સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/જેલમાંથી છૂટ્યા પછીનું દોઢ વર્ષ

વિકિસ્રોતમાંથી
← ’૩૪ની મુંબઈની કૉંગ્રેસ અને ત્યાર પછી સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
જેલમાંથી છૂટ્યા પછીનું દોઢ વર્ષ
નરહરિ પરીખ
ગુજરાતનો હરિજન ફાળો, લખનૌ કૉંગ્રેસ અને પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણીઓની તૈયારીઓ →



૧૫
જેલમાંથી છૂટ્યા પછીનું દોઢ વર્ષ

સરદાર ૧૯૩૪ના જુલાઈની ૧૪મી તારીખે નાશિક જેલમાંથી છૂટ્યા. જેલમાં તેઓ લડતમાં પડેલા ખેડૂતોની અહર્નિશ ચિંતા કરતા હતા તે આપણે જોઈ ગયા છીએ. છૂટીને થોડા દિવસ મુંબઈમાં આરામ લઈ ગાંધીજી તે વખતે કાશીમાં હતા ત્યાં તેમને મળવા જવું હતું. કાશી જવા ઊપડતા પહેલાં ગુજરાતના પોતાના સાથીઓ જોગ નીચેનો સંદેશો તા. ૨૫–૭–’૩૪ના રોજ તેમણે છાપાં મારફત મોકલ્યો :

“વહાલા સાથીઓ,
“હું જાણું છું કે તમે સૌ મારી રાહ જોઈ રહ્યા છો. હું પણ તમને ભેટવાને એટલો જ અધીરો થઈ રહ્યો છું. પણ સંજોગોને વશ થઈ હજુ થોડા દિવસ સુધી ગુજરાતમાં પ્રવેશ નહીં કરી શકું એમ લાગે છે, તેટલો સમય મને જેલમાં રહેલો સમજી નભાવી લેજો.
“આપણા સવાસો જેટલા સાથીઓ હજીયે જેલોમાં પડી રહેલા છે. કેટલીયે સંસ્થાઓ ઉપરથી પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યા નથી. ગૂજરાત વિદ્યાપીઠ, પાટીદાર વિદ્યાથીગૃહ, અનાવિલ વિદ્યાથીગૃહ, સુણાવ રાષ્ટ્રીય શાળા, બોચાસણ વિદ્યાલચ વગેરે કેળવણીની સંસ્થાઓનાં મકાનો હજી સરકારના કબજામાં જ પડેલાં છે. બારડોલી, મઢી, સરભોણ, વેડછી, સુરત વગેરે આશ્રમનાં મકાનો હજી આપણને પાછાં મળ્યાં નથી. કેટલાક ખેડૂતોના દંડ વસૂલ કરવા બદલ હજુ તેમનાં ઘરબાર હરાજ થઈ રહ્યાં છે. કેટલાકની ખાલસા થયેલી જમીનો હજી હરાજ થઈ રહી છે. સમિતિઓ સજીવન કરવાનું નિર્દોષ કાર્ય પણ હજી શંકાની નજરે જોવાય છે. કૉંગ્રેસના સભાસદ થનારનાં નામ-ઠામની તપાસ કરવામાં આવે છે.
“આમ ગુજરાતમાં હજીયે જાણે એકતરફી લડાઈ ચાલી રહી હોય એવો ભાસ થાય છે. એટલે તમારે મહા મુશ્કેલીઓ વચ્ચે કામ કરવાનું છે, છતાં એ બધી મુશ્કેલીઓને પહોંચી વળવામાં જ આપણી ખરી કસોટી થવાની છે. ઉતાવળા કે અધીરા ન થશો. અકળાયા કે મૂંઝાયા વિના, પોલીસની સાથે અથડામણમાં આવ્યા સિવાય જેટલું થઈ શકે તેટલું ધીરજથી કરો. આપણે કશું છુપું કામ તો કરવાનું જ નથી. જાહેર રીતે કેવળ રચનાત્મક કાર્ય કરતાં પણ જ્યાં અંતરાય આવે ત્યાંથી હઠી જઈ ખરી વસ્તુસ્થિતિની ખબર જિલ્લાના કે પ્રાંતના કાર્યકર્તાને આપજો અને એની સલાહ મુજબ વર્તજો. વસમા સંજોગોમાં પણ પ્રતિકાર કરવાની લાલચમાં ન પડશો. એમ કરતાં સામેનાનો ડંખ નીકળી જશે
એવી આશા રાખું છું. સવિનય ભંગ કરનાર સૈનિકમાં અણગમતા અંકુશો સહન કરવાની શક્તિ પણ ભરેલી હોવી જોઈએ.
“તમારી પાસે હાલ બે મુખ્ય કામ પડેલાં છે. એક તો સંકટમાં આવી પડેલા ખેડૂતોને સહાય કરવાનું અને બીજું સમિતિઓને સજીવન કરવાનું, આ બે કામને પહોંચી વળતાં હમણાં તમારી પાસે બીજાં કામોને માટે અવકાશ જ નહીં રહે. ખેડૂતોની રાહતનું કામ જ તમારી બધી શક્તિ અને વખત માગશે. હું પણ મુંબઈમાં પડ્યો પડ્યો તમને એ કામમાં જેટલી સહાય આપી શકાય તેટલી આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું.”

જેલમાં સમાજવાદને લગતાં પુસ્તકો વાંચવાથી તથા જુદા જુદા પ્રાંતના સમાજવાદીઓના સહવાસમાં આવવાથી ગુજરાતના કેટલાક કાર્યકર્તાઓ ઉપર સમાજવાદની અસર ઠીક ઠીક પડી હતી. સરદારને સમાજવાદીઓનું આ પુસ્તક-પાંડિત્ય મિથ્યા લાગતું હતું. એટલે આ સંદેશામાં સાથીઓને એ સંબંધમાં પણ ચેતવણી આપી :

“મારી ઉમેદ છે કે ગુજરાતના કસાયેલા સૈનિકો હવામાં કિલ્લા રચવાના કે દૂરના ભવિષ્યની મોટી મોટી યોજનાઓની મિથ્યા ચર્ચામાં કદી નહીં સપડાય. એકનિષ્ઠાથી આજનું કર્તવ્ય કર્યે જતાં કાલે શું કરવાનું છે તે સહેજે સૂઝી આવશે અને ભવિષ્યની ગૂંચો આપોઆપ ઊકલી જશે. છેલ્લાં પંદર વરસથી મૂગી સેવાના જે મીઠા અનુભવો તમે મેળવ્યા છે તે જોતાં તમને નવી નવી યોજનાઓ અને નવા નવા કાર્યક્રમના નર્યા પાંડિત્યમાં કશો રસ નહી પડે એવી મારી ખાતરી છે. વાતો કરનારાઓને વાતો કરવા દેજો. એમની સાથે ચર્ચામાં ઊતરવાનો આપણને સમય નથી. એમાં કશો લાભ પણ નથી. આપણે મૂંગા મૂંગા કામ કરીશું તો એવા કામનો અવાજ વાતોના રસિયાઓનાં મોં બંધ કરશે.”

પછી તેમણે મુંબઈના ગુજરાતી વેપારીઓને અપીલ કરી :

“મને જેલમાં માત્ર ખેડૂતોનું જ દુઃખ હતું. જેમાં ખેડૂતોના હાથ ઝાલવા જતા તેમને પણ પકડી લેતા એટલે ખેડૂતોને સહાય કરનાર બહાર કંઈ નહોતું. હું બહાર આવ્યો છું એટલે ખેડૂતોને એમ લાગવા માંડ્યું છે કે હવે અમારું જોનાર આવ્યો છે.
“જેનાં ઘરબાર, ઢોરઢાંખર, જમીનખેતરો જતાં રહ્યાં છે, અને જે રસ્તા ઉપર આવી ઊભા છે તેમને આપણે સાથ ન આપીએ અને મદદ ન કરીએ તો આપણે ધર્મભ્રષ્ટ થઈએ.
“અત્યારે એને લેવું પડે છે એ બહુ વસમું લાગે છે. સાત પેઢીમાં એણે હાથ લંબાવ્યો નથી એટલે એ તો નહીં લે. પણ આપણી ફરજ એને મદદ કરવાની છે. સર્વસ્વ ગુમાવી બેઠેલા ખેડૂતોને ફક્ત ઢોરઢાંખર અને ઘરવખરીની જ મદદ કરવા માટેનું બજેટ મારી પાસે આવ્યું છે તે દસ લાખનું છે. તે રકમની ટહેલ પ્રથમ તમારી પાસે જ મૂકી છે. ગુજરાતીઓ મને પાછા નહીં ઠેલે એવી મારી શ્રદ્ધા છે.”

ખેડૂતોને રાહત આપવાનું કામ તો વહેલા બહાર આવેલા કાર્યકર્તાઓએ શરૂ કરી જ દીધું હતું. ’૩૪ના મેમાં ગુજરાતના આગેવાન કાર્યકર્તાઓની એક સભા ભરૂચ સેવાશ્રમમાં થઈ હતી, તેમાં ખેડૂતોને રાહત આપવા માટે ફંડ એકઠું કરવાનું નક્કી થયું હતું. શ્રી અબ્બાસસાહેબ, ડૉ. ચંદુલાલ દેસાઈ, શ્રી દિનકરરાય દેસાઈ વગેરેએ મહેનત કરીને લગભગ દોઢ લાખ રૂપિયા એકઠા કર્યા હતા. તેમાંથી વિવિધ પ્રકારની રાહતો આપવા ઉપરાંત લડતમાં ખુવાર થયેલા સત્યાગ્રહી ખેડૂતોનાં બાળકોની કેળવણીની વ્યવસ્થા કરવાનું નક્કી થયું હતું. અમદાવાદનું શારદામંદિર, ભાવનગરનું દક્ષિણામૂર્તિ તથા આણંદની ચરોતર એજ્યુકેશને સોસાયટીની શાળાએ પોતપોતાની સંસ્થામાં વગર ફીએ તથા ભોજનખર્ચ લીધા વિના કેટલાંક બાળકોને દાખલ કર્યા હતાં. એકલા રાસ ગામનાં જ લગભગ પાંત્રીસ બાળકો હતાં. આ ફંડ થયા પછી આ સંસ્થાઓને ખેડૂતોનાં આવાં બાળકોનું ખર્ચ તેમાંથી આપવાનું નક્કી થયું. સને ૧૯૩૪ના ઓક્ટોબર મહિનામાં ગૂજરાત વિદ્યાપીઠ ઉપરથી સરકારે પ્રતિબંધ ઉઠાવી લીધો. ત્યાર પછી ૧૯૩૫ના જૂન માસમાં વિનય મંદિર શરૂ કરી જુદી જુદી સંસ્થાઓમાં ભણતાં તમામ બાળકોને વિદ્યાપીઠમાં રાખવામાં આવ્યાં.

બીજું મોટું કામ સમિતિઓને સજીવન કરવાનું હતું. ગુજરાત પ્રાંતિક સમિતિની સ્થાપના થઈ ત્યારથી જ સરદાર તેના પ્રમુખ હતા. પણ ૧૯૩૧માં તેઓ કૉંગ્રેસના પ્રમુખ થયા અને ’૩૪માં કૉંગ્રેસે ધારાસભાનો કાર્યક્રમ અપનાવ્યો ત્યાર પછી પાર્લામેન્ટરી બોર્ડના પ્રમુખ થયા, ત્યારથી ગુજરાત બહારનું તેમનું કામ ઘણું વધી ગયું હતું. એટલે ઇચ્છા હોવા છતાં ગુજરાત પ્રાંતિક સમિતિને તેઓ પૂરો વખત આપી શકે એમ નહોતું. નાશિક જેલમાં ડૉ. ચંદુલાલ દેસાઈ તેમની સાથે હતા. ત્યાં પોતે હવે પ્રમુખ ન રહેવું અને ડૉ. ચંદુલાલ દેસાઈએ પ્રાંતિક સમિતિના પ્રમુખ થવું એવી વાત થયેલી. બહાર આવ્યા પછી આ વાત પ્રાંતિક મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓ આગળ મૂકી. પણ બધાએ એવો આગ્રહ કર્યો કે સરદારે જ પ્રમુખ તરીકે ચાલુ રહેવું, એટલે તા. ૨૪–૮–’૩૪ના રોજ ડૉ. ચંદુભાઈને તેમણે નીચેનો કાગળ લખ્યો:

“તમને (પ્રમુખ થવાનો) મોહ નથી એ હું જાણું છું. હું ઇચ્છતો હતો કે બધા એકમતે તમારે માથે જવાબદારી નાખે. પણ હું જોઉં છું કે બધાને ગળે ઉતારી શકાતું નથી. એકમત ન થાય તો આપણું ન શોભે. હું અને તમે એક છીએ. બેઉ સિપાઈ છીએ. હું તમારો સિપાઈ થઈને મગરૂરીથી કામ કરી શકું છું. તમે પણ તેમ જ કરી શકો છો. છતાં આપણે આપણું તંત્ર ચલાવવું છે તેમાં આપણા સાથીઓનાં દિલ જીતવાં રહ્યાં. સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ બધાને ગળે ઉતારી શક્યો નથી. પ્રામાણિક માન્યતા હોય ત્યાં આપણે વધારે પ્રયત્ન
કરી તેમનાં દિલ ફેરવવાં રહ્યાં. આપણે આપણી એકતાનો પુરાવા આપણા કામથી આપવો રહ્યો.
“જે કરો તે પ્રેમથી અને સૌના દિલ જીતીને કરજો. એકમતે થાય તે જ કરો, નહીં તો શરૂઆતથી જ ખરાબ દેખાવ થશે.
“આપણે કઠણ વખતમાંથી પસાર થઈએ છીએ. હજી વધારે કઠણ વખત આવવાનો છે. જેટલા રહ્યા તેટલાએ એકબીજાનાં દિલની સફાઈ કરી વધારે નજીક આવવાનો પ્રયત્ન કરવો. સુરતવાળા બધા ઇચ્છે છે કે મારું જ નામ આગળ રાખવું અને તમે ઉપપ્રમુખ રહો. મોરારજીને ભય છે કે ઉપપ્રમુખ થવા તમે કબૂલ નહીં થાઓ. મેં બલુભાઈને વાત કરી છે. એમને મળજો. એમની પાસેથી બધું સમજી લેજો અને એ પ્રમાણે હમણાં ચાલવા દેજો. હકીકતમાં તો તમે જ પ્રમુખ છો એમ બનવાનું છે. આપણે નામનું કામ નથી, કામનું કામ છે. નામનું પાછળથી જોઈ લેવાશે. સૌની જોડે મીઠાશથી કામ લેજો. મેં જોયું છે કે સૌનાં દિલ સાફ છે, સૌને આપણા બેઉ પ્રત્યે ભાવ છે. આપણામાં ત્રુટીઓ છે. મારામાં ઊણપ હોય તે તમારામાં ન હોય, તમારામાં હોય તે મારામાં ન હોય. એ બધુ છતાં આપણે એકબીજાને અને બધાને ઓળખતા થઈ ગયા છીએ, એટલે આપણું કામ સહેલું થઈ જશે. મેં જોયું છે કે સૌનાં દિલ સાફ છે, કોઈને અંગત સ્વાર્થ કે દ્વેષ જેવું કશું નથી. એટલે આપણું ભાવી ઉજ્જવળ છે. અન્ય પ્રાંત જેવા કજિયાકલેશ આપણે ત્યાં નથી. પ્રભુ ન થવા દે, મને ત્યાં (ગુજરાતમાં) આવતાં વખત લાગશે. સાંધા બધા દુખે છે. નબળાઈ ખૂબ છે. અને હમણાં તો ઑલ ઇન્ડિયાનું કામ ખૂબ વધી પડ્યું છે.
“ખેડૂતોનું તો ઈશ્વર કરશે તો સૌ ઠીક થઈ રહેશે. મારું અને તમારું કામ અત્યારે ખેડૂતોની રાહતમાં અને તેમના દુખમાં ભાગ લેવાનું છે. ”

ઉપરના કાગળમાં સરદારે જે આશાઓ સેવેલી દેખાય છે તેમાં ’૩પનું આખું વરસ કંઈક ને કંઈક અંતરાય પડતા રહ્યા. ડૉ. ચંદુભાઈ, દરબારસાહેબ તથા શ્રી મોરારજીભાઈને ઓછાવત્તા પ્રમાણમાં જુદાં જુદાં કારણોસર અસંતોષ રહ્યો. તે દૂર કરવા સરદારે ખૂબ પ્રયત્નો કર્યા. છેવટે તેમને એમ લાગ્યું કે પોતે સમિતિના પ્રમુખપદેથી નીકળી જવું એ જ કદાચ ગુજરાતને માટે શ્રેયસ્કર હોય. તા. ૯–૧–’૩૫ના રોજ દરબારસાહેબને લખે છે

“તમને દુઃખ થાય છે તેથી તમારા કરતાં મને વિશેષ દરદ થાય છે. તમારા કામમાં મદદગાર થવાને બદલે હું વિઘ્નરૂપ થઈ પડ્યો તેનું મને બહુ દુઃખ છે. આ વખતે ત્યાં મારું આવવું તમને સુખરૂપ થવાને બદલે દુઃખરૂપ થયું એનું મને બહુ જ દુઃખ છે. તમારી મૂંઝવણમાં હું ઉમેરો કરી ગયા તેથી મને દિલગીરી થાય છે. … તમારો રોષ મારી સામે છે અથવા તો તમને એમ લાગે છે કે હું તમને અન્યાય કરી રહ્યો છું. ઇરાદાપૂર્વક અન્યાય કરું છું એમ તો નહીં જ માનો. મારામાં એટલી ખામી હોવી જ જોઈએ કે હું તમારા મનનું સમાધાન ન કરી શક્યો. દુઃખ ન માનશો. શુદ્ધ દાનત વહેમ કે અવિશ્વાસને ભુલાવશે.”

તા. ૧૧–૧–’૩૫ ના રોજ ફરી લખે છે :

“સમિતિમાં હું આ વખતે ન રહ્યો હોત તો સંભવ છે કે આ વખત ન આવત. પણ હું એમાંથી છૂટી શક્યો નહીં, એનું મને દુઃખ છે. પહેલી તકે જાહેર ચર્ચા ન થાય અને સમિતિને નુકસાન ન થાય તેવી રીતે હું માર્ગ શોધી લઈશ.”

શ્રી મોરારજીભાઈ ને તા. ૭–૧૧–’૩૫ના રોજ મુંબઈથી લખે છે :

“તમે મને ઓળખી શક્યા નથી એનું મને દુઃખ થયું છે. હું જોઉં છું કે, હું મારા સાથીઓને વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ નીવડ્યો છું. એમાં તમારો વાંક શો કાઢવો ? મારો નિશ્ચય તો મેં તમને જણાવ્યો જ છે. ગુજરાતના કામને નુકસાન ન થાય એ રીતે હું હઠી જવાનો છું. તેની તમારે જે તૈયારી કરવી હોય તે કરો. મારા જવાથી કશી ખોટ પડવાની નથી. મારું કોઈ જાતનું મહત્ત્વ હોય એમ હું સમજતો જ નથી, છતાં જે કાંઈ હશે તેનો ઉપયોગ ગુજરાતના કામને નુકસાન થાય એવી રીતે થશે નહીં. મને લાગે છે કે મારા અળગા થયા સિવાય મારું ખરું એાળખાણ પડવું અસંભવિત છે. આજના તમારા કંઈ વહેમ હશે અથવા અવિશ્વાસ હશે તે ત્યારે જ દૂર થશે, તે સિવાય નહીં થાય.”

તા. ૧૭–૧૨–’૩૫ના રાજ ડૉ. ચંદુલાલને લખે છે :

“ગુજરાતના જાહેર જીવનમાં વિષ પેદા થયું તેથી મારું મન ખિન્ન થઈ ગયું છે. એમાં જે રસ હતો તે હવે રહે એમ લાગતું નથી. કુટુંબની ભાવના અને પરસ્પર વિશ્વાસ ન હોય તો જૂથમાં કામ કરવાની મજા ન આવે. કેવળ સેવાભાવ હોય અને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ કે મોહ ન હોય ત્યાં આટલું બધું ઝેર થવાનો સંભવ નથી. મારી આંખ આગળથી પડદો ખૂલી ગયો છે. હું જોઈ શક્યો છું કે મારે ગુજરાતમાંથી હટી જવું જોઈએ. સૌ પોતપોતાનો માર્ગ શોધતા થઈ જશે એટલે સૌને ખબર પડી રહેશે અને મારા પરનો મિથ્યા વહેમ અને અવિશ્વાસ દૂર થશે. એ સિવાય મને બીજો માર્ગ સૂઝતો નથી. માત્ર દિલગીરી એ છે કે આપણું આખું વાતાવરણ ખૂબ કલુષિત થઈ જશે અને સૌ એકબીજાને અવિશ્વાસથી જોવા માંડશે. સૌને એકત્ર કરવાનો મારો પ્રયત્ન નિષ્ફળ ગયો છે તેથી દિલગીર છું. મારા રહેવાથી ગુજરાતનું વાતાવરણ રૂંધાતું હોય તો મારો ધર્મ છે કે મારે માર્ગ ખુલ્લો કરી આપવો જોઈએ.”

તા. ૩૧–૧૨–’૩૫ના રોજ શ્રી દિનકરરાય દેસાઈને લખ્યું :

“મેં ઘણાં વરસ સુધી થઈ શકે એટલી ગુજરાતની સેવા કરી. સમિતિમાં હોદ્દા ઉપર રહેવાથી અજાણ્યે પણ દ્વેષ અને ગેરસમજ થવાનો સંભવ છે. દરેક જગ્યાએ એમ બનતું આવે છે. એથી હું છૂટો થાઉં તો જ સરળતા થાય એમ મને લાગે છે. બીજી રીતે મારે વિશેની ગેરસમજ દૂર નહીં થાય. એ જ રીતે હું (અમદાવાદ) મ્યુનિસિપાલિટીમાંથી છોડીને ચાલી ગયો હતો, તો આજે હું એની વધારે સેવા કરી શકું છું. હું છોડવાનો તો હતો જ. માત્ર ચંદુભાઈનો માર્ગ સરળ કરી એમને વધારેમાં વધારે સહકાર મળે એ જ હેતુથી કામ કરી રહ્યો હતો. પણ ગમે તે કારણથી એ અવળું સમજી બેઠા એનું પરિણામ આપણે જોયું છે. એ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો રહ્યો. ગાય જીવે અને રત્ન નીકળે
તેમ કરવું રહ્યું. એમાં મારી ભૂલ થતી હોય તો મને સાફ સાફ વાત કરતાં મુદ્દલ સંકોચ ન કરશો.”

પણ આ બધો વહેમ અને અવિશ્વાસ ઉપર ઉપરનો હતો. એમાં ઊંડે કશું નહોતું. સૌનાં દિલ સાફ હતાં. અંગ્રેજીમાં એક કહેવત છે તેમ ‘ચાના પ્યાલામાં તોફાન’ જેવું હતું. ’૩પનું આખું વરસ તથા ’૩૬ના વરસનો મોટો ભાગ આપણા રાજદ્વારી જીવનની દૃષ્ટિએ મંદીનો વખત હતો. તેમાં તેજી આવતાં અને સૌને પૂરતું કામ મળી રહેતાં બધા નાના નાના કજિયા શમી ગયા. પ્રાંતિક સમિતિનું પ્રમુખપદ સરદાર છોડી દે તો ગાડું ન ચાલે એમ તો એકેએક પહેલેથી માનતા હતા. છતાં નાની નાની વાતોમાં સરદારને કોચવવાનું કારણ ઉપસ્થિત થઈ જતું. વળી બહારનાં કામોનો બોજો પણ એમના ઉપર બહુ વધારે રહેતો. ગુજરાતમાં એમનું રહેવાનું ઓછું બનતું. આવાં આવાં કારણોથી ગુજરાત પ્રાંતિક સમિતિનું પ્રમુખપદ છોડી દેવાનું એમને મન થઈ આવેલું. પણ થોડી જ વારમાં બધું રાગે પડી ગયું અને તેઓએ પ્રમુખપદ ચાલુ રાખ્યું.

૧૯૩૪માં આપણા દેશમાં સમાજવાદી પક્ષની સ્થાપના થઈ. સ્વાભાવિક રીતે જ ગુજરાતમાં પણ જુવાન વર્ગ એ તરફ આકર્ષાયો. એ પક્ષની વિચારસરણી અને કાર્યપદ્ધતિ સાથે સરદાર કદી સંમત થઈ શક્યા નથી. ગુજરાતમાં એ પક્ષમાં જોડાનારામાં પોતાના જ કેટલાક જૂના સાથીઓ અને વિદ્યાપીઠના કેટલાક વિદ્યાર્થીઓ હતા. એમને યોગ્ય ચેતવણી આપવી જોઈએ એમ એમને લાગ્યું. એટલે તા. ર૫–૮–’૩૪ના રોજ એ પક્ષના તે વખતના ગુજરાતના આગેવાન ભાઈ રોહિત મહેતાને લાંબો કાગળ લખી પોતાનું વલણ બરાબર સમજાવ્યું.

“…તમે પંડિત જવાહરલાલની સલાહ કે સંમતિ વિશે જે લખો છો એ બાબતમાં હું કશું જાણતો નથી. જે રીતે સમાજવાદી પક્ષ કામ કરી રહેલ છે એ રીત જવોહુરલાલ પસંદ કરે એ હું બિલકુલ માનતો નથી. મારું માનવું એવું છે કે એ પક્ષ જવાહરલાલના નામનો દુરુપયોગ કરે છે. એ વાત મેં છુપાવી નથી. જાહેર રીતે સંભળાવેલી છે. શ્રી જયપ્રકાશ અને શ્રી મસાણીને પણ આ વાત જણાવેલી છે.

“હું માનું છું કે જવાહરલાલને જો આવો પક્ષ રચવો હોત તો એ કૉંગ્રેસના મંત્રીપદનું રાજીનામું આપત અને વર્કિંગ કમિટીમાંથી નીકળી જાત. જ્યાં સુધી એ હોદ્દો છોડે નહીં ત્યાં સુધી કૉંગ્રેસની ઑફિશિયલ પૉલિસીને જ ટેકો આપે એમ હું માનું છું.
“અમદાવાદ સિટી કૉંગ્રેસ કમિટીનો કબજો સોશયાલિસ્ટો લેવા ઈરાદો રાખે છે એવું મને કહેવામાં આવ્યું ત્યારે હું ચમકેલો ખરો. કારણ એનો અર્થ
એ જ થાય કે અમદાવાદ શહેર સમાજવાદી વિચારનું થયેલું હોવું જોઈએ. આવો મોટો ફેરફાર મારી અઢી વરસની ગેરહાજરીમાં થાય એ મને એક ચમત્કાર જેવું કે સ્વપ્ના જેવું લાગેલું. લોકો સમાજવાદી થઈ ગયા હોય તો મારે એ પ્રવાહમાં ગડમથલ કરવી જ નથી. પ્રામાણિક મતભેદ ન હોય એમ ન કહેવાય. પ્રામાણિક મતભેદને હું પસંદ કરું છું. પણ પાખંડનો હું કટ્ટર શત્રુ છું. એનો અર્થ એ નથી કે સમાજવાદી પક્ષમાં પાખંડ વધારે છે. દરેક પક્ષમાં પાખડી માણસો હોય છે. તેમાં પક્ષનો દોષ નથી હોતો. પણ પક્ષ બાંધનારા ખરાખોટાનો વિચાર ભૂલી જઈ પક્ષનું જ સમર્થન કરે છે એ અનુભવસિદ્ધ વાત છે.
“સમાજવાદીઓ સમાજવાદની વ્યાખ્યા વિષે એકમત નથી. જુદા જુદા માણસો જુદા જુદા અર્થ કરે છે. બ્રાહ્મણમાં ચોર્યાશી ન્યાતો છે, જ્યારે સમાજવાદી પંચાશી જાતના જણાય છે. એટલે એવા સમાજવાદ વિષે અભિપ્રાય આપવો કઠણ છે. મારે સમાજવાદીઓ સાથે કજિયામાં ઊતરવું નથી. ભવિષ્યમાં હિંદુસ્તાનનું રાજતંત્ર અને સમાજવ્યવસ્થા કેવી થવી જોઈએ એના કજિયામાં પડી આજના કામનો ધર્મ હું છોડવા ઇચ્છતો નથી. જો આજનો ધર્મ પાળીશું તો કાલનું કોકડું આપોઆપ ઊકલી જશે. પરંતુ આવતી કાલે જે કરવાનું છે તેનો નિર્ણય કરવામાં કજિયો કરી આજનો ધર્મ છોડી દઈશું તો કોઈ પક્ષનું કલ્યાણ થવાનું નથી.
“હું સમાજવાદી કે મૂડીવાદી કે કોઈ પણ વાદી સાથે કામ કરી શકું છું, માત્ર એક જ શરતે કે મને કોઈ વટાવી ન ખાય. મને કોઈ વટાવી ખાવા આવે અથવા મને એ ભય લાગે તો હું ત્યાંથી દુર ખસી જાઉંં. ગુજરાતમાં સમાજવાદી પક્ષમાં કોણ કોણ છે તે હું જાણતો નથી. કેટલાક માત્ર વાતોડિયાઓ છે, જેમને ચર્ચા કરવાનો ખૂબ શોખ છે. તેમની સાથે મારો મેળ કોઈ દિવસ ખાય તેમ નથી. ગુજરાત બહારના સમાજવાદીઓમાં કેટલાક તો ભારે ત્યાગી અને સેવાભાવી મિત્રો છે. એમને વિષે મને ઘણું માન છે. એટલે તમે સમજી શકશો કે મને સમાજવાદીઓની સૂગ નથી. પણ સમાજવાદીઓ કૉંગ્રેસમાં જે પ્રકારે કામ લઈ રહેલા છે તેની સામે મારો કડક વિરોધ છે. એ વાત મેં તેમનાથી છુપાવી નથી. ગુજરાતના સમાજવાદીઓ વિષે મેં કશો મત બાંધ્યો નથી, કારણ હજી હું એમને મળ્યો નથી, તેમ એમનું કામ મેં જોયું નથી. એટલે તમારે એ વિષે નિર્ભય રહેવાનું છે. ત્યાં આવીશ ત્યારે મને જે લાગશે તે કહેતાં કાંઈ સંકોચ નહી રાખું.”

ઉપરના બધા કાગળમાં સમાજવાદીઓ વિષે સરદારે જે વલણ બતાવ્યું છે. લગભગ તેવું જ વલણ તેમનું આખર સુધી હતું.

ગુજરાતમાં બધે ફરીને ખેડૂતોને મળવા સરદાર ખૂબ જ ઈન્તેજાર હતા. પણ ગુજરાતનો પ્રવાસ તેઓ છેક ’૩પના જાન્યુઆરીમાં કરી શક્યા. વલસાડથી શરૂ કરી લગભગ દસેક દિવસમાં ઉત્તર ગુજરાત સુધી બધે ફરી વળ્યા. વલસાડના ખેડૂતોની સભામાં તેમણે કહ્યું કે તમારાં વીતકો અને યાતનાઓની વાત રૂબરૂ સાંભળવાને, તમારાં દુઃખમાં મારી સહાનુભૂતિ દર્શાવવા, તેમ જ દિલાસો આપવા અને એ દૂર કરવા માટે મારાથી શું થઈ શકે એમ છે એ જોવાને હું આવ્યો છું. ત્રણ વરસ ઉપર એ જ જગ્યાએ તેમની સાથે થયેલી મુલાકાતનો લાગણીભર્યા શબ્દોમાં ઉલ્લેખ કરીને તેઓ બોલ્યા :

“હું તમને હમેશાં કહેતો હતો કે મારી સાથે પાનાં પાડવાં એ કંઈ ખાવાના ખેલ નથી. તમે જો મારી આગેવાની સ્વીકારો તો તમારે મહા કપરે રસ્તે ચાલવું પડશે. એ રસ્તે તમને મોકલતાં હું અચકાયો નથી. કેમ કે કષ્ટ સહન કરીને જ આપણે કાચમી શાંતિ અને આનંદ મેળવી શકીશું. બલિદાન અને આત્મશુદ્ધિ દ્વારા જ આપણામાં તાકાત આવે એવી મારી શ્રદ્ધા છે. પણ બહાદુર માણસનું સ્વેચ્છાપૂર્વક વેઠેલું કષ્ટ ફળ આપે છે, કાયર માણસનું પરાણે વેઠેલું કષ્ટ નહીં. એમ તો હિંદમાં કરોડો લોકો કષ્ટ સહન કરે છે અને અજ્ઞાનમાં મરણ પામે છે. પણ તેમના એ કષ્ટસહનથી નથી તેમનો એ બોજો હળવો થતો, કે નથી કોઈ બીજાનો. સાચું બલિદાન સ્વાર્થ માટે નહીં, પણ પરમાર્થ માટે હોય છે. એમાં કશો નફાતોટાનો હિસાબ નથી હોતો, તેમ કશા બદલાની આશા નથી હોતી. તેમાં કશી નાસીપાસી કે પસ્તાવાને સ્થાન નથી હતું. હવે તમારી જમીન તથા ઘરબારનો ભોગ આપ્યા ૫છી અંતરમાં તમે એની ઝંખના કર્યા કરશો તો તમારો આત્મભોગ નકામો બની જશે અને એની બધી શક્તિ નાશ પામશે. દુનિયા તમારી દયા ખાશે. પણ તમારા અંતરમાં ત્યાગની ભાવના પેદા થઈ હશે તો તમને થયેલું નુકસાન તમને નિરુત્સાહી કરવાને બદલે ઊંચા ચડાવશે.”

વલસાડથી બારડોલી ગયા. ત્યાં સ્ત્રીપુરુષોનાં ટોળેટોળાં એમનું સ્વાગત કરવાને ઊમટ્યાં અને પહેલાં જેવી મોટી સભાઓ થતી એવી જ મોટી સભા થઈ. લોકોને ઉદ્દેશીને તેમણે કહ્યું :

“જરાયે અતિશયોક્તિ વિના હું કહી શકું છું કે મારા કારાવાસ દરમ્યાન એવો એક પણ દિવસ નથી ગયો જ્યારે મેં તમને ન સંભાર્યા હોય અને તમારી યાતનાઓ અને હાડમારીઓનો વિચાર ન કર્યો હોય. મને કહેવામાં આવ્યું હતું કે તમને પડેલાં દુઃખને લીધે મારા ઉપર તમારી ઇતરાજી થઈ છે, અને મારું કહ્યું માનવા માટે તમને પસ્તાવો થાય છે. આ વાતો મેં કદી ખરી માની નથી. કોઈએ તમારી નાલેશી કરવા આવા ગપગોળા ચલાવ્યા હશે. હજારોની સંખ્યામાં તમને અહીં એકઠાં મળેલાં જોઈને, મારી એ શ્રદ્ધા વધુ દૃઢ થઈ છે કે, પણને શરીરથી, એકબીજાથી ભલે અળગા પાડવામાં આવે પણ જગતની કોઈ પણ સત્તા આપણાં હૃદયોને અળગાં કરી શકનાર નથી. આપણી વચ્ચે બંધાયેલી સ્નેહની ગાંઠ તોડવાની કોઈ સત્તામાં તાકાત નથી.”

બારડોલી તાલુકાના તથા ખેડા જિલ્લાના જે ગામના લોકોએ ઘરબાર અને જમીનો ગુમાવી હતી. તેમને સરદારે એ પાછી લાવી આપવાનાં વચન આ સભાઓમાં ન આપ્યાં. ઊલટું તેમણે તો જણાવ્યું કે,

“એ બધું ભૂલી જાઓ અને આપણે એક દિવસ સ્વતંત્ર થવાના જ છીએ એવી શ્રદ્ધા રાખો. એ વખતે તમે જે કંઈ ગુમાવ્યું હશે તે બારણાં ઠોકતું પાછું આવશે. આપભોગનો બદલો આપભોગ જ છે. બદલો અને વળતરની ગણતરીથી કરવામાં આવેલો આપભોગ એ આપભોગ નથી, પણ હલકા પ્રકારનો વેપારી સોદો છે.”

લોકોને તેમણે ઉદ્યોગ અને સ્વાશ્રયની વાત કરી અને કોઈની પણ આગળ યાચક બનીને હાથ લંબાવવાનું ખેડૂત ધિક્કારે એમ કહી તેમના સ્વમાનને અપીલ કરી.

આ બધાં ભાષણોમાં મૂળ વસ્તુની મજબૂત પકડ, ઈશ્વરની દયા ઉપર અડગ શ્રદ્ધા અને દુમન પ્રત્યે પણ ક્ષમાવૃત્તિ નીતરતાં હતાં. જેલમાં ગાંધીજીના લાંબા સહવાસમાં રહેવાથી તેમનામાં થયેલા ફેરફારની છાપ તેમનાં ભાષણોમાં ચોખ્ખી જણાઈ આવતી હતી. બધાં ભાષણોમાં તેઓ કહેતા કે,

“ભલે આ લડતમાં આપણને કશું ન મળ્યું હોય પણ આપણને આત્માની શક્તિનું ભાન થયું છે, એ કાંઈ ઓછું મળ્યું નથી.
“હું પોતે નાસીપાસી કે નિરાશા માટે કશું જ કારણ જોતો નથી. હિંસાની લડાઈઓમાં પણ સિપાઈઓને થાક તો લાગે છે. તેમ આપણે થાક્યા હોઈએ તોપણ હાર્યા નથી. હા, આપણને એટલી ખબર પડી ખરી કે આપણે જે મહાન ધ્યેય આપણી સામે રાખ્યું હતું તે સિદ્ધ કરવા માટે આપણી પાસે પૂરતી તાકાત નહોતી. પણ જ્યાં સુધી આપણા આદર્શોમાં આપણે શ્રદ્ધા ખોઈ બેઠા નથી, આપણા ધ્યેયને માટે આપણો આગ્રહ મોળો પડ્યો નથી ત્યાં સુધી આપણે હાર્યા નથી. સત્તાવાળાઓને પણ એટલી તો ખબર પડી છે કે હિંદુસ્તાનમાં હજારો માણસો એવા પડેલા છે કે જેમણે સર્વસ્વનો ત્યાગ કરી સ્વરાજપ્રાપ્તિને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું છે.”

થોડા જ વખત પહેલાં રાજકીય સુધારાને લગતો જૉઈન્ટ પાર્લામેન્ટરી કમિટીનો હેવાલ બહાર પડ્યો હતો તે વિશે તેમણે કહ્યું :

“એ ખોટા રૂપિયાને સરકાર બની શકે તે ધોકાબાજીથી અને જરૂર પડે તો બળજબરીથી દેશ ઉપર ઠોકી બેસાડવાને મથી રહી છે. કૉંગ્રેસે એની સાથે કશી નિસ્બત ન રાખવાનું નક્કી કર્યું છે. કારણ કે સત્તા છોડવાનો દેખાવ કરીને રૂપિયામાંથી પંદર આના જેટલી સત્તા સરકાર વિદેશીઓના હાથમાં રાખે છે અને બાકી રહેલા એક આના માટે જુદી જુદી કોમોને માંહોમાંહે લડાવી મારે છે. કૉંગ્રેસે કોમી પ્રતિનિધિત્વના સવાલને બાજુએ રાખીને એ ખોટા ઝઘડામાં સંડોવાવાનો ડહાપણપૂર્વક ઇન્કાર કર્યો છે. દેશમાં સંરક્ષણ અને નાણાવ્યવહાર ઉપર કાબૂ ન મળતો હોય, આપણા વેપાર રોજગાર અને ઉદ્યોગો વિકસાવવાની સ્વતંત્રતા ન મળતી હોય, સરકારી નોકરી ઉપર આપણો કશો કાબૂ ન રાખી શકતા હોઈએ તો એવા સ્વરાજનો કશો અર્થ નથી. જે સુધારા આપવાનું કહેવામાં આવે છે તેમાં આ બધી વસ્તુઓ બાદ રાખવાનો હેતુ દેખીતો છે.”

વ્યારા તાલુકામાં એક રાનીપરજ પરિષદ તે અરસામાં જ ભરાઈ હતી. વડોદરા રાજ્યમાં તે વખતે ગણોતનો કાયદો થયો હતો, તેમાં કેટલીક ત્રુટીઓ હતી. એ ત્રુટીઓ બતાવીને શાહુકારો અને ખેડૂતોનો પરસ્પર સંબંધ કેવો હોવો જોઈએ એ વિષે તેમણે જે કહ્યું તે આજે પણ ધ્યાનમાં રાખવા જેવું છે :

“શાહુકારોને કે મોટા ખેડૂતોને અન્યાય થાય નહી અને સાથે સાથે આપણા પોતાના હક જાય નહીં એ રીતે આપણે પ્રયત્ન કરીશું. આટલો વિશ્વાસ આપણે સૌને આપીએ છીએ કે ભલે ગમે તેવી દુર્દશામાં આવી પડેલા હોઈએ, ભલે અમારા ઉપર ગમે તેટલા જુલમો ગુજાર્યા હોય, છતાં અમે કોઈને અન્યાય કરવા ઇચ્છતા નથી, અને વેરવૃત્તિથી કામ લેવા માગતા નથી. પણ તેની સાથે એ પણ જાહેર કરીએ છીએ કે અમે અમારા હક ગુમાવવા ઇચ્છતા નથી. જો કોઈનો ઇરાદો અમારા ઉપર જ કાયમ માટે જીવવાનો હોય તો અમે કહીએ છીએ કે અમે એ સ્થિતિમાંથી નીકળી જવા માગીએ છીએ. જે માણસ બીજાને પોતા પર જીવવા દે છે તે માણસ નહીં પણ જાનવર છે. તેવી સ્થિતિમાંથી આપણે મુક્ત થવું છે. આપણું પોતાનું કલ્યાણ નથી રાજાના હાથમાં કે નથી શાહુકારના હાથમાં. આપણું કલ્યાણ આપણા પોતાના જ હાથમાં છે. તમે જો તમારી જમીનમાંથી જ તમારો ખોરાક પેદા કરી લો અને જિંદગીની બીજી જરૂરિયાતો પણ તમે જ ઉત્પન્ન કરી લો તો જગતમાં તમે સૌથી સુખી થઈ શકો છો. ગાંધીજીએ તમને સંદેશો મોકલ્યો છે તેમાં તેઓ કહે છે કે શહેરો ઉપર ગામડાંનો આધાર નથી પણ ગામડાં ઉપર જ શહેરોનો આધાર છે. તે જ પ્રમાણે શાહુકારો ઉપર તમારો આધાર નથી પણ તમારા ઉપર શાહુકારોનો આધાર છે.”

હવે તે વખતની રાજકીય પરિસ્થિતિનું આપણે જરા વિહંગાવલોકન કરી લઈએ. કૉંગ્રેસે સવિનય ભંગની લડત પાછી ખેંચી લીધી પણ તેથી તો સરકારને પોતાનું દમન ચાલુ રાખવામાં ઉત્તેજન મળ્યું. લડતની મોકૂફીને સરકાર શંકાની જ નજરે જોતી હતી. અને કૉંગ્રેસને તે પોતાની દુશ્મન દેખતી હતી. જૉઈન્ટ પાર્લમેન્ટરી કમિટીના રિપોર્ટને માત્ર કૉંગ્રેસે જ નહીં પણ આખા દેશે વખોડી કાઢ્યો તેથી સરકાર વધારે ચિડાઈ. શાંતિપૂર્વક કાયદા મુજબ કામ કરતા કૉંગ્રેસીઓને પોલીસની પજવણી ચાલુ રહી. પરદેશીઓના કાયદા નીચે ગુજરાતમાં વરસોથી કામ કરી રહેલા કેટલાયે કાર્યકર્તાઓને કાઠિયાવાડમાં મૂકી દઈ બ્રિટિશ હદમાં આવવાની મનાઈ કરવામાં આવી. આમાં ગુજરાત પ્રાંતિક સમિતિના મંત્રી શ્રી મણિલાલ કોઠારી મૃખ્ય હતા. તેમને પોતાની તબિયત બતાવવા અમદાવાદ આવવું હતું તે આવવાની પરવાનગી પણ ન મળી. ઈન્ડિયન સિલિયેશન ગ્રૂપના એક મિ. કાર્લ હીથે ગાંધીજી ઉપર કાગળ લખેલો કે હવે હિંદુસ્તાનમાં દમન બિલકુલ રહ્યું નથી, તેના જવાબમાં ’૩૪ના ડિસેમ્બરમાં ગાંધીજીએ લખેલું, તે ધ્યાન ખેંચે એવું છે :

“હું તમને એટલું જ કહીશ કે કોઈ પણ માણસ ખુલ્લી આંખે જોઈ શકે એવું દમન અત્યારે ચાલી રહ્યું છે. ખાસ પસાર કરવામાં આવેલા જુલમી કાયદાઓમાંથી એક પણ પાછો ખેંચી લેવામાં આવ્યો નથી. છાપાંઓને મોઢે જબરદસ્ત ડૂચો મરાયેલો છે. છાપાંઓને લગતા કાયદાઓનો અમલ કેવી રીતે કરવામાં આવ્યો છે તેનું એક નિવેદન તા. ૪થી સપ્ટેમ્બર ૧૯૩૪ના રોજ વડી ધારાસભામાં સરકાર તરફથી રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે, ‘૧૯૩૦ થી માંડીને અત્યાર સુધીમાં ૫૦૪ છાપાં પાસે જામીનગીરીઓ માગવામાં આવેલી તેમાંથી જામીનગીરીઓ ન ભરી શકવાને કારણે ૩૫૦ છાપાઓને બંધ થવાની ફરજ પડી અને ૧૬૦ છાપાંઓએ કુલ અઢી લાખ રૂપિયા જેટલી જામીનગીરી આપી.’ બંગાળમાં તેમ જ સરહદ પ્રાંતમાં કોઈ છૂટથી હરીફરી શકતું નથી.”*[૧]
“તમે લાઠીના હુમલાનું અને જેલની ગિરફ્તારીઓનું ન સાંભળતા હો તો એનું કારણ એટલું જ છે કે સવિનય ભંગની લડત મોકૂફ રાખવામાં આવી છે અને કૉંગ્રેસ પોતાથી થઈ શકે તેટલા પ્રમાણમાં દમનકારી કાયદાઓની બરદાસ્ત કરી રહી છે. આ બધાને માથે પાર્લમેન્ટરી કમિટીની નવા બંધારણની દરખાસ્ત આવી છે એ વાંચીને મને એમ થયું છે કે તેમાં સ્વતંત્રતાનો છડેચોક ઇન્કાર છે. અમારા વિકાસ માટે તેમાં કશો અવકાશ જ નથી. એ બંધારણથી અમારા ઉપર જે કચડી નાખનારો બોજો પડે છે અને બ્રિટિશ સત્તાની પકડ મજબૂત થાય છે તે કરતાં તો હું અત્યારની છે તેવી બંધારણીય સ્થિતિ પસંદ કરું.”

આ વરસમાં જ્યૉર્જ બાદશાહના રાજ્યનો રજત મહોત્સવ આવતો હતો અને તે બહુ ઠાઠથી ઊજવવાનું સરકારે નક્કી કર્યું હતું. કૉંગ્રેસને જ્યૉર્જ બાદશાહનો કશો અંગત વિરોધ ન હતો. પણ તેના રાજ્યમાં જે વખતે હિંદી પ્રજા ઉપર આટલો જુલમ ચાલી રહ્યો હતો તે વખતે કૉંગ્રેસીઓ અથવા તો બીજા પ્રજાજનો આ ઉત્સવમાં ભાગ લે એ કૉંગ્રેસને અનુચિત લાગતું હતું. એટલે કૉંગ્રેસની કારોબારીએ દેશને સલાહ આપી કે અત્યારની પરિસ્થિતિ જોતાં કોઈએ ઉત્સવમાં ભાગ લેવો નહીં, તેમ જ તેને અંગે થનારા સમારંભમાં હાજરી આપવી નહીં. તેની સાથે એ પણ સૂચના આપી કે આપણે બાદશાહનું અપમાન કરવું નથી, માટે લોકોએ સમારંભમાં ગેરહાજર રહેવા ઉપરાંત બીજી કશી વિરોધી ચળવળ કે વિરોધી દેખાવો કરવા નહીં.

આ વરસનું એક બીજું મહત્ત્વનું કાર્ય એ ગણાય કે બ્રિટિશ પ્રધાનના કોમી ચુકાદાએ જુદી જુદી કોમો વચ્ચે ઝેરવેરનાં બીજ રોપ્યાં હતાં તે નાબૂદ કરી કોમી એખલાસ સ્થાપવા માટે જનાબ ઝીણા સાથે રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રબાબુએ લાંબી વાટાઘાટો કરી. તા. ૨૩–૧–’૩પ થી તા. ૧–૩–’૩૫ સુધી લગભગ સવા મહિનો આ વાટાઘાટો ચાલી પણ તેમાંથી કશું ફળ આવ્યું નહીં. એટલે દેશમાં નિરાશાની લાગણી વ્યાપી.

૧૯૩૪ના જાન્યુઆરીમાં બિહારમાં ધરતીકંપ થયો હતો ત્યાર પછી લગભગ સોળ મહિને એટલે ૧૯૩૫ના મેની ૩૧મી તારીખે ક્વેટામાં ભયંકર ધરતીકંપ થયો. બિહારમાં પીડિત લોકોને રાહત આપવા માટે કૉંગ્રેસે જે કામ કર્યું હતું તેની લોકો ઉપર સારી અસર પડી હતી. પણ સરકારને તો લોકો આગળ કૉંગ્રેસનું નામ આવવા દેવું નહોતું એટલે કે એ લશ્કરી મથક છે અને સોલ્જરોની મદદથી રાહતનું કામ થઈ રહ્યું છે એવું બહાનું બતાવી કોઈ પણ કૉંગ્રેસીને ત્યાં રાહત માટે જવા દેવામાં આવ્યા નહીં. રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ જેમને બિહાર ધરતીકંપના રાહતકામનો તાજો જ અનુભવ હતો તેમણે તથા ગાંધીજીએ ત્યાં જવાની માગણી કરી. તેમને પણ જવાની પરવાનગી આપવામાં આવી નહીં. કૉંગ્રેસ તરફથી ક્વેટાની રાહત માટે બહુ મોટું ફંડ કરવામાં આવ્યું હતું, પણ ત્યાંથી જે કુટુંબ પાયમાલ થવાથી સિંધ, સરહદ પ્રાંત અથવા તો પંજાબમાં આવ્યાં હતાં તેમને રાહત આપવાના કામમાં જ એ ફંડનો ઉપયોગ કરી શકાયો. ધરતીકંપમાં જે લોકો મરી ગયા હતા અને જે લોકોને ખુવાર થવાથી અહીં આવતા રહેવું પડ્યું હતું તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અને ઈશ્વરને પ્રાર્થના કરવા તા. ૩૦મી જૂનનો દિવસ આખા હિંદુસ્તાનમાં 'ક્વેટાદિન' તરીકે ઊજવાયો.

આવી પરિસ્થિતિમાં હિંદુસ્તાનના રાજ્યબંધારણમાં સુધારો કરતો કાયદો બ્રિટિશ પાર્લમેન્ટમાં ગવર્નમેન્ટ ઑફ ઈન્ડિયા એક્ટ તરીકે પસાર થયો. અને ૧૯૩પના જુલાઈની ૨જી તારીખે તેના ઉપર બાદશાહની મહોર લાગી. આ કાયદો પસાર કરાવવામાં સર સેમ્યુઅલ હોરે બહુ આગળપડતો ભાગ લીધો હતો. ચર્ચિલે તેનો એ રીતે વિરોધ કર્યો હતો કે આ કાયદો પસાર કરીને તો બ્રિટિશ પ્રજા શરણાગતિ સ્વીકારે છે. આમ બ્રિટિશ પાર્લમેન્ટમાં આ કાયદા ઉપર સામસામે ભારે તકરાર ચાલેલી. એક પક્ષને લાગતું હતું કે આંપણે આપવું જોઈ એ તે કરતાં બહુ વધારે આપીએ છીએ, ત્યારે બીજા પક્ષને લાગતું હતું કે હિંદુસ્તાનની પ્રજાને રીઝવવા ખાતર, આપીએ છીએ તે કરતાં વધુ આપવાની જરૂર છે. આ બીજો પક્ષ હિંદુસ્તાનના નેતાઓને કહેતો હતો કે અમે અમારા જ પક્ષના માણસો સાથે આટલું આટલું લડીને હિંદુસ્તાનના રાજબંધારણમાં બને તેટલું વધારે આપવા માટે લોહીનું પાણી કરીએ છીએ પણ કૉંગ્રેસ જ્યારે આ સુધારાને ફેંકી દેવાની વાત કરે છે ત્યારે અમારી શી સ્થિતિ ? કૉંગ્રેસનું એમ કહેવું હતું કે આ બંધારણમાં જે સલામતીઓ રાખવામાં આવી છે અને ગવર્નર જનરલને તથા પ્રાંતના ગવર્નરોને જે સત્તાઓ આપવામાં આવી છે તેથી તો આ સુધારા એક મોટા ફારસ જેવા બની જાય છે. સર સેમ્યુઅલ હોરનું કહેવું એમ હતું કે અમારે ત્યાં રાજા પાસે આવી ખાસ સત્તાઓ બંધારણની રૂએ હોય છે પણ તે તેનો ઉપયોગ નથી કરતો, તેમ તમે પણ સુધારાનો અમલ સીધી રીતે અને વિવેકપૂર્વક કરશો અને સ્વરાજ્ય ચલાવવાની લાયકાત સિદ્ધ કરી બતાવશો તો ખાસ સત્તાઓ અને સલામતીની શરતોને ઉપયોગ કરવામાં નહીં આવે. પણ હિંદી રાજદ્વારી પુરુષોનો અનુભવ જુદો જ હતો. ઈંગ્લંડમાં તો પોતાના લોકોનું રાજ્ય હતું જ્યારે અહીંં પરદેશી રાજ્ય હતું. મૉન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારામાં જે ખાસ સત્તાઓ સરકાર પાસે હતી તેનો ઉપયોગ નાની નાની બાબતમાં પણ સરકારે સારી પેઠે કર્યો હતો. *[૨] એટલે આ ખાસ સત્તાઓ બ્રિટિશ રાજાની ખાસ સત્તાઓ જેવી છે એમ કોઈ પણ રીતે માની શકાય એમ નહોતું. અત્યાર સુધી બનતું આવ્યું હતું કે એક તરફથી દમન અને બીજી તરફથી રાજકીય સુધારા તેના જેવું જ આ વખતે પણ હતું, એટલે આ સુધારાથી દેશમાં જરાયે ઉત્સાહ પ્રગટ્યો નહીં.

આ વરસમાં કૉંગ્રેસને પચાસ વરસ પૂરાં થતાં હતાં, એટલે કૉંગ્રેસની કારોબારી સમિતિએ નક્કી કર્યું કે કૉંગ્રેસની સુવર્ણ જયંતી મુંબઈમાં જ્યાં કૉંગ્રેસનું પહેલું અધિવેશન થયું હતું ત્યાં બહુ શાનદાર રીતે ઊજવવી. કૉંગ્રેસના ઇતિહાસનું એક મોટું પુસ્તક તૈયાર કરાવવું, તથા રાષ્ટ્રીય પ્રશ્નો ઉપર નાની નાની પુસ્તિકાઓ તૈયાર કરાવી બહાર પાડીને તેને કૉંગ્રેસના કામ વિષે કેળવણી આપવી એમ પણ નક્કી કરવામાં આવ્યું. એ કામો બહુ સફળ રીતે પાર પાડવામાં આવ્યાં.

આ વરસના બીજા કેટલાક પ્રસંગોની નોંધ કરી આ પ્રકરણ પૂરું કરીશું. મે મહિનામાં ગુજરાતના એક બહુ જૂના કાર્યકર્તા શ્રી મોહનલાલ પંડ્યા ગુજરી ગયા. સરદારે પોતાનું રાજકીય જીવન શરૂ કર્યું તેની પહેલાં તેઓ રાજદ્વારી કામમાં પડેલા હતા, અને ગાંધીજી ગુજરાતમાં આવીને વસ્યા ત્યારથી તેમની દોરવણી નીચે કામ કરતા હતા. સરદાર સાથે તેમનો જૂનો પરિચય હતો, એટલે તેમના જવાથી સરદારને ભારે આઘાત લાગ્યો. તેમના અવસાન વિષે ગાંધીજીને કાગળ લખતાં તેમણે લખેલું કે, પંડ્યાના જવાથી મારી તો પાંખ કપાઈ ગઈ છે.

’૩પનું આખું વરસ સરદાર બહુ બીમાર રહ્યા. તેમને નાકની બીમારીને કારણે અને તેનું ઑપરેશન કરવાની જરૂર હોવાથી છોડી મૂકવામાં આવ્યા હતા. બહાર આવ્યા પછી કામની ભીંસને લીધે ઑપરેશન કરાવવાનું બની શક્યું નહીં. સાધારણ ઉપચારથી એમણે ચલાવ્યું રાખ્યું. ’૩પના જૂનમાં તેમને બહુ સખત કમળો થયો અને તેને લીધે ઘણી અશક્તિ આવી ગઈ. આ કમળાની બીમારી લગભગ એક મહિનો ચાલી, પણ ભાગ્યે જ ચાર પાંચ દિવસ કામ વિનાના કે મુસાફરી વિનાના ગયા હશે. વળી નવેમ્બરમાં તેમને હરસની પીડા થઈ આવી અને તેનું ઑપરેશન કરાવવું પડ્યું. તેમાં લગભગ પંદર દિવસ ઇસ્પિતાલમાં રહ્યા.

એક વખત વડી સરકારના ગૃહમંત્રી સર હેન્રી ક્રેકે શ્રી ઘનશ્યામદાસ બિરલા સાથે વાત કરતાં સરદાર વિષે વાત કાઢી. તે ઉપરથી શ્રી બિરલાએ ગૃહમંત્રીની અને સરદારની મુલાકાત કરાવવા બંનેને તા. ૬–૨–’૩૫ના રોજ પોતાને ત્યાં ચા માટે બોલાવ્યા. હોમ મેમ્બરે અંગ્રેજ લોકોની સાચી દાનત વિશે અને નવા સુધારામાં તેઓ હિંદુસ્તાનને ખરેખર જવાબદાર તંત્ર આપવા માગે છે એ વિષે વાત કરી. સરદારે જણાવ્યું કે અંગ્રેજોની એવી શુભ દાનતનાં અમને તો કશાં ચિહ્ન જણાતાં નથી. હજી તો અમારા બધા આશ્રમો અને વિદ્યાલયો સરકારને કબજે પડ્યાં છે. તેનાં મકાનોની કશી સંભાળ લેવાતી નથી, એટલું જ નહીં પણ તે બગાડવામાં આવે છે. કેટલાયે માણસો જેમની બ્રિટિશ હિંદમાં મિલકત હોવા છતાં જે તેઓ દેશી રાજ્યમાં મિલકત ધરાવતા હોય તો તેમને દેશી રાજ્યોમાં હદપાર કરવામાં આવે છે અને બ્રિટિશ હદમાં આવવા દેવામાં આવતા નથી. એમની પોતાની પ્રાંતિક સમિતિના મંત્રી શ્રી મણિલાલ કોઠારી અને ગાંધીજીના સાબરમતી આશ્રમના મંત્રી શ્રી છગનલાલ જોષીના દાખલા તેમણે આપ્યા. અબદુલ ગફારખાનને તાજેતરમાં જ બહુ બેહૂદી રીતે સજા કરવામાં આવી હતી તેનું પણ વર્ણન કર્યું. આ નવા સુધારા કરતાં તો ભલે જૂનું બંધારણ ચાલુ રહે એમ પણ જણાવ્યું. હોમ મેમ્બરે કહ્યું કે આ બધું તમે લખીને આપો. તે ઉપરથી તેને બીજે દિવસે સરદારે ટૂંકી નોંધ લખીને મોકલી.

વાઈસરૉય લૉર્ડ વિલિંગ્ડન તો ગાંધીજીને કે બીજા કોઈ કૉંગ્રેસી આગેવાનને મળવા ઇચ્છતા જ ન હતા. તેમ છતાં મુંબઈના ગવર્નર સર રૉજર લમલીએ બહાર કોઈ જ ન જાણે એમ તદ્દન ખાનગી રીતે સરદારની મુલાકાત તા. ૨૦–૮–’૩૫ના રોજ લીધી એ એક મહત્ત્વની બીના ગણાય. એ મુલાકાતમાં બીજી તો ઘણી વાતો થઈ હશે પણ એ વાત ખાસ તરી આવે છે. સર રૉજરે કહ્યું કે નવા સુધારાના અમલમાં આ પ્રાંતના મુખ્ય પ્રધાન તમે થવાના છો એ વિશે મને શંકા નથી. તેના જવાબમાં સરદારે કહેલું કે હું તમને લખી આપું છું કે હું મુખ્ય પ્રધાન થવાનો નથી. ખેડૂતોની જપ્ત કરીને વેચી દીધેલી જમીન વિષે સરદાર મુલાકાતમાં વાત ન કરે એમ તો બને જ નહીં. ગવર્નરે બહુ જ ભારપૂર્વક કહેલું કે એ જમીન પાછી મેળવવાની આશા તમારે હવે રાખવી જ નહીં, તેના જવાબમાં સરદારે કહેલું કે હું તમને લખી આપું છું કે અમારા ખેડૂતોની જમીન એમનાં બારણાં ઠોકતી પાછી આવ્યા વિના રહેવાની નથી.

’૩પના નવેમ્બરમાં ભરૂચ મુકામે ત્રીજી સ્થાનિક સ્વરાજ પરિષદ ભરાઈ. સરદાર તેના પ્રમુખ હતા. ૧૯૨૭માં સુરતમાં પહેલી સ્થાનિક સ્વરાજ પરિષદ ભરાઈ ત્યારે આવી પરિષદોની ઉપયોગિતા વિષે તેમણે અશ્રદ્ધા પ્રદર્શિત કરી હતી. આ પરિષદમાં પણ તેમણે જણાવ્યું કે,

“સ્થાનિક સ્વરાજ ખાતાના પ્રધાન ઇલાકાની પરિષદના કાયમના પ્રમુખ હોવા છતાં તેમને જ આધીન વિષયોને લગતા એક પણ ઠરાવને અમલ કરાવવા જેટલી અસર સરકાર ઉપર ન પાડી શકાય, તો આવી પરિષદો ભરવાથી શો લાભ થાય એ આપણે વિચારવા જેવું છે.

“મૉન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાના અમલ પછી આપણા ઇલાકામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની પ્રગતિ અટકી પડી છે અને એ સંસ્થાઓનો વિકાસ થવાને બદલે દિવસે દિવસે એનો શ્વાસ રૂંધાતો જાય છે. આ ખાતું લોકનિયુક્ત પ્રધાનને સુપરત કરવામાં આવ્યું ત્યારથી જ એને ગ્રહણ લાગુ પડ્યું છે અને ત્યારથી જ એનું તેજ દિવસે દિવસે ક્ષીણ થતું ચાલ્યું છે. એ સંસ્થાઓની જવાબદારીમાંથી સરકાર મુક્ત થયેલી હોવાથી સ્થાનિક અમલદારો એના કામમાં સહાયભૂત થવાનું છોડી દઈ અનેક સ્થળે વિઘ્નરૂપ થતા માલૂમ પડ્યા છે. અનેક વરસોથી આ સંસ્થાઓને મળતી આર્થિક મદદ બંધ કરવામાં આવી છે. તેની ઊપજનાં વાજબી સાધનો ઉપર આક્રમણ કરવામાં આવ્યું છે અને જે કર નાખવાની રજા એને મળવી જોઈએ તે રજા આપવાની સરકારે ના પાડ્યા પછી તેવા કર પોતે જ નાખી પોતાની ઊપજમાં વધારો કર્યો છે.”

ત્યાર પછી અનેક દાખલાદલીલો આપી સરકારની નીતિ કેટલી અન્યાયી હતી અને સરકારે લાજમર્યાદા છોડીને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને પજવવા માંડી હતી એ સચોટ રીતે પુરવાર કરી કહ્યું :

“સરકારની નીતિનું આ પ્રમાણે પૃથક્કરણ કરવામાં મને આનંદ નથી થતો. હું અત્યારે અંતર્દષ્ટિ કરવામાં અને આપણા પોતાને જ પ્રેમ વિચારવામાં માનું છું. પરંતુ તમે મને આ પરિષદનું પ્રમુખસ્થાન આપ્યું અને જો હું આ બધા વિષયો ઉપર મૌન સેવું તો એ સંસ્થાઓને અને તેમાં નિઃસ્વાર્થ સેવા કરનાર અનેક લોકસેવકોને અન્યાય કર્યો ગણાય. તેથી આ બધી વસ્તુઓનો ઉલ્લેખ નાછૂટકે મારે કરવો પડ્યો છે.”

ઉપસંહાર કરતાં કહ્યું :

“અનેક મુશ્કેલીઓ વચ્ચે કામ કરવાનું હોવાથી નાસીપાસ થવાને બદલે આપણી પોતાની નબળાઈઓ દૂર કરી, આત્મવિશ્વાસ કેળવી, સ્વાશ્રયી થવાના મજબૂત પ્રયત્નો કરવા એ જ આપણે માટે ઉત્તમ માર્ગ છે. સરકારની સહાયની આશા રાખવી ફોગટ છે. તેનું પોતાનું તંત્ર ચલાવવા તેની પાસે નાણાં નથી, હવે વળી નવા સુધારાના નામે એ તંત્ર વધુ મોંઘું થવાનું છે તેને અંગે થતું વધારાનું ભારે ખર્ચ પ્રજાને જ ઉપાડવાનું છે. સરકારના ઉડાઉ કારભાર ઉપર અંકુશ મૂકવાની આપણી પાસે સત્તા નથી. એટલે જે નબળાંપાતળાં સાધનો આપણી પાસે હોય તેનો બને તેટલો સદુપયોગ કરી પ્રજાને વધારેમાં વધારે ફાયદો આપવાનો પ્રયત્ન કરવો જોઈએ.
“આપણો માર્ગ કઠણ છે. એક બાજુ સરકારની સહાનુભૂતિ નથી. નિર્બળ પ્રધાનના રાજ્યમાં આ સંસ્થાઓનો કોઈ ધણીધોરી નથી. નાનામોટા અમલદારો એના તંત્રમાં આડખીલીરૂપ થઈ પડે છે. જ્યારે બીજી બાજુ પ્રજા સદીઓથી અજ્ઞાન અને આળસમાં પડેલી છે. ગામડાંની પ્રજા શૌચાદિ ક્રિયામાં પણ લગભગ પશુદશા ભોગવે છે, ત્યાં આરોગ્યના નિયમોનું પાલન કરાવવું કેટલું બધું કઠણ છે? આપણી આ પરિસ્થિતિમાં ગાંધીજી અને તેમના સાથીઓ બીજાં કામ છોડી વર્ધાની પાસે આવેલા એક ગામમાં આજે કેટલાયે મહિનાથી ત્યાંના અજ્ઞાન અને જડ જેવા વતનીઓને તેમનાં મળમૂત્ર ઉઠાવી શૌચાદિ નિયમોનું પાલન અને આ મળમૂત્રનો સદુપયોગ કરવાનું કઠણ કામ શીખવી રહ્યા છે. નાનીમોટી ગામડાંની સાધનહીન સંસ્થાઓ માટે આ એક અમૂલ્ય દૃષ્ટાંત છે. મ્યુનિસિપાલિટી અને લોકલ બોર્ડના સભાસદોની જગ્યાએ માનમરતબાની કે સ્વાર્થ સાધવાની ઉમેદથી જવું એ પાપ છે. સેવાધર્મનું એ સ્થાન છે. ગરીબ અને અજ્ઞાન કર ભરનારાઓના નાણાંના વહીવટના ટ્રસ્ટી બની બેસવું એ ભારે જવાબદારીભર્યું કામ છે. એ જવાબદારી અદા કરવાની બુદ્ધિ અને શક્તિ પ્રભુ તમને આપો.”

  1. * તા. ર૩મી જુલાઈ ૧૯૩૪ને દિવસે હિંદુસ્તાન સરકારના ગૃહસચિવ સર હેરી હેગે વડી ધારાસભામાં જણાવ્યું હતું કે, જેલી અને અટકાયતી છાવણીઓ (ડિટેન્યુ કૅમ્પ)માં મળીને બિનસજાવાળા અટકાયતી કેદીઓની સંખ્યા કુલ ૨૧૦૦ હતી. તા. ૧૭–૧૨–’૩૪ના રોજ કલકત્તાની હાઈકોર્ટે પરવાના વિના શસ્ત્રો રાખવાના ગુના માટે એક જણને નવ વરસની સખત કેદની સજા કરી હતી. આરોપીની પાસેથી એક રિવૉલ્વર અને છ કારતૂસો મળી આવ્યાં હતાં.
  2. * ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ પસાર થયા પછી પણ પ્રજાની સ્વતંત્રતાનું દમન કરનાર અનેક કાયદાની મુદ્દત ફરી લંબાવવામાં આવી હતી. એમાંના મુખ્ય ‘ક્રિમિનલ લૉ ઍમેન્ડમેન્ટ ઍક્ટ’ જે આખા હિંદુસ્તાનને લાગુ પાડવામાં આવ્યો હતો તે વડી ધારાસભાએ ૧૯૩૫માં નામંજૂર કર્યો, પણ ગવર્નર જનરલે પ્રમાણપત્ર આપીને તે ચાલુ રાખ્યો. ઘણા પ્રાંતોએ પણ આવા કાયદાઓ ઘડ્યા હતા.