સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન

વિકિસ્રોતમાંથી
← હરિપુરા કૉંગ્રેસ — ૨ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન
નરહરિ પરીખ
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૧ →


૨૩
પાર્લામેન્ટરી કમિટીના ચૅરમૅન

દેશના છ પ્રાંતમાં કૉંગ્રેસનાં પ્રધાનમંડળો રચાઈ ગયા પછી પ્રધાનોને સલાહસૂચના આપવાનું, કૉંગ્રેસની શિસ્ત બરાબર જાળવવાનું, તથા પૂર્ણ સ્વરાજની સિદ્ધિમાં આ હોદ્દાસ્વીકાર મદદરૂપ થાય એ કૉંગ્રેસનો ઉદ્દેશ બરાબર જળવાય છે કે નહીં તે જોવાનું કામ કૉંગ્રેસની કારોબારી સમિતિ ઉપર આવી પડ્યું. પણ આખી કારોબારી સમિતિ બધો વખત આમાં આપી ન શકે, અને કામ એટલું મહત્ત્વનું હતું કે તેના ઉપર સતત દેખરેખની જરૂર હતી, એટલે કારાબારી સમિતિએ પોતાના સભ્યોમાંથી રાજેન્દ્રબાબુ, મૌલાના અબુલ કલામ આઝાદ તથા સરદારની એક નાની સમિતિ આ કામ માટે નીમી. સરદાર એ કમિટીના પ્રમુખ થયા. આ ત્રણ સભ્યને પણ વખતોવખત ભેગા થવાનું મુશ્કેલ થતું. એટલે જુદા જુદા પ્રાંતની દેખરેખ રાખવાનું તેમણે માંહોમાંહે વહેચી લીધું. મહત્ત્વનું કામ હોય ત્યારે ત્રણ સભ્યો ભેગા થઈને નિર્ણય કરતા અને બહુ મહત્ત્વનું હોય ત્યારે તેઓ કારોબારી સમિતિની તથા ગાંધીજીની પણ સલાહ લેતા. વહીવટી કામનો તાકીદે ઉકેલ કરવાની શક્તિ, અટપટા પ્રશ્નોનો નિકાલ કરવાની કુનેહ અને વિશેષ તો માણસોને ઓળખવાની અને તે કેટલા પાણીમાં છે તેનું માપ કાઢવાની અજબ શક્તિને લીધે આ પાર્લામેન્ટરી સબ કમિટીના કામનો મુખ્ય બોજો સરદાર ઉપર જ રહેતો. એ કામ તેમણે એટલી બાહોશીથી, વિવેકથી અને સહાનુભૂતિથી કર્યું કે ઘણા પ્રાંતના પ્રધાનોને તો તેમની ભારે ઓથ રહેતી. કાંઈ પણ ગૂંચ આવે કે તેઓ તેમની પાસે દોડી જતા. જોકે એકંદરે પાર્લામેન્ટરી કમિટીએ પ્રધાનના કામમાં નકામી દખલ કરી નથી. છતાં સામા માણસને સારું લાગશે કે ખરાબ લાગશે તેની પરવા કર્યા વિના એને ખરી વાત સાફ સાફ સંભળાવી દેવાની ટેવથી સરદારને ઘણી વાર અળખામણા થવાના પ્રસંગ પણ આવી પડતા. આખી કારોબારી સમિતિ એક જ વિચારની હોય છતાં રોષનું નિશાન સરદાર થતા. શ્રી નરીમાનનો કિસ્સો આપણે જોઈ ગયા છીએ. આ પ્રકરણમાં મધ્ય પ્રાંતના વડા પ્રધાન શ્રી ખરેનો પણ લગભગ એ જ કિસ્સો જોઈશું. ત્રિપુરા કોંગ્રેસ વખતે સુભાષબાબુનો રોષ પણ મુખ્યત્વે સરદાર ઉપર થયેલો.

પાર્લામેન્ટરી કમિટીના ચૅરમૅન તરીકે તેમને ઉકેલવા પડેલા કોયડામાંથી યુક્ત પ્રાંત અને બિહારનો કોયડો હરિપુરા કોંગ્રેસ વખતે બનેલો હાઈ એ પ્રકરણમાં આપી દીધો છે. આ પ્રકરણમાં બીજા કેટલાક મહત્ત્વના પ્રસંગો વર્ણવીશું.

ઓરિસાના ગવર્નરની તબિયત સારી ન હોવાથી તેઓ મેની શરૂઆતમાં લાંબી રજા ઉપર જવા ઈચ્છતા હતા. તેમની જગ્યાએ કામચલાઉ ગવર્નર તરીકે એ જ પ્રાંતના રેવન્યુ કમિશનર મિ. ડેનની નિમણૂક કરવાનું તા. ૭મી માર્ચે જાહેર કરવામાં આવ્યું. આ વાતની ખબર પડતાં જ ઓરિસાના વડા પ્રધાને આ નિમણૂક સામે એવા કારણસર વાંધો ઉઠાવ્યો કે સરકારી ખાતામાં નોકરી કરતા અમલદારને, ભલે કામચલાઉ હોય તોપણ, ગવર્નર પદ આપવું યોગ્ય નથી. જે અમલદાર પ્રધાનના હાથ નીચે કામ કરતો હોય તેને થોડા વખત માટે પણ પ્રધાનની ઉપર બેસાડી દેવો એ બહુ અજુગતું છે. કારણ ગવર્નરનું પદ અમુક મોભાનું અને વિશેષ અધિકારનું છે. એટલે એ જ માણસ ફરી પાછો પોતાની જૂની નોકરી પર આવે ત્યારે તેની અને પ્રધાનની બંનેની સ્થિતિ કફોડી થાય. આરિસાના વડા પ્રધાને સરદારની અને ગાંધીજીની આ બાબતમાં સલાહ લીધી. તેમણે સલાહ આપી કે તમારો વાંધો ધ્યાનમાં લઈને ગવર્નરની નિમણુકમાં ફેરફાર કરવામાં ન આવે તો આખા પ્રધાનમંડળે રાજીનામું આપી દેવું. ત્યાર પછી વડા પ્રધાનને ગવર્નર સાથે કેટલોક પત્રવ્યવહાર ચાલ્યો. તેમાં કાંઈ વળ્યું નહીં એટલે તા. ૪થી મેએ બીજા બધા પ્રધાન તથા પાલમેન્ટરી સેક્રેટરીઓનાં રાજીનામાં લઈ વડા પ્રધાન ગવર્નરને મળવા સારૂં પુરી જવા નીકળતા હતા, ત્યાં જ ગવર્નરના સેક્રેટરીનો તાર આવ્યો કે ગવર્નરે રજા ઉપર જવાનું માંડી વાળ્યું છે. તે જ દિવસે ગવર્નર તરફથી નીચેની યાદી બહાર પાડવામાં આવી :

“ પોતાના અનુગામી માટે અસ્થિર રાજદ્વારી પરિસ્થિતિ ઊભી થાય એમ છે એ જોતાં ના. ગવર્નરને પોતાની મૂળ યોજના પ્રમાણે રજા ઉપર જવાનું યોગ્ય લાગતું નથી. પોતાને મળેલી રજા પ્રાંતના હિતની ખાતર રદ કરાવવા સિવાય તેમની પાસે બીજો કોઈ માર્ગ નથી. રજા રદ કરવાની તેમની વિનંતી ગવર્નર જનરલની સંમતિથી સેક્રેટરી ઑફ સ્ટેટે માન્ય રાખી છે.”

આમ આ પ્રકરણ બહુ સારી પેઠે ઊકલી ગયું. ઓરિસાના વડા પ્રધાને આ વિષે પોતાનું નિવેદન બહાર પાડતાં જણાવ્યું કે,

"નામદાર ગવનરે બહુ કુનેહથી આ વસ્તુનો નિકાલ કર્યો છે. સૌને દુ:ખ થાય એવી જે કટેકટી ઊભી થાત તે તેમણે ટાળી છે. પાતાની તબિયતનો વિચાર કર્યા વિના આ કટોકટી ટાળવાની ખાતર જ નામદાર ગવર્નરે પોતાની રજા રદ કરાવી છે, તે માટે એમને ધન્યવાદ ઘટે છે. મિ. ડેન વિશે પણ મારે કહેવું જોઈએ કે અમારે કોઈને અંગત રીતે એમની સામે કશો વિરોધ નથી. તેઓ આ પ્રાંતના જૂના અને અનુભવી અમલદાર છે અને આ પ્રાંતની તેમણે

પુષ્કળ સેવા કરેલી છે. અમારું પ્રધાનમંડળ પાર્લામેન્ટરી કમિટીએ આ બાબતમાં પહેલેથી જ અમને આપેલી સલાહુ અને દોરવણી માટે તેમનું આભારી છે. તેમની સલાહ અમને મળી ન હોત તો કટોકટી વહેલી ઊભી થઈ ગઈ હોત.”

પાર્લામેન્ટરી કમિટીના ચેરમેન તરીકે, સરદારે નીચેનું નિવેદન બહાર પાડયું :

“ઓરિસાના કામચલાઉ ગવર્નરની નિમણુકની બાબતમાં પોતે કરેલી ભૂલ વખતસર સુધારી લેવામાં બ્રિટિશ સરકારે બહુ શોભા બતાવી છે. તે માટે તેને ધન્યવાદ ધટે છે. જેનાં પરિણામ બહુ ગંભીર આવત એવી કટોકટી તેણે ટાળી છે. આ દેશના હાકેમ અને ઈંગ્લંડના અધિકારીઓ જો એટલું સમજી જાય કે બંધારણના ભાવનો તથા તત્ત્વનો જરા પણ ભંગ થશે એ કૉંગ્રેસ સાંખી લેવાની નથી, તો ધણી મૂંઝવણો અને ક્લેશ ટળી જાય. આ બંધારણની અનેક ત્રુટીઓની પોતાને ખબર હોવા છતાં કૉંગ્રેસે હોદ્દાની જવાબદારી સ્વીકારી છે. તેમાં તેનો સ્પષ્ટ ઇરાદો બંધારણને વિશાળ કરવાનો છે. આપણે આશા રાખીએ કે આ જાતનો પ્રસંગ છેલ્લો જ હશે. ઓરિસાના વડા પ્રધાન અને તેમના સાથીઓએ પણ, જેમાં તેમના સ્વમાનનો પ્રશ્ન હતો, એવા બંધારણીય સિદ્ધાંતને માટે દઢ આગ્રહ રાખ્યો તે સારુ તેમને ધન્યવાદ ધટે છે.”

જુદા જુદા પ્રાંતનાં પ્રધાનમંડળમાં સૌથી વધારે ગરબડ થઈ હોય અને કડાકૂટ કરવી પડી હોય તો તે મધ્ય પ્રાંતના પ્રધાનમંડળની બાબતમાં કરવી પડેલી. પ્રધાનમંડળ હસ્તીમાં આવ્યા પછી થોડા જ વખતમાં ત્યાંના ન્યાય અને કાયદા ખાતાના પ્રધાન જનાબ શરીફે એક એવી ગંભીર ભૂલ કરી જેને લીધે લોકલાગણી ખૂબ જ ઉસ્કેરાઈ ગઈ. એક તેર વર્ષની હરિજન બાળા ઉપર બળાત્કાર ગુજાર્યાના આરોપસર સજા પામેલા કેદીઓને તેમની ત્રીજા ભાગની પણ સજા પૂરી થઈ નહોતી તે પહેલાં દયા બતાવીને તેમણે છોડી દીધા. આમાંના એક આરોપી કેળવણી ખાતામાં પહેલા વર્ગના અમલદાર હોઈ માસિક રૂા. ૭૫૦ની નોકરી ઉપર હતો. વળી તે ખાન સાહેબનો ઈલકાબ ધરાવતા હતા. બીજો આરોપી ફોજદાર હતો. આ બે જ ણાએ બીજા ચાર જણની મદદ લઈ યોજનાપૂર્વક પેલી બાળાને ફસાવીને તેના ઉપર અત્યાચાર ગુજાર્યો હતો. આ ઉપરાંત એક વીમાની બાબતમાં દગો કરવાના આરોપસર સજા પામેલા કેદીને છોડી મૂકવાની પણ પેલા પ્રધાને ભલામણ કરી હતી. કૉંગ્રેસ પ્રધાનમંડળમાં સાધારણ શિરસ્તો એ હતો કે આવા મહત્ત્વના પ્રશ્નોનો વિચાર આખા પ્રધાનમંડળની બેઠકમાં કરવામાં આવતો અને તેના સંયુક્ત નિર્ણય પ્રમાણે ગવર્નર આગળ ભલામણ કરવામાં આવતી. પણ આ બંને કેસમાં પેલા પ્રધાને પોતાના બીજા સાથીઓને પૂછયા વિના જ ગવર્નર પાસે પોતાની ભલામણ રજૂ કરી દીધી. પેલા બળાત્કારવાળા કેસમાં તો ગવર્નરની મંજૂરી પણ મેળવી દીધી. જેને પરિણામે કેદીઓ છુટી જવા પામ્યા. આ વાતની ખબર પડતાં જ બીજા પ્રધાનોએ વાંધો ઉઠાવ્યો. ઉપરાંત લોકોમાં ભારે ચકચાર જાગી. એટલે વીમાવાળા કેસમાં ગવર્નરે સહી કરવાનું મોકૂ રાખ્યું.

સરદારને આ વાતની ખબર પડતાં જ તેમણે પ્રધાન જ. શરીફનો ખુલાસો માગ્યો અને મધ્ય પ્રાંતની ધારાસભામાંના કૉંગ્રેસ પક્ષને આ પ્રશ્ન તરત જ હાથ ધરવા સૂચવ્યું. પોતાના સાથીઓ સાથે મસલત કર્યા વિના પોતે ગવર્નર પાસે પહોંચી ગયા તે માટે પ્રધાન જ. શરીફે ધારાસભાના કૉંગ્રેસ પક્ષની સભામાં પોતાની દિલગીરી દર્શાવી અને રાજીનામું આપવાની પણ તૈયારી બતાવી. પણ વડા પ્રધાન ડૉ. ખરેનું વલણ જ. શરીફને બચાવી લેવાનું હતું. આ કેસ મહત્ત્વનો હોઈ પાર્લમેન્ટરી કમિટીએ એમનું રાજીનામું કૉંગ્રેસની કારોબારી સમિતિ આગળ રજૂ કર્યું. પ્રધાન તથા છૂટનારા કેદીઓ મુસલમાન હોઈ મુસ્લિમ લીગે એવો ઊહાપોહ મચાવ્યો કે દયા બતાવી કેદીઓને છોડી મૂકવાનું પ્રધાનનું કૃત્ય તેના અધિકારની રૂએ કરેલું હતું. પ્રધાને કાયદાની રૂએ પોતાને મળેલ અધિકાર વાપર્યો તેમાં ધારાસભામાં કૉંગ્રેસ પક્ષ અથવા કૉંગ્રેસની પાર્લામેન્ટરી કમિટી વચ્ચે પડી શકે નહીં. જ. શરીફે એક નિવેદન બહાર પાડ્યું તેમાં જણાવ્યું કે કેદીને છોડવાથી આગળ પાછળ શી અસર પડશે તે મેં ધ્યાનમાં ન લીધું એ મારી ભૂલ ખરી અને તે માટે હું દિલગીર છું, પણ કેવળ ન્યાયનો વિચાર કરતાં તે વખતે મને લાગતું હતું અને અત્યારે પણ લાગે છે કે મેં કશું અનુચિત કર્યું નથી. એટલે પ્રધાનને પૂરો ન્યાય આપવાની ખાતર વર્કિગ કમિટીએ એવો ઠરાવ કર્યો કે,

"ખરો પ્રશ્ન તો એ છે કે પ્રધાને પોતાનો વિવેક વાપરવામાં ન્યાયનો વિનિપાત થાય એવી ગંભીર ભૂલ કરી છે કે કેમ ? જો એણે કરી હોય તો ન્યાચની ખાત૨, કારભારની શુદ્ધતાની ખાતર અને સ્ત્રીઓની આબરૂની રક્ષા ખાતર, તેમણે રાજીનામું આપવું એ જ યોગ્ય માર્ગ છે. પણ જો એમના કૃત્યથી ન્યાયનો વિનિપાત ન થતો હોય તો એમણે રાજીનામું આપવાની જરૂર નથી, એટલું જ નહીં પણ માફી માગવાનીયે જરૂર નથી. આ અબતનો નિર્ણચ કરવાને માટે કારોબારી સમિતિ પાસે પૂરતી હકીકત ન હોવાથી આ કેસની તેમ જ વીમાવાળા કેસની તપાસ કરવાનું કામ કોઈ પ્રખ્યાત ધારાશાસ્ત્રીને સોંપવું. ”

આમજનતાને કારોબારી સમિતિના આ ઠરાવથી સંતોષ ન થયો. તેમનું કહેવું એમ હતું કે આ કેસમાં બે બે અપીલ થઈ છે અને છેક હાઈકોર્ટે પણ આરોપીને ગુનેગાર ઠરાવીને સજા બહાલ રાખી છે. તેમાં વળી વધારે તપાસની શી જરૂર છે ? આ અસંતોષ શાંત પાડવાને ખાતર કારોબારી સમિતિએ જનતાને અપીલ કરી કે તેમણે છેવટના નિર્ણયની રાહ જોવી ઘટે છે. લોકોએ એવો વિશ્વાસ રાખવો કે કોઈ પણ જાતનો ભય રાખ્યા વિના અથવા તો ખોટી મહેરબાની બતાવ્યા વિના આ બાબતનો નિર્ણય કરવામાં આવશે. લોકોને અને વર્તમાનપત્રોને તેણે એવી પણ વિનંતી કરી કે આ પ્રશ્નને કોમી રૂપ આપવું એ યોગ્ય નથી. બહેનોની લાગણી પણ પ્રધાનના આ કૃત્ય બદલ દુભાઈ હતી. તેમને કારેબારી સમિતિએ આશ્વાસન આપ્યું કે તમારો ઉશ્કેરાટ વાજબી છે પણ કારોબારી સમિતિને સ્ત્રીઓની આબરૂ તમારા કરતાં ઓછી વહાલી નથી. છતાં આપણે પૂરી તપાસ કરાવીને નિર્ણય કરીએ એ જ વિશેષ યોગ્ય છે.

કૉંગ્રેસ કારોબારી સમિતિએ આખા કેસની બરાબર તપાસ કરી પોતાનો અભિપ્રાય આપવાનું કામ કલકત્તા હાઈ કોર્ટના નિવૃત્ત જજ સર મન્મથનાથ મુકરજીને સોંપ્યું.

જ. શરીફ પોતાના બૅરિસ્ટરને લઈ પોતાનો કેસ રજૂ કરવા સર મન્મથનાથ પાસે કલકત્તા ગયા. મુખ્ય પ્રધાન શ્રી ખરેએ પણ એક લાંબુ નિવેદન લખી મોકલ્યું. તેમાં જ. શરીફે દિલગીરી દર્શાવી છે માટે તેમને જતા કરવા જોઈએ એવી ભલામણ કરી.

સર મન્મથનાથે બધી તપાસ કરીને તા. ૭-૫-'૩૮ના રોજ પોતાનો અભિપ્રાય આપ્યો તેમાં જણાવ્યું કે બે મુખ્ય આરોપીઓ તરફથી દયાની અરજી પ્રથમ પણ કરવામાં આવેલી. પણ તે વખતે જિલ્લાના કલેક્ટર તથા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે સખત રિપોર્ટ કરેલો કે આ ગુનો એટલો ગંભીર છે અને ગુનેગારોએ એટલા બધા કાવાદાવા કર્યા છે અને છેવટે બળજબરી વાપરી છે કે તેઓ દયાને લાયક નથી. એટલે પ્રધાન કાંઈ કરી શકેલા નહીં. પછી બીજા ચાર આરોપીઓ જેમને આ ગુનામાં મદદ કરવા માટે બે બે વર્ષની સજા થયેલી, તેમની દયાની અરજી ઉપરથી તેમને એક એક વર્ષની સજા પૂરી થયે છોડી મૂકવાનો પ્રધાને હુકમ કર્યો. પેલા બે મુખ્ય ગુનેગારો જેમાંના એકને ત્રણ વર્ષની અને બીજાને ચાર વર્ષની કેદની તથા દંડની સજા થયેલી તેમણે ફરી દયાની અરજી કરી. તે વખતે જિલ્લા અધિકારીઓએ કશો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો નહીં. એમ કહેવાય છે કે પ્રધાનનો ઈરાદો આ કેદીઓને છોડી મૂકવાનો છે એમ તેમને જણાવવામાં આવેલું. પ્રધાને દયાની અરજી મંજૂર રાખી મુખ્ય કેદીને છોડી મૂકવાની ગવર્નરને ભલામણ કરવામાં નીચેનાં કારણ જણાવેલાં :

૧. છોકરી પહેલેથી જ ખરાબ ચાલની હતી અને રાજીખુશીથી સંમત થઈ હતી. ૨. આ કેસને લીધે આરોપીને મોટી નોકરી ગુમાવવી પડી હોઈ તે આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે. સમાજમાં પણ તેની પ્રતિષ્ઠા હલકી થઈ છે એ એને માટે પૂરતી સજા છે.
૩. આ કેસ ચાલતો હતો તે દરમ્યાન જ ગુનેગારની સ્ત્રી આધાત પહોંચવાથી મરી ગઈ છે, અને તેનાં નાનાં છોકરાઓની સંભાળ લેનાર અત્યારે કોઈ ન હોઈ તેઓ રઝળતાં થઈ ગયાં છે.

પહેલા મુદ્દા વિષે સર મન્મથનાથે જણાવ્યું કે છોકરીને વિષે પ્રધાને જે લખ્યું છે, તેમાંનું કશું પુરાવામાં રજૂ થયેલું નથી. ઊલટું પુરાવામાં તો એવું છે કે તલવારથી મારી નાખવાની તેને બીક બતાવીને તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. દયાની અરજી ઉપર વિચાર કરનારને પુરાવાની બહાર જઈ તે ઉપરથી કશા અભિપ્રાય બાંધવાનો અધિકાર નથી. પેલા ચાર આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા તેમાં પણ દયા અસ્થાને બતાવવામાં આવી છે. વળી આ ગુનો અકસ્માત લાલચમાં પડી જઈને કરવામાં આવેલ નથી પણ તેની પાછળ રીતસરની યોજના હતી અને ભારે પ્રપંચજાળ રચીને છોકરીને ફસાવવામાં આવી હતી. એટલે મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે પ્રધાને દયાની અરજી મંજૂર રાખવામાં ગંભીર ભૂલ કરી છે. અને તેને લીધે ન્યાયનો જરૂર વિનિપાત થયો છે. આરોપી આર્થિક રીતે પાયમાલ થયો છે, અને તેનું કુટુંબ સંકટમાં આવી પડયું છે એ વાત સજા કરતી વખતે કોર્ટે ધ્યાનમાં લીધી જ છે. ઊલટું આવા ભણેલાગણેલા માણસે આવું કરપીણુ કૃત્ય કર્યું તે માટે તેને જરાયે દયાપાત્ર ગણવો જોઈતો નહોતો.

આ રિપોર્ટ મળ્યા પછી પ્રધાન જ. શરીફને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી.

આ પ્રકરણ પતી જાય તે પહેલાં જ મધ્ય પ્રાંતના પ્રધાનમંડળમાં અંદર અંદર ભારે ખટપટો ઊભી થઈ હતી. મધ્ય પ્રાંતમાં મુખ્ય ત્રણ વિભાગ છે. મહાકોશલ અથવા હિંદી મધ્ય પ્રાંત, નાગપુર અથવા મરાઠી મધ્ય પ્રાંત અને વરાડ. પ્રધાનમંડળમાં મહાકોશલના ત્રણ પ્રધાનો હતા તેમને મુખ્ય પ્રધાન ડૉ. ખરે જેઓ નાગપુરના હતા તેમની સાથે ભારે મતભેદ થયા કરતા, જેને પરિણામે તેમણે રાજીનામું આપેલું. આ ઉપરાંત પ્રધાનો ઉપર લાંચ લેવાના તથા મામામાસીનું કરવાના આરોપ પણ હતા. એને લીધે આખા પ્રાંતમાં તથા ધારાસભાના સભ્યોમાં કૂથલીનું અને મલિનતાનું વાતાવરણ ફેલાયું હતું. સરદાર પાસે આ ફરિયાદો ઘણા વખતથી આવ્યાં કરતી હતી. એટલે તેમણે મધ્ય પ્રાંતની સરકાર તે વખતે ત્યાંની શીતળ ટેકરી પંચમઢીમાં હતી ત્યાં તા. ૨૪-૫-'૩૮ના રોજ ધારાસભા પક્ષની બેઠક બોલાવી. તેમાં પાર્લમેન્ટરી કમિટીના ત્રણે સભ્યો હાજર રહે એવું ઠરાવ્યું. જોકે રાજેન્દ્રબાબુ તબિયત ખરાબ હોવાને લીધે ત્યાં જઈ શકયા ન હતા. મધ્ય પ્રાંતના ત્રણ વિભાગની પ્રાંતિક સમિતિના પ્રમુખોને પણ એ સભામાં હાજર રાખ્યા. પેટ ભરીને વાતો અને ચર્ચાઓ થઈ. તેના પરિણામે બધા પ્રશ્નોના નિકાલ થયો. ત્રણ પ્રધાનોએ રાજીનામાં પાછાં ખેચી લીધાં. બધા પ્રધાનોએ લેખી ખાતરી આપી કે ભવિષ્યમાં અમે એકરાગે કામ કરીશું. સરદારે એ વિષે નીચે પ્રમાણે નિવેદન બહાર પાડયું :

"જ. શરીફના કેસને કૉંગ્રેસની કારોબારી સમિતિએ હમણાં જ નિકાલ આણ્યો છે. અમે બધા પ્રધાન સાથે એકઠી તથા છૂટી છૂટી વાતો કરી લીધી છે. બંધા પ્રશ્નોનું સમાધાન કરવામાં જોકે અમને મુશ્કેલી પડી છે, છતાં અમને જણાવતાં આનંદ થાય છે કે બધા મતભેદો સંધાઈ ગયા છે. પ્રધાનોએ અમને ખાતરી આપી છે કે અંદર અંદરના મતભેદો ભૂલી જઈને તેઓ સહકારથી કામ કરશે. વહીવટમાં સુધારો કરવા માટે અને વહીવટમાં કુશળતા આણવા માટે જે ફેરફાર કરવા જરૂરી છે, તે તેઓ પોતે જ કરી લેશે અને ફરિયાદનાં કારણે ફરી ઊભાં ન થાય તેની બરાબર તકેદારી રાખશે.

“ પ્રધાનો ઉપર વિશેષ ગંભીર આક્ષેપ હતા તેની પણ અમે તપાસ કરી છે. અમને જણાવતા આનંદ થાય છે કે વધારેમાં વધારે ગંભીર આક્ષેપો તો લાંચરુશવતને લગતા હતા તે સાબિત થયા નથી. કેટલાક આક્ષેપો તો વગર વિચાર્યે અને દ્વેષપૂર્વક કરવામાં આવ્યા હતા. એના સમર્થનમાં છાંટાભાર પુરાવો અમને મળેલ નથી.

"તેની સાથે અમારે કહેવું જોઈએ કે કેટલીક ફરિયાદો વિના કારણ ન હતી. ઘણીખરી ફરિયાદ તો વહીવટી અકુશળતાને લગતી હતી. અમને ખાતરી આપવામાં આવી છે કે એ સુધારી લેવામાં આવશે. દેવાની પતાવટનો કાચદો (ડેટ કન્સિલિચેશન ઍક્ટ ) જે ગરીબ ખેડૂતોના હિતને અર્થે કરવામાં આવ્યો છે તેમાં દેવાની મર્યાદા પચાસ હજાર ઉ૫રથી વધારીને એક લાખની કરવામાં આવી છે, તે બાબતમાં અમારી આગળ કબૂલ કરવામાં આવ્યું છે કે એ ફેરફારને બચાવ થઈ શકે એમ નથી. પ્રધાનોએ અમને વચન આપ્યું છે કે દેવાની મર્યાદા ઘટાડીને અસલ પ્રમાણે રાખવામાં આવશે.

“ બીજો આક્ષેપ એ હતો કે પ્રધાનોએ પૂરી લાચકાત વિનાના માણસોને યુનિવર્સિટીમાં પ્રોફેસરની તથા ઇસ્પિતાલમાં ડૉક્ટરની જગ્યા અપાવી છે. તે આક્ષેપ પુરવાર થયા છે. એ દરેક બાબતમાં અન્યાચ દુર કરવામાં આવશે એવું અમને વચન આપવામાં આવ્યું છે. *[૧] બીજા કેટલાક નાના આક્ષેપોની તપાસ કરીને તેનો નિકાલ કરવાનું શેઠ જમનાલાલ બજાજને સોંપવામાં આવ્યું છે. અમને જણાવતા આનંદ થાય છે કે પ્રધાનોએ જે જે ભૂલો કરી તે તેમણે તરત

સ્વીકારી લીધી છે, અને તે સુધારી લેવાની કબૂલાત આપી છે. વધારેમાં વધારે ગંભીર આક્ષેપો બિનપાયાદાર ઠર્યો છે તેથી અને નાની ભૂલો તરત સુધારી લેવાનું વચન આપવામાં આવ્યું છે તેથી, અમે આશા રાખીએ છીએ કે લોકોની ટીકાઓ હવે બંધ થઈ જશે અને કૉંગ્રેસની પરંપરા ટકાવી રાખવા તેઓ શક્તિમાન છે એવું બતાવી આપવાની તક પ્રધાનોને આપવામાં આવશે.”

ઉપર પ્રમાણે સમાધાન થયા પછી બધું થાળે પડી જશે એવી આશા સેવવામાં આવેલી. પણ એ આશા સફળ થઈ નહીં. થોડી જ વારમાં પાર્લમેન્ટરી કમિટીના ચેરમૈન તરીકે સરદાર ઉપર ફરિયાદો આવવા માંડી કે ડૉ. ખરે સમાધાનીની શરતોનું પાલન કરતા નથી. સરદારે ડૉ. ખરેને વિનંતી કરી કે અંદર અંદર સમજીને બધું ચલાવો અને કંઈ ભારે મતભેદ હોય તો કૉંગ્રેસની કારોબારી પાસે લાવો.

પરંતુ મતભેદો વધારે ને વધારે ઉગ્ર બનતા ગયા અને ૧૩મી જુલાઈ એ છાપાંમાં રિપોર્ટ આવ્યા કે શ્રી ગોળે અને શ્રી દેશમુખ એ બે પ્રધાનોએ રાજીનામાં આપ્યાં છે. ૧૫મી જુલાઈ એ ડૉ. ખરેએ સરદારને પંચમઢીના સમાધાનનું પાલન કરવા પોતે શું શું કરી રહ્યા છે તે બાબતનો રિપોર્ટ મોકલ્યો. તેમણે વિશેષમાં એ પણ જણાવ્યું કે અમારી વચ્ચે એટલા મતભેદો છે કે અમારું કામ એકરાગે ચાલતું નથી, પણ તેની સાથે સાથે જ તેમણે ખાતરી આપી કે પોતે કશું ઉતાવળું પગલું નહીં ભરે અને છેવટનો નિર્ણય કરવાનું સરદાર ઉપર છોડશે. પણ એ કાગળમાં પોતાના બે સાથીઓએ રાજીનામાં આપ્યાં છે. એ વાત તેમણે સરદારને જણાવી નહીં.

કૉંગ્રેસ કારોબારી સમિતિની મીટિંગ વર્ધામાં તા. ૨૩મી જુલાઈ એ મળવાની હતી. ડૉ. ખરે તરફથી સરદારને ખાતરી મળેલી હોવાથી તેઓ એવા વિશ્વાસમાં રહ્યા છે કારોબારી સમિતિ મળે તે અગાઉ પાર્લમેન્ટરી કમિટી મળીને એમના જે કાંઈ કાઠીરગડા હશે તેનો વિચાર કરી લેશે. તા. ૧૯મી જુલાઈએ ડૉ. ખરેએ પોતાના સાથીઓને જણાવ્યું કે તેઓ મુખ્ય પ્રધાનપદનું રાજીનામું આપવા ઈચ્છે છે. મુખ્ય પ્રધાન રાજીનામું આપે તો પાલમેન્ટરી રૂઢિ પ્રમાણે બીજા પ્રધાનોએ પણ રાજીનામાં આપી દેવાં જોઈ એ માટે તમારે પણ મારી સાથે રાજીનામાં આપી દેવાં જોઈશે. તા. ૨૦મીએ શ્રી રવિશંકર શુકલ, શ્રી મિશ્ર તથા શ્રી મહેતા, એ ત્રણે પ્રધાનોએ અલગ અલગ કાગળ લખીને ડૉ. ખરેને જણાવ્યું કે પાર્લમેન્ટરી કમિટી અથવા તો કારોબારી સમિતિ તરફથી અમને સૂચના ન મળે ત્યાં સુધી અમે રાજીનામું આપવાના નથી. તે દિવસે બપોરે ડૉ. ખરેએ ગવર્નરને પોતાનું રાજીનામું આપ્યું. તેમની સાથે બીજા બે પ્રધાન શ્રી ગોળેએ તથા શ્રી દેશમુખે પણ રાજીનામાં આપ્યાં. ગવર્નરે પાર્લમેન્ટરી રૂઢિને અનુસરીને પેલા ત્રણ પ્રધાનો પાસેથી પણ રાજીનામાં માગ્યાં. શ્રી રવિશંકર શુક્લે, સરદાર સાથે ટેલિફોન ઉપર વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ અમદાવાદ ગયેલા હોઈ તેમની સાથે વાત થઈ શકી નહીં. બીજા બે પ્રધાનો મહાકોશલ પ્રાંતિક સમિતિના પ્રમુખ ઠાકુર ચેદીલાલની સાથે, તે વખતે બાબુ રાજેન્દ્રપ્રસાદ વર્ધા હોવાથી તેમને મળવા વર્ધા ગયા. તેઓએ બધી પરિસ્થિતિ બાબુ રાજેન્દ્રપ્રસાદને સમજાવી. તેમણે સલાહ આપી કે પાર્લમેન્ટરી કમિટી તથા કારોબારીની શિસ્તમાં રહેવાને તમે બંધાયેલા છો, એ વસ્તુ તમારે ગવર્નરને સમજાવવી, અને તા. ૨૩મી જુલાઈએ કારોબારી સમિતિ મળવાની છે ત્યાં સુધી રાહ જોવાની તેને વિનંતી કરવી. બાબુ રાજેન્દ્રપ્રસાદે આ જ પ્રમાણે ડૉ. ખરે ઉપર કાગળ લખીને ઠાકુર ચેદીલાલને આપ્યો. તેમાં જણાવ્યું કે રરમી જુલાઈ એ પાર્લમેન્ટરી કમિટી મળવાની છે તે પહેલાં આવું ઉતાવળું પગલું તમારે ભરવું જોઈએ નહીં. તમારું રાજીનામું તમે પાછું ખેંચી લો અને તેમ ન કરવું હોય તો ગવર્નરને વિનંતી કરો કે એ રાજીનામા ઉપર વિચાર કરવાનું તા. ૨૩મી સુધી મુલતવી રાખે. આવા જ કાગળો તેમણે શ્રી ગોળે તથા શ્રી દેશમુખને લખ્યા. આ બધા કાગળો લખતાં કરતાં રાતના દશ વાગ્યા, ઠાકુર ચેદીલાલે વર્ધાથી ડૉ. ખરેને નાગપુર ટેલિફોન કર્યો કે હું બાબુ રાજેન્દ્રપ્રસાદનો અગત્યનો કાગળ લઈ ને નાગપુર આવું છું. ડૉ. ખરેએ ફોન લીધો તે વખતે શ્રી ગોળે તથા શ્રી દેશમુખ પણ ત્યાં હાજર હતા. ઠાકુર ચેદીલાલ મધરાત થઈ ગયા પછી નાગપુર પહોંચ્યા અને ડૉ. ખરેને ઘેર ગયા. ત્યાં શ્રી દેશમુખ તથા શ્રી ગોળે હતા. તેમને તેમના કાગળ આપી દીધા. પણ ડૉ. ખરે ઘેર નહોતા એટલે તેમનો કાગળ તેમને આપી શકાયો નહીં.

શ્રી શુક્લ, શ્રી મિશ્ર તથા શ્રી મહેતાને ગવરે મધરાતે બે વાગ્યે વખત આપ્યો હતો. એ પ્રમાણે તેઓ એમને મળવા ગયા અને રાજીનામું નહીં આપવાનાં કારણ સમજાવ્યાં. છતાં તા. ર૧મીએ પરોઢિયે પાંચ વાગ્યે પ્રધાનના હોદ્દા ઉપરથી તેમને મુક્ત કર્યાના ખબર આપવામાં આવ્યા. ત્યાર પછી ડૉ. ખરેએ નવું પ્રધાનમંડળ રચ્યું અને તા. ૨૧મીએ સવારમાં જ જે પ્રધાનો ત્યાં હાજર હતા તેમણે અને ડૉ. ખરેએ પ્રધાન તરીકેના સગંદ પણ લીધા.

તા. ૨૨મીએ પાર્લમેન્ટરી કમિટી મળી. તેમને આ વાતની ખબર પડી એટલે તેમણે ડૉ. ખરેને તથા નવા સાથીઓને તેમ જ બરતરફ થયેલા પ્રધાનોને તાર કરીને વર્ધા બોલાવ્યા. દરમ્યાન કૉંગ્રેસના પ્રમુખ બાબુ સુભાષચંદ્ર બોઝ પણ ત્યાં આવી ગયા હતા. સાંજ સુધીમાં ડૉ. ખરે તથા નવા પ્રધાનો શ્રી દેશમુખ, શ્રી ગોળે અને ઠાકુર પ્યારેલાલ આવી પહોંચ્યા. વિદર્ભ તથા મહાકોશલ પ્રાંતિક સમિતિના પ્રમુખો પણ ત્યાં હતા, એ બધાની રૂબરૂ વાતો થઈ. વાતચીતમાં જણાયું કે ડૉ. ખરેએ તો તા. ૧૭મીએ મુદ્દામ માણસ મોકલીને ઠાકુર પ્યારેલાલસિંગને તેઓ નવા પ્રધાનમંડળમાં આવશે કે કેમ એ પુછાવ્યું હતું. આ ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે તા. ૧૫મીએ સરદારને નિશ્ચિંત રહેવાનું લખ્યા છતાં ત્યાર પછી તરત જ તેઓ નવું પ્રધાનમંડળ રચવાની બાજી ગોઠવવા લાગી ગયા હતા. તા. ૧૮મીએ ઠાકુર પ્યારેલાલસિંગનો હાનો જવાબ આવી ગયા એટલે ડૉ. ખરે તા. ૧૯મીએ ગવર્નરના સેક્રેટરીને મળ્યા અને તેમને પોતાની બધી યોજના જણાવી. આ બધું તેમણે પોતાના સાથીઓને, પ્રાંતિક સમિતિના પ્રમુખોને, તેમ જ પાર્લમેન્ટરી કમિટીને કશું જણાવ્યા વિના કર્યું હતું. વધારે અનુચિત તો એ હતું કે તા. રરમીએ સવારે જ્યારે ઠાકુર પ્યારેલાલસિંગે સોગંદ લીધા તે વખતે અમુક કાગળ સરદાર વલ્લભભાઈ લખેલો છે એવું કહીને તેમાંથી એક ફકરો તેમને વાંચી બતાવ્યો જેથી ઠાકુર પ્યારેલાલસિંગને એવો ભાસ પડે કે આ નવા પ્રધાનમંડળમાં જોડાવા માં તેઓ કોઈ ભૂલ કરતા નથી. આ ફકરામાં એવું લખેલું હતું કે તમારે પક્ષના નેતા જેમ કહે તેમ કરવું. પણ આ કાગળ સરદારે ડૉ. ખરે અથવા તો કોઈ પ્રધાન ઉપર લખેલ ન હતો પણ એક મ્યુનિસિપલ બોર્ડમાં ઝધડો પડેલો ત્યારે મે માસમાં તેના એક સભ્યને લખેલો હતો.

આ બધી વાતો ડો. ખરે અને તેમના નવા સાથીઓની રૂબરૂ થયા પછી ડૉ. ખરેને કહેવામાં આવ્યું કે તમારાં કૃત્યો તમે જે પદ ધરાવો છો તેને શોભે એવાં નથી. તેમને અને તેમના નવા સાથીઓને એ પણ કહેવામાં આવ્યું કે તમે ભૂલ કરી છે એમ તમને લાગતું હોય તો તમારે એ ભૂલ સુધારી લેવી જોઈએ. અંદર અંદર વિચાર કરવા માટે તેઓ બીજા ઓરડામાં ગયા. બહાર આવીને ડૉ. ખરેએ પોતાની ભૂલ કબૂલ કરી અને રાજીનામું આપી દેવાની તૈયારી બતાવી. તેમના નવા સાથીઓ પણ રાજીનામું આપવા કબૂલ થયા. નાગપુર જઈ તા. ૨૩મીએ તેમણે ગવર્નરને રાજીનામાં મોકલી આપ્યાં અને તેની પાર્લામેન્ટરી કમિટીને ખબર આપી.

તા. ર૩મીએ ડૉ. ખરેને કારોબારી સમિતિની બેઠકમાં બોલાવવામાં આવ્યા. તેમને કહેવામાં આવ્યું કે પક્ષના નેતાના રાજીનામાનો વિચાર કરવા અને નવા નેતાને ચુંટવા માટે તમારે ધારાસભા પક્ષની ખાસ બેઠક બોલાવવી જોઈએ. તા. ૨૭મીએ બેઠક બોલાવવાનું નક્કી થયું. તે જ વખતે ડૉ. ખરેએ પક્ષના નેતા તરીકે ઉમેદવારી કરવાનો પોતાનો ઈરાદો જણાવ્યો. કૉંગ્રેસના પ્રમુખે તથા કારોબારી સમિતિના સભ્યોએ તેમને સલાહ આપી કે ફરી નેતા થવું એ તમારે માટે શોભાસ્પદ નથી. છતાં ડૉ. ખરે પોતાના વિચારમાં મક્કમ રહ્યા, કારોબારી સમિતિએ ફરી તેમને તા. રપમીએ બોલાવ્યા અને ફરી એ જ સલાહ આપી. પણ પોતાનો નિશ્ચય કાયમ છે, એવું ડૉ. ખરેએ જણાવ્યું ત્યારે સેવાગ્રામ જઈ ગાંધીજીને પૂછવાની તેમને સલાહ આપવામાં આવી. કેંગ્રેસના પ્રમુખ તથા કારોબારી સમિતિના કેટલાક સભ્યો સાથે તેઓ સેવાગ્રામ ગયા. ખૂબ ચર્ચા થયા પછી ઉમેદવારી ન કરવાના વિચાર તરફ તેઓ વળ્યા હોય એમ જણાયું, અને એ મતલબના કાગળનો તેમણે મુસદ્દો કર્યો. ગાંધીજીએ તેમાં સુધારાવધારા કર્યા. પણ એ તેમને ગળે ન ઊતર્યા હોય એમ જણાયું, એટલે ગાંધીજીએ સલાહ આપી કે ઉતાવળે કશું પગલું ભરવાની જરૂર નથી, ઘેર જઈ આના ઉપર વિચાર કરો. તમારા મિત્રોની પણ સલાહ લેજો અને આવતી કાલે ત્રણ વાગ્યે કારોબારી સમિતિને તમારો છેવટનો નિર્ણય જણાવજો.

તા. ૨૬મીએ બપોરે ત્રણ વાગ્યે ડો. ખરેએ નાગપુરથી ફોન કર્યો કે મને એ મુસદ્દા પ્રમાણે કાગળ લખવાનો પસંદ નથી અને મારો જવાબ હું છ વાગ્યાની ગાડીમાં માણસ સાથે મોકલી આપું છું. કારોબારી સમિતિએ સાત વાગ્યા સુધી એમના જવાબની રાહ જોઈ પણ જવાબ ન આવ્યો એટલે નીચેનો ઠરાવ પસાર કર્યો :

"પાર્લમેન્ટરી કમિટીની બધી હકીકત સાંભળ્યા પછી અને પંચમઢીમાં તેમની તથા પ્રાંતની ત્રણે પ્રાંતિક સમિતિના પ્રમુખો સમક્ષ પ્રધાનો વચ્ચે થયેલા સમાધાન પછી જે બનાવો બન્યા છે તેના ઉપર કારોબારી સમિતિએ કાળજીપૂર્વક વિચાર કર્યો છે. ડૉ. ખરે સાથે પણ અનેક વાર વાતચીત કરી છે. એ બધા ઉપરથી કારોબારી સમિતિ બહુ દિલગીરી સાથે એવા નિર્ણચ ઉપર આવી છે કે ડૉ. ખરેએ પોતાનાં કૃત્યોથી અને છેવટે તેમણે (ગવર્નરને) આપેલા રાજીનામાથી તથા પોતાના સાથીઓ પાસે કરેલી રાજીનામાંની માગણીથી ગંભીર વિવેક દોષ કર્યો છે. તેમનાં કૃત્યોને લીધે મધ્ય પ્રાંતમાં કૉગ્રેસ હાંસીપાત્ર બની છે અને તેની પ્રતિષ્ઠાને ભારે ધક્કો પહોંચ્યો છે. ડૉ. ખરેને ઉતાવળે કંઈ પગલું ન ભરવાની સૂચના અપાઈ હતી, તે છતાં તેમણે આ કામ કર્યું છે તેથી એમણે ગંભીર શિસ્તભંગનો દોષ કર્યો છે.

“કૉંગ્રેસે પ્રધાનપદને સ્વીકાર કર્યો ત્યાર પછી પહેલી જ વાર, ડૉ. ખરેના રાજીનામાથી, ગવર્નરને પોતાની ખાસ સત્તા વાપરવાની અને ત્રણ પ્રધાનોને બરતરફ કરવાની તક મળી છે. આ ત્રણ પ્રધાનોએ, જ્યારે ગવર્નરે તેમની પાસે રાજીનામાં માગ્યાં ત્યારે પાલમેન્ટરી કમિટીની સૂચના વિના રાજીનામાં આપવાની ના પાડીને કૉગ્રેસ પ્રત્યે પોતાની વફાદારી બતાવી છે, એની આ કારોબારી સમિતિ સંતોષપૂર્વક નોંધ લે છે. “ નવું પ્રધાનમંડળ રચવાના ગવર્નરના આમંત્રણને સ્વીકાર કરીને, કૉંગ્રેસની નીતિ વિરુદ્ધ જઈને નવું પ્રધાનમંડળ રચીને તથા પાર્લમેન્ટરી કમિટી અને કારોબારી સમિતિની સભાઓ તરતમાં જ ભરાવાની હતી એમ જાણતાં છતાં એ કમિટીઓને જણાવ્યા વિના વફાદારીના સોગંદ લઈને ડૉ. ખરેએ શિસ્તભંગનો બીજો અપરાધ કર્યો છે.

"આ બધાં કૃત્યોથી ડૉ. ખરે કૉંગ્રેસના તંત્રમાં જવાબદારીનાં સ્થાન ભોગવવાને નાલાયક ઠર્યા છે. તેઓ જ્યાં સુધી કૉંગ્રેસી તરીકે પોતાની સેવા વડે કડક શિસ્તનું પાલન કરવાને અને પોતે ઉપાડેલી ફરજો પાર પાડવાને સમર્થ છે એમ બતાવી આપે નહીં ત્યાં સુધી કૉગ્રેસના તંત્રમાં જવાબદારીનાં સ્થાન ભેગવવાને નાલાયક ગણાશે.

“ કારોબારી સમિતિ દિલગીરી સાથે એવા નિર્ણચ ઉપર આવી છે કે મધ્ય પ્રાંતના ગવર્નરે બેહૂદી ઉતાવળ કરીને રાતનો દિવસ કર્યો અને આ પ્રાંતને પરાણે વિષમ પરિસ્થિતિમાં મૂક્યો. તે ઉપરથી તેમણે બતાવી આપ્યું છે કે તેઓ કૉંગ્રેસને પોતાથી બને તેટલી નબળી પાડવા અને બદનામ કરવાને આતુર હતા. કારોબારી સમિતિ માને છે કે પ્રધાનમંડળના સભ્યોમાં શું ચાલી રહ્યું છે, અને પાર્લમેન્ટરી કમિટીનું શું ફરમાન છે તેની તેમને ખબર હોવી જ જોઈએ. એમ છતાં અઘટિત ઉતાવળ કરીને ત્રણ પ્રધાનોનાં રાજીનામાં સ્વીકાર્યા અને બીજા ત્રણનાં રાજીનામાં માગ્યાં અને તેમણે રાજીનામાં આપવાની ના પાડતાં તેમને બરતરફ કર્યા, ત્યાર પછી તરત જ ડૉ. ખરેને નવું પ્રધાનમ મંડળ રચવા બોલાવ્યા અને કારોબારી સમિતિની સભા તરતમાં જ મળવાની હતી તેની રાહ જોયા વિના નવા પ્રધાનમંડળના જેટલા સભ્યો હાજર હતા, તેટલાની પાસે વફાદારીના સોગંદ લેવડાવ્યા એ બધું એમણે કરવું જોઈતું ન હતું.”

ઉપર પ્રમાણે ઠરાવ પસાર થઈ ગયા પછી ડૉ. ખરેએ કૉંગ્રેસના પ્રમુખ શ્રી સુભાષચંદ્ર બોઝ ઉપર લખેલો નીચેનો કાગળ મળ્યો :

પ્રિય શ્રી બોઝ,

“ તમે આપેલી સલાહ વિષે મેં બહુ કાળજીથી વિચાર કર્યો છે. એ વિષે મારા મિત્રો તથા સાથીઓની પણ મેં સલાહ લીધી છે. મને જણાવતાં દિલગીરી થાય છે કે જે મુસદ્દો મને આપવામાં આવ્યો છે અને જે સાફ કરીને તેના પર સહી કરવાનું મને કહેવામાં આવ્યું છે તે હું માન્ય રાખી શકું તેમ નથી. હું એ સ્વીકારવા તૈયાર નથી કે મેં કોઈ પણ જાતનો શિસ્તભંગનો દોષ કર્યો છે. હું એ પણ સ્વીકારવા તૈયાર નથી કે મારાં કૃત્યથી કૉંગ્રેસની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચ્યો છે. મને આપેલા મુસદ્દામાં કૉંગ્રેસનાં જવાબદારીનાં અને વિશ્વાસનાં સ્થાના ભોગવવાની લાયકાત વિષે કેટલાંક સૂચનો છે, તે આધાર વિનાનાં છે. હું દિલગીર છું કે તેની સાથે હું સંમત થઈ શકતો નથી.

“ વિશેષમાં મારે જણાવવું જોઈએ કે પ્રધાનમંડળની જવાબદારી સંયુક્ત ન હોવી જોઇએ એ વિષે તથા પ્રધાનો પ્રથમત: વડા પ્રધાનને જવાબદાર ન હોવા જોઈએ એ વિષે તથા તેઓ દરેક છૂટા છૂટા કૉંગ્રેસની પાર્લમ્ર્ન્ટરી કમિટીને જવાબદાર હોવા જોઈએ એ વિષે મારો સિદ્ધાંતનો મતભેદ છે. હું એવો

મત ધરાવું છું કે આવા વિચારોથી લોકશાહી રાજ્યતંત્રનો સંપૂર્ણ નિષેધ થાય છે. એ જ પ્રમાણે હું એ વિચારની પણ વિરુદ્ધ છું કે કૉગ્રેસની કારોબારી સમિતિ અથવા તો પાર્લમેન્ટરી કમિટી ધારાસભાના કૉગ્રેસ પક્ષને પોતાના નેતાની ચુંટણીની બાબતમાં કંઈ પણ ફરમાન કરી શકે. હું એવો અભિપ્રાચ ધરાવું છું કે ધારાસભામાંના કૉંગ્રેસ પક્ષને પોતાનો નેતા ચૂંટવાની સ્વતંત્રતા હોવી જોઈએ અને નેતાની ચુંટણી પણ કોઈ જાતની દરમ્યાનગીરી વિના અબાધિત રીતે થવી જોઈએ. વળી પોતાના સાથીઓની પસંદગી કરવામાં પક્ષના નેતાને પોતાનો નિર્ણય સ્વતંત્ર રીતે કરવાની સંપૂર્ણ છૂટ હોવી જોઈએ.

“ ગઈ કાલે કેટલીક વ્યક્તિઓએ પહેલી જ વાર જે ચોંકાવનારા વિચારો દર્શાવ્યા તે સાંભળીને મને બહુ આશ્ચર્ય થયું છે. હું હમેશાં એમ માનતો આવ્યો છું કે લોકશાહી પાર્લમેન્ટરી તંત્રો વિષે આખી દુનિયામાં જે ખ્યાલો અને રૂઢિઓ પ્રચલિત છે તે જ પ્રમાણે આપણે પણ કામ કરવાનું છે.

“ કારોબારી સમિતિ જો એમ ઇચ્છતી હોય કે ધારાસભા પક્ષની આવતી કાલે મળનારી સભામાં મારે નેતાપદની ઉમેદવારી ન કરવી તો એ મતલબનો હુકમ તેણે કાઢવો જોઈએ. એક ચુસ્ત શિસ્તપાલક તરીકે એ હુકમ હું ખુશીથી માથે ચડાવીશ.”

કૉંગ્રેસ કારોબારીનો ઠરાવ અને ડૉ. ખરેનો કાગળ બહાર પડતાં જ વર્તમાનપત્રોને તો જાણે ઉજાણી મળી ગઈ. જે વર્તમાનપત્રો કૉંગ્રેસને વગોવવાનો લાગ જ જોઈ રહ્યાં હતાં એમણે કારોબારી સમિતિની અને ખાસ કરીને તે સરદારની ખૂબ વગોવણી કરવા માંડી. ડૉ. ખરેએ પણ મહારાષ્ટ્રમાં ફરીને ભાષણો ઉપર ભાષણો કરવા માંડ્યાં. તેમાં પોતાની ભૂલ ઉપર, ઢાંકપિછોડો કરી સરદારને પૂરેપૂરા દોષિત ઠરાવવા માટે તેમના પર હુમલા કરવા માંડ્યા. એટલે પાર્લમેન્ટરી કમિટીએ બનેલી હકીકતો સત્તાવાર રીતે રજૂ કરતું એક નિવેદન તા. ૪થી ઓગસ્ટે બહાર પાડયું. તેમાંની બધી હકીકતો ઉપરના વર્ણનમાં આવી જાય છે, એટલે તે નિવેદન આખું અહીં આપવાની જરૂર નથી. એના છેલ્લા બે ફકરા જ નીચે આપ્યા છે :

"કૉગ્રેસ કારોબારી સમિતિના મનમાં એ વાતની જરાયે શંકા નહોતી કે પોતાના જે જૂના સાથીઓ સાથે ડૉ. ખરેએ પંચમઢીમાં સમાધાન કર્યું હતું, તે સાથીઓને પોતાના પ્રધાનમંડળમાંથી તેઓ કાઢવા માગતા હતા. એટલે જ તેને કશી ખબર આપ્યા વિના નવા સાથીઓની શોધ તેમણે શરૂ કરી દીધી હતી. તેમણે પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅનને પણ બનાવ્યા જ. એક તરફથી તેમને ખાતરી આપી કે પોતે કશું ઉતાવળું પગલું નહીં ભરે અને કંઈ બનાવો બનશે તેનાથી તેમને વાકેફ રાખશે, અને બીજી તરફથી કૉંગ્રેસ અધિકારીઓને તદ્દન અંધારામાં રાખી ગવર્નરની મદદથી પોતાને પ્રતિકૂળ સાથીઓને દૂર કરવાની તેમણે તજવીજ કરી.

“ આ વખતે પક્ષના કેટલાક સભ્યો તરફથી ડૉ. ખરેને વિનંતી કરવામાં આવી કે આવું બધું ચાલે છે ત્યારે તમે પક્ષની સભા બોલાવો. પણ એ વિનંતી

તેમણે ધ્યાન પર લીધી નહીં. તેમનો વિચાર તો પોતાને ન ફાવતા પ્રધાનોને દૂર કરી પોતાની પસંદગીનું નવું પ્રધાનમંડળ રચી, બધું રંધાઈ ગયા પછી એ વસ્તુ કારોબારી સમિતિ તથા પોતાના પક્ષ આગળ લાવવાનો હતો. આ બધું કારોબારી સમિતિ મળવાની હતી તે અગાઉ બે જ દિવસ પહેલાં તેમણે કરી નાખ્યું. આ સ્થિતિમાં તેમના વર્તન વિષે કારોબારી સમિતિ કશું પગલું ન ભરે તો પોતાની ફરજમાં એ ચૂકી ગણાય.”

ડો. ખરેએ કેટલીક હકીકત વિકૃત રૂપમાં અને કેટલીક હકીકત ખોટા રૂપમાં પોતાનાં ભાષણોમાં રજૂ કરવા માંડી હતી એટલે તેના ખુલાસા આપવા માટે તા. ૫મી ઓગસ્ટે સરદારે નીચે પ્રમાણે નિવેદન બહાર પાડ્યું :

"મધ્ય પ્રાંતના પ્રધાનમંડળમાં બની ગયેલી બીના વિષે પાર્લમેન્ટરી કમિટીએ બહુ વિગતવાર નિવેદન બહાર પાડ્યું છે. તે જોતાં કઈ વધુ બોલવાનો મારો ઇરાદો ન હતો. પરંતુ ડૉ. ખરે હમણાં પૂના, મુંબઈ વગેરે સ્થળોએ ફરી ભાષણ કરી આવ્યા તેમાં તેમણે સત્યથી વેગળી એવી કેટલીક હકીકતો રજૂ કરી છે અને અમારા ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે, એટલે તે વિષે સ્પષ્ટીકરણ કરવાની મારે માટે જરૂર ઊભી થઈ છે.

“ ડૉ. ખરે કહે છે કે મધ્ય પ્રાંતના વડા પ્રધાનનું પદ તેમના ઉપર પરાણે ઠોકી બેસાડવામાં આવ્યું હતું. એ વાત તદ્દન ખોટી છે. શરૂઆતથી જ મધ્ય પ્રાંતની ધારાસભામાંના કૉંગ્રેસ પક્ષના નેતા થવા તેઓ ઇંતેજાર હતા. પક્ષના નેતાની ચૂંટણી માટે બોલાવવામાં આવેલી સભામાં પ્રમુખ થઈને પોતાને મદદ કરવા તેમણે પ્રથમ મને અને પછી પંડિત જવાહરલાલજીને વિનંતી કરેલી. મહાકોશલની પ્રાંતિક સમિતિના પ્રમુખે પરિસ્થિતિ વિશે અમને ચેતવેલા હોવાથી અમે બંનેએ પ્રમુખ થવા ના પાડી. તે વખતે રવિશંકર શુકલ અને પંડિત દ્વારકાપ્રસાદ મિશ્ર વચ્ચે ખટરાગ ચાલતો હતો. તેનો લાભ લઈ પંડિત મિશ્રને તેમણે પોતાના પક્ષમાં લીધા. ડૉ. ખરેની વડા પ્રધાનપદને ચીટકી રહેવાની ઇંતેજારી ન હોત તો તેમને એવી તક તો ઘણી વખત સાંપડી હતી જ્યારે તેમની જગ્યાએ બીજો કોઈ હોય તો એ પદનું રાજીનામું આપી દે.

“ જ. શરીફના પ્રકરણમાં ગાંધીજીને અને મને વચન આપ્યાં છતાં તેમણે જ. શરીફને માટે પક્ષનો વિશ્વાસ હોવાનો મત મેળવ્યો અને કૉંગ્રેસની કારોબારી સમિતિની આગળ એ વસ્તુ સિદ્ધ રૂપમાં રજૂ કરી. તેઓ કારોબારી સમિતિને ધમકી આપવાની હદ સુધી પણ ગયેલા કે જ. શરીફની બાબતમાં પક્ષના નિર્ણયની વિરુદ્ધ તમે કોઈ પણ પગલાં ભરશે તો હું રાજીનામું આપીશ. પણ કારોબારી સમિતિએ ડૉ. ખરે અને તેમના પક્ષની એ વાત મંજૂર ન રાખી, જેને પરિણામે જ. શરીફને રાજીનામું આપવું પડ્યું. આજે ડૉ. ખરેને પ્રધાનમંડળની સંયુક્ત જવાબદારીનું ઘેલું લાગ્યું છે. તો જે વખતે જ. શરીફે રાજીનામું આપ્યું તે વખતે શું કામ તેઓ વડા પ્રધાનપદ ઉપર ચાલુ રહ્યા ? ત્યાર પછી તેમની કુશળતાના મુદ્દા ઉપર જ્યારે તેમના ત્રણ સાથીઓએ રાજીનામું આપ્યું ત્યારે ડૉ. ખરેને રાજીનામું આપવાની બીજી તક મળી હતી. 

પછી પંચમઢીમાં મળ્યા પછી પાર્લમેન્ટરી કમિટીએ નિવેદન બહાર પાડ્યું જેમાં તેમના ઉપર વહીવટી અકુશળતાને તથા મામામાસીનું કરવાનો આરોપ આવતો હતો. ત્યારે એ ત્રીજી વારની તકે પણ તેઓ રાજીનામું આપી શકતા હતા. પણ એમણે તો નવું પ્રધાનમંડળ રચવાને પોતાને આમંત્રણ આપવામાં આવશે એ વસ્તુ પાકે પાયે કરી લીધા પછી જ તા. ૨૦મી જુલાઈએ રાજીનામું આપ્યું. મારી સાથે એમનો ઘણો પત્રવ્યવહાર ચાલતો તેમાં એમણે કોઈ વાર ઇશારો સરખો પણ કર્યો નથી કે પોતે વડા પ્રધાનનું પદ છોડી દેવા ઇચ્છે છે. અત્યારે એ પદ ગુમાવ્યા પછી, કહેવા નીકળ્યા છે કે એ પદ તો એમના ઉપર પરાણે લાદવામાં આવ્યું હતું.

“ ડૉ. ખરે એવી દલીલ કરે છે કે પ્રથમ જ્યારે પ્રધાનમંડળ રચવામાં આવ્યું ત્યારે પાર્લમેન્ટરી કમિટીને પૂછવાગાછ્યા વિના એમણે પોતાના સાથીઓને પસંદ કર્યા હતા. આ વસ્તુ પણ તદ્દન ખોટી છે. ૧૯૩૭ના માર્ચમાં કૉંગ્રેસની કારોબારી સમિતિએ પાર્લામેન્ટરી કમિટી એટલા માટે નીમી હતી કે,

" 'તે બધા પ્રાંતની ધારાસભાઓમાંના કૉંગ્રેસ પક્ષના સતત અને પૂરા સંપર્કમાં રહે, તેમની બધી પ્રવૃત્તિ વિશે તેમને સલાહ આપે અને કોઈ એવો તાકીદનો પ્રસંગ ઊભો થાય તો તે માટે જરૂરી પગલાં લે.'

"૧૯૯૭ના જુલાઈમાં ડૉ. ખરે અને મારી વચ્ચે ચાલેલા પત્રવ્યવહાર ઉપરથી સાબિત થાય છે કે ડો. ખરેના બધા હિંદુ સાથીઓ મારી અગાઉથી મંજૂરી મેળવીને પસંદ કરવામાં આવ્યા હતા. મુસલમાન પ્રધાન માટે તેમણે મૌલાના અબુલ કલામ આઝાદની મંજૂરી મેળવી હતી. તે વખતે જ. શરીફના પ્રસંગમાં તથા પંચમઢીની સભામાં, જરૂર પડે તો નવા પ્રધાન નીમવાની સત્તા કારોબારી સમિતિએ પાર્લમેન્ટરી કમિટીને આપી હતી. તે વખતે પ્રધાનને નીમવા અથવા તો તેને દૂર કરવાના કારોબારી સમિતિના અથવા તો પાર્લમેન્ટરી કમિટીના અધિકારનો ડૉ. ખરેએ કદી ઇનકાર કર્યો નથી. વર્ધામાં ગયે મહિને મળેલી કારોબારી સમિતિની બેઠક પછી થોડા જ દિવસ પછી ડૉ. ખરેએ મને વિનંતી કરેલી કે તેમની અને બીજા પ્રધાનની વચ્ચે દફતરોની ફરી વહેંચણી તમે કરી આપો.

“ ડૉ. ખરેએ એવું કહ્યું છે કે પંચમઢીનું સમાધાન પણ તેમના ઉપર ઠોકી બેસાડવામાં આવ્યું હતું. એ વાત પણ તદ્દન ખોટી છે. ધારાસભામાંના કૉંગ્રેસ પક્ષની તા. ર૫મી મેના રોજ પંચમઢીમાં મળેલી સભામાં ડૉ. ખરે અને તેમના સાથીઓએ એક લેખી નિવેદન રજૂ કર્યું હતું. તેમાં તેમણે કહ્યું છે કે,

" 'અમને જણાવતા આનંદ થાય છે કે અમારા મતભેદનો નિકાલ અમે અંદર અંદર લાવી શક્યા છીએ અને પૂરેપૂરી સહુકારવૃત્તિથી હળીમળીને કામ કરવાને અમે સંમત થયા છીએ. અમને વિશ્વાસ છે કે અમારા કામમાં તમારો પૂરો સહકાર અને ટેકો અમને મળશે.'

"ઉપરનું સમાધાન મંજૂર રાખીને પાર્લમેન્ટરી કમિટીએ એક નિવેદન બહાર પાડ્યું. તેમાં તેમણે જણાવ્યું કે,

અમને જાહેર કરતાં આનંદ થાય છે કે મતભેદ સંધાઈ ગયા છે અને પ્રધાનોએ અમને ખાતરી આપી છે કે તેઓ પોતાના મતભેદો ભૂલી જઈ એકબીજા સાથે સહકારથી એક ટુકડી તરીકે કામ કરશે.'

"પહેલી જૂને મને લખેલા કાગળમાં ડૉ. ખરે કહે છે કે,

“ 'તમે છાપાંજોગું જે નિવેદન બહાર પાડ્ંયુ છે તે મેં જોયું છે. એની વિરુદ્ધ મારે કશું કહેવાનું નથી. થયેલા સમાધાનનો ન્યાયી અને તટસ્થ સાર તેમાં આવી જાય છે.”

“ સામાન્ય રીતે આખા પ્રાંત માટે અને ખાસ કરીને પ્રધાનમંડળ માટે મેં જે કંઈ કર્યું હતું તે બાબત તેમણે એ કાગળના અંત ભાગમાં મારો આભાર માન્યો છે.

"તેમનાં આ બધાં કથનો જોતાં પંચમઢીનું સમાધાન કૉંગ્રેસ ઉચ્ચાધિકારીઓએ તેમના ઉપર ઠોકી બેસાડ્યું એમ કહેવું એ અસાધારણ સાહસનો એક નમૂનો છે.

“ ડૉ. ખરે એવો આક્ષેપ કરે છે કે વડા પ્રધાનપદેથી એમને દુર કરવા માટે એક રીતસરનું કાવતરું યોજાયું હતું. આશ્ચર્યની વાત એ છે કે મારી ઉપરના કાગળોમાં ડૉ. ખરેએ કોઈ દિવસ આવી ફરિયાદ કરી નથી. વળી પંચમઢીના સમાધાનનો અમલ કરવાને માટે તેમણે જે જે પગલાં લીધાં હતાં તેનો રિપોર્ટ તા. ૧પમી જુલાઈએ તેમણે મને મોકલ્યો તેમાં પણ આ વસ્તુનો ઉલ્લેખ નથી. પંચમઢીના સમાધાનને આધારે જ ડૉ. ખરે વડા પ્રધાન તરીકે ચાલુ રહ્યા હતા, તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાની પાર્લમેન્ટરી કમિટીની તથા ડૉ. ખરેના સાથીઓની ઇચ્છા ન હતી.

"તા. ૧૫મી જુલાઈએ મને મોકલેલા રિપોર્ટમાં ડૉ. ખરે પોતે જ કહે છે કે,

“ 'અત્યારના સંજોગોમાં દફતરની ફરી વહેંચણી કરવાનું કામ તમને સોંપ્યા સિવાય મારી પાસે બીજો વિકલ્પ નથી. સામાન્ય રીતે પ્રધાનમંડળનું અને વિશેષ કરીને મુખ્ય પ્રધાનનું કામ સરળ રીતે ચાલે એ બાબત મારા અમુક ચોક્કસ વિચારો છે. મારી આપને નમ્ર વિનંતી છે કે આપ નિર્ણય કરો તે પહેલાં એ વિચારો આપની આગળ રજું કરવાની મને તક આપશો.”

"ડૉ. ખરેના મનની અત્યારની સ્થિતિ જોતાં તેમને વિષે મને બહુ સહાનુભૂતિ થાય છે. પણ હું ઇચ્છું છું કે હુકીકતો રજૂ કરવા વિષે તેઓ વધારે કાળજી રાખતા થાય.”

વર્તમાનપત્રોમાં તો દરરોજ આ વિષય ઉપર ચર્ચા ચાલ્યા જ કરતી હતી. મહારાષ્ટ્રના બધા જૂના નેતાઓની સહાનુભૂતિ ડૉ. ખરે માટે ઊભરાઈ જતી હતી. ડૉ. આંબેડકર, ડૉ. મુંજે, શ્રી નરીમાન વગેરેને કૉંગ્રેસ ઉપર હુમલા કરવાની સરસ તક મળી ગઈ હતી. એંગ્લોઈન્ડિયન છાપાંઓએ બંધારણીય પ્રશ્નો ઉઠાવીને કોંગ્રેસની કારોબારી સમિતિ બંધારણ વિરુદ્ધ વર્તે છે, એવા આક્ષેપ કરવા માંડ્યા હતા. એ આક્ષેપોનો સા૨ કાઢીએ તો નીચે પ્રમાણે નીકળે છે :

૧. મુખ્ય પ્રધાન ધારાસભામાંના પોતાના પક્ષને જ જવાબદાર છે. એના કામમાં કૉંગ્રેસની પાર્લમેન્ટરી કમિટી અથવા તો કારોબારી સમિતિ દખલ કરે એ બંધારણ વિરુદ્ધ છે.
૨. મુખ્ય પ્રધાનને પોતાના સાથીઓ પસંદ કરવાનો પૂરેપૂરો હક છે.
૩. કૉંગ્રેસ કારોબારી સમિતિએ ડૉ. ખરેને ફરી નેતા ન ચુંટાવા દીધા એ બંધારણ વિરુદ્ધ કૃત્ય કર્યું છે.
૪. ગવર્નર આ પ્રસંગમાં બંધારણપૂર્વક વર્ત્યા છે, છતાં તેમના ઉપર કારોબારી સમિતિએ નાહકના આક્ષેપ કર્યા છે.
૫. આટલું બધું કરીને છેવટે કારોબારી સમિતિએ જે પ્રધાનો પસંદ કર્યા છે, તે અકુશળ અને સ્વાર્થી છે.
૬. કૉંગ્રેસ કારોબારીના આ કૃત્યમાં હડહડતું ‘ફાસીઝમ' છે.

આ ટીકાઓ ઉપરથી ગાંધીજીએ ‘હરિજન'માં કારોબારી સમિતિના કર્તવ્ય વિષે એક લેખ લખ્યો છે. તેમાંથી કેટલાક ઉતારા આપીશું. પહેલી ત્રણ ટીકાઓ જે બંધારણને લગતી છે, એના રદ્દિયા નીચેના ફકરામાંથી મળી રહે છે :

"આંતરિક વિકાસ અને વહીવટને માટે કૉંગ્રેસ એ જગતની કોઈ પણ સંસ્થાના જેટલી જ લેાકશાસનવાળી સંસ્થા છે. પણ આ લોકશાસનવાળી સંસ્થા જગતમાં આજે હસ્તી ધરાવતી મોટામાં મોટી સામ્રાજ્યશાહી સત્તાની સાથે લડવા માટે સ્થાપવામાં આવેલી છે. એટલે આ બાહ્ય કામને માટે તેની સરખામણી લશ્કરની સાથે જ કરવી રહે છે. લશ્કર તરીકે એ લોકશાસનવાળી સંસ્થા મટી જાય છે. તેણે પોતાની કારોબારી સમિતિને કુલ સત્તા આપી છે. પોતાના હાથ નીચે કામ કરી રહેલી વિવિધ સંસ્થાઓ ઉપર તે પોતાની શિસ્ત બેસાડી શકે છે, અને તેનો અમલ કરાવી શકે છે. કૉંગ્રેસની પ્રાંતિક સમિતિઓ અને પ્રાંતિક ધારાસભાઓમાંના કૉંગ્રેસ પક્ષો આ કારોબારી સમિતિને આધીન છે. કૉંગ્રેસે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ઍકટની રૂએ અધિકાર ગ્રહણ કર્યો છે ખરો, પણ એ કાયદો ઘડનારાઓની ધારણા પ્રમાણે તેનો અમલ કરવા સારુ અધિકાર ગ્રહણ કર્યો નથી. એ કાયદાની જગ્યાએ હિંદુસ્તાનના લોકોએ પોતે ઘડેલો સાચો બંધારણનો કાયદો સ્થાપવાનો દિવસ નજીક આવે એવી રીતે તેને અમલ કરવા માટે કૉંગ્રેસે અધિકાર હાથમાં લીધો છે. એટલે હોદ્દા સ્વીકાર્યા છતાં આપણી સ્વરાજની લડત ચાલુ જ છે. અને લડત ચલાવનાર તંત્ર તરીકે કૉંગ્રેસે પોતાની કારોબારી સમિતિના હાથમાં બધી સત્તા કેન્દ્રિત કરવી જ જોઈએ. પોતાના હાથ નીચેના દરેક ખાતાને કૉંગ્રેસે દોરવણી આપવાની છે. દરેક કૉંગ્રેસી પછી તે ગમે તેટલા ઊંચા સ્થાને બેઠેલો હોય તેની પાસેથી પોતાનાં ફરમાનોનું

અચૂક પાલન કૉંગ્રેસે કરાવવું જ જોઈએ. લડત બીજી કોઈ રીતે ચલાવી જ ન શકાય.”

૧૯૩૭ના માર્ચમાં જ્યારે કૉંગ્રેસ પક્ષના બધા ધારાસભ્યોએ કૉંગ્રેસને વફાદાર રહી કૉંગ્રેસના આદેશ પ્રમાણે ધારાસભામાં કામ કરવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે ઉપરના સિદ્ધાંત તેમણે સ્વીકારી લીધા હતા. તે અનુસાર ગાંધીજી કહે છે કે,

“ ડૉ. ખરે જો એમના જક્કી અને કહ્યું ન માનનારા સાથીઓથી કંટાળી ગયા હતા તો તેમણે ગવર્નર પાસે નહીં, પણ કારોબારી સમિતિ પાસે જઈને પોતાનું રાજીનામું આપવું જોઈતું હતું. એ સમિતિના નિર્ણયથી સંતોષ ન થાય તો તેઓ મહાસમિતિ પાસે જઈ શકે, પણ કોઈ પણ કૉંગ્રેસ પ્રધાનને કોઈ પણ પ્રસંગે માંહોમાંહેના કજિયા ગવર્નરની પાસે લઈ જવાની અને કારોબારી સમિતિની અગાઉથી સંમતિ મેળવ્યા વિના ગવર્નર મારફતે રાહત મેળવવાની છૂટ નથી. ડૉ. ખરેએ આ સાદા ઇલાજની અવગણના કરી અથવા એથીયે વધારે ખરાબ તો એ ઇલાજનું અજ્ઞાન બતાવ્યું અને કારોબારી સમિતિ થોડા જ દિવસ પછી મળવાની હતી છતાં પોતાની મુશ્કેલીઓનો અંત આણવા ગવર્નર પાસે દોડી ગયા એમાં એમણે ગંભીર ભૂલ કરી છે.”

કારોબારી સમિતિના નિર્ણયની યથાર્થતા વિષે ગાંધીજી લખે છે :

“ ડૉ. ખરેએ પાર્લમેન્ટરી કમિટીની સુચનાઓની અવગણના કરવામાં ભચંકર શિસ્તભંગનો અપરાધ કર્યો એટલું જ નહીં પણ ગવર્નરને હાથે પોતાને બેવકૂફ બનવા દીધા તથા પોતાના ઉતાવળિયા પગલાથી પોતે કૉંગ્રેસને હલકી પાડતા હતા એ વાતની ખબરદારી ન રાખી. તેથી તેમણે નેતા તરીકે પોતાની નાલાયકી પુરવાર કરી આપી છે. પોતાના દોષની નિખાલસપણે કબૂલાત કરવાની અને નેતાપદમાંથી ખસી જવાની જે સલાહ કારોબારી સમિતિએ આપી તે સ્વીકારવાની ના પાડીને તેમણે શિસ્તભંગના પ્રમાણમાં ઉમેરો કર્યો છે. ડૉ. ખરેના આ કામને કારોબારી સમિતિએ વખોડી કાઢ્યું ન હોત અને તેમને નાલાયક ન ઠરાવ્યા હોત તો સમિતિ પોતાની ફરજ ચૂકત.”

ડૉ. ખરેના અનુગામીઓ વિષે ગાંધીજી કહે છે :

"એમ કહેવામાં આવે છે કે ડૉ. ખરેની જગ્યાએ જે માણસો હવે આવ્યા છે તેઓ સ્વાર્થી છે, આવડત વિનાના છે, અને ચારિત્ર્યમાં ડૉ. ખરેને જરાયે પહોંચી શકે એવા નથી. ટીકાકારોએ ચીતર્યા છે એવા આ માણસો હોય તો જે ભારે જવાબદારી તેમણે ઉઠાવી છે તે પાર પાડવામાં તેઓ જરૂર નિષ્ફળ નીવડશે. પરંતુ કારોબારી સમિતિ પોતાની મર્યાદામાં રહીને જેટલું થઈ શકે એટલું જ કરી શકે. પ્રાંતના ચુંટાયેલા સભ્યોમાંથી જ તેઓ પ્રધાનોની પસંદગી કરી શકે. એમની ચૂંટણી કરવાની સત્તા તો પક્ષના સભ્યોની છે. તેઓ જો એમને ચૂંટી કાઢે તો જ્યાં લગી તેઓ શિસ્તમાં રહે અને પ્રજાના વિશ્વાસને તેઓ નાલાયક છે એમ જાણવામાં ન આવે ત્યાં લગી કારોબારી સમિતિ વચ્ચે પડી શકે નહી.”

ગવર્નરે ભજવેલા ભાગ વિષે ગાંધીજી કહે છે :

"મધ્ય પ્રાંતના ગવર્નર વિશે કારોબારી સમિતિએ જે અભિપ્રાય પ્રગટ કર્યો છે તેને કેટલાયે વર્તમાનપત્રોએ વખોડી કાઢ્યો છે. વિરોધીઓ વિષે ઉતાવળો અભિપ્રાય બાંધવાની મને ટેવ નથી. પણ આ ઠરાવની જે ટીકા થઈ છે તે પ્રમાણે એ ઠરાવથી ગવર્નરને કશો અન્યાય થયો છે એવું મારે ગળે ઊતરી શક્યું નથી. તેમણે ડૉ. ખરે અને તેમના બે સાથીઓનાં રાજીનામાં સ્વીકાર્યા, બીજા ત્રણ પ્રધાન પાસેથી રાજીનામાં માગ્યાં, તેમની પાસે તાત્કાલિક જવાબ માગ્યા, તેમણે આપેલો ખુલાસે એકદમ ફેકી દીધો અને તેમને બરતરફ કર્યા. અને આ બધું કરવાને સારુ લગભગ આખી રાત પોતે જાગતા રહ્યા, પોતાના મંત્રી વગેરેને તથા બિચારા પ્રધાનોને જાગતા રાખ્યા. આમ કરવામાં ગવર્નરે બતાવેલી ઉતાવળને માટે હું ‘ભૂંડી' એ જ વિશેષણ વાપરી શકું છું. ડૉ. ખરેનું રાજીનામું તે ક્ષણે જ સ્વીકારવાને બદલે તેમણે બે જ દિવસ પછી ભરાનારી કારોબારી સમિતિની બેઠકની રાહ જોઈ હોત તો કશું ખાટુંમાળું થઈ જવાનું ન હતું.

"બેશક ગવર્ન૨ કાયદાના અક્ષરો પ્રમાણે વર્ત્યા છે. પણ બ્રિટિશ સરકાર અને કૉંગ્રેસ વચ્ચે જે ગર્ભિત સમજૂતી થયેલી છે તેનો આત્મા તેમના આ કૃત્યથી હણાયો છે. જે કારોબારી સમિતિના ઠરાવની ટીકા કરે છે, તેઓ વાઈસરૉયે સંભાળપૂર્વક તૈયાર કરેલું ગયા વર્ષનું જાહેરનામું વાંચી જાય. એ અને બીજાં જાહેરનામાંથી કારોબારી સમિતિને હોદ્દા સ્વીકારનો અખતરો અજમાવી જોવાનું મન થયું હતું. વાઈસરૉયનું એ જાહેરનામું વાંચીને ટીકાકારો પોતાના મનને પૂછે કે કારોબારી સમિતિ, ડૉ. ખરે અને તેમના સાથીઓ વચ્ચે જે વાટાધાટે ચાલી રહેલી હતી તે ધ્યાનમાં લેવાને ગવર્નર બંધાયેલા હતા કે નહી. આ નિર્વિવાદ હકીકત જાણ્યા પછી એવા વિચાર ઉપર આવ્યા વિના રહેવાતું જ નથી કે ગવર્નરે કૉંગ્રેસને બદનામ કરવાની આતુરતામાં આખી રાત જાગરણ કર્યું અને કૉંગ્રેસને અગવડમાં મૂકવાની પરિસ્થિતિ ઊભી કરી. યુક્ત પ્રાંત, બિહાર અને ઓરિસ્સાના ગવર્નરોએ તેમની સામે વિષમ પ્રસંગ આવી પડ્યો ત્યારે કોંગ્રેસની દોરવણીની વાટ જોઈ હતી. બેશક એ ત્રણ પ્રસંગમાં એમ કરવામાં એમનો દેખીતો સ્વાર્થ હતો. ત્યારે શું એમ કહેવું જોઈએ કે મધ્ય પ્રાંતમાં કૉંગ્રેસને મૂંઝવવાને માટે વિષમ પ્રસંગ ઊભો કરવામાં બ્રિટિશ સત્તાનો દેખીતા સ્વાર્થ રહેલો હતો ? ”

હવે છેલ્લી ટીકા 'ફાસીઝમ'ની લઈએ. એ વિષે ગાંધીજીએ લખ્યું છે કે,

"કેટલાક કહે છે કે આ તો હુડહુડતું 'ફાસીઝમ' છે. પણ એમને ખબર નથી કે ફાસીઝમમાં તો નાગી તલવારનો અમલ હોય છે. એવા અમલમાં તો ડૉ. ખરે જેવાએ પોતાનું માથું ગુમાવ્યું હોય. કૉંગ્રેસ અને ફાસીઝમ વચ્ચે જમીન આસમાનનો ફરક છે. કેમ કે કૉંગ્રેસ નિર્મળ અહિંસાના પાયા પર રચાયેલી છે. એની પાસે પોતાની આજ્ઞાનું પાલન કરાવવાની જે સત્તા છે, તે કેવળ નૈતિક છે.”

ડો. ખરેએ 'મારો બચાવ એ નામનું એક ચોપાનિયું બહાર પાડીને બનેલી હકીકતો એવા વિકૃત રૂપમાં રજૂ કરી અને કેટલીક અગત્યની હકીકતો છુપાવી કે જેથી કૉંગ્રેસની કારોબારી સમિતિએ અને ખાસ કરીને તો સરદારે અને ગાંધીજીએ તેમને જાણે ભારે અન્યાય કર્યો હોય એવો વાચકને ભાસ થાય. એમાં પ્રચારની દષ્ટિએ એમણે કેટલુંક લખ્યું હતું તે તો "ખૂબ જ વાંધાભરેલું અને ગંદુ હતું.” કોઈ પણ હિંદીના દિલમાં એ વાંચતાં જુગુપ્સાનો ભાવ પેદા થાય એવું હતું. કૉંગ્રેસના પ્રમુખ સુભાષબાબુએ બહુ જ લાંબું સ્ટેટમેન્ટ બહાર પાડીને ડો. ખરેની એકેએક વાતના ચોટડૂક રદિયા આપ્યા. તેમણે સાબિત કરી આપ્યું કે,

“ ડૉ. ખરેએ ગભીર શિસ્તભંગ કર્યો હતો, તેમની સામે જે પગલાં લેવામાં આવ્યાં હતાં તે પ્રમાણમાં ઘણાં નરમ હતાં, અને એ પગલાં લેવામાં કૉંગ્રેસ પૂરેપૂરી બંધારણીય રીતે અને લોકતંત્રના સિદ્ધાંત પ્રમાણે વર્તી હતી. ડૉ. ખરેએ પાર્લમેન્ટરી અને લોકશાસનની પરંપરાની વાત કરી છે. પણ કૉંગ્રેસ અને તેની કારોબારી સમિતિ પ્રત્યે જે વફાદારી રાખવાને તેઓ બંધાયેલા હતા તે વફાદારી તેમણે રાખી નથી. કૉંગ્રેસના ધારાસભ્ય, પ્રધાનો અથવા તો વડા પ્રધાનો થાય ત્યારે તો કૉંગ્રેસી તરીકે તેમની જવાબદારી ઊલટી વધે છે. તેઓ પેતાની વર્તણૂક અને પોતાનાં કામો માટે કૉંગ્રેસ પ્રત્યેની અને તેની કારોબારી સમિતિ પ્રત્યેની જવાબદારીમાંથી છટકી શકતા નથી. આપણી તમામ પાર્લમેન્ટરી પ્રવૃત્તિની પાછળ નિયામક તત્ત્વ એ રહેલું છે કે ધારાસભામાંના પ્રત્યેક કૉંગ્રેસ પ્રતિનિધિએ પ્રતિજ્ઞા લીધી છે કે, કૉંગ્રેસની કારોબારી સમિતિ તથા તેના સત્તાવાર એજંટ તરીકે પાર્લમેન્ટરી કમિટી વખતોવખત જે સૂચનાઓ આપે તેનું પોતે પાલન કરશે. કૉંગ્રેસની આ મુખ્ય નીતિને આધીન રહીને ધારાસભા પક્ષનો નેતા વર્તે અને પક્ષનો જ્યાં સુધી તેને પૂરો ટેકા હોય ત્યાં સુધી તેના રોજબરોજના કામમાં કૉંગ્રેસની કારોબારી સમિતિ અથવા તો પાલમેન્ટરી કમિટી કશી દખલ કરે નહીં. પણ પ્રધાનમંડળનું અથવા તો ધારાસભ્યનું કોઈ પણ કૃત્ય કૉંગ્રેસની નીતિ સાથે સુસંગત છે કે નહીં, અને કૉંગ્રેસની નીતિ પ્રમાણે કરવા જેવું છે કે નહીં, તેનો નિર્ણય કરવાનો અધિકાર તો કૉંગ્રેસની કારોબારી સમિતિને જ છે. વ્યવહારમાં કૉંગ્રેસની કારોબારી સમિતિ પ્રાંતિક ધારાસભાપક્ષને અમુક પ્રકારની મર્યાદિત સ્વતંત્રતા આપે એ જુદી વાત છે. તેથી જ કૉંગ્રેસની કારોબારી સમિતિએ ડૉ. ખરેના વર્તન વિષે પોતાનો અભિપ્રાય માત્ર દર્શાવ્યો અને મધ્ય પ્રાંતનાં ધારાસભા પક્ષને પોતાનો નેતા ચૂંટવાની સ્વતંત્રતા આપી. ડૉ. ખરેને ફરી નેતા ચૂંટવાની દરખાસ્ત ધારાસભા પક્ષની મીટિંગમાં આવી ત્યારે કૉંગ્રેસના પ્રમુખે તેને નિયમ બહાર ઠરાવી ઉડાવી દીધી નહીં.”

ડૉ. ખરેને કારોબારી સમિતિએ પહેલી વાર મળવા બોલાવ્યા અને પછીથી તેઓ ગાંધીજીની સલાહ લેવા સેવાગ્રામ ગયા ત્યારે તેમણે બહાર પાડવાના નિવેદનના મુસદ્દાની અને તેમાં ગાંધીજીએ કરેલા સુધારાવધારાની વાતનો ઉલેખ પહેલાં આવી ગયો છે. એ સંબંધમાં ડૉ. ખરેએ પહેલાં પણ કહેલું અને આ ચેાપાનિયામાં પણ જણાવ્યું કે એ નિવેદનનો મુસદ્દો મેં જાતે લખેલો નહોતો પણ ગાંધીજીએ મને લખાવ્યો હતો. વળી કૉંગ્રેસના પ્રમુખ તેમને પરાણે ગાંધીજીની પાસે લઈ ગયા હતા એવું પણ તેમણે પોતાના બચાવમાં લખ્યું હતું. આનો જવાબ ગાંધીજીએ નીચે પ્રમાણે એક નિવેદન પ્રસિદ્ધ કરીને આપ્યો :

"ડૉ. ખરેએ કરેલો પોતાને બચાવ મેં વાંચ્યો છે. એમાંના જેટલા ભાગની સાથે મારે સંબંધ છે તેટલાનો જ જવાબ આપવાની પ્રજા પ્રત્યે મારી ફરજ છે. ડૉ. ખરેએ કહેલી વાત ખોટી છે, એમ કહેવું પડે છે, એને સારુ મને દુ:ખ થાય છે.

"તેઓ સેવાગ્રામ સ્વેચ્છાએ આવ્યા હતા. તેઓ મિત્ર તરીકે આવેલા. તેઓ આવ્યા ત્યારે તેમણે કશો વિરોધ પ્રદર્શિત કર્યો ન હતેા. એમનું વર્તન બરાબર ન હતું, એમ મેં કહ્યું તે પૂરેપૂરી દલીલ વિના એમને ગળે ઊતર્યું નહોતું. એમને જ્યારે મારી દલીલની યથાર્થતા સમનઈ ત્યારે એમણે પોતાની બધી બાજી મારા હાથમાં સોંપી દીધી. મેં એમને કહ્યું કે ‘ તમે મનનું સમતોલપણું ગુમાવ્યું છે એ તમે જ કબુલ કરો છો. એટલે જો તમારા મિત્રોને મળીને તેમની સલાહ લેવાની તમારી ઈચ્છા હોય તો જરૂર તમે સલાહ લો. આ ક્ષણે જ કાંઈ કરવું જોઈએ એવી જરાયે ઉતાવળ નથી.' એમણે જવાબ આપ્યો કે, 'હું જાતે જ નિર્ણચ કરવા સમર્થ છું. બીજા મિત્રોની સલાહ લેવાની કશી જરૂર નથી.' પછી મેં કહ્યું કે, 'તમે જે વાત કબૂલ કરી છે, તે તમે જાતે જ લખી કાઢો તો સારું.' એમણે કહ્યું, ‘હું લેખક નથી. એટલે તમે જ મારા નિવેદનનો ખરડો લખી આપો.' મેં કહ્યું, ‘પણ મારે તમારી ભાષા તો જોઈએ જ. તમે જે કબૂલ કર્યું છે તે એમાં પૂરતું આવી જતું નથી એમ મને લાગશે તો હું એમાં સુધારા કે ઉમેરા કરીશ.'

"કેટલીક આનાકાની પછી તેમણે કલમ અને કાગળ લીધાં ને ખરડો લખી કાઢ્યો. પછી મેં તે વાંચી જોયો અને તેમાં સુધારા ને ઉમેરા કર્યા. એમણે એ બે ત્રણ વાર વાંચ્યા ને કહ્યું', ' વિશ્વાસભંગની કબૂલાત તો મારાથી કદી નહીં થઈ શકે, ગમેતેમ પણ હું અત્યારે તો કાંઈ નિવેદન નહીં કરું. પણ તમારી સલાહ માનીને મારા મિત્રોની સલાહ લઈશ.' તેમનો જવાબ પહોંચાડવા માટે બીજે દિવસે બપોરના ત્રણ વાગ્યાની મુદત ઠરાવવામાં આવી હતી. આ લખું છું તે વખતે સુભાષબાબુ, મૌલાના સાહેબ અને સરદાર પટેલ અહીં બેઠેલા છે. તેમને મેં પૂછી જોયું છે અને તેઓ કહે છે કે એ દિવસના પ્રસંગોનું મેં કરેલું વર્ણન તદ્દન બરાબર છે.”

વર્તમાનપત્રોમાં આવેલા આ ખુલાસાઓ પછી ડૉ. ખરેએ પોતાનો ઝેરી પ્રચાર વધારે વેગથી ચલાવ્યો. મધ્ય પ્રાંતનાં, મહારાષ્ટ્રનાં, અને મુંબઈનાં કેટલાંક છાપાંઓએ તેમને ખૂબ મદદ કરી. તેમાં કેટલીક વાતો તો તદ્દન ઉપજાવી કાઢેલી અને કૉગ્રેસ સામે સારી પેઠે ઉકેરણીથી ભરેલી હતી. સરદારની સામે કાદવ ઉડાડવાનું પણ તેમાં બાકી રાખ્યું નહોતું, એટલે છેવટે દિલ્હીમાં મળેલી મહાસમિતિની બેઠકમાં ડૉ.ખરે સામે શિસ્તભંગનાં પગલાં લેવાનું નક્કી થયું અને નીચેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો :

“મધ્ય પ્રાંતના પ્રધાનમંડળ અંગે ઊભા થયેલા વિષમ પ્રસંગને પહોંચી વળવા માટે કારોબારી સમિતિએ જે ચાંપતાં અને ચોક્કસ પગલાં લીધાં છે, તેને મહાસમિતિ બહાલ રાખે છે. આ દુઃખદ પ્રસંગમાં ડૉ.ખરેના અને મધ્ય પ્રાંતના ગવર્નરના વર્તન વિષે કારોબારીએ જે વિચારો પ્રગટ કર્યા છે તેને મહાસમિતિ પૂરેપૂરી સંમતિ આપે છે.
“તે ઉપરાંત મહાસમિતિનો એવો સ્પષ્ટ અભિપ્રાય છે કે ડૉ. ખરેએ મધ્ય પ્રાંતના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું ત્યાર પછીની એમની વર્તણૂક સખતમાં સખત નિંદાને પાત્ર છે. તેથી ડૉ. ખરેની સામે શિસ્તભંગ કરવા માટેના આવશ્યક પગલાં લેવાને આ મહાસમિતિ કારોબારી સમિતિને સૂચના આપે છે.”

આમ ડૉ.ખરેના પ્રકરણનો ખેદજનક અંત આવ્યો. કૉંગ્રેસમાંથી નીકળી ગયા પછી ડૉ.ખરે હિંદુ મહાસભામાં જોડાયા અને ૧૯૪૩ની સાલમાં જ્યારે વાઈસરોયે પોતાની કારોબારી સમિતિના સભ્યોમાં વધારો કર્યો ત્યારે જે વખતે કૉંગ્રેસ સરકાર સાથે મરણિયો સંગ્રામ ખેલી રહી હતી તે વખતે વાઈસરોયની કારોબારી સમિતિના સભ્ય બન્યા. પણ માણસ એક વાર પાટેથી ઊતરી જાય છે પછી ક્યાં પહોંચે છે તેનું કંઈ ઠેકાણું રહેતું નથી, તેવું ડૉ.ખરેનું બન્યું.

કૉંગ્રેસે જ્યારે ધારાસભાઓની ચૂંટણીઓમાં ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું હતું કે ધારાસભામાં કૉંગ્રેસની બહુમતી થશે અને કૉંગ્રેસ સત્તા ઉપર આવશે તો એણે કરવાનાં કામોમાં એક મુખ્ય કામ એ હશે કે ગઈ લડતમાં જે લોકોએ પોતાની જમીન અને સ્થાવર મિલકત ગુમાવી છે, તે તેમને પાછી મેળવી આપવામાં આવશે. આ સવાલ મુંબઈ પ્રાંતમાં અને તેમાંય મુખ્યત્વે ગુજરાતમાં હતો. લડત ચાલતી હતી ત્યારે ગાંધીજીએ અને સરદારે લડતમાં ઊતરેલા ખેડૂતોને બહુ ભારપૂર્વક આશ્વાસન આપ્યું હતું કે ભલે સરકાર અત્યારે તમારી જમીનો અને સ્થાવર મિલકતો જપ્ત કરે અને તેની હરાજી કરી બીજાઓને વેચી દે, પણ જ્યાં સુધી એ મિલકતો તમને પાછી મળશે નહીં ત્યાં સુધી આપણી લડત ચાલુ જ રહેશે. એ મિલકતો હરાજીમાં પાણીના મૂલે વેચી નાખવામાં આવતી હતી ત્યારે સરદારે તો ખાસ કહેલું કે આ મિલકતો તો કાચો પારો છે, લેનારાઓને એ પચવાનો નથી, પણ ફૂટી નીકળવાનો છે. કૉંગ્રેસ તરફથી અપાયેલાં આ વચનોનું હોદ્દાઓનો સ્વીકાર કરતાંની સાથે જ પાલન કરવાનું હતું. એટલે મુંબઈની ધારાસભાએ એક ઠરાવ પસાર કર્યો કે આવી રીતે હરાજ થયેલી મિલકતો તેના ખરીદનારાઓ પાસેથી સરકારી ખર્ચે વેચાતી લઈ મૂળ માલિકને પાછી સોંપી દેવી. પણ જ્યારે એ હરાજ થઈ ત્યારે હરાજી કરનારા અમલદારોએ ખરીદનારાઓને બાંયધરી આપી હતી કે એ જમીનો યાવચંદ્રદિવાકરો તમને મળશે. કોઈ પણ સંજોગોમાં તમારી પાસેથી પાછી લેવામાં આવશે નહીં. આમ છતાં લડત દરમ્યાન પણ કૉંગ્રેસ પ્રત્યે લોકોની એટલી સહાનુભૂતિ હતી કે કોઈ ખરીદનારા મળતા નહીં. નિયમ એવો છે કે આવી રીતે હરાજી થતી હોય ત્યારે કોઈ સરકારી નોકર, કે અમલદાર હરાજીમાંથી મિલકત ખરીદ કરી શકે નહીં. આ હરાજીઓ વખતે એ નિયમ નેવે મૂકીને સરકારી નોકરોને હરાજીમાંથી મિલકત ખરીદવાની છૂટ આપવામાં આવી હતી. આ હરાજીઓ કહેવાતી હતી તો જાહેર, પણ હકીકતમાં તે ફારસરૂપ હતી. સરકારી નોકરો અને તેમના મળતિયા બીજા માણસો અંદર અંદર જ મિલકત લઈ લેતા. ધારાસભામાં મિલકતો પાછી ખરીદવાનો ઠરાવ તો થયો પણ ગુજરાતમાં ઉત્તર વિભાગના કમિશનર મિ. ગૅરેટે જેમણે લડત દરમ્યાન હરાજીઓ કરેલી અને જેમણે પોતે ખરીદનારાઓને ખાતરી આપેલી એટલું જ નહી પણ ગવર્નરની પણ ખાતરી મેળવી આપેલી, તેઓ આ વખતે પણ કમિશનર હોઈ તેમની મારફત આ મિલકતો પાછી મેળવવાનું કામ કરવાનું હતું. એટલે તેમણે કામ પાટે ચડવા જ દીધું નહીં. દાખલા તરીકે સરદાર ગાર્ડા નામના એક ગૃહસ્થે બારડોલી અને જલાલપુર તાલુકાની ૪૦૦ એકર જમીન માત્ર પાંચ હજાર રૂપિયામાં ખરીદેલી, તેણે એ જમીનના સાડા ત્રણ લાખ રૂપિયા માગ્યા. સરદાર ગાર્ડાના કહેવા પ્રમાણે મિ. ગૅરેટે તેમને રૂપિયા અઢી લાખ આપવાનું કહેલું પણ કૉંગ્રેસ સરકારે એ રકમ કબૂલ ન રાખી અને બહુ બહુ તો રૂપયા બાર હજાર આપી શકાય એમ કહ્યું. આમ મિ. ગૅરેટ સોદો થવા દેવામાં ગચ્ચાં નાખતા. છતાં ખેડા જિલ્લામાં થોડી જમીન મિ. ગૅરેટની ઉશ્કેરણી છતાં ખરીદનારાઓએ પોતે આપેલી મૂળ કિંમતે ખેડૂતોને પાછી આપી દીધી. પણ ઘણીખરી જમીન તો બાકી જ રહી હતી. એટલે એક વરસ રાહ જોયા પછી ૧૯૩૮ના ઑક્ટોબરમાં સરકારે એ મિલકતો પાછી લેવા કાયદો પસાર કર્યો. તેમાં એવું ઠરાવવામાં આવ્યું કે હાઈકોર્ટના જજના દરજ્જાના અમલદારને લવાદ નીમી તેની પાસે મિલકતની કિંમત નક્કી કરાવી એ કિંમત સરકારે ખરીદનારને આપી દેવી અને મિલકત તેના મૂળ માલિકને પાછી સોંપી દેવી. મિલકતની કિંમત ઠરાવવા માટેનું ધોરણ પણ કાયદામાં નક્કી કરવામાં આવ્યું. ખરીદનારે જે કિંમત આપી હોય તે ઉપરાંત તેણે જે જમીનમહેસૂલ ભર્યું હોય અને જમીન સુધારવામાં કંઈ ખર્ચ કર્યું હોય તો તે વત્તા ચાર ટકા લેખે વ્યાજ તેને આપવામાં આવે. તે જમીનમાંથી તેણે કંઈ નફો કર્યો હોય, અથવા તો જમીનને નુકસાન પહોંચાડ્યું હોય તો તે ઠરાવવાની કિંમતમાંથી કાપી લેવામાં આવે. અને આવી રીતે ગણતરી કરતાં જે આંકડા આવે તે ઉપર વળતર તરીકે પંદર ટકા સુધી વધારો આપવાની લવાદને સત્તા આપવામાં આવી હતી. આમ બધી રીતે જોતાં ખરીદનારને ઠીક વળતર મળી રહેતું હતું. છતાં આ કાયદા ઉપર કૉંગ્રેસ વિરોધી વર્તમાનપત્રોએ ઠીક ઠીક ટીકા કરવા માંડી. એક ટીકા એ હતી કે આ મિલકતો સરકારી ખરચે પાછી લઈ કર ભરનારા ઉપર શા માટે તેનો બોજો નાખવો જોઈએ ? કૉંગ્રેસે ખેડૂતોને વચન આપ્યાં હતાં તો કૉંગ્રેસ પોતાના ફંડમાંથી ખેડૂતોને જમીન પાછી લઈ આપે. બીજી ટીકા એ હતી કે ખરીદનારાઓને કાયદાના બધા વિધિ જાહેર રીતે કરીને માલકી હક સોંપવામાં આવ્યો હતો. તે વખતે કૉંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા લોકોનો રોષ તેમને સહન કરવો પડ્યો હતો. અને તેમાં કંઈ નુકસાન કરી બેસે તો તેનું જોખમ પણ ખેડવું પડ્યું હતું. એટલે કૉંગ્રેસ સરકાર કાયદા કરીને મિલકત પાછી લઈ લે છે તે કાયદેસર માલિક પાસેથી મિલકત ઝુંટવી લેવા બરાબર છે. ગાંધીજીએ ૩૦મી ઓકટોબર, ૧૯૩૮ના ‘હરિજનબંધુ’માં ‘જપ્ત જમીનો’ નામનો લેખ લખી આ ટીકાઓના રદિયા આપ્યા. એ લેખમાં તેઓ જણાવે છે કે,

“ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ અનુસાર આવો નિર્દોષ અને જરૂરી રાહતનો કાયદો કરવાની સત્તા પ્રાંતિક સરકારને ન હોય તો એ કાયદો ટીકાકારોએ વર્ણવ્યો છે તેના કરતાં પણ વધારે ખરાબ ગણાય, પણ હું માનું છું કે પ્રાંતિક સરકારોને આ કાયદો પસાર કરવાની સત્તા છે. મુંબઈની ધારાસભામાં પસાર થયેલો કાયદો તો ન્યાય કરતાં પણ આગળ જાય છે. કહેવાતા માલિકોએ જેટલી રકમ જમીનોમાં રોકી હોય તે ઉપરાંત વ્યાજ અને વળતરની રકમ આપવાની વ્યવસ્થા કરનારી કલમને લીધે આ કાયદો સંપૂર્ણ ન્યાયી અને ઉદાર બને છે. આ જમીનોની બાબતમાં સાબિત કરી શકાય એવી હકીકતો એ છે કે તે સરકારની સાથે મળી જઈને ખરીદવામાં આવી હતી. એ જમીનો લોકોમાં ત્રાસ વર્તાવવાના હેતુથી વેચવામાં આવી હતી. એ સરકારની દમનનીતિનો એક ભાગ હતો. અને કેટલીક જગ્યાએ તો જમીનો પાણીના મૂલે વેચી નાખવામાં આવી હતી. એ ત્રાસ વર્તાવનાર સરકારની જગ્યાએ જ્યારે તેનો ભોગ થઈ પડનાર લોકો સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે આવી ગેરવાજબી રીતે ખરીદાયેલી જમીનો જપ્ત કરી દેવાને બદલે ખરીદનારાઓને વળતર આપ્યું એમાં તેમની ઉદારતા જ ગણાવી જોઈએ. પ્રજાએ જાણવું જોઈએ કે, આ જમીનો તે વખતની સરકારે પહેલાં ખાલસા કરેલી અને તે ખાલસા થવાથી ખેડૂતો નમ્યા નહીં ત્યારે એ જમીનો વેચી દેવાનું અઘટિત સાધન અખત્યાર કરવામાં આવેલું. પણ કેટલીક
જમીનો વેચ્યા પછી સરકારને જ પોતાના અન્યાયનો ડર લાગી ગયો. એટલે તેણે વધારે જમીનો વેચવાનું બંધ કર્યું. આ દુઃખદ ભૂતકાળ ઉપર પડદો પાડવાનું હું વધારે પસંદ કરું છું. મેં એ સહેજ ઊંચક્યો છે તે વાચકોને એટલું જણાવવા માટે કે મુંબઈ સરકારે કશો અન્યાય કર્યો નથી.”

આ પ્રકરણની શરૂઆતમાં આપણે કહી ગયા છીએ કે કુલ છ પ્રાંતોમાં કૉંગ્રેસનાં પ્રધાનમંડળો રચાયાં. પંજાબ અને બંગાળમાં મુસ્લિમ લીગની ચોખ્ખી બહુમતી હતી એટલે ત્યાં લીગવાદી પ્રધાનમંડળો રચાયાં. પણ સરહદ પ્રાંત, સિંધ અને આસામ એ ત્રણ પ્રાંતો એવા હતા કે જ્યાં કોઈ પણ એક સંગઠિત પક્ષ બહુમતીમાં ન હતો. સરહદ પ્રાંતમાં મુસલમાનોની બહુ મોટી બહુમતી હતી, પણ એ મુસલમાનોમાં બધા લીગવાદી ન હતા. એટલે ત્યાં ખાન અબદુલ ગફાર ખાનના ભાઈ ડૉ. ખાનસાહેબે કેટલાક બીજા પક્ષોને પોતાના ટેકામાં લઈ કૉંગ્રેસી પ્રધાનમંડળ રચ્યું. પણ એ પ્રાંતની સ્થિતિ એવી વિષમ હતી કે, બીજાં કૉંગ્રેસી પ્રધાનમંડળોની માફક તેઓ વિશેષ કામ કરી શક્યા નહીં.

આસામમાં હિંદુઓ અને મુસલમાનો ઉપરાંત પહાડી વસ્તીની મોટી સંખ્યા છે. તે ઉપરાંત ત્યાંના ચાના બગીચાવાળા અંગ્રેજોને ધારાસભામાં ખાસ બેઠકો આપવામાં આવી હતી. છેલ્લી ચૂંટણીમાં બિનમુસ્લિમ બેઠકોમાં કૉંગ્રેસે સારી સફળતા મેળવી હતી. પણ એકલી કૉંગ્રેસની ત્યાં બહુમતી થતી ન હતી. બીજા પક્ષના બધા સભ્યો જો ભેગા થઈ જાય તો, કૉંગ્રેસ લઘુમતીમાં આવી પડતી હતી. એટલે ત્યાં કૉંગ્રેસે પ્રધાનમંડળ રચવાનું યોગ્ય ન ધાર્યું અને બિનકૉંગ્રેસી પ્રધાનમંડળ રચાયું. પણ એ પ્રધાનમંડળ પોતાના પક્ષમાં બહુમતી ઝાઝો વખત ટકાવી શક્યું નહીં. કૉંગ્રેસ પક્ષની એવી સ્થિતિ હતી કે, જો એ થોડાક બિનકૉંગ્રેસીઓનો સાથ મેળવી શકે, તો પ્રધાનમંડળ રચી શકે. એટલે ત્યાંના કૉંગ્રેસી આગેવાનોએ પાર્લમેન્ટરી કમિટી અને કૉંગ્રેસના પ્રમુખનો અભિપ્રાય પુછાવ્યો. પાર્લમેન્ટરી કમિટીના ત્રણ સભ્યોમાંથી મૌલાના આઝાદને એ પ્રાંતની દેખરેખની જવાબદારી સોંપાયેલી હતી. તેમનો અભિપ્રાય એવો હતો કે, જ્યાં આપણી ચોખ્ખી બહુમતી ન હોય ત્યાં પ્રધાનમંડળ રચવાં એ ડહાપણભરેલું નથી. પણ કૉંગ્રેસના પ્રમુખ સુભાષબાબુનો એવો અભિપ્રાય થયો કે એક વાર કૉંગ્રેસ હોદ્દા લેશે, એટલે તેની શક્તિ વધી જશે, અને જે લોકો અલગ રહ્યા છે, તે પણ કૉંગ્રેસની સાથે આવી જશે. આમ બેના મત એક ન થયા એટલે તેમણે પાર્લમેન્ટરી કમિટીના બીજા બે સભ્યો સરદાર અને રાજેન્દ્રબાબુના અભિપ્રાય તારથી પુછાવ્યા. રાજેન્દ્રબાબુને અભિપ્રાય પ્રધાનપદ ન લેવાના થયો. પણ સરદારે પ્રધાનપદ લેવાની તરફેણમાં અભિપ્રાય આપ્યો. એટલે છેવટે આસામમાં કૉંગ્રેસનું પ્રધાનમંડળ રચાયું અને એ સફળ થયું.

સિંધમાં ધારાસભાના કુલ ૬૦ સભ્યોમાંથી કૉંગ્રેસ પક્ષના પ્રથમ માત્ર આઠ અને પાછળથી દસ સભ્યો હતા. પણ બાકીના પચાસ એવા હતા કે, ઘડીકમાં એક પક્ષમાં જાય તો ઘડીકમાં બીજા પક્ષમાં. પ્રથમ તો સર ગુલામહુસેન હિદાયત ઉલ્લાએ ત્યાં પ્રધાનમંડળ રચ્યું. એમને રાજદ્વારી બાબતોનો અને વહીવટી બાબતોનો સારો અનુભવ હતો. પણ ત્યાં એટલી ખટપટો અને અંગત વેર ઝેર હતાં કે, તેમનું પ્રધાનમંડળ લાંબો વખત બહુમતી સાચવી શક્યું નહીં. ૧૯૩૮ના માર્ચ માં ર૪ વિ. રર મતે તેના ઉપર અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ એટલે સર ગુલામહુસેને રાજીનામું આપ્યું. ગવર્નરના આમંત્રણથી ખાન બહાદુર અલાબક્ષે નવું પ્રધાનમંડળ રચ્યું. તેઓ કૉંગ્રેસ પ્રત્યે સારું વલણ ધરાવતા હતા. તેમણે કૉંગ્રેસી સભ્યોને કહ્યું કે, પોતે સામાન્ય રીતે કૉંગ્રેસની નીતિ અને કાર્યક્રમને અનુસરશે. કૉંગ્રેસી સભ્યોએ સરદારની સલાહથી એવો જવાબ આપ્યો કે, “દરેક પ્રસંગે જેમ યોગ્ય લાગે તેમ વર્તવાની અમારી સ્વતંત્રતા અમે કાયમ રાખવા માગીએ છીએ. પણ તમારા પ્રધાનમંડળને હરકત આવે એવી રીતે ખાસ વિરોધમાં રહેવાની અમારી ઇચ્છા નથી. તમારાં જે કામો અમને સારાં લાગશે તેને ટેકો આપીશું.” તે વખતે સિંધમાં મોટો સવાલ સક્કર બરાજની યોજનાને લીધે જે જમીનોને નહેરનું પાણી મળતું હતું તેના જમીન મહેસૂલનો હતો. શરૂઆતમાં સારા ખેડૂતોને એ જમીન ઉપર આકર્ષવાને માટે મહેસૂલના દર ઓછા રાખેલા હતા. પણ પ્રાંતની આવક વધારવાની ખાતર એ દરમાં ક્રમિક વધારો કરવો જોઈએ એવું અલાબક્ષના પ્રધાનમંડળને લાગ્યું. જમીનદારોનું કહેવું એમ હતું કે દર વધારવા હોય તો પણ પૂરી તપાસ કર્યા પછી દરમાં ફેરફાર કરવા જોઈએ. સિંધના કૉંગ્રેસી સભ્યોએ સરદારને અને મૌલાના આઝાદને પરિસ્થિતિ જોઈને સલાહ આપવા માટે સિંધમાં બોલાવ્યા. સરદારનો અભિપ્રાય એ થયો કે, દર વધારવાનું એક વર્ષ મુલતવી રાખો. ત્યાં સુધીમાં પૂરેપૂરી તપાસ કરવી જોઈએ. જો અલાબક્ષનું પ્રધાનમંડળ આ વાત સ્વીકારવાને તૈયાર થાય તો કૉંગ્રેસી સભ્યોએ એના પ્રધાનમંડળને ટેકો આપવો. કૉંગ્રેસનો ટેકો નિશ્ચિત થઈ જાય તો અલાબક્ષનું પ્રધાનમંડળ સ્થિર થાય એવો પૂરો સંભવ હતો. પણ મૌ. આઝાદ એ મતના હતા કે કોઈ પણ શરતે કૉંગ્રેસી સભ્યોએ હમેશાં ટેકો આપવાને બધાઈ જવું જોઈએ નહીં, એટલે કશું સમાધાન થયું નહીં. જોકે જ્યાં સુધી અલાબક્ષ વડા પ્રધાન રહ્યા ત્યાં સુધી તેઓ કૉંગ્રેસની નીતિને અનુકૂળ રહ્યા.

આમ આપણે ૧૯૩૮ના અંત સુધી પહોંચી જઈએ છીએ. ૧૯૩૯ની કૉંગ્રેસ ત્રિપુરામાં ભરાવાની હતી. પણ તેની વાત ઉપર જઈએ તે પહેલાં ૧૯૩૮ની સાલમાં સરદારે દેશી રાજ્યોમાં ઘણું કામ કર્યું હતું, તેના વર્ણનમાં આપણે ઊતરવું જોઈએ. પ્રાંતોમાં કૉંગ્રેસનાં પ્રધાનમંડળ રચાયાં અને મધ્ય સરકારમાં સમૂહ તંત્ર (ફેડરેશન) રચવાની વાત ચાલતી હતી, તેથી દેશી રાજ્યોની પ્રજામાં એક જાતની ઉત્તેજના આવી હતી. સમૂહતંત્રમાં દેશી રાજ્યોનું પ્રતિનિધિત્વ તે તે રાજ્યનો રાજા ન કરી શકે, પણ તે તે રાજ્યની પ્રજાને એ હક હોવો જોઈએ એવી દેશી રાજ્યોની પ્રજાની માગણી હતી અને તેથી લગભગ દરેક દેશી રાજ્યમાં રાજાના છત્ર નીચે પણ પ્રજાને સંપૂર્ણ જવાબદાર એવાં રાજ્યતંત્રોની સ્થાપના કરવા માટેની લડત ખૂબ જોસમાં ઊપડી હતી. એક રીતે જોઈએ તો, આવી લડતોને લીધે ૧૯૩૮નું વર્ષ દેશી રાજ્યોના ઈતિહાસમાં એક નવો યુગ પ્રવર્તાવનાર ગણાય.

  1. *પ્રધાન પંડિત રવિશંકર શુકલના દીકરાને લૉ લેકચરરની જગ્યા આપવામાં આવી હતી, વડા પ્રધાન ડૉ. ખરેના દીકરાને મેયો હોસ્પિટલમાં ઑનરરી સજનની જગ્યા આપવામાં આવી હતી અને તેમના ભાઇને ઑડિટર નીમવામાં આવ્યા હતા.