લખાણ પર જાઓ


સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/હરિપુરા કૉંગ્રેસ — ૨

વિકિસ્રોતમાંથી
← હરિપુરા કૉંગ્રેસ — ૧ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
હરિપુરા કૉંગ્રેસ — ૨
નરહરિ પરીખ
પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન →


૨૨
હરિપુરા કૉંગ્રેસ — ૨

હરિપુરા કૉંગ્રેસ તેની વિશાળ વ્યવસ્થા અને ધામધૂમમાં જેમ અપૂર્વ હતી, તેમ દેશના રાજ્યપ્રકરણની દૃષ્ટિએ ત્યાં થયેલા કામકાજની બાબતમાં પણ બહુ મહત્ત્વની હતી.

કૉંગ્રેસમાં પસાર થયેલા કેટલાક મહત્ત્વના ઠરાવો જોતાં જ આ વસ્તુ જણાઈ આવશે. દેશી રાજના કાર્યકર્તાઓ કૉંગ્રેસની નીતિ વિષે કંઈક અધીરા થયા હતા. પોતે ઉપાડેલી દેશી રાજ્યની અંદરની ચળવળો માટે કૉંગ્રેસની તેઓ મદદ ઈચ્છતા હતા. કૉંગ્રેસી કાર્યકર્તાઓ તેમને મદદ કરતા પણ હતા, પણ પોતાની અંગત હેસિયતથી. તેઓ કૉંગ્રેસ સંસ્થાને તેમાં સંડોવતા નહીં. ઘણાં દેશી રાજ્યોમાં રાજકીય કામ કરવા માટે પ્રજામંડળો સ્થપાયાં હતાં. દેશી રાજ્યોના કાર્યકર્તાઓ પોતે સ્થાપેલાં એ રાજકીય મંડળોને કૉંગ્રેસ સાથે જોડવા ઈચ્છતા હતા અને કૉંગ્રેસ એ મંડળોની જવાબદારી લે એવી માગણી કરતા હતા. આ બાબતમાં કૉંગ્રેસની મુશ્કેલી એ હતી કે એ સ્થાનિક મંડળોને તેમના દરબાર સાથે કંઈ પણ અથડામણ થાય તો તેની જવાબદારી કૉંગ્રેસને લેવી પડે. ચાલાક અંગ્રેજ અમલદારો એવી અથડામણો ઊભી કરી દેશી રજવાડાં પાસે પ્રજા ઉપર ઘાતકી જુલમો કરાવવા તૈયાર જ હતા. જેથી હિંદી લોકોનો વહીવટ કેટલો અન્યાયી અને જુલમી છે એ બતાવવાનું બહાનું તેમને મળે. ગાંધીજી એમ માનતા કે દેશી રાજ્યોની પ્રજામાં હજુ એટલી જાગૃતિ નથી આવી કે તેઓ રાજાઓની સાથે છેવટની લડતમાં ઊતરી શકે. વળી રાજાઓની સાથે આખરી લડતમાં ઊતરવાની જરૂર પણ તેમને લાગતી નહોતી. કારણ દેશી રાજ્યોની હસ્તી જ બ્રિટિશ હકૂમતના જોર પર નિર્ભર હતી. બ્રિટિશ હકૂમતની સાથે આપણે ફેંસલો કરી લઈશું એટલે દેશી રાજાઓનો ફેંસલો તો આપોઆપ થઈ જશે એમ તેઓ કહેતા. કારણ દેશી રાજાઓમાં પોતાનું એવું કશું બળ નહોતું.

દેશી રાજ્યોના પ્રશ્નોમાં સરદારે જે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તે વિષે અલગ પ્રકરણોમાં લખવા ધાર્યું છે. એટલે તેની વધારે વિગતોમાં ન ઊતરતાં, હરિપુરા કૉંગ્રેસ આગળ જે એક પ્રશ્ન આવ્યો હતો તેનો જ અહીં વિચાર કરીશું. મુદ્દો એ હતો કે દેશી રાજ્યોની હદમાં પણ કૉંગ્રેસની સમિતિઓ સ્થાપવી કે કેમ ? બ્રિટિશ ગણાતા પ્રાંતોને લાગુ પડતું કૉંગ્રેસનું બંધારણ દેશી રાજ્યોની રાજદ્વારી સંસ્થાઓને પણ લાગુ પાડવું કે કેમ ? હરિપુરાના અધિવેશનું પહેલાં થોડા જ વખત અગાઉ નવસારીમાં દેશી રાજ્યોમાંની રાજકીય સંસ્થાઓના પ્રતિનિધિઓનું એક સંમેલન ભરાયું હતું. તેમાં કૉંગ્રેસના બંધારણમાં તેમણે એક ફેરફાર સૂચવ્યો હતો કે ‘હિંદુસ્તાન’નો અર્થ ‘દેશી રાજ્યોની પ્રજા સુધ્ધાંત હિંદુસ્તાનના લોકો’ એવો કરવો. તેમણે એમ પણ સૂચવ્યું હતું કે કૉંગ્રેસની મહાસમિતિએ એક તપાસ સમિતિ નીમવી કે જે દેશી રાજ્યોની પ્રજાના હક્કો વિષે, તેમના બંધારણીય વિકાસ વિષે, ત્યાંના ખેડૂતોની સ્થિતિ વિષે તથા રાજ્યોના વેપારી ઈજારા વિષે તપાસ કરે. કૉંગ્રેસ કારોબારીને આ સચનાઓ કવખતની લાગી. તેણે ઠરાવ કર્યો કે દેશી રાજ્યોમાંની રાજકીય સંસ્થાઓએ કૉંગ્રેસને નામે કામ કરવાનો સમય હજી આવી લાગ્યો નથી. સમય પાકશે ત્યારે જરૂર કૉંગ્રેસ તેમની રાજકીય સંસ્થાઓની જવાબદારી પણ લેશે. પણ આજે તો તેમણે સ્વતંત્ર રીતે કામ કરવું એ જ ઠીક છે. ગાંધીજી તો એટલે સુધી કહેતા હતા કે દેશી રાજ્યોની અંદર અત્યારે રાજકીય ચળવળો ઉપાડવાને બદલે ત્યાંના કાર્યકર્તાઓએ રચનાત્મક કાર્યો કરી પ્રજાને સંગઠિત કરવાની અને જાગ્રત કરવાની પહેલી જરૂર છે. દેશી રાજ્યોના કાર્યકર્તાઓની દલીલ એ હતી કે કૉંગ્રેસના છત્ર નીચે અમારું કામ નહીં ચાલે તો અમારી સંસ્થાઓ પ્રગતિવિરોધી અને સંકુચિત માનસવાળા લોકોના હાથમાં જઈ પડશે. છેવટે તડજોડ કરીને હરિપુરા કૉંગ્રેસમાં દેશી રાજ્યો વિષે નીચે પ્રમાણે ઠરાવ થયો :

“કૉંગ્રેસ સૂચવે છે કે દેશી રાજ્યોમાંની વર્તમાન રાજકીય સંસ્થાઓએ કૉંગ્રેસ કારોબારીની સૂચના પ્રમાણે અને તેના અંકુશ નીચે કામ કરવું. પણ તેણે પોતાની કોઈ રાજદ્વારી પ્રવૃત્તિ અથવા તો રાજદ્વારી લડત કૉંગ્રેસને નામે અથવા કૉંગ્રેસના આશ્રય નીચે ચલાવવી નહીંં. રાજ્યો સાથેની આંતરિક લડત કૉંગ્રેસને નામે ઉપાડવી નહીં. આટલી મર્યાદા સ્વીકારીને દેશી રાજ્યોની અંદર રાજકીય મંડળો સ્થાપવા અને હોય તેને ચાલુ રાખવાં.”

આ ઠરાવ ઉપર બોલતાં સરદારે કૉંગ્રેસની સ્થિતિ બહુ સ્પષ્ટ કરી. તેમણે કહ્યું :

“છેલ્લાં બેત્રણ વરસથી દેશી રાજ્યોના પ્રશ્નો ઉપર ઠીક ઠીક ગરમાગરમ ચર્ચા ચાલતી રહી છે. કૉંગ્રેસમાં એક રીતે આ પ્રશ્ન બહુ નાજુક બની ગયો છે. એની ઠીક સફાઈ કરવામાં ન આવે તો ઘણી ગેરસમજ ઊભી થવાનો સંભવ છે. કૉંગ્રેસની સ્થિતિ આ બાબતમાં શી છે, તે વિશે મહાસમિતિએ એક લાંબુ નિવેદન બહાર પાડ્યું છે. દેશી રાજ્યોની પ્રજાની શક્તિ જોઈને તેમના હિતની ખાતર જ કૉંગ્રેસ વધારે જોખમ ઉઠાવવા નથી માગતી, તેમ દેશી રાજ્યોની પ્રજાઓને ખોટી ખોટી આશાઓ પણ આપવા માગતી નથી. દેશી રાજ્યોની પ્રજાઓ પોતાની મેળે પોતાની મર્યાદાઓ સમજી જેટલું કરી શકે તે કરે, એ વસ્તુ કૉંગ્રેસને મંજૂર છે. કૉંગ્રેસી આગેવાનો વ્યક્તિગત રીતે દેશી રાજ્યોની પ્રજાને મદદ કરવા તૈયાર છે. મૈસૂરની પ્રજાએ પોતાના રાજ્યમાં સુધારા કરાવવા ઠીક ઠીક પ્રયત્ન કરવા માંડ્યો છે. કૉંગ્રેસ શું એ પસંદ કરતી નથી ? પણ જેમ બ્રિટિશ ઇન્ડિયામાં દરેક તાલુકાની અને ગામની કૉંગ્રેસ સમિતિ બનાવવામાં આવે છે, તેમ દેશી રાજ્યોમાં પણ બનાવવામાં આવે તો તેની જવાબદારી લેવાનું કૉંગ્રેસ કારોબારીની શક્તિ બહાર છે. અત્યારે તો દેશી રાજ્યોની વસ્તીનો મોટો ભાગ ગુલામ જેવી સ્થિતિમાં છે. જ્યાં સુધી તેમનામાં આઝાદ થવાની તમન્ના નથી જાગી ત્યાં સુધી તેઓ આઝાદ થઈ શકે નહીં. એ માટે તેમનામાં પૂરતી શક્તિ આવવી જોઈએ. આજે આપણે તો એ વિચાર કરવાનો છે કે કૉંગ્રેસને માટે યુદ્ધનું ક્ષેત્ર ક્યાં છે ? દેશી રાજ્યોના આપ ભાઈઓ કહેશો કે યુદ્ધનું ક્ષેત્ર દેશી રાજ્યો છે. પણ અમને અનુભવે જણાયું છે કે કૉંગ્રેસને માટે યુદ્ધનું ક્ષેત્ર બ્રિટિશ મુલક છે. કૉંગ્રેસમાં જે શક્તિ આવી છે, તે બ્રિટિશ હિંદમાં લડાઈઓ આપવાથી આવી છે. કોઈ દેશી રાજ્યની લડતથી આવી નથી. ગાંધીજી પણ પોતાનું વતન પોરબંદર છોડીને બ્રિટિશ હિંદના અમદાવાદમાં આવીને વસ્યા. એ જાણતા હતા કે પોતાનું સ્થાન પોરબંદરમાં નહી પણ બ્રિટિશ હિંદમાં છે. આજે તો દેશી રાજ્યોની પ્રજાએ પોતાનું સંગઠન કરીને શક્તિ વધારવાની છે. કૉંગ્રેસ દેશી રાજ્યોને સાવ છોડી દેવા નથી ઇચ્છતી. આપ જાણો છે કે હમણાં જ આપણે ફેડરેશનનો ઠરાવ પસાર કર્યો તેમાં સાફ સાફ કહ્યુ છે કે કૉંગ્રેસને એવું ફેડરેશન નથી જોઈતું જેમાં દેશી રાજ્યની પ્રજા ગુલામીમાં રહે. જ્યાં સુધી બ્રિટિશ હિંદના લોકો જે હક ભોગવે છે તે દેશી રાજ્યની પ્રજા ભોગવતી ન થાય ત્યાં સુધી અમે ફેડરેશનનો સ્વીકાર કરીશું નહીં.

“મારો ઇરાદો આ ઠરાવ ઉપર બોલવાનો ન હતો પણ ત્રણ વર્ષથી આ ઝઘડો ઊપડ્યો છે, એટલે કૉંગ્રેસે હવે બરાબર સ્પષ્ટતા કરવી જોઈએ કે દેશી રાજ્યોના ઝઘડામાં પડવાની અત્યારે એની સ્થિતિ નથી, એ બોજો એનાથી ઉપાડી શકાય એમ નથી. હું બહુ વિનયપૂર્વક અરજ કરું છું કે આનું દેશી રાજ્યોના ભાઈઓએ દુઃખ લગાડવું જોઈએ નહીં.”

આ ઠરાવથી દેશી રાજ્યોમાંના ઘણા કાર્યકર્તાઓને સંતોષ થયો. આ પહેલાં પણ સરદાર એક વાર કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ થયા હતા. આ વરસમાં તેઓ ભાવનગર રાજ્ય પ્રજા પરિષદના તથા વડોદરા રાજ્ય પ્રજા પરિષદના પ્રમુખ થયા. વળી મૈસૂર રાજ્યની પ્રજાકીય કૉંગ્રેસને ત્યાંના દરબાર સાથે ઝઘડો થયો હતો તેમાં પણ વચ્ચે પડીને સરદારે માનભરી રીતે સમાધાન કરાવ્યું. એ બધી વિગતો અલગ પ્રકરણમાં આપીશું. અહીં એટલું જ કહેવું બસ થશે કે ગાંધીજી હંમેશાં દેશી રાજ્યોની પ્રજાને સલાહસૂચના અને દોરવણી આપવાનો પોતાનો ધર્મ સમજતા જ હતા. તેમના મનમાં દેશી રાજ્યોની પ્રજા અને બ્રિટિશ રાજ્યની પ્રજા એવો ભેદ હતો જ નહીં. જે કંઈ ભેદ હોય તે બંનેની પરિસ્થિતિ પર અને બંનેએ સાધેલા સંગઠન પરત્વે હતો. સરદાર અને પંડિત જવાહરલાલજી પણ વ્યક્તિગત રીતે હરિપુરા કૉંગ્રેસ પછી દેશી રાજ્યોના પ્રશ્નમાં વધારે રસ લેતા થયા.

હરિપુરા કૉંગ્રેસ આગળ એવો એક બીજો વિકટ પ્રશ્ન કિસાન ચળવળનો આવ્યો હતો. કેટલાક પ્રાંતોમાં કૉંગ્રેસ સંસ્થાથી અલગ એવાં કિસાન મંડળો અથવા કિસાન સભાઓ સ્થપાવા લાગી હતી. પ્રજાનો કોઈ વર્ગ પોતાના હિતની રક્ષાને અર્થે, જો એ હિત દેશના વિશાળ હિતને આડે આવે એવું ન હોય તો, પોતાની અલગ સંસ્થા સ્થાપે એની સામે કૉંગ્રેસને કંઈ વાંધો ન હોય. તે પ્રમાણે કિસાનો અથવા ખેડૂતો ખેતીને લગતા પોતાના પ્રશ્નો વિષે એટલે કે પોતાની આર્થિક ઉન્નતિને સારું કામ કરવા પોતાનાં મંડળો સ્થાપે તે કૉંગ્રેસને ઈષ્ટ હતું. પણ ખેડૂતો અથવા કિસાનો રાજકીય હક્કો માટે જુદાં મંડળો સ્થાપે એ કૉંગ્રેસને અનુચિત અને અનાવશ્યક લાગતું હતું. કારણ કૉંગ્રેસ આમજનતાની સંસ્થા હોઈ તેના મોટા ભાગના સભ્યો ખેડૂત વર્ગના જ હતા. જે ખેડૂતોને અથવા કિસાનોને પોતાની રાજકીય સ્થિતિ સુધારવાની ઇચ્છા થાય તેમણે તો કૉંગ્રેસમાં જોડાવું અને કૉંગ્રેસના વાવટા નીચે કામ કરવું એ જ તેમનું કર્તવ્ય હતું. પણ કેટલીક જગ્યાએ કિસાનોએ પોતાનાં અલગ મંડળ રચવા માંડ્યાં હતાં, અને કૉંગ્રેસ પ્રત્યે વિરોધી વલણ ધારણ કરીને પોતાનો જુદો વાવટો રાખવા માંડ્યો હતો. તેમને કૉંગ્રેસની પદ્ધતિ ધીમી લાગતી હતી. અથવા જોઈએ એવી લડાયક લાગતી નહોતી લાગતી. કેટલાક ઉતાવળિયા અને અધીરા કૉંગ્રેસીઓ પણ આ કિસાન ચળવળમાં ભળવા લાગ્યા હતા અને તેને લીધે કૉંગ્રેસની નીતિ અને સિદ્ધાંતોથી વિરોધી વાતાવરણ ઊભું કરવામાં તેઓ કારણભૂત બનતા હતા. એટલે કૉંગ્રેસે નીચે પ્રમાણે ઠરાવ કરીને કિસાન સભાઓ વિષેની પોતાની નીતિ સ્પષ્ટ કરી :

“પોતાનાં મંડળો સ્થાપીને, સંગઠિત થવાનો ખેડૂતો અથવા કિસાનોનો હક્ક કૉંગ્રેસ પૂરેપૂરો સ્વીકારે છે. તેની સાથે એટલું યાદ રાખવું જરૂરી છે કે કૉંગ્રેસ પોતે જ મુખ્યત્વે ખેડૂતોની સંસ્થા છે. જેમ જેમ આમવર્ગ સાથે તેનો સંપર્ક વધતો જાય છે તેમ તેમ કિસાનો મોટી સંખ્યામાં તેના સભ્યો થતા જાય છે અને તેની નીતિ ઉપર અસર પાડતા જાય છે. કૉંગ્રેસે ખેડૂત જનતાના હિતને અર્થે જ કામ કરવું જોઈએ. હકીકતમાં તેણે એ પ્રમાણે કામ કર્યું છે. તેમના હક્કો માટે લડતો પણ ચલાવી છે. કૉંગ્રેસ સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે જે કામ કરે છે તે આપણા આમવર્ગની શોષણમાંથી મુક્તિના પાયા ઉપર જ રચાયેલું છે. એટલે આ સ્વાતંત્ર્ય સિદ્ધ કરવા માટે અને કિસાનોને બળવાન બનાવવા માટે કૉંગ્રેસને બળવાન બનાવવી એ જ ખરો ઉપાય છે. તેથી કિસાનોને વધુ ને વધુ મોટી સંખ્યામાં કૉંગ્રેસના સભ્ય બનાવવાનો અને તેના વાવટા નીચે પોતાના હક્કો મેળવવા સંગઠિત થવાનો આગ્રહ કરવામાં આવે છે.

“આ પ્રમાણે ખેડૂત મંડળો રચવાનો કિસાનોનો હક પૂરેપૂરો સ્વીકારતા છતાં કૉંગ્રેસે એટલું તો જાહેર કરવું જોઈએ કે કૉંગ્રેસના પાયાના સિદ્ધાંતો સાથે અસંગત એવી કોઈ પણ પ્રવૃત્તિમાં કૉંગ્રેસ તેમને સાથ આપશે નહીં, તથા કૉંગ્રેસના જે સભ્યો કિસાનસભાના સભ્યો બનીને કૉંગ્રેસના સિદ્ધાંતો અને નીતિથી વિરોધી વાતાવરણ ઊભું કરવામાં સહાયભૂત થતા હશે તેમની એ પ્રવૃત્તિઓને કૉંગ્રેસ ચલાવી લેશે નહીં. કૉંગ્રેસ બધી પ્રાંતિક સમિતિઓને આદેશ આપે છે કે આ વસ્તુ ઉપર બરાબર ધ્યાન રાખવું અને જ્યાં જરૂર જણાય ત્યાં એવી કૉંગ્રેસ વિરોધી પ્રવૃત્તિની સામે જરૂરી પગલાં લેવાં.”

હરિપુરા કૉંગ્રેસમાં ભારે સનસનાટી ફેલાવનાર અને વાતાવરણમાં તેજી લાવનાર ઠરાવ તો યુક્ત પ્રાંત અને બિહારના પ્રધાનમંડળે રાજકીય કેદીઓની મુક્તિના પ્રશ્ન ઉપર આપેલાં રાજીનામાંને લગતો હતો. ચૂંટણીઓ વખતે કૉંગ્રેસે બહાર પાડેલા જાહેરનામામાં દેશને એવું સ્પષ્ટ વચન આપવામાં આવ્યું હતું કે જો કૉંગ્રેસ અધિકાર ઉપર આવશે તો તમામ રાજકીય કેદીઓને મુક્તિ આપી દેશે. આ જાહેરનામા પ્રમાણે પ્રધાનોએ રાજકીય કેદીઓને છોડવાનો પ્રયત્ન પણ કરવા માંડ્યો. એ પ્રયત્નને રાજકીય કેદીઓનાં કેટલાંક વચનોથી પુષ્ટિ મળી.

હિંસાના ગુના માટે લાંબી લાંબી સજા ભોગવતા ઘણા રાજકીય કેદીઓએ પોતાના વિચારો પ્રગટ કર્યા હતા કે અમારો વિશ્વાસ હિંસા ઉપરથી ઊઠી ગયો છે અને અમને જો બહાર આવવાની તક આપવામાં આવશે તો અમે અહિંસાની નીતિ પ્રમાણે દેશનાં કાર્યો કરવામાં વખત ગાળીશું. આ અરસામાં જ આંદામાન ટાપુઓમાંના રાજકીય કેદીઓએ અનશન આદર્યું હતું. એ કેદીઓ હિંદ સરકારના અધિકારમાં હતા. કૉંગ્રેસે અને ગાંધીજીએ એમના તરફથી ખૂબ પ્રયાસો કર્યા જેને પરિણામે હિંદ સરકાર માંડ માંડ એ બધા કેદીઓને પોતપોતાના પ્રાંતમાં મોકલી દેવા કબૂલ થઈ. જ્યારે આ બધા કેદીઓ પોતપોતાના પ્રાંતમાં આવી પહોંચ્યા ત્યારે તેઓ પ્રાંતિક સરકારના કબજામાં આવ્યા, અને એને છૂટા કરવાનું કામ પ્રાંતિક પ્રધાનમંડળોને માથે આવ્યું. બિહાર અને યુક્ત પ્રાંતના તમામ કેદીઓને છોડવાનો ઠરાવ કરવામાં આવ્યો ત્યારે ગવર્નરોએ તેની સામે એ કારણે વાંધો લીધો કે બિહાર અને યુક્ત પ્રાંતના કેદીઓને છોડી દેવામાં આવશે તો તેથી પંજાબ અને બંગાળમાં રમખાણો થવાનો ભય છે. બીજું કારણ તેમણે એ આપ્યું કે કાકોરી કેસના થોડાક કેદીઓને પહેલાં છોડ્યા હતા ત્યારે તેને અંગે ન ઈચ્છવા જેવા દેખાવો થયા હતા અને છૂટેલા કેદીઓએ લોકોમાં ઉશ્કેરાટ ફેલાય એવાં ભાષણો કર્યાં હતાં.

વાઈસરૉયે ગવર્નમેન્ટ ઑફ ઈન્ડિયા ઍક્ટની ૧૨૬ (૫) *[] કલમ લાગુ કરી કેદીઓને ન છોડી શકાય એવી સ્થિતિ ઊભી કરી. પ્રધાનો સરદાર વલ્લભભાઈ તથા ગાંધીજીને મળ્યા. તેમણે એવી સલાહ આપી કે ગવર્નરો જો રાજકીય કેદીઓને છોડવા તૈયાર ન હોય તો પ્રધાનોએ રાજીનામાં આપી દેવાં જોઇએ. કૉંગ્રેસની કારોબારીએ પણ તે પ્રમાણે ઠરાવ કર્યો. તે ઉપરથી હરિપુરા કૉંગ્રેસમાં જતાં પહેલાં બંને પ્રાંતનાં પ્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધાં. ગવર્નરોએ એ વખતે એ સ્વીકાર્યાં નહીં, એમ કહીને કે અમે બીજા પ્રધાનો શોધીએ ત્યાં સુધી તમે કામ ચાલુ રાખો. રાજીનામાં આપેલા પ્રધાનો હરિપુરા કૉંગ્રેસમાં આવ્યા ત્યારે ત્યાંના વાતાવરણમાં એક જાતની ગરમી આવી. જેઓ એમ કહેતા હતા અને ખરેખર માનતા પણ હતા કે આપણે જો પ્રધાનપદ સ્વીકારીશું તો ખુરશીઓનો મોહ લાગશે, અને આપેલાં વચનો વીસરી જવાશે, તેમની આંખ ઊઘડી ગઈ. આ રાજીનામાંને કારણે પ્રધાનપદાં લેવાની વિરુદ્ધ જેઓનો અભિપ્રાય હતો તેમને પોતાનો અભિપ્રાય બદલવો પડ્યો.

આ પ્રશ્ન ઉપર હરિપુરા કૉંગ્રેસમાં બહુ લાંબો અને વિગતવાર ઠરાવ કરવામાં આવ્યો. એ ઠરાવ ઉપરથી જ આખી પરિસ્થિતિ સ્પષ્ટ સમજાય છે એટલે નીચે તે આખો આપ્યો છે :

“ફૈઝપુર કૉંગ્રેસના ફરમાન પ્રમાણે ૧૯૩૭ના માર્ચમાં પ્રાંતોમાં હોદ્દા સ્વીકારવાના પ્રશ્ન ઉપર મહાસમિતિએ ઠરાવ કર્યો કે બ્રિટિશ સરકાર તરફથી આપણને અમુક ખોળાધરીઓ મળે ધારાસભામાંના કૉંગ્રેસ પક્ષને પ્રધાનમંડળ રચવાની પરવાનગી આપવી. પ્રથમ તો આવી ખેાળાધરીઓ ન મળી એટલે કૉંગ્રેસ પક્ષના નેતાઓએ પ્રધાનમંડળ સ્વીકારવાની ના પાડી. ત્યાર પછી મહિનાઓ સુધી આવી ખોળાધરીઓ માગવી એ બંધારણીય છે કે કેમ તે પ્રશ્ન ઉપર વાદવિવાદ ચાલ્યો. ભારત મંત્રીએ, વાઈસરૉયે તથા જુદા જુદા પ્રાંતના ગવર્નરોએ અનેક નિવેદનો બહાર પાડ્યાં. આ નિવેદનોમાંથી એટલું ચોક્કસ નીકળતું હતું કે પ્રાંતિક પ્રધાનોના રોજબરોજના વહીવટમાં ગવર્નરો તરફથી કશી દખલ કરવામાં નહીં આવે.

“જે પ્રાંતોમાં કૉંગ્રેસ અધિકાર ઉપર છે, ત્યાંના પ્રધાનોને એવો અનુભવ થયો છે કે, કાંઈ નહીં તો યુક્ત પ્રાંત અને બિહારમાં ગવર્નરોએ રોજના વહીવટમાં દખલ કરવા માંડી છે. જ્યારે કૉંગ્રેસ પક્ષને પ્રધાનમંડળ રચવાનું ગવર્નરો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેઓ જાણતા હતા કે ચૂંટણીના કૉંગ્રેસના જાહેરનામામાં રાજદ્વારી કેદીઓને મુક્તિ આપવાની વાત કૉંગ્રેસની નીતિનું એક મુખ્ય અંગ હતી. એ નીતિ અનુસાર પ્રધાનોએ રાજદ્વારી કેદીઓને છોડવાનું કામ શરૂ કર્યું. પણ તેમણે જોયું કે છોડવાના હુકમ ઉપર ગવર્નરોની સહી મેળવતાં કેટલીક વખત અકળાવી નાખે એવી ઢીલ થતી હતી. આ ઢીલ સહન કરી લેવામાં પ્રધાનોએ પોતાની નમૂનેદાર ધીરજનો પુરાવો આપ્યો છે. કૉંગ્રેસનો એવો અભિપ્રાય છે કે કેદીઓની મુક્તિની બાબત એ રોજબરોજના વહીવટની બાબત છે અને એમાં ગવર્નરો સાથે લાંબી ચર્ચાઓ કરવાપણું નથી. ગવર્નરનું કામ તો પ્રધાનને દોરવણી આપવાનું અને સલાહ આપવાનું છે. પણ પોતાની રોજબરોજની ફરજો બજાવવામાં પ્રધાનો સ્વતંત્રપણે પોતાના નિર્ણયો કરે તેમાં એ દખલ કરી શકે નહીં. કારોબારી સમિતિએ કૉંગ્રેસના પ્રતિનિધિઓ આગળ અને એ પ્રતિનિધિઓને ચૂંટનારી આમજનતા આગળ પોતાના વાર્ષિક કામનો અહેવાલ રજૂ કર્યો ત્યારે તેને પ્રધાનોને સૂચના આપવી પડી કે પોતપોતાના પ્રાંતમાંના રાજદ્વારી કેદીઓને તેમણે છોડી મૂકવા અને તેમના હુકમનો અમલ થવામાં વિક્ષેપ થાય તો તેમણે રાજીનામાં આપવાં. એ સૂચનાને અનુસરીને યુક્ત પ્રાંત અને બિહારના પ્રધાનોએ જે પગલું લીધું છે તે પગલાને આ કૉંગ્રેસ બહાલી આપે છે. અને રાજીનામાં આપવા માટે પ્રધાનોને અભિનંદન આપે છે. ગવર્નર જનરલે ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટની ૧૨૬ (૫) કલમ લાગુ કરીને આ બાબતમાં નકામી દખલ ઊભી કરી છે. તેથી પ્રધાનોને આપવામાં આવેલી ખેાળાધરીઓનો ભંગ થાય છે એટલું જ નહીં પણ એ કલમનો પણ દુરુપયોગ થાય છે. કારણ આમાં દેશની શાંતિનો ભંગ થવાની ગંભીર બીકનો સવાલ જ ઊભો થતો નથી. વળી બંને પ્રાંતમાં મુખ્ય પ્રધાનોએ રાજદ્વારી

કેદીઓ પાસેથી ખાતરી મેળવી લીધી છે કે તેઓ કૉંગ્રેસની અહિંસાની નીતિનો સ્વીકાર કરે છે. તેમના માનસમાં થયેલા પલટા વિષે પણ તેમણે ખાતરી કરી લીધી છે. ગવર્નર જનરલે દખલ કરીને જે પરિસ્થિતિ ઊભી કરી છે તેથી ઊલટો શાંતિનો ભંગ થવાનો ગંભીર ભય છે.
“કૉંગ્રેસે જે થોડો વખત અધિકાર ચલાવ્યો છે એટલામાં પોતાની ત્યાગવૃત્તિનો, વહીવટી કાબેલિયતનો તથા દેશનાં આર્થિક અને સામાજિક અનિષ્ટો દૂર કરવા માટે કાયદા કરીને બતાવેલી રચનાત્મક શક્તિનો તેણે પૂરતો પુરાવો આપ્યો છે. કૉંગ્રેસને એ સ્વીકારતાં આનંદ થાય છે કે આ બધી બાબતોમાં ગવર્નરોએ પ્રધાનોને ઠીક ઠીક સાથ આપ્યો છે. ચાલુ બંધારણમાં રહીને લોકોનું જેટલું ભલું થઈ શકે તેટલું કરવાનો, અને તેની સાથે પૂર્ણ સ્વરાજ્યના ધ્યેયે પહોંચવાનો તથા બ્રિટિશ શાહીવાદી નીતિથી થતા હિંદી પ્રજાના શોષણનો અંત લાવવાનો કોંગ્રેસનો ખરા દિલનો પ્રયત્ન છે.
“જેથી અહિંસક અસહકાર કરવો પડે અથવા તો કૉંગ્રેસની સત્ય અને અહિંસાની નીતિ સાથે સુસંગત એવું વિરોધનું બીજું કશું પગલું ભરવું પડે એ જાતની કટોકટી ઊભી કરવાની કૉંગ્રેસની જરાય ઈચ્છા નથી. તેથી ગવર્નર જનરલના કાર્ય સામે વિરોધ તરીકે બીજા પ્રાંતના પ્રધાનોને રાજીનામાં આપવાની સલાહ આપતાં કૉંગ્રેસ સંકોચ અનુભવે છે અને ગવર્નર જનરલને વિનંતી કરે છે કે તેણે પોતાનો હુકમ ફેરવવો જેથી કરીને ગવર્નરો બંધારણપૂર્વક વર્તી શકે અને રાજદ્વારી કેદીઓને છોડવાની બાબતમાં પોતાના પ્રધાનોની સલાહ સ્વીકારી શકે.
“બેજવાબદાર પ્રધાનમંડળો રચાય એને તલવારથી રાજ્ય ચલાવવા જેવું કોંગ્રેસ માને છે. આવાં પ્રધાનમંડળો રચાશે તો પ્રજામાં બહુ કડવાશ પેદા થશે, અંદર અંદરના કલહો ઊભા થશે અને બ્રિટિશ સરકાર સામેનો અણગમો વધારે ઊંડો જશે. જ્યારે કૉંગ્રેસે બહુ સંકોચ સાથે અને ભારે આનાકાનીથી હોદ્દા સ્વીકારવાને મંજુરી આપી ત્યારે ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટના સાચા સ્વરૂપના પોતે બાંધેલા આંક વિષે તેને કશી શંકા ન હતી. ગવર્નર જનરલના છેલ્લા કૃત્યથી એ આંક સાચો પડે છે અને બંધારણનો કાયદો લોકોને ખરી સ્વતંત્રતા આપવા માટે તદ્દન નકામો છે એવું સિદ્ધ થાય છે. તેની સાથે એ પણ જણાય છે કે એ કાયદાનો ઉપયોગ સ્વતંત્રતા વધારવા માટે નહીં, પણ સ્વતંત્રતાને દાબી દેવા માટે કરવાનો બ્રિટિશ સરકારનો ઇરાદો છે. એટલે અત્યારની કટોકટીનું આખરી પરિણામ ગમે તે આવે, પણ હિંદુસ્તાનના લોકોએ સમજી લેવું જોઈએ કે જ્યાં સુધી આ કાયદાને ખતમ કરવામાં આવ્યો નથી અને તેની જગ્યાએ હિંદુસ્તાનની પ્રજાએ ચૂંટેલી વિધાન સભાએ ઘડેલું નવું બંધારણ અમલમાં આવ્યું નથી ત્યાં સુધી દેશને માટે સાચી સ્વતંત્રતાની આશા નથી. એટલે અધિકાર ઉપર હોય કે અધિકારની બહાર હોય, ધારાસભામાં હોય કે ધારાસભાની બહાર હોય, એવા દરેક કૉંગ્રેસીને ઉદ્દેશ એ જ હોવો જોઇએ કે આપણા એ ધ્યેયને પહોંચવા માટે અત્યારના કેટલાક અધિકારો ભલે આપણું તાત્કાલિક ભલું કરે એવા હોય તોપણ તે જતા કરવાની તૈયારી રાખવી.

:“યુક્ત પ્રાંતના ગવર્નર તરફથી એમ કહેવામાં આવે છે કે કાકોરી કેસના કેદીઓનું સ્વાગત કરવા માટે જે ધામધૂમ કરવામાં આવી તથા છૂટેલા કેદીઓમાંના કેટલાકે જે ભાષણો કર્યાં તેથી રાજદ્વારી કેદીઓની ક્રમશઃ મુક્તિની નીતિમાં વિઘ્ન આવ્યું છે. કૉંગ્રેસે બેહૂદા દેખાવોને તથા બીજી વાંધાભરી પ્રવૃત્તિઓને હંમેશાં વખોડી કાઢી છે. જે દેખાવો અને ભાષણોની યુક્ત પ્રાંતના ગવર્નર વાત કરે છે તેને મહાત્મા ગાંધીએ સખત રીતે નાપસંદ કરેલાં છે. કૉંગ્રેસના પ્રમુખ પંડિત જવાહરલાલ નેહરુએ પણ એ કૃત્યમાં રહેલા શિસ્તભંગ માટે તાબડતોબ તાકીદ આપેલી છે. પ્રધાનોએ પણ તેની અવજ્ઞા કરી નથી. આ બધી ચેતવણીઓને પરિણામે લોકમતમાં એકદમ ફેરફાર થાય છે અને કેદીઓ પણ પોતાની ભૂલ સમજ્યા છે. કાકોરી કેસના કેટલાક કેદીઓ છૂટ્યા પછી બે મહિને બીજા છ કેદીઓ છૂટ્યા ત્યારે તેમના માનમાં કોઈ પણ જાતના દેખાવો થયા ન હતા. તેમ જ તેમનું જાહેર સ્વાગત કરવામાં આવ્યું ન હતું. એ વસ્તુને પણ હવે તો ચાર મહિના વીતી ગયા છે. એટલે ઑગસ્ટમાં છૂટેલા કેદીઓના સંબંધમાં જે ભાષણો અને દેખાવો થયાં તે કારણે બાકી રહેલા પંદર કેદીઓને આજે ન છોડવા એ તદ્દન ગેરવાજબી છે. ન્યાય અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પ્રધાનોની છે. પોતાને યોગ્ય લાગે તે રીતે પોતાની ફરજ અદા કરવાનો તેમને હક્ક છે. ચાલુ સંજોગોમાં પ્રસ્તુત બાબતોનો વિવેક કરી નિર્ણય કરવાનું કામ તેમનું છે. તેઓ જે નિર્ણય કરે તે ગવર્નરે સ્વીકારવા જોઈએ અને તેનો અમલ કરવા જોઈએ. રોજબરોજનાં વહીવટી કામોમાં પોતાની સત્તાનો તેઓ જે રીતે અમલ કરતા હોય તેમાં દખલ કરવાથી તેમની સ્થિતિ નબળી થાય છે, અને તેમની પ્રતિષ્ઠાને પણ ધક્કો પહોંચે છે. કૉંગ્રેસી પ્રધાનોએ કેટલીયે વાર જાહેર કર્યું છે કે હિંસક ગુનાઓની બાબતમાં યોગ્ય પગલાં લેવાનો તેમનો પાકો નિશ્ચય છે. હવે જ્યારે આ કેદીઓએ હિંસાને માર્ગ છોડી દેવાનું જાહેર કર્યું છે ત્યારે તેમને છોડવામાં જોખમ રહેલું છે એમ કહેવું એ તદ્દન કપોકલ્પિત છે. કૉંગ્રેસે પોતાને માટે જે અહિંસાનું ધોરણ સ્વીકાર્યુ છે તેનો કોઈ ભંગ કરે અથવા તેની શિસ્ત ન જાળવે તો તે માટે સખત ઉપાયો લેવા એ કૉંગ્રેસનો આગ્રહ છે. તે વિષેનો પૂરતો પુરાવો છેલ્લા કેટલાક મહિનામાં કૉંગ્રેસે આપેલ છે. છતાં કૉંગ્રેસીઓનું ધ્યાન ખેંચવામાં આવે છે કે વાણી કે વર્તનને કોઈ જાતનો સ્વેચ્છાચાર હિંસાને ઉતેજન અથવા તો પોષણ આપે એવો હોય, તેનાથી આપણા નિરધારેલા ધ્યેયે પહેાંચવાની દેશની ગતિ ધીમી પડે છે.

“રાજદ્વારી કેદીઓને છોડી મૂકવાના પોતાના કાર્યક્રમને અમલમાં મૂકતાં, કૉંગ્રેસને હોદ્દા છોડવાનું પ્રાપ્ત થયું છે, લોકોની સ્થિતિ સુધારવાને માટે કાયદા કરવાની તકો પણ જતી કરવી પડી છે. પણ એમ કરતાં કૉંગ્રેસે જરા પણ આંચકો ખાધો નથી. એની સાથે કૉંગ્રેસ એ સ્પષ્ટ કરવા માગે છે કે કેદીઓ પોતાની મુક્તિ માટે ભૂખમરાની હડતાલનો આશરો લે એ વસ્તુ કૉંગ્રેસ સખત રીતે વખોડી કાઢે છે. ભૂખમરાની હડતાલને લીધે રાજદ્વારી કેદીઓને છોડી મૂકવાની પોતાની નીતિ અમલમાં મૂકતાં કૉંગ્રેસને મુશ્કેલી આવે છે. તેથી પંજાબમાં જેએ હજી ભૂખમરાની હડતાલ ચલાવી રહ્યા છે તેમને તે છોડી દેવાનો
કૉંગ્રેસ આગ્રહ કરે છે, અને તેમને ખાતરી આપે છે કે કૉંગ્રેસ સત્તા ઉપર હોય કે ન હોય એવા બધા પ્રાંતોમાં રાજદ્વારી કેદીઓની મુક્તિ માટે તમામ વાજબી અને શાન્તિમય ઉપાયોથી પ્રયત્ન કરવાનું કોંગ્રેસ ચાલુ રાખશે.”

આ ઠરાવ સરદારે જ રજૂ કર્યો હતો. તેના ઉપર બોલતાં તેમણે જણાવ્યું કે,

“આપણે જ્યારે હોદ્દાનો સ્વીકાર કર્યો ત્યારે જ બ્રિટિશ સલ્તનત જાણતી હતી, વાઈસરાય જાણતા હતા અને ગવર્નરો પણ જાણતા હતા કે ચૂંટણી વખતે કરેલા જાહેરનામા પ્રમાણે બધા રાજદ્વારી કેદીઓને આપણે છોડી મૂકવાના છીએ. તે વખતે ગવર્નરો કશું બોલ્યા નહીં. એમણે થોડી ચાલાકી કરી. આપણે પણ થોડી ભૂલ કરી, કારણ કે તે વખતે આપણને અનુભવ ન હતો. ગવર્નરે કહ્યું કે કેદીઓને તમે જરૂર છોડી શકો છો. પરંતુ જેઓ અહિંસક રહીને જેલમાં ગયેલા છે તેમને તરત છોડી દો, અને જેઓ હિંસાનો ગુનો કરીને જેલમાં ગયેલા છે, તેમના દરેકના મુકદ્દમા તમે તપાસી જાઓ અને તમને ઠીક લાગે એમને છોડવાની ભલામણ કરો. આપણા પ્રધાનો મુકદ્દમા તપાસવા બેઠા અને જે કેદીઓને છોડવાનું કહ્યું એમની બાબતમાં ગવર્નરે કંઈક ને કંઈક વાંધા બતાવવા માંડ્ચા. અહીં જ આપણી ભૂલ થઈ. આપણા પ્રધાનો તો કહી દેવું જોઈતું હતું કે મુકદ્દમા તપાસવાની કશી જરૂર નથી. અમારે તો બધા રાજદ્વારી કેદીઓને છોડી દેવા છે. તેની જવાબદારી અમારે માથે રહેશે. પ્રાંતના શાસનની જવાબદારી અમારી ઉપર છે. જો એ કેદીઓ બહાર આવીને બળવો કરશે અથવા હિંસા કરશે તો અમે તેમને ફરી કેદ કરીશું. અને હવે બાકી કેટલા કેદીઓ રહ્યા છે? આવડા મોટા યુક્ત પ્રાંતમાં અત્યારે આવા ફક્ત પંદર કેદીઓ રહ્યા છે. શું આ પંદર કેદીઓને છોડવાની પણ આપણા પ્રધાનોને સત્તા નથી ? સત્તા ન હોચ તો પછી પ્રધાન શેના ? મને તો પહેલેથી જ શંકા હતી કે આ નવા બંધારણથી આપણા મુલકની સ્વતંત્રતાનો પ્રશ્ન ઉકેલાવાનો નથી. મને તો શંકા હતી કે આ નવું બંધારણ આપણને ફસાવવાની ચાલબાજી છે. આપણા પ્રધાનો ત્યાં કંઈ મુકદ્દમાની ફાઈલો વાંચવા ગયા નથી. વળી આ કેદીઓ પાસેથી આપણને ખાતરી મળી છે કે તેમના વિચારો બદલાઈ ગયા છે. કૉંગ્રેસની નીતિ ઉપર તેમને વિશ્વાસ બેઠો છે — અને છૂટ્યા પછી કૉંગ્રેસના આદેશ પ્રમાણે તેઓ કામ કરવા ઇચ્છે છે. આવી સ્થિતિમાં ગવર્નરની શી મગદૂર છે કે પ્રધાનોના કામમાં તે દખલ કરે ? એથી તો પ્રધાનોનું સ્વાભિમાન હણાય છે. એમ કહેવામાં આવે છે કે કેદીઓને છોડી મૂકવામાં આવશે તો પંજાબ અને બંગાળમાં બળવો થઈ જશે, અને એ બે પ્રાંતોની સુલેહ અને વ્યવસ્થા જોખમમાં આવી પડશે. હું તો એ વસ્તુ માની જ શકતો નથી કે પંદર માણસને છોડી મૂકવાથી બે પ્રાંતોમાં શી રીતે શાન્તિભંગ થઈ જાય ? પંજાબ અને બંગાળના પ્રધાનો જો આમ ડરતા હોય તો તેઓ તદ્દન નાલાયક હોવા જોઈએ. આપણે તો હોદ્દા સ્વીકાર્યો એટલે આપણો ધર્મ થઈ પડ્યો છે કે પ્રજાની ઇચ્છા પ્રમાણે આપણે રાજ્ય ચલાવવું. જે માણસોએ દેશની આઝાદીને માટે આટઆટલું વેઠ્યું છે તેમને આપણાથી જેલમાં રખાય જ કેમ ? તેઓ દેશની આઝાદીને માટે પોતાના પ્રાણ
આપવા તૈયાર હતા, તેમની કામ કરવાની રીત ભલે ખોટી હોય, પણ પ્રજામતથી ચૂંટાયેલો કોઈ માણસ આવા દેશભક્તોને જેલમાં રાખી શકે નહીં.
“ગવર્નરની તરફથી કહેવામાં આવ્યું છે કે કાકોરી કેસના કેદીઓને છોડી મૂકવામાં આવ્યા તેથી દેશમાં બહુ અડચણ ઊભી થઈ છે. કદાચ અડચણ ઊભી થઈ હોય તોપણ શું થઈ ગયું? એક આદમી વીસ પચીસ વર્ષ સુધી જેલની દીવાલો પાછળ રહી દુનિયાથી અલગ પડી ગયો છે, દુનિયાની કશી હાલતની તેને ખબર નથી; એ જેલની દીવાલમાંથી બહાર આવે છે, તેની નજર સામે નવી જ દુનિયા દેખાય છે; કૉંગ્રેસની શક્તિ કેટલી વધી ગઈ છે તે એ જુએ છે. બહાર આવ્યા પછી થોડા કૉંગ્રેસવાળા તેનું સ્વાગત કરે છે. ચાપાણી પિવડાવે છે. એ બધું જોઈને તેને થાય છે કે મારાં પચીસ વર્ષ બરબાદ નથી ગયાં. એટલે એ જરા વધારે પડતું બોલી નાખે છે. મારી તો સમજમાં નથી આવતું કે એટલાથી આ સરકાર આવી ડરી શું કામ જાય છે? શું તે એટલી બધી જર્જરિત અને કમતાકાત થઈ ગઈ છે કે પંદર માણસોનો તેને આવડો ધાક લાગે છે?
“જે વખતે આપણા પ્રધાનોએ લોક્સુધારનાં અનેક કામો ઉપાડ્યાં હતાં તે વખતે તેમને પ્રધાનપદ છોડવાં પડ્યાં છે. આપણે તેમને મુબારકબાદી આપીએ છીએ. તેમણે કૉંગ્રેસની ઇજ્જત વધારી છે. દેશમાં થોડાક સુધારા કરવા માટે આપણે હોદ્દાનો સ્વીકાર કર્યો નહોતો, આપણે તો બહુ મોટી વસ્તુ માટે પ્રધાનપદ લીધાં છે. આપણાં બધાં દુઃખોનો ઇલાજ તો સંપૂર્ણ સ્વાતંત્ર્ય છે. હોદ્દાનો સ્વીકાર કરવાથી તે માટેની આપણી શક્તિ વધે તો આપણે તેનો ઉપયોગ કરી લઈએ. પણ તેને લીધે જો આપણા માર્ગમાં અડચણ આવતી હોય તો આપણે તુરત જ તે છોડવા જોઈએ. આપણા પ્રધાનો એવા નથી જે ત્યાં પાંચ પાંચ હજારના પગાર લેતા હોય. આપણા પ્રધાનો ત્યાં મોટા પગારો લેવા નહીં પણ દેશનું કામ કરવા ગયા છે. તેઓ પ્રધાનપદનો ત્યાગ કરશે તો દેશને મોંઘું પડવાનું છે. પણ તેથી પ્રધાનપદાં છોડતાં આપણને જરાયે સંકોચ ન થવો જોઈએ. કારોબારી સમિતિએ ખૂબ વિચાર કરીને તથા સાત પ્રાંતોનો પ્રશ્ન નજર સામે રાખીને આ ઠરાવ ઘડ્યો છે. આ ઠરાવ એવો છે જેમાં કોઈને કશો વાંધો હોવો જોઈએ નહીં. એટલે મારી વિનંતી છે કે આ ઠરાવ ઉપર કોઈ સુધારો લાવે નહીં. આવી નાજુક પરિસ્થિતિમાં કેવો ઠરાવ કરવો જોઈએ એનો વિચાર કરીને આ ઠરાવ ઘડવામાં આવ્યો છે. એમાં કશું ઉમેરો કરવો કે કશું કાઢી નાખવું યોગ્ય નહીં થાય. હું આશા રાખું છું કે આ ઠરાવ જેવો છે તેવો તમે પસાર કરશો.”


ઉપરનો ઠરાવ પસાર થઈ ગયા પછી બંને પ્રાંતના પ્રધાનો પોતપોતાના પ્રાંતમાં ગયા, ત્યારે ગવર્નરે એમની સાથે સમાધાન કરવા જાણે તૈયાર જ હતા. યુક્ત પ્રાંતના ગવર્નરે ત્યાંના મુખ્ય પ્રધાન પં. ગાવિંદવલ્લભ પંત સાથે વાટાઘાટો કરી સમાધાન કર્યું. એમનું સંયુક્ત નિવેદન તા. ૨૫-૨-’૩૮ના રોજ બહાર પાડવામાં આવ્યું. બિહારના ગવર્નર તથા મુખ્ય પ્રધાને મળીને એવું જ નિવેદન તા. ૨૬-૨-’૩૮ના રોજ બહાર પાડ્યું. આ રહ્યું એ:

“અત્યારની પરિસ્થિતિ અને છેલ્લા થોડા દિવસમાં બની ગયેલા બનાવો વિષે અમે અંદર અંદર ખૂબ ચર્ચા કરી લીધી છે, અને બંને પક્ષને સંમત એવા નિર્ણય ઉપર અમે આવ્યા છીએ. એ પ્રમાણે પ્રધાઓએ તેમનાં હંમેશનાં કામકાજ હાથમાં લઈ લીધાં છે. રાજદ્વારી ગણાતા કેટલાક કેદીઓના કેસની વ્યક્તિગત તપાસ કરવામાં આવી છે. અને પ્રધાનોએ આપેલી સલાહ સ્વીકારીને એ કેદીઓની બાકી રહેલી સજા રદ કરવાના ને તેમને છોડી મૂકવાનો હુકમો ગવર્નર થોડા જ વખતમાં કાઢશે. બાકીના કેદીઓની વ્યક્તિગત તપાસ તે ખાતાના પ્રધાન કરી રહ્યા છે. અને તેને વિષે થોડા વખતમાં યોગ્ય હુકમો કરવામાં આવશે.
“ગવર્નર અને પ્રધાનોના અરસપરસ સંબંધ વિષે પણ અમે લાંબી ચર્ચા કરી છે. નામદાર વાઈસરૉયના તાજેતરના નિવેદનની, તે ઉપર મહાત્મા ગાંધીજીએ દર્શાવેલા વિચારોની, *[] પ્રધાનોનાં રાજીનામાં વિશે હરિપુરા કૉંગ્રેસમાં પસાર થયેલા ઠરાવની તેમ જ અગાઉ ગયા ઉનાળામાં નામદાર વાઇસરૉયે કરેલા નિવેદનની અમે ચર્ચા કરી છે. જવાબદાર પ્રધાનોની કાયદેસર સત્તા છીનવી લેવાવાનો કે તેમાં દખલ થવાનો ભય રાખવાને કશું કારણ નથી. સુશાસનને પોષક પ્રથાઓ અમે બંને ટકાવી રાખવા માગીએ છીએ અને ઉભય પક્ષે સદ્ભાવ હોવાથી અમે સફળ થઈશું, એવી અમને આશા છે.”

આ સમાધાન ઉપર ટીકા કરતાં લંડનના ‘ટાઈમ્સ’ પત્રે જણાવેલું કે,

“સમાધાનીની શરતો કરતાં પણ વધારે મહત્ત્વનું તો એ છે કે કૉંગ્રેસ પક્ષના જવાબદાર માણસો તરફથી કશું એવું કહેવામાં કે કરવામાં આવ્યું નથી કે જેથી કટોકટી વધુ તીવ્ર બને. પોતાની જવાબદારી ટાળવાને બદલે કૉંગ્રેસના
નેતાઓએ, ખાસ કરીને ગાંધીજીએ પોતાની વૃત્તિ બતાવી આપી છે કે કૉંગ્રેસના પ્રધાનો સત્તા ઉપર રહે, એમ તેઓ ઇચ્છે છે.”

આ ઉપરાંત હારિપુરા કૉંગ્રેસમાં બીજા પણ કેટલાક મહત્ત્વના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. ઝાંઝીબારમાં હિંદી વેપારીઓના હક્ક ઉપર કેટલાક અંતરાય મૂકવામાં આવ્યા હતા તે પ્રત્યે વિરોધ તરીકે તથા આપણા દેશબંધુઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવા માટે ત્યાંથી આપણા દેશમાં આયાત થતાં લવિંગનો ૧૯૩૭ના સપ્ટેમ્બર માસથી બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને તે માટે એક બહિષ્કાર સમિતિ નીમવામાં આવી હતી. તેના પ્રમુખ સરદાર હતા. મે માસમાં સમાધાન થયું ત્યાં સુધી એટલે કે લગભગ નવ માસ સુધી લવિંગનો બહુ જ કડક બહિષ્કાર ચાલ્યો. બહિષ્કાર કરનારા વેપારીઓનો મોટો ભાગ મુસલમાનોનો હતો. આ કૉંગ્રેસમાં એ વિષે નીચે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવ્યો :

“ કૉંગ્રેસે હિંદી પ્રજાને સુચના કરેલી કે હિંદી પ્રજાએ હમણાં લવિંગનો વેપાર બંધ કરવો. હિંદી પ્રજાએ અને ઝાંઝીબારમાં હિંદી વેપારીઓએ કરેલા લવિંગના વેપારનો બહિષ્કાર સંપૂર્ણ અને સંતોષકારક નીવડ્ચો છે, તેની આ કૉંગ્રેસ કદર કરે છે. ઝાંઝીબારના હિંદીઓએ અને હિંદુસ્તાનના લવિંગના વેપારીઓએ જે રીતે આ બહિષ્કાર ટકાવી રાખ્યો છે તેને સારુ આ કૉંગ્રેસ તેમને મુબારકબાદી આપે છે.

“કૉંગ્રેસને અફસોસ છે કે ઝાંઝીબારની અંદરના તેમ જ બહારના વેપાર માટેના હિંદીઓના હકના સવાલનો હજી સંતોષકારક નિકાલ આવ્યો નથી. એ નિકાલ ન આવે ત્યાં સુધી લવિંગના વેપારનો બહિષ્કાર ચાલુ રાખવાની જરૂર તરફ કૉંગ્રેસ વેપારીઓનું ધ્યાન ખેંચે છે અને વિશ્વાસ રાખે છે કે આ પગલાંને લીધે ઝાંઝીબારની સરકારને થોડા જ વખતમાં તેના વાંધાભરેલા હુકમો રદ કરીને ઝાંઝીબારમાં વસતા હિંદી વેપારીઓને ન્યાય આપવાની ફરજ પડશે.”

|આ ઠરાવની અસર એ થઈ કે હિંદ સરકાર તરફથી એક અમલદારને હિંદી કોમને મદદ કરવા તથા લવિંગના પ્રશ્નનું સમાધાન કરવા ઝાંઝીબાર મોકલવામાં આવ્યા. તેમના પ્રયાસથી, પણ મુખ્યત્વે તો મુંબઈમાં લવિંગનો સખત બહિષ્કાર ચાલુ રહ્યો હતો તેથી, મે માસની શરૂઆતમાં આ પ્રશ્નનું સમાધાન થઈ ગયું. લવિંગ બહિષ્કાર સમિતિના પ્રમુખ તરીકે સરદારે કારાબારી સમિતિ આગળ પોતાનું નિવેદન રજૂ કર્યું. તે ઉપરથી, મુંબઈમાં મળેલી કારોબારી સમિતિએ મે મહિનામાં નીચે પ્રમાણે ઠરાવ કર્યો :

“ કારોબારી સમિતિએ લવિંગ બહિષ્કાર સમિતિનું નિવેદન વાંચ્યું છે. ઝાંઝીબારની હિંદી કોમ અને ઝાંઝીબારની સરકાર વચ્ચે લવિંગના વેપારની બાબતમાં જે કરાર થયા છે, તેના પર સમિતિએ વિચાર કર્યો છે. આ કરાર

હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસ અને બ્રિટિશ સરકારની વસાહત ઑફિસ મંજૂર રાખશે ત્યારે તેનો સ્વીકાર થયેલો ગણાશે.

“ આ સમિતિ વિશ્વાસ રાખે છે કે એ કરારનો ઝાંઝીબારની સરકાર તરફથી એવી રીતે અમલ થશે જેથી હિંદી કોમને પૂરેપૂરો સંતોષ થાય અને એની પ્રત્યે ભેદભાવથી વર્તવામાં આવે છે, એવી શંકા કે વહેમને જરા પણ અવકાશ ન રહે. ઝાંઝીબારની હિંદી કોમે પરદેશમાં વસતા હિંદીઓના હકો માટે જે બહાદુરીભરી અને સફળ લડત ચલાવી છે, તેને સારુ આ સમિતિ તેને મુબારકબાદી આપે છે. જે વેપારીઓએ ખાસ કરીને મુંબઈમાં પુષ્કળ ભોગ આપીને વફાદારીથી સાથ આપ્યો છે અને આ સવાલનો સફળ અંત આણવામાં આટલો મોટો ફાળો આપ્યો છે, એ વેપારીઓનો આ સમિતિ આભાર માને છે. લવિંગ બહિષ્કાર સમિતિએ ઉઠાવેલી જહેમતની પણ આ સમિતિ કદર કરે છે.”

ઉપરની હરાવમાં જણાવેલા કામચલાઉ સમાધાનને બ્રિટિશ સરકારની વસાહત ઓફિસે બહાલી આપી એટલે એ સમાધાન પાકું થયું. સરદારે નિવેદન બહાર પાડીને જણાવ્યું કે લવિંગનો બહિષ્કાર ઉઠાવી લેવાને માટે આપણે જે શરત મૂકી હતી તે બધી શરતોનું પાલન થયું છે અને આપણી લડતના સફળ અંત આવ્યો છે. હવે ઝાંઝીબાર તથા માડાગાસ્કરથી આવતા લવિંગનો વેપાર કરવામાં કશી હરકત નથી. પણ આ કમિટી એવો વિશ્વાસ રાખે છે કે જનતા તેમ જ છૂટક વેપારીઓ જે પેઢીએાએ બહિષ્કારમાં વફાદારીથી સાથ આપ્યો છે તે પેઢીઓને ઉત્તેજન આપશે. ઝાંઝીબારની હિંદી કોમને તથા બહિષ્કારમાં સાથ આપનારા હિંદુસ્તાનના લવિંગના વેપારીઓને મુબારકબાદી આપીને મુંબઈ પ્રાંતિક સમિતિના સ્વયંસેવકો ખરી કટોકટીને વખતે છ અઠવાડ્યિાં સુધી કડક ચોકી કરી હતી તેમને ધન્યવાદ આપ્યા. છેવટે જણાવ્યું કે આ પ્રસંગ ઉપરથી પરદેશમાં વસતા હિંદીઓની ખાતરી થશે કે કૉંગ્રેસ તેમને મદદ કરવા હંમેશાં તત્પર હોય છે.

ફેડરેશન વિષે પણ આ કૉગ્રેસમાં મહત્ત્વનો ઠરાવ પસાર થયો હતો. તેનો ઉલ્લેખ દેશી રાજા વિષેના ઠરાવ ઉપર બોલતાં સરદારે પોતાના ભાષણમાં કર્યો છે. છેલ્લે જે વિશ્વયુદ્ધ થઈ ગયું તેના ભણકારા હરિપુરા કૉંગ્રેસ વખતથી વાગવા માંડ્યા હતા. એટલે તે વિષે નીતિ જાહેર કરવાની જરૂર હતી. અત્યારે આપણને સ્વાતંત્ર્ય મળ્યું છે ત્યારે પણ પરદેશ સાથેની આપણી નીતિ તે વખતે જે જાહેર કરવામાં આવી હતી તેવી જ લગભગ રહી છે. એ ઠરાવનો મહત્ત્વનો ભાગ નીચે આપ્યો છે :

“ હિંદુસ્તાનના લોકો પોતાના પાડોશીઓ અને બીજો સધળા દેશો સાથે સુલેહશાન્તિથી અને મિત્રાચારીથી રહેવા ઇચ્છે છે. એ હેતુથી સંધર્ષનાં જેટલાં કારણો હોય તે તમામ એ દુર કરવા ચાહે છે. એક રાષ્ટ્ર તરીકે પોતાની મુક્તિ અને સ્વતંત્રતા માટેના પ્રયત્ન કરતાં, બીજાઓના સ્વાતંત્ર્ય પ્રત્યે તે આદર

રાખવા ઇચ્છે છે અને આંતરરાષ્ટ્રીય સહકાર અને સદભાવનાના ધોરણ ઉપર પોતાની શક્તિ તે ખીલવવા ઇચ્છે છે. આખી દુનિયાના સુવ્યવસ્થિત તંત્રના પાયા ઉપર જ આવા સહકાર સંભવી શકે. એટલે સ્વતંત્ર હિંદુસ્તાન આવું વિશ્વતંત્ર સ્થાપવામાં ખુશીથી જોડાશે તથા શસ્ત્રસંન્યાસની અને સામુદાયિક સલામતીની ભાવનાને ટેકો આપશે. પણ વિશ્વવ્યાપી સહકાર સિદ્ધ થવો અશક્ય છે — જ્યાં સુધી રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે ઝધડાનાં મૂળ કાચમ રહે, એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર ઉપર સત્તા ચલાવવા ઇચ્છે, અને શાહીવાદની આણ સર્વત્ર વર્તાતી રહે. દુનિયામાં આપણે કાયમી શાંતિ સ્થાપવી હોય તો શાહીવાદ નાબૂદ થવો જ જોઈએ અને અમુક રાષ્ટ્રો બીજા રાષ્ટ્રનું શોષણ કરે છે તેનો અંત આવવો જ જોઈએ.

“ અત્યારે જે શાહીવાદી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, તેમાં હિંદુસ્તાન પક્ષકાર થઈ શકે એમ નથી. બ્રિટિશ શાહીવાદના હિતને અર્થે આપણી માનવશક્તિનું તથા સાધનસંપત્તિનું શોષણ થાય એ આપણે નિભાવી લઈ શકીએ નહીંં. વળી હિંદુસ્તાનના લોકોની સ્પષ્ટ સંમતિ સિવાય હિંદુસ્તાનને કોઈ પણ યુદ્ધમાં સામેલ કરી શકાય નહીં. એને કોઈ પણ રીતે યુદ્ધમાં જોડવાનો પ્રયત્ન કરવામાં આવશે તો દેશ તેનો વિરોધ કરશે.”

બીજો મહત્ત્વનો ઠરાવ હરિપુરા કૉંગ્રેસમાં પસાર કરવામાં આવ્યો તે પાયાની કેળવણીને લગતો હતો. કેળવણીના જે સિદ્ધાંતો અને નીતિ કૉંગ્રેસે તે વખતે સ્વીકારી તે સ્વતંત્રતા મળ્યા છતાં હજી આપણે અમલમાં મૂકી શક્યા નથી. એટલે તેનું સ્મરણ કરીએ એ યોગ્ય છે. હરિપુરા કૉંગ્રેસે રાષ્ટ્રીય શિક્ષણનો ઠરાવ કરીને જાહેર કર્યું કે,

“હિંદુસ્તાનમાંની કેળવણીની અત્યારની પદ્ધતિ નિષ્ફળ નીવડી છે એમ સૌ સ્વીકારે છે. તેના ઉદ્દેશો રાષ્ટ્રવિરોધી અને સમાજવિરોધી છે અને તે આપવાની પદ્ધતિ તદ્દન જુનવાણી છે. વળી દેશના થોડા જ માણસોને તે મળી શકે છે, વિશાળ જનતા તો તદ્દન અભણ રહે છે. તેથી એ આવશ્યક છે કે આપણા રાષ્ટ્રીય શિક્ષણની રચના નવા પાયા ઉપર અને રાષ્ટ્રવ્યાપી ધોરણ ઉપર થવી જોઈએ. કૉંગ્રેસને અત્યારે સરકારી શિક્ષણ ઉપર અસર પાડવાની અને પોતાના વિચાર પ્રમાણે તે ચલાવવાની તક મળી છે. એટલે આપણું શિક્ષણ કયા પાયાના સિદ્ધાંત ઉપર ચાલવું જોઈએ અને તેનો અમલ કરવા માટે કેવા ઉપાયો લેવા જોઈએ તે નક્કી કરવું આવશ્યક છે. કૉંગ્રેસ એવા અભિપ્રાયની છે કે પ્રાથમિક અને માધ્યમિક કક્ષામાં નીચેના સિદ્ધાંત મુજબની પાયાની કેળવણી આપવી જોઈએ :

૧. આખા રાષ્ટ્રને સાત વર્ષ મફત અને ફરજિયાત કેળવણી મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ.
૨. શિક્ષણનું વાહન માતૃભાષા હોવી જોઈએ.
૩. આ બધો વખત કેળવણીની રચના કોઈ પણ પ્રકારના ઉત્પાદક ઉદ્યોગને કેન્દ્રમાં રાખીને થવી જોઈએ, કેળવણીની બીજી બધી પ્રવૃત્તિઓ

પણ શકય હોય ત્યાં સુધી બાળકની આસપાસના વાતાવરણને ધ્યાનમાં | લઈને પસંદ કરેલા કોઈ મુખ્ય હાથઉદ્યોગની આસપાસ ગૂંથાવી જોઈએ.”

કૉંગ્રેસની પૂર્ણાહુતિ વખતે પ્રમુખશ્રીનો તથા પ્રતિનિધિઓનો આભાર માનતાં સરદારે આપેલા ભાષણમાંથી કેટલાક ભાગ આપી આ પ્રકરણ પૂરું કરીશું :

"અહીં કરેલી નગરરચના બાબત મારે બે વાત કહેવાની છે. આ નગરરચના કરવાવાળાઓની તારીફ મેં બહુ સાંભળી છે. આ નગરને એકાવન દરવાજાથી શણગારવામાં આવ્યું છે. એમાં જે ખૂબસૂરતી છે તે બંગાળના વિખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝની કૃતિ છે. એ એટલા સાદાઈથી રહે છે કે મોટા ચિત્રકાર હશે એમ કોઈ ઓળખી પણ ન શકે. ગુજરાતના ચિત્રકારોએ પણ અહીં કામ કરેલું છે. પણ એમનો તો એ ધર્મ હતો. એટલે મારે એમની તારીફ કરવાની હોય નહીં. આ નગરનો આખો નકશો સરહદ પ્રાંતના નિવૃત્ત ઇજનેર શ્રી રામદાસ ગુલાંટીએ બનાવેલ છે. હાલમાં તેઓ બાપુની પાસે રહે છે અને જોડા સીવવાનું કામ કરે છે. ફૈઝપુર કૉંગ્રેસની બધી રચના પણ એમણે જ કરી હતી. બાપુએ મને કહ્યું કે અહીંનું બધું કામ પાંચ હજાર રૂપિયામાં આપણે આટોપવું જોઈએ. મેં જવાબ આપ્યો કે એ કામ રામદાસજીને સોંપી દો. એ જે કાંઈ માગશે તે હું આપીશ. એ પ્રમાણે રામદાસજીએ જે વસ્તુઓ માગી તે મેં આપી છે. એમાં કેટલા પૈસા ખર્ચાયા તેનો હિસાબ કરીશું ત્યારે ખબર પડશે. આ જગ્યા પસંદ કરવા માટે પણ હું તો બાપુને અહીં લઈ આવ્યો હતો. આ જગ્યા ઉપર મોટું વિકટ જંગલ હતું. એમણે એ જંગલ પસંદ કર્યું. ફેઝપુરના અનુભવ ઉપરથી જણાયું હતું કે કૉંગ્રેસ માટે વિશાળ જમીન જોઈએ જ. એટલે અમે પાંચસો એકર જમીન લેવાનું નક્કી કર્યું. જમીન ત્રણ ગામની છે. તેમાં લગભગ બધી જેટલી જમીન મુસલમાનોની છે. જમીનમાલિકોએ અમારી પાસે કશું માગ્યું નથી. એમનો ઉપકાર માનવો જોઈએ. પણ ગુજરાતના કામ માટે ગુજરાતીઓ જમીન આપે તેમાં ઉપકાર શો માનવો ? ગાંધીજીએ કહ્યું કૉંગ્રેસનાં રસોડાંમાં ગાયનું જ ધીદૂધ, વાપરવું જોઇશે. ધી અમે ઉત્તર ગુજરાત, કાઠિયાવાડ તથા રજપૂતાનામાંથી લાવ્યા અને દૂધ માટે અહીં પાંચસો ગાયો રાખી. એ અમારા પાંચસો પ્રતિનિધિઓ એવા છે કે આપણને કશી તકલીફ આપતા નથી, એ કશા ઠરાવ રજૂ કરતા નથી, સુધારો મૂકતા નથી, કે તે ઉપર ભાષણ કે ચર્ચા કરતા નથી. ઊલટું આપણને દૂધ પિવડાવે છે. બાપુનો બીજો હુકમ એ થયો કે બધા પ્રતિનિધિઓને હાથે ખાંડેલા ચોખા અને હાથઘંટીમાં દળેલ આટો ખવડાવવો જોઈશે. સેંકડો મજૂરો રાખીને અમે ચોખા ખંડાવ્યા અને આટો દળાવ્યો.

"આ જગલ, એક ગુજરાતી ભાઈએ પોતાનું ટ્રેકટર લાવીને બધું સાફ, સરખું કરી આપ્યું અને આસપાસના રસ્તા સુધાર્યા. સ્ટેશનથી અહીં આવવાની સડક ઉપર ધૂળ ન ઊડે માટે એટલી સડક ડામરની બનાવી. પછી સવાલ પાણીનો રહ્યો. રોજ અહીં બે લાખ માણસ ભેગુ થાય એમને માટે ચોખા પાણીની વ્યવસ્થા કરવી જ જોઈએ. મેં કહ્યું કે વૉટરવર્ક્સ્ બનાવવાનું ખર્ચ પચાસ હજાર રૂપિયા થશે. બાપુએ કહ્યું કે નદીનું પાણી પિવડાવીશું. મેં કહ્યું કે એ

જોખમ ઉઠાવવા હું તૈયાર નથી. ચોખા પાણી માટે અને તેના નિકાલ માટે ગટરની વ્યવસ્થા તો કરવી જ જોઈએ. તે માટેના પાઇપ રાસના એક ખેડૂતે, જેણે ગઈ લડતમાં પેતાની બધી મિલકત ઉડાવી દીધી છે, તેણે અહી જ પાડી આપ્યા. સફાઈનું કામ પણ ગુજરાતના ખેડૂતોએ અને વિદ્યાર્થીઓએ જ ઉપાડી લીધું છે. સ્વાગત સમિતિના પ્રમુખ દરબારસાહેબ અને પ્રધાન મંત્રી શ્રી કનૈયાલાલ દેસાઈ ત્રણ મહિના પહેલાં અહીં આવીને પડ્યા હતા. આ આખા નગરમાં જે વ્યવસ્થા છે, જેની બધા બહુ પ્રશંસા કરે છે, તે આ રીતે થઈ છે. અમારા ગુજરાતની એક ખાસ આદત છે કે કામ કરનાર આદમી બહુ થોડું બોલે છે. તમારી બધાની સોબતથી હું કાંઈક બોલવાનું શીખ્યો છું, પણ પહેલાંના વખતનો મારો એક દાખલો આપું. હું કલકત્તા કૉંગ્રેસમાં ગયો હતો. મારો એક મિત્ર મારી ટિકિટ લઈને સભામંડપમાં ઊપડી ગયો. હું તો રસ્તા ઉપર આમ તેમ ખૂબ રખડયો પણ અંદર શી રીતે જાઉં ? કોઈએ મને ઓળખ્યા નહીં. છેવટે રખડીને મારે ઉતારે જઈને બેઠો. પછી આચાર્ય કૃપાલાની મયા. તેમણે મને પૂછ્યું ત્યારે મેં કહ્યું કે મારી પાસે તો ટિકિટ નથી. આ અમારો સ્વભાવ છે. અહીં જે કંઈ વ્યવસ્થા થઈ છે તે મારા સાથીઓની મહેનતનું પરિણામ છે. મેં તો થોડું માર્ગદર્શન કર્યું હશે. આઠ હજાર સ્વયંસેવકો અહીંં કામમાં લાગેલા છે. બે હજાર સ્વયંસેવકો સફાઈનું કામ કરે છે. એમના સેનાપતિ તથા બહેન મૃદુલા સારાભાઈની હું શી તારીફ કરું ? અહીં તમે નાની નાની છોકરીઓ પણ કામ કરતી જુઓ છો. પણ એ બધી ગુજરાતની છોકરીઓ છે. એમણે અહીંની વ્યવસ્થામાં ભારે હિસ્સો આપ્યો છે. અમારાં રસોડાંની બધી વ્યવસ્થા રવિશંકર મહારાજે કરી છે. એ ગુજરાતના મહારાજ કહેવાય છે. દરેક ચળવળ વખતે સૌથી પહેલાં જેલમાં જાય છે, અને સૌથી છેલ્લા છૂટીને આવે છે. જે જેલમાં જાય ત્યાંનો સુપરિન્ટેન્ડેન્ટ પણ રાજી થઈ જાય છે. જેલનું આખું રસોડું એમને સોંપી દે છે. આવા અમે બધા છીએ. આપ ભાઈબહેનોનો અમારે આભાર માનવાનો છે, અને માફી પણ માગવાની છે. આવા જગલમાં તમારા આરામ માટે અને તમારા સુખ માટે બધી વસ્તુઓને પ્રબંધ શી રીતે થઈ શકે ? અમે તમને ખાટલા આપીએ, તો આ અમારા પંતજી એવા છે કે એક રાતમાં ત્રણ ચાર તોડી નાખે. વળી એક દિવસ વરસાદ પડ્યો અને ધૂળની આંધી ચડી. એટલે પણ તમારી તકલીફમાં ખૂબ વધારો થયો. પણ તમે સૌએ એ તમામ તકલીફની બરદાસ કરી લીધી છે. અમારી બધી ત્રુટીઓ સામે જોયું નથી; ખૂબ પ્રેમ અને ઉદારતાથી બધું નિભાવી લીધું છે. તે માટે આપ સૌનો આભાર માનું છું. દેશનું કામ હતું તેમાં સૌએ અમને સાથ આપ્યો છે. અને ઈશ્વરની દયાથી અમારું કામ સફળ રીતે પૂરું થયું છે.”

  1. *દેશના કોઈ ભાગમાં પ્રાંતિક પ્રધાનના કોઈ કાર્યને લીધે સુલેહશાન્તિ જોખમમાં આવી પડવાનો ભય હોય તે વખતે પ્રાંતિક સરકારો ઉ૫૨ મધ્યવર્તી સરકારનો અંકુશ રાખવાને લગતી આ કલમ હતી.
  2. * હરિપુરા કૉંગ્રેસનો ઠરાવ પસાર થયા પછી વાઈસરૉયે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેનો જવાબ આપતાં ગાંધીજીએ તા. ૨૩-૨-’૩૮ના રોજ એક નિવેદન બહાર પાડ્યુ તેમાંથી મહત્ત્વના ફકરા નીચે આપ્યા છે :
    “નામદાર ગવર્નર જનરલના નિવેદનમાંની એક વાતથી મને એવી આશા ઊપજે છે ખરી કે આ કટોકટી ટળી જશે. તેમણે હજુ ગવર્નરો અને પ્રધાનો વચ્ચે મસલતનો દરવાજો ખુલ્લો રાખ્યો છે.
    “હું કબૂલ કરું છું કે પ્રધાનોએ હોદા છોડવાની નોટિસ એકાએક આપેલી. પણ તે વખતે સ્થિતિ જ એવી હતી કે એમનાથી બીજું કશું થઈ ન શકે. હવે બંને પક્ષોને પરિસ્થિતિ વિચારી જોવાનો સારી પેઠે વખત મળે છે.
    “મારા મત પ્રમાણે આ આંટી ઉકેલવાનો રસ્તો એ છે કે વાઈસરૉયે ગવર્નરને એવી ખોળાધરી આપવાની છૂટ આપવી કે ‘પોતે કરવા ધારેલી કેદીઓના કેસની તપાસનો ઇરાદો પ્રધાનોની સત્તા ઉપર તરાપ મારવાનો નહોતો. પ્રધાનોએ કેદીઓ પાસેથી ખોળાધરી મેળવી છે. તેઓ પોતાની જવાબદારી પર કેદીઓને છોડી શકે છે.’ મને આશા છે કે જો પ્રધાનોને ગવર્નરો બોલાવે તો, તેમને મળેલી ખેાળાધરીથી પોતાને સંતોષ થાય છે કે નહીં એ નક્કી કરી લેવાની છૂટ કૉંગ્રેસની કારોબારી સમિતિ પ્રધાનોને આપશે.”