લખાણ પર જાઓ

સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/વત્સલ હૃદય

વિકિસ્રોતમાંથી
← ગાંધીજીના છૂટ્યા પછી યરવડા તથા નાશિક જેલમાં સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
વત્સલ હૃદય
નરહરિ પરીખ
વિદ્યાપીઠ પુસ્તકાલય પ્રકરણ →


૧૧
વત્સલ હૃદય

સામાન્ય રીતે સરદારને લાંબા કાગળો લખવાની ટેવ ન હતી. જાહેર કામકાજને અંગે કાગળો લખવા પડે તે જુદી વાત ગણાય. પરંતુ ૧૯૩રથી ૧૯૩૪ સુધી યરવડા અને નાશિક જેલમાં રહ્યા ત્યારે તેમ જ ૧૯૪૦–૪૧માં વ્યક્તિગત સવિનય ભંગ વખતે તથા ૧૯૪૨થી ૧૯૪૫માં અહમદનગર કિલ્લામાં નજરકેદ રહેલા તે વખતે તેમણે સગાંસંબંધીઓને તથા મિત્રોને બહુ સુંદર અને લાંબા કાગળો લખેલા છે. ગાંધીજી સાથે યરવડામાં સોળ મહિના રહ્યા તે દરમ્યાન ગાંધીજીનું જોઈ આ ટેવ તેમણે પાડી હોય એ સંભવે છે.

માણસનો પરિચય જેવો અંગત પત્રવ્યવહારમાં તથા અંગત વાતચીતમાં થાય છે તેવો તેના લેખો અથવા ભાષણોમાં અથવા જાહેર કામકાજમાં થતો નથી. એ પ્રસંગોએ જાણે તૈયારી કરીને લોકો લખતા બોલતા કે કામ કરતા હોય છે. પણ અંગત પત્રવ્યવહાર અને વાતચીતમાં માણસ સહજ રીતે લખતો અથવા બોલતો હોય છે. તેથી તેમાં માણસના વ્યક્તિત્વનું એક જુદું જ અને વધારે સાચું દર્શન આપણને થાય છે. આ પ્રકરણમાં યરવડા તથા નાશિક જેલમાંથી સરદારે મણિબહેન તથા ડાહ્યાભાઈને લખેલા કાગળમાંથી થોડા ઉતારા આપવા ધારું છું. બીજા મિત્રોને પણ એમણે ઘણા કાગળો લખેલા હશે પણ તે મને અત્યારે મળી શક્યા નથી. વળી ગાંધીજી પાસેથી છુટા પડ્યા પછી બે વચ્ચે બહુ નિયમિત અને લાંબો પત્રવ્યવહાર ચાલતો. ગાંધીજીએ સરદાર ઉપર લખેલા કાગળ તો મણિબહેને છપાવ્યા છે. *[] સરદારે ગાંધીજી ઉપર લખેલા થોડાક કાગળો ગયા પ્રકરણમાં આપ્યા છે. બીજા મળી શક્યા નથી. એ કાગળ મળી આવે તો પત્રસાહિત્યમાં બહુ કીમતી ઉમેરો થાય એવો સંભવ છે. મણિબહેન તથા ડાહ્યાભાઈ ઉપરના કાગળોમાં તથા રમણીકલાલ સુખડિયા નામના સ્વયંસેવકે મને મોકલી આપેલો એક કાગળ અહીં આપ્યો છે તેમાં સરદારનું વત્સલ હૃદય જોવા મળે છે. તે ઉપરાંત દુનિયાના વ્યવહારનું ઊંડું જ્ઞાન અને તેની સાથે દિલની ઉદારતા તથા વ્યવહારના લેપથી અળગાપણું અને અપાર ઈશ્વરશ્રદ્ધા, એની પણ આપણને ઝાંખી થાય છે.

તા. ૧૭–૭–’૩રના રોજ યરવડા મંદિરમાંથી શ્રી મણિબહેનને પોતાના એક ભત્રીજા વિષે લખે છે :

“… હવે એ મોટો થયો એટલે કોઈના કહેવાથી સુધરે નહીં. એને જેમ ફાવે તેમ કરવા દેવામાં જ ડહાપણ છે. દબાણ કરવાથી છાનાંછૂપાં કામ કરે. તે કરતાં ખુલ્લાં કરશે એ જ સારું છે. પૈસા હશે એટલા ખોશે એટલે ઠેકાણે આવશે. ખોટે માર્ગે ન જાય ત્યાં સુધી આપણે વચ્ચે ન પડી શકીએ. ખરાબ રસ્તે જતો હોય તો કહીએ. પણ કહેવાનીયે હદ છે. એટલી મોટી ઉંમરનાને શું કહેવું ?”

ડાહ્યાભાઈ તાજેતરમાં જ વિધુર થયા હતા. તેમનાં લગ્ન વિષે લોકો મણિબહેનને પૂછ્યાં કરતા હતા. તે વિષે મણિબહેનને એ જ કાગળમાં સલાહ આપે છે :

“ચિ. ડાહ્યાભાઈના વિવાહ સંબંધમાં લોકો જે પૂછે તેને આપણે સભ્યતાથી માત્ર એટલો જ જવાબ આપવો કે ડાહ્યાભાઈ પોતાની ઇચ્છામાં આવે તેમ કરશે. એ સમજુ છે અને પુખ્ત ઉંમરના છે. એમને એ વિષયમાં કોઈની સલાહની જરૂર નથી. અને બીજાની સલાહ એમાં કામમાં પણ ન આવે. કોઈને આપણે દુઃખ લાગે તેવું કહેવાની શી જરૂર ? લોકો તો સમાજના રિવાજ પ્રમાણે પૂછે, તેમાં આપણે શું ? ડાહ્યાભાઈ શું કરશે એ કહેવું પણ મુશ્કેલ છે. અત્યારથી આખી ઉંમર એકલા કાઢવી એ કઠણ છે. તેમ બીજી ઉપાધિમાં પડવું એ પણ કઠણ છે. બેમાંથી કયો માર્ગ લેવો એનો નિર્ણય એ પોતે જ્યારે વખત આવશે ત્યારે કરી લેશે. અત્યારે તો એને કંઈ પુછાય જ નહીં. એનો તાજો ઘા લાગ્યો છે તે રુઝાતાં વખત લાગશે. બેએક વર્ષ પછી એની ઇચ્છા ફરી લગ્ન કરવાની થશે તો ભલે કરતો. અને ન કરવું હોય તોપણ સારું છે. આ કામમાં કોઈની સલાહ કામમાં ન આવે અને કોઈએ સલાહ આપવી પણ ન જોઈએ.”

શ્રી ડાહ્યાભાઈને તા. ૬–૧૨–’૩રના રોજ એના કામકાજ અંગે સ્વભાવ સુધારવાની શિખામણ આપે છે, તે હરકોઈ યુવાને હૃદયમાં કોતરી રાખવા જેવી છે. ડાહ્યાભાઈ તે વખતે ટાઈફૉઈડની બીમારીમાંથી તાજા જ ઊઠેલા હતા.

“એક બે વાતો ઉપર લખવાનો વિચાર હતો પણ તમે પથારીવશ હતા એટલે લખતો નહોતો. હવે કંઈ ઠીક થયું છે એટલે લખું છું. એથી તમારે દુઃખ ન લગાડવું જોઈએ. પણ હું લખું છું એ વાત ઉપર બરોબર વિચાર કરી ભૂલ થતી હોય તો સુધારવા પ્રયત્ન કરવો જોઈએ. તમે ઑફિસમાં કાગળ લખો છ્પ્ તેમાં ભાષા ઉગ્ર અને સામાને માઠું લાગે તેવી હોય છે. ઑફિસમાં કોઈની સાથે આપણી જબાનથી કે કલમથી વિરોધ થાય અગર કોઈને દુઃખ લાગે એ સારું ન જ ગણાય. એથી ભવિષ્યની ઉન્નતિમાં વાંધો આવે, એટલું જ નહીં પણ એથી તે આપણી આબરૂ બગડે. વખતે આપણા માટે કોઈ ન કહે. પણ તેથી શું ? ખરું જોતાં આપણાથી નાના માણસ હોય તેની સાથે મીઠાશથી કામ લેવું જોઈએ. આપણા સાથીઓ અને ઉપરીઓની સાથે પણ યોગ્ય મર્યાદામાં રહી
યોગ્ય વર્તન રાખવું જોઈએ. તમારા ઘરમાલિકે ઘર ખાલી કરાવવા તમારી ઉપર દાવો કર્યો એ આપણને ન શોભે. તમારો સ્વભાવ એવો નથી, છતાં આમ કેમ થવા પામે છે, એ મારી સમજમાં નથી આવતું. મેં તો કોઈ વખત તમને કહ્યું નથી. હું તો માનતો જ હતો કે તમે સૌનો પ્રેમ સંપાદન કર્યો છે. તેથી હું બહુ રાજી થતો હતો. આ વાત સાંભળી મને જરા નવાઈ લાગી. એટલે તમે મંદવાડમાંથી હજી ઊઠ્યા નથી છતાં લખું છું. કારણ કે તમારી સાખ આવી પડી જાય તો આપણી આબરૂને નુકસાન લાગે અને પસ્તાવું પડે. કોઈની સાથે બોલી બગાડવામાં ફાયદો ન જ હોય. આપણે કરવું હોય તે કરીએ. પણ આપણી સ્વતંત્રતાનો અર્થ એ નથી કે આપણે બીજાનો તિરસ્કાર કરીએ. ગૃહસ્થનું એ ભૂષણ ન ગણાય, તેથી આપણા સ્નેહીઓને પણ મૂંઝવણ થાય. આ વિષે વિચાર કરી જ્યાં જ્યાં ભૂલ થતી હોય ત્યાં ત્યાં સુધારો. કોઈને માઠું લાગવા જેવું લખ્યું હોય તો તેની માફી માગી તેની સાથે ભળી જજો અને તેનો પ્રેમ સંપાદન કરજો. કોઈની સાથે દુશ્મનાવટ ન કરજો. મને ખુલ્લા દિલથી લખજો. કશું દુઃખ ન લગાડશો. મારો સ્વભાવ પણ એક વખત કડક હતો પણ મને એ વિષે ખૂબ પસ્તાવો થયેલ છે. અનુભવથી તમને લખું છું.”

ડાહ્યાભાઈએ આના બધા ખુલાસા આપ્યા. તેના જવાબમાં તા. ૯–૧૨–’૩રના કાગળમાં લખ્યું :

“મને તો ખબર મળી એ તમને લખેલી હતી. આપણા સ્નેહીઓ આપણો કાંઈ દોષ બતાવે છે તેનું દુઃખ ન લગાડવું જોઈએ. તેનું દૃષ્ટિબિંદુ સમજવા પ્રયત્ન કરીએ તેથી આપણને હમેશાં લાભ થાય છે. કોઈ આપણા ઉપર ઈર્ષાથી આરોપ મૂકતો હોય તો આપણને દુઃખ લાગે એમ બને. પણ તમારા સ્નેહીઓને જે લાગે તે તમને જણાવે તેમાં તો ઈર્ષા ન હોય. તેમના વિચારમાં દોષ ન હોય તો તેમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.”

ગાંધીજીના એકવીસ દિવસના ઉપવાસ ચાલતા હતા ત્યારે બેલગામ જેલમાં શ્રી મણિબહેનને બાપુજીનાં કાર્યો કેવાં અકળ હોય છે એ વિષે ૧૯–૫–’૩૩ના રોજ લખે છે. મૃદુલાબહેન પણ તે વખતે બેલગામ જેલમાં જ હતાં.

“બાપુના ઉપવાસથી મૃદુલાને ખૂબ લાગી આવે એ હું સમજું છું. પણ એમને અનુસરવામાં એટલું તો સમજી જ લેવું જોઈએ કે કોઈ કોઈ વખત એમનાં કામ એવાં હોય છે જ, કે સામાન્ય રીતે જોતાં આપણાથી એ ન સમજી શકાય. જગત અને એમની વચ્ચેનું અંતર એટલું બધું છે કે આપણે એમનાં બધાં કામ ન સમજી શકીએ. એટલે ઈશ્વર જે કરે છે તે સારું જ કરતો હશે એમ માનવું રહ્યું. વળી બાપુ જે કરશે તે કેવળ શુદ્ધ હેતુથી અને દેશના હિતને ખાતર જ કરતા હશે એ વિષે જરાયે શંકા ન લાવી શકાય એવું એમનું આખું જીવન છે. આ પ્રસંગ તો ઈશ્વરકૃપાથી સહીસલામત પાર ઊતરી જશે. હવે અડધા ઉપવાસ બાકી રહ્યા છે. તે સારી રીતે બાપુ કરી શકશે એવા દાક્તરોના આજે તો અભિપ્રાય છે. એટલે હવે બહુ ચિંતા કરવાનું કારણ નથી. પણ ભવિષ્યમાં
કોઈ વખત ગમે તે બનાવ બને તોપણ જરાયે મૂંઝાવું ન જોઈએ. બાપુ જે કરે તે બધી જ સ્થિતિને વિચાર કરીને જ કરતા હશે એમ માનવું જોઈએ. પરિણામ હંમેશાં ઈશ્વરના હાથમાં છે. કોઈનું ધાર્યું થતું નથી. સારું કાર્ય કરતાં સારું પરિણામ ન આવે તોયે શું ? આ વાત લક્ષમાં રાખી જેલમાં પડેલાએ બહારની કશી જ ચિંતા ન કરવી જોઈએ. આ બધું તમારે બેઉએ સમજવાનું છે. ભવિષ્યમાં શું શું કરવું પડશે અગર વેઠવું પડશે એ કોને ખબર છે ? એટલે દુઃખમાં સુખ માનનાર માટે કારાવાસ છે એ સમજી લેવું.
“બાપુના સમાચાર તો તમને રોજ ને રોજ મળે છે. અને તમને સામા કાગળ લખવાની પણ છૂટ મળી છે. એટલે તમને કશી ચિંતા ન થવી જોઈએ.
“મૃદુલા બહાદુર છે. એને રોવાનું કે ગભરાવાનું હોય જ નહીં. આ કાગળ મળશે ત્યારે બાપુના ઉપવાસ પૂરા થઈ જવા આવ્યા હશે કે પૂરા થઈ ગયા હશે. પણ ભવિષ્યમાં તમારે બેઉએ યાદ રાખવા માટે જ લખું છું. બહાર બનતા કોઈ પણ બનાવથી જરાયે અસ્વસ્થ ન થઈએ. એટલી શક્તિ મેળવી હોય તે જ જેલ જવાને લાયક ગણાય. આપણે આપણો ધર્મ બજાવ. એથી વિશેષ આપણી ફરજ નથી.
“બાપુના તપમાંથી માત્ર એક જ વાત આપણે વિચારવાની અને કરવાની રહે છે. તે તે આપણી પોતાની વિશેષ શુદ્ધિ. એ કેટલે અંશે આપણે કરી શકીએ છીએ તેને વિચાર કરવો, કે જેથી દેશસેવાને માટે આપણે વિશેષ યોગ્યતા મેળવી શકીએ. એથી વિશેષ કરવાપણું કે વિચારવાપણું ન જ હોય. આ વખતે તેમાં હિંમત સારી રાખી છે. તે માટે તને મુબારકબાદી આપું છું. મૃદુલાનો પ્રેમ સંપાદન કર્યો છે તે માટે પણ તને મુબારકબાદી આપું છું. તારી હૂંફથી એને વિષે અંબાલાલભાઈ અને સરલાદેવી ભારે નિશ્ચિંત થઈ ગયાં હોય એમ એમના કાગળો ઉપરથી જોઈ શકાય છે.
“બાપુ ઉપરના તમારા કાગળો કોણ વાંચે છે એની ચિંતા કરવી જ નહીં. એમની પાસે કશું છાનું હોતું નથી, એ તો તને ખબર હોવી જ જોઈએ. અને આપણે પણ થોડું જ કોઈનાથી કંઈ છાનું રાખવાનું છે ?”

પોતાના ઉપવાસ પોતાની અને સમાજની શુદ્ધિને માટે છે, એમ ગાંધીજીએ કહેલું તે ઉપરથી મણિબહેનને થયાં કરતું કે આપણા દોષ માટે તો બાપુજી ઉપવાસ નહીં કરતા હોય ? તે ઉપરથી તા. ૧૬–૬–’૩૩ ના રોજ તેમને લખ્યું :

“ઉપવાસ દરમિયાન બાપુ ઉપર આવેલા તમારા કાગળોમાંથી તમારી અસ્વસ્થતા ખૂબ લાગતી હતી એમ મહાદેવ લખતા હતા. એ વિષે મેં ગયા કાગળમાં લખ્યું તો હતું જ. હવે સ્વસ્થતા આવી હશે એમ માનું છું. આપણાથી કાંઈ દોષ થઈ ગયો હોય તે વારંવાર યાદ કરી દુઃખી થવામાં કશો સાર નથી. ભવિષ્યનું જીવન સુધારી લેવામાં જેટલો પ્રયત્ન થાય તેટલો કરવો એ જ ખરો ઉપાય છે, એ જ ખરું કર્તવ્ય છે. એટલે જાગ્યા ત્યાંથી સવાર ગણી ઈશ્વર ઉપર વિશ્વાસ રાખી, ભવિષ્યનું સુધારી લેવાનો વિચાર કરવો. કશી મૂંઝવણ ન કરત
ઈશ્વરને શરણ થઈ નિષ્કામ ભાવથી થાય એટલી સેવા કરવી અને મન, વચન અને કર્મથી જીવન જેટલું સ્વચ્છ અને નિર્મળ થાય એટલું કરવાનો પ્રયત્ન કરવો. એટલું કરશો તો નિરાશાને રજ પણ સ્થાન નથી.
“એકાંતમાં તર્કવિતર્ક થાય એ સ્વાભાવિક છે. પણ કામમાં રોકાયેલા રહેવાથી મન શાંત રહે છે. એટલે જેમ બને તેમ ઓછા વિચાર કરવાનો પ્રયત્ન કરવો. કામ તો તમારે ઠીક ઠીક પહોંચે છે. એ સારું છે. શરીર સંભાળીને જેટલું કામ થાય તેટલું કરવું. ખોરાક સારો નથી મળતો, પણ કાચો ન હોય ને અને પચે એવો હોય તો ખાઈ લેવો. અને તેવો ન હોય તો થોડી ભૂખ વેઠી લેવી. પેટની સંભાળ રાખીને દવા વગેરે જોઈએ તે મેળવીને શરીર સાચવવું.”

આ જ મુદ્દા વિષે વળી તા. ૩૦–૬–’૩૩ના રોજ મણિબહેનને ફરી લખે છે :

“તમારી તબિયત સંભાળજો ચોમાસું આવ્યું એટલે હરવાફરવાનું ઓછું થઈ ગયું હશે. વરંડા ઉપર ફરવા જેવું હોય તો ત્યાં, નહીં તો કોટડીમાં પણ બે-એક કલાક ફરવું તો જોઈએ જ. બેઠાં બેઠાં ખોરાક પચે નહી. પગે હવે આરામ થઈ ગયો હશે. મનની શાંતિ મેળવવાનું તો તમારા પોતાના હાથમાં રહ્યું. એમાં બીજાની મદદ બહુ થોડી મળી શકે. ચિંતા ઈશ્વરને સોંપી દેવી. ભૂતકાળને ભૂલી જઈ ભવિષ્યને સુધારી લેવું એ જ ડહાપણ ગણાય. આ જગતમાં અનેક માણસો ભૂલાં પડે છે. એમાંથી ઘણાં ભૂલાં પડેલ માર્ગેથી પાછાં ફરી શકતાં નથી. ઘણાં તો ભૂલાં પડ્યાં છે એમ સમજતાં જ નથી. જેનાં કંઈક પૂર્વજન્મનાં પુણ્ય હોય તે જ સમજી શકે છે. તેઓ પાછાં ફરી જાય છે એટલે તરી જાય છે. તમે તો હજી નાનાં છો. એટલે જીવનને સુધારી લેવાનો અને સફળ બનાવવાનો ભારે અવકાશ તમારી સામે છે. તેથી જરાયે ચિંતા કરવી નહીં.
“બાપુના ઉપવાસને આપણાં જેવાં સાથે કશો જ સંબંધ ન હોય. એનાં કારણો અહીં (જેલમાં) આવ્યા બાદ બહાર ઉત્પન્ન થયાં. અને એ તો અનેક હોય. તેમાં તમને ત્યાં બેઠાં ખબર ન પડે. કલ્પના પણ ન આવી શકે. એટલે નકામી ચિંતા ન કરવી જોઈએ. અહીંથી તમને બધી વસ્તુઓનો ખ્યાલ પણ ન આપી શકાય. એટલે નકામા વિચારો કરીને દુઃખી ન થવું. બાપુના સમાચાર તો રોજ એક પત્તાથી મળે છે, એટલો ઈશ્વરનો આભાર. બાકી તો છાપામાંથી મળે એ જાણીને સંતોષ માનવો જ રહે. બીજા હજારોએ તો એ જ રીતે સંતોષ મેળવેલો હશે ને?”

તા. ૨–૮–’૩૩ના રોજ નાશિક જેલમાંથી મણિબહેનને લખે છે :

“મારું ઉપર લખેલું સરનામું જોઈને તમને જરા નવાઈ લાગશે. ગઈ કાલે સવારમાં એકદમ ચરવડાથી ખસેડી સાંજના ચાર વાગ્યે અહીં લાવ્યા. કેમ ખસેડ્યો એ તો ભગવાન જાણે ! પણ મારું અનુમાન એમ થાય છે કે બાપુથી છૂટા પાડવાનો ઇરાદો હોવો જોઈએ. બીજું કશું જ કારણ કલ્પી શકાતું નથી. મને તો જ્યાં લઈ જાય ત્યાં સરખું જ છે. પણ બાપુની સંભાળ રાખવાનો અને એમની સોબતનો લાભ ગયો.”

ડાહ્યાભાઈનાં પત્ની ગુજરી ગયે લગભગ દોઢ વર્ષ થયું હતું. સગાંસંબંધીઓ એમનાં ફરી લગ્ન કરવા વિષે સરદારને લખ્યાં કરતાં હતાં. તે વખતે મણિબહેન પણ જેલમાંથી છૂટીને બહાર આવ્યાં હતાં. તે ઉપરથી તા. ૧૦–૧૦–’૩૩ના રોજ મણિબહેનને લખે છે :

“ડાહ્યાભાઈનાં લગ્નના સંબંધમાં તો એમને જે વિચાર થાય તે જ ખરો. એકલા રહી શકાય તો ઉત્તમ ગણાય. જેમ એકલા રહેવામાં દુઃખ છે, તેમ ઘરમાં ઓરમાયાં થાય તેમાં પણ દુઃખ છે. એ બેમાંથી પોતાની મરજીમાં આવે તેમ તેમણે કરવું.
“હવે તમે થોડો વખત ડાહ્યાભાઈ સાથે રહી શકશો. બેઉ ભાઈબહેન ક્યાંક વખત અને એકાંત કાઢીને પેટ ભરીને વાતો કરી લેજો. વારંવાર વખત મળતો નથી. દિલના ખુલાસા કરવાના હોય તે કરી લેજો. પણ કશી ચિંતા ન કરશો. બહુ મોટો કુટુંબકબીલો હોય તેમાં કાંઈ સુખ હોય છે એમ નથી. થોડાં હોઈએ તો સુખેથી રહી શકીએ અને થોડું દુઃખ ભોગવવું પડે એમ બને. બાકી સંસારમાં સુખદુઃખ એ તો તડકો-છાંયડો હોય એમ ચાલ્યાં જ કરે છે. વળી સુખદુઃખ એ તો મનનું કારણ છે. સંસાર માયાથી ભરેલો છે. થોડી માયાવાળાને થોડું દુઃખ. એટલે માયા અને જંજાળ વધારવામાં કશો લાભ નથી.”

ડાહ્યાભાઈને પોતાના કાકાના દીકરા ભાઈ સાથે કાંઈ ક્લેશ થયાં કરતો હતો. તે વિષે તા. ૧૧–૧૦–’૩૩ના રોજ કાગળ લખીને એમને સલાહ આપે છે :

“હું જોઉં છું કે …નો અને તમારો પાટો ચડતો નથી. એનો અર્થ એ છે કે તમારે બે જણે છૂટા પડવું જોઈએ. ભેગા રહેવાથી એકબીજાનાં મન ઊંચાં થતાં હોય તો ભેગા રહેવા કરતાં જુદા રહેવું સારું. સંભવ છે કે સગાંઓ કરતાં સ્નેહીઓ જોડે અથવા પોતાનાં કરતાં પારકાં સાથે વધારે મેળ આવે. … એ તમારું ન માને એ હું સમજી શકું છું. પણ તમારું ન માને અને ઊંધાં કામ કરે તો એનાથી જુદા થવું એ જ સારું ગણાય. એમાં તમારે મૂંઝાવાનું કે દુઃખી થવાનું કશું કારણ નથી. અલગ થવામાં બંને સુખી થશે. માટે બધી વાતનો મણિબહેન સાથે વિચાર કરજો. હમણાં તમે બેઉ ભાઈબહેન સુખદુઃખનો થોડો વિચાર કરી લેજો. ફરી ક્યારે ભેળાં થવાય, એ કોને ખબર છે ? માટે વખત અને એકાંત કાઢીને પેટ ભરીને વાત કરી લેજો. તમારે ભવિષ્યની જિંદગી એકલા ગાળવા વિષે પણ તમે બેઉ વિચાર કરી લેજો. એકલા રહી શકાય તો ઉત્તમ તક છે જ, પણ ન રહેવાય તો લગ્ન કરવામાં સંકોચ કરવાની જરૂર નથી. માત્ર અનુકુળ સ્થાન મળશે કે કેમ એ વિચારવાનું રહ્યું, પણ એ તે ગૌણ સવાલ છે. મુખ્ય સવાલ તે તમારી ઇચ્છા શી છે એ નક્કી કરવાનો છે.
“આ બધું તમને લખું છું છતાં એક વસ્તુ તમારે હવે સમજી લેવી જરૂરી છે. તે એ કે આપણે કોઈ પણ વાતની ચિંતા ન કરવી. આપણું ધાર્યું કશું થતું નથી. ધાર્યું ઈશ્વરનું થાય છે. માત્ર આપણે ખોટું કરતાં કે પાપ કરતાં
અચકાવું કે ડરવું. બાકી કશાથી ડરવાની જરૂર નથી. ઈશ્વર ઉપર ભરોસો રાખી આનંદમાં દિવસ ગાળવા. સૌ સૌનું નસીબ સૌની પાસે છે.”

ભરૂચ સેવાશ્રમના એક સ્વયંસેવક જે તે વખતે લોકોમાં અને કેટલાક કાર્યકર્તાઓમાં આવી ગયેલી શિથિલતાથી બહુ દુઃખી થતા હતા, તેને તા. ૨૯–૧૨–’૩૩ના રોજ નીચેનો કાગળ લખે છે :

ચિ. રમણિક,
“તારો તા. ૨૬–૧૨–’૩૩નો કાગળ મળ્યો. તને કે વૈકુંઠને અમે (શ્રી ચંદુભાઈ તથા સરદાર) કેવી રીતે ભૂલીએ? એમ જો નાના નાના સાથીઓને ભૂલી જઈએ તો અમે દેશસેવાનાં સ્વપ્નાં સેવી શકીએ નહીં. ચંદુભાઈ તો તમારી સેવા ભૂલી જ ન શકે.
“બહારના દેખાતા અંધકારમાં તમને નિરાશા લાગે છે એ અમે સમજી શકીએ છીએ. પણ સૂર્યાસ્ત પછી સૂર્યોદય અને કાળી રાત્રિ પછી ઉજ્જવળ પ્રાતઃકાળ થાય છે એ નિયમ જગતની ઉત્પત્તિથી ચાલતો આવ્યો છે. અને એમાં ફેરફાર થવાનો નથી. એટલે નિરાશ થવાનું કશું કારણ નથી.
“માણસમાત્ર નબળાઈથી ભરેલા છે. જેને નબળાઈનું ભાન છે તેને કોઈ વખતે ઈશ્વર બળ આપશે. જે પોતાની નબળાઈ નથી સમજતો અથવા પોતાના બળમાં મસ્તાન રહી ગુમાન રાખે છે તે ઠોકર ખાઈ પડે છે. સમર્થ એક ઈશ્વર જ છે એટલે કોઈની અથવા ઘણાંની નબળાઈ જોઈ આપણે ગભરાવાનું કશું કારણ નથી. ઈશ્વર ઇચ્છા એવી જ હશે કે સૌનું ગુમાન ઉતારવું અને દરેકને પોતપોતાનું માપ કેટલું છે તે બતાવી આપવું. એક રીતે જોતાં એ બહુ સારું થયું છે એમ કહીએ તો ખોટું નથી. અંધારામાં કુટાત તો આગળ વસમું પડત. એટલે તમે ગભરાશો નહીંં. તમે પોતે પ્રભુ પાસે બળ માગજો તો કોઈ વખત આપી રહેશે એ એ દયાળુ છે.
“તમે જે ઉત્તમ વાતાવરણમાં સેવા કરવાની મોજ માણેલી છે તેનાં મીઠાં સ્મરણ ન ભુલાય એ હું સમજું છું. પણ હતાશ થવાનું કશું કારણ નથી. વળી પાછો કોઈ દિવસ એવો અથવા એથી ઉત્તમ પ્રાપ્ત થશે. ભવિષ્યના ગર્ભમાં શું ભરેલું છે એ કોઈને ખબર પડતી નથી. પણ એટલી વાત નક્કી છે કે આખરે સત્યનો જય થાય છે અને પ્રભુ ગરીબનો બેલી છે. એટલે આપણે એના ઉપર વિશ્વાસ રાખવો. ચંદુભાઈના તમારા ઉપર હંમેશાં આશીર્વાદ છે જ એમ માનજો. અવારનવાર તમારા ખબર લખશો.
લિ.
વલ્લભભાઈના આશીર્વાદ”
 

ડાહ્યાભાઈ ને તા. ૩૧–૧–’૩૪ના રોજ ફરી પાછું કુટુંબ વિષે લખે છે :

“…ની સાથે તમારે દુઃખી થવાની કશી આવશ્યકતા નથી. ભેળા રહેવામાં કડવાશ થાય અથવા વધે એના કરતાં એને ચોખ્ખું કહી દેવું એ જ સારું. એમાં કંઈ ખોટું દેખાય છે એમ માનવું જ નહીં. એના ભાઈ બાપની સાથે પણ હદ ઉપરાંત ખેંચાઈ જવાય એવું કરવાનું કઈ કારણ નથી. આપણાથી સીધી
રીતે ટેકો થાય તે કરવાનો આપણો ધર્મ છે. એથી વધારે કરવા જતાં મૂંઝવણ આવી પડે એવું ન કરવું.”

મણિબહેન ફરી જેલ ગયાં તેમાં વડીલોની સેવા કરવાનો ધર્મ પોતે ચૂક્યા એવું એમને લાગતું હતું. એટલે એમને તા. ૧–૨–’૩૫ના રોજ લખ્યું :

“બાપુ લખે છે કે મણિને લખજો કે, ‘વડીલોની સેવા સાન્નિધ્યમાં રહીને જ કરાય એવું નથી. જે વડીલોનું કામ કરે છે તે તેની સેવા જ કરે છે. સાનિધ્યમાં રહેવાનો લોભ ભલે હોય. એ સ્વાભાવિક છે. પણ સેવા અને સાન્નિધ્યને અનિવાર્ય સંબંધ નથી.” બાપુ લખે છે તે તદ્દન સાચું છે. જોને, બાને આટલી ઉંમરે પણ બાપુની સેવામાં રહેવાનું બહુ મન હોવા છતાં બાપુનું કાર્ય કરવા તેમનો સાથ છોડી ગયાંને ? તેમ તમને મારી સાથે રહેવાનો અને સેવા કરવાનો લોભ થાય એ સ્વાભાવિક છે. પણ એ લોભને ખાતર ધર્મ તો ન જ છોડાય. એટલે તમે જે કરો છો તે કઠણ છે છતાં એમાં જ ખરી સેવા રહેલી છે. મારી સેવા કરવા જેવું અત્યારે તો કશું જ નથી. મને બધી સગવડો મળી રહે છે. માણસો પણ છે. એટલે મારી જરાય ચિંતા ન કરશો.”

ડાહ્યાભાઈને તા. ૧–૭–’૩૪ના રોજ કુટુંબની સેવા વિષે લખે છે :

“…ના કાગળ ઉપરથી જણાય છે કે એ બહુ જ દુઃખી છે. એના બાપના મરણનો ડાઘ ચોંટી ગયો છે. ઘેર રહેવાનું કહ્યું તે એને ગમ્યું નથી. એને ભય છે કે એમ કરવામાં વખતે એનું પણ એના બાપના જેવું જ થાય. છોકરો બાળક અને બિનઅનુભવી છે. દયા આવે એવું છે. એને વહેમ પડ્યો છે કે બધા એની વિરુદ્ધ છે. તમને પણ વખતે કોઈએ એની સામે ભંભેર્યા છે. શનિવારે આવી શકાય તો આવવાને મેં આજે એને કાગળ લખ્યો છે. મુંબઈ આવે તો એને જરા શાંત પાડજો. આવવાનો હશે તે મને ખબર આપશે. પણ તમને ખબર આપે તો ઠીક થશે. ખબર આપે તો એને સ્ટેશન પરથી લઈ આવો. અને અહીં કેવી રીતે આવવું એ સમજાવજો. બપોરે ૧૦ થી ૧ વાગ્યા સુધીમાં ગમે ત્યારે જેલ ઉપર આવે તે મળી શકશે. અને રાત્રે અથડાવાની જરૂર નથી. પાછા ફરતાં તમારે ત્યાં જ આવે એવી એને સમજ પાડજો. સાંજે એને સ્ટેશન પર લેવા જજો. અજાણ્યો છે. એને દુઃખ બહુ જ લાગ્યું હોય એમ એના કાગળ ઉપરથી જોઈ શકાય છે.”

તા. ૧૬–૪–’૩૪ના રોજ મણિબહેનને લખેલો કાગળ મહત્વનો છે.

“તમે સ્વસ્થ થઈ ગયાં તેથી ડાહ્યાભાઈને પણ શાંતિ થઈ. છાપામાંથી બાપુના ધડાકા*[] વિષે વાંચ્યું હશે. આ વખતને નિર્ણય જરા અટપટો અને ગૂંચવાડાભરેલો છે. ઝટ સમજાય તેવું નથી. પણ આપણે અંદર પડેલાને એવા કોયડાઓનો વિચાર કરવાનો ન હોય. બહારવાળાને જે સૂઝે તે કરે, આપણે તો બહારની દુનિયામાં શું બને છે તે જાણવા-સમજવાનો બિલકુલ પ્રયત્ન ન કરવો. બહાર હોઈએ ત્યારે બધો રસ લઈએ. અંદર પેઠા પછી જવાબદારીમાંથી મુક્તિ.
પણ એટલું સમજાય છે કે હવે આજ સુધી ચાલ્યું તેમ નહીં ચાલે. શું થશે તેની અટકળ કરવી મુશ્કેલ છે. પ્રભુ કરે એ ખરું. આવતી તા. ૧લીએ બધા રાંચીમાં મળવાના છે. …
“નારણદાસને બાપુએ બોલાવ્યા છે. હવે આશ્રમવાસીઓએ શું કરવું એનો નિર્ણય કરવાનો છે. બાપુની પહેલી ઑગસ્ટ*[] પાસે આવતી જાય છે. હવે એમને એકલાને અંદર જવાનું અને ત્યાંથી હરિજનનું કામ કરવાની છૂટ નહીં મળે તો પાછું અનશન તો ઊભું જ છે. આ વખતે તો છેવટનું જ કરવાનું. એટલે બધાં ભારે મૂંઝવણમાં પડ્યાં છે. બાપુ કહે છે કે એવે ટાણે બધા બહાર રહે એ જ સારું. એટલે એમણે જે નિર્ણય કર્યો છે એ જ બરાબર છે એમ કહે છે.”

પછી બધા કાર્યકર્તાઓના ખબરઅંતર લખે છે :

“મીઠુબહેન હુમણાં મરોલી અને રાજપીપળા, વાંસદા વગેરે દેશી રાજ્યની વચ્ચે ખૂબ ફરે છે. ઈસ્ટરની રજાઓમાં પાછાં મંગળદાસ પકવાસાને ત્યાં લઈ ગયાં હતાં, ખૂબ ગામડાંમાં ફેરવ્યા. પછી મરોલી આવીને પોતે માંદાં પડી ગયાં છે અને મંગળદાસ મુંબઈ આવીને માંદા પડી ગયા લાગે છે. કલ્યાણજી સાથે ફેરવનાર હતા એટલે શું પૂછવું ? હમણાં તો બધા આશ્રમ બંધ પડ્યા છે એટલે મરેલી બધાંને રહેવાનું સ્થળ થઈ પડ્યું છે. કુંવરજી ત્યાં જ છે. વેડછીવાળા ચૂનીભાઈ ત્યાં છે. કેશુભાઈ પણ ત્યાં જ છે. ચૂનીભાઈનાં વહુ અમદાવાદ એની મોટી છોકરી કપિલાને ત્યાં ગયાં હતાં, ત્યાં માળ પરથી પડી ગયાં અને પગની પાનીનું હાડકું ભાંગ્યું. એક મહિના ખાટલે રહ્યાં. એ પણ હવે મરોલીમાં છે. પેલો ગોરધનબાબા હવે સાજો થઈ ગયો છે. પંડ્યાજીની તબિયત સારી છે. એક શેર દૂધ રોજ મળે છે, પણ હવે બિચારા ઘરડા થયા. દાંત તો બધા જ કઢાવ્યા છે. એટલે શું થાય ? સહન કરવાની શક્તિ ઓછી થઈ ગઈ છે. રવિશંકર છૂટીને રાસ ગયા છે. એની તબિયત સરસ છે એમ લખે છે. જેલની કશી જ અસર દાખવી નથી એમ જણાવે છે. અબ્બાસ ડોસા આ વર્ષે પ્રજામંડળના પ્રમુખ થયા છે. ગામડાંમાં ખૂબ ફરે છે. ગયા મહિનામાં ૧૫૧ ગામ ફર્યા એવો રિપોર્ટ આવ્યો છે. સાત હજાર રૂપિયા ઉઘરાવ્યા. પચીસ હજાર કરવાના છે. આ મહિનામાં નવસારીમાં મુકામ રાખી આજુબાજુના ગાયકવાડી વિભાગમાં ફરવાના છે. ડોસા આ ઉંમરે ભારે જોર બતાવી રહ્યા છે. સુરતથી કાનજીભાઈનો કાગળ હતો. એમનો ભત્રીજો રણધીર થાણામાં બે વર્ષને માટે હતો તે હમણાં છૂટ્યો. મોટો છોકરો અહીં છે. તે આવતા માસમાં
છૂટશે. એટલે હવે બધાં પાછાં ઘર ભેળાં થશે. હવે પાછા જવાપણું તો રહેતું નથી, એટલે શું કરવું તેનો વિચાર કરી રહ્યા છે. ચંદુભાઈ ભરૂચ છે. જયરામદાસ મજામાં છે. પણ એમને હરસ થયા છે. બહારથી ફળ મંગાવીને ખૂબ ખાવાં જોઈએ. તો સારું થાય. મેં પ્રેમી (જયરામદાસની દીકરી)ને લખ્યું છે. મને પણ અહીં આવ્યા પછી બે ત્રણ દિવસ ખૂબ લોહી પડ્યું હતું. પછી ખૂબ ફળ ખાવા માંડ્યાં એટલે બંધ થઈ ગયું. હજી પણ પુષ્કળ ફળ અને શાકનો ઉપયોગ કરું છું. એથી મુશ્કેલી પડતી નથી.”

મણિબહેનને તબિયત સાચવવા અને મનને પ્રફુલ્લિત રાખવા એ જ કાગળમાં સલાહ આપે છે :

“મન પ્રફુલ્લિત રાખતાં આવડે તો શરીર સામાન્ય રીતે સારું રહે છે. પણ મનમાં ઉદાસ બનાવનાર તર્ક વિતર્ક આવ્યાં કરે તો એની માઠી અસર શરીર ઉપર થયા વિના રહેતી નથી. જો ભજનમાં મન પરોવી શકાય અને એમાં આનંદ આવે અને બહારની દુનિયામાં શું થાય છે કે થશે તેની જરાયે પરવા ન કરીએ તો દિવસો ખૂબ આનંદમાં જાય. કેટલાંક મનગમતાં ભજનો કંઠે કરી લીધાં હોય તો પછી મોજથી ગમે ત્યારે એનું રટણ કરી શકાય. રાત્રે ઊંઘ બરાબર આવવી જોઈએ. જો ઊંઘ સારી આવે તો કશી મુશ્કેલી ન આવે. અંદરના કરતાં હમણાં તો બહારની મુશ્કેલીઓનો પાર નથી. બાપુના છેલ્લા ફતવાથી શી પરિસ્થિતિ થઈ છે તે હજી ચોક્કસ ખબર પડી નથી. થોડા વખતમાં પડશે. એ કંઈ ઢાંક્યું થોડું રહેવાનું છે ? જે થાય તે આપણને તો સરખું જ છે:

તા. ૩૦–૪–’૩૪ના કાગળમાં પણ કાર્યકર્તાઓના ખબર અંતર લખે છે:

“ઉત્તમચંદ અને સંતોક અમદાવાદ ગયાં છે. સંતોકના ગળાના કાકડા કાલે વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં ડૉ. પટેલ પાસે કપાવ્યા છે. સારાભાઈને ત્યાં ઊતર્યાં છે. સાથે ઉત્તમચંદના ભાઈની ચૌદ વર્ષની છોકરી કેસર છે. ભાઈ ક્યાંક બીજવર સાથે પરણાવી દેવાનું કરતા હતા. ઉત્તમચંદ વખતસર જઈ પહોંચ્યા એટલે અટક્યું છે. છોટુભાઈ મોટરવાળા, એની વહુ અને છોકરો બધાં ઉભરાટ ગયાં છે. એકાદ મહિનો રહેશે. ઉભરાટ મરોલીથી વીસ માઈલ દૂર દરિયાકાંઠે છે. ગાયકવાડી ગામ છે. ત્યાં ગાયકવાડે કંઇક મકાનો બંધાવ્યાં છે એમાં રહેવાનું છે. વેડછીવાળા ચુનીભાઈ, સૂરજબહેન તથા ગોરધનબાબો અને કેશવભાઈ પણ ત્યાં ગયાં છે. ઉત્તમચંદ અને સંતોક આવતે અઠવાડિયે ત્યાં જશે. હમણાં બધાં માંદાં અને ભાંગલાં થયાં છે તે ત્યાં આરામ લઈ રહ્યાં છે. મહિના પછી છોટુભાઈ મોટર લઈને બારડોલીમાં મંજુબહેન પાસે પહોંચી જવાનો છે. મંજુબહેન કડોદમાં શાખા કાઢવાનાં છે. અઠવાડિચામાં બે દિવસ ત્યાં જવાનું રાખશે. મંજુ અત્યારે આખા દિવસમાં છ કેળાં અને એક રતલ દૂધ એટલું જ લે છે. મેં એને દૂધ ખૂબ વધારવા લખ્યું છે. રસોઈ તૈયાર મળે તો ખાય ખરી. પણ હમણાં સગવડ નથી. પાછું બધું રાગે પડી જાય ત્યારે થઈ શકે. થોડા દિવસ પછી શું થાય છે તે જોઈશું. કિશોરલાલ હજી દેવલાલીમાં જ છે. કોઈ દાક્તરનાં ઈંજેક્શન લેવાં શરૂ કર્યાં છે. ફાયદો થશે તો ચોમાસું ત્યાં જ કાઢશે એમ કહે છે. વિદ્યાપીઠવાળા નગીનદાસ પણ ત્યાં આવ્યા છે. વિસાપુરથી ખોખરા થઈને
આવ્યા છે. તબિયત સુધારવા એક મહિનો રહેવાના છે. વિસાપુરમાં બધા સારા છે. માત્ર જુગતરામ બહુ સુકાઈ ગયા છે, એમ ઉત્તમચંદ લખતો હતો. ભાસ્કર હજુ તો અમદાવાદમાં જ છે. શાંતા પણ ત્યાં જ છે. મંગળા મૅટ્રિકની પરીક્ષામાં બેઠી છે. રવિશંકર છૂટીને રાસ જઈ આવ્યા. લોકો ખૂબ દુઃખી થઈ ગયા છે. કેટલાક થાક્યા છે. હેરાનગતિ પાર વિનાની છે. પણ આશાભાઈ બહુ બહાદુરી બતાવી રહ્યો છે. બાપુને મળવા જવાનો છે. તે પછી શું કરવું એનો નિર્ણય કરીને મને લખશે.
“બલ્લુભાઈએ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ તરીકે સારી ખ્યાતિ મેળવી લાગે છે. દાદા તો હજી રત્નાગિરિ જ પડ્યા છે. એમનું તો હવે બધાની સાથે જ નક્કી થઈ જવાનું. એમને તો ત્યાં વેરભાવે ભગવાન મળ્યા જેવું થયું છે. ત્યાં રહેવાથી તબિયતમાં સારો સુધારો થયો હોય એમ જણાય છે. અમદાવાદ શરીર બહુ બગડી ગયું હતું. અને વધારે બગડે એવો સંભવ હતો. એટલામાં જવાનું થયું. એટલે એક રીતે તો સુખી થયા ગણાય.”

ગુજરાતના એક બહુ જૂના કાર્યકર્તા ફૂલચંદ બાપુજી શાહ વિસાપુર જેલમાંથી છૂટ્યા પછી થોડા વખતમાં ગુજરી ગયા, તેમને વિષે એ જ કાગળમાં લખે છે :

“ગયે અઠવાડિયે બિચારા ફૂલચંદ બાપુજી ગુજરી ગયા. બહુ ભલા માણસ હતા. જૂનામાં જૂના કામ કરનારા હતા. સાધારણ સ્થિતિમાં અથવા ગરીબ સ્થિતિમાં હોવા છતાં આખી ઉંમર દેશસેવામાં જ ગાળી. ખેડા જિલ્લામાં એની જગ્યા લેનાર કોઈ નથી. એનું મરણ પણ બહુ ભારે થયું ગણાય. આગલે દિવસે નરસિંહભાઈ પટેલ પાસે આણંદ ગયા હતા. વિઠ્ઠલ સ્મારક સમિતિના બેઉ મંત્રી છે. સાંજ સુધી આણંદ રહ્યા. બીજે દિવસે સમિતિની મીટિંગ નડિયાદમાં કરવાનું ઠરાવીને પાછા નડિયાદ ગયા. સાંજે ઘેર જઈને રાત્રે બાર વાગ્યા સુધી પડોશી સાથે ખૂબ વાતો કરી. પછી ઘરમાં જઈ અગાસીમાં સૂઈ ગયા. ઘરમાં કોઈ જ ન મળે. સાવ એકલા. છોકરો અમદાવાદ માંદો હતા તેથી એમનાં વહુ છોકરાની સારવાર માટે અમદાવાદ ગયાં હતાં. ગોકળદાસ તલાટી એમના ઉંમરભરના સાથી તે પણ તે જ દિવસે મુંબઈ ગયેલા. દાદુભાઈ સમિતિના પ્રમુખ છે તે પણ મુંબઈમાં. ફૂલચંદભાઈ રાત્રે બાર વાગ્યે પથારીમાં સૂતા એ સૂતા. પછી ઊઠ્યા જ નહીં. સવારે સમિતિનો પટાવાળો આઠ વાગ્યે ઘેર આવ્યો તોયે ઊઠેલા નહીં, એટલે પડોશીને પૂછ્યું. પછી બધાં ઘરમાં દાખલ થયાં. અગાસીમાં સૂતેલા જોયા. ડૉક્ટરને બોલાવ્યો. ડૉકટરે કહ્યું કે હૃદય બંધ પડવાથી ગુજરી ગયેલા છે. રાત્રે પ્રાણ ચાલી ગયો. કોઈ પાસે ન મળે. કોઈને ખબર પણ ન પડી. નરસિંહભાઈ સવારે આણંદથી નીકળી નવ વાગ્યે નડિયાદ આવ્યા, ત્યારે સ્ટેશન ૫૨ જ સમાચાર મળ્યા કે ફૂલચંદભાઈ તો ચાલી ગયા. બિચારા એ તો છેક જ હેબતાઈ ગયા. પણ શું કરે ? એમના આમ એકાએક ચાલી ગયાના સમાચાર જાણ્યા ત્યારે મને પેલું ભજન યાદ આવ્યું:

કોનાં છોરુ, કોનાં વાછરુ, કોનાં મા ને બાપજી,
અંતકાળે જવું એકલા, સાથે પુણ્ય ને પાપજી.

“નડિયાદે ઠીક માન આપ્યું. હડતાલ પડી, સરઘસ નીકળ્યું. બહુ માણસો સ્મશાનમાં ગયા હતા. મુંબઈમાં કાલે એમના સ્નેહીઓએ મીટિંગ કરી હતી. ભૂલાભાઈ પ્રમુખ થયા હતા. મુનશી, જમનાદાસ મહેતા વગેરે બહુ સારું બોલ્યા. ફૂલચંદભાઈને હૃદયનો રોગ તો હતો જ. વિસાપુરમાં પણ કોઈ કોઈ વાર દરદ થઈ આવતું. ત્યારે સૂમ થઈને પડી રહેતા.”

પછી વિઠ્ઠલભાઈના વીલ વિષે લખે છે :

“ગયે અઠવાડિયે શંકરભાઈ અમીન (સોલિસિટર) મને મળવા આવ્યા હતા. તેમની રજા તો બહુ વખતથી મેળવેલી હતી, પણ એમને નવરાશ નહોતી મળતી. કોર્ટ બંધ થઈ અને ફુરસદ મળી એટલે આવ્યા. વીલ સંબંધમાં કોર્ટમાં જે જે પગલાં ભરવાનાં છે તેની વાત કરવા આવ્યા હતા. મને બધી વાત કરી. મેં તો કહ્યું કે તમને સૂઝે એમ કરો, એમાં મને કશો રસ નથી.”

પછી આમતેમના સમાચાર આપે છે :

“ભક્તિલક્ષમી ચોરવાડ છે. દરબારના ભાઈની દીકરી માંદી છે તેને ત્યાં રાખેલી છે, તેની સારવાર કરવા રહ્યાં લાગે છે. સૂર્યકાંત અને શાંતા પણ ત્યાં જ છે. મહેન્દ્ર ભાદરણમાં લલ્લુભાઈને ત્યાં રહે છે. એને ભણવાનો ખૂબ રસ લાગ્યો છે. ભાદરણ હાઈસ્કૂલમાં પાંચમા ધોરણમાં દાખલ કરાવ્યો છે. બે વર્ષમાં મૅટ્રિક થવાનો ઇરાદો રાખે છે. એટલે હમણાં તો ખૂબ મહેનત કરી રહ્યો છે. બીજા બે (દરબારસાહેબના દીકરાઓ) ભાવનગર દક્ષિણામૂર્તિમાં છે. ત્યાં બેઉ ઠીક છે. છગનલાલ જોષી પણ હમણાં તો ભાવનગરમાં જ છે. પરદેશી ઠરાવીને બહાર કાઢેલા છે એટલે બીજે જઈ શકતા નથી. એવું જ મણિલાલ કોઠારીનું થઈ પડ્યું છે. એ પણ જોરાવરનગરમાં ભરાઈ પડ્યા છે. હમણાં બૂચ (વેણીલાલ) છૂટ્યો. એના ઉપર પણ એવો જ હુકમ કાઢ્યો છે. અબ્બાસ ડોસો ભરૂચની સભામાં *[] ગયા હતા અને પ્રમુખ થયા હતા. ડોસા ખૂબ કામ કરી રહ્યા છે. ગામડે ગામડે રખડે છે અને રૂપિયા ભેળા કરે છે. ગામડે ફરે છે એમ તબિયત સારી થતી જાય છે, એમ લખે છે. અજબ ડોસો છે. મીઠુબહેનનો કાગળ હતો. વચ્ચે માંદાં પડી ગયાં હતાં. હવે પાછાં સારાં થઈ ગયાં છે. હમણાં તો ખૂબ રખડે છે. પૈસા ઉઘરાવી લાવે છે, લાકડાં માગી લાવે છે, ને મકાન બંધાવે છે. સુરત જિલ્લાના આપણા બધા કાર્યકર્તાઓને હમણાં તો મરોલી એક ઉતારાનું સ્થાન થઈ પડ્યું છે. રહેવાનું ત્યાં રાખીને આજુબાજી રાનીપરજમાં કેશુભાઈ, ચુનીભાઈ વગેરે બધા રખડે છે. લોકો ખૂબ જ ડરી ગયેલા હતા, પણ ધીમે ધીમે ભડક ઓછી થાય છે.”

તા. ૧૪–૫–’૩૪ના કાગળમાં મણિબહેનને આવા જ બધા સમાચાર આપે છે :

“ચંદુભાઈ કાનજીભાઈ, રવિશંકર અને છોટુભાઈ પુરાણી એટલા રાંચી જઈ આવ્યા. હવે ખેડૂતોને માટે કંઈક રકમ ભેળી કરવા પ્રયત્ન કરે છે. હમણાં તેઓ
મુંબઈમાં પડ્યા છે. મૃદુલા પણ રાંચી ગઈ હતી. ત્યાંથી માથેરાન ગયેલી. તે પાછી અમદાવાદ પહોંચી ગઈ છે. અમદાવાદમાં સ્ત્રીઓની કાંઈક સંસ્થા તેણે કાઢી છે. બાપુનો નિર્ણય તેને પસંદ ન પડ્યો હોય એમ બને. પણ હવે તો શાંત થઈ ગઈ લાગે છે. રાંચી જઈ આવ્યા પછી એના મનનું સમાધાન થઈ ગયું હશે.
“રાસવાળાને પાકું દુઃખ છે. પેલો નડિયાદવાળો ઇસ્માઈલ ગાંધી મુસલમાનોની ટોળી કરી જમીનો રાખી લઈને પડ્યો છે. ખેતરમાં તંબુ નાખ્યા છે અને હથિયારના પરવાના લીધા છે. તોફાની ટોળું રહ્યું એટલે ખેડૂતોને ખૂબ ડરીને રહેવાનું રહ્યું. રાસવાળો આશાભાઈ બહુ ભારે હિંમત બતાવી રહ્યો છે. રવિશંકર આવી ગયાથી એને ખૂબ હૂંફ મળી છે. ચંદુભાઈ પણ ઠીક મદદ કરી રહ્યા છે. પણ કામ બહુ ભારે છે. કેમ પહોંચી વળવું એ સવાલ છે. ગામ છોડીને જવાનું રહ્યું. હવે ગામમાં રહે પોસાય તેમ નથી. બધી જમીન ગઈ છે અને ખેડવા તો જોઈએ. નહીં તો પૂરું શી રીતે થાય ?
“મુંબઈમાં મિલમજૂરો હડતાલ પાડી બેઠા છે. અમદાવાદમાં પણ એક વખત તો બીક જેવું લાગતું હતું. પણ હમણાં ત્યાં કંઈ થાય એમ લાગતું નથી. મૃદુલાનો કાગળ હતો કે મજૂરોના નેતાઓ (શંકરલાલ બૅંકર અને અનસૂયાબહેન) માથેરાન છે, એટલે તમારે હડતાલ પડે એની કશી ચિંતા ન રાખવી. મુંબઈના કેટલાક અમદાવાદ પહોંચી ગયા છે, અને મજૂરોમાં પ્રચાર કરે છે. પણ ત્યાં મજૂર મહાજન સિવાય બીજા કોઈનો પગપેસારો થાય એવું લાગતું નથી.
“દાદા (માવલંકર) હજુ રત્નાગિરિમાં જ છે. એમનાં મા અને કમુ ત્યાં ગયાં છે. દાદાને મેં કમુ વિષે સૂચનાઓ મોકલી હતી. હવે રોજ સાથે ફરવા લઈ જાય છે. ખોરાક બહુ થોડો લેતી હતી. શરીર નાજુક બનાવવું હોય તો થોડું ખાવું જોઈએ એવું એને અમદાવાદમાં કોઈ છોકરીએ શીખવ્યું હતું. તેથી અડધી ભૂખે મરતી હતી. હવે ઠીક ખોરાક લે છે. એટલે શરીર સારું થયું છે. દાદાને ૨ત્નાગિરિથી ખૂબ ફાયદો થયો.
“આપણા ઑફિસવાળા કુષ્ણલાલનો છોકરો નરેન્દ્ર બી. એસસી. ની પરીક્ષામાં સેકન્ડ ક્લાસમાં પાસ થયો. સારું થયું. ગરીબ માણસ છે. છોકરો કમાતો થાય તો ઘરનું ઠીક ચાલે. છોકરો બહુ સારો છે. અભ્યાસ ઠીક કર્યો કહેવાય.”

તા. ૩૦–૫–’૩૪ના કાગળમાં કાર્યકર્તાઓની આવી જ ચિંતા કરતા જણાય છે :

“ડૉકટર હરિપ્રસાદનો છોકરો વિષ્ણુ ગયે અઠવાડિયે હૃદય બંધ પડવાથી ગુજરી ગયો. ૨૮ વર્ષની ઉંમર હતી. બે મહિનાથી મુંબઈ રહેતો હતો. એલ.સી. પી. એસ.ની પરીક્ષા માટે વાંચતો હતો. ખૂબ મહેનત કરી એથી શરીર નબળુ પડી ગયું. પરીક્ષા આપીને ઘરે આવ્યો અને બીજે જ દિવસે ગુજરી ગયો. સારું થયું કે પરણેલો નહોતો. બેત્રણ વર્ષથી ડૉકટર પરણાવવા મહેનત કરતા હતા. એ ના પાડતો હતો. પરીક્ષા થઈ ગયા પછી પરણવાનો વિચાર હતો. ડૉક્ટર તો ગિજુભાઈ (સર ચીનુભાઈ) સાથે ઊટી ગયા હતા. ખબર મળી
એટલે પાછા આવ્યા. છોકરો બહુ સારો હતો. ડૉકટરને લાગી આવ્યું તો છે જ. પણ એ હિંમતવાળા છે.
“હરિવદન હજી અમદાવાદમાં જ છે. હવે થોડા દિવસમાં નવસારી આશ્રમમાં પાછો જશે. બધું બંધ રહ્યું એટલે એને ગમ્યું નથી. પણ શું કરે ?
“કાનજીભાઈનો દીકરો પ્રમોદ અહીં એની સાથે હતો. એ પણ છૂટીને સુરત ગયો છે. પ્રમોદ સરસ છોકરો છે. જિંદગી દેશસેવામાં જ આપવાનો નિર્ણય કર્યો છે. કાનજીભાઈએ પણ એને રજા આપી છે. એનો નાનો ભાઈ પ્રિવિયસમાં ફર્સ્ટ ક્લાસમાં પાસ થયો. આખું કુટુંબ ઠીક રંગાયેલું છે. બધાંએ સહન પણ ખૂબ કર્યુંં. નુકસાન પણ સારી પેઠે વેઠ્યું છે. બલ્લુભાઈએ કોઠામાં (મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે) ઠીક આબરૂ મેળવી છે. એમના કામથી સૌ ખૂબ રાજી છે. ભૂરુજી મજામાં છે. એ છાપામાં દટાઈ ગયો છે. જરાયે નવરો થતો નથી. ભાસ્કર મુંબઈ આવી ગયો છે. કૉંગ્રેસ હૉસ્પિટલનો ચાર્જ પાછો સંભાળી લીધો છે. હજી મુંબઈમાં ઘર વસાવ્યું નથી. શાંતા વગેરે સોજિત્રામાં જ છે. ઘર રાખ્યા પછી બોલાવવાનો ઇરાદો રાખે છે.
“વેલાંબહેન વડોદરે ગયાં છે. આનંદી, મણિ અને વનમાળા એની સાથે છે. દુર્ગા, મણિ અને અમીના હમણાં તો અંદર છે, પણ બહાર આવશે એટલે તેમને ક્યાં રાખવાં અનો વિચાર કરવાનો છે. કિશોરલાલ બાપુ સાથે મસલત કરવાના છે. આશ્રમ નીકળી ગયો એટલે આ બધાને તો પગ નીચેની ધરતી ચાલી ગયા જેવું થયું છે. કોઈ સ્થાન રહ્યું નહીં. અને પાછાં આટલે વર્ષે સંસારમાં જવું એ પણ ન ગમે. એટલે શું કરે ? લડાઈ બંધ થઈ એટલે બાળ, કાંતિ વગેરે કંઈક અભ્યાસ કરવાની સગવડો શેાધતા થઈ ગયા છે. પણ શું કરવું અને ક્યાં રહેવું એ નિર્ણય કરી શક્યા નથી.”

તા. ૧૭–૬–’૩૪ના કાગળમાં આશ્રમનાં બધાંની થયેલી વ્યવસ્થા વિષે લખે છે :

“અત્યારે તો બાપુએ એવી ગોઠવણ રાખી છે કે નારણદાસ રાજકોટમાં જ રહે. અને ત્યાંની જમનાદાસવાળી નિશાળમાં આશ્રમનાં બધાં છોકરાંને ભણાવવાની ગોઠવણ કરે. આશ્રમનાં મોટેરાં બધાં ગામડાંમાં જુદે જુદે સ્થળે ગોઠવાઈ જઈને ગરીબાઈથી રહે એવી ગોઠવણ બાપુ કરવા ધારે છે. નારણદાસ રાજકોટમાં રહે, તે જેઓ ગામડે પડ્યા હોય તેમની સાથે સંબંધ અને સાંકળ ગોઠવે. પણ બધાંને રાજકોટમાં છોકરાંને મૂકવાનું ગમશે કે કેમ એ સવાલ છે. સૌથી મોટો સવાલ તો અમીના અને એનાં છોકરાંનો થઈ પડશે એમ હું માનું છું. કુરેશીને પણ વિચાર કરવાનું રહેશે. આ બધી વાતનો આધાર તો બાપુ ઑગસ્ટની પહેલીએ શું કરશે એના ઉપર રહેશે. આપણા બારડોલીના આશ્રમો તો હજી પાછા આવ્યા નથી. અને ક્યારે મળશે તેનું કશું જ નક્કી નથી.”

ડાહ્યાભાઈને તા. ૪–૭–’૩૪ના રોજ કુટુંબ વિષે લખે છે :

“તમે લખો છો એ બધું જ સાચું હોય તોપણ તમારા વિચારમાં દોષ હોય એમ મને લાગે છે. આપણે એમના જેવા થઈએ તો પછી આપણામાં અને એમનામાં ફેર શો રહ્યો? અપકારનો બદલો ઉપકારથી વાળવો એ ડાહ્યા
માણસનું કામ છે. બૂરાની સાથે બૂરાઈ કરનારાં તો જગતમાં ઘણાંયે છે. એની મા ગમે તેવી હોય તેમાં એ છોકરાનો શો દોષ ? … (ફલાણા) એને કેમ નોકરી અપાવતા નથી એવો વિચાર આપણે ન કરીએ. એ આપણો છે અને આપણે અપાવી શકીએ તો અપાવવી જોઈએ. તમે એનો કાગળ જોઈ ક્રોધે ભરાયા લાગો છો. એના ઉપર ક્રોધ ન શોભે, એની માનો કે બીજાનો દોષ હોય એનો ક્રોધ એ નિર્દોષ બાળક ઉપર ન હોય. મને લાગે છે કે આપણે કુટુંબથી અલગ રહ્યા છીએ તેથી મહા ખટપટમાંથી છૂટી ગયા છીએ. કોઈને દોષિત ઠરાવવા માટે આપણે કશું પૂરું જાણતા નથી. આપણને જાણવાનો અવકાશ નથી. ઇચ્છા પણ નથી. સહુનો ઓછાવત્તો દોષ હશે. … ને એમના છોકરામાંથી કોઈ રાખી શકતા નથી. અને એ ભાઈઓને પણ એકબીજા સાથે બનતું નથી. આમ કમનસીબે કુટુંબકલેશ જેવું ચાલ્યા જ કરે છે. આપણો ધર્મ સૌને જેટલી મદદ થાય તેટલી મદદ કરવાનો તો છે જ, એ ન કરીએ તો આપણે આપણો ધર્મ ચૂકીએ. કુટુંબમાંથી કોઈ આપણી મદદ માગતો આવે ત્યારે તેને આપણે કેમ તરછોડી શકીએ ? આ બધી વાત તો તમે ક્રોધ છોડીને વિચારો તો સમજ પડે. અકળાવાથી ન બને. કોઈના બોલવા અગર લખવા ઉપર ગુસ્સો કરવો એ આપણને શોભે નહીં. સામાના ક્રોધની સામે પ્રેમથી જ કામ લઈ શકાય. આપણે તો ઉદારતાથી વિચાર કરવો જોઈએ. પણ આ બધું તમને ન સમજાય એ હું સમજી શકું છું. સામાન્ય વિચારસરણી તમારા જેવી જ હોય છે. એમાંથી બહાર નીકળવું કઠણ છે. પણ એ જ ઉત્તમ છે.”

સરદાર જેલમાં પડ્યા પડ્યા કેટલા કેટલા માણસોનો વિચાર કર્યાં કરતા હતા તે એમણે લખેલા કાગળોમાંથી ઉપર જે થોડા ઉતારી આપ્યા છે તે ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. આ કાગળોમાં જે અનેક નામ આવે છે તેમને તે ખબર નહીં હોય કે સરદાર આપણો વિચાર રાખતા હશે. એક ભાઈની તો મને પ્રત્યક્ષ માહિતી છે. તેમણે કહેલું કે હું તો સરદાર સાથે કોઈ દિવસ બોલ્યો પણ નથી અને સરદાર મને ઓળખતા હશે કે કેમ તે પણ મને ખાતરી ન હતી. છતાં સરદારે મારી પણ કાળજી રાખી છે. તેની મને નવાઈ લાગે છે. પણ પોતાના તમામ સાથીઓ અને કાર્યકર્તાઓની કાળજી ન રાખે તો પછી સરદાર શેના કહેવાય ? સેવકો પ્રત્યે સરદારના દિલમાં ઊંડે વાત્સલ્યભાવ હતો તેથી જ તેઓ સરદારપદને સફળ રીતે શોભાવી શક્યા.

  1. * એ પત્રો ‘બાપુના પત્રો – ૨ : સરદાર વલ્લભભાઈ’ને એ નામે નવજીવન પ્રકાશન મંદિર તરફથી બહાર પડ્યા છે. કિં. રૂ. ૩-૦-૦, ટપાલરવાનગી ૦–૧૨–૦.
  2. * સવિનય ભંગની લડત પોતાના પૂરતી જ મર્યાદિત કરી નાખવાના ગાંધીજીએ કરેલા નિર્ણયનો આ ઉલ્લેખ છે.
  3. * ’૩૩ની પહેલી ઑગસ્ટે ગાંધીજીને પકડ્યા અને એમને એક વર્ષની સજા કરવામાં આવી. તે વખતે જેલમાં હરિજનકામ કરવાની પૂરતી છૂટ ન મળવાથી તેમણે ઉપવાસ કર્યો. એ ઉપવાસમાં તેમને છોડી મૂક્યા. પોતાની સજાનું વર્ષ હરિજન કામમાં જ ગાળવા માટે તેમણે આખા દેશમાં હરિજનયાત્રા કરવાનું નક્કી કર્યું. ૧૯૩૪ પહેલી ઑગસ્ટે એક વર્ષ પૂરું થતું હોવાથી તેઓ શું કરશે એની સરદાર ચિંતા કરતા હતા.
  4. * નાકરની લડતમાં પડેલા અને ખુવાર થયેલા ખેડૂતોને શક્ય તેટલી રાહત આપવા માટે ફંડ એકઠું કરવાની સભા.