સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/વિદ્યાપીઠ પુસ્તકાલય પ્રકરણ

વિકિસ્રોતમાંથી
← વત્સલ હૃદય સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
વિદ્યાપીઠ પુસ્તકાલય
નરહરિ પરીખ
બોરસદ તાલુકામાં પ્લેગનિવારણ →




૧૨

વિદ્યાપીઠ પુસ્તકાલય પ્રકરણ

ગાંધીજીએ સને ૧૯૩૩ના જુલાઈની ૩૧મીએ સાબરમતી આશ્રમ વિખેરી નાખ્યો એ કહેવાઈ ગયું છે. તે વખતે આશ્રમનું પુસ્તકાલય રખડી ન જાય અને તેનો સદુપયોગ થાય તે માટે એ તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીને સોંપી દીધું. પુસ્તકાલય સોંપી દેવાનો વિચાર ચાલતો હતો તે વખતે શ્રી કાકાસાહેબ કાલેલકર પૂનામાં હતા. ગાંધીજીએ પહેલાં આશ્રમનું પુસ્તકાલય વિદ્યાપીઠના પુસ્તકાલય સાથે ભેળવી દેવાની વાત કાકાસાહેબને કરેલી. પણ એનો અમલ લડત આવી તેને લીધે થઈ શકે નહીં. એટલે આ વાત સાંભળી પેલા સંકલ્પનું સ્મરણ કરાવવાના ઉદ્દેશથી ગાંધીજીને કાગળ લખી તેઓ અમદાવાદ આવવા પૂનાથી નીકળ્યા. કેવા સંજોગોમાં વિદ્યાપીઠનું પુસ્તકાલય તેમણે મ્યુનિસિપાલિટીને સોંપ્યું એની વિગતોનું વર્ણન કરતો એક કાગળ શ્રી કાકાસાહેબે ગાંધીજીને તા. ૩૦–૭–’૩૪ના રોજ લખેલો. તેમાં ગાંધીજી સાથે તેમને તે વખતે થયેલી વાતોનો અહેવાલ તેમણે આપ્યો છે. તેમાંથી મુદ્દાનો ભાગ નીચે આપ્યો છે :

“આપે જ શરૂઆત કરી કે વિદ્યાપીઠનું પુસ્તકાલય પણ આપણે મ્યુનિસિપાલિટીને સોંપી દઈએ તો કેવું ? મેં કહ્યુંં અહીં આવતાં રસ્તામાં મેં પણ એ જ વિચાર કર્યો હતો. આપે આશ્રમની લાઇબ્રેરી વિદ્યાપીઠને આપી હોવા છતાં મ્યુનિસિપાલિટીને સોંપી એટલે બને લાઇબ્રેરીઓ મ્યુનિસિપાલિટીને અપાય એમ જ આપ ઇચ્છતા હશો, નહીં તો આપને હાથે આવું પગલું ન જ ભરાત, એ વિચારશ્રેણીએ મેં પણ નક્કી કર્યું કે વિદ્યાપીઠની લાઇબ્રેરી કાઢી નાખીએ એમાં જ શ્રેય છે. દસ વરસ સુધી અથવા એથીયે વધારે વખત બધાએ જેલમાં રહેવાનું છે. તો ચોપડીઓ સરકારના તાબામાં સડતી શા માટે રાખીએ ? દસ વરસને અંતે પરિસ્થિતિ બદલાઈ હશે તે વખતે બધો જ વિચાર જુદી રીતે કરવાનો હશે. વિદ્યાપીઠની પ્રવૃત્તિનો હમણાં જ એક સ્વાભાવિક અંત આવે છે તો એ લાઇબ્રેરીને ઉપયોગ લોકો કરતા થાય એ જ સારું છે.
“પણ મેં ઉમેર્યું કે એ પુસ્તકાલય અને આશ્રમનું પુસ્તકાલય પણ મ્યુનિસિપાલિટીને આપવા વિષે મારો મતભેદ છે. … સરકાર ગમે ત્યારે મ્યુનિ∘ને સસ્પેન્ડ કરી પુસ્તકાલય પોતાના તાબામાં લઈ શકે છે. એટલે એ સરકારને આપ્યા બરાબર છે. આપે કહ્યં: એટલો દોષ એમાં રહે છે એ સાચી વાત છે. પણ મ્યુનિસિપાલિટી વલ્લભભાઈની છે. આપણે પ્રજાની સેવા કરતા હોઈશું તો મ્યુનિસિપાલિટીનો કબજો આપણો જ રહેવાનો છે. વલ્લભભાઈનો સ્વભાવ હું જાણું છું. વલ્લભભાઈને આ વસ્તુ ગમશે. …”

અમદાવાદ આવીને તા. ૩૧મી જુલાઈએ કાકાસાહેબે કલેક્ટરને કાગળ લખીને પુછાવ્યું કે,

“તમે મને મારે જોઈએ તે પુસ્તકો લઈ જવાની પરવાનગી તો આપેલી જ છે. હું એમ માની શકું ખરો કે વિદ્યાપીઠના મકાનમાંથી તમામ પુસ્તકો અને જે ઉપર તે રાખવામાં આવ્યાં છે તે ઘોડા વગેરે ખસેડી લઈ જવાની મને છૂટ છે ? આ પ્રશ્ન એટલા માટે ઉપસ્થિત થયો છે કે સાબરમતી આશ્રમનાં પુસ્તક જે રીતે લોકોપયોગ માટે આપી દેવામાં આવ્યાં છે તે જ રીતે વિદ્યાપીઠનો પુસ્તકસંગ્રહ પણ આપી દેવાનો ઇરાદો વિદ્યાપીઠના ટ્રસ્ટીઓનો છે.”

આ કાગળનો મુસદ્દો ગાંધીજીએ કરી આપ્યો હતો.

આના જવાબમાં કલેક્ટરે જણાવ્યું :

“વિદ્યાપીઠનાં પુસ્તકો તથા મકાન સાથે જડી દેવામાં ન આવ્યા હોય એવા ઘોડા તમે પહોંચ આપીને લઈ જાઓ એમાં કશો વાંધો નથી.”

તે જ દિવસે કાકાસાહેબ પૂના જવા નીકળવાના હતા એટલે ગાંધીજીને કહેતા ગયા કે વિદ્યાપીઠનું પુસ્તકાલય મ્યુનિસિપાલિટીને સોંપી દેવાનો કાગળ આપ જ મ્યુનિસિપાલિટીના પ્રમુખને લખશો. એ પ્રમાણે ગાંધીજીએ મ્યુનિસિપાલિટીના પ્રમુખને વિદ્યાપીઠના પુસ્તકસંગ્રહની ભેટ સ્વીકારવાનું લખ્યું. પછી વિદ્યાપીઠનો પુસ્તકસંગ્રહ વિદ્યાપીઠના મકાનમાંથી ખસેડી મ્યુનિસિપાલિટીને સોંપવામાં આવ્યો.

સરદાર અને બીજા કેટલાક જેઓ વિદ્યાપીઠમંડળના સભ્યો હતા અને એ રીતે વિદ્યાપીઠની મિલકતના ટ્રસ્ટીઓ હતા, તેઓમાંના ઘણાખરા તે વખતે જેલમાં હતા. એટલે તેમને પૂછી શકાય એમ નહોતું. પણ ગાંધીજીની સંમતિ મળેલી હોઈ જેઓ બહાર હતા તેમાંથી કેટલાકને પુસ્તકાલયનું દાન આપી દેવાની બાબતમાં કાને વાત નાખી દેવા ઉપરાંત તેમની વિધિસર સંમતિ લેવાની કાકાસાહેબે જરૂર માની નહીં. સરદારને જેલમાં વિદ્યાપીઠના પુરતકાલયના દાનની ખબર પડી ત્યારે તેમને આ વાત ગમેલી નહીં. પુસ્તકાલય એ વિદ્યાપીઠનું મહત્ત્વનું અંગ ગણાય, અને તેના વિના ભવિષ્યમાં વિદ્યાપીઠની પ્રવૃત્તિઓ ચલાવવાનું અશક્ય જેવું થઈ જાય એમ તેમને લાગતું હતું. પણ જેલમાંથી તો તેઓ કાંઈ કરી શકે એમ નહોતું. ૧૯૩૪ના જુલાઈમાં બહાર આવ્યા પછી બધી વિગતોની તેમણે તપાસ કરી. પુસ્તકાલયનું દાન અપાયું છે એ ઠીક થયું કે અઠીક થયું એ બાજુએ રાખતાં તેમને લાગ્યું કે, “આવી રીતે ટ્રસ્ટની મિલકત બીજી સંસ્થાને આપી દેવાનો શ્રી કાકાસાહેબને અધિકાર ન હતો, એટલું જ નહીં પણ આખા વિદ્યાપીઠમંડળને પણ પુસ્તકાલય અમદાવાદ મ્યુનિસિપાલિટી જેવી, સરકારના અંકુશવાળી સંસ્થાને આપી દેવાનો અધિકાર નથી. કારણ, વિદ્યાપીઠની સ્થાપના અસહકારની ચળવળમાંથી થયેલી હોઈ તેના હેતુઓ અને ઉદ્દેશોમાં સ્પષ્ટ જણાવેલું છે કે, સરકારથી સર્વ પ્રકારે સ્વતંત્ર રહીને વિદ્યાપીઠે કેળવણીનું કામ કરવું તથા પોતાની સંસ્થાઓ ચલાવવી. વિદ્યાપીઠના બંધારણની પુરવણીમાં વિદ્યાપીઠના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે, તેમાં પણ ‘રાજ્યસત્તાના અંકુશ’ એ મથાળા નીચે સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે પોતાનાં ધોરણો ઠરાવવામાં તથા પોતાની સંસ્થાઓની વ્યવસ્થા કરવામાં વિદ્યાપીઠ સરકારથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર રહેશે. હવે મ્યુનિસિપાલિટી તો કાયદાથી સ્થપાયેલી સંસ્થા હોઈ તેના ઉપર કલેક્ટર, કમિશનર તથા સરકારના બીજા અમલદારોના અમુક અંકુશ રહેલા હોય છે. વળી તેને સાંપેલી ફરજો બજાવવામાં તે કસર કરતી માલુમ પડે તો સરકાર તેને કબજે પણ લઈ શકે છે. એટલે વિદ્યાપીઠ જેવી અસહકારી અને સરકારથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર રહેવાના સિદ્ધાંતવાળી સંસ્થા પોતાની મિલકત આવી સરકારના અંકુશવાળી સંસ્થાને સોંપે એમાં સિદ્ધાંતનો અને ટ્રસ્ટના કાયદા પ્રમાણેની ફરજોનો પણ ભંગ થતો હતો. વળી વિદ્યાપીઠના દાતાઓએ વિદ્યાપીઠના ઉપરના સિદ્ધાંતો ધ્યાનમાં રાખીને વિદ્યાપીઠને દાન આપેલાં હોઈ મ્યુનિસિપાલિટી જેવી સરકારના અંકુશવાળી સત્તાને વિદ્યાપીઠની મિલકત સોંપી દેવામાં દાતાઓનો પણ વિશ્વાસભંગ થતો હતો.”

સરદારે પોતાના આ વિચાર ગાંધીજીને જણાવી તેમની સલાહ લીધી. ગાંધીજીને તે દિવસે મૌન હોઈ તેમણે સરદાર સાથે લખીને વાતચાત કરી.

ગાંધીજી: “મારો અભિપ્રાચ એ થાય છે કે મ્યુનિસિપાલિટી પાસે રહેવા દઈ એનું ટ્રસ્ટ બનતું હોય તો કરાવવું. ત્યાં તેનો સારામાં સારો ઉપયોગ છે એમ મને ભાસે છે. પણ બીજાઓને એ ગળે ન ઊતરે તો એ પાછાં લેતાં મુદ્દલ સંકોચ ન ખાવો. આમાં કોઈની પ્રતિષ્ઠાનો કે કાકાની લાગણીનો સવાલ નથી. કાકા સહન કરી લેશે.
વિચાર કરવા બેસીએ તો એમ પણ કહેવું જોઈએ ના કે કાકા ભૂલ્યા તોપણ મારે તેનો અધિકાર તપાસવો જોઈતો હતો ના ? એટલી ધમાલમાં અનેક કામ એક પછી એક કરી નાખ્યાં, તેમાં આ પણ વગર તપાસ્યે કરી નાખ્યું.”

સરદારે કહ્યું : કાકા તો કહે છે કે વિદ્યાપીઠનું પુસ્તકાલય મ્યુનિસિપાલિટીને સોંપવાની સૂચના પ્રથમ આપે કરેલી. તેના જવાબમાં ગાંધીજીએ લખ્યું :

“કાકા મારી સૂચના વિશે વાત કરે છે તેનું મને સ્મરણ નથી. પણ તેને છે તો આપણે માનવું જોઈએ.”

સરદારે ટ્રસ્ટીઓના અધિકાર વિષે વાત કરી હશે એટલે તે વિષે ગાંધીજીએ લખ્યું :

“અધિકાર ન હતો એ તો બરોબર છે. હું તો એટલું જ કહું છું, અધિકાર વિના અપાયેલું દાન અધિકારીઓ હંમેશાં પાછું લઈ શકે છે. વસ્તુતાએ જો એ પુસ્તકો પાછાં લેવાનો ધર્મ હોય તો એ પાછાં લઈ લેવાં એ મારો અભિપ્રાય છે.
એ વેળાએ કાકાએ બધાને પૂછ્યું હોત તો કદાચ તેઓ પણ આપવામાં સંમત થાત. એ અપાયા પછી તો તુરત બધાને જેલમાં જ જવાનું હતું ના ?”

એટલે સરદારે એમ કહ્યું હશે કે સરકારના અંકુશવાળી સંસ્થાને દાન આપવાનો આખા ટ્રસ્ટીમંડળને અધિકાર નથી. એના જવાબમાં ગાંધીજીએ લખ્યું :

“ટ્રસ્ટીઓને અધિકાર નથી એમ કહો છો ? જો એમ જ હોય તો તો પુસ્તક પાછાં લેવાં જ જોઈએ.”

પછી વધુ ખાતરી કરવા માટે સરદારે શ્રી ભૂલાભાઈ દેસાઈ તથા શ્રી કનૈયાલાલ મુનશીના અભિપ્રાય લીધા. તેમને સરદારે સ્પષ્ટ જણાવ્યું કે જો આખા વિદ્યાપીઠમંડળને પુસ્તકાલય આપી દેવાનો કાયદેસર અધિકાર હોય તો કાકાસાહેબના કૃત્યને અમે મંજૂર રાખવા તૈયાર છીએ. એટલે કાકાસાહેબને અધિકાર હતો કે નહીં એ તમે ન જોશો, પણ આખા વિદ્યાપીઠમંડળને અધિકાર છે કે નહીં એના ઉપર તમારા અભિપ્રાય આપશો. બંને ધારાશાસ્ત્રીઓના અભિપ્રાય એવા મળ્યા કે વિદ્યાપીઠના સિદ્ધાંત જોતાં આખા વિદ્યાપીઠમંડળને મ્યુનિસિપાલિટી જેવી સરકારના અંકુશવાળી સંસ્થાને વિદ્યાપીઠની મિલકત સોંપી દેવાનો અધિકાર નથી. તે ઉપરથી સરદારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખને કાગળ લખીને જણાવ્યું કે,

“આચાર્ય કાકાસાહેબ કાલેલકરે પોતાના કેટલાક સાથીઓની સંમતિથી ગૂજરાત વિદ્યાપીઠનું પુસ્તકાલય મ્યુનિસિપાલિટીને સોંપી દીધું છે. મહાત્મા ગાંધીએ આપેલા સત્યાગ્રહાશ્રમના પુસ્તકાલચનું દાન જેમ તમે સ્વીકાર્યું તેમ આ પુસ્તકાલય પણ સ્વીકાર્યું છે. આ બાબતમાં ટ્રસ્ટીઓના અધિકાર વિશે બહુ નાજુક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. મને એવી સલાહ મળી છે કે અમદાવાદ મ્યુનિસિપાલિટી જેવી સંસ્થાને વિદ્યાપીઠની ટ્રસ્ટ મિલકત સોંપવાનું આખા વિદ્યાપીઠમંડળના અધિકાર બહારનું છે. હું વિદ્યાપીઠનો એક ટ્રસ્ટી છું, અને તેની મિલકત સાચવવા માટે કાયદેસર જવાબદાર છું. એટલે તમને ખબર આપવાની મારી ફરજ થાય છે કે વિદ્યાપીઠનું પુસ્તકાલય મ્યુનિસિપાલિટીને સોંપવા બાબત જેમણે તમારી સાથે પત્રવ્યવહાર કર્યો અને જેમણે પુસ્તકાલયનો કબજો તમને સોંપ્યો તેઓએ, જોકે આ કૃત્ય સંપૂર્ણ શુદ્ધ બુદ્ધિથી કર્યું છે, છતાં એ કેવળ તેમના જ અધિકાર બહારનું નહીં, પણ વિદ્યાપીઠના આખા ટ્રસ્ટીમંડળના અધિકાર બહારનું છે. તમે એટલું તો સ્વીકારશો કે આવી બાબતમાં ટ્રસ્ટીઓએ સંસ્થાના અસલ હેતુઓ તથા મૂળભૂત સિદ્ધાંતો સાચવવાની બહુ ઝીણવટભરી કાળજી રાખીને વર્તવું જોઈએ. વળી મૂળ દાતાઓમાંથી અથવા તો જાહેર જનસમાજમાંથી કોઈને આ કૃત્ય અધિકાર બહારનું લાગે અને તે અમારી સામે કાયદેસર પગલાં ભરે તો એની જોખમદારીમાં પડવાની પણ ટ્રસ્ટીમંડળની ઇચ્છા ન હોય.
“વિશેષમાં હું એ વસ્તુ તરફ આપનું ધ્યાન ખેંચું છું કે આ પુસ્તકાલય મ્યુનિસિપાલિટીના કબજામાંથી અસલ ટ્રસ્ટીઓના કબજામાં આવશે, તેથી જાહેર
જનતાને તેનો લાભ મળવાની બાબતમાં કશો ફરક પડવાનો નથી. કારણ આશ્રમનું પુસ્તકાલય રાખવા માટે મ્યુનિસિપાલિટી જે મકાન બંધાવવા ધારે છે તે મકાનની જગ્યાથી વિદ્યાપીઠનું પુસ્તકાલય લગભગ એક જ માઈલ દૂર છે. મને એવી સલાહ મળી છે કે પુસ્તકાલય મ્યુનિસિપાલિટીને સોંપવાનું કૃત્ય આખા ટ્રસ્ટીમંડળના અધિકાર બહારનું છે અને તેનો કબજો વધુ વખત મ્યુનિસિપાલિટી પાસે રહે તેમાં ટ્રસ્ટનો ભંગ થયાં કરે છે. મારો હેતુ મ્યુનિસિપાલિટીને આ પુસ્તકાલય સોંપનારની અથવા તો મ્યુનિસિપાલિટીએ તેનો સ્વીકાર કર્યો તે બદલ તેની શુદ્ધ બુદ્ધિ વિશે રજ પણ શંકા ઉઠાવવાનો નથી. આશા રાખું છું કે મ્યુનિસિપાલિટી પાસે આવશ્યક ઠરાવ કરાવીને વિદ્યાપીઠમંડળને વહેલી તકે પુસ્તકાલય પાછું સોંપી દેવાની આપ વ્યવસ્થા કરશો.”

આ ઉપરથી મ્યુનિસિપાલિટીએ પોતાની ‘લીગલ કમિટી’ મારફત મુંબઈના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી શ્રી બહાદુરજીનો અભિપ્રાય પુછાવ્યો. વિદ્યાપીઠની સ્થાપનાનો હેતુ, તેનું બંધારણ તથા તેના મૂળભૂત સિદ્ધાંતો વગેરેનો અભ્યાસ કરી તેમણે પણ શ્રી ભૂલાભાઈ તથા શ્રી સુનશીને મળતો જ અભિપ્રાય આપ્યો. એટલે મ્યુનિસિપાલિટીના જનરલ બૉર્ડની મીટિંગમાં શ્રી દાદાસાહેબ માવળંકર, જે તે વખતે મ્યુનિસિપાલિટીના ઉપ-પ્રમુખ હતા તેઓ ઠરાવ લાવ્યા કે આપણને બૅરિસ્ટર બહાદુરજીનો અભિપ્રાય મળ્યો છે તે જોતાં ગૂજરાત વિદ્યાપીઠ મંડળ વતી સરદાર વલ્લભભાઈને પુસ્તકાલય પાછું સોંપી દેવું. આની ઉપર સુધારો મૂકવામાં આવ્યો કે વિદ્યાપીઠમંડળના જે સભ્ય કે સભ્યો યોગ્ય અધિકારવાળી અદાલતનો હુકમ મેળવે તેમને પુસ્તકાલય સોંપવું. શ્રી દાદાસાહેબે પોતાના ઠરાવના સમર્થનમાં જણાવ્યું કે,

“બૅરિસ્ટરના અભિપ્રાય માટે કેસની હકીકતની નોંધ મ્યુનિસિપાલિટી તરફથી મેં જ તૈયાર કરી હતી. તેમાં પુસ્તકાલય મ્યુનિસિપાલિટી પાસે રહે તેની તરફેણમાં જેટલી હકીકતો અને દલીલો રજૂ કરી શકાય તેટલી મેં કરી હતી. છતાં બૅરિસ્ટરનો આવો સ્પષ્ટ અભિપ્રાય મળ્યો છે એટલે કોરટબાજીના જૂગટામાં ઊતરી પ્રજાના પૈસાનું પાણી કરવું એ મ્યુનિસિપાલિટી જેવી લોકહિતકારી સંસ્થાને શોભતું નથી. આપણે તો લોકો આગળ ન્યાયપરાયણતાનો દાખલો બેસાડવો જોઈએ. પુસ્તકાલય આપણે કબજે છે માટે ‘હાથમાં તેની બાથમાં’ કરીને બીજા પક્ષને કોર્ટમાં જવાની ફરજ પાડવી જોઈએ નહીં.”

મત લેવાતાં ૨૪ વિ૦ ૫ મતે ઠરાવ પસાર થયો અને પુસ્તકાલય વિદ્યાપીઠને પાછું સોંપી દેવામાં આવ્યું.

અધિકાર બહાર થયેલા કૃત્યને સરખું કરવાનું કામ આમ તો સરળતાથી પાર ઊતરી ગયું. પણ તેની સાથે કેટલીક આનુષંગિક ઘટનાઓ બની તે અમારા મંડળમાં કેટલાક સમય સુધી દુઃખ અને ક્લેશનું કારણ થઈ પડી. ઉપર કહ્યું તેમ સરદારે તો આ બાબતમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી કે જો સમગ્ર ટ્રસ્ટીમંડળને આ દાન કરવાનો અધિકાર હોય તો ભલે આ કાકાસાહેબે એકલાએ કર્યું હોય તોયે અમે તેને બહાલી આપીશું. હું તથા બીજા કેટલાક સાથીઓ આ વાતથી પૂરા વાકેફ નહોતા. મને તો એમ પણ લાગ્યું કે સરદારને કાકાસાહેબ પ્રત્યે અણગમો હોવાથી તેમણે આ પગલું લીધું છે. એટલે મારા મનમાં સરદારનો દોષ વસ્યો. તેમાં કાકાસાહેબના બીજા એક નિશ્ચયથી વધારો થયો. કાકાસાહેબ ઘણા વખતથી વિચાર કરતા હતા કે મારું ગુજરાતનું કામ લગભગ પૂરું થયું છે અને હવે હું ફેરફાર માટે ઝંખું છું. આ જ પ્રસંગે તેમણે આ વાત કાઢી એટલે મેં માની લીધું કે તેમની બહાર જવાની વાતની પાછળ વિદ્યાપીઠ પુસ્તકાલય પ્રકરણ અને સરદારનો તેમના પ્રત્યેનો અણગમો કારણરૂપ છે. એ મતલબનો કાગળ મેં સરદારને લખ્યો. સરદારના મનમાં આવું કશું હતું નહીં. તેમણે પોતાની સ્થિતિ ગાંધીજી આગળ સપષ્ટ કરી હતી. છતાં મેં તે ન માની એનું સરદારને ખૂબ દુઃખ લાગ્યું, મારા પ્રત્યે તેમને ભારે અસંતોષ પણ થયો. મારા વિચારમાં રહેલો દોષ ગાંધીજીએ મને સમજાવીને દૂર કરવા પ્રયત્ન કર્યો. વખત જતાં મારી ભૂલની મને પ્રતીતિ થઈ. સરદારે તો મારી ભૂલ દરગુજર કરી જ હતી. આમ અમારા ઘરનો ક્લેશ થોડા વખતમાં શમી ગયો. પણ આ પ્રકરણમાંથી સરદારની કેટલીક ખાસિયતો તરી આવે છે. સાધારણ રીતે સરદાર વિષે એમ મનાતું કે વિદ્યા અને સંસ્કારના વિષયો સાથે એમને કશી નિસ્બત નહોતી. પણ વિદ્યાપીઠ જેવી કેળવણીની સંસ્થાનું પુસ્તકાલય એ ઘણું મહત્ત્વનું અંગ છે અને તેના વિના વિદ્યાપીઠ તદ્દન ખંડિત થઈ જશે એ તેમણે સહજવૃત્તિથી જોઈ લીધું. એથીયે વિશેષ, જાહેર કામકાજ અને જાહેર વ્યવહારના કડક ચોકીદાર તરીકેનો તેમનો પરિચય આ પ્રકરણમાં આપણને થાય છે. કોઈનો પણ દોષ હોય તો અડગ બહાદુરીથી તેની સામે લાલ બત્તી ધરતાં તેઓ ખચકાતા નહોતા. તેમના આ ગુણોએ ગુજરાતને અને હિંદુસ્તાનને ઘણા વિષમ પ્રસંગોએ મુશ્કેલીમાંથી ઉગારી લીધાં છે.