સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૧
← પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન | સરદાર વલ્લભભાઈ ભાગ બીજો દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૧ નરહરિ પરીખ |
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨ → |
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો – ૧
૧૯૩૦થી ૧૯૩૪ સુધી જે સ્વતંત્રતાની લડત ચાલી એ લડતમાં દેશી રાજ્યની પ્રજાએ ખાસ કરીને ત્યાંના યુવાન વર્ગે બહુ સારો ભાગ લીધો હતો. જેલોમાં એમને કહેવાતા બ્રિટિશ હિંદના આગેવાનો, કાર્યકર્તાઓ તથા યુવાવર્ગ સાથે સારી રીતે સંસર્ગમાં આવવાનું થયું. તેઓ સમાજવાદી વિચારના યુવાનો સાથે પણ ઠીક ઠીક સંપર્કમાં આવ્યા. જેલોમાં સમાજવાદી સાહિત્યના તેમ જ ગાંધી સાહિત્યનો ખૂબ અભ્યાસ થયો. આ બધાંને પરિણામે એમને દેશી રાજ્યોમાં ચાલતી રાજાઓની જોહુકમી, જે પહેલાં પણ કઠતી તો હતી જ, તે વધુ કઠવા લાગી. દેશી રાજાઓનું શાસન, જે મધ્યયુગની ઠકરાત પદ્ધતિના અવશેષ રૂપ હતું તે કેમ કરીને જલદીમાં જલદી ફગાવી દેવાય, એનાં સ્વપ્નાં તેઓ સેવવા લાગ્યા.
કૉંગ્રેસે પહેલેથી જ ગાંધીજીની સલાહથી દેશી રજવાડાંઓની બાબતમાં હસ્તક્ષેપ ન કરવાની નીતિ રાખી હતી. ગાંધીજીનો જન્મ કાઠિયાવાડના દેશી રાજ્યમાં થયેલ હોઈ અને બાળપણ તેમ જ વિદ્યાભ્યાસનો કેટલોક કાળ ત્યાં વ્યતીત થયેલો હોઈ કાઠિયાવાડનાં રાજ્યોની પરિસ્થિતિથી તેઓ સારી પેઠે પરિચિત હતા. તેમનું માનવું એવું હતું કે, જ્યાં સુધી દેશી રાજ્યોની પ્રજામાં બરાબર સંપ ન થાય અને પોતાના પગ ઉપર ઊભા રહેવાની શક્તિ ન આવે ત્યાં સુધી ત્યાં રાજદ્વારી ચળવળ ઉપાડવાથી ત્યાંની પ્રજા વધારે મુશ્કેલીમાં મુકાશે. દેશી રાજાઓમાં પોતાની શક્તિ તો કશી નથી, તેઓ જે કંઈ જોર બતાવવાનો દેખાવ કરે છે તેનો બધો આધાર બ્રિટિશ સંગીન (બૅયોનેટ) ઉપર છે. દેશી રાજ્યની પ્રજા પોતાના રાજાઓની સામે લડત ઉપાડશે તો એ પ્રજાને કચડી નાખવામાં બ્રિટિશ સરકાર પૂરેપૂરી મદદ કરશે અને જોર જુલમ કર્યાની બદનામીનો બધો ટોપલો દેશી રાજાઓને માથે ઓઢાડશે. તેથી ઊલટું આપણે બ્રિટિશ સરકારની સામે લડત ચલાવીને તેની સત્તા તોડી પાડીશું તો એ સત્તાનો આધાર ખસી જતાં, દેશી રાજાઓની સત્તા આપોઆપ તૂટી પડશે. આ તેમની વિચારસરણી હતી. તેથી ૧૯ર૯ની નાગપુર કૉંગ્રેસમાં જ્યારે ગાંધીજીએ કૉંગ્રેસનું બંધારણ ઘડ્યું ત્યારે દેશી રાજ્યોની હદમાં કૉંગ્રેસ સમિતિઓ રચવાને બદલે પડોશના બ્રિટિશ મુલકની કૉંગ્રેસ સમિતિઓમાં દેશી રાજ્યની પ્રજાએ દાખલ થવું એવી ગોઠવણ રાખવામાં આવી. દેશી રાજ્યમાં કૉંગ્રેસ કમિટીઓ સ્થાપવાનું ગાંધીજીને સલાહભરેલું લાગતું ન હતું, કારણ કોઈ રજવાડું પોતાને ત્યાં કૉંગ્રેસ કમિટી સ્થાપવા ન દે અથવા સ્થપાઈ હોય તેનો વિરોધ કરે તો કૉંગ્રેસે પોતાની આબરૂની ખાતર એની સામે થવું પડે. અને કૉંગ્રેસને રજવાડાં સાથે આવા ઝઘડામાં ઉતારવાનું તેમને યોગ્ય લાગતું નહોતું. પણ બ્રિટિશ સરકારના તાબાનો મુલક અને દેશી રજવાડાના તાબાનો મુલક એકબીજા સાથે એટલો ગૂંથાયેલો હતો, અને બંને હદમાં રહેતી પ્રજા તો એક જ હતી, કે એ બેની વચ્ચે ભેદ પાડવો બહુ મુશ્કેલ હતો. રાજ્યતંત્ર ભલે જુદાં પણ પ્રજા વચ્ચે તો કશો જ ભેદ ન હતો. ૧૯૩૪ પછી દેશી રાજ્યની પ્રજામાં વિશેષ જાગૃતિ આવી ત્યારે એ લોકોએ કૉંગ્રેસ પાસે એવી માગણી કરવા માંડી કે, હવે કૉંગ્રેસે પોતાની નીતિ બદલવી જોઈએ અને બ્રિટિશ હિંદની માફક રજવાડાંઓમાં પણ સ્વતંત્રતાની લડત ચલાવવી જોઈએ. દેશી રાજ્યની પ્રજાની આ માગણી સ્વીકારવાનું કૉંગ્રેસને પોતાના ગજા ઉપરવટને લાગતું હતું. જોકે, દેશી રાજ્યની પ્રજાને મદદ કરવા પોતાથી થાય એટલું કરવા તે બરાબર તૈયાર હતી. તેને પરિણામે હરિપુરા કૉંગ્રેસમાં દેશી રાજ્યો પ્રત્યે કૉંગ્રેસની નીતિનો જે ઠરાવ થયો તે આપણે જોઈ ગયા છીએ.
વળી સને ૧૯૩પનો હિંદના રાજ્યબંધારણનો કાયદો બ્રિટિશ પાર્લમેન્ટે પસાર કર્યો તેમાં પ્રાંતોને ધણી બાબતમાં આંતરિક સ્વરાજ આપ્યું હતું પણ મધ્યવર્તી તંત્ર, બ્રિટિશ પ્રાંતો તથા દેશી રાજ્યોના સમૂહતંત્રના સ્વરૂપનું રચવાનું હતું. એ બંધારણ અનુસાર દિલ્હીની જે વડી ધારાસભા બનવાની હતી તેમાં બે ભાગ બ્રિટિશ હિંદના પ્રતિનિધિઓનો અને એક ભાગ દેશી રાજ્યોના પ્રતિનિધિઓને રાખવાનો હતો. બ્રિટિશ હિંંદના પ્રતિનિધિઓ પ્રજાના ચૂંટેલા હોય અને દેશી રાજ્યના પ્રતિનિધિઓ રાજાઓના નીમેલા હોય એવી વ્યવસ્થા તેમાં હતી. આ એક ભારે વિસંગતતા હતી અને તે દેશી રાજ્યોની પ્રજાને બહુ જ ખૂંચતી હતી. તેમને એમ લાગતું હતું કે જો અમારે ત્યાં જવાબદાર રાજ્યતંત્ર સ્થપાય તો જ અમે અમારા પ્રતિનિધિઓ વડી ધારાસભામાં મોકલી શકીએ. બ્રિટિશ સરકાર રાજાઓને પોતાની પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર આપતાં કાયદેસર તો રોકી શકે એમ નહોતું. પણ તેમ થાય તે એ ઈચ્છતી નહોતી. તે તો પોતાના રેસિડેન્ટો મારરત દેશી રાજાઓને પૂરેપૂરા પાતાના કાબૂમાં રાખવા ઈચ્છતી હતી, અને દેશી રાજાઓના પ્રતિનિધિ તરીકે રેસિડેન્ટોને પસંદ પડે એવા જ માણસોને વડી ધારાસભામાં લાવવા ઈચ્છતી હતી. આ સભ્યો અને ચૂંટાયેલા સભ્યોમાંથી કેટલાક પ્રગતિવિરોધી વૃત્તિવાળા હોય તો, એમ મળીને રાષ્ટ્રવાદીઓની વિરુદ્ધ એક પક્ષ ઊભો કરવાનો તેને ઇરાદો હતો. કૉંગ્રેસનો આ જાતની વ્યવસ્થા સામે ભારે વિરોધ હતો. તેથી હરિપુરા કૉંગ્રેસમાં સંમૂહતંત્ર (ફેડરેશન)ની બાબતમાં તેણે પોતાની નીતિની સ્પષ્ટતા કરતો ઠરાવ કર્યો. તેમાં મુખ્ય વાત એ હતી કે,
- “કૉંગ્રેસે તો નવા બંધારણનો ઇન્કાર કર્યો છે અને જાહેર કર્યું છે કે અમારા લોકોને તો એવું જ બંધારણ માન્ય છે કે જે પૂર્ણ સ્વતંત્રતાના સિદ્ધાંત ઉપર રચાયેલું હોય અને પરદેશી સત્તાની દખલગીરી વિના લોકોએ પોતે પોતાની વિધાનસભા ( કૉન્સ્ટિટ્યુઅન્ટ ઍસેમ્બ્લી) મારફત બનાવેલું હોય.”
સમૂહ તંત્ર વિષે એ જ ઠરાવમાં હરિપુરા કૉંગ્રેસે જાહેર કર્યું હતું કે,
- “કૉંગ્રેસ સમૂહ તંત્રના વિચારની વિરુદ્ધ નથી, પણ ખરું સમૂહતંત્ર તો લગભગ એકસરખી સ્વતંત્રતા ભોગવતાં અને લોકતંત્રની પદ્ધતિએ ચૂંટાયેલા સભ્યો દ્વારા પ્રતિનિધિત્વ ધરાવતાં ઘટકોનું હોઈ શકે. દેશી રાજ્યો જો સમૂહતંત્રમાં ભળવા માગતા હોય તો એમણે જવાબદાર રાજ્યતંત્ર, નાગરિક હક્કો તથા ધારાસભામાં પ્રતિનિધિ મોકલવાની પદ્ધતિ, એ બધી બાબતોમાં બ્રિટિશ હિંદના પ્રાંતોની હરોળમાં આવવું જોઈએ. અત્યારે એવું સમૂહતંત્ર કલ્પાયેલું છે તે તો હિંદુસ્તાનમાં એકતા સ્થાપવાને બદલે, ભાગલા પાડવાની વૃત્તિને ઉત્તેજન આપશે અને દેશી રાજ્યોમાં અંદરના તેમ જ બહારના બખેડા ઊભા કરશે.”
આ સમૂહતંત્રને કારણે દેશી રાજ્યના કાર્યકર્તાઓ બહુ સચિંત રહેતા. પોતાને ત્યાં જવાબદાર રાજ્યતંત્ર બને તેટલું વહેલું સ્થપાય તે માટે તેઓ લડત ચલાવવા ઉત્સુક હતા અને એમાં તેઓ કૉંગ્રેસની મદદ ચાહતા. પણ કૉંગ્રેસે પોતાની મર્યાદા વિચારીને તથા મુખ્યત્વે તો દેશી રાજ્યની પ્રજાએ પોતે જ સંગઠિત થવું જોઈએ અને પોતાના બળ ઉપર ઝૂઝવું જોઈએ એ વિચારથી હરિપુરા કૉંગ્રેસમાં ઉપર કહ્યા પ્રમાણેનો ઠરાવ કર્યો.
સરદાર દેશી રાજ્યોમાંની, ખાસ કરીને ગુજરાતનાં દેશી રાજ્યોમાંની પરિસ્થિતિ અને તેની પ્રજાની તાકાતથી સારી પેઠે વાકેફ હતા. દેશી રાજ્યો સાથે તેની પ્રજાની લડતમાં કૉંગ્રેસને સંસ્થા તરીકે ન સંડોવવી એવો તેમનો ખાસ આગ્રહ હતો. એ હરિપુરા કૉંગ્રેસના દેશી રાજ્યો વિષેના ઠરાવ ઉપરના તેમના ભાષણમાં આપણે જોઈ ગયા છીએ. છતાં દેશી રાજ્યની પ્રજાને કોઈ ચોક્કસ મુદ્દા ઉપરની લડતોમાં દોરી તેમની શક્તિ વધારવામાં વ્યકિતગત રીતે મદદ તેમણે જ વધારેમાં વધારે કરી છે. તેમનું એવું માનવું હતું કે અમારે રાજા જ ન જોઈએ એવી આખરી લડત ઉપાડવાની દેશી રાજ્યની પ્રજામાં હજી શક્તિ આવી નથી. પણ અમુક આર્થિક દુઃખો દૂર કરાવવાના અથવા રાજકીય છૂટો મેળવવાના મર્યાદિત મુદ્દા ઉપર પ્રજા લડત ઉપાડે તો એવી લડતથી પ્રજામાં જાગૃતિ આવે. પ્રજા સંગઠિત થાય અને તેની લડવાની શક્તિ પણ કેળવાય. વળી એવી લડતમાં જીત મળે એટલે પ્રજાનો ઉત્સાહ પણ વધે. આમ ક્રમે ક્રમે પ્રજાની શક્તિ વધે તેમ રાજાના છત્ર નીચે જવાબદાર રાજ્યતંત્ર સુધી તે જવા માગતા હતા.
દેશી રાજ્યની પ્રજાના ગરમ અને ઉતાવળિયા વિચારના કાર્યકર્તાઓને ગાંધીજીની સલાહથી અને સરદારની આ નીતિથી પૂરો સંતોષ ન હતો. પણ જેઓ ઠરેલ વિચારના હતા અને ધીમે ધીમે પણ મક્કમ પગલે આગળ વધવામાં માનતા હતા, તેમને આ નીતિ જ અખત્યાર કરવા જેવી લાગી. એટલે હરિપુરા કૉંગ્રેસના ઠરાવ પછી ઘણાંખરાં દેશી રાજ્યોમાં રાજાના છત્ર નીચે પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનું ધ્યેય રાખીને પ્રજામંડળો અથવા સ્ટેટ કૉંગ્રેસો સ્થાપવામાં આવી. આ સંસ્થાઓમાં પેલા ઉદ્દામ વિચારવાળા વર્ગને લીધે કોઈ કોઈ વાર આંતરિક ઘર્ષણો થતાં, છતાં એકંદરે ગાંધીજી અને સરદારની દોરવણી નીચે આ સંસ્થાઓનું કામ ઠીક આગળ ચાલ્યું.
૧૯૩૮ તથા ૧૯૩૯માં વર્ષો દેશી રાજ્યોના ઇતિહાસમાં ભારે મહત્ત્વનાં ગણાશે. આ અરસામાં ઉત્તરમાં કાશ્મીરથી માંડીને દક્ષિણમાં ત્રાવણકોર, સુધીનાં અને પૂર્વમાં ઓરિસાથી માંડી પશ્ચિમમાં કાઠિયાવાડ સુધીનાં અનેક દેશી રાજ્યોની પ્રજામાં અપૂર્વ જાગૃતિ આવી અને નાનામોટા મુદા ઉપર તેમણે પોતાના રાજાઓ સાથે બહાદુરીપૂર્વક લડતો ઉપાડી. ઉત્તરમાં કાશ્મીર તથા નાભા રાજ્યમાં તથા રાજસ્થાનમાં અલવર, ઉદેપુર તથા જયપુર રાજ્યોમાં પ્રજાએ સારી લડત આપી. જયપુરમાં તો આગેવાન કૉંગ્રેસી નેતા શેઠ જમનાલાલ બજાજ ત્યાના પ્રજામંડળના પ્રમુખ હતા. ત્યાંનો દીવાન એક અંગ્રેજ હતો. પ્રજાના હકો વિષે અને જવાબદાર રાજ્યતંત્ર વિષે પોતાના રાજ્યમાં જરા પણ ચળવળ ચાલે એ તે ઈચ્છતો ન હતો. એટલે જયપુર રાજ્યમાં જ્યાં તેમનું વતન હતું ત્યાં પ્રવેશ કરવાની તેણે જમનાલાલજીને મના કરી. જમનાલાલજીએ એ હુકમનો ભંગ કર્યો અને રાજ્યે તેમને જેલમાં બેસાડ્યા. ઓરિસાના ધેનકલાલ, તલચેર અને રણુપુર રાજ્યોમાં રાજ્યના અમાનુષી જુલમો સામે પ્રજાએ માથું ઊંચક્યું. તલચેરની ૭૫,૦૦૦ની વસ્તીમાંથી ર૬,૦૦૦ માણસોએ હિજરત કરી રાજ્યનો ત્યાગ કર્યો. ઓરિસા બહુ નાનો અને ટૂંકી આવકવાળો પ્રાંત છે. તેના ઉપર આ હિજરતીઓને આશ્રય આપવાનો બોજો આવી પડ્યો. વળી રણપુર રાજ્યની હદમાં એ રાજ્યોના ગોરા પાલિટિકલ એજંટનું ખૂન થયું. બસ, એક ગોરાનું લોહી રેડાય એટલે તો બ્રિટિશ સલ્તનત જાણે ત્યાં તૂટી પડે. એટલે આ રાજ્યની પ્રજા ઉપર બેસુમાર સિતમ વર્ત્યો. દક્ષિણમાં હૈદરાબાદ, મૈસુર અને ત્રાવણકોર રાજ્યોમાં સ્ટેટ કૉંગ્રેસો સ્થપાઈ અને તેમણે જવાબદાર રાજ્યતંત્રો માટે જોરદાર લડત આપી. ગુજરાત અને કાઠિયાવાડમાં નાનાંમોટાં ઘણાં રાજ્યોમાં પ્રજામંડળો સ્થપાયાં અને તેમણે રાજ્યોનો મજબૂત વિરોધ કરવા માંડ્યો. દખણમાં ઔંધના રાજ્યે પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર આપવાની પહેલ કરી, રાજ્યમાં ઘણા સુધારા કર્યા અને રાજકુટુંબે પ્રજાની ઉન્નતિનાં કામોમાં આગળપડતો ભાગ લેવા માંડ્યો.
દેશી રાજ્યોમાં આવેલી આ જાગૃતિને કારણે અને ત્યાંની પ્રજાએ બતાવેલા અપૂર્વ ઉત્સાહ અને વીરતાને કારણે સરદાર તથા ગાંધીજીને દેશી રાજ્યોની પ્રજાઓ વિષેનો પોતાનો અભિપ્રાય બદલવો પડ્યો અને તેમના પ્રત્યેની કૉંગ્રેસની નીતિમાં ફેરફાર કરવાની તેમણે સલાહ આપી. કૉંગ્રેસે હવે તટસ્થ ન રહેતાં દેશી રાજાઓ સામેની લડતોમાં ત્યાંની પ્રજાને સાથ આપવો જોઈએ એમ તેમણે કહ્યું. તે વખતે જે જે પ્રાંતમાં કૉંગ્રેસનાં પ્રધાનમંડળ હતાં તેઓ પણ પોતાના પ્રાંતમાંનાં દેશી રાજ્યોમાં ચાલતા જુલમને શાંતિથી જોયા કરી શકે નહીં એવો તેમણે અભિપ્રાય આપ્યો. ભલે કાયદાની દૃષ્ટિએ દેશી રાજ્યની હદ અલગ ગણાતી હોય, પણ કુદરતી અને ભૌગોલિક રીતે તો દેશી રાજ્યો પ્રાંતો સાથે જોડાયેલાં જ હતાં. વળી દેશી રાજ્યોના રાજકારણમાં કૉંગ્રેસે ન પડવાનો ઠરાવ કર્યો હતો એ કાંઈ તેને માટે સિદ્ધાંતની વસ્તુ નહોતી. દેશી રાજ્યોની પરિસ્થિતિનો અને પોતાની તાકાતનો વિચાર કરીને તેણે પોતાને માટે એ નીતિ ઠરાવી હતી. સિદ્ધાંત સદાકાળને માટે અટળ હોય પણ નીતિમાં સંજોગ અનુસાર ફેરફાર થઈ શકે અને ડાહ્યા માણસે એવા ફેરફાર કરવા જ જોઈએ.
ગાંધીજીએ તા. ૨૫-૧-’૩૯ના રોજ ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના પ્રતિનિધિને તેના સવાલના જવાબમાં આ વસ્તુ નીચે પ્રમાણે સમજાવી હતી :
- “દેશી રાજ્યોની બાબતમાં વચ્ચે નહી પડવાની કૉંગ્રેસની નીતિમાં, જ્યારે ત્યાંના લોકો જાગ્રત થયેલા નહોતા ત્યારે, સંપૂર્ણ રાજદ્વારી ડહાપણ રહેલું હતું. પણ હવે જ્યારે ત્યાંના લોકોમાં ચોમેર જાગૃતિ આવી ગઈ છે અને એ લોકો પોતાના વાજબી હક્કો માટે ગમે તેટલાં કષ્ટો આવી પડે તે સહન કરવાને માટે તૈયાર થયેલા છે, તે વખતે એ નીતિને વળગી રહેવામાં ભીરુતા છે. આ વસ્તુ તમે સ્વીકારો તો આઝાદીની લડત ગમે ત્યાં ઉઠાવવામાં આવે એની સાથે આખા હિંદને નિસ્બત છે જ. જ્યાં જ્યાં કૉંગ્રેસને લાગે કે તેના વચ્ચે પડવાથી પ્રજાને લાભ થાય એમ છે ત્યાં ત્યાં કૉંગ્રેસે વચ્ચે પડવું જ જોઈએ.”
એકાદ રજવાડાના પ્રશ્નને ખાતર કૉંગ્રેસે અગર તો જાદા જુદા પ્રાંતનાં કૉંગ્રેસી પ્રધાનમંડળોએ સરકાર સાથે ઘર્ષણમાં આવવું કેટલે સુધી વાજબી લેખાય એ પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ કહ્યું :
- “ધારો કે બ્રિટિશ હિંદના એકાદ જિલ્લાનો કલેક્ટર ત્યાંના લોકોને રેંસી નાખતો હોય તો તેમાં કૉંગ્રેસ વચ્ચે પડે અને તેને દેશવ્યાપી પ્રશ્ન બનાવે એ વાજબી લેખાય કે નહીં ? આનો જવાબ જો હા હોય તો જયપુર રાજ્યમાં કૉંગ્રેસની દરમ્યાનગીરીનો વિચાર કરવામાં એ જ ન્યાય લાગુ પડે છે. જો કૉંગ્રેસે દેશી રાજ્યમાં વચ્ચે ન પડવાનો ઠરાવ કરેલો ન હોત તો તો આ પ્રશ્ન ઊઠત જ નહીંં. બંધારણની દૃષ્ટિએ દેશી રાજ્યો એ પરદેશી મુલકો જેવાં છે એવું કહેવા માટે ઉતાવળિયો લોકોએ ઘણી વાર મારો દોષ કાઢ્યો છે. પણ હું એ દોષ મુદ્દલ સ્વીકારતો નથી. હું તો દેશી રાજ્યોમાં પણ ભ્રમણ કરનારો રહ્યો, એટલે એ લોકોની તૈયારી કેટલી છે તે જાણતો હતો. પણ હવે એ લોકો તૈયાર થઈ ગયા છે એટલે કાયદાની, બંધારણની, અને બીજી એવી કૃત્રિમ મર્યાદાઓનો લોપ થાય છે. બંધારણ, કાયદો અને એવી બીજી વસ્તુઓ પોતપોતાની હદમાં ઠીક છે. પણ એક વાર એ કૃત્રિમ બંધનો તોડી વછોડીને માણસનું મન ઊંચે ઊડવા માંડે છે કે તરત જ એ વસ્તુ માનવી પ્રગતિને રૂંધનારી થઈ પડે છે. આજે હું એ પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. કોઈની પણ પ્રેરણા વિના હું જોઈ રહ્યો છું કે આજે જે રીતે કૉંગ્રેસે દરમ્યાનગીરી કરવા માંડી તેવી દરમ્યાનગીરી કરવાનો તેનો ધર્મ થઈ પડ્યો છે. અને કૉંગ્રેસ જે જાતની નૈતિક શક્તિ આજે ધરાવે છે તે ધરાવવાનું તે ચાલુ રાખશે એટલે કે અહિંસાની પોતાની નીતિને તે વળગી રહેશે તો દેશી રાજ્યોમાં વચ્ચે પડવાની તેની શક્તિ ક્રમે ક્રમે વધશે.
- “લોકો કહે છે કે મારા વિચારો બદલાચા છે, આજે હું જે કહું છું તે કેટલાંક વર્ષ પહેલાં કહેતો તે કરતાં જુદું જ છે. ખરી વસ્તુ એ છે કે પરિસ્થિતિ બદલાઈ છે. હું તો એનો એ જ છું. મારાં વચનો તથા મારાં કૃત્યો વર્તમાન પરિસ્થિતિને અનુસરનારાં હોય છે. રફતે રફતે પરિસ્થિતિમાં ફેરફાર થયો છે અને સત્યાગ્રહી તરીકે તેની અસર મારી ઉપર પડી.”
આ સલાહને અનુસરી ત્રિપુરીની કૉંગ્રેસે ૧૯૩૮ના માર્ચમાં ઠરાવ કરીને દેશી રાજ્યો વિષેની પોતાની નીતિમાં ફેરફાર કર્યો. પોતાના ઠરાવમાં તેણે કહ્યું :
- “કૉંગ્રેસનો એ અભિપ્રાય છે કે હરિપુરાના અધિવેશનમાં દેશી રાજ્યો વિષે પસાર થયેલા ઠરાવમાં જે અપેક્ષા રાખવામાં આવી હતી તે ફળીભૂત થઈ છે. દેશી રાજ્યની પ્રજાઓને પોતાનું સંગઠન કરવાનું તેમ જ સ્વતંત્રતાની લડત ચલાવવાનું ઉત્તેજન આપીને એ ઠરાવે પોતાનું વાજબીપણું પુરવાર કર્યું છે. હરિપુરાની નીતિ, એ પ્રજાના હિતનો વિચાર કરીને તથા તેમનામાં સ્વાશ્રય અને શક્તિ વધે એ હેતુથી ઘડવામાં આવી હતી. સંજોગો ઓળખીને અને એ સંજોગોમાં જે મર્યાદાઓ સ્વાભાવિક રીતે રહેલી હતી તેનો સ્વીકાર કરીને એ નીતિ ઘડાઈ હતી. એ નીતિ એક સિદ્ધાંતરૂપ અથવા ધર્મરૂપ છે એ ખ્યાલ હતો જ નહીં. દેશી રાજ્યોની પ્રજાને માર્ગદર્શન આપવાનો તથા પોતાની પ્રતિષ્ઠાનો લાભ આપવાનો કૉંગ્રેસને હક્ક છે એટલું જ નહીં પણ એ તેનો ધર્મ છે. પણ સ્વેચ્છાએ તેણે પોતાની ઉપર અમુક મર્યાદાઓ મૂકી હતી. હવે દેશી રાજ્યની પ્રજામાં જે ભારે જાગૃતિ આવી છે તે જોતાં એ મર્યાદાઓ પૂરેપૂરી દૂર કરવાનો વખત આવી લાગ્યો છે. એને પરિણામે કૉંગ્રેસ દેશી રાજ્યની પ્રજા સાથે સતત વધતું જતું તાદાત્મ્ય સાધે એ જરૂરનું છે.
- “કૉંગ્રેસ ફરી વાર જાહેર કરે છે કે પૂર્ણ સ્વરાજ્યનું તેનું ધ્યેય સમસ્ત હિંદુસ્તાનને માટે છે એટલે કે દેશી રાજ્યોનો તેમાં સમાવેશ થઈ જાય છે. એ રાજ્યો હિંદુસ્તાનનાં અવિભાજ્ય અને અળગાં ન પાડી શકાય એવાં અંગો છે અને હિંદુસ્તાનના બાકીના ભાગ જેટલી જ રાજકીય, સામાજિક અને આર્થિક સ્વતંત્રતા એમને પણ મળવી જોઈએ.”
જુદાં જુદાં દેશી રાજ્યોમાં સને ૧૯૩૮–૩૯નાં વર્ષોમાં ચાલેલી પ્રજાકીય લડતનો ઇતિહાસ બહુ રસપ્રદ છે. સરદાર એ બધી લડતોમાં બહુ રસ લેતા અને તેની ઝીણામાં ઝીણી વિગતોથી માહિતગાર રહેતા. પણ આ પુસ્તકમાં આપણે તો જે લડતોમાં તેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ લીધો છે તેની જ વિગતો આપીશું. શરૂઆત મૈસુરથી કરીશું.
મૈસૂરનું દેશી રાજ્ય આપણા દેશનાં મોટાં રાજ્યમાંનું એક હતું. એ રાજ્યમાં કેળવણીનું પ્રમાણ ઘણું સારું હતું. અને ત્યાંના લોકો પણ ઉત્સાહી હતા. ત્યાંની સ્ટેટ કૉંગ્રેસનું આખું બંધારણ રાષ્ટ્રીય કૉંગ્રેસના જેવું જ તેમણે રાખ્યું હતું. સને ૧૯૩૮ના જાન્યુઆરીની ૨૬ મી તારીખે આખા રાજ્યમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવાનો સ્ટેટ કૉંગ્રેસે ઠરાવ કર્યો. સ્થળે સ્થળે રાષ્ટ્રીય કૉંગ્રેસના વાવટા ફરકાવી ધ્વજવંદનનો કાર્યક્રમ તેમણે ૨ાખ્યો. રાજ્યે આની સામે દમનનાં પગલાં લેવા માંડ્યાં. એને અંગે સ્ટેટ કૉંગ્રેસને રાજ્ય સાથે નાના નાના ઝઘડા થવા માંડ્યા. તેમાંથી એપ્રિલ માસમાં ત્યાં એક એવો કરુણ હત્યાકાંડ બની ગયો, જેણે આખા હિંદુસ્તાનનું ધ્યાન ખેંચ્યું. બૅંગલોરથી લગભગ પચાસ માઈલ દૂર વિદુરાશ્વત્થમ નામનું એક નાનું ગામડું છે. ત્યાં એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં મોટી જાત્રા ભરાય છે અને દરરોજ લગભગ વીસેક હજાર માણસ એકઠું થાય છે. સરકારને એમ લાગ્યું હશે કે એ જાત્રામાં સ્ટેટ કૉંગ્રેસવાળાઓ આવીને ભાષણો કરશે તથા રાષ્ટ્ર ધ્વજ સાથે સરઘસો કાઢશે એટલે પહેલેથી જ ત્યાંના જિલ્લા મૅજિસ્ટ્રેટે એ વિસ્તારમાં રાષ્ટ્રધ્વજ ચડાવવાની, સભાઓ કરવાની, તથા ભાષણો કરવાની બંધી કરનારો હુકમ કાઢ્યો હતો. એ હુકમને પડકાર આપવા માટે તા. રપમી એપ્રિલના રોજ સ્ટેટ કૉંગ્રેસના કેટલાક માણસો પાસેના ગામમાંથી મોટું સરઘસ કાઢીને વિદુરાશ્વત્થમ ગયા અને ત્યાં સભા કરી જેમાં દસથી પંદર હજાર માણસ હાજર હતાં. મૅજિસ્ટ્રેટ ત્યાં જઈ પહોંચ્યા. સભા ગેર - કાયદે હોવાનું જાહેર કરી જેમના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો તેવા ચાર માણસની તેમણે ધરપકડ કરી, અને સભાને વીખરાઈ જવાનો હુકમ કર્યો. મૅજિસ્ટ્રેટની સંમતિથી જ સ્ટેટ કૉંગ્રેસના એક આગેવાને સભાને સુચના કરી કે આપણો હેતુ પાર પડ્યો છે. માટે તમે બધાં વીખરાઈ જાઓ. તે ઉપરથી જેઓ સરઘસમાં આવ્યા હતા તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. જેઓ જાત્રા માટે આવેલા હતા તેઓ તાપ ખૂબ હોવાથી અને બીજી કોઈ છાંયાવાળી જગ્યા નહીં હોવાથી એ સભાસ્થળ પાસેના આંબાવાડિયામાં બેસી ગયા. મૅજિસ્ટ્રેટે એ બધાં માણસોને પણ પાંચ મિનિટમાં ત્યાંથી વીખરાઈ જવાનો હુકમ કર્યો. લોકોએ ઘણું કહ્યું કે, અમે તો જાત્રા માટે આવેલા છીએ અને બીજે કોઈ જગ્યાએ છાંયો નથી તેથી અહીં બેઠાં છીએ. સાંજ પડ્યે અહીંથી જતાં રહીશું. પણ મૅજિસ્ટ્રેટને લાગ્યું કે આ લોકોને આમ બેસી રહેવા દેવાથી આપણા હુકમનો અમલ થયો ગણાશે નહીં. એટલે બધાંને એકદમ વીખરાઈ જવાનો આગ્રહ કર્યો. અને પાંચ જ મિનિટ રાહ જોઈ એમના ઉપર લાઠીચાર્જ કર્યો. મૈસૂર સરકાર તરફથી આ બાબતમાં બહાર પડેલા નિવેદન પ્રમાણે લોકો સામા થયા અને પોલીસને ઘેરી લઈ તેમના ઉપર પથરા મારવા માંડ્યા, જેને પરિણામે કેટલાક પોલીસને ઈજા થઈ એટલે પોલીસને આત્મરક્ષણ માટે ગોળીબાર કરવો પડ્યો. નજરે જોનાર માણસો તરફથી બીજે જ દિવસે છાપામાં બહાર પડેલાં નિવેદનો પ્રમાણે લાઠીચાર્જ પછી થોડી જ વારમાં પોલીસે ગોળીબાર કર્યો. મૈસુર સરકારના કહેવા પ્રમાણે એ ગોળીબારમાં દસ માણસો મરાયા અને ચાળીસ ઘાયલ થયા. જ્યારે પ્રજાપક્ષનાં નિવેદને પ્રમાણે ઓછામાં ઓછાં બત્રીસ માણસ મરાયાં અને અડતાળીસ ગંભીર રીતે ઘાયલ થયાં. ત્યાં આ આંબાવાડિયા સિવાય છાંયાવાળી જગ્યા બીજી કોઈ હતી જ નહીં, એટલે ગોળીબાર વખતે નાસભાગમાં ઘણા લોકો તો પાસેની નદીના પટની ગરમ રેતીમાં જઈ પડ્યા. મડદાં અને ઘાયલ થયેલા લોકો તથા એમનાં સગાંવહાલાં રડતાં કકળતાં એ નદીના પટમાં જ ઘણા વખત સુધી પડ્યાં રહ્યાં. મૈસૂર સરકાર તરફથી ગમે તેવો બચાવ કરવામાં આવે તો પણ આ હત્યાકાંડ એટલો ત્રાસજનક હતો કે આખો દેશ ખળભળી ઊઠ્યો. મૈસૂર સરકારે ત્રણ જજોની એક તપાસ સમિતિ મારફતે આ ઘટનાની તપાસ કરવાનું જાહેર કર્યું. ગાંધીજીએ તા. ર૯મી એપ્રિલે ઘટના વિષે એક નિવેદન બહાર પાડયું. તેમાંનો મહત્ત્વનો ભાગ નીચે આપ્યો છે :
“ મૈસૂર સરકારે બહાર પાડેલું નિવેદન મેં વાંચ્યું છે. એ મને ગળે ઊતર્યું નથી. મૈસૂરના લોકસેવકો તરફથી અનેક દર્દભર્યા પત્રો અને તારો મારી પાસે આવ્યા છે. તેમાંથી એકબે વાતો તો નિર્વિવાદ જણાય છે. હથિયાર વગરનાં ટોળાં ઉપર ગોળીબાર કરવામાં આવ્યો અને પરિણામે કેટલાંક મરણ પામ્યાં અને અનેક ધાયલ થયાં. જો કે લોકો તરફથી મને જે માહિતી મળી છે, તે તો મૈસૂર સરકારના નિવેદનથી તદ્દન ઊલટી છે. છતાં માનો કે લોકો ઉશ્કેરાયેલા હતા, તોપણ ગોળીબાર કરવો જરૂરી હતો એમ હરગિજ કહી શકાય એમ નથી. મૈસૂર સરકારને એ સૂચના કરવાની છે કે તેઓ ભલેને ગમે તેટલી નિષ્પક્ષ પણ કેવળ તપાસ સમિતિ નીમીને સંતોષ ન માને. મૈસૂરમાં રાષ્ટ્રીય વાવટા વિષે જે આંદોલન ચાલે છે તે તો સમયના પ્રતીકરૂપ છે. એ બાબતમાં પ્રજાની માગણીને તેણે માન આપવું જ જોઈએ.
“ મૈસૂરમાં સાચે જ આટલી ભારે લોકજાગૃતિ આવેલી છે એ હું જાણતો ન હતો એમ મારે કબૂલ કરવું જોઈએ. તેથી મને હર્ષ થાય છે અને એવી જ રીતે મૈસુર સરકારને પણ થતો હશે એવી હું આશા રાખું છું. તેના ઉપાય તરીકે મહારાજા અને તેમના દીવાન સર મિરઝાં ઇસ્માઈલને મારી સૂચના છે કે તેમણે એકહથ્થુ રાજતંત્રની પદ્ધતિ દુર કરી રાજ્યનાં સંચાલનની જવાબદારી લોકપ્રતિનિધિઓને સોંપવી. જો મૈસૂરમાં શાન્તિ સ્થાપવી હોય તો એ જવાબદારી જેટલી બને તેટલી વિશાળ હોવી જોઈએ. એમ કહેવામાં આવે છે કે રાજ્ય પછાત હોવાથી જવાબદારી ધીરે ધીરે સોપવામાં આવશે. હું એ માન્યતા ધરાવતો નથી. ધીરે ધીરેની વાત કરવામાં રાજ્યની શોભા નથી. મૈસુર પાસે તો કેટલીચ કુદરતી બક્ષિસો હોઈ બ્રિટિશ હિંદ કરતાં ત્યાં ઘણી વધારે પ્રગતિ થઈ શકે એમ છે.”
આ નિવેદન બહાર પાડ્યા પછી ગાંધીએ સરદારને અને કૉંગ્રેસના પ્રધાન મંત્રી શ્રી કૃપાલાનીજીને આ ઘટનાની જાતે તપાસ કરવા તથા મહારાજા, દીવાન તેમ સ્ટેટ કૉંગ્રેસના આગેવાનોને મળી લોકોને ન્યાય અપાવવા જે કાંઈ થઈ શકે તે કરવા મૈસૂર મોકલ્યા.
દરમ્યાન સરદારના સાંભળવામાં આવ્યું કે ગાંધીજી પોતે આ લડત ચલાવવા મૈસૂર જવાના છે. એવી અફવા છાપાંઓએ ચલાવી છે. એટલે તેમણે તા. ૩૦મી એપ્રિલે નીચેનું નિવેદન બહાર પાડ્યું :
“ આજ સવારના છાપામાં ગાંધીજીનું કહેવામાં આવતું એક નિવેદન મેં જોયું. તેમાં એવું જણાવ્યું છે કે તેઓ હિંદુસ્તાનમાં જ્યાં હશે ત્યાંથી આ લડતની
- નેતાગીરી પોતે લેશે, એમ ગાંધીજીએ કહ્યું છે. ગાંધીજીને મૈસુરના શ્રી ભૂપાલમ ચંદ્રશેખર શેઠી સાથે વાત થઈ છે. તેની આ વિકૃતિ છે. એ વાત વખતે હું હાજર હતો. ગાંધીજીએ શ્રી ચંદ્રશેખર શેઠીને એટલું જ કહ્યું છે કે મૈસૂરમાં જે બને તેથી મને માહિતગાર રાખશો. જેથી હું જ્યાં હોઉં ત્યાંથી મૈસૂરના લોકોને સલાહ અને દોરવણી આપી શકું. આ વાતને તેઓ તે લડતની નેતાગીરી લેવાના છે, એમ શી રીતે કહી શકાય, એ મારી સમજમાં આવતું નથી.”
સરદાર તથા શ્રી કૃપાલાનીજી તા. ૬ઠ્ઠી મે એ બૅંગલોર પહોંચ્યા. મૈસૂરના મહારાજાને, દીવાન સર મિરઝાં ઇસ્માઈલને તથા સ્ટેટ કૉંગ્રેસના નેતાઓને મળ્યા. સર મિરઝાં ઈસ્માઈલ બહુ ઉદાર ગૃહસ્થ છે. તેમની સાથે થયેલી મસલતના પરિણામે બહુ સારી રીતે સમાધાન થઈ ગયું. તા. ૧૭મી મેના રોજ રાજ્યે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું કે,
"થોડા વખતથી રાજ્યમાં જે ગેરસમજ પેદા થઈ છે, અને જેને લીધે રાજ્યની બંધારણ પુર:સરની પ્રવૃતિને માટે આવશ્યક એવા રાજા પ્રજાના સહકારમાં અંતરાય આવી પડ્યો છે, તેને સારુ સરકાર અને મહારાજાને બહુ અફસોસ થાય છે. મહારાજા અને તેમની સરકારને સૌથી વધારે દિલગીરી તો વિદુરાશ્વત્થમમાં બની ગયેલા કરુણ બનાવોને સારું થાય છે. એ દુ:ખદ બનાવમાં માર્યા ગયેલા તથા ઘાયલ થયેલા સૌ નિર્દોષ માણસોને માટે ને એ માણસોનાં સગાંસંબંધી અને આશ્રિતોને સારુ મહારાજા અને તેમની સરકારના મનમાં જે ઊંડી દિલસોજી છે તે તેને ફરી વાર પ્રગટ કરે છે. મહારાજા સાહેબની પ્રજાને ખબર છે કે એ આખી બાબતની તપાસ કરવાને ન્યાચખાતાના ઊંચા અનુભવવાળા નામાંકિત ગૃહસ્થોની એક નિષ્પક્ષ સમિતિ નીમવામાં આવેલી છે. એ બનાવનાં કારણો અને એ ઘટનાઓના ક્રમ વિષે પૂરેપૂરી તપાસ થાય અને તે પ્રકાશમાં આણવામાં આવે એવો સરકારનો નિશ્ચય છે.”
રાજય સાથે સરદારને થયેલા સમાધાનની શરતો નીચે પ્રમાણે હતી :
૧. મૈસુર સ્ટેટ કૉંગ્રેસને રાજ્યે માન્યતા આપવી.
૨. રાજ્યતંત્રમાં સુધારા સૂચવવા માટે નિમાયેલી સમિતિ મહારાજાના છત્ર નીચે જવાબદાર રાજતંત્ર સ્થાપવાની યોજના ૨જૂ કરી શકશે.
૩. એ સમિતિમાં સ્ટેટ કૉંગ્રેસે પસંદ કરેલા ત્રણ નવા સભ્યો રાજ્ય ઉમેરશે.
૪. મહાત્મા ગાંધીજીની સલાહ માનીને એમ નક્કી કરવામાં આવ્યું છે કે સર્વે સાર્વજનિક પ્રસંગોએ સ્ટેટ કૉંગ્રેસ મૈસૂર રાજ્યનો ધ્વજ અને હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસનો ધ્વજ સાથે ફરકાવશે. એકલી સ્ટેટ કૉંગ્રેસની સભા હશે ત્યાં એકલો હિંદી રાષ્ટ્રીચ કૉંગ્રેસનો ધ્વજ ફરકાવી શકાશે.
૫. સ્ટેટ કૉંગ્રેસ સવિનય કાયદાભંગ અને કરબંધીની તમામ લડત પાછી ખેંચી લેશે. બીજી તરફથી રાજ્ય તમામ રાજકારી કેદીઓને છોડી દેશે અને સ્ટેટ કૉંગ્રેસ ઉપર મનાઈના જે હુકમ હશે તે પાછા ખેંચી લેશે.
આ સમાધાનનું જાહેરનામું મૈસૂર સરકારે તા. ૧૭મી મેના રોજ પ્રસિદ્ધ કર્યું. તેના ઉપર કૉંગ્રેસની કારોબારી સમિતિએ નીચે પ્રમાણે ઠરાવ કર્યો :
“મૈસૂર રાજ્યમાં વિદુરાશ્વત્થમની નજીક નિઃશસ્ત્ર ટોળાં પર જે ગોળીબાર થયો તેને વિષેનાં પ્રજાકીય તેમ જ સરકારી બન્ને બયાન કારોબારી સમિતિએ વાંચ્યાં છે. રાજ્યના અધિકારીઓને ગોળીબાર કરવાની જરૂર લાગી એ હકીકત વિષે આ સમિતિ અફસોસ પ્રગટ કરે છે. અને ગોળીબાર થવાનાં કારણોની તપાસ કરવાને મૈસૂર સરકારે સમિતિ નીમી છે, એ જોતાં કારોબારી સમિતિ એ હત્યાકાંડ વિષે કશે અભિપ્રાય પ્રગટ કરતી નથી. પણ કારોબારી સમિતિ માને છે કે મહારાજા સાહેબે એમના રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્ર સ્થાપવું જોઈએ, જેથી કાયદા અને સુવ્યવસ્થાની જવાબદારી ગોળીબાર કરવાની જરૂર જણાય ત્યારે તેની પણ, પ્રજાને જવાબદાર એવી સરકાર ઉઠાવે. મરી ગયેલા માણસોનાં કુટુંબો પ્રત્યે કારોબારી સમિતિ દિલસોજી પાઠવે છે અને જેમને ઈજા થઈ છે તેમના પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરે છે.
"સરદાર વલ્લભભાઈ પટેલે અને આચાર્ય કૃપાલાનીએ મૈસૂર રાજ્ય અને મૈસૂર સ્ટેટ કૉંગ્રેસની વચ્ચે કરાવેલા સમાધાનને કારોબારી સમિતિ બહાલ રાખે છે. સમાધાનનો અમલ કરવાને સારુ મૈસૂર સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું છે, તેની કારોબારી સમિતિ સંતોષપૂર્વક નોંધ લે છે અને મહારાજા તથા તેમના સલાહકારો જે ત્વરાથી સમાધાનનો અમલ કરી રહ્યા છે, તેને સારુ તેમને અભિનંદન આપે છે. કારોબારી સમિતિ આશા રાખે છે કે મૈસૂર સ્ટેટ કૉંગ્રેસ પણ સમાધાનનો કડકાઈથી અમલ કરશે.
"રાષ્ટ્રધ્વજ ફરકાવવાના સવાલની બાબતમાં કારોબારી સમિતિ આશા રાખે છે કે, મસુર સ્ટેટ કૉંગ્રેસ તરફથી રાજ્ચના ધ્વજનું અને રાજ્યના અધિકારી તરફથી રાષ્ટ્રધ્વજનું અપમાન થાય એવું કશું કામ ન કરવાની કાળજી રાખવામાં આવશે. રાષ્ટ્રધ્વજની આબરૂનો છેવટનો આધાર પરાણે એને માન આપવાની શક્તિ પર નહીં રહે, પણ કૉંગ્રેસીઓના શુદ્ધ આચરણ પર અને કૉંગ્રેસ દેશમાં જે સેવાકાર્ય કરે તેના પર રહેશે. વળી એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, રાષ્ટ્રધ્વજ એ અહિંસાનું અને કેવળ સત્ય અને અહિંસામય સાધન વડે સધાનારા કોમી ઐક્ચનું પ્રતીક છે. વળી એ પણ ધ્યાનમાં રખાવું જોઈએ કે કૉંગ્રેસીઓમાં એક એવો પક્ષ વધતો જાય છે, જે દેશી રાજાને મધ્યયુગના અવશેષરૂપ માની તેમનો સંપૂર્ણ નાશ કરવા ઇચ્છે છે. પણ કૉંગ્રેસની નીતિ અત્યાર સુધી દેશી રાજા પ્રત્યે મિત્રાચારીની રહી છે; અને હજી પણ રહેશે. એની પાછળ આશા એ રહેલી છે કે, તેઓ યુગધર્મને ઓળખશે, પોતાની હદમાં જવાબદાર રાજ્યતંત્ર સ્થાપશે અને પોતાની હકૂમતમાંની સ્વતંત્રતા બીજી રીતે વધારશે ને તેની રક્ષા કરશે.”
મૈસૂરનું આ પ્રકરણ ચાલતું હતું તે વખતે ઉત્તર ગુજરાતના એક નાના માણસા રાજ્યમાં ખેડૂતો અને રાજ્ય વચ્ચે એક બહુ તીવ્ર લડત ચાલી રહી હતી. ત્યાં ૧૯૩૭ની સાલમાં જમીન મહેસૂલની ફરી આંકણી કરવાની મુદત થઈ ગઈ હતી. બીજો દેશી રાજ્યોની માફક આ રાજ્યમાં પણ જમીનમહેસૂલની આંકણીનું તથા જમીનમહેસૂલની વસૂલાતનું કશું નિયમિત ધોરણ ન હતું. દર દસ વર્ષ મહેસૂલની ફરી આંકણી કરવામાં આવતી. પણ દરેક આંકણી વખતે મહેસૂલમાં વધારો જ કરવામાં આવતો. ખેડૂતો પરાપૂર્વથી જે હક્કો ભેગવતા તેમાંના ઘણા સને ૧૯૨૧માં ખૂંચવી લેવામાં આવ્યા હતા. રાજ્યે એવો દાવો કરવા માંડ્યો હતો કે, ખેડૂતને કોઈ પણ વખતે અને કોઈ પણ બહાને જમીન પરથી હાંકી કાઢી શકાય. ખેડૂત પોતાની જમીનમાં જે ઝાડ વાવે અને મહેનત કરીને ઉછેરે તેના ઉપર પણ રાજ્યે પોતાની માલકી હોવાનો દાવો કરવા માંડ્યો હતો. આ ઉપરાંત ખેડૂતો પાસે વેઠ કરાવવામાં આવતી. તેની પાસેથી જાતજાતના લાગા અને વેરા લેવામાં આવતા અને બીજી ઘણી રીતે તેના ઉપર જુલમ કરવામાં આવતા તથા તેમની સતામણી કરવામાં આવતી. ૧૯૩૭ની સાલમાં જયારે મહેસૂલની ફરી આંકણી કરવાનો પ્રશ્ન રાજ્યે ઉપાડ્યો ત્યારે રાજયના જુલમથી ત્રાસી ગયેલા ખેડૂતોએ દસક્રોઈ તાલુકા સમિતિ જેની હકુમતમાં તેમનું રાજ્ય ગણાતું હતું તેની સલાહ લીધી. દસક્રોઈ તાલુકા સમિતિએ ગુજરાત પ્રાંતિક સમિતિની સલાહ લીધી અને છેવટે એમ નકકી કરવામાં આવ્યું કે ખેડૂતોએ આ જુલમનો અંત આણવા સંગઠિત થઈને રાજ્યનો વિરેાધ કરવો. જમીન મહેસૂલનો કચરી નાખનારો નોજો ઓછો કરવા માટે તેમણે કરેલી બધી અરજીઓ અને નોંધાવેલા બધા વિરોધ નિષ્ફળ ગયા. એટલે ૧૯૩૮ના જનયુઆરીથા જમીનમહેસૂલ ન ભરવાનો તેમણે સત્યાગ્રહ શરૂ કર્યો. ખેડૂતોએ પોતાનું એક પંચ સ્થાપીને તેની મારફત પોતાનાં બધાં કામો કરવાં એમ નક્કી કર્યું. એક રીતે તેઓએ માણસા દરબારનો બહિષ્કાર કર્યો. જેને પરિણામે આખું રાજ્યતંત્ર સ્થગિત થઈ ગયું. બીજી તરફથી રાજ્ય પોતાની બધી સત્તા વાપરી, કાયદાની, સભ્યતાની તથા માણસાઈના માઝા કોરે મૂકી ખેડૂત ઉપર દમનનો કોરડો સખત રીતે વીંઝવા માંડ્યો. રાજ્યની હદમાં સભા સરઘસની બંધી કરવામાં આવી. આગેવાન માણસોને પકડી લેવામાં આવ્યા. છતાં લોકો સભાઓ ભરતા તે વિખેરવા માટે લાઠીનો ઉપયોગ છૂટથી થવા માંડ્યો. અને એક વખત ગોળીબાર પણ થયો. આની સામે ખેડૂતોએ ભારે બહાદુરીથી ઝીક ઝીલી. ખેડૂતોની બહાદુર સ્ત્રીઓ પોતાના પુરુષોને પડખે ઊભી રહી અને અપમાન, માર, માલમિલકતની લૂંટ તથા બીજ સંકટ હસતે મોઢે સહન કર્યા. ખેડૂત સ્ત્રીપુરુષોનાં આ સંકટોએ અને ત્યાગે આખા ગુજરાતનું ધ્યાન ખેંચ્યું, અને આ લડતમાં આખી ગુજરાત તમારી પાછળ છે એવું અનેક પ્રકારની મદદથી માણસાના ખેડૂતોને બતાવી આપી તેમની પીઠ થાબડી. ખૂબી તો એ છે કે ભારે ઉશ્કેરણી તથા સતામણી થયા છતાં માણસાના ખેડૂતો સંપૂર્ણ રીતે અહિંસાને વળગી રહ્યા.
ખેડૂતોનો જુસ્સો તોડી નાખવાના માણસા દરબારના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા, અને દમનનો એકે ઉપાય બાકી ન રહ્યો, એટલે તે ગભરાયો. એજન્સીએ જમીનમહેસૂલ સંબંધી તપાસ કરીને રિપોર્ટ કરવા એક ખાસ રેવન્યુ અમલદાર ત્યાં મોકલ્યો. એને પરિણામે તાત્કાલિક દમન બંધ પડ્યું. માણસા દરબારે પણ પોતાના રાજ્યના અમલદારોને બદલી નાખી પોતાની નીતિ ફેરવવાનું ડહાપણભરેલું માન્યું. જે નવા દીવાન નિમાયા હતા તેમણે સમાધાન કરવા માટે દસક્રોઈ તાલુકા સમિતિના હોદ્દેદારો તથા ગુજરાત પ્રાંતિક સમિતિના મંત્રીને આમંત્રણ આપ્યું. ખેડૂતોનાં અનેક પ્રકારનાં દુ:ખની ચર્ચા કર્યા પછી બંને પક્ષે નક્કી કર્યું કે, આ કેસ સરદારને સોંપી દેવો અને તેઓ કહે તે પ્રમાણે સમાધાન કરવું. દીવાન સરદારને મળવા મુંબઈ ગયા. તેમની સાથે ખૂબ મસલત કરી. આ વાટાધાટો પાંચ દિવસ ચાલી. તેમાં માણસા દરબારને મદદ કરવા માટે વાંકાનેરના દીવાન તથા એજન્સીના ખાસ અમલદારને પણ હાજર રાખવામાં આવ્યા. આ વાટાધાટો દરમ્યાન રાજ્યે ખૂબ જ સમાધાનીનું વલણ બતાવ્યું. ગઈગુજરી ભૂલી જઈ દરબાર અને ખેડૂતો વચ્ચે મીઠો સંબંધ સ્થપાય તે માટે સમાધાનીનો એક લાંબો કરાર કરવામાં આવ્યો. તેના સારરૂપ મુદ્દા નીચે પ્રમાણે છે :
૧. નજીકના વડોદરા રાજ્યના જમીન મહેસૂલના કાયદાને ધોરણે જમીનમહેસૂલની નવી આંકણી કરવામાં આવે. એ આંકણી એક અનુભવી અમલદાર ખેડૂતની એક કમિટીની મદદથી કરે. આ નવી આંકણીનો અમલ ૧૯૪૦ સુધીમાં કરવો.
૨. જ્યાં સુધી આ નવી આંકણી જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી ખેડૂતોને ચાલુ દરમાં રાજ્યે ૩૫ ટકાનો ઘટાડો કરી આપવો.
૩. નવી આંકણીની મુદત દસ વર્ષને બદલે વીસ વર્ષની રાખવી. તે દરમ્યાન ખેડૂતોએ જમીનમાં જે સુધારા કર્યા હોય તેના કારણે નવી આંકણી વખતે વધારો કરી શકાય નહીં. જમીન મહેસૂલની માફી અને મુલતવીને લગતા નિયમો વડોદરા રાજ્યના જેવા રાખવા.
૪. કોઈ ખેડૂત દાંડાઈ કરીને જમીનમહેસૂલ ન ભરે તે સિવાય બીજા કોઈ કારણે તેની જમીન દરબાર છીનવી લઈ શકે નહીં.
૫. કબજેદાર તરીકે ખેડૂતના બધા હક્કો જેવા કે વેચાણ આપવાના, ગીરો મૂકવાના, બક્ષિસ આપવાના, વારસામાં આપવાના વગેરે દરબારે માન્ય રાખવા.
૬. ઇનામી જમીન વિષેના ખેડૂતના ચાલુ હકો દરબારે કાયમ કરી આપવા.
૭. ખેડૂતની જમીન ઉપર જે ઝાડ હોય તેની માલકી ખેડૂતની ગણાય અને તે કાપવાની તથા વેચવાની તેને છૂટ રહે.
૮. કાઈ ખેડૂત પાસે વેઠ કરાવવામાં આવે નહીં.
૯. મહેસૂલની વહીવટી બાબતમાં માણસા ખેડૂત પંચાયતે ચૂંટેલી કમિટીની સલાહ ઉપર દરબારે પૂરતું વજન આપવું.
૧૦. દરબારે બધા કેદીઓને છોડી મૂકવા. જેમના ઉપર કેસ ચાલતા હોય તે પાછા ખેંચી લેવા. વસૂલ ન થયેલા દંડ માફ કરવા. બધા દમનકારી હુકમ પાછા ખેચી લેવા.
૧૧. માણસા ખેડૂત સમિતિએ સત્યાગ્રહની લડત બંધ કરવી અને તમામ પ્રકારનો બહિષ્કાર પાછા ખેંચી લેવો.
૧૨. આ કરારમાં નક્કી થયા પ્રમાણે ખેડૂતોએ જમીન મહેસુલ ત્રણ અઠવાડિયાની અંદર ભરી દેવું.
૧૯૩૮ના જુલાઈમાં કૉંગ્રેસની કારોબારી સમિતિએ આ વિષે નીચે પ્રમાણે ઠરાવ કર્યો :
"પોતાના આર્થિક અને રાજકીય હક્કોને ખાતર માણસા, વળા, રામદુર્ગ, જમખંડી અને મીરજ રિયાસતની પ્રજાએ બહાદુરીભરી અને અહિંસક લડત ચલાવીને તેમાં વિજય પ્રાપ્ત કર્યો છે, તેથી કૉંગ્રેસની કારોબારી સમિતિ એમને અભિનંદન આપે છે.”