લખાણ પર જાઓ

સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/ગાંધીજીના છૂટ્યા પછી યરવડા તથા નાશિક જેલમાં

વિકિસ્રોતમાંથી
← યરવડા જેલમાં ગાંધીજીની સાથે સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
ગાંધીજીના છૂટ્યા પછી યરવડા તથા નાશિક જેલમાં
નરહરિ પરીખ
વત્સલ હૃદય →


૧૦
ગાંધીજીથી છૂટા પડ્યા પછી યરવડા તથા નાશિક જેલમાં

સરદાર યરવડા જેલમાં નાકની પીડાથી બહુ હેરાન થતા હતા. સળેખમની ફરિયાદ તો એમની જૂની હતી. ’૩૨ના જાન્યુઆરીમાં તેઓ પકડાયા તેને આગલે જ દિવસે તેમણે નાકમાં કોટેરીઝેશન (વીજળીથી વધારાના ભાગને બાળી નાખવાની ક્રિયા) કરાવ્યું હતું. એવી સ્થિતિમાં મુંબઈથી પૂના જાન્યુઆરીની ટાઢમાં કાચની બારીઓ વિનાની મોટરમાં મુસાફરી કરવી પડી, તેની પણ અસર થઈ હશે. એટલે જેલમાં તેમને વારંવાર નાકમાંથી પાણી ગળ્યાં જ કરતું. કેટલીક વાર નસકોરાં બંધ પણ થઈ જતાં. ત્યારે તો રાત્રે જાગતા બેસી રહેવું પડતું. જેલના ડૉક્ટરો જે સારવાર આપે અને સાવચેતી માટે પોતે જે પગલાં લે તેથી બાપુજી હતા ત્યાં સુધી ચલાવ્યું. ગાંધીજીએ એકવીસ દિવસના ઉપવાસ શરૂ કર્યા તે જ દિવસે તા. ૮-૫-’૩૩ના રોજ સાંજે તેમને છોડી મુકવામાં આવ્યા. મહાદેવભાઈ પણ તેમની સજાની મુદત પૂરી થતાં તા. ૧૯-૫-’૩૩ના રોજ છૂટી ગયા. એટલે સરદાર અને છગનલાલ જોષી યરવડા જેલમાં એકલા રહ્યા.

બાપુજીના ઉપવાસ તા. ૨૯-૫-'૩૩ના રોજ પૂરા થયા. તે દિવસે સરદારે યરવડામાંથી બાપુજીને, મહાદેવભાઈને તથા દેવદાસભાઈને નીચે પ્રમાણે કાગળો લખ્યા :

“પૂજ્ય બાપુ,

“આખરે ઈશ્વરે આપની ટેક રાખી. આ પુણ્ય પ્રસંગે અમે બેઉ *[] આપના આશીર્વાદ માંગીએ છીએ.
“પ્રભુની આપના ઉપર અપાર દયા થઈ છે. પણ હવે અમારા ઉપર પણ આપ થોડી દયા રાખજો. બીજું હવે પછી વખત આવ્યે.
લિ. સેવક
વલ્લભભાઈના દંડવત્ પ્રણામ”
 



“પ્રિય ભાઈ મહાદેવ,

“આખરે પ્રભુએ લાજ રાખી. આ દેશનાં પાપ ઘણાં છે, છતાં કંઈક પાપ કરતાં પાછું જોયું હશે એટલે સૌનાં મોં ઊજળાં રહ્યાં. પ્રેમલીલાબહેનની અપાર સેવાનો બદલો ઈશ્વરે આપ્યો. એમને તો યશ મળ્યો. ખરેખર ઈશ્વરની અપાર દયા છે. બાકી આપણે લાયક તો નથી જ. આજે સૌને હર્ષનાં આંસુ આવે છે. પ્રભુનો પાડ માનીએ છીએ. સાંજના કાગળની રાહ જોશું.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ્”
 

“ચિ. દેવદાસ,

“ભગવાને આખરે લાજ રાખી. અમારે અહીં બેઠાં પ્રભુની અપાર દયાને માટે પાડ માનવો જ રહ્યો. બીજું શું કરીએ ? તમે બધાંએ ખૂબ કરી. ઘણાને ભય હતો કે જેલમાં જે સંભાળ રાખી શકાશે તે બહાર નહીં રાખી શકાય. અને બાપુની માવજત બરાબર નહીં થઈ શકે. લોકોનાં ટોળાં આવશે તેને રોકી નહીં શકાય અને કશી વ્યવસ્થા નહીં રાખી શકાય. આ બધું તમે બધાંયે ખોટું પાડી દીધું અને જે સુંદર વ્યવસ્થા કરી તેને માટે તમને સૌને મુબારકબાદી જ આપવી રહી. એ કામ બહુ ભારે થયું છે અને એ માટે તમારે બધાંએ મગરૂબ થવા જેવું છે. શ્રી પ્રેમલીલાબહેનને યશ મળ્યો એ કેટલું બધું સુંદર ! એમની સેવા અમૂલ્ય ગણાય. બાને અમારા પ્રણામ કહેજે અને અમને આશીર્વાદ આપવા કહેજે. અમે તો અહીં બેઠા કશા કામમાં આવી શક્યા નથી. અને હજી પણ કંઈ કરી શકતા નથી.

“તારી તબિયત સારી થઈ ગઈ હશે.

“બાપુને પારણાં વખતે મારી બે લીટીની ચિઠ્ઠી વાંચી બતાવવી યોગ્ય લાગે તો જોજે.

“રાજાજીને હવે જીવમાં જીવ આવ્યો હશે. બિચારા બહુ જ દુઃખી થયા છે.

“રામદાસ હમણાં તો અહીં રહેશે જ ને ? એની તબિયત સંભાળવા જેવી છે.

લિ. શુભેચ્છક
વલ્લભભાઈના આશીર્વાદ”
 

ત્યાર પછી બાપુજીને તથા મહાદેવભાઈને લખેલા પત્રો નીચે આપ્યા છે :

“યરવડા મંદિર,
તા. ૩૦–૫–’૩૩
 

“પ્રિય ભાઈ મહાદેવ,

“તારો કાગળ મળ્યો. જવાહરલાલની પેલી ચોપડીનું શું કરવું છે? એને પાછી જ મોકલવી હોય તો અહીંથી જ મોકલી દઉંં. નહીં તો તને મોકલી આપું.

“જમનાલાલજી એકલા આવ્યા છે કે જાનકીબહેનને સાથે લઈને આવ્યા છે ? એમની તબિયત હવે કેમ છે ?

“પેલા પરચૂરે શાસ્ત્રીનું શું છે ? કેમ આશ્રમ છોડવા માગે છે ? શો વાંધો પડ્યો છે?

“બાપુ જરા બોલતા બેસતા થાય કે તરત જ આશ્રમના કોયડાઓ અને કજિયાઓનો મારો ચલાવવો છે કે શું ?

“મને લાગે છે કે આશ્રમમાં શું કરવું ઘટે છે એ જમનાલાલજીએ બાપુ પાસેથી સમજી લઈને ત્યાં જઈ આશ્રમને હળવું કરી નાખવું જોઈએ. જો પાછા દરેક નાના મોટા કજિયા બાપુ પાસે આવશે તો આખરે આપણે ભારે મુસીબતમાં આવી પડશું. હું તો શું કરું ? અહીં લાચાર થઈ પડેલો છું એટલે શું થાય ?

“હમણાં એક અઠવાડિયું તો કશી વાત એમની પાસે ન થાય તો સારું. હાલ છે એ પ્રકારનું આશ્રમ તો કોણ ચલાવી શકે ? મને નથી લાગતું કે કોઈ ચલાવી શકે. અને બાપુને એ ભારે લાગી ગયું છે. એનો રસ્તો આપણે કરવો જ જોઈએ અને તે પણ બાપુને આઘાત ન પહોંચે એ રીતે કરવો જોઈએ. પેલી નીલા ને …નો બોજો બહુ ભારે પડવાનો છે. એ સાપના ભારાઓને કોણ સંભાળશે ? એમ છતાં એ બોજો ઉપાડ્યે જ છૂટકો છે એમ તો મને ભાસે જ છે. પણ એ નારણદાસની શક્તિ બહારનું કાર્ય છે એમ મારું માનવું છે. કોઈક વધારે શક્તિશાળી માણસે આશ્રમમાં રહેવું જોઈશે. વિનોબા ત્યાં જાય તો સારું, કાકા તો જશે જ નહીં. એટલે બીજું શું થાય ? પણ આ બધા વિચારો આપણે બાપુને અલગ રાખી કરી લેવા જોઈએ.

“સાંકળ (ઉપવાસની)ની બાબતમાં એમના વિચારો હજી જાણવાના રહ્યા. એ તો જરા બોલવાની શક્તિ આવશે એટલે તમને વાત કર્યા વિના નહીં રહે. પણ એ વિષે પણ એમને ઓછામાં ઓછો શ્રમ પડે એવી રીતે કામ લેવું જોઈશે. બાપુના ઉપવાસની અસર મુલક ઉપર શી થઈ છે તે તો હવે પછી જણાશે. સનાતનીઓ મૂંગા રહ્યા છે એનો અર્થ એ નથી કે એ લોકોને આ ગમ્યું છે કે એની બરદાસ કરવા તૈયાર છે. હવે દેશમાં પાછું પેલા ઉપવાસ પછી જે રીઍક્‌શન થયેલું તેવું થાય છે કે શું થાય છે તે જોવાનું રહ્યું અને એને રોકવાનું રહ્યું. બાપુના મન ઉપર એની બહુ જ અસર થશે. માલવીજી આવવાના છે ? એમને પણ બધી વસ્તુ (આશ્રમ સિવાયની) સમજાવવી જોઈએ. એમનો વિરોધ હવે ટાળવો જોઈએ. બાપુને એમણે પૂરો સહકાર આપવો જોઈએ. જો હવે ચૂકશે તો બાપુને ખોઈ બેસીશું. તમે બધા વિચારતા તો હશો જ.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ્ ”
“યરવડા મંદિર,
૫-૬-’૩૩
 


“પૂજ્ય બાપુ,

“લગભગ એક મહિના પછી પાછા આપના હસ્તાક્ષરનાં દર્શન થયાં. અમને ખૂબ આનંદ થયો. અમે બેઉ મજામાં છીએ. ચિંતા તો હું શું કરવાનો હતો ? અને મારી ચિંતા કરેલી શા કામની ? ઈશ્વર આપની ચિંતા કરનારો છે ને ?

“હાથે કાગળો લખવાની બહુ ઉતાવળ ન કરશો. પૂરી શક્તિ આવવા દો. ત્યાં સુધી મહાદેવ પાસે લખાવો અને આપ સહી કરવાનું રાખો એટલે બસ છે.

“આશ્રમ સંબંધી જે કંઈ જાણવું હોય તે જાણવા ખાતર નારણદાસને બોલાવજો પણ આપ ત્યાં જવાનો વિચાર ન કરશો. નારણદાસની સાથે જેને લાવવા ઈચ્છા હોય તેને લાવે પણ આપને ત્યાં બોલાવવાનો આગ્રહ ન રાખે

એ મારો ચોક્કસ અભિપ્રાય છે. આશ્રમમાં જે કંઈ ફેરફાર કરાવવા જરૂરના લાગે તે જમનાલાલજીને મોકલી કરાવી શકાય. પણ એ ખાતર અત્યારે આ ત્યાં જાઓ એ બિલકુલ ઇચ્છવાયોગ્ય નથી. ત્યાં લોકોના ટોળેટોળાં અવશે. અનેક વાતો આપની પાસે લાવશે અને આપને જરાય ચેન પડવા નહીં દે. વળી બીજાં પણ અનેક કારણો છે. એટલે આપ ત્યાં જવાનો વિચાર ન કરશે. નારણદાસ આ બધી વસ્તુઓનો વિચાર ન કરી શકે કારણ કે એમની પાસે એ ચિતાર ખડો ન થાય તેથી આપને બોલાવવા ઇચ્છે. પણ જો ખરી વસ્તુસ્થિતિ સમજે તો ન જ બોલાવે. મને કેરી શું કામ મોકલી ? તમે આજે લાડ લડાવો અને કાલે શું કરો તે કોણ જાણે ! તમારી દયામાં અને અહિંસામાં જે નિર્દયતા અને હિંસા ભરેલાં છે તે તો ‘જેને રામબાણ વાગ્યાં હોય તે જાણે.’! મારું ના માનો તો બાને પૂછજો. એ મારી વાતમાં સંમત થશે જ. પાછા જલદી સારા થઈ જજો. રામદાસની સંભાળ લેજો. એનું શરી૨ હજી વળ્યું નથી.

“છગનલાલ પ્રણામ લખાવે છે.

લિ. સેવક
વલ્લભભાઈના સા. દ. પ્રણામ ”

 



"યરવડા મંદિર,
૫-૬-’૩૩
 

“પ્રિય ભાઈ મહાદેવ,

“તમારો સવારનો કાગળ મળ્યો. મેં તો સવારમાં સાત વાગ્યે લખીને કાગળ ઑફિસમાં મોકલેલો હતો, એટલે આપણા કાગળો ભટકાયા ખરા. તમારો બીજો સાંજે મળ્યો. સાથે બાપુનો પણ મળ્યો. તેનો જવાબ સાથે છે.

“મણિબહેનનું શું થાય ? મેં તો તા. ૧-૬-’૩૩ના રોજ એને કાગળ લખ્યો છે. તેમાં તમે લખો છો તે બધું લખ્યું છે. પણ એ તો એને જ્યારે મળે ત્યારે ખરો. મારો કાગળ એને જ્યારે હક્ક થાય ત્યારે આપે અને તે તો મને થોડી ખબર પડે છે. મૃદુલા ગયા પછી આ વખતે આ ઉપવાસથી એ વધારે મૂંઝાઈ લાગે છે. મારો કાગળ મળશે તો તો કંઈક શાંત પડશે.

“બાપુએ પાછા હાથે કાગળો લખવા શરૂ કરી દીધા. એ તો ઠીક પણ ગજા ઉપરાંત હાથ પાસે કામ ન લે એ સંભાળજો. છગનભાઈએ તો ઘણી વાતની નોંધ કરી રાખી છે. પાંચ વાગ્યે સવારે વહેલા ફરતી વખતે એ બધી વાતો છેડવાની છે. તે તો વખત આવશે ત્યારે કઈ ચૂકવાના થોડા છે ?

“ડૉ. પટેલના સવાલનો જવાબ શું આપી શકું ? સરકારમાંથી કંઈ નિકાલ ન થાય ત્યાં સુધી શું થાય ? એ કહે છે એ પ્રમાણે મને સગવડ મળે તો હું તો (ઑપરેશન કરાવવા) રાજી છું. પણ એ કંઈ થોડું મારા હાથમાં છે ? વળી એ બાબતમાં ડૉ. દેશમુખને પણ ખોટું ન લાગે એ જોવું જોઈએ ને?

“મારા જ હાથમાં હોય તો ડૉ. પટેલની સલાહ છે એ માન્ય રાખું એમ મને લાગે ખરું. પણ અત્યારે તે મારા હાથમાં કશું જ નથી એમ કહી શકાય. સરકારનો નિર્ણય થશે ત્યાર પછી શું કરવું એ સૂઝ પડશે. અમને ઘડિયાળની કશી જ જરૂર નથી. આ સાથે ઘડિયાળ મોકલી આપું છું. તેલની શીશી પણ મોકલી છે. બેઉ ચીજો મળ્યાની પહોંચ લખજો.

“પેલા હૉર્નિમૅન સાથે બહુ ચર્ચામાં ન ઊતરશો. કોઠી ધોઈને કાદવ કાઢવા જેવું થશે. સરોજિનીદેવીને નાકના ઑપરેશન માટે જલદી જવાનું બાપુએ કહ્યું નથી ? એ વિષે ફરી એને સૂચના કરજો. એ બિચારી ઉપવાસનું સાંભળીને ઑપરેશન બંધ રાખી દોડી આવી છે. હવે એને જલદી છૂટી કરવી જ જોઈએ ને?

“તમારે ત્યાં ‘મૉર્ડન રિવ્યૂ’ આવ્યું હોય તો મોકલજો.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ”

 
“યરવડા મંદિર,
૫-૬-’૩૩
 

“પ્રિય ભાઈ જમનાલાલજી,

મુંબઈ જઈને તબિયત બગાડી આવ્યા એ શું? મુંબઈમાં શું કરી આવ્યા ? પ્રભુદાસનું શું કર્યું ?

“જાનકીદેવી ક્યાં છે ? કેમ છે ? બાળકો બધાં કેમ છે ?

“તમારી તબિયત પહેલાં હતી તેવી ઝટ થવી જોઈએ.

“મુંબઈ ક્યાં ઉતારો રાખ્યો હતો? રામેસરદાસજી અને એમનું કુટુંબ કેમ છે ?

“વિનોદ કૉલમમાં કંઈ હોય તો મોકલજો.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ્‌”

 
“યરવડા મંદિર,
૯-૬-’૩૩
 

“પ્રિય ભાઈ મહાદેવ,

“ત્રણ દિવસે તમારા કાગળ મળ્યો એટલે જરા મૂંઝવણમાં પડ્યા હતા તેમાંથી મુક્ત થયા.

“ડૉ. મહેતાની સૂચના તો સાચી જ છે. ફળમાં કે શાકમાં શક્તિ ન જ હોય. પ્રોટીન વિના સ્નાયુ ન બંધાય. પણ બાપુને દૂધ એકલાથી કબજિયાત થાય છે એવો વહેમ હંમેશાં રહેલો છે. પેટ સાફ આવતું હોય અને દૂધ પચી જતું હોય તો દરરોજનું છ શેર દૂધ થતાં વજન વધવું જોઈએ અને શક્તિ આવવી જ જોઈએ. દૂધની સાથે દરેક વખતે અડધો ઔંસ કે એક ઔંસ ગ્લુકોઝ લેવાય તો શી હરકત છે? સહેજે પચી જશે અને ઠીક પડશે. મધ રોજ કેટલું લે છે ? દૂધનું દહીં કરી તે અને માવો બનાવી પેંડા કરી ગઈ વખતની પેઠે માવો ખાવાનું કરવાનું ડૉ. મહેતાને પૂછો અને હા પાડે તો એનાથી શક્તિ જલદી આવે. દહીંં એ ફેરફાર તરીકે સારું છે. સવારમાં દૂધની સાથે ગરમાગરમ પૉરીજ લેવાય તો બહુ જ સારું.” ’अन्नाद् भवन्ति भूतानि’ અન્ન સમાન પ્રાણ નહીંં. અને કોઈ પણ એક અનાજ લેવાય તો ઝટ શક્તિ આવે. ડૉ. દેશમુખની આંખની સૂચના સાચી છે. નંદુબહેને એમ જ આંખ ખોઈ નાખી.

“રાજાજીની સલાહ સાચી છે. લગ્ન (દેવદાસભાઈનાં) સિવિલ મૅરેજ ઍક્ટ પ્રમાણે રજિસ્ટર કરાવવું જ જોઈએ એ વિષે શક નથી. પણ બાપુની

હાજરીમાં લગ્નવિધિ થઈ જાય એટલે મોટામાં મોટું કામ ઊકલ્યું ગણાય. પછી તો એ બે જણ પોતે જઈને દસ્કત કરી આવે તોયે ચાલે. માત્ર એકાદ સાક્ષી જોઈએ. તે તો ગમે તે હોય.
“રમા []ને ઑપરેશન કરાવવા લખી દીધું છે.
“નારણદાસને અહીંથી મોકલેલાં ચોપડીઓનાં પાંચે પારસલ સહીસલામત મળ્યાં કે કેમ તેને વિષે કાગળ લખ્યો છે. આજે જવાબ આવવો જોઈએ.
“ચાર્લી [] વગેરેના કાગળોનું જાણી આશ્ચર્ય થાય છે. આટલાં વર્ષ સાથે કાઢ્ચાં છતાં એાળખતા નથી એ શું ? એવી રીતે બહાર રાખીને પછી શું દર્શન અર્થે કબાટમાં પૂરી રાખવા ઇચ્છે છે ? ને એમાં એમની સલાહ કે દબાણનું કામ (ન) હતું. એ તો કબીજીરએ કહી ગયા છે ને ?
“તમારે પોતાને માટે (જેલમાં જવાનો) નિર્ણય કરવામાં હવે કશી ઉતાવળ કરવાની જરૂર નથી. બાપુ પોતે જ આશ્રમને વિષે શાંત થયા હોય તો તમારે પણ હમણાં શાંત અને સ્વસ્થ રહેવું સારું છે. પછી સમય આવ્યે વિચારી યોગ્ય કરીશું.
“ભૂલાભાઈને ખૂબ વીત્યું લાગે છે. મેં ધીરૂને ગયા મહિનામાં છેલ્લા અઠવાડિયામાં કાગળ લખેલો તેનો જવાબ આજ સુધી ન આવ્યો. પાછા ચાર પાંચ દિવસ ઉપર ભૂલાભાઈને સીધો કાગળ લખ્યો, ત્યારે એ કાગળ પહોંચ્યાનું (ધીરુ) લખતો નથી. અને આ કાગળ ત્રીજી તારીખ નાખીને લખે છે. બાકી તો કવર ઉપર પણ નાશિકની ૭ની અને અહીંની ૮મીની છાપ છે. બાપુને શક્તિ નથી એટલે એ (ભૂલાભાઈને) ન લખે પણ તમે બાપુની વતી લખો અને બાપુની સહી કરાવીને મોકલો તો સારું. નાશિક સિવિલ હૉસ્પિટલમાં જ લખજો.
“બધું ચાલી રહ્યું છે તે જોતાં બંગાલ પૂરતા પૂના પૅક્ટ અને આખો ઍવોર્ડ રીવાઈઝ કરાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. સખત પ્રયત્ન થશે. પરિણામ શું આવે તે તો રામ જાણે. પણ ત્યાંની ગંધ એવી આવે છે કે ફજેતા કરીને ગધેડે ચડી ગામ પાર ઊતરીને બધા પાછા આવશે અને છેવટે વાંક તો બીજાનો જ કાઢવાના.
“ગઈ કાલનો ‘ટાઇમ્સ’નો લીડરેટ ઉપવાસ ઉપર જોયો? એ જોજો અને સાથે પેલા મદ્રાસવાળા સનાતનીઓ વિશે જે મદ્રાસનો રિપોર્ટ છે તે જોજો. થોડું થાડું જોતા રહેજો. વખત ન મળે તો શાસ્ત્રીને કહેજો કે તમારું ધ્યાન ખેંચતા રહે.
“મુંજે સેતલવાડનું યુદ્ધ ચાલી રહ્યું છે તે પણ જોતા હશો. પેલો કાલિદાસ જીનીવા જઈ આવ્યો તે જોયું હશે. આજે ‘હિંદુ’માં India and the worldમાં ગુરુદેવે લખેલો લેખ છે. તેનું કટિંગ પણ જોજો. ભારે લેખ લખ્યો છે.
“મેં તમને ના લખ્યું હતું તોયે તમે પેલા હૉર્નિમૅન સાથે ચર્ચામાં પડ્યા ને ? તમને ઘડિયાળ અને તેલની બાટલી મોકલેલી તે તો મળી ગઈ જ હશે. આજે મણિબહેનનો કાગળ છે. સ્વસ્થ થતી જણાય છે. એ તો થઈ જશે.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ્”

 


“યરવડા મંદિર,
૧૪–૬–’૩૩
 
“પ્રિય ભાઈ મહાદેવ,
તમારો કાગળ મળ્યો.
“મેં તો કોઈ વખત કોઈને મળવાની રજા માગી જ નથી. સરકાર પાસેથી રજા મેળવીને મળવામાં હું માનતો નથી. એવી મહેરબાની શું કામ માગવી ? એવી મુલાકાતમાં મને રસ નથી. એટલે લક્ષ્મી એવી રીતે રજા મેળવીને આવે એમાં શો લાભ? ડાહ્યાભાઈ તો ગયે અઠવાડિયે આવ્યો હતો, એટલે ક્યારે આવશે એ ન કહી શકું. દર અઠવાડિયે આવે એવું બનતું નથી. ગયે વખતે ચાર અઠવાડિયાં પછી આવ્યો હતો. …
“‘મોડર્ન રિન્યૂ’ મળ્યું છે. હિંદી પુસ્તક મળ્યું છે. પેલાં ‘હરિજન’ અને ‘હરિજનબંધુ’ હવે ન મોકલશો. ટપાલમાં આવે છે.
“બાપુને દૂધના અખતરામાં લાભ ન થયો એ નક્કી છે. દૂધથી ઝાડા થાય તો હમણાં એ અખતરા છોડવા જોઈએ. શાકનાં સૂપ ચાલુ કરવાં જોઈએ અને દૂધ કમી કરવું જોઈએ. પણ આજે ડૉક્ટરો શું કરી જાય છે તે મને જણાવજો. થોડું વજન વધે અને શક્તિ આવે પછી ખોરાકના અખતરા થઈ શકે. હમણાં તો ન જ થાય. આવી નબળાઈ બહુ વખત રહે એમાં જોખમ છે.
“આ કટિંગ ઉપરથી જણાય છે કે દુર્ગા પણ આવી છે. એ તો તમે અમને કહ્યું પણ નહીં.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ્”

 
“યરવડા મંદિર,
૨૦–૬–’૩૩
 

“પ્રિય ભાઈ મહાદેવ,

“તમારો કાર્ડ મળ્યો. બાપુનો પણ મળ્યો.
“આ સાથે બે કટિંગ મોકલ્યાં છે તે જોજો. એકમાં દેવદાસ અને રાજાજીના યુનિટી કૉન્ફરન્સવાળા મુસલમાન મિત્ર ઇચ્છે છે કે બાપુએ હરિજનનું કામ છોડી દેવું જોઈએ, અને બીજું છે તેમાં એમના ઍસેમ્બ્લીવાળા હરિજન મિત્ર કહે છે કે બાપુએ તો હવે એકલું હરિજનનું જ કામ કરવું જોઈએ.
“બાપુની તબિયત હવે સુધરવી જોઈએ. અખતરા કરવાનું હવે બિલકુલ છોડવું જોઈએ.
“કાકાની તબિયત બહુ સારી ગણાય. પણ હવે બહુ થયું ગણાય. બાર રતલ દૂધ ઓછું નથી. એથી વધારે ઉપર જશે તો પછી જ્યાં જશે ત્યાં ત્રણ ચાર ગાયો રાખવી જોઈશે.
“બ્રિજકૃષ્ણને હવે કેમ છે?
“પ્રભાવતી કેવી રીતે આવી ? એની સજા તો હજી બાકી હતી. નાશિક જયપ્રકાશને મળવા જવાની છે કે નહીં?
“મિસિસ નાયડુને આજે લખ્યું છે. અંબાલાલભાઈ પરિવાર સાથે આવી ગયા હશે. કેમ છે? મૃદુલાનું કેમ છે?

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ્”

 

ગાંધીજી સરદારના ઑપરેશન વિષે બહુ ચિંતા કર્યાં કરતા હતા. એટલે એમના ઉપવાસ પૂરા થયા અને તબિયત કંઈ ઠેકાણે આવી ત્યાર પછી સરદારે તા. ૨૩-૬-’૩૩ના રોજ ગાંધીજીને નીચે પ્રમાણે કાગળ લખીને હકીકત જણાવી :

“પૂ. બાપુ,
“ગયે રવિવારે લખેલો આપનો પત્ર મળ્યો હતો. આપની તબિયત હવે કંઈ હરવાફરવા જેવી થઈ હશે. આપે મારા નાકના ઑપરેશન વિષે પૂછ્યું હતું. તે સંબંધમાં સરકારનો કશો નિર્ણય થયો ન હતો. એટલે લખી શક્યો ન હતો. હવે એ સંબંધમાં જે પત્રવ્યવહાર થયો છે તે બધો આ સાથે મોકલ્યો છે. ડૉ. દેશમુખે તા. ૬-૫-’૩૩ના રોજ સુપરિન્ટેન્ડેન્ટને કરેલા રિપોર્ટ, ત્યાર પછી તે જ મહિનાની તારીખ ૩૦મીનો સુપરિન્ટેન્ડેન્ટનો કાગળ અને તેનો તે જ દિવસે આપેલ મારો જવાબ, તે ૫છી સુપરિન્ટેન્ડેન્ટ ઉપર તા. ર૦મીનો ઇન્ડિયા સરકારનો હુકમ આવેલો તેનો જે ભાગ મને આપવામાં આવ્યો છે, અને તેનો મેં ગઈ કાલે આપેલો જવાબ, એ બધું આ સાથે સામેલ કરેલ છે. એ ઉપરથી શું થયું છે તે આપ જોઈ શકશો, મને નથી લાગતું કે મારું એ વિષે ઠેકાણું પડે. ગમે તેવી સ્થિતિમાં મારે ઑપરેશન કરાવવું નથી. એથી નુકસાન થવાનો ભય છે. હવે એવા ખાડામાં મારે ઊતરવું નથી. મને ઘણા એવી સલાહ આપે છે, અને એ હું માનું છું કે મારે મુંબઈમાં સારા નિષ્ણાત પાસે જ ઑપરેશન કરાવવું જોઈએ. ડૉ. અનસારીએ ડૉ. ટી. ઓ. શાહ પાસે જ કરાવવાની ભલામણ કરી હતી. તેથી આપ વિલાયત ગયા ત્યારે આપે ડૉ. દેશમુખની સાથે મને એની પાસે મોકલ્યો હતો. એણે તપાસીને ઑપરેશન કરવા સલાહ આપી હતી, પણ તે વખતે મારાથી પંદર દિવસ એને માટે કાઢી શકાય તેમ ન હતું. પછી ગયા જાન્યુઆરી મહિનામાં મેં ‘કોટેરાઈઝ’ કરાવ્યું હતું. પણ બીજે જ દિવસે અહીં આવવાનું થયું. અને તેથી કંઈ નુકસાન થયું છે. એ સંભવ છે. કારણ આખી વાટ મોટરમાં આવવાથી પવન લાગ્યો હોય. ગમે તેમ હોય પણ હવે જે શરતો સરકારે નાખી છે એ શરતોથી જોખમમાં ઊતરવાનો મારો વિચાર થતો નથી. કારણ ડૉક્ટર મુંબઈના અને રહેવાનું સાસૂન હૉસ્પિટલ પૂનામાં, એ બરોબર નથી. વળી મુંબઈના ડૉક્ટરને જે સગવડ જોઈતી હોય તે અહીં ન મેળવી શકે એટલે જોખમ કોને માથે રહે ? સરકાર તો પોતે હાથ ધોઈ ઊભી રહેવા માગે છે. આપ સમજી શકશો કે આઈ. જી. પી. ની ઇચ્છા પ્રમાણે જ આમ થયેલું હશે. ભલે, જ્યારે સરકારને સલાહ મળે કે ઑપરેશન કર્યે જ છૂટકો છે ત્યારે એ કરાવશે કે જોઈએ તે સગવડ આપશે. ત્યાં સુધી પીડા ભોગવવી એ સારું છે. દોઢ વર્ષ ભોગવી તો વળી વધારે. પણ આવી રીતે મુશ્કેલીમાં એ કામ ન થાય. જિંદગીને જોખમ લાગે એવું કંઈ થશે તો તો સરકાર પોતે જ જે કરવું હશે તે કરાવશે. અને જોખમ નહીં હોય તો પીડા વેઠવી એ તો આપણું કર્તવ્ય જ છે ને ? વેઠવા આવ્યા છીએ અને વેઠશું એમાં શું ? આપ આ સંબંધમાં નિશ્ચિત રહો એમ ઇચ્છું છું. મને કશું થવાનું નથી. બધી જોઈતી અનુકૂળતા મળ્યા સિવાય

આ કામ કરાવવાને આપ આગ્રહ ન કરશો. આ સંબંધમાં સરકારમાં આપ કશું જ ન લખો અગર બહાર કશું જ આંદોલન ન થાય એવી મારી ખાસ વિનંતી છે. હું જેલમાં માંદો રહું છું એવું બહાર આવે એથી મને ભારે શરમ લાગે અને મારી એવી નાલેશી તો આપ નહીં જ થવા દો. સરકારને જ્યાં સુધી એના ડૉક્ટરો એવી સલાહ નહીં આપે કે ઑપરેશન કર્યા સિવાય છૂટકો નથી, ત્યાં સુધી એ કોઈનું નહીં માને અને જિંદગીને જ્યારે જોખમ જેવું લાગશે ત્યારે તો એના જ ડૉક્ટરો અને આઈ. જી. પી. પણ જરૂર એવી સલાહ આપશે. પણ એવો વખત આવવાનો જ નથી. એટલે માત્ર પીડા વેઠવાથી જ કંટાળીને ધમપછાડા શા માટે કરવા જોઈએ ? મેં ડૉક્ટરને બોલાવવાની માગણી કરી છે. તે સ્વીકારાશે તો તેમને મળી, બધી હકીકતની તેની સાથે ચર્ચા કરી, કયા ડૉક્ટર પાસે ઑપરેશન કરાવવું અને તે માટે શી સવગડ જોઈએ એ બધું જાણી લઈ, સરકારને છેવટનો જવાબ હું આપીશ અને તેની આપને ખબર આપીશ. આપ જરાય ચિંતા ન કરશો.

લિ.
વલ્લભભાઈના પ્રણામ”

 


સરદારના નાકના ઑપરેશનની કહાણી એવી છે કે એમને યરવડામાં નાકની બહુ હેરાનગતિ થતી હતી, એટલે સરકાર તરફથી પૂનાની સાસૂન હૉસ્પિટલના નાકના ખાસ ડૉક્ટર પાસે એમને તપાસરાવ્યા. એણે અને સિવિલ સર્જને એવો અભિપ્રાય આપ્યો કે ઑપરેશન કરાવવામાં આવે તો ફાયદો થવા સંભવ છે. એટલે સરદારે પોતાના ડૉક્ટર દેશમુખને બોલાવરાવી તેમની પાસે પોતાની તબિયત તપાસડાવી. ‘ડીફ્લેક્ટેડ નેઝલ સેપ્ટમ’ માટે ઑપરેશન કરાવવાની તેમણે પણ સલાહ આપી. સાથે એવો અભિપ્રાય આપ્યો કે ઑપરેશન મુંબઈમાં કરાવવામાં આવે તો સારું. તે ઉપરથી આઈ. જી. પી. એ સરદારને પુછાવ્યું કે તમે ઑપરેશન જલદી કરાવવા ઈચ્છો છો કે કેમ ? સરદારે હા પાડી. પણ તેઓ તો હિંદી સરકારના કેદી હતા. એટલે હિંદી સરકારનો હુકમ મેળવવો જોઈએ. હિંદી સરકારે તા. ૨૦-૬-’૩૩ના રોજ જણાવ્યું કે પૂનાની સાસૂન હૉસ્પિટલમાં ઓપરેશન કરાવવાની સરદારની ઈચ્છા હોય તો ત્યાં ઑપરેશનની સગવડ કરી આપવામાં આવશે. પણ બીજી કોઈ ઇસ્પિતાલમાં અથવા પૂનાની બહાર ઑપરેશન માટે તેમને લઈ જવામાં આવશે નહીં. વળી તા. ૨૧મી એપ્રિલે સાસુન હૉસ્પિટલના સિવિલસર્જન તથા નાકના દરદના ખાસ ડૉક્ટર મંડલિકે તેમને તપાસીને એવો અભિપ્રાય આપેલ છે કે ઑપરેશન એકદમ કરવું જ જોઈએ એ જરૂરનું નથી. એટલે જે મિ. પટેલને પોતાના ડૉક્ટર પાસે ઓપરેશન કરાવવું હશે તો તેને અંગે જે ખર્ચ થશે તે તેમને જે ભથ્થાની રકમ આપવામાં આવે છે તેમાંથી કંઈ વધેલી રકમ હશે તો તેમાંથી, નહીં તો બીજી રીતે મિ. પટેલે પોતે આપવું પડશે. મિ. પટેલને એ પણ જણાવવું કે ઑપરેશન સફળ થાય કે નહીં તેની તમામ જવાબદારી ઑપરેશન કરનાર મિ. પટેલના ડૉક્ટર ઉપર રહેશે, સરકાર ઉપર કશી નહીં રહે. આના જવાબમાં સરદારે સરકારને જણાવ્યું કે, ‘ઑપરેશન કરાવવું એ સલાહ ભરેલું છે કે કેમ એ બાબતમાં કંઈ ગેરસમજ થયેલી લાગે છે. જેલના ડૉક્ટરોએ ગયા એક વર્ષ કરતાં વધુ વખત સુધી જે ઉપાયો સૂચવ્યા તે મેં કર્યા છે. અને તેની કશી અસર ના થઈ ત્યારે તેમણે જ ડૉક્ટર મંડલિકની સલાહ લીધી હતી. સિવિલ સર્જન તથા ડૉ. મંડલિકે મને એવી સલાહ આપી ન હોત કે ઉત્તમ ઉપાય ઑપરેશન કરાવી નાખવું એ જ છે, તો મેં મારા ખાનગી ડૉક્ટર, ડૉ. દેશમુખ પાસે તપાસાવવાની માગણી પણ ન કરી હોત. હવે સરકારની પરવાનગીથી મારા દાક્તરે મને તપાસીને એવી સલાહ આપી છે કે ઑપરેશન જરૂરી છે. પણ નાકનું ઑપરેશન બહુ નાજુક હોય છે. પહેલાં એક વખત મેં ઑપરેશન તથા કૉટેરીઝેશન કરાવેલું છે. એટલે ફરી મારે ઑપરેશન કરાવવું હોય તો ઉત્તમ સગવડ મળે, જેથી નિષ્ફળતાનો ભય ન રહે એવી સ્થિતિમાં જ મારે ઑપરેશન કરાવવું છે. પરંતુ સરકારના હુકમ ઉપરથી એમ જણાય છે કે ઑપરેશન કરનાર સર્જન મારો રાખવામાં આવે તોપણ તેને તેઓ ખૂબ મર્યાદિત સગવડ આપવા ઈચ્છે છે અને ઑપરેશનની જવાબદારીનો ભાર તેના ઉપર નાખવા ઇચ્છે છે. આ સ્થિતિમાં મારા ડૉક્ટરની સલાહ લીધા વિના હું કાંઈ નિર્ણય કરી શકતો નથી.’

આ ઉપરથી ડૉ. દેશમુખ અને ડૉ. દામાણી સરદારને સરકારની પરવાનગીથી અગિયારમી જુલાઈએ ફરી તપાસી ગયા. તેમણે અભિપ્રાય આપ્યો કે, ‘ઑપરેશન બે કે ત્રણ હપ્તે કરવું પડશે. અને કર્યા પછી પણ બહુ કાળજીપૂર્વક સંભાળ રાખવી પડશે એટલે અમે મુંબઈમાં જ ઑપરેશન કરાવવાની સલાહ આપીએ છીએ.’ આ સલાહ સરકારે સ્વીકારી નહીં, પણ પૂનામાં સાસૂન હૉસ્પિટલમાં જે સગવડ જોઈએ તે આપવા કહ્યું. સરદારે ૨૯મી જુલાઈએ છેવટનો જવાબ લખી નાખ્યો કે, ‘મારા ડૉક્ટર છ અઠવાડિયાં પૂના આવીને રોકાઈ શકે એમ નથી. જોકે મારી પીડા વધતી જાય છે, અને દરદ અસહ્ય થતું જાય છે. પણ સરકારને એના પોતાના ડૉક્ટરો જયાં સુધી મારા ઑપરેશન વિષે સલાહ ન આપે ત્યાં સુધી એ પીડા મારે વેઠ્યે જ છૂટકો છે.’ આમ નાકના ઑપરેશનનું આ પ્રકરણ પતી ગયું. બહાર આવ્યા પછી છેક ૧૯૩૫માં સરદાર ઑપરેશન કરાવી શકેલા.

તા. ૧-૮-૩૩ના રોજ જ્યારે ગાંધીજીને અમદાવાદમાં પકડવામાં આવ્યા તે જ દિવસે સરદારને યરવડાથી ખસેડી નાશિક જેલમાં લઈ જવામાં આવ્યા. નાશિક જેલમાં પોતાને અંગ્રેજી ઘણાં છાપાં મળતાં પણ ગુજરાતી એકે નહીં મળતું તે માટે મુંબઈ સમાચારની સરદારે માગણી કરી ત્યારે સરકારે એમને ‘જામેજમશેદ' આપવા માંડ્યું. એ સંબંધી તથા બીજા નાના નાના ઝઘડા સરકાર સાથે ચાલ્યા જ કર્યા. ખૂબ પત્રવ્યવહાર ચાલ્યો. સરકારની પરવાનગીથી જ પોતાના ડૉક્ટરને મુંબઈથી બોલાવી તેમણે દાંતની ટ્રીટમેન્ટ કરાવી હતી, અને તેનું બિલ પોતાની માસિક ભથ્થાની રકમમાંથી જ આપવાનું હતું. છતાં બિલ ઘણું ભારે છે એવા સરકારે વાંધો ઉઠાવ્યો. તે સંબંધી પણ ઘણી લખાપટી થઈ. અને સરકારે પોતે મંજૂર રાખ્યા પ્રમાણે જ બિલની રકમ આપવાનો આગ્રહ કર્યો. ત્યારે સરદારે તે સંબંધમાં પોતાના વકીલની સલાહ લેવાની માગણી કરી, તે સરકારે મંજૂર ન રાખી.

નાશિક જેલમાં એમને લઈ ગયા પછી એક નાનો પણ સરકારનું અઘટિત વર્તન બતાવનારો બનાવ બની ગયો તેની અહીં નોંધ લેવી જોઈએ. નાશિક જેલમાં શરૂઆતમાં તો સરદારને ત્યાંની હોસ્પિટલની એક બેરેકમાં રાખ્યા, અને સોબતી તરીકે શ્રી મંગળદાસ પકવાસાને તેમની સાથે રાખવામાં આવ્યા. પણ થોડા જ દિવસ પછી બનાવટી સહીઓ કરવા માટે જેને પાંચ વર્ષની જેલની સજા થયેલી એવા એક કેદીને એમની બરાકમાં રાખવામાં આવ્યો. ખરી રીતે તો સરદારને અલગ કોટડી આપવી જોઈએ. પણ શ્રી મંગળદાસ તો પોતાના અંગત માણસ અને બરાક જરા મોટી અને સગવડવાળી હતી એટલે સરદારે વાંધો ઉઠાવેલ નહીંં. પણ ચોવીસે કલાક ગુનેગાર કેદીને આવી રીતે પોતાની સાથે રાખવામાં આવે એ સ્વાભાવિક રીતે ત્રાસરૂપ લાગે. એટલે સરદારે સુપરિન્ટેન્ડેન્ટને એની સામે પોતાનો વાંધો જણાવ્યો. સુપરિન્ટેન્ડેન્ટની દાનત તો કદાચ એવી હશે કે મંગળદાસ પકવાસાને બદલે પેલા ગુનેગાર કેદીને સરદારની સાથે રાખી તેમને સોબતી આપે છે એમ કહેવડાવવું. પણ સરદારે વાંધો ઉઠાવ્યો એટલે હોસ્પિટલ વિભાગમાંથી ખસેડી તેમને બીજા વિભાગમાં અલગ કોટડીમાં લઈ ગયા. ત્યાં હોસ્પિટલ જેવી સગવડ ન હતી. છતાં મંગળદાસ પકવાસાને સોબતી તરીકે એ વિભાગમાં રાખ્યા હતા એટલે સરદારને કશો વાંધો ઉઠાવવા જેવું હતું નહીં, પણ શ્રી મંગળદાસ તેમની સજા પૂરી થતાં તા. ૯મી સપ્ટેમ્બરે છૂટી ગયા. એટલે એ આખા વિભાગમાં સરદાર એકલા પડ્યા. સોબતી આપવા માટે તેમણે સુપરિન્ટેન્ડેન્ટને વાત કરી પણ એ રાજદ્વારી કેદીઓમાંથી કોઈને આપવા રાજી ન હતો. એટલે સરદારને મુંબઈ સરકારના હોમ મેમ્બરને લખવું પડયું. તેને જણાવ્યું કે,

“ તમે સજા તરીકે મને એકાંતમાં રાખવા ઇચ્છતા હો તો હું વાંધો ન ઉઠાવી શકું, પણ એકાંત સજાને પાત્ર થવા જેવું મેં કશું કર્યું નથી. વળી મારી તબિયત સારી હોય તો હું એકાંતની તકલીફને ગણકારું એવો નથી, પણ નાકની તકલીફને લીધે મારે કેટલીય રાત આખી જાગતા અને બેઠા રહીને ગાળવી પડે છે. વળી મારી પાસે કોઈ સોબતી હોય તો મારી બીમારીમાં હું તેની પાસે કંઈ લખાવું અથવા વંચાવુંતે ખરો. મારી આવી નાદુરસ્ત તબિયતમાં બિલકુલ એકાંતમાં રહેવાનો બોજો મારી ઉપર નાખવો એ યોગ્ય નથી. આ જેલમાં રાજદ્વારી કેદીઓ ઘણા છે. તેમાંથી એક અથવા બેની સોબત મને આપવામાં આવે તે મને ઘણી આશાએશ મળે એમ છે.”

આ કાગળ ગયા પછી થોડા દિવસે ડો. ચંદુલાલ દેસાઈને સોબતી તરીકે એમની સાથે રાખવામાં આવ્યા.

સરદાર યરવડામાં હતા ત્યારે જ '૩ર ના નવેમ્બરમાં એમનાં માતુશ્રીનું અવસાન થયેલું. તે વખતે તો ગાંધીજી અને મહાદેવભાઈ એમની સાથે હતા. નાશિક જેલમાં ગયા પછી બેએક મહિનામાં એટલે તા. ૨૨-૧૦-'૩૩ ના રોજ પોતાના મોટાભાઈ નામદાર શ્રી વિઠ્ઠલભાઈનું પરદેશમાં સગાંસંબંધીઓથી દૂર એવી વિષમ હાલતમાં અવસાન થયું. નામદાર વિટ્ઠલભાઈને ૧૯૩૧ના જાન્યુઆરીમાં એમની તબિયતને કારણે એમની સજા પૂરી થતાં પહેલાં છોડી મૂકવામાં આવ્યા હતા. એમને પેટનું ઓપરેશન કરાવવાની બહુ જરૂર હતી, તે ઑપરેશન બહુ ગંભીર હતું એટલે તે માટે તેઓ તરત જ વિયેના ગયા. ત્યાં એમની તબિયત પૂરી સુધરી ને સુધરી એવી હાલતમાં તેઓ અમેરિકા જઈ આવ્યા. ત્યાં હિંદુસ્તાનની હાલત વિષે તેમણે અનેક ભાષણો આપ્યાં. એ બોજો તેમની તબિયત સહન કરી શકી નહીં, પાછા વિયેના આવી ત્યાંની હોસ્પિટલમાં દાખલ થયા. પણ દીવામાં તેલ ખૂટી ગયું હતું એટલે થોડા જ વખતમાં એમના જીવનદીપ હોલવાઈ ગયો. તેમના અવસાન માટે દિલસોજી બતાવનારા પુષ્કળ તારો અને કાગળો સરદાર ઉપર આવ્યા. જેલમાંથી એ બધાને જવાબ આપી શકાય નહીં, એટલે તેમણે નીચેનો સંદેશો વર્તમાનપત્રોમાં છાપવા માટે સરકાર ઉપર મોકલી આપ્યો :

"મારી ઉપર વિઠ્ઠલભાઈના અવસાન બદલ દિલસેજી અને લાગણી બતાવનારા પુષ્કળ કાગળો (દેશના જુદા જુદા ભાગોમાંથી, બ્રહ્મદેશ અને લંકાથી પણ,) આવ્યા છે તે બધાને (અહીંથી) વ્યક્તિગત જવાબ આપવાનું મારે માટે શક્ય નથી. તેથી મારા પ્રત્યે જેઓએ દિલાસજી બતાવી છે તેમનો (જાહેર રીતે) આભાર માનવાની આ તક હું લઉં છું. (મારા દુ:ખમાં લાખ માણસે ભાગ લેનારા છે એના કરતાં વધારે મોટું આશ્વાસન મને બીજું શું હોઈ શકે ?)”

ઉપરના સંદેશામાંથી કૌંસમાં મૂકેલા શબ્દો કાઢી નાખીને સંદેશો છાપવો હોય તો છપાવી શકાશે એમ સરકાર તરફથી રાજદ્વારી કેદી શ્રી વલ્લભભાઈ પટેલને જણાવવામાં આવ્યું. સરદારે એના જવાબમાં જણાવ્યું કે મારા આવા નિર્દોષ સંદેશામાં પણ કાપકૂપ કરવાથી તે અચોક્કસ, બુઠ્ઠો અને અર્થહીન થઈ જાય છે. એટલે એ ન છપાવવાનો હું નિર્ણય કરું છું.

પછી તા. ૯–૧૧–’૩૩ ના રોજ નામદાર વિઠ્ઠલભાઈનું શબ વિયેનાથી મુંબઈ લાવવામાં આવ્યું. માર્સેલથી શબને લઈ જતી સ્ટીમર ઊપડે તે પહેલાં શ્રી સુભાષ બોઝે ગાંધીજી, જેઓ હરિજનયાત્રામાં હતા તેમને તાર કર્યો કે વિઠ્ઠલભાઈની અંતિમ ક્રિયા વલ્લભભાઈને હાથે થાય એ ઈષ્ટ છે, માટે તમે એની વ્યવસ્થા કરો. ગાંધીજીએ તા. ૨૮–૧૦–’૩૩ ના રોજ છાપાં જોગું નિવેદન બહાર પાડીને પોતાનો અભિપ્રાય જણાવ્યો કે, ‘સરદાર પેરલ ઉપર છૂટા થવાની અરજી નહીં કરે એમ હું માનું છું અને તેથી તેમને હાથે અંતિમ ક્રિયા થાય એ શક્ય લાગતું નથી.’ છતાં બહારના કેટલાક મિત્રોએ સરકારમાં લખાણ કર્યું તે ઉપરથી ૭મી નવેમ્બરની રાત્રે સરદારને જણાવવામાં આવ્યું કે વિઠ્ઠલભાઈની અંતિમ ક્રિયા કરવા માટે તમને નીચેની શરતે છોડવામાં આવશે :

૧. તમે શ્રી વિઠ્ઠલભાઈની અંતિમ ક્રિયા કરી શકો તે માટે જેટલો વખત આવશ્યક હોય તેટલા વખતને માટે તમને છોડવામાં આવશે. પણ તમારે એવી બાંયધરી આપવી પડશે કે તમે બહાર હો તે દરમ્યાન તમે કોઈ રાજદ્વારી ભાષણ કરશો નહીં તેમ જ કોઈ રાજદ્વારી પ્રવૃત્તિમાં ભાગ લેશો નહી. ક્રિયા થઈ ગયા પછી નક્કી કરેલ સ્થળે અને સમયે તમે હાજર થઈ જશે જેથી તમને ફરી પકડવામાં આવે.
૨. તમને તા. ૯મી ને ગુરુવારે સવારે નાશિક જેલમાંથી છોડવામાં આવશે.
૩. તા. ૧૧મી ને શનિવારે મુંબઈથી નાશિક માટે સવારે ૭–૧૫ વાગ્યે ઊપડતી ટ્રેનમાં બેસીને તમારે નાશિક આવવું જોઈશે. એ ટ્રેન ૧૦–૫૭ વાગ્યે નાશિક પહોંચે છે. તે વખતે સ્ટેશન ઉપર એક પોલીસ અમલદાર હાજર હશે. ટ્રેનમાંથી ઊતરીને તમારે એને હવાલે થઈ જવું જોઈશે.

સરદારે જવાબ આપ્યો કે, ‘આવી કોઈ શરતે હું બહાર જવા ઈચ્છતો નથી. તમારે મને છોડવો હોય તો બિનશરતે છોડો. અને જ્યારે ફરી પકડવો હોય ત્યારે હું જ્યાં હોઉં ત્યાંથી તમે મને પકડી શકો છો. પણ હું મારી મેળે પોલીસને હવાલે થવા જવાનો નથી. આ પ્રસંગે બહાર મારી ઘણી જરૂર છે એ હું જાણું છું, પણ આબરૂ અથવા સ્વમાનને ભોગે મારે બહાર જવું નથી.’ તા. ૧૦મીએ નામદાર વિઠ્ઠલભાઈની બહુ મોટી સ્મશાનયાત્રા મુંબઈમાં નીકળી. તે વખતે મણિબહેન બહાર હતાં એટલે તેઓ તેમાં ભાગ લઈ શક્યાં. ડાહ્યાભાઈને હાથે શબને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. તે વખતે શ્રીમતી સરોજિનીદેવીએ બહુ હૃદયદ્રાવક ભાષણ કર્યું. વિઠ્ઠલભાઈના અવસાનથી સરદારને થયેલી લાગણીનો અને પોતાની મનઃસ્થિતિનો કંઈક ખ્યાલ તેમણે તા. ૨૧–૧૧–’૩૪ના રોજ શ્રી મથુરાદાસ ત્રિકમજીને લખેલા નીચેના કાગળ ઉપરથી આવે છે :

“તમારો કાગળ મળ્યો હતો. પછી તો ચારે તરફથી આવતા તારો અને કાગળોના જવાબો આપવામાં પડી ગયો. ચિત્ત પણ કંઈક અસ્વસ્થ થયું, હવે કંઈ નથી. થવાનું હતું તે થઈ ગયું. કોઈ કોઈ વાર સ્મરણ થઈ આવે છે. પણ એ બધું હવે વેદનાકર્તા નથી. આ કઠણ કાળમાં ઊભી આબરૂએ આ ફાની દુનિયા છોડી જવાનું ભાગ્ય પ્રાપ્ત થાય તો એમાં શોક કરવા જેવું કશું નથી, એમ ઊંડે વિચાર કરતાં લાગ્યા કરે છે. ઈશ્વરને ગમ્યું તે ખરું. જતાં જતાં કુટુંબની, કામની અને મુલકની આબરૂ વધારી ગયા છે એટલે હું હવે જરાયે ચિંતા કરતો નથી. પ્રથમ તો ખૂબ આઘાત થયો. એમના જવા કરતાં પરદેશમાં જ્યાં કોઈ પાસે નહીં કે જેની પાસે પોતાનું દિલ ખોલી શકાય એવે સ્થળે ગયા તેનો ખટકો મારા મનમાં ખૂબ થયો. પણ હવે એ વસ્તુનો શોક મિથ્યા છે. એમાંથી એક જ શીખવાનું છે કે છેલ્લી ઘડી ક્યારે આવશે તે કઈ કળી શકતું નથી. તેથી મનમાં જે કંઈ કહેવા જેવું હોય તે અગાઉથી જ કહી રાખવું અને મન હળવું કરીને મોજથી ફર્યાં કરવું. હું અત્યારે એ દશા ભોગવું છું. તેથી અતિશય આનંદ રહે છે. આજે મારે જવાનું થાય તો કોઈને કંઈ કહેવાનું રહી ગયું હોય એવું નથી. આ સ્થિતિ અતિશય સુખ કરે છે એ હું અનુભવી રહ્યો છું. મારો સાથી (ડૉ. ચંદુલાલ દેસાઈ) પણ ઈશ્વરે એવો જ આપ્યો છે. તેથી ‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા’ એવી અમારી સ્થિતિ છે. …”

નામદાર વિઠ્ઠલભાઈએ મરતાં અગાઉ જ વિયેનામાં પોતાનું વસિયતનામું કરેલું, એમ પાછળથી ખબર પડી. આગળ ઉપર તે મોટી ચર્ચાનો અને હાઈકોર્ટના મુકદ્દમાનો વિષય થઈ પડ્યો. સરદારે તેમાં મહત્ત્વનો અને ઉદાર ભાગ ભજવ્યો. સમયના ક્રમ પ્રમાણે તેની વિગતો આપવાનું પછી આવે પણ માનસના ક્રમને અનુસરીને તે અહીં જ આપી દેવી ઠીક છે.

એ વસિયતનામામાં પોતાનાં સગાંસંબંધીઓમાંથી પોતાની સેવાસુશ્રુષા કરનારને બક્ષિસ તરીકે કેટલીક રકમ આપી દીધા બાદ બાકીની રકમ દેશની રાષ્ટ્રીય ઉન્નતિ માટે, ખાસ કરીને પરદેશમાં પ્રચારકાર્ય કરવા માટે શ્રી સુભાષચંદ્ર બોઝને સોંપી હતી. વસિયતનામાની એ કલમના શબ્દો નીચે પ્રમાણે હતા :

“ઉપર જણાવેલી ચાર બક્ષિસો આપી દીધા પછી મારી મિલકતમાંથી જે કાંઈ બાકી રહે તે શ્રી સુભાષચંદ્ર બોઝ (જાનકીનાથ બોઝના દીકરા) ઠેકાણું ૧, વુડબર્ન પાર્ક, કલકત્તા, તેમને સોંપી દેવી. મજકૂર શ્રી સુભાષચંદ્ર બોઝે એ રકમ તે, અથવા તો પોતે એક અથવા વધારે માણસને નીમે તેમણે,
એમની સૂચના મુજબ હિંદુસ્તાનની રાજકીય ઉન્નતિ અર્થે અને વધારે સારું તો બીજા દેશોમાં હિંદુસ્તાનનાં કામનો પ્રચાર કરવા માટે ખર્ચવાની છે.”

આ વસિયતનામાનો અમલ કરવા માટે ડૉક્ટર પી. ટી. પટેલ તથા શ્રી ગોરધનભાઈ ઈ. પટેલને વહીવટકર્તા નીમ્યા હતા. થોડા વખતમાં ડૉક્ટર પી. ટી. પટેલ ગુજરી ગયા એટલે તેના એકમાત્ર વહીવટકર્તા શ્રી ગોરધનભાઈ પટેલ રહ્યા. શ્રી સુભાષબાબુએ આ વસિયતનામાનો યોગ્ય અમલ કરવામાં ઘણી અડચણ નાખી. ઘણા વખત સુધી તો અસલ વસિયતનામું જ શ્રી ગોરધનભાઈને સોંપ્યું નહીં. બહુ વખતે જ્યારે સોંપ્યું ત્યારે તેમણે એવો દાવો કર્યો કે આ વસિયતનામા પ્રમાણે મને જણાવેલી રકમ કુલમુખત્યારીથી સોંપી દીધેલી છે. મારે તે અમુક રીતે જ વાપરવી એવી જે શરત તેમાં લખેલી છે તે કાયદા પ્રમાણે મને બંધનકર્તા થતી નથી.

શરૂઆતમાં તો આ બાબતમાં સરદારે બહુ નિઃસ્પૃહ અને તટસ્થવૃત્તિ રાખી હતી. પણ નાણાંનો ઉપયોગ કઈ રીતે કરવો એ બાબતમાં સુભાષબાબુએ ગાળા ચાવવા માંડ્યા એટલે સરદારને એ ઠીક ન લાગ્યું. જે રીતે આ વસિયતનામા ઉપર વિઠ્ઠલભાઈની સહી લેવામાં આવી હતી તેથી પણ સરદારને એ વિષે શંકાઓ ઊભી થવા માંડી હતી. વિઠ્ઠલભાઈ જે દિવસે ગુજરી ગયા તે જ દિવસે વસિયતનામું થયેલું હતું. તેમની એટલી ગંભીર બીમારી છતાં વસિયતનામા ઉપર તેમની સારવાર કરનારા દાક્તરની સાક્ષી ન હતી. ત્રણે સાક્ષીઓ બંગાળીઓ હતા. અને એમાં બે તો કેવળ વિદ્યાર્થીઓ હતા. તે વખતે શ્રી ભૂલાભાઈ દેસાઈ, શ્રી વાલચંદ હીરાચંદ, શ્રી અંબાલાલ સારાભાઈ એ બધા સ્વિટ્‌ઝર્લેન્ડમાં જ હતા. એટલે પ્રયત્ન કરવામાં આવ્યો હોત તો તેમને અંત સમયે હાજર રાખી શકાયા હોત અને વસિયતનામા ઉપર તેમની સાક્ષી લઈ શકાઈ હોત. પણ વીલના ખરાપણા વિષે તકરાર ઉઠાવીને સરદારને એ પૈસા વિઠ્ઠલભાઈના કાયદેસર વારસો માટે એટલે કે પોતાના કુટુંબીઓ માટે જોઈતા ન હતા. એટલે એમણે તો પોતાનાં કુટુંબીઓમાંથી જેમનો જેમનો વારસાહક પહોંચતો હતો તે બધાની સહીઓ મેળવી લીધી કે વિઠ્ઠલભાઈના વસિયતનામામાં જે રકમ દેશકાર્ય માટે વાપરવાની કહી છે તેમાંથી અમારે એક પાઈ પણ જોઈતી નથી. આ પ્રકારની ચોકસાઈ કરીને તેમણે ગાંધીજીને કહ્યું કે તમે વચ્ચે પડો અને સુભાષબાબુને સમજાવો કે આ નાણાં કૉંગ્રેસની કારોબારી સમિતિને અથવા તો કૉંગ્રેસના નેતાઓ જેમની સમિતિ નીમે તેમને દેશકાર્યમાં વાપરવા માટે સોંપી દેવામાં આવે.૧૯૩૮ના ફેબ્રુઆરીમાં હરિપુરા (ગુજરાત)ની કૉંગ્રેસના સુભાષબાબુ પ્રમુખ હતા તે વખતે ગાંધીજીએ તથા મૌલાના અબુલકલામ આઝાદે સુભાષબાબુને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો. પણ સુભાષબાબુએ માન્યું નહીં. એટલે વસિયતનામાના ઍક્ઝીક્યુટર શ્રી ગોરધનભાઈ પટેલને સરદારે સલાહ આપી કે તમારે હવે વસિયતનામાની કલમના અર્થ વિષે કોર્ટનો ફેંસલો મેળવ્યા સિવાય છૂટકો નથી. મુંબઈ હાઈકોર્ટમાં શ્રી ગોરધનભાઈની અરજીની સુનાવણી થઈ. તેમના તરફથી તથા વિઠ્ઠલભાઈના કાયદેસર વારસો તરફથી શ્રી ભૂલાભાઈ દેસાઈ, સર ચિમનલાલ સેતલવાડ વગેરે બૅરિસ્ટરો ઊભા રહ્યા. સુભાષબાબુ તરફથી દેશબંધુ દાસના ભાઈ બૅરિસ્ટર શ્રી પી. આર. દાસ ઊભા રહ્યા. લોકોમાં આ વિષે એટલો રસ ઉત્પન્ન થયો હતો કે કોર્ટનો ઓરડો ઠઠ ભરાઈ ગયો. બંને તરફના ધારાશાસ્ત્રીઓની દલીલો સાંભળીને કોર્ટે ઠરાવ્યું કે વસિયતનામાના શબ્દો જોતાં સુભાષબાબુને નાણાં ઉપર કુલ અખત્યાર મળતો નથી. તેઓ પોતાની મરજીમાં આવે તેમ એનો ઉપયોગ કરી શકે નહીં. પણ તેમાં જે કામ જણાવ્યું છે તે માટે જ તેનો ઉપયોગ કરી શકે. પરંતુ નાણાના ઉપયોગનો મુદ્દો અહીં ઊભો થતો જ નથી. કારણ કે વસિયતનામામાં નાણાંનો ઉપયોગ એવા અચોક્કસ કામ માટે કરવાનું લખેલું છે કે એ શરત કોર્ટ માન્ય રાખી શકતી નથી. એટલે વસિયતનામાનો આ ભાગ કોર્ટ રદબાતલ ગણે છે અને વિઠ્ઠલભાઈના વારસોને આ નાણાંના હકદાર હરાવે છે.

મુંબઈની હાઈકોર્ટે ઉપર પ્રમાણેનો ફેંસલો તા. ૧૪–૩–’૩૯ના રોજ બહાર પાડ્યો કે તરત એટલે તા. ૧૬–૩–’૩૯ના રોજ છાપાજોગું નિવેદન બહાર પાડીને સરદારે જાહેર કર્યું કે વિઠ્ઠલભાઈના અમે બધા વારસોએ નક્કી કર્યું છે કે એ રકમમાંથી એક પાઈ પણ અમારે ન લેવી પણ હિંદુસ્તાનની રાજકીય ઉન્નતિ અર્થે એ રકમ વાપરવા માટે એ રકમનું વિઠ્ઠલભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ નામનું એક જાહેર ટ્રસ્ટ કરવું. વસિયતનામામાં જે બક્ષિસો આપવાનું જણાવ્યું હતું તે આપી દીધા પછી લગભગ એક લાખ વીસ હજાર જેટલી રકમ બાકી રહેતી હતી. તા. ૧૧–૧૦–’૪૦ના રોજ તે વખતના કૉંગ્રેસના પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદને કાગળ લખીને કૉંગ્રેસની કારોબારી વર્ધા મુકામે મળી હતી ત્યાં એ આખી રકમ સરદારે મરનારની ઈચ્છા મુજબ ખર્ચવા માટે કૉંગ્રેસ કારોબારીને સોંપી દીધી.

  1. *સરદાર તથા શ્રી છગનલાલ જોષી.
  2. ૧. શ્રી છગનલાલ જોષીનાં પત્ની.
  3. ૨. મિ. સી. એફ. ઍન્ડ્રૂઝ.