સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/બોરસદ તાલુકામાં પ્લેગનિવારણ

વિકિસ્રોતમાંથી
← વિદ્યાપીઠ પુસ્તકાલય પ્રકરણ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
બોરસદ તાલુકામાં પ્લેગનિવારણ
નરહરિ પરીખ
’૩૪ની મુંબઈની કૉંગ્રેસ અને ત્યાર પછી →



૧૩

બોરસદ તાલુકામાં પ્લેગનિવારણ

બોરસદ તાલુકામાં ૧૯૩રની સાલથી દર વરસે પ્લેગ ફાટી નીકળતો હતો. પણ તેના નિવારણ માટે કશા વ્યવસ્થિત પ્રયત્નો થતા ન હતા. મુખ્ય કારણ તો એ હતું કે સઘળા મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓ, ખાસ કરીને સરદાર, ૧૯૩૨થી ૧૯૩૪ સુધી જેલમાં હતા. સવિનય ભંગની લડત મુલતવી રાખવામાં આવી એટલે સરદાર, દરબાર ગોપાલદાસ અને બીજા કાર્યકર્તાઓને આ કામ ઉપાડવાનો વખત મળ્યો. બોરસદમાં પ્લેગ ચાલતો હોવાની ખબર સરદારને દિલ્હીમાં પડી. તેઓ તા. ૯–૩–’૩૫ના રોજ મુંબઈ આવ્યા, અને ડૉ. ભાસ્કર પટેલને બોરસદ તાલુકામાં જઈ ત્યાંની સ્થિતિનો રિપોર્ટ લઈ આવવા કહ્યું. તેઓ બોરસદ તાલુકામાં જઈ દરબારસાહેબની સાથે બે દિવસમાં બારેક ગામ ફર્યા અને તા. ૧પમી માર્ચે ભય ઉપજાવે એવો રિપોર્ટ લઈને પાછા આવ્યા. લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કશી દાક્તરી મદદ મળી શકતી નહોતી. રોગને ફેલાતો અટકાવવા શું કરવું તે સૂઝતું ન હતું. સ્થાનિક સંસ્થાઓ (લોકલ બોર્ડ તથા બોરસદ મ્યુનિસિપાલિટી) ભાંગ્યાતૂટ્યા અને દમ વિનાના પ્રયત્નો કરતી હતી. તેમાંથી કશું નીપજે એવું ન હતું. કેટલાંયે ગામમાં કેસો થયા પછી દિવસો સુધી સત્તાવાળાઓને તેના રિપોર્ટ પહોંચ્યા ન હતા. આવું બધું સાંભળીને સરદારે નક્કી કર્યું કે બોરસદમાં તુરતાતુરત પ્લેગનિવારણની છાવણી નાખવી. નિવારણ માટે શા શા ઉપાયો લેવા તેની ચર્ચા કરવા ડૉ. ભાસ્કર પટેલને મુંબઈના હાફકીન ઇન્સ્ટિટ્યૂટના કર્નલ સોકી પાસે મોકલ્યા. પ્લેગવાળા વિસ્તારમાંથી ઉંદર અને ચાંચડનો સદંતર નાશ કરવા માટે કેટલાક સખત ઉપાયો લેવાનું તેમણે સૂચવ્યું. તેમાં જંતુઓનો નાશ કરી નાખનારા વાયુઓનો પણ ઉપયોગ કરવાનો હતો. પરંતુ આ ઉપાયોમાં બહુ સખત ઝેરી પદાર્થો વાપરવાના આવતા હતા. એ માટે ઉચિત તાલીમ લીધેલા કુશળ માણસની મદદ વિના તેનો ઉપયોગ કરો એ જોખમકારક હતું. છતાં આ ચર્ચામાંથી કેટલાંક સૂચનો અવશ્ય મળ્યાં. તે લઈને ડૉ. ભાસ્કર પટેલની સાથે તા. ૨૩–૩–’૩પના રોજ સરદાર બોરસદ આવ્યા. બોરસદની સત્યાગ્રહ છાવણીનાં મકાનો તાજેતરમાં જ જપ્તીમાંથી પાછાં મળ્યાં હતાં. ત્યાં જરૂરી સાધનો વસાવીને કામચલાઉ ઇસ્પિતાલ ઊભી કરી. બહારથી કેવળ દવા લેવા આવનારા દર્દીઓ માટે દવાખાનું પણ ગોઠવ્યું. બોરસદના ડૉ. જીવણજી દેસાઈએ હૉસ્પિટલને પોતાની સેવા અર્પણ કરી. આ કામ માટે સ્વયંસેવકોની પણ માગણી કરવામાં આવી. થોડા જ વખતમાં ૬૫ સ્વયંસેવકો હાજર થઈ ગયા. તેમાં પ૭ પુરુષ અને ૮ બહેનો હતાં. દરબારસાહેબનાં પત્ની શ્રી ભક્તિલક્ષ્મી બહેન, સરદારનાં પુત્રી કુ. મણિબહેન, દરબારસાહેબના ચાર દીકરા અને મોટી પુત્રવધૂ, જિલ્લાના આગેવાન કાર્યકર્તા શ્રી રાવજીભાઈ મણિભાઈ પટેલ વગેરે એમાં મુખ્ય હતા. સ્વયંસેવકોમાં કેટલાક ગ્રૅજ્યુએટો અને કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ હતા. તમામ સ્વયંસેવકોને પ્લેગની રસીનાં ઈંજેક્શનો આપવામાં આવ્યાં. માત્ર સરદારે અને કુ. મણિબહેન પટેલે ઇંજેકશન લીધાં ન હતાં. એ પ્રદેશનાં કુલ ૨૭ ગામો પ્લેગની અસર નીચે આવ્યાં હતાં, તેમાં સ્વયંસેવકોને ગોઠવી દેવામાં આવ્યા. સ્વયંસેવકોએ ગામમાં ઉંદર પડે, પ્લેગના કેસ થાય અથવા મરણ થાય તેના રોજના રિપોર્ટ મુખ્ય મથકે મોકલી આપવાના હતા. તેમણે ઘરેઘર ફરીને તેના ખૂણાખાંચરા તપાસી જ્યાં ઉંદર અને ચાંચડ રહી શકે એવી જગ્યા હોય તે સાફ કરવાની હતી અને સાફ કર્યા પછી ત્યાં જંતુનાશક દવા છાંટવી તથા ધૂપ કરવો એ તેમનું મુખ્ય કામ હતું. ગામનાં ફળિયાં સાફ કરી તેઓ ગંદકી કાઢતા અને ઉંદરને પકડવા માટે ઉંદરિયાં પણ મૂકતા. તેમને ખાસ સૂચના આપવામાં આવી હતી કે લોકોની સાથે બહુ સલુકાઈથી વર્તવું. ઘરનો સામાન તડકે નાખવા માટે બહાર કાઢવામાં આવે તથા ઘરને તેમ જ સામાનને જંતુનાશક દવાઓ છાંટી સાફ કરવામાં આવે ત્યારે સામાનને ખસેડવા વગેરેનું કામ બહુ સંભાળીને કરવું. ઘર ખાલી કરવામાં પણ જાતે જ બધી મહેનત કરવી. ભાડૂતી મજૂરો અથવા પગારદાર નોકર જેવાં કામ કરવા તૈયાર ન થાય, તેવાં બધાં કામ તેમણે જાતે કરી લેવાં. પોતાની રસોઈ પણ જાતે જ પકાવી લેવાની હતી.

પેટલાદની રંગની મિલમાં એક પ્રયોગશાળા શ્રી પુરુષોત્તમ પટેલ નામના અનુભવી રસાયણશાસ્ત્રીની દેખરેખ નીચે ચાલતી. તેની મદદથી ડૉ. ભાસ્કર પટેલે ગ્યાસતેલ અને ડામર (નેફ્‌થેલીન)ની ગોળીઓ મેળવીને એક સાદું પણ ખૂબ જ અસરકારક જંતુનાશક મિશ્રણ બનાવ્યું. ડૉ. ભાસ્કરની આ નવી જ શોધ હતી એમ કહીએ તો ચાલે. આ મિશ્રણ બહુ જ સહેલાઈથી અને ઝપાટાબંધ બની શકતું. પ્લેગમાં સપડાયેલાં સત્તાવીસે ગામ કુલ દોઢ મહિનામાં સાફ કરવામાં આવ્યાં. તેમાં આ મિશ્રણનાં ચાર ચાર ગૅલનનાં એવાં ૩૦૫ ટિન વપરાયાં. વચમાં તંદુરસ્તી ખાતાના સરકારના અમલદારોએ જંતુનાશક મિશ્રણ બનાવવાનો પ્રયત્ન કરેલો. તેમાં સાબુના ઊકળતા પાણી ઉપર ગ્યાસતેલ રેડવાનું અને એવી કંઈ ક્રિયા કરવાની હતી. ખાતાના માણસો એવી કઢંગી રીતે એ બનાવવા ગયા કે પાસે ઊભેલી એક તેર વરસની છોકરી આખી દાઝી ગઈ અને ઇસ્પિતાલમાં લઈ જતાં જ મરણ પામી. એક બીજું બાળક તથા બે ઈન્સપેક્ટરોમાંનો એક ખૂબ દાઝી ગયાં. ગરમ થયેલા કેરાસીનમાંથી નીકળતો વાયુ એક ઇન્સ્પેકટરના શ્વાસમાં ગયો, જેને પરિણામે તેને બેભાન હાલતમાં ઇસ્પિતાલમાં લઈ જવો પડ્યો. આવા અકસ્માતો થયા પછી મ્યુનિસિપાલિટીએ એ મિશ્રણ બનાવવાનું છોડી દીધું. થોડા દિવસ પછી વળી પાછી મિશ્રણ બનાવવાની ઉપરથી સૂચના આવી એટલે પેલા ઇન્સ્પેક્ટરને એ બનાવવું પડ્યું. પણ પહેલો જ પ્રયત્ન કરતાં મોટા ભડાકામાંથી એ માંડ માંડ બચી ગયો. આ એટલા માટે જ લખ્યું છે કે ડૉ. ભાસ્કર પટેલની પદ્ધતિ બહુ સાદી હતી અને અણઘડ માણસ પણ તેનો અમલ કરી શકે એવી હતી, એનો વાચકને ખ્યાલ આવે. ઢોરની કોઢો તથા ફળિયાંની સફાઈ માટે બ્લિચિંગ પાઉડર વાપરવામાં આવતો. ધૂપને માટે ગંધકનો ઉપયોગ થતો. વળી ચાંચડનો નાશ કરવા માટે છાણની સાથે ગંધક મેળવીને ઘરો લીંપાવવામાં આવતાં. ઉંદરોનો નાશ કરવા માટે બેરિયમ કાર્બોનેટનો ઉપયોગ કરવામાં આવતો. આ બધા વિષે ડૉ. ભાસ્કર પટેલે લોકો સમજી શકે એવી બહુ સાદી ભાષામાં એક પત્રિકા તૈયાર કરી હતી.

આ સફાઈના કામમાં લોકોનો સહકાર મેળવતાં શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ નડી. લોકોનું અજ્ઞાન એવું હતું કે તદ્દન સાદા ઉપાયોનો અમલ કરવા પણ તેઓ તૈયાર થતા નહીં. વળી તેમનામાં જાતજાતના વહેમો પણ ઊંડા ઘર કરી બેઠેલા હતા. મરકીનો રોગ ફાટી નીકળે તેનું કારણ તો દેવીનો કોપ હોય, આવા જંતુનાશક ઉપાયો અથવા દવાઓ એ એનો ઉપાય નથી, પણ દેવીને બકરા કે પાડા વધેરીને ધરાવવામાં આવે તો જ તે રીઝે. વળી માણસને દેવીના કોપથી જ પ્લેગની ગાંઠ નીકળે અને દેવી એનો ભાગ લીધા વિના રહે જ નહીં. આવા વહેમો ઉપરાંત ગામડાંના મુખી અને નાના અમલદારો, ઉપરી અધિકારીઓથી ડરીને કૉંગ્રેસના સ્વયંસેવકોને મદદ કરતા નહીં અથવા કામમાં અડચણ નાખતા એ પણ મુશ્કેલી હતી. તેઓની વૃત્તિ પ્લેગની બીનાને દાબી દેવાની હતી. બોચાસણ ગામમાં પ્લેગના કેટલાયે કેસ થયેલા. સ્વયંસેવકો ત્યાં સફાઈ કરવા પણ ગયેલા અને લોકોને ગામ ખાલી કરી જવાનું સમજાવવામાં સરદારની સાથે એ ગામના પટેલ પણ સામેલ હતા. છતાં મામલતદારને તેણે એવો જવાબ આપ્યો કે ગામમાં પ્લેગનો કેસ થયો જ નથી. એ રિપોર્ટ ઉપર ગયો. પછી જ્યારે કલેક્ટરે મામલતદારને ધમકાવ્યો ત્યારે તેણે ફરી તપાસ કરીને પ્લેગના કેસો થયાની વાત કબૂલ કરી. લોકોના અજ્ઞાન તથા વહેમ અને સરકારી અમલદારોની આડાઈ તથા ભીરુતાની સામે સરદારને લડવાનું હતું. તેઓ લગભગ દરરોજ પ્લેગવાળાં ગામડાંમાં ફરી વળતા. લોકોની સાથે વાતો કરતા. સભાઓ ભરી ભાષણો આપતા અને લોકોને પોતાનું કર્તવ્ય સમજાવતા. આ ઉપરાંત તેઓ દરરોજ પત્રિકા કાઢતા. પોતાની તળપદી ભાષામાં લોકોના અજ્ઞાન અને વહેમ ઉપર ઠોક પાડતા. કેટલીક વાર વિનોદ કરી લોકોને રીઝવતા ત્યારે કેટલીક વાર તેમની આડાઈ અને મૂર્ખાઈ માટે તેમને ઊધડા લેતા. આમ આ પત્રિકાઓ સફાઈ, સ્વાવલંબન અને આરોગ્ય-સંરક્ષણની બાબતમાં લોકકેળવણીનું એક મહા સમર્થ વાહન થઈ પડતી. ડૉ. ભાસ્કર પણ સ્વયંસેવકોને સાથે લઈ ગામેગામ અને ઘેરઘેર ફરતા. આ બધાનું પરિણામ એ આવ્યું કે પંદર દિવસમાં તે લોકો બધું સમજતા થઈ ગયા. સ્વયંસેવકો પોતાને ગામ આવીને રહે એની તથા જંતુનાશક મિશ્રણની અને ચેપરહિત કરનારી બીજી દવાઓની માગણી તેઓ કરવા લાગ્યા. એટલું જ નહીં પણ ગામના જુવાનિયાઓ સ્વયંસેવકોની સાથે સફાઈના કામમાં જોડાવા લાગ્યા. ગામની બહેનો તથા બાળકો પણ ઘરો અને ફળિયાની સફાઈમાં ભાગ લેવા લાગ્યાં. બારૈયાઓ અને મુસલમાનોનો વિરોધ પણ ટળી ગયો. કુલ ૫૩ દિવસમાં સત્તાવીસ ગામ પૂરેપૂરાં સાફ થઈ ગયાં. સ્થાનિક સંસ્થાઓ તથા સ્થાનિક અમલદારોનો સહકાર જ્યાં મળી શકતો ત્યાં લેવામાં આવતો, પણ એમનો સહકાર બહુ થોડો મળતો.

છાવણીની કામચલાઉ હોસ્પિટલમાં પ્લેગના કુલ ૧૬ દરદીઓને દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંના બે ગુજરી ગયા, બાર સાજા થઈને ગયા અને બે હૉસ્પિટલના દાક્તરની રજા લીધા વિના જતા રહ્યા. કેવળ દવા લેવા આવનાર દરદીઓની સંખ્યા એપ્રિલ મહિનામાં ૨,૩૪૫ની હતી. અને મે મહિનામાં ૩,૮૧૩ હતી. દાક્તરોએ કશા વેતન લીધા વિના પોતાની સેવા આપેલી હતી. હૉસ્પિટલનું બીજું ખર્ચ બધું થઈને લગભગ રૂપિયા આઠ હજાર થયું હતું. આ ઉપરાંત કુલ બાર ગામના થઈને ૪૪ પ્લેગના દરદીઓએ પોતાને ઘેર રહીને જ ડૉ. ભાસ્કર પટેલની સારવાર લીધી હતી. તેમાંથી ૩૧ સાજા થયા હતા. કામચલાઉ હૉસ્પિટલમાં સ્ત્રી દરદીઓની સારવાર કરવામાં સ્વયંસેવક બહેનોએ બહુ જ સારો ભાગ લીધો હતો. મે માસની આખર ભાગમાં ગાંધીજીને બોરસદ તાલુકાની મુલાકાત લેવા એક અઠવાડિયા માટે સરદારે બોલાવ્યા. ગાંધીજી આવ્યા તે પહેલાં પ્લેગમાં સપડાયેલાં બધાં ગામોની સફાઈનું કામ પૂરું થઈ ગયું હતું અને પ્લેગનું જોર પણ નરમ પડી ગયું હતું. પોતાની મુલાકાત દરમ્યાન તેમાંનાં ઘણાં ગામોની ગાંધીજીએ મુલાકાત લીધી. પોતાનાં ભાષણોમાં તેઓ એ વસ્તુ પર ભાર મૂકતા કે સરદારે, દરબારસાહેબે અને તેમના બહાદુર સ્વયંસેવકોએ આટલું સુંદર કામ કર્યું છે છતાં તમે તમારી જૂની ટેવો સુધારાશો નહીં, તમારાં ઘરબાર સાફ રાખશો નહીં અને ઘરમાં ઉંદર અને ચાંચડને ભરાવાનું સ્થાન જ ન મળે એવી વ્યવસ્થા કરશો નહીં તો પ્લેગ ફરી આવવાનો. ગાંધીજીની સૂચનાથી ડૉ. ભાસ્કર પટેલે ઉંદર અને ચાંચડના ઉપદ્રવથી બચવાના ઉપાયો બતાવતી થોડી પત્રિકાઓ લોકોને માટે સાદી ભાષામાં લખી. ગાંધીજી પોતાનાં ભાષણોમાં એ પણ જણાવતા કે,

“આ રોગનો ચેપ ઉંદર અને ચાંચડથી જ ફેલાય છે. નિષ્ણાતો કહે છે કે તેમનો નાશ કરવો જોઈએ. પણ ઉંદરો અને ચાંચડો તો ઈશ્વરના મોકલેલા દૂતો હોય છે. તેમની મારફત ઈશ્વર આપણને ચેતવણી આપે છે. આ જિલ્લામાં કુદરતની મહેરથી હવાપાણી અને જમીન બહુ સારાં છે. પણ હું મારી આંખે જોઉં છું કે તમે કુદરતના નિયમોનો એવો ભંગ કરી રહ્યા છો કે પ્લેગનો ઉપદ્રવ જાણે કાયમને થઈ પડ્યો છે. તમે ઉંદર અને ચાંચડનો નાશ કરશો પણ અત્યારે જેવી ગંદી હાલતમાં રહો છો તેવી જ હાલતમાં રહેશો તો ઉંદર અને ચાંચડ તો ફરી પાછા થશે. એટલે હું તો તમને એ સલાહ આપુ છું કે ઉંદર અને ચાંચડ પેદા જ ન થાય એવી સ્વચ્છતા રાખો. સ્વચંસેવકોએ અત્યારે જે સફાઈનું કામ કર્યું છે તે કામ કાયમ કરવાનું રાખો. ઘરને બરાબર લીંપો ગૂંપો અને ઘરમાં જે કંઈ કાણાબાકોરાં હોય તે પૂરી નાખો કે જેથી ઉંદર રહી જ ન રાકે, અનાજ સંચે દળાવીને, ડાંગર સંચે ખંડાવી તથા ખોરાક તથા શાકભાજી વધારા૫ડતાં રાંધી નાખીને તેમ જ તેમાં વધારે પડતા મસાલા નાખીને ખોરાકને આપણે નિઃસત્ત્વ તથા બરાબર ન પચે એવો બનાવી દઈએ છીએ. તે ટેવ પણ આપણે સુધારવી જોઈએ. આપણે શરીરને યોગ્ય પોષણ આપે તેવો ખોરાક લઈએ અને આપણી ટેવો સ્વચ્છ અને તંદુરસ્ત રાખીએ તો રોગના જંતુઓ પણ ઝટ ઝટ આપણાં શરીર ઉપર આક્રમણ કરી શકે નહીં.”

આમ લગભગ બે મહિનામાં પ્લેગનિવારણનું કામ પૂરું થયું. લગભગ ચાર વરસ થયાં બોરસદ તાલુકામાં દર વરસે પ્લેગનો ઉપદ્રવ થતો હતો. પણ સરદારની યશરેખા બળવાન અને લોકો સદ્ભાગી કે ત્યાર પછી આ જ સુધી પ્લેગે તાલુકામાં દેખા દીધી નથી.

અહીં આ પ્રકરણ પૂરું થાત પણ કૉંગ્રેસવાળાઓને આવું સારું કામ કર્યાનો જશ મળે એ સરકારી અધિકારીઓથી સાંખી શકાયું નહીં, આ બાબતમાં સરકારે તથા સ્થાનિક સંસ્થાઓએ લીધેલા ભાગ બાબત કેટલીક ગેરસમજૂતો થવા પામી છે, એમ કહી તે દૂર કરવા તા. ૨૭–૪–’૩પની રોજ મુંબઈ સરકારે એક યાદી બહાર પાડી. તેમાં આ ચાર વરસમાં પોતે બહુ જ ઓછું કર્યું હતું છતાં જાણે પોતાના જ પ્રયત્નથી પ્લેગ બંધ થયો એવી પોતાની ભાટાઈ કરી. એટલેથી પણ સંતોષ ન માનતાં કૉંગ્રેસે આ વરસે કરેલા કામને ઉતારી પાડવા માટે એ યાદીમાં લખ્યું કે,

“પ્લેગ નાબૂદ કરવા માટે ખાનગી વ્યક્તિઓના પ્રયત્નો કારગત થવાનો સંભવ નથી. આવા પ્રયત્નો શાસ્ત્રીચ ઢબના હોવા જોઈએ અને તેને લાંબા અનુભવોનો આધાર હોવો જોઈએ. એ અનુભવ કેવળ સરકારના આરોગ્યખાતા પાસે જ છે. એટલે પ્લેગ જેવા ગંભીર અને ભારે નુકસાન કરનારા ઉપદ્રવની સામે લડવા માટે સરકાર જોકે સૌનો સહકાર ઇચ્છે છે તોપણ આ ક્ષેત્રમાં કામ કરવા ઇચ્છનારને સલાહ આપે છે કે તેમણે સરકારના આરોગ્યખાતા સાથે સહકાર કરીને કામ કરવું જોઈએ, જેથી સારાં પરિણામ આવી શકે.”

સરદારની રાહબરી નીચે કૉંગ્રેસના સ્વયંસેવકોએ પોતાના જાનના જોખમે જે સુંદર કામ કર્યું હતું તેની કદરનો એક શબ્દ પણ ઉચ્ચારવાને બદલે તેમના કામને ઉતારી પાડવાનો આ બેહૂદો પ્રયત્ન હતો. એટલે, આ ચાર વરસમાં સરકારે કેટલી બેદરકારી બતાવી હતી અને આ વરસે પણ કૉંગ્રેસે કામ શરૂ કર્યા પછી સરકારે જે અમલદારોને તાલુકામાં મૂક્યા હતા તેઓએ બરાબર કામ નહોતું કર્યું તથા કૉંગ્રેસ કાર્યકર્તાઓનો સહકાર મેળવવાને બદલે તેમનાથી દૂર ને દૂર રહ્યા હતા, એ બધું દાખલા સાથે બતાવીને સરદારે આ યાદીનો લાંબો જવાબ આપ્યો. એટલે વળી સરકારે બીજી યાદી બહાર પાડી. તેનો પણ સરદારે બરાબર જવાબ આપ્યો. એટલે સરકારે ત્રીજી યાદી બહાર પાડી. તેમાં તો કૉંગ્રેસના કામ ઉપર સીધા આક્ષેપો કર્યા. એટલે તા. ૩–૭–’૩૫ના રોજ સરદારે મુંબઈ સરકારને કાગળ લખીને જણાવ્યું કે સરકારે કુલ ત્રણ યાદી બહાર પાડી છે. તેમાં અમારા કામ ઉપર જે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે એ વિશે મને ધારાશાસ્ત્રીઓ એવી સલાહ આપે છે કે તેમાંના કેટલાક આક્ષેપો કાયદાની નજરે બદનક્ષી કરનારા છે. વળી ડૉ. ભાસ્કર પટેલ જેણે વિના વેતને અમને રાતદિવસ સેવા આપી છે તેની કુશળતા અને આબરુનો સવાલ પણ આમાં ઊભો થાય છે. અમે કદી સરકારનો આ બાબતમાં સહકાર લેવાની ના પાડી જ નથી, છતાં આવા બિનપાયાદાર આક્ષેપો અમારા કામ ઉપર કર્યા છે, તેથી સરકારે કાં તો એ આક્ષેપ પાછા ખેંચી લેવા જોઈએ અથવા તો કુશળ દાક્તરો અને પુરાવાની ચકાસણી કરી શકે એવા માણસોની એક સ્વતંત્ર કમિટી નીમવી જોઈએ. સરકારે જવાબ આપ્યો કે આવું કશું કરવાની અમને જરૂર જણાતી નથી. તે ઉપરથી સરદારે મુંબઈના ઍડવોકેટ બહાદુરજી, બે પ્રખ્યાત ડૉક્ટરો, ડૉ. ગિલ્ડર તથા ડૉ. ભરૂચા અને કમિટીના સેક્રેટરી તરીકે શ્રી વૈકુંઠભાઈ મહેતા એમ ચાર સજ્જનોની કમિટી નીમીને તેમને બધી તપાસ કરવા વિનંતી કરી. કમિટીના બે દાક્તર સભ્યોને એવી પણ વિનંતી કરી કે ભવિષ્યમાં આ રોગ સામે સાવચેતી તરીકે લેવાના ઉપાયોની બાબતમાં તેઓ સૂચનાઓ આપે. આ કમિટીએ પોતાને મળેલો બધો દસ્તાવેજી પુરાવો તપાસીને તથા લોકલ બોર્ડના અધિકારીઓની તેમ જ કાર્યકર્તાઓની જુબાનીઓ લઈને ૧૯૩૫ના ઑક્ટોબરમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. તેમાં જણાવ્યું કે ‘પ્લેગનિવારણની બાબતમાં આરોગ્યખાતાના અધિકારીઓની વર્તણૂક બેદરકારીભરેલી હતી. તેઓ જેને પોતાની શાસ્ત્રીય પદ્ધતિ કહે છે તેનો કશો અમલ તેઓ કરી શક્યા નહોતા. અને કૉંગ્રેસ તરફથી જે ઉપાયો લેવામાં આવ્યા તે સાદા અને લોકો અમલમાં મૂકી શકે એવા હોવા ઉપરાંત શાસ્ત્રીય દૃષ્ટિએ પણ તદ્દન બરાબર હતા. ચાર વર્ષથી જામી પડેલા રોગનું આટલા થોડા વખતમાં નિવારણ કરવાનું કામ આટલી સુંદર રીતે થયું તે સરદાર વલ્લભભાઈ, ડૉ. ભાસ્કર પટેલ અને તેમની બહાદુર સ્વયંસેવકોની ટુકડીની લોકપ્રિયતા અને બાહોશીને આભારી છે.’