લખાણ પર જાઓ

સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/’૩૪ની મુંબઈની કૉંગ્રેસ અને ત્યાર પછી

વિકિસ્રોતમાંથી
← બોરસદ તાલુકામાં પ્લેગનિવારણ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
’૩૪ની મુંબઈની કૉંગ્રેસ અને ત્યાર પછી
નરહરિ પરીખ
જેલમાંથી છૂટ્યા પછીનું દોઢ વર્ષ →


૧૪

’૩૪ ની મુંબઈની કૉંગ્રેસ અને ત્યાર પછી

અગાઉના પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ કે નાશિક જેલમાં હતા ત્યારે સરદારને નાકની બીમારીને માટે ઑપરેશન કરાવવાની જરૂર હતી. પણ ઑપરેશન માટે સરકારે જે સગવડો આપવા માંડી તે પૂરતી ન હોવાથી સરદારે ઑપરેશન કરાવવાનું માંડી વાળ્યું હતું. એમની બીમારી ઘણી વધી ગઈ. અને જેલના સત્તાવાળાઓને પણ તેની ગંભીરતાને સ્વીકાર કરવો પડ્યો. એટલે ૧૯૩૪ના જુલાઈની શરૂઆતમાં દાક્તરની એક કમિટી નીમીને સરકારે સરદારની બરાબર તપાસ કરાવી. તેમણે અભિપ્રાય આપ્યો કે નાકમાં ઑપરેશન કરાવવાની તાત્કાલિક જરૂરિયાત છે. અને તેઓ જો મુક્ત હોય તો ઑપરેશનની સગવડ સારી થઈ શકે એમ છે. તે ઉપરથી સરકારે તા. ૧૪–૭–’૩૪ના રોજ તેમને છોડી દીધા. છૂટ્યા પછીનાં તેમનાં બે કામો વિશે કહેવાઈ ગયું છે. તે વખતે દેશની રાજકીય પરિસ્થિતિ કેવી હતી તેનો થોડો ખ્યાલ આ પ્રકરણમાં આપીશું.

૧૯૩૩ના મે માસમાં ગાંધીજીએ એકવીસ દિવસના ઉપવાસ આદર્યા ત્યારે સરકારે તેમને બિનશરતે છોડી દીધા હતા. ઉપવાસ પૂરા થયા અને સહેજસાજ તાકાત આવી ત્યાર પછી જે રાજદ્વારી કાર્યકર્તાઓ બહાર હતા તેમાંના મુખ્ય મુખ્યની તેમણે પૂનામાં અવૈધ પરિષદ બોલાવી. એ પરિષદમાં ચર્ચાને અંતે સામુદાયિક સવિનય ભંગની લડતને વ્યક્તિગત સવિનય ભંગની લડતનું સ્વરૂપ આપવાનું નક્કી થયું. તે જ વખતે કેટલાક કાર્યકર્તાઓને એવો વિચાર સૂઝેલો અને તે તેમણે વ્યક્ત પણ કરેલો કે જેઓ વ્યક્તિગત સવિનય ભંગ ન કરી શકે એમ હોય તેઓ, ૧૯૨૪માં જેમ સ્વરાજ પક્ષ રચ્યો હતો તેમ સ્વરાજ પક્ષ રચી ધારાસભાઓમાં જાય અને અંદરથી સ્વરાજની લડત ચલાવે. પણ એ વિચારને પરિષદમાં બહુ ટેકો ન મળ્યો. ૧૯૩૩ના ઑગસ્ટની પહેલી તારીખથી વ્યક્તિગત સવિનય ભંગ શરૂ થયો અને ગાંધીજીને એક વરસની સજા થઈ. આ પહેલાં તેઓ અટકાયતી કેદી હતા. અટકાયતી કેદી તરીકે હરિજનકામ કરવાનું તથા ‘હરિજન’ પત્રો ચલાવવાની જેટલી છૂટ તેમને મળી હતી તેટલી છૂટ સજા પામેલા કેદી તરીકે સરકારે તેમને આપવાની ના પાડી એટલે તે માટે તેમણે ઉપવાસ કર્યા. આઠેક ઉપવાસ થયા પછી સરકારે તેમને છોડી મૂક્યા. છૂટ્યા છતાં સજાનું બાકીનું વરસ કશું રાજદ્વારી કામ ન કરતાં તેમણે હરિજન પ્રવૃત્તિમાં જ ગાળવાનું નક્કી કર્યું અને તે અંગે આખા દેશમાં ભ્રમણ કરવા માંડ્યું.

તા. ૧૫–૧–’૩૪ના રોજ બિહારમાં ભયંકર ભૂકંપ થયો. ત્યાં રાહતનું કામ કૉંગ્રેસ તરફથી સારી રીતે ઉપાડવામાં આવ્યું, ઓરિસા યાત્રામાંથી થોડો વખત કાઢી ગાંધીજી એપ્રિલ માસની શરૂઆતમાં એ કામ જોવા બિહારના ભૂંકપ વિસ્તારમાં ફરવા ગયા. જે કૉંગ્રેસ નેતાઓ ધારાસભામાં જવાના મતના હતા તેમણે તા. ૩૧–૩–’૩૪ના રોજ ડૉ. અનસારીના પ્રમુખપણા નીચે દિલ્હીમાં એક પરિષદ બોલાવી. તેમણે જે કામચલાઉ ઠરાવો પસાર કર્યા તે અમલમાં મૂકતાં પહેલાં એવું નક્કી કર્યું કે ડૉ. અનસારી, શ્રી ભૂલાભાઈ દેસાઈ તથા ડૉ. બિધાન રોયે, ગાંધીજીને મળી તેમનો અભિપ્રાય જાણી લેવો. તે જ વખતે દેશની પરિસ્થિતિ જોઈને ગાંધીજીને એવો વિચાર આવેલો કે વ્યક્તિગત સવિનય ભંગની લડત પણ માત્ર એકલા પોતા પૂરતી જ મર્યાદિત કરી નાખવી. એ વિશેનું એક નિવેદન પણ તેઓ બહાર પાડવાના હતા. પણ ડૉ. અનસારીનો કાગળ આવ્યો એટલે તેમની સાથે રૂબરૂ ચર્ચા કરી લેવાય ત્યાં સુધી નિવેદન બહાર પાડવાનું તેઓએ મુલતવી રાખ્યું. ડૉ. અનસારી વગેરે સાથે ચર્ચા થયા પછી ધારાસભા પ્રવેશ વિશે તેમણે પોતાનો અભિપ્રાય આપ્યો કે,

“ધારાસભા વિશે મારા વિચારો જાણીતા છે. ૧૯૨૦માં હું જે વિચારો ધરાવતો હતો તેમાં અને આજના વિચારોમાં કશો ફરક પડ્યો નથી. પણ મને એમ લાગે છે કે જે કૉંગ્રેસીઓની એક યા બીજા કારણે સવિનય ભંગમાં ભાગ લેવાની ઇચ્છા ન હોય અથવા તો જે તેમાં ભાગ લઈ શકે એમ ન હોય અને ધારાસભા પ્રવેશમાં જેમની શ્રદ્ધા હોય તેમણે તેમાં દાખલ થવા પ્રયત્ન કરવો, એ તેમનું કર્તવ્ય છે.”

ત્યાર પછી તા. ૭મી એપ્રિલે સવિનય ભંગ મોકૂફ રાખવાનું નિવેદન પણ તેમણે બહાર પાડ્યું. જે મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓ બહાર હતા તેમને આ બધું સમજાવવા તા. ૩જીએ રાંચીમાં એક નાની પરિષદ ભરવામાં આવી. તેમાં દિલ્હી પરિષદના ઠરાવોને બહાલ રાખી જેમને ધારાસભામાં જવું હોય તેમને જવાની રજા આપવામાં આવી. ધારાસભા માટે મુખ્ય કાર્યક્રમ એ રાખવામાં આવ્યો કે બ્રિટિશ પાર્લામેન્ટ હિંદુસ્તાન માટે રાજકીય સુધારાની જે યોજના તૈયાર કરી હતી તેનો અસ્વીકાર કરવો, રાષ્ટ્રીય માગણી મુજબની સુધારાની યોજના તૈયાર કરવા માટે એક સભા બોલાવવી તથા બધા જુલમી કાયદાઓ રદ કરાવવા ધારાસભામાં લડત ચલાવવી. તા. ૧૮, ૧૯ તથા ૨૦મી મેએ પટનામાં કૉંગ્રેસની કારોબારી સમિતિની તથા મહાસભાસમિતિની બેઠક થઈ. તેમાં ધારાસભામાં જવાની રજા આપવાની તેમ જ સવિનય ભંગની મોકૂફીની દરખાસ્તો મંજૂર કરવામાં આવી. આના જવાબમાં સરકારે જૂન મહિનામાં સરહદ પ્રાંત અને બંગાળ સિવાયની કૉંગ્રેસ સંસ્થાઓ ઉપરથી પ્રતિબંધ ઉઠાવી લીધો અને સવિનય ભંગની લડતવાળા રાજદ્વારી કેદીઓને ધીમે ધીમે છોડી મૂકવાની નીતિ શરૂ કરી. એમાં ગુજરાતના કેદીઓ ઘણા મોડા છૂટેલા. વળી ખાન અબદુલ ગફારખાન, પંડિત જવાહરલાલ નેહરુ તથા સરદાર વલ્લભભાઈને છોડવા સરકાર ઈચ્છતી ન હતી. તોપણ સરદારને તબિયતને કારણે જુલાઈમાં છોડી મૂકવા પડ્યા. ઑગસ્ટ આખરમાં ખાન અબદુલ ગફારખાન તથા તેમના ભાઈ ડૉ. ખાનસાહેબને પણ છોડ્યા, જોકે તેની સાથે જ તેમને હુકમ આપ્યો કે તમારે સરહદ પ્રાંતની હદમાં પ્રવેશ કરવો નહીં. જવાહરલાલજીને તો સરકારે જેલમાં પૂરી જ રાખ્યા.

કૉંગ્રેસની રીતસરની અને ખુલ્લી બેઠક ભર્યે ત્રણ વરસ ઉપર થઈ ગયાં હતાં અને લગભગ બધા જ કૉંગ્રેસ કાર્યકર્તાઓ તથા નેતાઓ જેલ બહાર આવી ગયા હતા. એટલે બધાને વિચાર આવ્યો કે જેમ બને તેમ વહેલું કૉંગ્રેસનું અધિવેશન ભરવું જોઈએ. ’૩૪ના નવેમ્બરમાં વડી ધારાસભાની ચુંટણી થવાની હતી. કૉંગ્રેસીઓને ધારાસભામાં જવાની રજા આપવામાં આવી હતી એટલે ચૂંટણી માટેની તૈયારી પણ કરવાની હતી. તેથી ઑક્ટોબરની આખરમાં મુંબઈમાં કૉંગ્રેસનું અધિવેશન ભરવાનું નક્કી કરવામાં આવ્યું. આમ તો આ અધિવેશનમાં ધારાસભાપ્રવેશ સિવાય બીજા કોઈ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવાની ન હતી. એટલે અધિવેશન સામાન્ય સ્વરૂપનું થાત. પણ ગાંધીજીએ એક નવી જ વાત કરી તેને લીધે કૉંગ્રેસનું આ અધિવેશન બહુ મહત્વપૂર્ણ બની ગયું. ગાંધીજીએ કહ્યું કે,

“હું જોઈ રહ્યો છું કે, કૉંગ્રેસનો જે ભણેલો અને બુદ્ધિપ્રધાન વર્ગ ગણાય છે તેમને મારા કાર્યક્રમ ઉપર શ્રદ્ધા રહી નથી. ખાસ કરીને રેંટિયા અને ખાદી ઉપર તેમને શ્રદ્ધા નથી, છતાં મારી શરમે અથવા તો મારી સામેનો પોતાનો વિરોધ સફળ થવાની શક્યતા નથી એ બીકે તેઓ મારો વિરોધ કરતા નથી, અને મારા કાર્યક્રમને દિલ વિનાનો ટેકો આપે છે. પરિણામે કૉંગ્રેસ ઉપર હું એક મોટા બોજા સમાન થઈ પડ્યો છું. મારે લીધે મોટા ભાગના કૉંગ્રેસીઓ સ્વતંત્ર વિચાર કરતા નથી અને સ્વતંત્ર વર્તન પણ રાખી શકતા નથી. એટલે કૉંગ્રેસના હિતની ખાતર મારે કૉંગ્રેસમાંથી નીકળી જવું જોઈએ.”

બધા મુખ્ય મુખ્ય નેતાઓને કાગળ લખીને પોતાનો આ વિચાર તેમણે જણાવ્યો. રાજાજી, અબુલ કલામ આઝાદ વગેરેએ ગાંધીજીના આ વિચારનો સખત વિરોધ કર્યો. તેમણે એ પણ દલીલ કરી કે તમે આ ટાણે કૉંગ્રેસમાંથી નીકળી જશો તો તેની જનસમાજ ઉપર વિપરીત અસર થશે અને ચૂંટણીઓમાં કૉંગ્રેસને સફળતા મળશે નહીં. એકલા સરદાર ગાંધીજીની વાત બરાબર સમજી ગયા. તેમણે ગાંધીજીના કૉંગ્રેસમાંથી નીકળી જવાના વિચારને ટેકો આપ્યો. ઘણાં વરસોથી સરદાર ગાંધીજીના અંધ અનુયાયી ગણાતા હતા, એટલે લોકો કહેવા લાગ્યા કે એ તો અંધભક્ત છે એથી ગાંધીજી જે વાત કહે એને ટેકો આપે છે. આ પ્રસંગે રાજાજી એક બહુ સૂચક વાક્ય બોલેલા કે ‘ગાંધીજીના અંધ અનુયાયીઓ બીજા પણ છે. તેઓ પોતાની આંખે જોઈ શકતા જ નથી, પણ સરદાર બીજા અંધ અનુયાયીઓ જેવા નથી, તેમની આંખો ચોક્કસ છે. તેઓ બધું સ્પષ્ટ જોઈ શકે છે, પણ જાણી જોઈને પોતાની આંખે પાટા બાંધે છે અને ગાંધીજીની આંખે જ જોવાનો પ્રયત્ન કરે છે.’

નેતાઓ સાથે ચર્ચા કરી લીધા પછી ગાંધીજીએ તા. ૧૭–૯–’૩૪ના રોજ પોતાનું નિવેદન બહાર પાડ્યું. કૉંગ્રેસનો બુદ્ધિપ્રધાન વર્ગ કયા કયા મુદ્દા ઉપર પોતાનાથી જુદો પડે છે તે એ નિવેદનમાં તેમણે બહુ સ્પષ્ટ રીતે રજૂ કર્યું. તે આખું નિવેદન ગાંધીજીની કાર્યપદ્ધતિ અને વિચારસરણીનો બહુ ભવ્ય નમૂનો છે. અહીં તો તેનો સાર જ આપી શકીશું.

“વિરુદ્ધના અને તરફેણના બધા મુદ્દાઓનો બરાબર વિચાર કરીને સલામતી તથા ડહાપણભરેલા માર્ગ તરીકે ઓક્ટોબરમાં કૉંગ્રેસનું અધિવેશન પૂરું થાય ત્યાં સુધી છેલ્લું પગલું લેવાનું મેં મુલતવી રાખ્યું છે. એમ કરવાને હું એટલા માટે આકર્ષાયો છું કે મારા ઉપર જે છાપ પડેલી છે તે ખરી છે કે કેમ તેની હું કસોટી કરી શકું. મને એમ લાગે છે કે કૉંગ્રેસના બુદ્ધિપ્રધાન વર્ગનો બહુ મોટો ભાગ મારી પદ્ધતિ અને વિચારો તથા તે અનુસાર ઘડાયેલા મારા કાર્યક્રમથી કંટાળી ગયો છે. કૉંગ્રેસના સ્વાભાવિક વિકાસમાં મદદરૂપ થવાને બદલે હું એક અંતરાયરૂપ થઈ પડ્યો છું. કૉંગ્રેસ એક પ્રજાશાહી અને લોકપ્રતિનિધિત્વવાળી સંસ્થા રહેવાને બદલે, તેના ઉપર મારા વ્યક્તિત્વનું આધિપત્ય એવું જામી ગયું છે
કે, તેમાં સ્વતંત્ર વિચારને અવકાશ રહ્યો નથી. ઘણા કૉંગ્રેસીઓના અને મારા દૃષ્ટિબિંદુમાં મહત્ત્વના સિદ્ધાંતની બાબતમાં ભેદ વધતો જાય છે. તેમની મારા પ્રત્યેની વફાદારી અને ભક્તિ ઉપર મારે હવે વધારેપડતો બોજ મૂકવો જોઈએ નહી.
“દિવસે દિવસે મારી પ્રતીતિ વધતી જાય છે કે આપણા દેશે જો કરોડો ગરીબ લોકોના ભલા માટેની પૂર્ણ સ્વતંત્રતા નિર્ભેળ અહિંસાથી મેળવવી હોય તો રેંટિયો અને ખાદી એ અર્ધબેકાર અને ભૂખે મરતા કરોડો લોકોને માટે જેટલાં સ્વાભાવિક છે તેટલાં જ સ્વાભાવિક અલ્પ સંખ્યાવાળા સુશિક્ષિત લોકો માટે પણ હોવાં જોઈએ. રેંટિયો એ માનવગૌરવ અને સમાનતાનું, એ શબ્દોના સાચામાં સાચા અર્થમાં, પ્રતીક છે. ખેડૂતોનો એ મદદગાર ધંધો છે અને રાષ્ટ્રનું બીજું ફેફસું છે. આમ છતાં રેંટિયાની એ વ્યાપક શક્તિ વિષે બહુ જૂજ કૉંગ્રેસીઓને જીવંત શ્રદ્ધા છે.
“ધારાસભાપ્રવેશની બાબતમાં, અસહકારનો પ્રણેતા હોવા છતાં, મારી ખાતરી થઈ છે કે દેશની અત્યારની પરિસ્થિતિમાં અને સવિનય ભંગની કોઈ યોજનાને અભાવે, કૉંગ્રેસ કોઈ પણ કાર્યક્રમ ઘડે તેમાં ધારાસભાનો કાર્યક્રમ એક આવશ્યક ભાગ હોવો જોઈએ. પણ એ બાબતમાં મારા ઘણા ઉત્તમ સાથીઓને મારી સાથે વિરોધ છે. જોકે તેઓ બોલતા નથી, કારણ મારો વિરોધ કરવામાં કશો સાર નથી એમ તેમને લાગે છે. મારા જેવા આજન્મ લોકશાસનવાદીને માટે આ બહુ શરમભરેલું છે.
“કૉંગ્રેસમાં સમાજવાદી પક્ષ રચાય તેને મેં આવકાર આપ્યો છે. તેમનામાંના ઘણા માનવંતા અને ત્યાગી સાથીઓ છે. તેમ છતાં તેમનાં સત્તાવાર પ્રકાશનોમાં તેમનો જે કાર્યક્રમ છપાયેલો છે તેની સાથે મારા મૂળગત મતભેદો છે. તેમનું જોર જો કૉંગ્રેસમાં વધે, જે બનવાનો સંભવ છે, તો હું કૉંગ્રેસમાં રહી શકું નહીં. તેમના સક્રિય વિરોધમાં રહેવું એ મારે માટે અવિચારણીય છે. તે જ પ્રમાણે દેશી રાજ્ય વિષે મેં જે નીતિ સૂચવી છે તેના કરતાં ઘણા કૉંગ્રેસીઓની નીતિ તદ્દન જુદી જ છે. એવું જ અસ્પૃશ્યતાનિવારણનું છે. મારે માટે તે મહા ધાર્મિક અને નૈતિક પ્રશ્ન છે. પરંતુ જે વખતે સવિનય ભંગની લડત ચાલતી હતી તે વખતે મેં ઉપવાસ કર્યા તેથી લડતમાં વિક્ષેપ પડ્યો અને મેં મોટી ભૂલ કરી એવું ઘણાને લાગે છે, જ્યારે મને લાગે છે કે એ માર્ગ મેં ન લીધો હોત તો મારી જાત પ્રત્યે હું બેવફા ઠર્યો હોત.
“હવે અહિંસાનો પ્રશ્ન લઈએ. ચૌદ વરસ સુધી તેનો પ્રયોગ કર્યા પછી કૉંગ્રેસીઓની બહુમતી માટે તે હુજી એક નીતિ જ રહે છે, જ્યારે મારે માટે એ એક મહા ધર્મ છે. સવિનય ભંગની લડત મોકૂફ રાખવાની ભલામણ કરતું જે નિવેદન મેં બહાર પાડ્યું તેમાં આપણી લડત બે દેખીતાં પરિણામ લાવવામાં નિષ્ફળ ગઈ છે તે પ્રત્યે મેં ધ્યાન ખેંચ્યું હતું. આપણી લડત પૂરેપૂરી અહિંસકવૃત્તિથી ચલાવી હોત તો સરકારને એને સત્કાર્યા વિના ચાલત જ નહીં. સરકારના ઑર્ડિનન્સોનો હેતુ કોઈ પણ રીતે આપણો જુસ્સો તોડી પાડવાનો હતો. જોકે અહિંસક માણસ ઉપર ઑર્ડિનન્સોની કશી જ અસર કરી શકે
નહીંં. પણ બધા જેલ જનારાઓ દોષથી પર હતા એમ આપણાથી કહી શકાય એવું નથી. આપણે સાચા અહિંસક હોઈએ તો તેની અસર સામા પક્ષ ઉપર થયા વિના રહે જ નહીં. પણ જેમ આપણે સરકાર ઉપર શી અસર પાડી શક્યા નથી, તેમ ત્રાસવાદીઓને પણ આપણે એમ બતાવી શક્યા નથી કે તમારી હિંસા ઉપર જેટલી શ્રદ્ધા છે તેના કરતાં અહિંસા ઉપર અમારી વધારે શ્રદ્ધા છે. એટલે અત્યારે મારી મુખ્ય ફરજ એ થઈ પડી છે કે મારે એવા ઉપાય શોધી કાઢવા જેથી સરકારને તેમ જ ત્રાસવાદીઓને હું બતાવી શકું કે સ્વતંત્રતા તેના પૂરા અર્થમાં હાંસલ કરવા માટે અહિંસામાં પૂરેપૂરી શક્તિ છે. આ કામને મેં મારું જીવન સમર્પણ કર્યું છે. તે બરાબર કરવા માટે મારામાં પૂરેપૂરું તાટસ્થ્ય હોવું જોઈએ અને મને પૂરેપૂરું કાર્ય સ્વાતંત્ર્ય મળવું જોઈએ. કાયદાનો સવિનય ભંગ એ તો સત્યાગ્રહનો માત્ર એક ભાગ છે. સત્યાગ્રહને હું જીવનનો સાર્વત્રિક અને સર્વોપરી કાયદો માનું છું. સત્ય એ મારા ઈશ્વર છે. તેની શોધ અને પ્રાપ્તિ હું અહિંસા મારફત જ કરી શકું એમ છું, બીજી કોઈ રીતે નહીં. સત્યની મારી આ ખોજમાં આપણા દેશનું અને દુનિયાનું પણ સ્વાતંત્ર્ય સમાયેલું છે. આ ખોજને અર્થે જ હું રાજદ્વારી પ્રવૃત્તિમાં પડ્યો છું. આ ખોજમાં પૂર્ણ-સ્વાતંત્ર્ય અને બીજી ઘણી વસ્તુઓ અનિવાર્યપણે સમાયેલી છે, એવું હું આપણા સુશિક્ષિત કૉંગ્રેસીઓ પાસે બુદ્ધિથી અને હૃદયથી ન સ્વીકારાવી શકું તો એ સ્પષ્ટ છે કે મારે એકલા કામ કરવું જોઈએ, એવી અચલ શ્રદ્ધાથી કે આજે નહીં તો કાલે હું તેમને આ વાત સમજાવી શકીશ. આ ભગીરથ કાર્ય માટે ઈશ્વર મને શક્તિ આપશે, તે માટે જે ભાષા જોઈએ તે મારા મોઢામાં મૂકશે અને તે માટે જે જરૂરી કાર્યો હશે તે પણ મારી પાસે કરાવશે. પણ તમે મને ગાડરિયા રીતે મત આપો અથવા કચવાતે મને સંમતિ આપો તે મને પોસાય એમ નથી. આપણા કામને તેથી નુકસાન થવાનો સંભવ છે.
“પૂર્ણ સ્વાતંત્ર્ય — કમ્પ્લીટ ઇન્ડીપેન્ડન્સ — એ અંગ્રેજી શબ્દપ્રયોગનો અંગ્રેજી ભાષામાં જે અર્થ થાય છે તે પૂરા અર્થમાં મારે હિંદુસ્તાન માટે એ જોઈએ છે. પણ પૂર્ણ સ્વાતંત્ર્ય કરતાં પૂર્ણ સ્વરાજ્યમાં મારે મન અનંત ગણો વધારે અર્થ સમાયેલ છે. છતાં મારે જે જોઈએ છે તેની વ્યાખ્યા તે પૂર્ણ સ્વરાજ્યમાં પણ પૂરેપૂરી આવતી નથી. પૂરી વ્યાખ્યા આપવાનું અશક્ય નહીં તોપણ બહુ મુશ્કેલ છે. એમાંથી જ ઘણા કૉંગ્રેસીઓને મારી સાથે ગંભીર મતભેદો ઊભા થાય છે. છેક ૧૯૦૯થી હું કહેતો આવ્યો છું કે સાધન અને સાધ્ય મારે મન એક જ વસ્તુ છે. શું સાધન જુદાં જુદાં અને એકબીજાથી અસંગત હોય ત્યાં સાધ્ય પણ જુદાં જુદાં અને અસંગત આવે. આપણો કાબૂ હંમેશાં સાધન ઉપર હોય છે, સાધ્ય ઉપર કદી હોતો નથી. આ ઉઘાડું સત્ય ઘણા કૉંગ્રેસીઓ સ્વીકારતા નથી. તેઓ માને છે કે સાધ્ય સારું હોય તો ગમે તેવાં સાધન ઉપયોગમાં લઈ શકાય.
“આ મતભેદોનું એકંદર પરિણામ એ આવે છે કે કૉંગ્રેસનો અત્યારનો કાર્યક્રમ નિષ્ફળ નીવડે છે. કારણ એ કાર્યક્રમમાં શ્રદ્ધા હોયા વિના સભ્યો તેને મોઢાની સંમતિ આપે છે. પછી સ્વાભાવિક રીતે જ તેને અમલમાં મૂકવામાં
તેઓ નિષ્ફળ નીવડે છે. આ સિવાય બીજો કોઈ કાર્યક્રમ મારી પાસે છે નહીં. અસ્પૃશ્યતાનિવારણ, હિંદુ-મુસલમાન એકતા, સંપૂંણ દારૂનિષેધ, રેંટિયો અને ખાદી, સો ટકા સ્વદેશી, ગ્રામઉદ્યોગોનો પુનરુદ્ધાર અને સાત લાખ ગામડાંનું સંગઠન, એટલી વસ્તુઓમાંથી જેમને દેશ પ્રત્યે પ્રેમ છે તેમને પૂરો સંતોષ મળી રહે તે જોઈએ. હું તો દેશના કોઈ ગામડામાં, મારું ચાલે તો સરહદના કોઈ ગામડામાં, દટાઈ જવાનું પસંદ કરું.
“છેવટમાં, આપણામાં વધતા જતા સડાનો હું ઉલ્લેખ કરીશ. તે વિશે મેં ઘણું કહ્યું છે એટલે અહીં મારે વિશેષ કહેવાનું નથી. આટલું કહું છું છતાં મારી નજરમાં કૉંગ્રેસ દેશમાં વધારેમાં વધારે શક્તિશાળી અને વધારેમાં વધારે પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થા છે. તેની પાછળ ઊંચા પ્રકારની અવિરત સેવા અને આપભોગનો ઇતિહાસ રહેલો છે. શરૂ થઈ ત્યારથી તે આજ સુધીમાં બીજી કેાઈ પણ સંસ્થા કરતાં વધારે તડકીછાંયડી તેણે જોયેલી છે. તેણે જે બલિદાનની પ્રેરણા આપી છે તેને માટે કોઈ પણ દેશ ગર્વ લઈ શકે. આજે પણ એ સંસ્થામાં બીજી કોઈ પણ સંસ્થા કરતાં નિષ્કલંક ચારિત્ર્ય અને અડગ નિષ્ઠાવાળાં વધારેમાં વધારે સ્ત્રીપુરુષો છે. એટલે આ સંસ્થા મારે છોડવી પડે જ તો તીવ્ર વેદના વિના હું તે છોડી શકીશ નહીં. હું ત્યારે જ છોડીશ કે જ્યારે મને ખાતરી થશે કે સંસ્થાની એટલે કે દેશની સેવા અંદર રહેવા કરતાં બહાર રહેવાથી હું વધારે કરી શકીશ.
“ઉપર મેં જે મુદ્દા જણાવ્યા તે વિશે કૉંગ્રેસીઓની લાગણી કેવી છે તે ચકાસી જોવા કૉંગ્રેસના બંધારણમાં હું કેટલાક સુધારા સૂચવવા ઇચ્છું છું. એક તો ‘લેજીટીમેટ ઍન્ડ પીસકુલ’ (વાજબી અને શાંતિમય) એ શબ્દને બદલે હું ટ્રુથફુલ ઍન્ડ નોન-વાયોલેન્ટ’ (સત્યમય અને અહિંસક) એ શબ્દો મૂકવા ઇચ્છું છું. જો કૉંગ્રેસીઓ આપણા ધ્યેયની પ્રાપ્તિને માટે સત્ય અને અહિંસા આવશ્યક માનતા હોય તો પેલાં ગોળગોળ અર્થવાળાં વિશેષણો કરતાં આ વિશેષણો સ્વીકારવામાં તેમને બિલકુલ અડચણ ન હોવી જોઈએ. બીજો સુધારો હું એ સૂચવવા ઇચ્છું છું કે સભ્ય થવાની ફી ચાર આના રાખવાને બદલે કૉંગ્રેસનો દરેક સભ્ય દર મહિને પોતાને હાથે કાંતેલું એાછામાં ઓછું પંદર આંકનું, વળદાર અને સમાન એવું બે હજાર તાર (ચાર ફૂટનો) સૂતર આપે. આમાં મારો ઉદ્દેશ મતાધિકાર માટે દ્રવ્યને બદલે શ્રમને દાખલ કરી, શ્રમનું ગૌરવ વધારવાનો છે. ત્રીજો સુધારો હું એ સૂચવું છું કે કોઈ પણ કૉંગ્રેસની ચુંટણીમાં તે જ સભ્યને મત આપવાનો અધિકાર રહે જેનું નામ કૉંગ્રેસ પત્રક ઉપર ચુંટણીના છ મહિના પહેલાં ચડી ચૂક્યું હોય, અને જે ત્યારથી જ સતત ખાદી પહેરતો થઈ ગયો હોય. અનુભવે મને જણાયું છે કે પ્રતિનિધિઓની છ હજારની સંખ્યા કાબૂમાં ન રાખી શકાય એટલી મોટી થઈ પડે છે. તેથી ચોથો સુધારો હું એ સૂચવું છું કે કૉંગ્રેસના પ્રતિનિધિઓની સંખ્યા એક હજાર કરતાં વધારે હોવી જોઈએ નહીં. તેની સાથે એ પણ શરત હોવી જોઈએ કે દર એક હજાર મતદારે એક પ્રતિનિધિ ચૂંટવામાં આવે. કૉંગ્રેસનું પ્રજાકીયપણું તેના વાર્ષિક અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓ અને પ્રેક્ષકો એકઠા થાય છે તે ઉપરથી
ન અંકાવું જોઈએ પણ તે કેટલી સેવા કરે છે તે ઉપરથી અંકાવું જોઈએ. પશ્ચિમની પ્રશાસન પદ્ધતિની આજે કસોટી થઈ રહી છે. લાંચરુશવત અને દંભ એ પ્રજાશાસનની અનિવાર્ય પેદાશ ન જ હોઈ શકે. પરંતુ આજે જ્યાં ત્યાં એ જ વસ્તુ જોવામાં આવે છે. વળી મોટી સંખ્યા એ પ્રજાશાસનની સાચી કસોટી નથી. થોડા માણસો પોતે જેમના પ્રતિનિધિ હોવાનો દાવો કરતા હોય તેમના જુસ્સાનો, તેમની આશાઓનો અને આકાંક્ષાઓનો સાચો પડઘો પાડે તો હું તેને સાચું પ્રજાશાસન કર્યું. બીજું હું એ માનું છું કે બળજબરીની પદ્ધતિથી સાચા પ્રજાશાસનનો વિકાસ ન જ થઈ શકે. પ્રજાશાસનનો જુસ્સો બહારથી લાવી શકાતો નથી, એ અંદરથી ઊગવો જોઈએ.
“મને ભય છે કે ઉપર જે સુધારા મેં સૂચવ્યા છે તે કૉંગ્રેસમાં આવનારા ઘણા પ્રતિનિધિઓને ભાગ્યે જ ગળે ઊતરે. છતાં મારે કૉંગ્રેસની નીતિને દોરવી હોય તો એ સુધારા અને આ નિવેદનના ભાવને અનુકૂળ આવે એવા બીજા ઠરાવો આપણા ધ્યેયની શીઘ્ર પ્રાપ્તિ માટે આવશ્યક છે. મેં ઉપર જે કાર્યક્રમ દોરવાનો પ્રયત્ન કર્યો છે તેનાં મૂળ તત્ત્વો સાથે કશી માંડવાળ કરવાનો અવકાશ નથી. કૉંગ્રેસીઓ શાંત ચિત્તે મારી દરખાસ્તોનો એના ગુણ ઉપર વિચાર કરે. મારો વિચાર ન કરે પણ પોતાની બુદ્ધિના આદેશને જ અનુસરે.”

આ નિવેદન બહાર પાડતાં પહેલાં ગાંધીજીએ પોતાના મુખ્ય મુખ્ય સાથીઓને તે જોવા મોકલ્યું હતું. ગાંધીજી કૉંગ્રેસ છોડી જાય તેની ઘણા સખત વિરુદ્ધ હતા એ અગાઉ કહેવાઈ ગયું છે. ગાંધીજીની વાત એકલા સરદારને જ પૂરે પૂરી માન્ય હતી. પોતાની એ શ્રદ્ધા જાહેર માં પ્રગટ કરવા તા. ૨૯–૯–’૩૪ના રોજ તેમણે નીચેનું નિવેદન બહાર પાડ્યું :

“ગાંધીજીના નિવેદન ઉપર મિત્રોએ તેમ જ ટીકાકારોએ જે વિચારો દર્શાવ્યા છે તે ઉપરથી મારા એ અભિપ્રાયને પુષ્ટિ મળે છે કે તાજેતરમાં વર્ધામાં કારોબારી સમિતિની બેઠક થઈ તે પહેલાં કૉંગ્રેસમાંથી નિવૃત્ત થવાના નિર્ણય ઉપર તેઓ આવ્યા હતા તે તદ્દન બરાબર હતું. જેઓ એમ કહે છે કે આ નિવેદન ધમકીના સ્વરૂપનું છે તેઓ તેમને ઓળખતા નથી. મહામુશ્કેલીએ પોતાનો નિર્ણચ આટલા વખત સુધી તેમની પાસે મોકુફ રખાવ્યો. પણ હવે તેમણે નિવેદન બહાર પાડ્યું છે એટલે હું ધારું છું કે કૉંગ્રેસની વિષયવિચારિણી સમિતિ આગળ પોતાની સ્થિતિ સમજાવવાની વેદના આનંદપૂર્વક તેઓ વેઠી લેશે. આ નિવેદન આપણી આગળ હોવા છતાં હજી આપણે કૉંગ્રેસમાં તેમની જીત થશે કે હાર થશે એ શબ્દોમાં વિચાર કરીએ છીએ તેનું મને આશ્ચર્ય થાય છે. હજી આપણે આટલી સંકુચિત રીતે વિચાર કરીએ છીએ એટલી એક બીના ઉપરથી જ મને લાગે છે કે કૉંગ્રેસમાંથી તેમણે નિવૃત્ત થઈ જવું જોઈએ. પોતાની આખી જિંદગીમાં કદી પણ અંગત વિજયની દૃષ્ટિએ તેમણે વિચાર કર્યો નથી. નીતિ (પોલિસી) અને વ્યક્તિ કરતાં તેમણે હંમેશાં સિદ્ધાંતને વધારે ઊંચું સ્થાન આપ્યું છે અને તેમના અનુયાયીઓ પણ એમ જ કરે એવો આગ્રહ રાખ્યો છે. તેમના ટીકાકારો સમજી લે કે તેઓ પોતે અને તેમના સાથીઓ હુમલો કરીને કૉંગ્રેસ કબજે કરવાનો
અથવા તો બહુમતીથી ઠરાવો પસાર કરાવી દેવાનો બિલકુલ પ્રયત્ન કરવાના નથી. મારી માફક જે થોડી વ્યક્તિઓને તેમના કાર્યક્રમમાં પૂર્ણ શ્રદ્ધા હોય તેમને હું તો એવી સલાહ આપીશ કે ગાંધીજીના નિવેદનમાં સૂચવેલા મહત્ત્વના સુધારામાંના કોઈની પણ ઉપર મત આપવાથી તેઓ પરહેજ રહે. ગાંધીજીને જરાયે શંકા નથી કે મોટા ભાગના બુદ્ધિપ્રધાન લોકોને સૂતર મતાધિકાર ઉપર શ્રદ્ધા નથી અને તેઓ એવા નિર્ણય ઉપર આવે કે આ સુધારો વિષયવિચારિણી સમિતિમાં લાવવો જ નથી તો મને કશી નવાઈ થશે નહીં.
“પરંતુ ગાંધીજી છેવટના ગમે તે નિર્ણચ પર આવે, એક વસ્તુ વિશે જરાયે શંકા નથી કે પોતે જે નિર્ણય કરશે તે પૂરેપૂરો કૉંગ્રેસના અને દેશના હિતને માટે જ હશે. તેમને એમ લાગશે કે કૉંગ્રેસમાંથી નીકળી જવાથી દેશનું અને કૉંગ્રેસનું હિત બગડશે તો કોઈ પણ સંજોગોમાં તેઓ કૉંગ્રેસમાંથી નીકળી જશે નહીંં. પણ એમને ખાતરીપૂર્વક એમ લાગશે, જેમ અત્યારે એમને લાગે છે તેમ, કે કૉંગ્રેસને અને પરિસ્થિતિને શુદ્ધ કરવાનો અને મજબૂત બનાવવાનો એકમાત્ર ઉપાય કૉંગ્રેસમાંથી નીકળી જવું એ જ છે તો વિના અડચણે એમને કૉંગ્રેસમાંથી નીકળી જવા દેવા જોઈએ.”

કૉંગ્રેસનું અધિવેશન ૧૯૩૪ના ઓક્ટોબરની આખરે મુંબઈમાં ભરાયું. કરાંચી કૉંગ્રેસ પછી સાડા ત્રણ વરસના ગાળા બાદ અને લડતની આકરી તાવણીમાંથી પસાર થયા બાદ આ અધિવેશન ભરાતું હતું એટલે તેમાં સારો ઉત્સાહ હતો. કૉંગ્રેસના બંધારણમાં ફેરફાર કરવાની ગાંધીજીની દરખાસ્તો અને કૉંગ્રેસમાંથી તેમનું નીકળી જવું એ બે પ્રસંગોને લીધે જ આ કોંગ્રેસ વિશેષ મહત્ત્વની થઈ પડી. ઘણા પ્રતિનિધિઓ એમ પણ કહેતા હતા કે ગાંધીજી જો કૉંગ્રેસમાંથી નીકળી જ જવાના છે તો બંધારણમાં ફેરફારો કરવાની દરખાસ્ત એમણે શા માટે લાવવી જોઈએ ? પણ સરદારે પોતાના ઉપરના નિવેદનમાં જણાવ્યું છે કે કૉંગ્રેસના અને દેશના વધારે હિતની ખાતર જ તેઓ કૉંગ્રેસમાંથી નીકળી જતા હતા. એટલે નીકળી જતી વખતે તેમને પોતાનું કર્તવ્ય લાગ્યું કે કૉંગ્રેસમાં જે ત્રુટીઓ હોય તે કૉંગ્રેસને બતાવવી અને દૂર કરવા પ્રયત્ન કરવો. ગાંધીજીને લાગવા માંડ્યું હતું કે પોતાનું વજન કૉંગ્રેસ ઉપર એટલું બધું પડે છે કે તેથી કૉંગ્રેસ દબાઈ જાય છે. તે માટે તેઓ પોતાની જાત ઉપર ઘણું દબાણ મૂકતા. પણ જેમ જેમ પોતાની જાતને તેઓ વધારે દબાવતા તેમ તેમ કૉંગ્રેસ ઉપર તેમનું વજન વધતું. કારણ કૉંગ્રેસના બધા કાર્યકર્તાઓ સ્વતંત્રપણે નિર્ણયે લેવાને બદલે તેમના હુકમની રાહ જોઈને બેસતા. આ વસ્તુ ગાંધીજીને બહુ ખૂંચતી. કુટુંબમાંથી પિતા પોતાના શુભાશીર્વાદ સાથે નિવૃત્ત થાય છે અને પુત્રોને માથે કામની જવાબદારી આવી પડે છે ત્યારે તે તેને પહોંચી વળવા પ્રયત્ન કરે છે, તેમાં પરિણામે પુત્રોનું જ હિત થાય છે; તેવું જ ગાંધીજીના કૉંગ્રેસમાંથી નીકળી જવાથી કૉંગ્રેસનું થયું એમ કહી શકાય. અને ગાંધીજી કૉંગ્રેસનો ત્યાગ ક્યાં કરતા હતા ? જ્યારે જ્યારે પોતાની સલાહની અને સહકારની જરૂર પડે ત્યારે તે આપવા તેઓ તૈયાર જ હતા. કૉંગ્રેસમાંથી ગાંધીજીનું નીકળી જવું કેટલું વખતસરનું હતું તે તો એ ઉપરથી સાબિત થયું કે ગાંધીજીની દરખાસ્તોને બહુ મોળી કરી નાખીને જ કૉંગ્રેસ સ્વીકારી શકી.

મુંબઈનું અધિવેશન પૂરું થતાં જ દેશની આગળ વડી ધારાસભાની ચૂંટણી આવી. કૉંગ્રેસ તેમાં પૂરા ઉત્સાહથી ઊતરી. સરકારને લાગતું હતું કે આ ત્રણ વરસના સખત દમનથી લોકોને આપણે દબાવી અને ડરાવી દીધા છે. તેઓને એટલું બધું સહન કરવું પડ્યું છે અને નુકસાન વેઠવું પડ્યું છે કે હવે તેઓ કૉંગ્રેસનું નામ લેવાની હિંમત નહીં કરે. ત્રાસવાદી પ્રવૃત્તિને અંગે દમન ચાલે ત્યારે લોકોની એવી સ્થિતિ થાય છે ખરી. પણ અહિંસક લડતની ખૂબી એ છે કે લોકો થાકી જાય ત્યારે ભલે લડતમાં ભાગ લેવાનું છોડી દે, પણ લડત ખોટી છે અથવા જેઓ લડત ચાલુ રાખે છે તે ખોટું કરે છે, એવા વિચાર લોકોને આવતા નથી. પોતે ભલે થાક્યા હોય પણ જેઓ લડત ચાલુ રાખે છે અને કષ્ટો સહન કરે છે તેમની બહાદુરી અને આપભોગ પ્રત્યે તેમના દિલમાં આદર જ રહે છે, આ વખતે તેઓ જેલ, દંડ, લાઠીમાર વગેરેથી થાકી ગયા હતા પણ તેથી કૉંગ્રેસ પ્રત્યે તથા કૉંગ્રેસી આગેવાનો પ્રત્યે તેમના દિલનો ભાવ ઓછો થયો નહોતો. તેમના હૃદયમાં તો સરકાર પ્રત્યે બેદિલી અને કૉંગ્રેસ પ્રત્યે આદરભાવ જ હતાં. આ ચૂંટણીમાં કૉંગ્રેસને ટેકો આપી લોકોએ એ વસ્તુ સાબિત કરી આપી. વળી છેલ્લાં ત્રણ વરસથી પોતાની પ્રવૃત્તિઓ ગેરકાયદે ગણાતી હોઈ રાષ્ટ્રીય કાર્યકર્તાઓ છૂટથી હરીફરી કે બોલી શકતા નહીં. આ ચૂંટણીને લીધે તેઓને જિલ્લે જિલ્લે અને તાલુકાના ગામડે ગામડે ફરવાની અને ભાષણો કરવાની તક મળી. લોકોએ તેમને સત્કાર્યા. છતાં ચૂંટણીમાં વિજય મેળવવા મહેનત તો કરવી જ પડી. બ્રિટિશ વડા પ્રધાને જે કોમી ચુકાદો આપ્યો હતો તે કૉંગ્રેસને માન્ય તો નહોતો જ. છતાં હરિજનોને અલગ મતદાર મંડળો આપનારી કલમની સામે ઉપવાસ કરી ગાંધીજીએ એટલો જ ભાગ ફેરવાવ્યો હતો. નવા થનારા આખા સુધારા ને તે અનુસાર થનારું આખું બંધારણ (જેની રૂપરેખા બ્રિટિશ સરકાર તરફથી બહાર પડી હતી અને જે શ્વેતપત્રને નામે ઓળખાતી હતી), જેમાં કોમી ચુકાદો પણ આવી જાય છે, એ આપણને માન્ય નથી. એટલે એકલા કોમી ચુકાદાનો વિરોધ કરીએ તો બાકીનું બંધારણ આપણને માન્ય હોવાનો ભાસ થાય એમ ગાંધીજીનું કહેવું હતું. છતાં લોકોની જાણ માટે કૉંગ્રેસે જાહેર કર્યું કે અમે કોમી ચુકાદાનો વિરોધ નથી કરતા તેનો અર્થ એ નથી કે અમે તેનો સ્વીકાર કરીએ છીએ. ૫ં. માલવીજી અને શ્રી અણે કોમી ચુકાદાના વિરેાધનો અલગ ઠરાવ કૉંગ્રેસે કરવો જોઈએ એ મતના હતા. પોતાનો ઠરાવ કૉંગ્રેસમાં પસાર ન થયો એટલે તેમણે નવો પક્ષ રચ્યો અને ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા કર્યા. માત્ર કોમી ચુકાદા સિવાય બીજી બધી બાબતમાં તેઓ કૉંગ્રેસ સાથે સંમત હતા. બીજી એક ચળવળ રૂઢિચુસ્ત હિંદુઓએ ઉપાડી હતી. કૉંગ્રેસવાળા તો હરિજનોને મંદિરમાં દાખલ કરી આપણાં મંદિર અભડાવવા માગે છે માટે એમને મત ન આપવા એવો પ્રચાર તેમણે ચલાવવા માંડ્યો હતો. જોકે હિંદુ મતદારો ઉપર તેની ઝાઝી અસર થઈ નહીં. પણ આ બધું મતદારોને સ્પષ્ટ સમજાવવાની જરૂર તો હતી જ, અને નવેમ્બરની ૧૫મીથી જુદા જુદા પ્રાંતમાં ચૂંટણી થવાની હોઈ વખત બહુ થોડો હતો. સરદારને ગુજરાતની તો ચિંતા જ નહોતી એટલે તેઓ પંજાબ, દિલ્હી, યુ.પી., બિહાર, મદ્રાસ વગેરે પ્રાંતોમાં ફરી વળ્યા. ચૂંટણીઓના ખર્ચ માટે પૈસાની વ્યવસ્થા કરવાનો પણ મુખ્ય બોજો તેમને માથે પડ્યો. એકલા પંજાબ સિવાય બીજા બધા પ્રાંતોમાં કૉંગ્રેસના ઉમેદવારો ભારે બહુમતીમાં આવ્યા. બંગાળમાં પં. માલવીજીના પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા. પણ મુંબઈ શહેર જેણે ગઈ લડતમાં સારો ફાળો આપ્યો હતો અને જે રાષ્ટ્રીય જુસ્સામાં આખા દેશમાં આગળ ગણાતું હતું ત્યાં ચૂંટણીમાં કૉંગ્રેસની હાર થઈ તેથી સૌને ભારે નવાઈ લાગી. કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી કનૈયાલાલ મુનશી હતા ને સામે શ્રી કાવસજી જહાંગીર હતા. મુંબઈ પ્રાંતિક સમિતિના પ્રમુખ શ્રી નરીમાને કૉંગ્રેસને છેહ દઈ સર કાવસજીને આડકતરી રીતે મદદ થાય એવું વલણુ અખત્યાર કર્યું તેથી આ બનવા પામ્યું હતું. આમાંથી આગળ ઉપર, મોટું પ્રકરણ ઊભું થયું અને કેટલોક વખત તો સરદાર નકામા વગોવાયા. તે બધી હકીકતને એક અલગ પ્રકરણ જ આપીશું. વડી ધારાસભામાં જે અનેક પક્ષો હતા તેમાં સૌથી મોટો પક્ષ કૉંગ્રેસનો થયો. આ ચૂંટણીઓ મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ યેાજના મુજબના બંધારણ અનુસાર થઈ હતી. એ બંધારણ પ્રમાણે ધારાસભાની રચના જ એવી હતી કે અમુક સભ્યો સરકારને હાજી હા કરનારા હોય અને તેમની મદદથી સરકાર હંમેશાં પોતાની બહુમતી રાખી શકે. પણ હવે વાતાવરણ બદલાઈ ગયું હતું. હાજી હા કરનારો વર્ગ પણ સ્વતંત્ર વિચાર કરતો થયો હતો, એટલે જે મુદ્દા પર કૉંગ્રેસ બન્ને પક્ષોને પોતાની તરફેણમાં લઈ શકે ત્યાં એ સરકારને હરાવી શકે એવી સ્થિતિ હતી. ૧૯૩૪ના નવેમ્બરમાં ચૂંટણીઓ થઈ અને તા. ૨૧–૧–’૩૫ના રોજ વડી ધારાસભાની બેઠક શરૂ થઈ. શ્રી ભૂલાભાઈ દેસાઈ કૉંગ્રેસ પક્ષના આગેવાન ચૂંટાયા. સ્વરાજ પક્ષના આગેવાન તરીકે વડી ધારાસભામાં પંડિત મોતીલાલ નેહરએ જે રુઆબ અને છાપ પાડી હતી તેવી જ શ્રી ભૂલાભાઈ એ પણ પાડી. બીજા પક્ષોનો સહકાર મેળવીને ઘણા મુદ્દા જેવા કે શરદચંદ્ર બોઝની અટકાયત, ખુદાઈ ખિદમતગારો ઉપરનો પ્રતિબંધ, હિંદુસ્તાન અને બ્રિટન વચ્ચેના વેપારી કરાર, વગેરે ઉપર કૉંગ્રેસે સરકારને હાર ખવડાવી. જોકે ગવર્નર જનરલે પ્રમાણપત્ર આપીને ધારાસભાના બહુમતી ઠરાવોના અમલ ન થવા દીધા. જે વખતે હિંદુસ્તાનને રાજ્યબંધારણમાં સુધારા કરી લોકોને જવાબદાર રાજતંત્ર આપવાની વાતો થતી હતી તે વખતે જ લોકમતને આમ ઠોકરે મારવામાં આવ્યો, તેથી આવનારા સુધારાના પોકળપણાનો લોકોને ખ્યાલ આવ્યો અને આપણું સ્વરાજ્ય આપણા જ પુરુષાર્થથી સ્થાપી શકાશે એની લોકોને પ્રતીતિ થઈ.

સરકારની બદદાનતનો એક બીજો પુરાવો પણ સરદારે આ વખતે મેળવ્યો. મુંબઈની કૉંગ્રેસ પૂરી થયા પછી અને વડી ધારાસભાની ચૂંટણીઓનું કામ ચાલતું હતું તે વખતે હિંદી સરકારના ગૃહખાતા તરફથી તેના સેક્રેટરી મિ. હેલેટે બધી પ્રાંતિક સરકારોને એક છુપો સરક્યુલર મોકલ્યો હતો. તે સરદારે પોતાની ખાનગી વ્યવસ્થાથી મેળવ્યો. એક તરફથી હિંદુસ્તાનના રાજ્યબંધારણમાં કરવા ધારેલા સુધારાની વિગતો આપતા જૉઈન્ટ પાર્લામેન્ટરી કમિટીનો રિપોર્ટ બહાર પડ્યો હતો અથવા બહાર પડવાની તૈયારીમાં હતો તે જ વખતે ગાંધીજી અને બીજા કૉંગ્રેસ નેતાઓ તરફ ભારે વહેમની નજરે જોતો અને લોકોમાં તેમની લાગવગ ભુસાઈ જાય એવી સૂચના કરતો આ સરક્યુલર જોઈને આપણને આશ્ચર્ય થયા વિના રહેતું નથી. બ્રિટનના તમામ મુત્સદ્દીઓ, પછી તે કન્ઝર્વેટિવ પક્ષના હોય, લિબરલ પક્ષના હોય કે મજૂર પક્ષના હોય, તેમને હિંદુસ્તાનને જવાબદાર રાજ્યતંત્ર આપવાનો માત્ર દેખાવ કરવો હતો. હિંદુસ્તાનની ધારાસભાઓ ઉપર જવાબદારી નાખવી હતી પણ તમામ સત્તા પોતાના હાથમાં રાખવી હતી. હિંદુસ્તાન સાથેના પોતાનો વેપાર સુરક્ષિત રહે અને દેશ ઉપર પોતાની પકડ મજબૂત રહે એવું સઘળા બ્રિટિશ મુત્સદ્દીઓ ઈચ્છતા હતા. અને તેમાં હિંદુસ્તાનના બ્રિટિશ સનંદી અમલદારોનો પૂરો સાથ હતો. ગમે તેટલા રાજકીય સુધારા કરવામાં આવે પણ સનંદી અમલદારોના લોખંડી ચોકઠામાં કોઈ પણ જગ્યાએ જરા સરખી પણ તડ પડે એ તેઓ ઈરછતા ન હતા. મુંબઈની કૉંગ્રેસમાં ગ્રામઉદ્યોગ સંઘની સ્થાપના કરવામાં આવી, કૉંગ્રેસના બંધારણમાં સુધારા કરવામાં આવ્યા અને ગાંધીજી કૉંગ્રેસમાંથી નીકળી ગયા, તેમાં પેલા મિ. હેલેટે ગાંધીજીની ઊંડી ચાલબાજી જોઈ. આ બધું તેઓએ મોટા અમલદારો પ્રત્યેના પોતાના તદ્દન ખાનગી પરિપત્રમાં બહુ વિકૃત રૂપમાં રજૂ કર્યું. એ પરિપત્ર વાંચતાં બહુ રમૂજ ઊપજે છે. અહીં તેના થોડા મુદ્દા આપીશું :

“કૉંગ્રેસના તંત્રમાં આ બધા ફેરફારોને સાચો હેતુ હિંદી સરકારને એ જણાય છે કે કૉંગ્રેસને રાજદ્વારી અથવા પાર્લામેન્ટરી કામ કરવા માટે વધારે સંગઠિત કરવી. મિ. ગાંધી હવે એમ માને છે કે કૉંગ્રેસના સભ્યોને પાર્લામેન્ટરી કામમાં વધારે રસ છે. અત્યાર સુધી એક રાજદ્વારી પક્ષ તરીકે કૉંગ્રેસ ઉપર એવી ટીકા થતી હતી કે તે સમાજના એક જ વર્ગનું એટલે કે શહેરોના અને તેમાંયે મુખ્યત્વે કરીને હિંદુ લોકોના બુદ્ધિપ્રધાન વર્ગનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આ કૉંગ્રેસમાં કરવામાં આવેલા ફેરફારોથી ભવિષ્યમાં કૉંગ્રેસ એવો દાવો કરવાની સ્થિતિમાં આવશે કે શહેરની સાથે ગામડાંના હિતોનું પણ તે પ્રતિનિધિત્વ ધરાવે છે. એ પણ શક્ય છે કે કૉંગ્રેસના બંધારણમાં જે ફેરફાર થયેલા છે તેને લીધે કૉંગ્રેસ મિ. ગાંધીના લોકપ્રતિનિધિસભા (કૉસ્ટિટ્યુઅન્ટ ઍસેમ્બલી)ના વિચારોનું પ્રતિનિધિત્વ કરશે અને જો એ પ્રયોગ સફળ થાય તો મિ. ગાંધી કૉંગ્રેસને દેશનું બંધારણ ઘડવાને માટે અને દેશનું ભવિષ્યનું રાજ્યતંત્ર ઉપાડી લેવાને માટે એક સમર્થ સંસ્થા બનાવશે.”

ગ્રામ-ઉદ્યોગ સંઘની સ્થાપનાની બાબતમાં તેઓ સાહેબ જણાવે છે કે :

“મિ. ગાંધીએ પોતે જણાવ્યું છે કે આ પ્રવૃત્તિ બિલકુલ બિન-રાજદ્વારી છે. આ પ્રવૃત્તિનો આરંભ અને મિ. ગાંધીનું કૉંગ્રેસમાંથી નીકળી જવું એ બેનો યોગ જોતાં, ઉપર ઉપરથી એમ દેખાય છે કે આ પ્રવૃત્તિ શુદ્ધ રીતે ગામડાંના પુનરુદ્ધાર માટે છે અને તેની પાછળ કોઈ જાતનો રાજદ્વારી હેતુ નથી. પણ આવો ખ્યાલ રાખવામાં કેટલીક મહત્ત્વની બાબતોની ઉપેક્ષા થાય છે. કૉંગ્રેસને તો આમજનતા ઉપર પોતાનો કાબૂ જમાવવો છે. છેલ્લા વરસમાં ઉપાડેલી સવિનય ભંગની લડતને લીધે આ ઉદ્દેશ સાધવામાં તે નિષ્ફળ ગઈ છે. સરકારને જમીનમહેસૂલ નહીં ભરવાની અને જમીનદારોને ગણોત નહીં ભરવાની લડતમાં કૉંગ્રેસને નિષ્ફળતા મળી છે અને સરકાર પ્રત્યે અપ્રીતિ ફેલાવી શકવાને બદલે જમીનદાર વર્ગમાં, ખેડૂત વર્ગમાં અને કિસાન વર્ગ માં એ અપ્રિય થઈ પડી છે. પરદેશી કાપડ તથા મિલના કાપડનો બહિષ્કાર ખેડૂત વર્ગની કલ્પનાને આકર્ષી શક્યો નથી. એટલે આમ વર્ગ સાથે એકતા સાધવા માટે તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો કાર્યક્રમ ઉપાડવાનો આ પેંતરો મિ. ગાંધીએ રચ્યો છે. તેમાં તેમને એક બીજો પણ લાભ છે. જે કૉંગ્રેસ કાર્ચકર્તાઓને પાલમેન્ટરી કામ પસંદ ન હોય તેમને આ કામ આપી શકાશે. એ નિમિત્તે તેઓ ગામડાંમાં પોતાની લાગવગ વધારી શકશે અને પોતાના રાજદ્વારી વિચારોનો ફેલાવો પણ કરી શકશે. તેઓ ગ્રામઉદ્યોગનું કામ કરવાનો દાવો કરતા હોઈ સરકાર પણ તેમના ગામડાંના વસવાટ સામે વાંધો ઉઠાવી શકે નહી. ગઈ લડત વખતે ચરખા સંઘના કાર્યકર્તાઓ એ જે રીતે વર્તતા હતા, ખાદીના કામને બહાને તેઓ લડતનું જ કામ કરતા હતા. પણ પૂરતો પુરાવો ન મળવાથી સરકાર ચરખા સંઘ સામે કંઈ પગલાં ભરી શકેલી નહીં. મિ. ગાંધીના અસ્પૃશ્યતાનિવારણના કામની સામે લોકોમાં બહુ વિરોધ જાગ્યો છે. એ પ્રવૃત્તિ હરિજનોમાં પણ પ્રિય
થઈ પડી નથી. એટલે અત્યાર સુધી જેઓ કાયદા ભંગ કરનારા હતા તેમને અસ્પૃશ્યતાનિવારણના કામની સાથે સાથે ગ્રામઉદ્યોગની કહેવાતી રચનાત્મક પ્રવૃત્તિમાં ગાંધી જોડવા ઇચ્છે છે. કાલે ઊઠીને એક મદ્યનિષેધક સંઘ કાઢીને મદ્યપાન વિરુદ્ધ અખિલ ભારતીય પ્રવૃત્તિ મિ. ગાંધી ઉપાડે તો નવાઈ નહીં.
“આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે મિ. ગાંધી ભારે ચાલાક અને વિચક્ષણ રાજદ્વારી નેતા છે. તેમનો માનસિક તેમ જ શારીરિક ઉત્સાહ જરાયે નરમ પડ્યો નથી. તેઓ જોકે કૉંગ્રેસમાંથી નીકળી ગયા છે છતાં કૉંગ્રેસના આ અધિવેશનમાં તેમની જ અંગત ફતેહ થઈ છે. કૉંગ્રેસમાં કામ કરતાં વિવિધ બળોને તેમણે પોતાના જ નેતૃત્વ નીચે રાખ્યાં છે. કૉંગ્રેસ સંસ્થામાંથી પોતે નીકળી ગયા છે છતાં એની તમામ પ્રવૃત્તિઓમાં સલાહસૂચના આપવાની સત્તા તે એમણે પોતાની પાસે રાખી જ છે.
“મિ. ગાંધીના મનમાં ખરેખર કઈ કઈ યોજનાઓ છે તે તો એમના રચનાત્મક કામની બીજી યોજનાઓ તેઓ બહાર પાડશે ત્યારે આપણને ખબર પડશે. પણ આપણે જો એમ ધારીએ કે મિ. ગાંધીની બધી યોજનાઓની પાછળનું મુખ્ય હેતુ તો રાજદ્વારી જ છે તો તેમની આ નવી ચાલમાં જોકે એ દેખીતી રીતે ગામડાંના પુનરુદ્ધારની કહેવાય છે, છતાં સંભવ છે કે પહેલાં કરતાં ઘણા વિશાળ પાયા ઉપર સવિનય ભંગની લડત માટે વાતાવરણ તૈયાર કરવાનો અને તેમાં ગામડાંની પ્રજાને વધારે મોટા પ્રમાણમાં ભેળવવાનો એક આબાદ અને ઊંડો પ્રયત્ન હોય. મારી ધારણા છે સાચી હોય તો મિ. ગાંધીની આ યોજનાઓ કેવી ભયંકર શક્યતાઓથી ભરેલી છે એ તમને સમજાશે. મિ. ગાંધી ભવિષ્યમાં ત્રણ બાજુએથી હુમલો કરવાનું વિચારી રહ્યા જણાય છે. ધારાસભાના કૉંગ્રેસ સભ્યો સરકારનાં “દમનકારી” પગલાંઓને રોકવાનો શક્ય તેટલો પ્રયત્ન કરશે, ગ્રામઉદ્યોગની સંસ્થાઓ મારફત વિશાળ પાયા ઉપર સવિનય ભંગની તૈયારી કરવામાં આવશે અને સમાજવાદીઓનો ઉદ્દામ પક્ષ જે ધીમે ધીમે સામ્યવાદી પક્ષના વધુ ને વધુ સંપર્કમાં આવતો જાય છે તે ભવિષ્યની લડતમાં કૉંગ્રેસનો મળતિયો બની રહેશે.
“વર્તમાન પરિસ્થિતિ વિશેનો મારો આ ખ્યાલ જો સાચો હોય તો સરકારે બહુ જાગ્રત રહેવાની જરૂર છે. મિ. ગાંધી કહે છે કે આવતાં ઘણાં વર્ષો સુધી સવિનય ભંગની લડત ઉપાડી શકાય એમ નથી. પણ એ વાત માનીને આપણે ગાફેલ રહેવું ન જોઈએ. એવા સંજોગો જલદી ઉપસ્થિત થવા પામે અને મિ. ગાંધીની અંગત લાગવગથી એવી પરિસ્થિતિ ઊભી થાય તો નવાઈ નથી કે થોડા જ વખતમાં તેઓ પાછા લડત ઉપાડી શકે. ભૂતકાળના અનુભવે ઉપરથી આપણે માનવું જોઈએ કે મિ. ગાંધી ગમે તેવી સૂચનાઓ આપે તોપણ મદ્યનિષેધનું કામ કરનારા સ્વયંસેવકો ફોજદારી અને આબકારી કાયદાઓને ભંગ કરવાના ગુનાઓ કરવાના જ. લોકો દારૂની લત છોડે એના કરતાં સરકારને આવક ઓછી થાય અને સરકારની વધારે પજવણી થાય એવી સ્વયંસેવકોની પ્રબળ વૃત્તિ હોય છે. કેટલાક કાર્યકર્તાઓ પોતાના ભાષણમાં અને પોતાની પત્રિકામાં રાજદ્રોહના કાયદાનો પણ ભંગ કરવાના. પ્રાંતિક સરકારોએ આ
બાબતોમાં ખબરદાર રહેવું અને ચાંપતા ઉપાયો લેવા ચૂકવું નહીં. હિંદી સરકાર તેમાં એમને સંપૂર્ણ ટેકો આપશે.
“બીજું કામ એ કરવાનું છે કે પ્રાંતિક સરકારોએ ગ્રામજનતાની આર્થિક સ્થિતિ સુધરે એવી યોજનાઓ કાઢવી. આપણી પાસે જોકે નાણાંની તંગી છે. તોપણ ગમે તેમ કરી આવી યોજનાઓ માટે નાણાં ફાજલ પાડી શકાશે. સંભવ છે કે મિ. ગાંધી જે ગ્રામઉદ્યોગની યોજના કાઢે તે સરકારે અજમાવી જોયેલી હોય અને સરકારને તે નિષ્ફળ માલુમ પડી હોય. પ્રાંતિક સરકારોએ પત્રિકા દ્વારા અને રૂબરૂ સમજૂતી દ્વારા મિ. ગાંધીની યોજનાઓની ટીકા કરવી અને તે અવ્યવહારુ છે એમ બતાવી આપવું. તેની સાથે સરકારે ગ્રામજનતા માટે કેટલું કેટલું કર્યું છે તે પણ લોકોને સમજાવવું. સરકારે ગ્રામઉદ્યોગની બાબતમાં જે જે કર્યું છે તે કહેવા ઉપરાંત ખેડૂતોની રિથતિ સુધારવા માટે કરેલાં બીજાં કાર્યોની પણ સમજૂતી આપવી અને પ્રચાર કરવો. સરકારે ઇસ્પિતાલો બંધાવી છે, શાળાઓ ખોલી છે, રસ્તાઓ બનાવ્યા છે, નહેરો ખાદી છે, બજારોની વ્યવસ્થા કરી છે, એ બધાં સરકારનાં રચનાત્મક કામો સાથે કૉંગ્રેસનાં ખંડનાત્મક કામો લોકો આગળ રજૂ કરવાં. જિલ્લા અધિકારીઓ આજ સુધી પોતાના જિલ્લામાં વાહનવ્યવહારની તથા બીજી સગવડોવાળાં અમુક અમુક મથકોએ જ ફરે છે તેને બદલે તેમણે અગાઉ જે સ્થળોએ નહોતા જતા ત્યાં પણ જવાનું રાખવું. તે માટે વિશેષ ભાડાભથ્થાંની જોગવાઈ કરવી પડે તો તે પ્રાંતિક સરકારોએ કરવી.
“સંભવ છે કે મિ. ગાંધી તથા ગ્રામઉદ્યોગ સંઘના બીજા કાર્યકર્તાઓ તેમના ગ્રામઉદ્યોગના કામમાં જિલ્લા અધિકારીઓની મદદ માંગે. આ બાબતમાં સરકારની નીતિ સ્પષ્ટ છે. તેમને મળવાની અથવા કાંઈ હકીકત પૂછે તો તે આપવાની ના પાડવી નહીં. પણ એથી આગળ જઈને કશી મદદ કરવી નહી. તેમનાં પ્રદર્શન કે મેળામાં ભાગ ન લેવો. સરકારી મકાન તેમને ઉપયોગ માટે ન આપવાં. ફંડ ઉઘરાવવામાં મદદ ન કરવી. નીચલા અધિકારીઓ અને નોકરોને તે કશી જ મદદ કરવાની રજા ન આપવી.”

આવી પત્રિકા ઉપર ટીકા ટિપ્પણીની જરૂર છે ખરી ?