લખાણ પર જાઓ

સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/હરિપુરા કૉંગ્રેસ — ૧

વિકિસ્રોતમાંથી
← નરીમાન પ્રકરણ — ૨ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
હરિપુરા કૉંગ્રેસ — ૧
નરહરિ પરીખ
હરિપુરા કૉંગ્રેસ — ૨ →




૨૧
હરિપુરા કૉંગ્રેસ — ૧

ફૈઝપુરની કૉંગ્રેસમાં જ સરદાર આવતા અધિવેશન માટે ગુજરાત તરફથી આમંત્રણ આપી આવ્યા હતા. આપણે જોઈ ગયા છીએ કે ફૈઝપુર કૉંગ્રેસ પછી પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણીઓ થવાની હતી. એ ચૂંટણીઓનું કામ પૂરું થતાં જ ગુજરાતે કૉંગ્રેસના અધિવેશનની તૈયારીઓ કરવા માંડી. ગ્રામપ્રદેશમાં કૉંગ્રેસ ભરવાની પાછળ મુખ્ય હેતુ એ હતો કે ગ્રામજનતાને કૉંગ્રેસનો વધુ રસ લાગે અને તેમનામાં જાગૃતિ આવે. કૉંગ્રેસે ગ્રામ-ઉદ્ધારની જે નવી પ્રવૃત્તિઓ ઉપાડી હતી તે પ્રવૃત્તિઓ વિષે પણ ગામડાંના લોકો વધારે સમજતા થાય અને તેમાં વધારે રસ લેતા થાય એ હેતુ પણ હતો. એટલે ગાંધીજીએ શરૂઆતમાં જ સરદારને અને ગુજરાતના બીજા કાર્યકર્તાએને કહી દીધું કે આ કૉંગ્રેસમાં ખાદી અને ગ્રામઉદ્યોગનું વાતાવરણ પૂરેપૂરું હોવું જોઈએ. કૉંગ્રેસને અંગે જે બાંધકામ થાય તેમાં આસપાસના પ્રદેશમાંથી મળી આવતી ચીજો જ વપરાવી જોઈએ; ખોરાકમાં હાથઘંટીએ દળેલો આટો, હાથે ખાંડેલા ચોખા તથા ઘાણીનું તેલ વપરાવું જોઈએ; એટલું જ નહીં પણ ગાયનું જ દૂધ, ઘી, માખણ, વગેરે વપરાવું જોઈએ. પહેલાં તો ગાંધીજીનો એવો આગ્રહ હતો કે ત્યાં જે ખાનગી હોટેલ, વીશીઓ વગેરે ખોલાય તેમાં પણ આવો જ આગ્રહ રાખવામાં આવે. પણ કાર્યકર્તાઓએ જ્યારે કહ્યું કે એ બધાને પહોંચી વળવું અમારા ગજા ઉપરવટનું થઈ પડશે ત્યારે ગાંધીજીએ પોતાનો આગ્રહ છોડી દીધો અને કૉંગ્રેસના રસોડા પૂરતો જ એ આગ્રહ મર્યાદિત કરવામાં આવ્યો.

ફૈઝપુરના અનુભવ ઉપરથી એટલું તો જણાયું હતું કે કૉંગ્રેસ માટે જે સ્થળ પસંદ કરવામાં આવે ત્યાં વિશાળ ખુલ્લી જગ્યા હોવી જોઈએ અને પાણીની પુષ્કળ સગવડ હોવી જોઈએ. સ્થળ પસંદ કરવા એક ખાસ કમિટી નીમવામાં આવી. તેમણે ત્રણેક સ્થળોની ભલામણ કરી. સરદારે તે સ્થળો જોઈ છેવટે બારડોલી તાલુકામાં હરિપુરા ગામની પાસે તાપી નદીના કિનારા ઉપરની વિશાળ જગ્યા પસંદ કરી. તેની પાસે જ માંડવીનું જંગલ આવેલું હતું એટલે ત્યાંથી વાંસ, વળીઓ, તથા બીજું લાકડું તાપી નદીના વહેણમાં જ તરાપામાં લાવી શકાય એમ હતું. વળી વાંસનાં પાનાં તથા તાડ તથા નાળિયેરીનાં છટિયાંની સાદડીઓ જેટલી જોઈએ તેટલી એ જંગલમાં રહેનારા લોકો પાસે જ બનાવડાવી શકાય તેમ હતું. છતાં સરદારને એકલી પોતાની પસંદગીથી સંતોષ ન થયો. મે મહિનામાં ગાંધીજીને આરામ માટે વલસાડ પાસે દરિયા કિનારા પરના તીથલ સ્થળે સરદાર લઈ આવ્યા. તે વખતે શાન્તિનિકેતનથી શ્રી નંદલાલ બોઝને પણ ત્યાં બોલાવવામાં આવ્યા. કારણ આખી કૉંગ્રેસને કળામય રીતે શણગારવાનું કામ નંદબાબુને સોંપવાનું હતું. સરદારે ગાંધીજી તથા નંદબાબુ પાસે જગ્યા પાસ કરાવી ત્યારે તેમને સંતોષ થયો. નંદબાબુએ કહ્યું કે આ સ્થળ એટલું રમણીય અને કુદરતી રીતે જ કળામય છે કે મારું કામ બહુ સહેલું થઈ જશે. ગાંધીજી પણ આ સ્થળ જોઈ ને બહુ ખુશ થયા. લગભગ પાંચસો એકરના વિશાળ પટમાં કૉંગ્રેસનો પડાવ નાખવાનું નક્કી થયું. જમીનના માલિકો જેમાં લગભગ અડધા મુસલમાનો હતા તેમણે પોતાની બધી જમીન કૉંગ્રેસને મફત વાપરવા માટે આપી.

ગાંધીજીનો બીજો આગ્રહ એ હતો કે, “આપણે ગામડામાં કૉંગ્રેસ ભરીએ છીએ એટલે તેમાં બહુ ખર્ચ ન થવું જોઈએ, પાંચ હજાર રૂપિયાથી વધારે ખર્ચ થાય એ મને ગમે નહીં,” સરદારને તો ગામડામાં પણ ખૂબ સાધનસગવડો ઊભી કરવી હતી. પાંચ હજાર તો શું, પાંચ લાખ રૂપિયા ખર્ચ થાય તો તે માટે પણ તેઓ તૈયાર હતા. પણ ગાંધીજીની વાતનો સીધો વિરોધ શી રીતે કરાય ? એટલે એમણે કહ્યું કે તમારા આશ્રમમાં શ્રી રામદાસ ગુલાંટી ઈજનેર છે, તેમને મને સોંપી દો. તમામ જાતનાં બાંધકામની જવાબદારી તેમના ઉપર નાખીશ અને તેને મારી પાસે જેટલા પૈસા માગશે એટલા આપીશ. એમને જેટલા રૂપિયામાં કૉંગ્રેસ કરવી હોય એટલામાં કરે !

આ સ્થળથી નજીકમાં નજીક રેલવે સ્ટેશન ૧૧ માઈલ દૂર હતું. તે ઉપરાંત ત્રીસેક માઈલના અંતરમાં બીજાં ત્રણ રેલવે સ્ટેશન હતાં. એ બધાં સ્ટેશનોએથી કૉંગ્રેસ સુધીના રસ્તા જિલ્લા લોકલ બોર્ડને તથા સરકારને કહી સમરાવવાની વ્યવસ્થા કરવામાં આવી. મઢીથી કૉંગ્રેસનગરના અને નગરની અંદરના મુખ્ય રસ્તો ડામરનો કરાવ્યો. જેથી ધૂળનો ઉપદ્રવ ન થાય. તે ઉપરાંત આસપાસનાં ગામડાંઓમાંથી આવવાના ગાડારસ્તા પણ ઠીકઠાક કરાવ્યા અને ત્યાં સ્થળે સ્થળે હરિપુરા કૉંગ્રેસનો રસ્તો બતાવનારાં પાટિયાં મુકાવી દીધાં. કૉંગ્રેસના સ્થળની નજીક કોઈ મોટું શહેર કે બજાર ન હતું, એટલે જોઈતી વસ્તુઓ બહુ આગળથી એકઠી કરવા માંડી.

શ્રી રામદાસ ગુલાંટીએ લગભગ ચાર માસ પહેલાં ત્યાં આવીને મુકામ નાખ્યો. તેમણે તમામ જમીનની સરવે કરી તથા ઊંચીનીચી જગ્યાઓનું લેવલ લઈ આખા કૉંગ્રેસનગરનો નકશો તૈયાર કર્યો. સ્થાનિક કાર્યકર્તાઓ તો, દશેરાને દિવસે કૉંગ્રેસનગરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે પહેલાં ત્યાં જઈ ને પડ્યા હતા. કૉંગ્રેસનગરનું નામ વિઠ્ઠલનગર રાખવામાં આવ્યું. તાપી નદીની સામી બાજુએની સડકથી બી. બી. ઍન્ડ સી. આઈ. રેલવેનું કીમ સ્ટેશન લાગુ પડતું હતું. એટલે એ રસ્તે આવનાર માણસો તથા વાહનોની સગવડ માટે તાપી નદી ઉપર હોડીઓ ગોઠવી એક કામચલાઉ પુલ બાંધવામાં આવ્યો. એ બાંધવામાં સુરત જિલ્લાના સમુદ્રકાંઠા પરના ખારવાઓએ બહુ સારી મદદ કરી. કૉંગ્રેસ માટેની જમીન સાફ અને સરખી કરવામાં ટ્રેક્ટરવાળા શ્રી પશાભાઈ પટેલે મદદ કરી.

કૉંગ્રેસને રસોડે ગાયનું ઘી, દૂધ પૂરું પાડવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી. મેં સરદારને કહેલું કે આ કામ માટે ઓછામાં ઓછી પાંચસો ગાયોની ગૌશાળા અહીં આપણે ઊભી કરવી પડશે. આપણે વીણી વીણીને પસંદ કરીને આણેલી સુંદર ગાયો, પછીથી આસપાસનાં ગામોમાં વેચી દઈશું એટલે એ ગામોમાં સારો ગૌપ્રચાર થશે અને ગામલોકોને પણ કાયમી ફાયદો થશે. આપણા ગૌ પૂજક ગણાતા દેશમાં પાંચસો જાતવાન ગાયો એકઠી કરવી એ સહેલી વાત ન હતી. પણ એ કામમાં સાબરમતી આશ્રમ ગૌશાળાના કાર્યકર્તાઓની તથા ડેરી નિષ્ણાત શ્રી દિનકર પંડ્યા તથા શ્રી પન્નાલાલ ઝવેરીની મને સારી મદદ હતી, એટલે કૉંગ્રેસના અધિવેશનના એક મહિના પહેલાં પાંચસો ગાયોની ગૌશાળા અમે વ્યવસ્થિત ચાલુ કરી શક્યા. તે માટે ગાયોની ખરીદી ચાર માસ અગાઉથી શરૂ કરી દીધી હતી, અને ત્યાં કામ કરવા એકઠાં થયેલાં માણસોને જોઈએ તે કરતાં ઘણું વધારે દૂધ ત્રણ મહિના ઉપરથી ત્યાં ઉત્પન્ન થવા માંડ્યું હતું. તે માટે અમે એવી યોજના કરી હતી કે એ બધા દુધને સૅપરેટ કરી તેની મલાઈમાંથી ઘી બનાવવું અને સૅપરેટ કરેલા દૂધને ઉકાળી તેમાં ખાંડ નાખી એ ઘટ્ટ્ કરેલા દૂધ (કન્ડેન્સન્ડ મિલ્ક)ને સીલબંધ ડબામાં પૅક કરી રાખવું જેથી અધિવેશન વખતે એ ઘટ્ટ કરેલા દૂધમાં જરૂરી પાણી નાખી સામાન્ય દૂધ તરીકે વાપરવામાં આવે. હરિપુરાની ડેરીના ઘી ઉપરાંત માતર તાલુકામાં ગાયનું દૂધ ખરીદી તેનું ઘી બનાવવાનું એક મથક અમે ખોલ્યું હતું. એટલે બધું મળીને સવાસો ડબા (૩૬ રતલના) ઘી, અમારી દેખરેખ નીચે અમે બનાવી શક્યા હતા. ઘટ્ટ દૂધના ત્રણસો ડબા (૪૮ રતલના) તૈયાર થયા. પાંચસો ગાયોની ભરતી થઈ ગયા પછી રોજનું પાંચ હજાર રતલ ઉપર દૂધ તૈયાર થતું હતું. સરદારને સવાસો ડબા ઘીથી સંતોષ ન થયો. એટલે બીજા સાતસો ડબા ગાયનું ઘી અમે ઉત્તર ગુજરાત, કાઠિયાવાડ તથા રજપૂતાનામાંથી રખડી રખડીને એકઠું કર્યું.

હાથછડના ચોખા, ઘંટીનો આટો તથા બેલઘાણીનું તેલ, એ માટે પણ ઘણા મહિના અગાઉથી તૈયારી કરવી પડી. દળવા ખાંડવાની વ્યવસ્થા તો કૉંગ્રેસના સ્થળ ઉપર જ રાખી હતી. ઘાણીની વ્યવસ્થા મઢી સ્ટેશન નજીક જમીન લઈને ત્યાં રાખી હતી. કૉંગ્રેસની નજીકના દિવસોમાં ત્યાં એક છાપખાનું ઊભું કરવામાં આવ્યું હતું. તેમાં તથા કોંગ્રેસ માટે વપરાયેલ બધો કાગળ હાથબનાવટનો જ હતો. શ્રી વાલજીભાઈએ હરિપુરા કૉંગ્રેસની માર્ગદર્શિકા માટે એક નાનું પુસ્તક લખ્યું, જેમાં ગુજરાતની જૂની ઐતિહાસિક માહિતી પણ આપવામાં આવી હતી. તે પુસ્તક કૉંગ્રેસના વિઠ્ઠલ મુદ્રણાલયમાં જ હાથકાગળ ઉપર છાપવામાં આવ્યું હતું.

બધાં ગ્રામ-ઉદ્યોગનાં કામોમાં, બાંધકામમાં, સડકો અને રસ્તા સમારવામાં, કામચલાઉ પુલ બાંધવામાં વગેરે જુદી જુદી જાતની પરચૂરણ મજૂરીમાં લગભગ એક લાખ રૂપિયા આસપાસના ખેડૂતો તથા મજૂરોમાં વહેંચાયા હતા.

પાણીને માટે તાપી નદીની મહેર હતી. ગાંધીજી તો કહેતા કે આપણે બધાંને નદીનું પાણી પાઈશું. પણ એ બાબતમાં સરદારની મ્યુનિસિપલ બુદ્ધિ ગાંધીજીની વાત કબૂલ રાખવા તૈયાર ન હતી. એમણે આગ્રહ રાખ્યો કે આપણે વૉટર વર્ક્સ બનાવી લોકોને વિશુદ્ધ કરેલું પાણી જ પૂરું પાડવું જોઈએ અને આખા નગરમાં ગટરની પણ એવી સુંદર વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી કોઈ જગ્યાએ પાણી ભરાઈ રહેવા પામે નહીં. અમદાવાદ મ્યુનિસિપાલિટીના આ વિષયના નિષ્ણાત સ્ટાફે આ બાબતમાં પૂરા દિલથી મદદ કરી. ચોખ્ખા પાણી માટે તેમ જ ગટરના પાણી માટે નળ નાખવા પાઈપ જોઈએ તે રાસવાળા શ્રી આશાભાઈના સાહસથી બધી ત્યાં જ બનાવવામાં આવી. આ બધી વ્યવસ્થા જોકે કામચલાઉ હતી પણ એટલી સુંદર રીતે કરવામાં આવી હતી કે કોઈ પણ મોટા શહેરના વૉટર વર્ક્સ અને ગટરની વ્યવસ્થા કરતાં ઊતરે એવી ન હતી.

બાંધકામનું કામ શ્રી રામદાસ ગુલાંટીને સોંપવામાં આવ્યું હતું અને તેમણે અગાઉથી આવીને ત્યાં મુકામ નાખ્યો હતો એ કહેવાઈ ગયું છે. વિઠ્ઠલનગરને એકાવન દરવાજા રાખવામાં આવ્યા હતા. તે બધા જ કળામય રીતે શણગારવામાં આવ્યા હતા. એમાંના સાત મુખ્ય દરવાજા તો ઊંચા પ્રકારના શુદ્ધ હિંદી સ્થાપત્યના નમૂના બન્યા. એની રચના કરવામાં તથા એ શણગારવામાં શ્રી નંદબાબુએ એમની કળાશક્તિની કમાલ કરી. એ બધા દરવાજા ઉપર શ્રી નંદબાબુએ જુદી જુદી વિશિષ્ટતાનાં સૂચક ચિત્રો સુંદર રીતે ગોઠવ્યાં. દાખલા તરીકે, સ્વાગત સમિતિના મુખ્ય કાર્યકર્તાઓ જ્યાં રહેતા અને જ્યાં સ્વાગત સમિતિની ઑફિસો હતી એ વિભાગના દરવાજા ઉપર રણમાં ખૂબ મુસાફરી કરીને થાકીને બેસી પડેલા ઊંટનું ચિત્ર મૂક્યુંં હતું. સ્વયંસેવકોની છાવણીના દરવાજા ઉપર બહુ ભાર લાદેલા અને થાકેલા ગધેડાને કુંભાર પરાણે ચલાવતો હોય એવું ચિત્ર મૂક્યું હતું. મહાસમિતિના તથા કૉંગ્રેસની મસલત સમિતિના મંડપના એક દરવાજા ઉપર કુસ્તી કરતા બે મલ્લનું ચિત્ર મૂક્યું હતું. અને બીજા દરવાજા ઉપર भवान् ઉપરથી यूयम् અને તેના ઉપરથી त्वम् અને તેથી પણ આગળ જાય છે એવા શાસ્ત્રાર્થ કરતા પંડિતો ચીતર્યા હતા. મુખ્ય રસોડાના એક દરવાજા ઉપર તાજા રસાળ ફળ જોઈ લાલચુ આંખોવાળો બાળક, એક દરવાજા ઉપર મોદક ઉપર તૂટી પડવાને તૈયાર દૂંદાળા ભૂદેવ, ત્યારે એક દરવાજા ઉપર માછલી ઉપર તરાપ મારતી બિલાડી એવાં ચિત્રો હતાં. શ્રી નંદબાબુએ પોતે લગભગ બસો ચિત્રો દોર્યાં હતાં. એ બધાં ચિત્રો એકઠાં કરીએ તો તેનાથી સુંદર કળામંડપ શણગારી શકાય. ગુજરાતના કળાકાર શ્રી રવિશંકર રાવળ તથા શ્રી કનુ દેસાઈએ પણ વિઠ્ઠલનગરને આકર્ષક બનાવવામાં પોતાનો ફાળો સારો આપ્યો હતો. તેમનાં ચિત્રો પણ ત્યાંના પ્રદર્શનમાં એક મોટા આકર્ષણરૂપ થઈ પડ્યાં હતાં. સુરતના કળાપ્રેમી સજ્જન શ્રી રાજેન્દ્ર સુરકંઠાની મદદથી તેમણે ગુજરાતની પ્રાચીન કળાના ઉત્તમ નમૂના એકઠા કરીને એક વિશાળ મંડપમાં અતિશય કળામય રીતે ગોઠવીને મૂક્યા હતા. આખા નગરમાં જગ્યાએ જગ્યાએ નાના નાના બગીચા તત્કાલ પૂરતા બનાવ્યા હતા. આ બધું થોડા જ વખત માટે ઊભું કરીને વિખેરી નાખવાનું હોઈ જંગલની વચ્ચે જાણે એક ગંધર્વનગરી રચી હોય તેના જેવું હતું ! વીજળીની વ્યવસ્થા કિલિક નિક્સનની કંપનીની મદદથી કરવામાં આવી હતી. રાત્રે જ્યારે બધી બત્તીઓ કરવામાં આવતી અને બધા દરવાજા, મંડપ વગેરે તેનાથી શોભી રહેતા, ત્યારે જોવા આવનારાના શબ્દોમાં કહીએ તો આખી નગરી ઝળાંઝળાં થઈ ઊઠતી !

ગાંધીજી તથા પ્રમુખ સુભાષચંદ્ર બોઝ માટેની કુટીરો તથા કારોબારીની બેઠક માટે એક નાનો મંડ૫ નદીની બાજુની ઢોળાવવાળી ભેખડમાંથી કાપી કાઢેલી જગ્યામાં બનાવવામાં આવ્યાં હતાં. ત્યાંથી નદીના પ્રવાહનું અને નદીના સામા કિનારાની વૃક્ષરાજીનું દૃશ્ય બહુ મનોહર લાગતું. આ ઉપરાંત ઇસ્પિતાલ, છાપખાનું, બૅંક, પોસ્ટ, તાર તથા ટેલિફાન, આગ બુઝાવવાની વ્યવસ્થા વગેરે શહેરને માટે આવશ્યક ગણાતાં તમામ સાધનો ત્યાં ઊભાં કરવામાં આવ્યાં હતાં. વિઠ્ઠલનગર આખું નદીને કાંઠે કાંઠે જ બાંધેલું હોઈ પાઘડીપને પથરાયેલું હતું. આખા નગરની લંબાઈ દોઢ માઈલ ઉપર હશે. એટલે એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે નગરની અંદર થોડે થોડે વખતે દોડતી બસ સર્વિસની વ્યવસ્થા રાખવામાં આવી હતી તથા નેતાઓ માટે અમદાવાદ અને મુંબઈથી મળીને પંદરેક મોટરો મંગાવી હતી.

પ્રદર્શનની આખી વ્યવસ્થા ચરખા સંઘ તથા ગ્રામ-ઉદ્યોગ સંઘને સોંપેલી હતી. તેમણે દેશના બધા પ્રાંતોની જુદી જુદી જાતની ખાદીના તથા ગ્રામઉદ્યોગના નમૂના એકઠા કરીને આકર્ષક રીતે ગોઠવ્યા હતા. તે ઉપરાંત બધી વસ્તુઓ બનાવવા માટેની તમામ ક્રિયાઓ પણ ત્યાં પ્રત્યક્ષ બતાવવામાં આવતી. પ્રદર્શનની સાથે એક વિશાળ સ્વદેશી બજાર ઊભું કરવામાં આવ્યું હતું. પ્રદર્શન જોઈને તો લોકો રાજી થતા જ હતા. એ ઉપરાંત ખાદી અને ગ્રામ-ઉદ્યોગો આપણાં ગામડાંની બેકારી શી રીતે નાબૂદ કરી શકે એમ છે અને શી રીતે આપણાં ભાંગતાં ગામડાંમાં નવો પ્રાણ ફેંકી શકે એમ છે તેનો શાસ્ત્રીય અભ્યાસ કરવા ઇચ્છનારને મબલક સામગ્રી આ પ્રદર્શન પૂરી પડતું હતું.

કૉંગ્રેસનાં રસોડાંમાં દરરોજ ટકે વીસથી પચીસ હજાર માણસ જમતું. આપણો દેશ વિશાળ હોઈ જુદા જુદા પ્રાંતના માણસોનો રોજનો ખોરાક જુદો જુદો હોય છે. વસ્તુ એક હોય તો પણ રાંધવાની રીતમાં જુદા જુદા પ્રાંતમાં ઘણો ફરક હોય છે. કૉંગ્રેસમાં બધા પ્રાંતના પ્રતિનિધિઓ આવતા હોઈ તેમની જુદી જુદી અભિરુચિઓને સંતોષવા ખાતર ઘણી કૉંગ્રેસમાં પ્રાંતવાર રસોડાં જુદાં રાખવામાં આવે છે. હરિપુરામાં એવી સગવડ રાખી હતી ખરી, પણ એક જ પ્રાંતે જુદું રસોડું કર્યું. મુખ્ય રસોડામાં જ એટલો સરસ ખોરાક આપવામાં આવતો કે એ જુદા રસોડામાં જમનારની સંખ્યા બીજે જ દિવસેથી ઘણી ઘટી ગઈ. ફૈઝપુરના અનુભવ ઉપરથી જણાયું હતું કે આસપાસનાં ગામડાંમાંથી આવનારા લોકો માટે કંઈક સાદી વ્યવસ્થા રાખવાની જરૂર હતી. એટલે ગામડાંમાંથી આવનારા લોકો માટે મોટા માંડવા બાંધી તેમાં તેમની જમવાની તથા સૂવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ગ્રામરસોડામાં ચોખા, દાળ અને શાકનું ભોજન બંને ટંક આપવામાં આવતું અને તેના ટંકના છ પૈસા લેવામાં આવતા. આ રસોડામાં પણ દરરોજ આઠથી દસ હજાર માણસ જમતું. આ ઉપરાંત પોતાનાં ગાડાં ત્યાં રાખીને તેમાં જ રહેનારા ઘણા લોકની ગણતરી કરવામાં આવી હતી. લોકો માટે એક વિશાળ ચોક રાખવામાં આવ્યો હતો. માણસો માટે તો પાણીની વ્યવસ્થા ત્યાં રાખી જ હતી. ઉપરાંત બળદ માટે પણ ઘાસ દાણાની તથા પાણીની વ્યવસ્થા રાખી હતી. એનો લાભ પણ ઘણા માણસોએ લીધો. આ આખા વિભાગની દેખરેખ શ્રી રવિશંકર મહારાજે રાખી હતી.

 વિઠ્ઠલનગરમાં રાતદિવસ રહેનાર માણસની સંખ્યા પચાસથી પંચોતેર હજારની ગણાય. ઘણા માણસો તો બધું જોઈને સાંજ પડ્યે જતા રહે એવું બનતું. કૉંગ્રેસના છેલ્લા અઠવાડિયામાં દિવસની વસ્તી લગભગ બે લાખની રહેતી. આ બધા માટે સ્વચ્છતાની ભારે વ્યવસ્થા હોય તો જ નગરની સુખાકારી જળવાઈ રહે. એ કામ શ્રી જુગતરામ દવેએ માથે લીધું હતું. એમણે લગભગ બે હજાર સ્વયંસેવકોને સ્વચ્છતા રાખવાની તાલીમ આપીને તૈયાર કર્યા હતા. તેમાં મોટા ભાગના સ્વયંસેવકો ગુજરાતની શાળાઓ તથા કૉલેજોના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો હતા. લાંબી ચરો (ખાઈઓ) ખોદી તેના ઉપર પાટિયાં મૂકી તથા ઓઠા માટે પાલાં ગોઠવી જાજરૂ તથા મુતરડીઓની વ્યવસ્થા કરી હતી. એ સાફ રહે એટલા માટે વાપર્યા પછી તેના ઉપર માટી નાખી દેવાની સૂચનાઓ દરેક જગ્યાએ ટાંગવામાં આવી હતી. છતાં એ સૂચનાઓનો પૂરા અમલ થતો નહીં એટલે સ્વયંસેવકોએ કલાકે કલાકે જાજરૂઓ અને મુતરડીઓ તપાસી તેમાં માટી નાખવાની રહેતી. તે ઉપરાંત તમામ રસ્તા તથા જુદા જુદા ચોકમાંથી ઝાડુ મારવાનું રહેતું. પંડિત જવાહરલાલજીએ આ સફાઈ સ્વયંસેવકો આગળ બોલતાં જણાવેલું કે સરદાર વલ્લભભાઈએ આ શાનદાર નગર અહીં બનાવ્યું છે પણ તેની ખરી શાન તમારા અથાગ પરિશ્રમને લીધે જ સચવાઈ છે.

કૉંગ્રેસના અધિવેશનમાં ટિકિટ લઈને આવનારા માણસોની સંખ્યા દરરોજ પંચોતેર હજારની થતી. લાઉડસ્પીકરની વ્યવસ્થા એવી રાખી હતી કે અધિવેશનમાં થતાં ભાષણો કૉંગ્રેસના મંડપની બહારના માણસો પણ સાંભળી શકે. જે વિશાળ ચોકની વચમાં બહુ ઊંચા સ્તંભ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકતો હતો તે ઝંડાચોકમાં બેસીને લાખો માણસો વગર ટિકિટે કૉંગ્રેસમાં ચાલતાં ભાષણો સાંભળી શકતા.

મનુષ્યપ્રયત્નથી કરેલી આ બધી વ્યવસ્થાના રંગમાં કુદરતે થોડોક ભંગ પાડ્યો. ફેબ્રુઆરી મહિનો હોવા છતાં કૉંગ્રેસના અધિવેશનના બે દિવસ ભારે ઠંડીનું મોજું આવ્યું. એક દિવસ અને રાત ધૂળની આંધી પણ સખત ચાલી અને થોડો વરસાદ પડ્યો. તેને લીધે ઘણાં ઝૂંપડાં ઉપરનાં પાલાં ઊડી ગયાં તથા પ્રદર્શનની બધી વસ્તુઓ સાચવવાનું બહુ મુશ્કેલ થઈ પડ્યું. પણ વસ્તુઓને નુકસાન થયું તેના કરતાં માણસોને નુકસાન થયું તેથી કૉંગ્રેસની બધી વ્યવસ્થા કરનારાઓના અને ખાસ કરીને સરદારના દિલને ભારે ચોટ લાગી. આ તોફાન થયું તે પહેલાં એક સ્વયંસેવક નદીમાં નાહતાં ડૂબી ગયો હતો. તેનો અગ્નિદાહ કરતી વખતે સાબરમતી આશ્રમના સંગીતશાસ્ત્રી પંડિતજી ખરેએ ‘મંગળ મંદિર ખોલો’નું ગીત બહુ કરુણ સ્વરે ગાયું હતું. પંડિતજીને .


બીજે જ દિવસે ઈન્ફ્લુએન્ઝા લાગુ પડ્યો તેમાંથી આ તોફાન અને આંધીમાં તેમને ન્યૂમોનિયા થઈ ગયો. કૉંગ્રેસની ઈસ્પિતાલમાં અતિશય સારવાર કરવા છતાં તેમનું અવસાન થયું. આ આંધી વખતે થયેલા ઈન્ફ્લુએન્ઝાથી બે ભાઈઓ ઘેર ગયા પછી મરણ પામ્યા. આ કૉંગ્રેસની સાથે જોડાયેલી આ કરુણ ઘટનાઓ છે.

આ કુદરતી આફત બાદ કરતાં, કૉંગ્રેસમાં આવેલા સૌ કોઈ, જેમણે પહેલાંની સઘળી કૉંગ્રેસો જોયેલી એવા કૉંગ્રેસના જૂના જોગીઓ પણ કહેતા કે, આટલા વિશાળ પાયા ઉપર કરવામાં આવેલી સાંગોપાંગ વ્યવસ્થા અને ધામધૂમ પહેલાંની કોઈ કૉંગ્રેસમાં અમે જોઈ નથી. અલબત્ત આ બધાની પાછળ સરદારની ઝીણવટભરી યોજનાશક્તિ, પોતાને આંગણે આવેલા નેતાઓ, માનવંતા મહેમાનો અને નાના ખેડૂતોનું પણ પ્રેમપૂર્વક સ્વાગત કરવાનો ઉત્સાહ અને પોતે પસંદ કરેલા સાથીઓ ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકી દઈ, દિલદારીથી તેમને જોઈતાં તમામ સાધનો પૂરાં પાડવાની તત્પરતા એ મુખ્ય કારણ હતું.