને પકડી રાખવામાં વધારેમાં વધારે સ્વાર્થ રહેલો છે.”

તા. ૧૦-૭-’૩૨ : આજની ટપાલમાં ઘણા કાગળો થયા, અને ઠીક લાંબા છે. વલ્લભભાઈ કહે : “ઠીક છે, જેટલા વધારે થાય તેટલા સારા. ભાષાંતર કરી કરીને થાકી જશે એટલે કહેશે જવા દો. આ કાગળોમાં શું છે ?”

તા. ૧૨-૭-’૩૨ : ગોળમેજીમાં આવેલી દરખાસ્ત જોઈ બાપુ કહે: “લિબરલોમાં જરાયે સ્વમાનની ભાવના રહી નથી એમ સેમ્યુઅલ હોરે માન્યું હોય તો જ આવી દરખાસ્તો કરે. ખરી રીતે તો ગોળમેજીમાં પણ મસલત જેવું કાંઈ હતું નહીં. સરકારી સભ્યો જ પોતાનું ધાર્યું કરતા હતા એમ મેં જોયું. છતાં એમના મનને કંઈક સંતોષી શકે એવી એ યોજના હતી. આ યોજનામાં તો એવું મનને સમજાવવાનું પણ કશું નથી. એટલે એ લોકો એનો અસ્વીકાર કરે નહીં તો શું કરે ?”

વલ્લભભાઈએ પૂછ્યું: “હવે લિબરલો શું કરશે ?”

બાપુ કહે: “એમની મુશ્કેલ સ્થિતિ છે. કૉંગ્રેસ સાથે જોડાઈ શકે નહીં, અને આ વલણ ક્યાં સુધી ચાલુ રાખી શકશે ?”

વલ્લભભાઈ : “તમે એમને ઓળખો એટલે પૂછું છું.”

બાપુ : “ઓળખું છું, એટલે એમની મુશ્કેલી જણાવું છું.”

તા. ૧૩-૭-’૩૨ : હવે સરકારને ત્યાં કામના કાગળો રહે છે, અને નકામાં અહીં મોકલાય છે. મેં કહ્યું : “ ઓઆ ચીડવવાને માટે જ ને ? ઓ”

બાપુ કહે : “વલ્લભભાઈનો ઉદાર અર્થ કરવો એ સારું.”

વલ્લભભાઈએ એ અર્થ કરેલો કે કોઈ કારકુનને કામ સોંપ્યું હશે તે જે કાગળો તદ્દન નિર્દોષ લાગે તે પહેલા મોકલી દે અને બાકીના ઉપરી અધિકારીને જોવાને માટે રાખે.

મેં કહ્યું : “વલ્લભભાઈ ભાગ્યે જ સરકારનાં કૃત્યોનો આવો ઉદાર અર્થ કરે છે.”

બાપુ : “હમણાં સંસ્કૃતનો અભ્યાસ કરવા માંડ્યો છે ને !”

તા. ૧૪-૭-’૩ર : પેલી નકામી ટપાલમાં પંજાબના એક… ખાનનો કાગળ હતો કે તમે રાજકારણમાં ન સમજો. એ આગાખાન અને શાસ્ત્રી સપ્રુને જેવાને સોંપો. તમે હિમાલય જાઓ. તેને બાપુએ પોતાને હાથે લખ્યું : “જેલની એકાંતમાં બહુ ઊંડું ચિંતન કરતાં પણ મારા વિચારોમાં કશો ફરક પડ્યો નથી.”

વલ્લભભાઈ : “આ ગાળો દેનારને તમે શા સારુ હાથે કાગળ લખ્યો ?”

બાપુ: “એને હાથે લખવો જોઈએ.”

વલ્લંભભાઈ : “ગાળો દેનાર એટલે, કેમ ? આમ જ ઘણા લોકો ફાટી ગચા છે.”

બાપુ: “મને નથી લાગતું, આપણને એમાં કશું નુકસાન થયું હોય.”

તા. ૧૫-૭-’૩૨: આજે હોરનું બીજું ભાષણ પહેલાની પૂર્તિ માં અને લિબરલોના જવાબમાં થયેલું છાપામાં આવ્યું. વલ્લભભાઈએ પૂછ્યું: “કેમ લાગે છે?” મૉડરેટોની ખુશામત તો કરી છે.”

બાપુ કહે : “ના, એમાં કાંઈ નથી. એ ભાષણમાં ચાલાકી સિવાય કશું જ નથી, અને મને બહુ નિરાશા થાય છે. હું એને પ્રામાણિક માનતો હતો. આ ભાષણમાં એ પ્રામાણિક મટી ચાલાક બન્યો છે.”

વલ્લભભાઈ : “કાગળ લખો ને.”

બાપુ : “કાગળ લખવાનું ઘણી વાર મન થયું છે.”

તા. ૨૦-૭-’૩ર : વલ્લભભાઈનું સંસ્કૃત સરસ ચાલી રહ્યું છે. એમની સરળતાનો કાંઈ પાર નથી. મને પૂછે, “મહાદેવ, આ વિભક્તિ શું ? અને नृपः કહેવાય તો राजः કેમ નહીં, અને विद्वानः કેમ નહી ?” પણ આજે જ્યારે બ્રહ્મચર્ય ઉપરના મહાભારતના શ્લોકો આવ્યા ત્યારે ઘડીક વાર એ પણ સ્તબ્ધ થઈ ગયા. મેં બાપુને કહ્યું: “સંસ્કૃત ભાષાનું સંગીત બીજી કોઈ ભાષામાં નહીં હોય અને એમાં બ્રહ્મચર્ય વિષે જે લખાયું છે તે પણ બીજા એકે સાહિત્યમાં નહી હોય.”

બાપુ: “સંગીત વિશે તો કંઈ ન કહેવાય. ગ્રીકલૅટિનમાં હશે. પણ બ્રહ્મચર્ય વિષે અને સત્યને વિષે તો ભાગ્યે જ બીજા કોઈ સાહિત્યમાં સંસ્કૃતની બરોબરી કરી શકે એવું હશે.”

૨૩-૭-’૩૨ : રાત્રે સૂતી વખતે બાપુ કહે: “વલ્લભભાઈ, આ ગુજરાતી કાગળોને વિષે આપણે કડવો ઘૂંટડો પી રહ્યા છીએ એ ખબર છે ના ?”

વલ્લભભાઈ : “શી રીતે ?”

બાપુ: “અંગ્રેજી કાગળો તો તરત મોકલી શકાય પણ ગુજરાતીની તો મુશ્કેલી રહેશે એમ લખે છે. એટલે એ લોકોમાં આપણા માણસોનો અવિશ્વાસ છે એ મને ભારે અપમાનભર્યું લાગે છે. આપણા ગુજરાતી કાગળનું તો ભાષાંતર થાય અને એ લોકો પાસ કરે ત્યારે જ જઈ શકે. એટલે એ લોકોમાં કોઈ ગુજરાતી જાણનાર એવો ન મળે કે જેનો એમને વિશ્વાસ હોય ! એ ભયંકર વસ્તુ છે. એ બાબતમાં લડાઈ કરવી જોઈએ. લડાઈ એ કે આપણે એને કહેવું કે એ શરતે અમે કાગળો નહીં લખીએ.”

વલ્લભભાઈ : “એ લોકો તે ‘………’ કહેશે કે ભલે ન લખે, એમાં આપણે શું ?”

બાપુ કહે: “તેનું કાંઈ નહીં.”

તા. ૨૪-૭–’૩૨ : સવારે ગઈ રાત્રે ચર્ચેલું પ્રકરણ પાછું ચાલતાં ચાલતાં ઉપાડ્યું. વલ્લભભાઈનો અભિપ્રાય પૂછ્યો. વલ્લભભાઈ કહે : “આમ કાગળો લખ્યાં કરવા પડે તેના કરતાં બંધ કરી દેવું એ સારું. એ લોકોને તો કોઈને એની અસર નથી જ થવાની.”

બાપુ: “અસર નથી થવાની એની પરવા નથી. જોકે અસર છેવટે થયા વિના નહીં રહે… આ સુપરિન્ટેન્ડેન્ટ અને જેલર ઉપરના અવિશ્વાસને વિષે પણ મને ચીડ ચડે છે. પણ એ લોકોમાં જ દૈવત નથી ત્યાં આપણે શું કરીએ ?”

વલ્લભભાઈને કહે : “તમે સંસ્કૃતમાં શ્રેય અને પ્રેય વિશે શીખશો. આ સવાલમાં પ્રેય બતાવે છે કે આપણે કાગળ લખ્યાં કરવા, શ્રેય કહે છે કે તેનો ત્યાગ કરીએ.”

તા. ૨૫-૭-’૩૨ : વલ્લભભાઈના તળપદા વિનોદ કોક વાર તીર વેગે ચાલે છે. મેજર મહેતા બિચારા પૂછે ઓટાવામાં શું થશે ? એટલે વલ્લભભાઈ કહે: “નાહકના ઓટાવા સુધી ગયા છે. અહીં ઓર્ડિનન્સથી જે જોઈએ તે કરી લે. પછી ત્યાં સુધી શા સારુ જવું પડે ?” પેલો બિચારો દિગ્મૂઢ થઈ ગયો.

તા. ર૭-૭-’૩ર : વલ્લભભાઈને સંસ્કૃત શીખવવામાં બહુ ગંમત આવે છે. वासांसि કેમ વાપર્યું અને वस्त्राणि કેમ નહીં ? એકવચન, દ્વિવચન અને બહુવચન એ શું ? સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય ? કૃદંત કોને કહેવાય ? વગેરે પ્રાથમિક સવાલો બાલોચિત નિર્દોષતાથી પૂછે. નવા શબ્દો શીખે અને શીખે તેનો પ્રયોગ કરે. આ તમને ન શોભે એને માટે કહે ईदं न शोभनं अस्ति। અને કટ્ટર ટોરીઓને વિષે કહે છે તે બધા आततायी લોકો છે. આજે પૂછે “ शनैः शनैः એટલે શનિવારે ?” “वासांसि કેમ વાપર્યું અને वस्त्राणि કેમ નહીં એ સવાલનો જવાબ તો રસ્કિન જેવો આપી શકે,” એમ બાપુએ કહ્યું'.

તા. ૨-૮-’૩૨: સાંજે બાપુએ પૂછ્યુ: “…ની ૬૧મી જન્મતિથિ ક્યારે છે ભલા ?”

વલ્લભભાઈ : “કેમ શું કામ છે ? તમારે કાંઈ લખવું છે ?”

બાપુ કહે: “હાસ્તો, બીજાને લખીએ અને એણે શો વાંક કર્યો છે ?”

વલ્લભભાઈ : “કોઈ તમને પૂછે, તમારી પાસે કાંઈ માગે ને લખી મોકલો તો જુદી વાત છે. નહીં તો તમે અહીં જેલમાં બેઠા છો. તમારે લખવાની શી જરૂર ?”

બાપુ: “ એમ કેમ ? એમનાં લખાણો બહુ ઊંચો દરજ્જો ધરાવે છે. લેખકમાં એ પહેલા બીજા ગણાય.”

વલ્લભભાઈ ઘડીક વાર ચૂપ રહ્યા. પછી કહે : “ગણાતા હશે.”

બાપુ કહે: “હશે કેમ ? છે.”

વલ્લભભાઈ કહે : “જાણ્યા જાણ્યા હવે. શા સારુ એવા બાયલા માણસને લખી એને ઉત્તેજન આપવું ? દેશમાં દાવાનળ સળગી રહ્યો છે ત્યારે બેઠા બેઠા લેખ લખાતા હશે?”

બાપુ: “એમના લેખોથી સેવા નથી થતી એમ તમે કહો ?”

વલ્લભભાઈ : “વિદ્વાનોના લેખોથી જરાય સેવા નથી થતી. વિદ્વાનો વાંચવા લખવાનો શોખ લગાડે છે અને તેમ કરીને ઊલટા નુકસાન પહોંચાડે છે. માણસોને વાંચવા લખવાના મોહમાં નાખીને નમાલા કરી મૂકે છે. નમાલા કરે એ વિદ્યા અને લખાણ શા કામનાં ?”

બાપુ: “એમના લખાણ વિષે એમ કહેવાય છે ખરું ? મેં એમનું લખેલું …નું જીવનચરિત્ર નથી વાંચ્યું પણ એ જીવનચરિત્ર નમાલા કરે ?”

વલ્લભભાઈ : “લોકો એણે લખેલું બીજાનું ચરિત્ર વાંચશે કે એનું ચરિત્ર જોશે ?”

બાપુ: “એનું ચરિત્ર શું ખોટું છે? તમને ખબર છે ૧૯૧૬-૧૭માં વિલિંગ્ડને લડાઈને અંગે મુંબઈમાં ટાઉન હૉલમાં મીટિંગ બોલાવી હતી. તેમાં બધાને લડાઈમાં મદદ કરવાની અપીલ કરી હતી. ટિળક પક્ષે અમુક શરતે જ મદદ થઈ શકે એવા પ્રકારના સુધારાનો ઠરાવ મૂકવાનો નિશ્ચય કર્યો. નહી તો સભા છોડી જવાનો નિર્ણચ હતો. એ પક્ષ તરફથી તેઓ ઊભા થયા. બધાએ ખૂબ હુરિયો કરવાનો પ્રયત્ન કર્યો. પણ એ અડગ ઊભા રહ્યા, અને કહેવાનું હતું તે બધું કહીને પછી બધાએ સભાનો ત્યાગ કર્યો.”

વલ્લભભાઈ : “ઓહો, એ નાટક તો એમને કરતાં આવડે છે.”

બાપુ: “ત્યારે તમારે શું જોઈએ એમની પાસે ?”

વલ્લભભાઈ : “કાંઈ ત્યાગ તો કરે કે નહીં ?”

બાપુ: “શું જેલમાં આવે એ જ ત્યાગ ગણાચ કે ?”

વલ્લભભાઈ : “હું એમ નથી કહેતો. પણ હું એમને જાણું છું અને તમે એમને જાણતા નથી. એટલે શું કહું ? એ તો થોડામાં થોડો ત્યાગ અને વધારેમાં વધારે લાભમાં માનનારા છે.”

બાપુ: “હા, એ તો એની ફિલસૂફી છે.”

વલ્લભભાઈ : “હા, છે જ તો. બળી એ ફિલસૂફી. થોડામાં થોડો ત્યાગ પોતા તરફથી, લોકો તો ગમે તેટલા ખુવાર થઈ જાય અને વધારેમાં વધારે લાભ પોતા માટે.”

બાપુ: “જો જો. હું આ બધું એમને કહીશ.”

વલ્લભભાઈ : “એમને મોઢે બધું સંભળાવું એમ છું, અને સંભળાવ્યું પણ છે. એક વાર બધા ભેગા થયા હતા, ત્યાં સૌ કહેવા લાગ્યા એ તો નિવૃત્ત થવાના છે. મેં કહ્યું, શેના નિવૃત્ત થાય ? નિવૃત્ત થવાનો શું હક છે? જાહેર જીવનમાં શું જખ મારવા પડયા હતા ? જાહેર જીવનમાં પડે એ નિવૃત્ત થાય જ શેનો ?”

બાપુ: “એમાં એમનો વાંક ? એ તો બિચારા કામ કરતા હોત પણ એમને કમનસીબે હું આવ્યો અને એમની બાજી ભાંગી પડી. એમને મારા કામમાં શ્રદ્ધા નહીં હોય એટલે એ ખસી બેસે, અને નિવૃત્ત થવાનો વિચાર કરે એમાં શું આશ્ચર્ય ?”

વલ્લભભાઈ : “ઠીક, ત્યારે લખજો. તમે તો પાછા ‘सत्यमपि प्रियम् ब्रुयात्।’વાળા ખરા ને ?”

બાપુ: “મહાદેવ, આ વાક્ય એમના શીખવામાં આવી ગયું છે કે શું ?”

હું : “હા બાપુ, હવે તો કાલથી ગીતાપ્રવેશ થશે અને એમણે ગીતા વાંચી હશે ત્યારે તો તમારી આગળ એવા અવનવા અર્થ મૂકશે કે તમને થશે કે આ તો ભોગ મળ્યા !”

સૂતી વખતે મેં વલ્લભભાઈને પૂછવું: “ ત્યારે કાલે ગીતાનો આરંભ કરશું ના ?”

એટલે ખાસા કહે: “आदौ वा यदि पश्चात् वा वेदं कर्म मारिष.” પેલે દહાડે હું સુપરિન્ટેન્ડેન્ટની કાંઈક ટીકા કરતો હતો એટલે મને કહે: “नैतत्वच्युपद्यते। અને થૅન્ક્સને માટે कृतार्थोऽहम् વારંવાર કહે છે.

તા. ૧૪-૮-’૩૨ : આજે સવારે બાપુ પૂછતા હતા : “વલ્લભભાઈના ઉચ્ચારો સુધરે છે કે ?”

મેં કહ્યું: “જરૂર. એમને હવે ખબર પડી જાય છે કે આ ઉચ્ચાર ખોટો. સાચી વાત તો એ છે કે એમને આ અભ્યાસમાં ખૂબ રસ પડવા લાગ્યો છે. આજ સુધી આ વસ્તુ જાણી નહોતી. હવે આ નવી જ વસ્તુ હાથ લાધી. स्वर्गद्वारमपावृतम् જેવી લાગણી થયેલી છે એટલે વિદ્યુતવેગે પ્રગતિ કરતા જાય છે.”

બાપુ કહે: “એ જ અભ્યાસની કૂંચી છે. સંસ્કૃતના તો આપણા જૂના સંસ્કારો. બધું વાતાવરણ એથી ભરેલું. એટલે એના અભ્યાસ વિષે એવું લાગે. પણ કોઈ પણ ભાષાનો સૂક્ષ્મ અભ્યાસ કરવા બેસો તો એ જ લાગણી થાય.”

તા. ૧૯-૮-’૩૨ : આજે કોમી ચુકાદા વિષે સપ્રુનો અભિપ્રાય આવ્યો. એને તો બંધારણીય સવાલ આગળ આ સવાલનું મહત્ત્વ નજીવું લાગે છે. આ ચુકાદો આપવામાં સાફ દાનત અને પ્રામાણિક પ્રયત્ન એ જુએ છે. બાપુએ જરાક સરખી ટીકા કરી : “સપ્રુનું કામ મુંજેથી ઊલટું છે. મુંજેને કોમી માગણી મળે તો બંધારણની પરવા નથી. સપ્રુને બંધારણ મળે તો કોમી પ્રશ્નનું ગમે તે થાય તેની પરવા નથી.” માત્ર વલ્લભભાઈના દુઃખનો પાર નથી. એ કહે છે કે, “મને હંમેશાં લિબરલોનું આમ જ લાગ્યું છે. ક્ચારે એ લોકો શું કરશે એ કહેવાય જ નહી. ડહાપણનો ઇજારો એ લોકોનો જ. આજે બ્રિટિશની સાફ દાનત એ લોકોને દેખાય છે, જ્યારે દેશમાં કોઈને સાફ દાનત દેખાતી નથી. એનું કારણ છે. હજી એમને પોતાની ખોયેલી પ્રતિષ્ઠા મેળવવી છે. નહીં તો પછી એમને ઊભા રહેવાનું સ્થાન રહ્યું નહીં ના ?”

મેં કહ્યું : “એ લોકો તો બાપુનું પગલું વખોડી કાઢવામાં સરકાર સાથે ભળવાના.”

વલ્લભભાઈ : “પણ શું થાય ? બાપુની રીત કઢંગી છે. બાપુએ આ પગલાં *[૨] વિષે શાસ્ત્રી જેવાને પણ વાત કરી હોત તો સારું હતું. કોણ એમ ધારે કે આવું પગલું બાપુ લેશે ? દેશમાં કોઈ પણ જણ આ પગલાની કલ્પના કરે એમ હું માનતો નથી.”

તા. ૨૦-૮-’૩૨ : આજે મને અને વલ્લભભાઈને કોઈ પણ રીતે આ ખબર બહાર પહોંચી જવા જોઈએ એવા બહુ વાર વિચાર આવ્યા. પણ બાપુના વચનનો ભંગ કેમ થાય ? બાપુ તો વચન આપીને બેઠા છે કે અમારા તરફથી તો આ વાત ક્યાંયે બહાર ન જાય. એટલે બાપુને શી રીતે બેવફા થઈ શકાય ? વલ્લભભાઈ ભારે મુંઝાયેલા હતા.

તા. ૨૧-૮-’૩૨ : આજે સવારે પાછી ચુકાદા ઉપર વાતો ચાલી. જયશંકર, સપ્રુ અને ચિંતામણિના અભિપ્રાયો ચર્ચાયા.

બાપુ કહે: “સપ્રુનાથી જયકર અહીં છૂટા પડશે એમ આશા રાખીએ.”

વલ્લભભાઈ : “બહુ આશા રાખવા જેવું નથી.”

બાપુ: “વિલાયતમાં પણ આ બાબતમાં એના વિચાર જુદા પડતા હતા એટલે આશા રાખીએ. બાકી તો શું ?”

વલ્લભભાઈ : “ચિંતામણિએ આ વખતે બરોબર શોભાવ્યું.”

બાપુ : “કારણ ચિંતામણિ એ હિંદી છે જ્યારે સપ્રુનું માનસ યુરોપિયન છે. ચિંતામણિ સમજે છે કે આ ચુકાદામાં જ બંધારણ ઘણું આવી જાય છે. પેલા એમ માને છે કે બંધારણ મળ્યું એટલે પછી આવી બાબતોની ફિકર જ નથી. …”

મેં કહ્યું : “માલવીજી કેમ ચૂપ છે ?”

બાપુ: “માલવીજીને કંઈ બોલવાપણું નહીં હોય. એ તો કદાચ વિચારતા હશે કે આમાં હવે શું થાય ? અને મારા વિચારોની તો ખબર નથી. એટલે મૂંઝાઈ રહેલા હશે.”

વલ્લભભાઈ : “એ જ તમારી સાથે દુઃખ છે ના? કે તમે આખર સુધી કશું જાણવા દેતા નથી, અને તમારી સાથેના માણસની સ્થિતિ પણ પણ્ કફોડી કરી મૂકો છો. તમારી સામે તમારા સાથીઓની આ તકરાર છે. સૌને એમ લાગે છે કે તદ્દન ન કલ્પેલી સ્થિતિમાં તમે અમને સૌને ફેંકો છો.”

બાપુ: “પણ એમાં શું થાય ?”

વલ્લભભાઈ : “અમને પણ કોઈ કહેશે ને કે તમે સાથે હતા. તમે ગમે તે રીતે એ વસ્તુની ખબર તો બહાર આપી શકતા હતા. ડાહ્યાભાઈ તો દર અઠવાડિયે આવે છે, એની સાથે ખબર આપી શકાત.”

બાપુ: “એ તો કેમ જ થઈ શકે ? આપણે એમને એમ કહીએ કે જાઓ, અમે તો હવે આ વસ્તુને ગમે તે રીતે પ્રગટ કરીએ છીએ ? એમને આપણે વચન આપી ચૂક્યા કે અમારા તરફથી આ વસ્તુ બહાર ન આવે એટલે થયું. … નહીં વલ્લભભાઈ, આ વસ્તુની પહેલેથી જાણ થવામાં કાંઈ લાભ નથી. બધું ચૂંથાઈ જાય. અચાનક ભડાકો થાય એ જ બરાબર છે. … તમે બંને આમાં ભળેલા છો એટલે તમારી જવાબદારી ખરી. પણ છેવટે તો મારી જ જવાબદારી છે. કારણ મને જે ઊગી ગયું એ કર્યું. આ વસ્તુ જ એવી છે કે એમાં કોઈની સંમતિની જરૂર ન હોય.”

તા. ૨૩-૮-’૩૨ : ઉપવાસ વિષે કાંઈ શંકાઓ હોય તો પૂછવાનું બાપુએ કહ્યું, વલ્લભભાઈ કહે : “બધુંયે બનાવ બન્યા પછી સમજાઈ જશે. આજે ભલે નહીં સમજતું હોય. અને આજે તમારી સાથે દલીલ કરીને શું કરવું ? જે થનાર તે થઈ ગયું. મારું કહ્યું માન્યું હોત તો આ ચુકાદો ન આવત. આ તો તમે પોતે કાગળ લખ્યું એટલે એ ચુકાદો આવ્યો ! ત્યાંના બધા એવા છે કે એમને એમ થાય છે, કે કોઈ પણ રીતે તમે જાઓ તો છૂટીએ.”

રાત્રે કોક વાર વરસાદ આવે ત્યારે ખાટલો ઉઠાવીને વરંડામાં લાવવો ભારે પડે છે. એટલે બાપુએ મેજર પાસે હલકો ખાટલો માગ્યો. એ કહે કે કાથાની દોરીની ચારપાઈ છે એ ચાલશે ?

બાપુ કહે : “હા.”

મેજર કહે : “તમે કહો તો કાથાની દોરી કાઢીને એના ઉપર પાટી ભરી આપીશ.”

સાંજે ખાટલો આવ્યો. બાપુ કહે : “આના ઉપર પાટી બંધાવવાની કશી જરૂર જ નથી. મારી પથારી આજે એના ઉપર કરો.”

વલ્લભભાઈ કહે : “અરે શું ? એના ઉ૫ર તે સુવાતું હશે ? ગાદલામાં કાથીના વાળ ઓછા છે જે કાથાની દોરી ઉપર સૂવું છે ?”

બાપુ : “પણ જુઓની, આ ખાટલો કેટલો સ્વચ્છ રહી શકે છે ?”

વલ્લભભાઈ : “તમેય ખરા છો ! એના ઉપર તો ચાર નાળિયેર ચાર ખૂણે બાંધવાના બાકી છે. એ અપશુકનિયો ખાટલો નહીં ચાલે. એના ઉપર કાલે પાટી ભરાવી દઈશ.”

બાપુ : “ના વલ્લભભાઈ, પાટીમાં ધૂળ ભરાય. પાટી ધોવાય નહીં. આના ઉપર તો પાણી રેડ્યું કે સાફ.”

વલ્લભભાઈ : “પાટી ધોબીને આપી કે બીજે દિવસે ધોવાઈને આવે.”

બાપુ : “પણ આ તો દોરી ઉખેડવી ન પડે, એમ ને એમ ધોઈ શકાય.”

હું : “હા બાપુ, એ તો ગરમ પાણીએ ઝારી શકાય. અને એમાં માંકડ પણ ન રહી શકે.”

વલ્લભભાઈ : “ચાલો હવે તમેય મત આપ્યો. એ ખાટલામાં તો ચાંચડ માંકડ એટલા થાય કે વાત ન પૂછો.”

બાપુ : “હું તો એના ઉપર જ સૂઈશ. ભલે તમે એવો ન મંગાવતા. મારે ત્યાં તો બાળપણમાં આવા જ ખાટલા વપરાતા એ યાદ છે. મારી બા તો એના ઉપર આદુ ઘસતી.”

હું : “એ શું ? એ હું ન સમજ્યો.”

બાપુ : “આદુનાં અથાણાં કરવાં હોય ત્યારે આદુને છરીથી સાફ ન કરતાં આના ઉપર ઘસે એટલે કાતરાં બધાં સાફ થઈ જાય.”

વલ્લભભાઈ : “તે જ પ્રમાણે આ મૂઠી હાડકાં ઉપરની ચામડી ઊખડી જશે. એટલે જ કહું છું કે પાટી ભરાવો.”

બાપુ : “અને પાટી તો ઘરડી ઘોડી ને લાલ લગામ જેવું થઈ પડશે, આ ખાટલા ઉપર પાટી શોભે નહીં. એના ઉપર કાથો જ શોભે. અને પાણી રેડીએ એટલે બિલકુલ ધોવાઈ જાય, જેમ કપડાં ધોવાય. એ કેવું સુખ! વળી કાથો કોઈ દિવસ સડવાનો નહીં !”

વલ્લભભાઈ : “વારુ ત્યારે મારું કહ્યું ન માનો તો ભલે.”

ખાટલો બાપુએ વરંડા ઉપરથી નીચે લેવરાવ્યો. નીચે લીધા પછી વલ્લભભાઈ કહે : “પણ વરસાદ આવશે તો?”

બાપુ: “તો ઉપર લઈશું.”

વલ્લભભાઈ : “ततो दु:खतरं नुं किम् ।”

બાપુ : “એ તો હું જાણતો જ હતો કે આ શ્લોકનો ઉપયોગ કરવાને માટે જ તમે આ સવાલ પૂછો છો.”

તા. ૨૮-૮-’૩ર : વલ્લભભાઈનાં પરબીડિયાંનાં અને સંસ્કૃત અભ્યાસનાં બાપુ દરેક કાગળમાં વખાણ કરે છે. ગઈ કાલે કાકાસાહેબને લખતાં લખ્યું હતું કે, ઉચ્ચૈઃશ્રવાની ગતિથી વલ્લભભાઈનો અભ્યાસ ચાલે છે.” આજે પ્યારેલાલને લખ્યું : “વલ્લભભાઈ અરબી ઘોડાને વેગે દોડી રહ્યા છે. સંસ્કૃત ચોપડી હાથમાંથી છૂટતી જ નથી. આની મેં આશા નહોતી રાખી. પરબીડિયામાં તો એને કોઈ પહોંચી શકનાર નથી. એ પરબીડિયાં માપ વિના બનાવે છે અને આંખથી જ કાપતાં છતાં સરખાં ઉતારે છે. છતાં બહુ વખત જતો હોય એમ લાગતું નથી. એમની વ્યવસ્થા આશ્ચર્ય પમાડનારી છે. જે કરવાનું હોય તે યાદ રાખવા જેવું રાખતા જ નથી. આવ્યું તેવું કરી નાખવું. કાંતવાનું લીધું છે ત્યારથી કાંતવાનો સમય બરાબર સાચવે છે. એટલે રોજ સૂતરમાં ને ગતિમાં વધારો થતો જાય છે. હાથમાં લીધેલું ભૂલી જવાનું તો ભાગ્યે જ હોય, ને આટલી વ્યવસ્થા હોય ત્યાં ધાંધલ જેવું તો હોય જ શાનું?”

તા. ૪-૯-’૩ર : આજે બાપુ અને વલ્લભભાઈને આઠ મહિના જેલમાં પૂરા થયા. બાપુ કહે : “મહાદેવના સાત પૂરા થયા.”

એટલે વલ્લભભાઈ કહે : “ હા. પણ ‘पर्याप्तिमिदं एतेषाम्।’ આપણી તો ‘अपर्याप्त’ મુદત છે ને ?”

એક ભાઈ રંગૂનથી કાગળો લખતા હતા તે બધા એણે બીજા પાસે લખાવેલા હતા, એવી ફરિયાદ આવ્યાં કરતી હતી. કાગળો એવા સ્વાભાવિક લાગતા કે બાપુ એ ફરિયાદમાં માનતા નહોતા. આખરે પેલા લખનારે જ તારથી જણાવ્યું કે કાગળના મુસદ્દા બધા એના હતા. બાપુએ તારથી નકલ પેલા ભાઈને મોકલી અને જણાવ્યું : “હવે તારા જે કાગળની અમારા ઉપર બહુ અસર પડી એ કાગળ તો નકલી હતા. અસલ તારા નહોતા. એટલે એની કિંમત પણ એટલી જ આંકું ના ? અને વળી એ વાત મારાથી છુપાવી. હવે તો એ કાગળમાં કરેલી પ્રતિજ્ઞાઓ તું સાચી પાડ.”

વલ્લભભાઈ કહે : “એ તારની નકલ એને શા સારુ મોકલો છે ? એને પૂછો કે મારી પાસે આ આવી ફરિયાદ છે એ સાચી છે ? એ બાબતમાં તારે શું કહેવાનું છે ? એટલામાં એ બરાબર પકડાઈ જશે.”

બાપુને એ સૂચના પસંદ ન આવી. એ સ્વીકારવામાં હિંસા રહેલી હતી. “માણસને જૂઠું બોલવાની તક આપવી અને જૂઠું બોલાવવું એ હિંસા છે. આ તો જે હકીકત આપણી પાસે છે તે એની પાસે મૂકી દઈને એને જૂઠું બોલવાની તક ન આપવી એમાં પરિપૂર્ણ દયા છે. અને એના હૃદય ઉપર પણ એની અસર થયા વિના ન રહે.” આટલો નાનકડો કિસ્સો બાપુ અને વલ્લભભાઈની મનોવૃત્તિના ભેદ બતાવવાને પૂરતો છે.

તા. ૬-૯-’૩ર : આજે સાંજે પ્રાર્થના સમયે ઠીક ઠીક વાતો થઈ. બાપુએ વલ્લભભાઈને કહ્યું : “સવારે તો તમે મશ્કરી કરતા હતા પણ હું સાચે જ કહું છું કે તમારે કાંઈ પૂછવું હોય તે પૂછી લો.”

વલ્લભભાઈ: “તમે શું ધારો છો ? આ લોકો શું કરશે ?”

બાપુ : “મને હજી એમ જ ભાસે છે કે મને ઓગણીસમીએ અથવા એ પહેલાં છોડી દેશે. એ લોકો મને ઉપવાસ કરવા દે અને કશી ખબર ન આપે અને કહે કે કેદી તરીકે એણે ન કરવું જોઈતું હતું તેવું કર્યું. અમે શું કરીએ ? એ તો અધમતાની પરાકાષ્ઠા કહેવાય. એ લોકો એટલે સુધી ન જઈ શકે એમ હું નથી કહેતો. પણ એ લોકો એટલે સુધી જવાની જરૂર ન ધારે. અને જરૂર કરતાં આગળ જનારા એ લોકો નથી.”

વલ્લભભાઈ : “પછી તમે શું કરો ?”

બાપુ : “વીસમીએ તો ઉપવાસ શરૂ ન જ કરાય. વીસમી તારીખને ન વળગી શકાય.”

વલ્લભભાઈ : “એ તો નવું બંધારણ થાય ત્યાં સુધી સમય મળી ગયો કહેવાય ના? અથવા તો લોકોને અને સરકારને તમે લાંબી નોટિસ આપી શકો ને ?”

બાપુ : “હા, પણ એ તો બહાર ગયા પછી મને એ લોકો કેટલું કરવા દે એના ઉપર આધાર છે. શી સ્થિતિ હશે એ તો મારી કલ્પનામાં નથી આવી શકતું. હું કેવી કાગળ ઘડીશ એ મને સૂઝતું નથી. પણ મારે તો હિંદુ સમાજ, અંત્યજો, સરકાર, મુસલમાન સૌને ઉદ્દેશીને કહેવાનું રહેશે. હિંદુ સમાજે તો અંત્યજોની સાથે ભળીને ઠેર ઠેર સભાઓ કરીને આ વસ્તુનો ઇન્કાર કરવો રહેશે. સરકારે તો ખ્રિસ્તી સરકાર તરીકે આ કહ્યું છે. એટલે સરકાર અને ખ્રિસ્તીઓ બંનેને એક જ વસ્તુ કહેવાની રહેશે કે તમે ખ્રિસ્તી તરીકે આ નથી કરી શકતા, અમારું સ્વરાજ થવા દો. પછી અત્યંજો ઉપર જે અસર પાડવા માગો તે પાડજો. પણ આજે અમારા કટકા ન કરો. મુસલમાનોને તો ત્યાં વિલાયતમાં પણ કહ્યું હતું. અહીં પણ એ જ કહું. હિંદુ સમાજને સમજાવું કે હવે તો અંત્યજોને કાં મુસલમાન, કાં ખ્રિસ્તી થયે જ છૂટકો છે.”

વલ્લભભાઈ : “પણ અહીં તો સાંભળે એવા મુસલમાનો રહ્યા છે કોણ ?”

બાપુ: “ભલે ને કોઈ જ ન હોય. પણ આપણે આશા રાખીએ કે એ લોકો પણ જાગ્રત થાય. સત્યાગ્રહની જડ મનુષ્યસ્વભાવ વિષે વિશ્વાસમાં રહેલી છે, દુષ્ટમાં દુષ્ટ માણસને પિગળાવી શકાશે એ શ્રદ્ધામાં રહેલી છે. એટલે કોક મુસલમાન તો જરૂર નીકળે જે કહે કે અમે આટલું બધું થાય એ તો સહન ન કરી શકીએ.”

તા. ૭-૯-’૩૨ : બાપુ : “નવા બંધારણમાંથી આપણે દૂર જ રહેવાનું છે એમ નથી. જો એમાં ભાગ લઈને કાંઈ થઈ શકે એમ લાગે એટલે કે આપણા ધ્યેય તરફ આગળ વધી શકાય એમ છે એવું લાગે તો જરૂર અંદર દાખલ થવું. એ બંધારણ કેવી જાતનું હશે તેની ઉપર આધાર છે. પણ કૉંગ્રેસ જો સાવ એક નાનકડી લઘુમતી થઈ જાય છે તો લોકોને ગમે કે ન ગમે, અસહકારના માર્ગ સિવાય બીજો રસ્તો નથી.”

વલ્લભભાઈ : “મારો પણ એ જ અભિપ્રાય છે. સરકારી નોકરો ગામડિયાઓને જે ત્રાસ આપી રહ્યા છે, એ અંદર પેઠા વિના ઓછા ન થઈ શકે. પણ એ તો અંદર જઈને કાંઈ અસરકારક થઈ શકે એમ હોય તો જ. સરકારી નોકરીઓ બધી ગૅરંટીવાળી હોય, પગારો ઓછા થઈ શકે એમ હોય જ નહીં, નવા કર ન નાખી શકાય એમ હોય, તો એ દેવાળિયો વહીવટ હાથમાં લઈને શું કરીએ ?”

તા. ૨-૧૦-’૩ર : બાપુના ઉપવાસ દરમિયાન વલ્લભભાઈનો વિનોદ સુકાઈ ગયેલ હતો તે પાછો હવે પૂર બહારમાં ખીલ્યો છે. એમના કબાટમાંથી અનેક ટુવાલો સ્પંજ બાથ આપવાને માટે કાઢેલા તેની વાત નીકળતાં બાપુ કહે : “હું બધાનો હિસાબ માગીશ.”

વલ્લભભાઈ : “એ હિસાબ શેનો અપાય ? અમે તો તમને ખોઈને બેઠેલા હતા. અમને થોડી જ ખબર હતી કે હિસાબ માગવાને માટે પાછા આવવાના છો ?” બાને કહે : “જુઓ ને બા, આમના જુલમ. માલવીજીની પાસે ખાદી પહેરાવી, અસ્પૃશ્યને અડકાડ્યા, જેલમાં લાવ્યા, વિલાયત લઈ ગયા અને હવે અસ્પૃશ્યોની સાથે રોટીબેટી વ્યવહાર પણ કરાવશે !”

જેલના ઘંટાનો રણકાર ઘણી વાર સંભળાય તે તરફ મેં બાપુનું ધ્યાન ખેંચ્યું. વલ્લભભાઈ કહે: “ઉપવાસનો રણકાર એટલો સંભળાય તો કેવું સારું !”

તા. ૧૪-૧૦-’૩ર : વાઈસરૉયનું વિમાન અમારા માથા પરથી ઊડતું અમારી પડોશમાં ઊતર્યું. બાપુ કહે : “કેટલો મદ છે? એક રેસમાં આવવા માટે હજારો રૂપિયાનું પાણી.”

વલ્લભભાઈ : “અહીં આવીને એને બતાવવું છે કે અહીંં મારું રાજ છે, અને ગાંધી અહીં કેદી છે.”

આજે સવારે વલ્લભભાઈ કહેતા હતા કે, “એક જવાબદાર અંગ્રેજ અમલદાર આવું બોલે તે બહુ વિચિત્ર લાગે છે.”

વાત એમ બની હતી કે એક દિવસ અમે જમવા બેઠા હતા, ત્યાં પેલા સાહેબ આવીને વાતવાતમાં કહે: “ગાંધી આ જગતનો બીજો મોટો પાખંડી છે.” અમે પૂછ્યું, “પહેલો કોણ ? ” પેલો કહે : “પહેલો જિસસ હતો.” આ કહીને તેણે ઉમેર્યું: “આ લોકો નૈતિક જગતની જે વાતો કરે છે, તેમાં હું માનતો નથી. હું તો મદ્ય અને માનિનીના આધુનિક જગતમાં માનું છું.”

વલ્લભભાઈ કહે : “એ જ જાતનો આપણો ઢાંઢો *[૩] છે.”

તા. ૨૧-૧૦-’૩ર: ઉપવાસ દરમ્યાન આપેલાં બધાં સાધન ઉપવાસ પૂરો થતાં ઉઠાવી જવામાં આવ્યાં. છેવટે એક મોટું ટેબલ અમને આપેલું હતું તે કાલે આ નવા યાર્ડમાં આવતાં લઈ ગયા. ટેબલને વિષે વલ્લભભાઈએ માગણી કરી એટલે જેલરે કહ્યું: “અમારે ઓફિસમાં જોઈએ છે.” ખુરશી લઈ ગયા તે વલ્લભભાઈને અને મને ન ગમ્યું.

બાપુ કહે : “એ ખુરશી એ લોકોને વેચવાની હશે, એટલે મંગાવી લીધી.”

મેં કહ્યું : “પણ એનામાં એટલી સભ્યતા નહીં કે તમને પૂછે કે હવે આની જરૂર ન હોય તો લઈ જઈએ ?”

બાપુ : “ના. એ ખુરશી અત્યાર અગાઉ પાછી મોકલી આપવાની સભ્યતા આપણામાં હોવી જોઈતી હતી. બાને એણે કહ્યું તે પહેલાં આપણે રજા આપી એ શોભ્યું. અહીં આ ચાર્ડમાં પાછા આવવાની એણે કહ્યું તે પહેલાં આપણે માગણી કરી, એ પણ શોભી. એણે કહ્યું હોત તો દુઃખ લાગત.”

વલ્લભભાઈ : “તમને તો બધાના ગુણ જ દેખાય છે. જ્યાં ગુણ ન હોય ત્યાંય ગુણ જ દેખાય. એ લોકો તદ્દન જડા જેવા છે. ઘણી બધી વસ્તુઓ ઍકાઉન્ટમાં ચડાવી તેમ આ પણ ચડાવે તો કોણ પૂછવાનું હતું ? અને વેચવાની ઉતાવળ હોત તો તમારા ખાતામાં નાખીને વેચેલી બતાવત. પણ આ તો અસભ્યતા બતાવવી એટલે શું ?”

બાપુ : “ના, અસભ્યતા બતાવવાનો હેતુ તો નહીં જ. સુપરિન્ટેન્ડેન્ટને ખબર પણ ન હોય કે એ લઈ ગયા.”

વલ્લભભાઈ : “એને બધીયે ખબર હશે. અને પૂછ્યા વિના કોણ લઈ જાય ?”

બાપુ : “ના, વલ્લભભાઈ, એમાં દુઃખ માનવાનું કારણ નથી. તમે છઠ્ઠો અધ્યાય શીખ્યા કે નહીં ‘मन ऐव मनुष्याणां कारणं बंधमोक्षयोः’ અને આત્મા આત્માનો બંધુ છે ?”

વલ્લભભાઈ : “છે જ છે. પણ આત્મા એ આત્માનો શત્રુ પણ છે ને ?”

બાપુ : (ખડખડાટ હસીને) “અરે, તમને તો ખબર લાગે છે, ભલે એટલું કબૂલ કરો છો. એટલે બસ છે. પણ આ શ્લોક ક્યાંથી શીખ્યા ? છઠ્ઠો અધ્યાય તો હજુ શીખ્યા નથી.”

હું : “કાલે જ શરૂ કરેલો, અને આ શ્લોક છેલ્લો શીખ્યા.”

તા. ૨૨–૧૦-’૩ર : આજે સવારે બાપુ કહે : “તમે ફળ સાફ કરવામાં એકલા પિસ્તાળીસ મિનિટ આપો તે નહીં ચાલે. અહીં લાવો અને આપણે ત્રણે સાફ કરીએ એટલે પંદર મિનિટમાં થશે.”

મેં કહ્યું : “મારી ઓછી મિનિટ જાય, પણ તમે એટલો વખત કામ કરી શકશો.”

બાપુ: “ના. કામનું એવું ભૂત કેમ બનાવાય ? તો ખાવાનું બંધ કરું, પાયખાને જવાનું બંધ કરું, ચાલવાનું બંધ કર્યું, તો ઘણા કલાક કામ કરવાના મળી રહે. … ને હું ઠપકો આપું પણ હું એના કરતાં શું સારો ?”

હું : “ત્યારે મારો વખત બગડે એમ શા સારુ કહો છો ? હુંયે આખો દિવસ વાંચવા લખવામાં આપું એના કરતાં આટલું કામ કરું તો સારું ના ?”

વલ્લભભાઈ વચ્ચે પડીને : “તમે એમને જવાબ આપતાં ન પહોંચી શકો. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા. કઈ વાતમાં તેઓ આપણું માને છે ?”

બાપુ : “વલ્લભભાઈ, હોઠ તો મારા કરતાં તમારા મોટા છે એવો અનુભવ છે.”

વલ્લભભાઈ : “ત્યારે શું ? પણ અહીં જ્યાં બેસવાનું ત્યાં જ ખાવાનું, ત્યાં જ ફળ તૈયાર કરવાનાં. અહીં પાણી ઢોળાશે, અહીં માખી થશે.”

બાપુ: “મીરાબહેનની એક જ ઓરડીમાં રસોડું, સૂવાનું, વાંચવાનું, ઊઠવા બેસવાનું બધું જ છે ના ?”

વલ્લભભાઈ : “એ તો એક જ ઓરડીમાં આખું ઘર હોય તેમનું પણ એમ જ હોય છે ના ? અહીં જ્યારે જગ્યા છે ત્યારે શા માટે એનો ઉપયોગ ન કરીએ ?”

બાપુ: “ગરીબ માણસની થોડી નકલ તો કરીએ. આફ્રિકામાં સાદું જીવન ગાળવાના અખતરા પછી રસોડું, બેસવાનું, મોં ધોવાની કૂંડી, વાસણ માંજવાનું, સૂવાનું બધું એક જ ઓરડીમાં હતું. છતાં એની સ્વચ્છતા વિષે કોઈ કહી જ ન શકે.”

તા. ૩૦-૧૦-’૩ર : સાંજે ખાતાં ખાતાં મહાવીર વિષે પુસ્તક વાંચતા હતા તેમાંથી એક વાક્ય પોતે જે કર્યું છે અને કરવા ધારે છે એના અણધાર્યા ટેકા તરીકે મળ્યું. તે મને ઇશારો કરીને બતાવ્યું. મેં કહ્યું : “ખરે ટાંકણે જ આવ્યું છે ના ?” બાપુએ સાનંદાશ્ચર્યથી ડોકું હલાવ્યું.

વલ્લભભાઈ : “પોતાને માટે ટેકો શોધ્યા જ કરવાના.”

અમારા બંને તરફ આંગળી બતાવીને સૂચવ્યું, તમારે માટે પણ એ છે. એટલે વલ્લભભાઈ કહે : “જૈનોને તો એમ દેહ છોડવામાં ક્યાં વાંધો છે ? સનાતનીઓને સમજાવો ત્યારે ખરા.”

તા. ૧–૧૧–’૩ર : રાત્રે વલ્લભભાઈ ખૂબ ઊકળ્યા. બાપુને કહે : “તમારે ઉપવાસની* *[૪] નોટિસ આપવી જોઈએ. ચાર દિવસની નોટિસ નહીં ચાલે. તમે લોકોને અને સરકારને બંનેને અન્યાય કરશો. બીજાની આગળ પણ અમે તમારો કંઈ બચાવ ન કરી શકીએ. લોકો કહેશે કે આ એક ઉપવાસ પૂરા કરીને બીજા શરૂ કર્યો. કાગળ લખે તે પણ પોતે જ લખે અને પોતે જ સમજે. તમારી અસહકારની ફિલસૂફી સરકાર શેની સમજે ? ન સમજે તો, એને તમને પૂછવાનો કાંઈ ધર્મ નથી. તમે તો એ લોકો તમારા તાબેદાર હોય એવી રીતે વર્તે છો.” ઇત્યાદિ. દસ દિવસની નોટિસ આપવી જ જોઈએ એ આખા સપાટાનો સાર હતો. બાપુ શાંત ચિત્તે જવાબ આપતા જતા હતા, અને હસતા જતા હતા. છેવટે તેમણે કહ્યું : “મેં જ્યારે પહેલો કાગળ લખ્યો ત્યારે તમે આ બધા વાંધા કેમ નહીં કાઢ્યા ? તે વેળા તમે જે કહેત તે હું કરત. કાગળને વધારત, લંબાવત, બધું કરત. પણ હવે શું? હું માનું છું કે એ લોકોને સાત દિવસ તો મળી ચૂક્યા. અને હવે ચાર દિવસ આપવા એ બસ છે. દસ દિવસ આપવા એ તો આપણી નબળાઈ સૂચવે. એમાં એ લોકો પણ પડે. કાંઈ કરતા હોય તે પણ મુલતવી રાખીને બેસે.”

તા. ૪-૧૧-’૩૨ : બાપુએ વળી એક બીજા ઉપવાસની વાત કાઢી અને પોતે ને પોતે કહ્યું : “પણ આની સામે એક વાંધો છે. સરકાર એમ ધારે છે કે આને કોઈ પણ રસ્તે બહાર નીકળવું જ છે.”

હું : “એ વાંધો ઘાતક છે ખરો.”

બાપુ : “કેમ વલ્લભભાઈ, તમે શું કહો છો ?”

વલ્લભભાઈ : (ચિડાઈને) “હવે તમે જરા જંપીને બેસવા દો લોકોને. બિચારા ત્યાં ભેગા થયા છે એમને સૂઝે એમ કરશે. ત્યાં વળી તમે આ પિસ્તોલ બતાવી શા સારુ લોકોને અકળાવો છો ? બીજા માણસોને પણ લાગશે કે આ માણસ નવરો છે, ટાણે કટાણે એ તો ઉપવાસ જ કર્યા કરે છે. છૂટવાને માટે આ બહાનું છે એમ માને છે તો વળી જુદી જ વાત.”

બાપુ: (હસીને) “પણ મહાદેવ કહે છે તે પ્રકારનો ઉપવાસ ?”

વલ્લભભાઈ : “કોઈ પણ રીતનો નહીં !”

બાપુ : “ત્યારે પ્રમુખ સાહેબની સાવ નામંજૂરી જ છે ના?”

વલ્લભભાઈ : “હા.”

બાપુ: “વારુ, ત્યારે એ વાત ગઈ. તમે ના કહો તે થાય ?”

વલ્લભભાઈ : “એ તે અમારી પરીક્ષા કરવા તમે પૂછેલું. અમે ના કહીએ તો તમે હા કહો અને અમે હા કહીએ તો તમે ના કહો એવા છો.”

બાપુ : “વાહ, તો તો મારે ઉપવાસ કરવા જ જોઈએ ખરું ના ?”

વલ્લભભાઈ : (હસીને) “ઉપવાસ કરવા હોય તો કરોને આ બધા ગાળમેજીમાં ચાલ્યા તેમની સામે ?”

બાપુ : “એ તમારે કરવા જોઈએ. જાઓ, તમને રજા આપું છું.”

વલ્લભભાઈ : “હાસ્તો, હું શા સારુ કરું ? હું કરું તો એ લોકો મને મરવા દે. તમારા તો એ બધા મિત્રો છે એટલે કદાચ માને ! પણ ગયેલા કાંઈ પાછા આવવાના છે? જવા દો એ વાત. પણ એક વાત છે. આ દેશમાં બધા ઠંડાગાર થઈને હારીને બેસી ગયા લાગે છે. તેની સામે ચાલોને ત્રણે જણા ઉપવાસ કરીએ.”

બાપુ : “એ તમારી વાત સો ટકા સાચી. પણ એનો અવસર આજે નથી આવ્યો. એ અવસર આવે ખરો. પણ આજે નથી એમ મને સ્પષ્ટ લાગે છે.”

વલ્લભભાઈ : “જો તમારી રજા હોય તો એને માટે તો હું એકલો ઉપવાસ કરું.”

તા. ૧૩-૧૧-’૩ર : સેંકીએ બાપુને અપીલ કરેલી તેને ધધડાવીને જવાબ લખ્યો. વલ્લભભાઈ કહે : “આ મને ગમ્યું.”

બાપુ કહે : “મસાલેદાર હોય ત્યારે તમને ગમે કેમ ?”

તા. ૨૪-૧૧-’૩૨ : આજે રાત્રે મોડે સુધી બેસીને કાગળ લખાવ્યા. વલ્લભભાઈ પણ હવે મંત્રીની પદવીએ ચડ્યા અને ઢગલો કાગળ ઉકેલવામાં મદદ કરવા લાગ્યા. એમને તો પાછું મનગમતું કામ. એમના વિનોદનો ફુવારો તો ચાલતો જ હોય.

એક જણે કાગળમાં લખેલું કે સ્ત્રી કુરૂપ છે એટલે ગમતી નથી. એટલે તરત બાપુને કહેઃ “લખોની કે આંખ ફોડી નાખીને એની સાથે રહે. એટલે કુરૂપ જોવાનું નહીં રહે !”

એક જણે પોતાને ફરી પરણવાનો આગ્રહ કરનારની દલીલ આપી હતી કે એણે મારા ઉપર ઉપકાર કર્યો છે અને એને ત્રણ છોકરી કુંવારી છે. ન્યાતમાં વરની અછત, એટલે મને આગ્રહ કરે છે.

વલ્લભભાઈ કહે : “ત્યારે ત્રણે છોકરીઓને જ પરણી લે તો શું ખોટું ?”



એક જણનો ખુલ્લો પત્ર આવ્યો. તેમાં એણે બિચારાએ છેવટે લખ્યું છે કે તમારા જમાનામાં જીવવાનું દુર્ભાગ્ય મેળવનાર.

બાપુ કહે: “ હે, એને શો જવાબ આપીએ ?”

વલ્લભભાઈ : “કહો કે ઝેર ખા.”

બાપુ : “નહીં' એમ નહીં'. મને ઝેર આપ એમ ન લખાય ?”

વલ્લભભાઈ : “પણ એમાં એનો દહાડો ન વળે. તમને ઝેર આપે એટલે તમે જાઓ અને એને ફાંસીની સજા મળે એટલે એનેય જવાનું. એટલે પાછું તમારી સાથે જ જન્મ લેવાનું કરમમાં ઊભું ને ઊભું રહે. એના કરતાં એ પોતે જ ઝેર ફાકે એ સરસ !”

તા. ૧૪-૧૨-’૩૨ : મેં બાપુને એક ગમ્મત કહી. દેવદાસે એક વાર પૂછ્યું હતું કે, “મતગણતરીમાં બાપુ, વલ્લભભાઈ, તમે, હું અને બા હોઈએ તો આપણે મંદિરપ્રવેશ માટે મત આપી શકીએ કે ?”

બાપુ કહેઃ “વલ્લભભાઈ સિવાય આપણે બધા મતદાર થઈ શકીએ છીએ.”

વલ્લભભાઈ : “તમે કોઈ નહીં પણ હું તો થઈ શકું. કારણ હું તો મંદિરમાં બહુ ગયો છું. તમે તો મંદિરમાં જવાનો દાવો એ ઉ૫રથી કરતા હશો કે યરવડા જેવા મંદિરમાં હંમેશાં આવવાનો ધર્મ કરી મૂક્યો છે, અને બીજાને મોકલો છો.”

તા. ૧૮-૧૨–’૩ર : દેવધર, નટરાજન અને બાપુના સંવાદનો સાર સાંભળીને વલ્લભભાઈ કહેઃ “બહાર જવાનો નુસખો કેમ નહીં સંભળાવ્યો? હું હોત તો સંભળાવી દેત.”

મેં કહ્યું: “શું ?”

વલ્લભભાઈ : “શાસ્ત્રીને કહેવું કે તમે બાપુની જગ્યા લો. દેવધરને કહેવું કે તમે મારી જગ્યાએ આવી જાઓ, અને નટરાજન જમનાલાલજીની જગ્યા લઈ લે. પછી અમે ત્રણે અસ્પૃશ્યતાનિવારણનું કામ કરીશું. એ લોકોને કેમ કંઈ વિચાર ન થતો હોય ? તમારે જેલમાંથી બહાર આવવું જોઈએ એમ કહેતા આવે છે. પણ કોઈ સરકાર પાસે જાય છે ? અને તેને સંભળાવે છે ? મિસિસ કઝિન્સનો આખો કેસ ‘સોશિયલ રિફૉર્મર’માં છાપ્યો છે. પણ એ કેસથી પણ કાંઈ બોધ લેવાય છે? એ બાઈને ફતવારાજ્ય અસહ્ય થઈ પડ્યું. પણ આપણને અસહ્ય થઈ પડે છે ?”

તા. ર૫-૧૨-’૩૨: બારડોલી આશ્રમનાં મકાન વેચવા કાઢ્યાં છે એવી ખબર આજે આવી. વલ્લભભાઈ કહે : “સારું છે વેચાઈ જાય છે. આપણા હાથમાં સત્તા આવશે ત્યારે એ બધાં પાછાં આપ્યે જ છૂટકો છે. સત્તા ન આવે ત્યાં સુધી આ બધાં એમનાં મકાનો (જેલો)નો કબજો આપણી પાસે પડેલો જ છે ને ?”

તા. ૩૦-૧૨-’૩૨ : મદ્રાસમાં ખ્રિસ્તી થયેલા અસ્પૃશ્યોની સાથે ખ્રિસ્તીઓ પોતાના દેવળમાં પણ અસ્પૃશ્યતા રાખે છે. તેમને દૂર રાખવા કઠેરા નાખી દીધા છે. તેની સામે કેટલાક ખ્રિસ્તીઓએ અનશન કરવાની નોટિસ મદ્રાસના બિશપને આપી છે, એવું આજે વાંચવામાં આવ્યું. બાપુને રમૂજ પડી.

વલ્લભભાઈ : “એ કઠેરા શા સારુ ઉખેડી નાખતા નથી ?”

બાપુ : “તમારા મનમાં તો જાણે એ અહિંસામાં જ ખપે કેમ ?”

વલ્લભભાઈ : “એ કઠેરા ક્યાં કોઈને ઉખેડીને મારવાના છે? ઉખેડીને ફેંકી દેવાની વાત છે.”

બે શાસ્ત્રીઓ પૂનામાં વેદસંહિતાનું પારાયણ કરતા કરતા અગિયાર દિવસનું અનુષ્ઠાન કરે છે એમ ‘જ્ઞાનપ્રકાશ’માં વાંચીને બાપુએ એ લોકોને લખ્યું કે: મારી સામે તમે એ કરતા હો તો તમે મને તો એ વિષે લખ્યું નથી ? પણ મારી સામે ન હોય અને કેવળ ભૂતમાત્ર પ્રત્યેની કરુણાથી પ્રેરાઈને હિંદુ ધર્મની રક્ષા કરવા ખાતર એ કર્યું હોય તો તમારી તપશ્ચર્યાથી હિંદુ ધર્મનું શ્રેય થાઓ.”

વલ્લભભાઈ આ ઉ૫ર કહે: “પેલા બધા સેંકડો ખ્રિસ્તી અને મુસલમાન થયા ત્યારે આ અનુષ્ઠાન કરનારા ક્યાં ગયા હતા ?”

તા. ૩-૧-’૩૩ : વલ્લભભાઈ પોતાની રીત પ્રમાણે એક વાતને વળગે પછી છોડે નહીં, આજ સાંજે વાતોમાં એમણે એવું વિધાન કર્યું કે, “નિવૃત્ત જજ (Ex-Judge) હોય એ રાજપ્રકરણમાં ભાગ ન લે.”

બાપુએ કહ્યું : “લે, સરકારી નોકરની સ્થિતિ જુદી છે.”

વલ્લભભાઈ : “અગાઉ કોઈ નિવૃત્ત જજે રાજપ્રકરણમાં ભાગ લીધો હોય એવો દાખલો આપો.”

નિવૃત્ત જજ એટલે રિટાયર્ડ પેન્શનર એ અર્થમાં એ શબ્દ વપરાતો હતો. મેં કહ્યું: “નિવૃત્ત જજના કરતાં વધારે સારો દાખલો દત્તનો છે.”

વલ્લભભાઈ : “દત્તનું હું જાણતો નથી.” અમે સહુ ખડખડાટ હસ્યા ત્યારે કહે: “એ તે દિવસે હશે. આજે કોઈ જજ પેન્શનર થાય ને પછી કૉંગ્રેસનો પ્રમુખ થાય ખરો ?”

વાત ગરમ થતી જતી હતી. તેમાં પછી મેજરની વાત નીકળી. એ વિઝિટરો પાસેથી છાપાં લઈ લે છે, સગવડો આપતાં ડરે છે, એ વાત પણ નીકળી. બાપુ કહે: “એની મુશ્કેલીઓ વધી તો છે એ કબૂલ કર્યા વિના ચાલે ?”

એટલે વલ્લભભાઈ પાછા ઊકળ્યા, “શેની મુશ્કેલી વધી છે ? હિંદુસ્તાન સરકારના હુકમનો અમલ કરવાનો તે કરતા નથી અને મુશ્કેલી વધવાની વાત કરે છે. શા સારુ આવી છૂટ સરકારે આપી ? એને વિચાર નહીં થયો હોય ?”

કામ વધારે ગરમ થતું જોઈને બાપુ કહે: “વલ્લભભાઈ, હવે ઠંડી તો ગઈ જ છે. આજે તો ગયે વર્ષે આપણે આવ્યા અને લાગતું હતું તેવું જ લાગે છે. બપોરે તો ગરમી લાગતી હતી !”

તા. ૭-૧-’૩૩ : બાપુની સાથે વાત કરતાં ઠક્કરબાપા બોલેલા: “તમારે હવે અહીં ક્યાં લાંબું રહેવું છે ?”

એના જવાબમાં બાપુએ કહેલું: “પાંચ વર્ષ તો ખરાં જ.” એ ઉપરથી નરહરિએ પૂછેલું: “પાંચ વર્ષ રહેવું પડશે એમ બાપુ માનતા હશે ?”

એ સાંભળી વલ્લભભાઈ કહે: “નાહકનો ગભરાય છે. એમાં ગભરાવાનું શું છે ? એટલે ૬૯-૭૦ વર્ષ જીવશે એવું તો નક્કી થયું ના ? પછી શું ?”



વલ્લભભાઈની કામ કરવાની ચપળતાનું વર્ણન કરતાં બાપુ કહે: “એટલું ઝપાટાબંધ કરે છે કે આપણને આશ્ચર્ય થાય. દાડમ છોલતા અને રસ કાઢતા હોય તો આપણને લાગે કે ધીમે ધીમે કરે છે. પણ ઝપાટામાં બધું પતાવે છે. પાકીટો બનાવે છે તે પણ કશી ધાંધલ વિના. થાકતા જ નથી. ઢગલો પાકીટો કાઢ્યે જ જાય છે. અને એને માટે માપની જરૂર નથી પડતી. હથોટી બેસી ગઈ છે એટલે અટકળથી કરે છે. પણ સેંકડો પાકીટો સરખાં જ બનાવ્યે જાય છે.”

તા. ૧૦-૧-’૩૩ : આજે સવારે રણછોડદાસ પટવારીને લાંબો કાગળ લખ્યો. એના ૮૮ સવાલના ૮૮ જવાબ અપાવ્યા. બીજો કોઈ હોય તો આટલી ધીરજથી ભાગ્યે જ એનો કાગળ વાંચતો કે જવાબ આપતો. પણ બાપુ તો ઉ૫કારને જિંદગી સુધી ન ભૂલે એવા. કાળી રાતે એણે કામ આપ્યું હતું. *[૫]

વલ્લભભાઈ : “એ કાળી રાત કયાં સુધી ગણાવશો ? આજે તો ધોળી રાતે પણ કામ આપે એમ નથી.”

બાપુ: “મરું ત્યાં સુધી ગણાવીશ.”

તા. ૧૨-૧-’૩૩: કાલે રાત્રે વલ્લભભાઈએ બાપુની સામે પોતાનો ઉકળાટ કાઢ્યો: “તમે તમારા સાથીઓને પૂછ્યા વિના ઘણી વાર એવી સૂચનાઓ ફેંકો છો કે એ માણસ મૂંઝાઈ પડે છે, અને એની સ્થિતિ કફોડી થઈ જાય છે. મંદિરપ્રવેશ વિશેના સમાધાનની સૂચના તમે રાજગોપાલાચારીને પૂછ્યા વિના પ્રસિદ્ધ કરી. એમાંથી અનેક ફણગા ફૂટ્યા છે. હરિજનો એની વિરુદ્ધ થયા, જસ્ટિસ પાર્ટીવાળા પણ વિરુદ્ધ થયા, અને સનાતનીઓને તો એને વિષે કશી પડી જ નથી. તમે આમ કામ શા સારુ બગાડો છો ? અને કામ કરનારની સ્થિતિ શા સારુ મુશ્કેલ કરો છો ? એ ટેવ તમારે સુધારવી જોઈએ.”

બાપુ: “જાણી જોઈને આમ કરું છું ? રાજાજીને આ વાત પૂછવી જોઈએ એમ મને ન લાગે તો મારે શું કરવું ? તમે મને પૂછશો કે પણ તમને એમ લાગતું કેમ નથી ? તો એનો હું શું જવાબ આપું ? મારો જે સ્વભાવ પડી ગયો છે તેનો ઉપાય શો ? મારા સાથી મારી સાથે ન રહી શકે તો શું ? મને છોડી જશે ? બીજાઓના સહકાર આમાં ન મળે તો કાંઈ નહીં, પણ જે વસ્તુ જાહેર કરવી જોઈએ એ હું કેમ રોકી શકું ?”

મેં કહ્યું : “મને લાગે છે કે એ વસ્તુ તમારા સ્વભાવ માટે અશક્ય છે. જ્યારે કોઈની સાથે વાત કરતા હો અને તેની સાથે અનેક વસ્તુ ચર્ચાતી હોય ત્યારે આપને સૂઝે એ સમાધાન તરીકે સુચવો. તે વેળા વલ્લભભાઈને કે રાજાજીને પૂછવું એ પણ અશકય હોય.”

બાપુ: “બરોબર છે. એ મારા સ્વભાવમાં જ નથી. એ દોષ હશે. પણ એ દોષ આજે શી રીતે સુધરી શકે ?”

મેં કહ્યું: “અર્વિન સાથેની વાતચીતો વખતે બે વાર વલ્લભભાઈ અને જવાહરલાલને ન ગમે એવી સમજૂતી આપ કરી આવેલા. પણ તેનો કશો ઉપાય છે ?”

બાપુ કહે : “બરોબર. હું તો લોકોનો માણસ (ડેમોક્રેટ) રહ્યો. લોકોની આગળ અનેક વસ્તુઓ જુદી જુદી રીતે મૂક્યે જ જવી રહી અને સાથે સાથે લોકમતને વશ કરવાનો રહ્યો. એટલે બીજું કશું કરી ન શકું.”

આ તો જરાક જેટલો સાર થયો પણ ચર્ચા તો લગભગ દોઢ કલાક ચાલેલી.

તા. ૧૬-૧-’૩૩ : વલ્લભભાઈનો એક વિનોદ છે. “થોડા દિવસ થયા કે બાપુને સરકારની ઉપર કાંઈક ફરિયાદ મોકલવાની હોય જ. રખેને એ લોકોને લાગે કે આ માણસ હવે ચૂપ થઈ ગયો છે.”

તા. ૨૩-૧-’૩૩ : સાંજે બાપુએ વલ્લભભાઈની સાથે ચર્ચા કરતાં કરતાં પોતાના મનની સાથે વાઈસરૉયના ઠરાવની ચોખવટ કરી લીધી. આ બિલ (મંદિર પ્રવેશ બિલ) પસાર થાય તો બધું મળી ગયું એમ કહ્યું. આ બિલ નિષેધાત્મક છે એટલે એ બિલને પરિણામે મંદિર નહીં ઉઘાડે એમ મેં કહ્યું. બાપુ કહે : “તો ભલે તે બંધ રાખે. એમ બધાં જ મંદિરો બંધ થઈ જતાં હોય તો હું રાજી થાઉં.”

મેં કહ્યું : “ત્યારે દરવાજા ઉપર મારામારી થશે.”

બાપુ : “થાય, આંબેડકરના માણસો હોય તો. પણ આપણું બળ હશે ત્યાં સનાતનીઓ સમજી જશે. નહીં તો આપણે સમજી જઈશું.” આવે સમયે પણ મારાથી કોઈને દા.ત. રાજાજીને પૂછ્યા વિના નિર્ણય ન અપાય કે ? એમ વલ્લભભાઈને પૂછ્યું.

વલ્લભભાઈ : “ના, એ તો આપ્યા વિના ચાલે ? આપણે ચર્ચા કરી લીધી એટલે બસ.”

બાપુ : “નહીં, આ તો હું તાત્ત્વિક સવાલ પૂછું છું કે આ સમયે શું કરવું ?”

વલ્લભભાઈ : “અભિપ્રાય આપવો જોઈએ. રાજાજી અહીં હોય તો જરૂર પુછાય. પણ રાજાજી નથી એટલે આપી દેવો જોઈએ.”

તા. ૩૧-૧-’૩૩ : રાત્રે અને સવારે મતગણતરી વિષે અને એને માટે રાજાજીનો ઉત્તર હિંદુસ્તાનમાં ઉપયોગ કરવા વિષે વલ્લભભાઈએ ગરમાગરમ ચર્ચા કરી. રાજાજીએ આ કામમાં ન પડવું જોઈએ. ઉત્તર હિંદમાં એનું કોઈ ન સાંભળે, લોકો એના કાર્યનો અનર્થ કરશે, એની ફજેતી થશે, વગેરે. એ ભલે મદ્રાસમાં રહે, અને આ જ કામ કરે. મંદિર ખોલાવે અથવા મંદિરના સત્યાગ્રહો કરાવે. મતગણતરી ભલે થાય. પણ તેની આગળનું ધ્યેય પણ સ્પષ્ટ હોવું જોઈએ. નહીં તો મતગણતરીથી પણ કશું ન વળે.”

બાપુએ કહ્યું : “લોકો આપણી સાથે મક્કમ રીતે છે એ વિશે મારી શંકા વધતી જાય છે.”

વલ્લભભાઈ : “આપણને એ બતાવવાની તક જ નથી મળી. જ્યાં સુધી મતગણતરીથી અમુક પરિણામ આણવું છે એમ લોકોને કહેવામાં ન આવે ત્યાં સુધી એ મતગણતરીનો અર્થ નથી. સનાતનીઓ પણ ગમે તેટલી સહી મેળવીને કહેશે કે અમારી બહુમતી છે.”

તા. ૧૦-૨-’૩૩ : આપાસાહેબ પટવર્ધનની બાબતમાં બાપુ કહે: “મારે તો કદાચ ઉપવાસની ચોવીસ કલાકની નોટિસ આપવી પડશે.”

વલ્લભભાઈ ખૂબ ચિડાયા: “તમે આમ ટાણે કટાણે ઉપવાસની નોટિસ આપો એનો કશો અર્થ નથી. હજારો માણસો જેલમાં પડેલાં છે. અને તમે એક અપ્પાનું પ્રકરણ જાગ્યું એટલે ઉપવાસ કરીને ઉપવાસને સસ્તો કરી મૂકો તો લોકો ઉપર કે સરકાર ઉપર કશી જ અસર નથી થવાની. જોઈએ તો સરકારને તમે કાગળ લખો, ખબર માગો અને પછી જવાબ ન આવે તે નોટિસ આપો. પણ આમ ચોવીસ કલાકની નોટિસ આપો એ બરાબર નથી.”

બાપુએ એ સાંભળી લીધું. બાપુ કહે: “લોકો શું ધારે એનો વિચાર કરવાનો ન હોય. પણ જોઈશું હવે સવાર સુધીમાં મને સૂઝી રહેશે.”

તા. ૧૨-૨-’૩૩ : આજે સવારે નીલા વિષે બાપુ વધારે પૂછપરછ કરવા લાગ્યા. કોદંડરાવ પાસેથી બધું સાંભળીને કહે: “શું હિંદુ ધર્મ છે ? એક તરફથી આ બાઈ હિંદુ થઈ છે. બધી વાત સાચી હોય તો એ પાખંડનું પૂતળું છે અને એની પાછળ હિંદુ જુવાનો ભમે છે. બીજી તરફથી હિંદુ ધર્મને શિખરે વિરાજતા માલવીજી. ત્રીજી તરફથી આંબેડકર, અને ચોથી તરફ મારા ઉપવાસનું નગારું વગાડી રહેલ રાજાજી.”

પછી બાપુજી ઉપવાસની વાત કરતા હતા એટલામાં વલ્લભભાઈ આવ્યા. તેમને હિંદુ ધર્મના ઉપર કહેલા ચાર પાયા ગણાવ્યા. એટલે ગંભીરતા ટાળવાને માટે વલ્લભભાઈ કહે: “હિંદુ ધર્મ તો મહાસાગર છે, અને ચાર કેમ ? બીજા પણ છે. મહેરબાબા પણ હિંદુ જ કહેવાય ને ? અને ઉપાસની મહારાજ ! અને ભાદરણના પુરુષોત્તમ ભગવાન !”



બાપુજી સનાતનીઓ અને આંબેડકરવાદીઓ એકેને સંતોષી શકતા નહોતા, તે ઉપરથી મેં કહ્યું : “બાપુ, આ તો સનાતનીઓના અને આંબેડકરવાદીઓના બે ઘંટીનાં પડિયાં વચ્ચે આપણે પિસાઈ જવાનું રહ્યું.”

વલ્લભભાઈ : “પણ પડની વચ્ચે પડીએ તો ના ? હું તો કહું છું કે પડમાં પડો જ મા. ખીલે બેસી રહીએ અને બંને પડને એકબીજા સાથે ઘસાવા દઈએ. તેમ કરવાને બદલે તમે તો સનાતનીઓને કહો છો કે હું સનાતની છું અને આ લોકોને કહો છો કે હું સ્વેચ્છાથી અસ્પૃશ્ય છું. એટલે પછી બંને પડમાં પિસવાનું જ રહ્યું ના ?”

તા. ૧૬-૨-’૩૩ : માલવીજીનો લાંબો તાર આવ્યો. એમનો અગાઉ કાગળ તો આવેલો હતો જ. વાઈસરૉયનો પણ જવાબ આવ્યો કે બિલોને જાહેરમાં ફેરવ્યા વિના નહીં જ ચાલે, બાપુએ તુરત જ “Agreeing to Differ” (‘અમારો મતભેદ’) નામનો લેખ ‘હરિજન’ માટે લખાવ્યો અને આ પત્રવ્યવહાર બહાર પાડ્યો. સાંજે આ વિષે ચર્ચા ચાલી. વલ્લભભાઈ ખૂબ ઊકળતા હતા.

બાપુ કહે : “આપણે લડતા નથી છતાં તમે ઘાંટા પાડીને બોલો એટલે કોકને લાગે કે આપણે લડીએ છીએ. તે ધીમે અવાજે કાં ન બોલો ? આના કરતાં વીસમા ભાગને અવાજે બોલો તોયે હું તમને સાંભળી શકુ અને આપણે ચર્ચા કરી શકીએ. માલવીજીએ તારમાં કહેલું કે મંદિરો માટે કાયદો કરવાની વાત નથી પણ ફતવા વગેરે માટે જ છે એમ ઠરાવ ઉપરથી ખબર પડે છે.”

વલ્લભભાઈ : “એ બરાબર છે.”

બાપુ કહે : “એ બરોબર નથી. ર૬મીના ઠરાવમાં કાયદાથી હકોની માન્યતાની વાત છે, જ્યારે આપણે કાયદાથી અસ્પૃશ્યતાનો નાશ નથી કરવા માગતા. વળી ત્રીસમીના ઠરાવમાં તો તત્કાળ ખોલવાની વાત છે અને તે સમજાવટથી કરવાનું છે. હવે કાયદો એ સમજાવટ નહીં ? અને સમજાવટ પણ નિષ્ફળ થાચ તો ?”

પણ વલ્લભભાઈએ ચલાવ્યે રાખ્યું : “જ્યારે આ બધા વિરુદ્ધ છે ત્યારે હવે આ વસ્તુને ક્યાં સુધી ચલાવ્યે રાખશો ? હવે તો બિલ બે વર્ષ સુધી ધક્કે ચડ્યું. સ્વરાજ પાર્લમેન્ટ વિના એ પસાર જ થવાનું નથી. અને તે વખતે બે મિનિટમાં થશે. તેને માટે આટલી મહેનત શા સારુ ? જો સ્વરાજ આવે તે પહેલાં આ થવાનું હોય તો હું વિરોધ ન કરું, પણ મને ખાતરી છે કે હવે કશી જ આશા નથી.”

બાપુ : “પણ સ્વરાજની ધારાસભા એવી આવશે એવી તમને ખાતરી છે ? મને તો નથી. મને તો ખાતરી છે કે હજી હાજી હા ભણનારી ધારાસભાઓ આવવાની ! એટલે આપણે તો જે પ્રયત્ન થાય તે કર્યા કરવાનું રહ્યું.”

વલ્લભભાઈ : “પણ હવે સર્ક્યુલેશનમાં ગયા પછી પ્રયત્ન શું કરવાનો ? અને પછી તમે શું કરશો ?”

બાપુ : “એ આજથી શું કહેવાય ? વિચારશું અને જે કરવા યોગ્ય લાગે તે કરશું. સૂઝી રહેશે. આપણે આટલે સુધી કર્યું અને મંદિરો નથી ખૂલ્યાં તેમાં શું ? એકે પગલું વ્યર્થ નથી ગયું. કશી હાર નથી ખાધી. જ્યાં સુધી આપણું મન હાર્યું નથી ત્યાં સુધી હાર ક્યાં છે?

“અને તમે એ જુઓ છો ખરા કે હું હરિજનનું કામ મૂકી દઉંં તો આંબેડકર જ મારા ઉપર તૂટી પડે ? બીજા જે કરોડો મૂંગા હરિજન છે તેનું શું થાય ?”

વલભભાઈ : “એનો પ્રતિનિધિ કહે છે કે મંદિર નથી જોઈતાં. એને પ્રતિનિધિ તરીકે તમે સ્થાપ્યો. અને હવે એમ ન કહી શકો કે એ પ્રતિનિધિ નથી.”

બાપુ: “હું પ્રતિનિધિ છું ના ? અને એ લોકોની ગરજ હું જાણું છું ના ?”

તા. ૧૭–૨-’૩૩ : આજે સવારે વલ્લભભાઈ પૂછે : “તમારા વર્ણાશ્રમ ધર્મમાં આ ક્ષત્રિયોનું શું થાય ? હથિયાર કોઈ ઝાલશે જ નહીં.”

બાપુ : “હા, નહીં ઝાલે. હથિયાર ઝાલે એ જ ક્ષત્રિય છે એવી ક્યાં વ્યાખ્યા છે? બીજાનું રક્ષણ કરે અને એ કરતાં પ્રાણ આપવા તૈયાર થાય એ ક્ષત્રિયની વ્યાખ્યા છે. બાકી જગત અહિંસાથી ચાલશે એવી કલ્પના નથી. આ શરીર જ હિંસાની મૂર્તિ છે, એટલે તેને ટકાવવા માટે પણ ઘણી હિંસાની જરૂર રહેશે. પણ એ ક્ષત્રિયો પણ ઓછામાં ઓછી હિંસા કરશે.”

તા. ૨૨-૨-’૩૩: આજે સવારે આંબા નીચે બેઠા હતા ત્યાં જમનાલાલજીનો સંદેશો આવ્યો કે મારે મળવું છે, અને જલદી મળાય તો સારું. ઘડીક પછી ચિઠ્ઠી આવી તેમાં લખેલું : “રાત્રે ઊંઘ ન આવી. ચિઠ્ઠીઓ નાખી હવે તૈયારી કરીને આપના આશીર્વાદ લેવાનું રહ્યું છે. મને જલદી બોલાવો…”

બાપુએ બાર વાગ્યાનો સમય આપ્યો. સવા કલાક મળીને આંબા નીચે આવ્યા.

શી વાત થઈ એમ પૂછ્યું. તેના જવાબમાં બાપુ કહે : “આખું હસાવે એવું પ્રકરણ છે. સાંજ ઉપર રાખીએ. વલ્લભભાઈને તો સંભળાવવું જ પડશે.”

સાંજે વાતો કરી. જમનાલાલજીને રાત્રે વિચાર થયો કે દંડ ભરીને વહેલા છૂટી જવું અને છૂટીને હરિજનનું કામ કરવું અને સવિનયભંગની લડતને પણ જાગ્રત કરવી. જાનકીબહેન વગેરેને મોકલવાં. પછી એ ઉપર ચિઠ્ઠી નાખી. ચિઠ્ઠી નીકળી કે દંડ ભરીને જવું. એટલે પછી બાપુના આશીર્વાદ લેવાનું બાકી રહ્યું ! બાપુની આગળ જેલરના દેખતાં બધી વાતો સંભળાવી.

બાપુ કહે : “તમે ચિઠ્ઠી નાખી શકો છો, પણ એમાં બે દોષ છે. જો તમે ઈશ્વરને હાજર રાખીને ચિઠ્ઠી નાખો તે મને પૂછવાપણું ન હોય. એના ઉપર હું અભિપ્રાય આપું તો ઈશ્વર કરતાં મોટો થઈ ગયો. મારી પાસે એમ ને એમ અભિપ્રાય માગો તો હું અભિપ્રાય આપી ન શકું. મારે વલ્લભભાઈને પણ પૂછવું જોઈએ. વળી તમારી ચિઠ્ઠીમાં બીજો દોષ એ હતો કે તમે તો બહાર જઈને સવિનયભંગ ચલાવવાનો ઇરાદો રાખો. સવિનયભંગ તો તમે અહીં રહીને ચલાવી રહ્યા છો. બહાર તો અસ્પૃશ્યતાનું કામ કરવાને નીકળવાનો નિશ્ચય કરો છો. તમને લાગે છે કે માલવિયાજીને સમજાવી શકીરા, અસ્પૃશ્યતાનું બીજું ખૂબ કામ કરી શકીશ, બિલો પાસ કરાવવામાં મદદ કરીશ, તો તમારાથી એ જ કામ થાય, બીજું થાય જ નહીં. હા, તમારા દંડની મુદત પૂરી થાય પછી તમે ગમે તે કામ કરી શકો. પણ જો તમે દંડ ભરીને બાકીની મુદત બહાર પૂરી કરવા માગો તો એટલો સમય તો અસ્પૃશ્યતાનું જ કામ કરવાનો તમારો ધર્મ છે. આ સમજ્યા પછી તમારે જો ચિઠ્ઠી નાખવી હોય તો નાખો.”

એક કોરી ચિઠ્ઠી તો હતી જ. બીજી કેવળ બહાર જવાની બનાવી. કટેલી સાહેબ પાસે બેમાંથી એક ઉઠાવરાવી. કટેલીએ કોરી ચિઠ્ઠી ઉઠાવી એટલે બધું મનમાં પરણ્યા અને મનમાં રાંડ્યા જેવું થયું.

આના ઉપર રાત્રે વાતો ચાલી. વલ્લભભાઈ અને મને આવા વિષયમાં ચિઠ્ઠી નંખાય કે કેમ એ શંકા હતી. મેં કહ્યું: “જ્યાં સિદ્ધાંતની વાત ન હોય ત્યાં ચિઠ્ઠી નંખાય. બે માર્ગના પક્ષમાં સરખી દલીલો હોય તો તેનો નિર્ણય કરવા ચિઠ્ઠી નંખાય. પણ કર્મ અને અકર્મ વચ્ચે ચિઠ્ઠી નંખાતી હશે ? કોઈ માણસ માફી માગવા અને જેલમાં રહેવા વચ્ચે ચિઠ્ઠી નાખતો હશે ?”



વલ્લભભાઈ ઠીક ઉદ્વિગ્ન રહ્યા. “જમનાલાલજી જેવાને આ વિચાર જ કેમ આવે ?” એમ વારંવાર ઘોળાતો સવાલ પ્રગટ રીતે અમને સંભળાવ્યાં કરતા.

તા. ૨૪-૨-’૩૩ : નરગીસબહેન, પેરીનબહેન, કમળાબહેન, અને મથુરાદાસ આવી ગયાં. ક્યાંકથી ગ૫ લાવ્યાં હતાં કે બાપુને વાઈસરૉયને અંગત મંત્રી મળવા આવી ગયો.

વલ્લભભાઈ કહે: “તમે એમને એમ ન કહ્યું, તમારાં મોં તો એવાં નથી લાગતાં કે વાઈસરૉયના અંગત મંત્રીને અહીં આવવાની ફરજ પડે ?”

તા. ૨૫-૨-’૩૩ : ‘સુધર્મ’ છાપું કહે છે કે ૧૯૩૪માં હિંદુસ્તાનના જન્માક્ષર એવા છે કે અસ્પૃશ્યોને મંદિરમાં દાખલ કરવાને અંગે ખુનામરકી થશે અને સાત કરોડ માણસ માર્યાં જશે, પોલીસે દારૂગોળો છોડશે.

બાપુ કહે: “બ્રાહ્મણો ન માને તે મારામારી તો ખૂબ થવાની જ. આંબેડકર બ્રાહ્મણેતર પરિષદના પ્રમુખ બન્યા છે.”

વલ્લભભાઈ કહે : “બ્રાહ્મણેતરો પણ માની જતા હોય તો બ્રાહ્મણો કશું ન કરી શકે. પણ બ્રાહ્મણેતરોનેય અસ્પૃશ્યતા કાઢવી વસમી લાગે છે.”

તા. ર૭-ર-’૩૩ : આજે ‘ક્રૉનિકલ’માં આવ્યું છે કે સરકારે કેદીઓને ૧૯૩૫ સુધી ન છોડવાનો નિશ્ચય કર્યો છે. અને ગાંધીજીને ઓછામાં ઓછાં ત્રણ વર્ષ રાખવાના છે.

બાપુ: “જુઓ, હું તો પાંચ વર્ષ કહેતો હતો ના ? આ તો બે ઓછાં થયાં.”

વલ્લભભાઈ કહે: “તમે તો પેલા નાગાના જેવું કરો છે. એને કોકે કહ્યું: ‘અલ્યા તારી પૂંઠે બાવળિયો છે.’ તો એ કહે: ‘ભલે મારે છાંયડો થયો !’”

તા. ૩-૩-’૩૩: આજે નીલાની વાત સાંભળીને બાપુ સ્તબ્ધ થઈ ગયા. એ બાઈની કેટલી વાત માનવી અને કેટલી ન માનવી એ સવાલ થઈ પડ્યો.

હજી કાલે કેટલાય ઝેરના કટોરા પીવા બાકી હશે. કોણ જાણે છે?

વલ્લભભાઈએ ઠીક કહ્યું: “બાપુ આશા રાખે એવી કાયાપલટ તો અસાધારણ માણસની થાય. એને માટે સંસ્કાર જોઈએ. શલ્યાની અહલ્યા થઈ એ વાત સાચી. પણ એને માટે પ્રથમ અહલ્યાની શલ્યા થવાની જરૂર હતી ના? માણસ પોતાના પાપે પ્રજળીને પથરો અથવા કોયલો થઈ જાય તો પછી તેને કોઈ સાધુના ચરણસ્પર્શે હીરો બનવાની આશા રહે. નહીં તો કોઈને પણ સ્પર્શ એને કશું ન કરી શકે.”

જમનાદાસની માફી પછી આજે સેતલવાડને શૂર ચડ્યું છે અને એ બાપુને ઉપદેશ સંભળાવે છે કે રાજ્યપ્રકરણમાં તમને ગમ ન પડે. તમે તો આ ભંગીઉદ્ધારનું કામ બેઠાં બેઠાં કર્યા કરો.

વલ્લભભાઈ કહે: “આજે રાજાજી અને દેવદાસ આવે છે તેને કહેજે કે તમે દિલ્હી ગયા તેનું પરિણામ એટલું અવશ્ય આવ્યું છે કે જમનાદાસે માફી માગી, સેતલવાડે આ ઉપદેશવચનો બહાર પાડ્યાં, અને બીજાં નિવેદનો હજી નીકળશે.”

તા. ૫-૩-’૩૩ : જમનાદાસના નિવેદનમાં અને તેણે આપેલી બાંયધરીમાં રહેલી ‘બહાદુરી’નાં ‘સોશિયલ રિફૉર્મર’ અને ‘ક્રૉનિકલ’ વખાણ કરે છે.

વલ્લભભાઈ કહે: “હવે તો બહાદુર ગણાવું હોય તો માફી માગીને બહાર નીકળો. અહીં અંદર પડ્યા રહેશો તો બાયલા ગણાઈ જશો.”

તા. ૧૩-૩-’૩૩ : સાંજે વાતો કરતા હતા ત્યારે અદ્ભુત સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. બાપુ કહે: “જુઓ તો ખરા !”

વલ્લભભાઈ કહે: “અરે ! એમ આથમતા સૂરજને શું જુઓ છો ? ઊગતાને ભજવો જોઈએ.”

બાપુ: “હા, હા. એનો એ જ નાહીધોઈને કાલે સવારે પાછો આવીને ઊગશે, એટલે પાછા એને જ પૂજીશું.”

તા. ૧૭-૩-’૩૩ : દૂરબીન બતાવવાને માટે આકાશશાસ્ત્રીઓને સંધ્યા પછી આવવાની વિનંતી કરી હતી તે ન સ્વીકારાઈ. એ લોકોએ ઑફિસના વખત દરમ્યાન આવવું જોઈએ એ ભાવ હતો એમ માનીને બાપુએ બીજો કાગળ લખ્યો છે.

વલ્લભભાઈનો એના ઉપર વિનોદ : “દિવસ છતાં આવવાનું એટલું જ છે ના? તો પછી ભલે એ લોકોને દિવસ છતાં દાખલ કરે. બહાર ક્યારે કાઢવા એ વિષે તો કાંઈ નિયમ નથી ના ? અને રાતે બહાર ન કાઢી શકતા હોય તો સવાર સુધી ભલે રાખતા.”

તા. ૨૦-૩-’૩૩ : સાંજે શ્વેતપત્રની તોફાન કરવાની શક્તિની વાત કરતાં બાપુ કહે: “છતાં મને લાગે છે કે એમાં જવું પડશે. જુઓ, આપણે બધા પક્ષને એક કરી શકીએ તો દેશી રાજ્ય કશું જ ન કરી શકે. બધા પક્ષો મુસલમાન, અંત્યજ વર્ગો અને બીજા હિંદુઓ એક થાય તો તો આપણે એ લોકોને હંફાવી શકીએ. જોકે તોપણ સવિનયભંગ કરનાર એક પક્ષને રાખવો જોઈએ. એક પક્ષ સવિનયભંગ કરે અને એક પક્ષ ધારાસભામાં જાય. જેમ દક્ષિણ આફ્રિકામાં એક સત્યાગ્રહ સભા (પૅસિવ રિઝિસ્ટન્સ ઍસોસિયેશન) હતી અને એક ટ્રાન્સવાલ ઈન્ડિયન ઍસોસિયેશન હતી એમ.”

વલ્લભભાઈ કહે : “આજે હરિજનનું કામ કરનારા અને જેલમાં જનારા એવા બે ભાગ પાડ્યા છે ને એમ.”

તા. ૨૮-૩-’૩૩ : લેડી ઠાકરસીનું ત્રણ ચાર હજારનું ટેલિસ્કૉપ આવ્યું. એના સ્ટૅન્ડને ઉપાડવાને આઠ માણસની જરૂર પડી.

બાપુ કહે : “હવે એ રાખી લેવાની દાનત થાય છે. આશ્રમમાં ઑબ્ઝર્વેટરી કરી શકાય. છૂટ્યા પછી પાંચેક વર્ષ જીવીએ તો બધું થાય.”

એટલે હજી દશ વર્ષ જીવવાની વાતો છે. વલ્લભભાઈ : “અરે ભાઈ, ઑબ્ઝર્વેટરી માટે તો આજે પણ છોડે. સાથે હરિજનનું ભેળવજો. અને બીજું કશું ન કરતા હો તો જાઓને આજે જ જાઓ, એમ કહે છે છતાં તમે ક્યાં માનો છો ?”

તા. ૮-૪-’૩૩ : “મુસલમાનો શાંત બેઠા છે અને કશું બોલતા નથી. સરકારને બરોબર સહકાર આપી રહ્યા છે અને આપવાના,” એમ વલ્લભભાઈએ કહ્યું.

એટલે બાપુ કહે : “જ્યાં સુધી મુસલમાનો દેશના હિતમાં પોતાનું હિત ન જુએ ત્યાં સુધી હિંદુમુસલમાન ઐક્ય થવાનું નથી અને માલવીજીના બધા પ્રયત્ન ફોગટ જવાના છે. આજે મુસલમાનમાં એ લાગણી નથી. આજે તેઓને સ્વાર્થ સાધવો છે.

તા. ૨૧-૪-’૩૩ : સાંજે સરદારને સિવિલ સર્જન જોઈ ગયા. ખૂબ તપાસ્યા. અભિપ્રાય એ થયો કે ‘કોટેરાઈઝ’ કરવામાં લાભ નથી. ઑપરેશનથી કદાચ ફાયદો થાય. જોકે ચોક્કસ ન કહેવાય. પણ અહીં હવે લાંબી વૅકેશન જેવું છે તો ઑપરેશન કરાવવું એ ઠીક હોય.

બાપુ કહે: “ઠંડક જોઈએ અને ધૂળ ન જોઈએ. એને માટે દરિયાની સફરના જેવો બીજો એક ઉપાય નથી.”

એટલે વલ્લભભાઈ કહે: “એના કરતાં તો હું અહીં સુખશાંતિથી મરું નહીં ?”

દાક્તર : “આટલા નિરાશ થવાની કશી જરૂર નથી.”

બાપુ : “લો ત્યારે અમે ઠરાવ કરીએ કે તમારે દરિયાની સફરે જવું.”

વલ્લભભાઈ : “મેં પેલાને જે જવાબ આપ્યો તે જાણો છો ?” એમ કહીને જવાબ સંભળાવ્યો.

બાપુ : “પણ વહાણ ઉપર પણ ધૂળ તો ખૂબ જ હોય. કોલસાની રજ તો પાર વગરની હોય છે. અમે રંગૂન ગયા ત્યારે અમારાં કપડાં અને સરસામાન કાળાં કાળાં થઈ ગયેલાં.”

સરદાર : “એ તમારા જેવા ડેક ઉપર મુસાફરી કરનારને એમ થાય. અમે તમારા જેવા ડેક ઉપર મુસાફરી કરનારા નહીં. અમે તો હંમેશાં સલૂનમાં જ જનારા. અમને કદી ધૂળ નથી લાગી.”

બાપુ: “ભાઈ, સલૂનમાં પણ લાગે છે. આખો દિવસ માણસ સાફ કર્યાં જ કરતો હોય છે.”

તા. ર૪-૪-’૩૩: આંબેડકરની સૂચના *[૬] વિષે બરાબર સવાલ જવાબ સાથે તૈયાર થઈ રહેવાનું બાપુએ વલ્લભભાઈને કહ્યું હતું. સાંજે વલ્લભભાઈની સાથે સવાલ જવાબ ચાલ્યા.

બાપુ: “બોલો તમે શું ધારો છો ?”

વલ્લભભાઈ : “આ તો હિંદુઓના મત સિવાય ચલાવી લેવાની પેરવી છે. ૪૦ ટકા મત ઓછામાં ઓછા ઠરાવવામાં આવે તો પણ એ માણસ દલિત વર્ગના બધા જ મત ખેંચી જવાનો પ્રયત્ન કરે. અને બીજાને ભાગે મત રહે જ નહી.”

બાપુ: “પણ પેલો ચાલીસને બદલે પચાસ મેળવે, સાઠ મેળવે, બીજાને બાકીના તો મળી જ રહે ના ?”

વલ્લભભાઈ : “પણ એ તો એ જ મેળવવાના.”

બાપુ: “આંબેડકરને દૂર રાખો. તમારી પાસે કોઈ વકીલ તરીકે સલાહ લેવા આવે અને એમ કહે કે હિંદુઓના મત અમારે જોઈતા જ નથી અથવા એના મત લીધા વિના અમારે જવું છે, તે માટે તમે કઈ તરકીબ બતાવો. તો તમે આંબેડકરે કહેલી તરકીબ બતાવોને ?”

વલ્લભભાઈ : “હા.”

બાપુ: “વારુ, પછી એ પૂછે કે કેટલા ટકા ઓછામાં ઓછા રાખવા? તો તમે શું કહો ?”

વલ્લભભાઈ : “એ તો વધારેમાં વધારે માગું.”

બાપુ : “પણ કેટલા?”

વલ્લભભાઈ : “હું તો જેટલું તણાય તેટલું તાણું.”

બાપુ: “તમારા મત પ્રમાણે ૧૦ ટકા હોય તો ચાલે.”

વલ્લભભાઈ : “એને રાજી કરવા ૧૦ ટકા આપું. એથી આગળ ન જાઉં.”

મેં કહ્યું : “ચોટડૂક દલીલ તો તમે આંબેડકર આગળ કરી ચૂક્યા છો, કે ૨૪ ટકા અસ્પૃશ્યોના મત મળે અને હિંદુઓના વધારેમાં વધારે મળે એ માણસ ઊડી જાય, અને ૨૫ ટકા અસ્પૃશ્યો મળે પણ હિંદુઓના ઓછામાં ઓછા મળે તોપણ એ માણસ ચૂંટાય. આ દલીલ સંપૂર્ણ છે. એને હું આખા યરવડા કરારના મૂળને છેદનારી વસ્તુ માનું છું.”

બાપુ : “હું એટલે બધે દરજ્જે એમાંથી અનુમાન નથી કાઢતો. મને તો માત્ર એ વાત બેહૂદી લાગે છે. પણ હવે હું વિચારી જોઈશ.”

તા. ૨૬-૪-’૩૩ : નીલા નાગિની અને એના દીકરાની ખાવાની બાપુ કાળજી રાખે, કપડાંની કાળજી રાખે, છોકરાની ધોતી પોતાની ધોતીમાંથી કાપીને  કરી આપી, અને જોડા સંધાવવાના તે પણ જેલરની રજા લઈને જેલના મોચીખાતામાં સંધાવવાને માટે રાખી લીધા.

વલ્લભભાઈ સાજે કહે : “ભાઈ બધું કરો. ઘરડે ઘડપણ દીકરો આવ્યો છે એટલે ગમે તેટલાં લાડ લડાવો. આપણાથી ન બોલાય.”

તા. ૨-૫-’૩૩ : બાપુ ૨૧ દિવસના ઉપવાસ કરવાના હતા એ બાબતમાં વલ્લભભાઈ ખૂબ ઉદ્વિગ્ન રહેતા.

બાપુ મને પૂછે : “વલ્લભભાઈ હજી મારી સાથે ચિડાયેલા છે ?”

મેં કહ્યું : “ચીડ શાની હોય ? દુઃખ છે.”

બાપુ : “પણ તમે તો કાલે એવો ભાસ આપ્યો હતો કે એમને ક્રોધ છે.”

મેં કહ્યું : “તો મારી ભાષા ખોટી. ક્રોધ હોય જ નહીં. એમની સંમતિ છે એમ ન માનો. એમના દિલમાં તીવ્ર વેદના વ્યાપેલી છે. પણ આપ જીવો કે જાઓ, ગમે તેમ થાઓ, આપની આસપાસ અસંતોષ, કલહ, અપ્રસન્નતાનું વાતાવરણ ન હોય એમ તેઓ ઇચ્છે છે.”

બાપુ: “એ હું સમજું છું. એ તો વલભભાઈ જેવી ભડ વ્યક્તિ પાસે છે એ કાંઈ ઈશ્વરની ઓછી દયા છે? એમનામાં ભારે ઈશ્વરશ્રદ્ધા તો પડેલી જ છે.”

મેં કહ્યું : “મેં તો એમને કાલે કહ્યું કે ઉપવાસ ચાલુ રાખવાને અમે અભાગિયા લાયક નહીંં હોઈએ પણ તમે તો છે જ, અને તમે ચાલુ રાખો તો મને આશ્ચર્ય ન થાય.”

વલ્લભભાઈ આ ઉપવાસને કેવી દૃષ્ટિથી જુએ છે એની ઉપર તેમણે સર પુરુષોત્તમદાસને લખેલો નીચેનો કાગળ બહુ પ્રકાશ પાડે છે :

“બાપુએ આ વખતે લીધેલી પ્રતિજ્ઞામાં કોઈની સલાહ કે સંમતિ લીધી જ નથી. ગઈ વખતની પ્રતિજ્ઞા ધાર્મિક હોવા છતાં એમાં રાજકીય તત્ત્વ સમાયેલું હતું. અને તેટલા પૂરતી મારી સાથે મસલત કરવાની આવશ્યકતા સ્વીકારેલી ખરી. આ વખતે લીધેલી પ્રતિજ્ઞા કેવળ ધાર્મિક હોવાથી એમાં મારી સંમતિનો સવાલ હતો જ નહીં. રાત્રે એક વાગ્યે અમે બધા ઊંઘમાં પડેલા હતા ત્યારે તેમણે પોતાનો નિર્ણય કર્યો અને દોઢ વાગ્યે ઊઠી જે સ્ટેટમેન્ટ પ્રસિદ્ધ થયું છે તે ઘડી કાઢ્યું. સવારના ચાર વાગ્યે અમે ઊઠ્યા પછી મારા હાથમાં મૂક્યું. મેં જોયું કે એમાં ફેરફાર કરવાની જરાય જગ્યા રાખેલી ન હતી. છતાં એ વિશે પૂછીને ખાતરી કરી લીધી. અને જ્યારે જાણી લીધું કે નિર્ણય થઈ ગયેલ છે ત્યારે તે પછી મને ખાતરી થઈ કે મારે માટે ઈશ્વર-ઇચ્છાને આધીન થયા સિવાય બીજો માર્ગ નથી.
“વળી મારી સાથે પ્રથમ મસલત કરી હોત તોપણ એમણે કરવા ધારેલા નિર્ણયમાં હું ફેરફાર કરાવી શકત એમ માનવાને કશું જ કારણ નથી. હા, મારા મનમાંના થોડા ઊભરા જરૂર કાઢી શકત. બાકી આવા કેવળ ધાર્મિક નિર્ણયમાં ફેરફાર કરાવી શકવા જેટલી યોગ્યતા મારામાં નથી.
“આ૫ આવીને શું કરો ? આપ કે હું કોઈ શું કરી શકવાના હતા ? ધાર્યું ધણીનું થાય છે અને થશે. કોઈની ધાર્મિક પ્રતિજ્ઞા તોડાવવાનો

નિષ્ફળ પણ પ્રયત્ન કરવાના પાપમાં શા માટે આપણે પડવું જોઈએ ? હિંદુ ધર્મનું પ્રામાણિક અને સતત પાલન કરનાર આજે કોણ છે ? જો હોય તો આજે આપણી આ દશા ન હોત. ત્યારે એવું ધાર્મિક પાલન કરનાર એક વ્યક્તિ આપણા જાણવામાં છે તે એકની પણ એણે લીધેલી પ્રતિજ્ઞા સગાસંબધીઓ કે સ્નેહીઓ આગ્રહથી છોડાવી શકે એમ માનીએ તોપણ એથી હિંદુ ધર્મને કે દેશને શો લાભ થાય ? મારી અલ્પ મતિ પ્રમાણે તો એથી ઊલટું જ પરિણામ આવે. એટલે એમને રોકવાના પ્રયાસને હું અયોગ્ય અને નિષ્ફળ સમજું છું. પ્રતિજ્ઞાના ગુણદોષ વિચારતાં પણ થોડા કરાર પછીનું હિંદુ સમાજના કેટલાક ભાગનું વર્તન જોતાં અને ખાસ કરીને સનાતનીઓ અને કેટલાક કેળવાયેલા હિંદીઓ જે પ્રકારે પ્રચાર કરી રહ્યા છે તે જોતાં વહેલો કે મોડો ઉપવાસ આવી જ પડવાનો હતો. તો પછી થોડા દિવસ ઠેલી શકાત તે ન થયું, એટલા ખાતર શોક શું કામ કરવો ? ગુરૂવાયુરની ચળવળ શરૂ થઈ ત્યારથી આજ સુધી સનાતનીઓ જે પત્રવ્યવહાર ચલાવી રહ્યા છે તે બધો મારા જોવામાં આવ્યો છે. હિંદુ ધર્મની રક્ષાને નામે જે હળાહળ જૂઠ અને પ્રપંચનો ભારે પ્રયોગ થઈ રહ્યો છે, તે પણ જોઈ રહ્યો છું. મોટામાં મોટી પદવીએ પહોંચેલા કેટલાક આપણા જ ભાઈઓ આ ચળવળને રાજદ્વારી ચાલબાજી લેખે છે, અને બાપુના ઉપર ઢોંગનું આરોપણ કરે છે. આવા સંજોગોમાં કરોડો ગરીબ અને અભણ અંત્યજોને આપેલા વચન માટે એ ક્યાં સુધી મૂંગે મોઢે જોયાં કરે ? હિંદુ ધર્મની રક્ષાને બીજો કોઈ માર્ગ આપને સૂઝે છે ખરો ? જો બીજો કોઈ માર્ગ ન હોય તો જેને ધર્મ જીવનથી વધારે વહાલો હોય તે બીજું શું કરે ?
“ બાપુની ઉંમર અને શારીરિક સંપત્તિ જોતાં એકવીસ દિવસના ઉપવાસની વાતથી મને કંપારી છૂટે છે ખરી. એમને પોતાને તો શ્રદ્ધા છે કે ઈશ્વર ઉપવાસ નિર્વિઘ્ને પૂરા કરાવશે. પણ મને ભય છે કે એ આશા વધારે પડતી છે. પણ જે અનિવાર્ય છે તેનો શોક કર્યે શું થાય ? પ્રભુ જે કરશે તે સારું જ કરશે.”

તા. ૩જી મેએ રાજાજીએ સરદારને નીચે પ્રમાણે તાર કરેલો :

આ અગ્નિપરીક્ષામાંથી બાપુ પસાર થઈ શકશે એવી આશા રાખવી એ મૂર્ખાઈ છે. તમે જ એકલા એમને રોકી શકો એમ છો. આ એક ભૂલ થાય છે અને તેમાંથી કશું સારું પરિણામ નીપજવાનું નથી. આ કરુણ ઘટના હરિજન માટે તેમ જ દેશને માટે પ્રગતિનો કાંટો પાછો ઠેલશે.”

સરદારે આનો જવાબ પોતાની વિલક્ષણ ઢબે આપ્યો :

“હમણાં જ તાર મળ્યો. અગ્નિપરીક્ષામાંથી બાપુ પસાર થઈ જઈ શકશે એવી આશા રાખવી એ મૂર્ખાઈ ગણાય એ વાત સાચી છે. પણ હું એ મૂર્ખાઓના ટોળામાંનો નથી. વળી સફળતાની જરાયે આશા રાખીને તેમનો નિશ્ચય છોડાવવા અથવા ફેરવવાનું સમજાવવા પ્રયત્ન કરવો એ એથીયે વધારે મૂર્ખાઈ છે. એટલે મેં તો એ યોગ્ય ધાર્યું છે કે તેમને નકામી તકલીફ કે ત્રાસ ન આપો અને તેમની શક્તિનો તેમને સંગ્રહ કરવા દેવો. પરંતુ એમના અંતરાત્માના રક્ષક તરીકે સફળ થવાની તમને શકયતા લાગતી હોય તો તમને કશી સલાહ આપવી એ મારે માટે ધૃષ્ટતા ગણાચ; જોકે મને તો નિઃશંક લાગે છે કે મારી માન્યતા જ સાચી છે. ”

તા. ૭-૫-'૩૩ : સવારે બાપુ કહે : “વારુ, હવે તો ભગવાન રાખશે તો ૩૦મીએ ગીતા બોલાશે. અને બધા સાથે તો કોણ જાણે ક્ચારે ? ”

વલ્લભભાઈ : “હું તો ર૯મીએ સાથે શી રીતે હોવાનો ? ”

બાપુ : “ઈશ્વરની શક્તિ અપાર છે. એ ન ધારેલી વસ્તુ કરાવે છે. ૨૮મીએ જ ભેગા થઈ જઈએ તો ? ”

[ઉપવાસ શરૂ થયા તે જ દિવસે એટલે તા. ૮-૫-'૩૩ના રોજ સાંજે છ વાગ્યે બાપુને છોડી મૂક્યા. ઉપવાસ પૂરા થયા પછી તેમણે લડતને સામુદાચિકને બદલે વ્યક્તિગતનું રૂપ આપ્યું.

તા. ૧-૮-'૩૩ ના રોજ સાબરમતી આશ્રમ વિખેરી નાખી રાસ ગામે પગપાળા કૂચ કરવાની હતી. આગલી રાતે જ બાપુને અને કૂચ કરનારાં આશ્રમવાસીઓને પકડી લીધાં. બાપુને તા. ૨ જીએ યરોડા જેલમાં લાવવામાં આવ્યા. ચાર્ડમાં પેસતાં વલ્લભભાઈને જોવા ઝંખતા હતા. ત્યાં ન મળે વલ્લભભાઈ કે ન મળે છગનલાલ જોષી. તા. ૧લીએ જ સરદારને નાશિક લઈ જવામાં આવ્યા હતા. બારણાં ઉપર સીલ મારેલાં હતાં.]

બાપુ કહે : “માળો જેમનો તેમ છે, પણ પંખી ઉડી ગયાં છે.”

પછી અમને કહેવામાં આવ્યું કે સરદારને ઓપરેશન માટે મુંબઈ લઈ ગયા છે અને છગનલાલ જોષીને સેપરેટમાં મૂકવામાં આવ્યા છે. થોડા દિવસ પછી ખબર પડી કે વલ્લભભાઈને ઓપરેશન થયું જ નથી. પણ અહીંથી સીધા નાશિક લઈ ગયા છે. બાપુ કહે : “ એટલે વલભભાઈને પણ એ લોકોએ છેતર્યા જ ને ? એમને બિચારાને એવી છાપ હતી કે ઓપરેશનને માટે લઈ જાય છે. કેવી નીચતા ? આ ધા ઝટ રૂઝાય એવો નથી. તા. ૧૨-૮-'૩૩ના રોજ રાત્રે સૂતા સૂતા ભતૃહરિ નાટકમાંથી એક લીટી ચાદ કરીને બાપુ કહે : “ એ રે જખમ જોગે નહી મટે રે.” એ લીટી વલ્લભભાઈને વિખૂટા પાડ્યા એ વિચારીને હર વખતે યાદ આવે છે. એમને કાગળ લખવાનું મન થતું હશે પણ એમના કાગળ કોણુ આવવા દે? "

તા. ૮મી મેએ ગાંધીજીને જ્યારે છોડી મૂકવામાં આવ્યા ત્યારે એમણે જે નિવેદન કરેલું તેમાં સરદાર વિષે નીચે પ્રમાણે લખેલું :

“ જેલમાં સરદાર વલ્લભભાઈ સાથે રહેવાનું મળ્યું એ એક મોટો લહાવો હતો. તેમની અદ્વિતીય શૂરવીરતા અને જ્વલંત દેશપ્રીતિની તો મને ખબર હતી, પણ આ સોળ મહિના તેમની સાથે જે રીતે રહેવાનું સદભાગ્ય મને સાંપડયું તેવી રીતે કદી હું તેમની સાથે રહ્યો નથી. તેમણે પ્રેમથી મને જે તરબોળ કર્યો છે તેથી તો મારી વહાલી માતાનું સ્મરણ થઈ આવતું. તેમનામાં આવા માતાના ગુણો હશે તે તો હું જાણતો જ નહોતો. મને જરાક કંઈક થાય તે એ પથારીમાંથી ઊઠ્યા જ છે. મારી સગવડની નાનામાં નાની વસ્તુ માટે પણ તેઓ જાતે કાળજી રાખતા. તેમણે અને મારા બીજા સાથીઓએ સંતલસ કરી મૂકી હતી કે મને કશું કામ કરવા ન દેવું. હું આશા રાખું છું કે સરકાર મારી વાત માનશે કે જ્યારે જ્યારે અમે રાજદ્વારી પ્રશ્નની ચર્ચા કરતા ત્યારે ત્યારે સરકારી મુશ્કેલીઓનો બરાબર ખ્યાલ તેમને રહેતો. બારડોલી અને ખેડાના ખેડૂતોની તેઓ જે ચિંતા કરતા તે હું કદી ભૂલી શકીશ નહીં.”

  1. *શ્રી કાકાસાહેબ ૧૯૩૦માં બાપુ સાથે યરવડા જેલમાં રહેલા તે ઉપરથી.
  2. * કોમી ચુકાદા સામે ઉપવાસનું પગલું
  3. લૉર્ડ વિલિંગ્ડન.
  4. * અસ્પૃશ્યતાના કામ માટે બાપુ ઇચ્છે તેને મળવા દેવાની અને લખેલા કાગળ ઇચ્છે તો છાપવા દેવાની છૂટ માટે બાપુએ તા. ૨૫મી ઓક્ટોબરે નોટિસ આપેલી કે શરીર ચાલે ત્યાં લગી પહેલી નવેમ્બરથી સી કલાસનો ખોરાક લેવા માંડીશ. તે જ દિવસે સમાધાન થઈ ગયેલું. જુઓ ‘મહાદેવભાઈની ડાયરી પુસ્તક ૨’ પાનું ૧૯૬.
  5. * બાપુજી ભણવા માટે વિલાયત જવાના હતા તેને આગલે દિવસે મુંબઈમાં રહેતા મોઢ વણિકો એ ઠરાવ કર્યો કે એ જાય તો એને ન્યાત બહાર મૂકવો અને કોઈએ કશી મદદ કરવી નહીં. એટલે જેને ત્યાં રૂપિયા મૂકેલા તેણે રૂપિયા આપવાની ના પાડી. તે વખતે રણછોડદાસ પટવારીએ એમને રૂપિયા પાંચ હજાર ધીર્યા અને બાપુજી બીજે દિવસે જઈ શકયા.
  6. * યરવડા કરાર પ્રમાણે હરિજન ઉમેદવાર માટે જે એક બેઠક હોય તો પ્રથમ ચાર ઉમેદવારોને હરિજન મતદારો પ્રાથમિક ચૂંટણીથી ચૂંટે. અને પછી સામાન્ય મતદાર મંડળ એ ચારમાંથી એકને ચૂંટે એવું ઠરાવવામાં આવ્યું હતું. ડૉ. આંબેડકરે એવી સૂચના કરી હતી કે હરિજનોને બેવડી ચૂંટણીનું ખર્ચ વેઠવું પડે છે, તેને બદલે સામાન્ય ચૂંટણીમાં જ હરિજન ઉમેદવારને હરિજન મતદારોના અમુક ટકા મત મળવા જ જોઈએ, એવું ઠરાવીએ તો કેમ ?